વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 ઑક્ટોબર પાન ૬-૧૧
  • તમને સાચી ખુશી કઈ રીતે મળી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમને સાચી ખુશી કઈ રીતે મળી શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ વાંચો અને એનો અભ્યાસ કરો
  • યહોવાનાં ધોરણો પ્રમાણે જીવો
  • યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખો
  • એક જોરદાર દાખલો
  • ‘આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • કઈ રીતે સુખી બની શકાય?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • સાચું સુખ કઈ રીતે મળી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 ઑક્ટોબર પાન ૬-૧૧

અભ્યાસ લેખ ૪૧

તમને સાચી ખુશી કઈ રીતે મળી શકે?

“યહોવાનો ડર રાખનાર અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.”—ગીત. ૧૨૮:૧.

ગીત ૧૪ કદી દુઃખના કાંટા નહિ ખૂંચે

ઝલકa

૧. આપણામાં કઈ ઇચ્છા મૂકવામાં આવી છે અને એ ઇચ્છા પ્રમાણે કરવાથી કેમ ખુશી મળે છે?

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જેનાથી પળ બે પળની ખુશી મળે છે. પણ એ કંઈ સાચી ખુશી નથી. સાચી ખુશી તો હંમેશાં ટકે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જણાવ્યું હતું કે એવી ખુશી કઈ રીતે મળી શકે. તેમણે કીધું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.” (માથ. ૫:૩) ઈસુને ખબર હતી કે આપણામાં એવી ઇચ્છા મૂકવામાં આવી છે કે આપણે સર્જનહાર યહોવા વિશે શીખીએ અને તેમની ભક્તિ કરીએ. એ ઇચ્છા પ્રમાણે કરવાથી ખુશી મળે છે. બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. એટલે તેમની ભક્તિ કરીશું તો ખુશ રહી શકીશું.—૧ તિમો. ૧:૧૧.

“સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે.”—માથ. ૫:૧૦ (ફકરા ૨-૩ જુઓ)d

૨-૩. (ક) માથ્થી ૫:૪, ૧૦, ૧૧ પ્રમાણે આપણે કેવા સંજોગોમાં પણ ખુશ રહી શકીએ? (ખ) આ લેખમાં શું જોઈશું અને એ જાણવું કેમ જરૂરી છે?

૨ શું આપણા જીવનમાં બધું ઠીક ચાલી રહ્યું હોય, કોઈ જ તકલીફ ના હોય, ત્યારે જ ખુશ રહી શકાય? ના, એવું નથી. ભલે જીવનમાં કોઈ પણ ઉતાર-ચઢાવ આવે, આપણે ખુશ રહી શકીએ છીએ. ઈસુએ કીધું હતું: “જેઓ શોક કરે છે તેઓ સુખી છે.” આ એવા લોકો હોય શકે જેઓએ કોઈ પાપ કે ભૂલ કરી હતી અને એના લીધે બહુ દુઃખી છે. તેઓ એવા લોકો પણ હોય શકે જેઓ મોટી મુશ્કેલીઓના લીધે હેરાન-પરેશાન છે. પણ એ બધા લોકો ખુશ રહી શકે છે. ઈસુએ એમ પણ કીધું હતું કે “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે” અને જેઓ તેમના શિષ્ય હોવાને લીધે “નિંદા” સહન કરે છે, તેઓ પણ ખુશ રહી શકે છે. (માથ. ૫:૪, ૧૦, ૧૧) આવી મુશ્કેલીઓમાં કોઈ કઈ રીતે ખુશ રહી શકે?

૩ ઈસુ શીખવી રહ્યા હતા કે જીવનમાં બધું સારું ચાલતું હોય તો જ સાચી ખુશી મળે એવું જરૂરી નથી. પણ સાચી ખુશી મેળવવા ઈશ્વર વિશે શીખવું જોઈએ, તેમની ભક્તિ કરવી જોઈએ અને તેમની નજીક જવું જોઈએ. (યાકૂ. ૪:૮) આ લેખમાં જોઈશું કે કયા ત્રણ પગલાં ભરવાથી સાચી ખુશી મળી શકે છે.

બાઇબલ વાંચો અને એનો અભ્યાસ કરો

૪. સાચી ખુશી મેળવવા શું કરવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧:૧-૩)

૪ પહેલું પગલું: સાચી ખુશી મેળવવા બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. માણસો અને પ્રાણીઓને જીવતા રહેવા ખોરાકની જરૂર પડે છે. પણ ઈસુએ જણાવ્યું કે માણસોને બીજા કશાકની વધારે જરૂર છે. તેમણે કીધું: “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.” (માથ. ૪:૪) જેમ આપણે દરરોજ જમીએ છીએ, તેમ દરરોજ બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. ગીતશાસ્ત્રના એક લેખકે કીધું: ‘ધન્ય છે એ માણસને, જે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે અને જે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચે છે.’—ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.

૫-૬. (ક) બાઇબલમાંથી આપણને શું જાણવા મળે છે? (ખ) આપણે કેમ બાઇબલ વાંચવું જોઈએ?

૫ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેમણે બાઇબલમાં જણાવ્યું છે કે સાચી ખુશી કઈ રીતે મળી શકે. બાઇબલમાંથી જાણવા મળે છે કે આપણા માટે યહોવાનો હેતુ શું છે અને આપણે કઈ રીતે તેમની સાથે પાકી દોસ્તી કરી શકીએ. એ પણ જાણવા મળે છે કે યહોવા આપણને માફ કરે માટે શું કરવું જોઈએ. બાઇબલમાંથી એક આશા પણ મળે છે. એ છે કે ભાવિમાં આપણને સરસ મજાનું જીવન મળશે. (યર્મિ. ૨૯:૧૧) આ બધું શીખીએ છીએ ત્યારે આપણું દિલ ખુશીઓથી ભરાય જાય છે!

૬ બાઇબલમાં રોજબરોજના જીવન માટે પણ સરસ સલાહ છે. એ સલાહ પાળવાથી ખુશ રહી શકીએ છીએ. એટલે તમે દુઃખી હો કે હિંમત હારી ગયા હો ત્યારે બાઇબલ વાંચવા અને એના પર મનન કરવા વધારે સમય કાઢો. ઈસુએ કીધું હતું: “સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”—લૂક ૧૧:૨૮.

૭. કઈ રીતે બાઇબલ વાંચવું જોઈએ અને એનાથી કેવા ફાયદા થશે?

૭ તમે બાઇબલ વાંચો ત્યારે ઉતાવળ ન કરો, આરામથી વાંચો. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈએ તમારું ભાવતું જમવાનું બનાવ્યું હોય, પણ એ જમતી વખતે તમારું ધ્યાન બીજે જ ક્યાંય હોય? અથવા તો બહુ ટાઇમ ના હોય તો એની મજા લીધા વગર તમે ફટાફટ ખાવાનું ખાઈ ગયા હો? પણ પછી તમને લાગ્યું હોય કે ‘અરે, મેં આરામથી ખાધું હોત તો સારું થાત! મારે એક એક કોળિયાનો ટેસ્ટ લેવાનો હતો.’ બાઇબલ વાંચવા વિશે પણ એવું જ છે. જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું તો એનો સંદેશો સારી રીતે સમજી નહિ શકીએ. બાઇબલ વાંચવાની મજા નહિ માણી શકીએ. એટલે બાઇબલ વાંચતી વખતે ઉતાવળ ન કરો. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે એ ઘટનાની કલ્પના કરો. ત્યાં શું બની રહ્યું છે, કેવા અવાજો આવી રહ્યા છે એનો વિચાર કરો. તમે એ અહેવાલમાંથી શું શીખી શકો એનો પણ વિચાર કરો. આ રીતે બાઇબલ વાંચશો તો તમને મજા આવશે અને ખુશી મળશે.

૮. “વિશ્વાસુ અને સમજુ ચાકર” કઈ રીતે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે? (ફૂટનોટ પણ જુઓ.)

૮ ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો છે, જેથી તે આપણને યોગ્ય સમયે ખોરાક આપે. એ ચાકર પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. તે આપણને ભરપૂર સાહિત્ય પૂરાં પાડે છે.b (માથ. ૨૪:૪૫) એ સાહિત્ય બાઇબલ આધારિત છે. (૧ થેસ્સા. ૨:૧૩) એ વાંચીને આપણે યહોવાના વિચારો જાણી શકીએ છીએ. એટલે ખૂબ મહત્ત્વનું છે કે આપણે ચોકીબુરજ અને સજાગ બનો! વાંચીએ. jw.org પર આપેલા લેખો વાંચીએ. બધી સભાઓની સારી તૈયારી કરીએ. દર મહિને JW બ્રૉડકાસ્ટિંગ જોઈએ. જો આપણે બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરીશું, તો સાચી ખુશી મેળવવાનું બીજું પગલું ભરી શકીશું.

યહોવાનાં ધોરણો પ્રમાણે જીવો

૯. સાચી ખુશી મેળવવા આપણે બીજું શું કરવું જોઈએ?

૯ બીજું પગલું: સાચી ખુશી મેળવવા યહોવાનાં ધોરણો પ્રમાણે જીવીએ. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “યહોવાનો ડર રાખનાર અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.” (ગીત. ૧૨૮:૧) યહોવાનો ડર રાખવાનો મતલબ એ નથી કે તેમનાથી ડરી ડરીને જીવીએ. પણ તેમનો ડર રાખવો એટલે એવું કોઈ કામ ન કરીએ, જેનાથી તે દુઃખી થાય. (નીતિ. ૧૬:૬) બાઇબલમાં યહોવાએ લખાવ્યું છે કે તેમની નજરે શું સાચું અને શું ખોટું છે. યહોવાનાં એ ધોરણો પ્રમાણે જીવવાની આપણે પૂરી કોશિશ કરવી જોઈએ. (૨ કોરીં. ૭:૧) તેમને ગમતાં કામો કરીશું અને તે ધિક્કારે છે એવાં કામો નહિ કરીએ તો ખુશ રહી શકીશું.—ગીત. ૩૭:૨૭; ૯૭:૧૦; રોમ. ૧૨:૯.

૧૦. રોમનો ૧૨:૨ પ્રમાણે યહોવાનાં ધોરણો જાણવાની સાથે સાથે આપણે બીજું શું કરવું જોઈએ?

૧૦ રોમનો ૧૨:૨ વાંચો. બની શકે, એક વ્યક્તિ જાણતી હોય કે ખરાં-ખોટાં વિશે ધોરણો નક્કી કરવાનો હક ફક્ત યહોવાનો છે. પણ એટલું જ જાણવું પૂરતું નથી. તેણે એ ધોરણો પાળવાં જોઈએ. એને સમજવા એક દાખલો જોઈએ. એક વ્યક્તિ જાણે છે કે સરકાર પાસે એ નિયમ ઘડવાનો હક છે કે રસ્તા પર વાહન કેટલી સ્પીડમાં ચલાવવું. પણ વ્યક્તિ જે રીતે વર્તશે, એનાથી દેખાઈ આવશે કે તે નિયમ પાળે છે કે નહિ. એવી જ રીતે, જો આપણે માનતા હોઈએ કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી આપણું ભલું થાય છે, તો એ આપણાં કાર્યોથી દેખાઈ આવવું જોઈએ. આપણે એ પ્રમાણે જીવવું જોઈએ. (નીતિ. ૧૨:૨૮) દાઉદ જાણતા હતા કે યહોવાનાં ધોરણો પાળવાથી જ સાચી ખુશી મળે છે. એટલે તેમણે કહ્યું: “તમે મને જીવનનો માર્ગ બતાવો છો. તમારી આગળ બસ આનંદ જ આનંદ છે. તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.”—ગીત. ૧૬:૧૧.

૧૧-૧૨. (ક) આપણે દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે શાનું ધ્યાન રાખવું જોઈએ? (ખ) મનોરંજનની પસંદગી કરતી વખતે ફિલિપીઓ ૪:૮નો સિદ્ધાંત કઈ રીતે મદદ કરી શકે?

૧૧ આપણે બહુ દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે એવું કંઈક કરવાનું વિચારીએ જેનાથી પોતાનું દુઃખ ભૂલી શકીએ. પણ એ સમયે ધ્યાન રાખવું જોઈએ કે એવું કંઈ ન કરીએ જેને યહોવા નફરત કરે છે.—એફે. ૫:૧૦-૧૨, ૧૫-૧૭.

૧૨ પ્રેરિત પાઉલે ફિલિપીનાં ભાઈ-બહેનોને જણાવ્યું કે ‘જે વાતો નેક, શુદ્ધ, પ્રેમાળ અને પ્રશંસાને લાયક છે એનો વિચાર કરતા રહો.’ (ફિલિપીઓ ૪:૮ વાંચો.) પાઉલ અહીંયા મનોરંજન વિશે વાત કરતા ન હતા. પણ તમે નવરાશની પળોમાં કંઈક કરવાનું વિચારતા હો, તો એ કલમના સિદ્ધાંત પર ધ્યાન આપી શકો. દાખલા તરીકે, તમને કોઈ ફિલ્મ જોવી છે. એ ફિલ્મ જોતા પહેલાં તમે પોતાને પૂછી શકો: ‘ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, શું એ નેક, શુદ્ધ અને પ્રેમાળ છે? શું એ પ્રશંસાને લાયક છે?’ તમે કોઈ પણ ગીત સાંભળવાના હો, પુસ્તક વાંચવાના હો કે પછી વીડિયો ગેમ રમવાના હો ત્યારે પણ તમે એ સવાલોનો વિચાર કરી શકો. એનાથી તમે પારખી શકશો કે યહોવાની નજરે શું સાચું છે અને શું ખોટું. જો આપણે યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવીશું, તો સાફ દિલ રાખી શકીશું. (ગીત. ૧૧૯:૧-૩; પ્રે.કા. ૨૩:૧) આમ આપણે ત્રીજું પગલું ભરવા તૈયાર થઈશું, જેનાથી સાચી ખુશી મળે છે.

યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખો

૧૩. સાચી ખુશી મેળવવા આપણે બીજું શું કરવું જોઈએ? (યોહાન ૪:૨૩, ૨૪)

૧૩ ત્રીજું પગલું: યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખીએ. યહોવા આપણા સર્જનહાર છે એટલે તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટી. ૪:૧૧; ૧૪:૬, ૭) તે ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરવી જોઈએ, એટલે કે “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી.” (યોહાન ૪:૨૩, ૨૪ વાંચો.) પવિત્ર શક્તિની મદદથી આપણે બાઇબલનું શિક્ષણ સમજી શકીએ છીએ અને એના આધારે યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. આપણા કામ પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવામાં આવે તોપણ આપણે યહોવાની ભક્તિ કરવામાં પાછી પાની કરવી ન જોઈએ. યહોવાની ભક્તિ કરવાને લીધે આજે ૧૦૦થી પણ વધારે ભાઈ-બહેનો જેલમાં છે.c તેઓ જેલમાં પણ યહોવાને પ્રાર્થના કરે છે, અભ્યાસ કરે છે તેમજ બીજાઓને યહોવા અને તેમના રાજ્ય વિશે જણાવે છે. તેઓ એમ કરવાની એકેય તક જવા દેતા નથી. એ બધું કરવાથી તેઓને ખુશી મળે છે. જો આપણી પણ નિંદા કે સતાવણી થાય તો ભરોસો રાખીએ કે યહોવા આપણી સાથે છે અને તે યોગ્ય સમયે આપણને ઇનામ આપશે. આમ આપણે ખુશ રહી શકીશું.—યાકૂ. ૧:૧૨; ૧ પિત. ૪:૧૪.

એક જોરદાર દાખલો

૧૪. તાજિકિસ્તાનના એક ભાઈ સાથે શું બન્યું?

૧૪ આજે ભાઈ-બહેનો મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરે છે. તેઓ એ મુશ્કેલીઓમાં પણ ખુશ રહે છે. કેમ કે તેઓએ એ ત્રણ પગલાં ભર્યાં છે, જેના વિશે આપણે આ લેખમાં જોયું. તાજિકિસ્તાનના એક ભાઈ પર ઘણી મુશ્કેલીઓ આવી. તેનું નામ જોવીડોન બાબાજોનોવ છે. તે ૧૯ વર્ષનો હતો ત્યારે તેને સેનામાં ભરતી થવાનું કહેવામાં આવ્યું. પણ તેણે ના પાડી દીધી. એટલે ૪ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ પોલીસ તેને ઘરેથી ઉપાડી ગઈ. મહિનાઓ સુધી તેને કેદ કરવામાં આવ્યો. તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો. એ વિશે ઘણા દેશની મીડિયાએ જણાવ્યું. સમાચારમાં આવ્યું કે જોવીડોનને મારવામાં આવ્યો, અધિકારીઓએ તેની સાથે બળજબરી કરી, જેથી તે સેનામાં ભરતી થવા શપથ લે અને સૈનિકોની વરદી પહેરે. પછી અદાલતે તેને સજા ફટકારી અને જેલમાં મોકલી દીધો. પછીથી ત્યાંના રાષ્ટ્રપતિએ તેને આઝાદ કરવાનો હુકમ આપ્યો. આ અઘરા સમયમાં પણ જોવીડોન ખુશ રહી શક્યો અને યહોવાને વફાદાર રહ્યો. તે કેમ એવું કરી શક્યો? કેમ કે એ મુશ્કેલ સંજોગોમાં તેણે યહોવા સાથે દોસ્તી મજબૂત રાખી.

ચિત્રો: જોવીડોન બાબાજોનોવ. ૧. તે જેલની બારીમાંથી બહાર જુએ છે. ૨. તે થેલી પર લખેલું દરરોજનું વચન વાંચે છે. ૩. તે પ્રાર્થના કરે છે.

જોવીડોન યહોવા વિશે શીખતો રહ્યો અને તેમનાં ધોરણો પ્રમાણે જીવતો રહ્યો. તેણે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી (ફકરા ૧૫-૧૭ જુઓ)

૧૫. જોવીડોન કઈ રીતે જેલમાં પણ યહોવા વિશે શીખતો રહ્યો?

૧૫ જોવીડોન પાસે જેલમાં ન તો બાઇબલ હતું, ન તો કોઈ સાહિત્ય. તોપણ તે યહોવા વિશે શીખતો રહ્યો. કઈ રીતે? જે ભાઈ-બહેનો તેને જેલમાં જમવાનું મોકલતાં, તેઓ જમવાની થેલી પર દરરોજનું વચન લખતાં. એનાથી તે રોજ બાઇબલની કલમ વાંચી શક્યો અને એના પર મનન કરી શક્યો. આઝાદ થયા પછી જોવીડોને કીધું: “જે ભાઈ-બહેનોએ અત્યાર સુધી મોટી મોટી કસોટીઓનો સામનો કર્યો નથી, તેઓને હું એક અરજ કરવા માંગું છું. તમે તમારી આઝાદીનો ભરપૂર ફાયદો ઉઠાવો. સમય છે ત્યાં સુધી ખૂબ જરૂરી છે કે તમે બાઇબલ વાંચતા રહો, સાહિત્યનો અભ્યાસ કરતા રહો અને જેટલું બને એટલું યહોવા વિશે શીખતા રહો.”

૧૬. જોવીડોન જેલમાં પણ શાના વિશે વિચારતો રહ્યો?

૧૬ જોવીડોન યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતો રહ્યો. તેણે પોતાના મનમાં ખોટા વિચારો ન આવવા દીધા. એના બદલે તેણે વિચાર્યું કે યહોવાને શું ગમે છે. તેણે પોતાનાં વાણી-વર્તન સારાં રાખ્યાં. યહોવાએ બનાવેલી સૃષ્ટિને તે અવાર-નવાર નિહાળતો. સવારે તે પક્ષીઓનો કલરવ સાંભળતો, રાતે તે ચાંદ-તારા જોતો. તેણે કીધું: “યહોવાએ બનાવેલી સૃષ્ટિ મારા માટે અનમોલ ભેટ જેવી હતી. એનાથી મને ઘણી ખુશી અને હિંમત મળતી.” યહોવાએ બનાવેલી સૃષ્ટિ નિહાળીશું અને બાઇબલમાંથી અભ્યાસ કરતા રહીશું તો આપણે ખુશ રહી શકીશું. મોટી મોટી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું.

૧૭. કસોટીઓમાં પણ જોવીડોનની જેમ વફાદાર રહીશું તો ૧ પિતર ૧:૬, ૭ પ્રમાણે શું થશે?

૧૭ જોવીડોને યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી. ઈસુએ કીધું હતું: “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.” (લૂક ૪:૮) જોવીડોન પણ યહોવાને વફાદાર રહેવા માંગતો હતો, પછી ભલે કંઈ પણ થઈ જાય. તે યહોવાની ભક્તિ છોડી દે, એ માટે અધિકારીઓએ અને સૈનિકોએ ઘણા ધમપછાડા કર્યા. પણ જોવીડોન યહોવાને રાત-દિવસ કાલાવાલા કરતો રહ્યો, જેથી તે હિંમત રાખી શકે અને વફાદાર રહી શકે. અધિકારીઓએ તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો. તોપણ જોવીડોન અડગ રહ્યો, યહોવાને વફાદાર રહ્યો. પોલીસ તેને ઘરેથી ઉપાડી ગઈ, તેને માર્યો અને જેલમાં પૂરી દીધો. આ બધાને લીધે તેની શ્રદ્ધાની પરખ થઈ. પણ હવે તે બહુ ખુશ છે, કેમ કે પહેલાં કરતાં આજે તેની શ્રદ્ધા વધારે મજબૂત છે.—૧ પિતર ૧:૬, ૭ વાંચો.

૧૮. ભલે જીવનમાં ગમે એવા ઉતાર-ચઢાવ આવે આપણે કઈ રીતે ખુશ રહી શકીએ?

૧૮ યહોવા જાણે છે કે સાચી ખુશી કઈ રીતે મળી શકે. તેમણે આપણને જણાવ્યું છે કે એ મેળવવા શું કરવું જોઈએ. આ લેખમાં જણાવેલાં ત્રણ પગલાં ભરીશું તો જીવનમાં ભલે ગમે એવા ઉતાર-ચઢાવ આવે, આપણે ખુશ રહી શકીશું. આપણે ખુશી ખુશી ગીતશાસ્ત્રના લેખકની જેમ કહીશું: “જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!”—ગીત. ૧૪૪:૧૫.

નીચે આપેલાં પગલાં ભરીને કઈ રીતે સાચી ખુશી મળી શકે?

  • પહેલું પગલું: બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો

  • બીજું પગલું: યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું

  • ત્રીજું પગલું: યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવી

ગીત ૬ અમારી પ્રાર્થના

a ઘણાને લાગે છે કે મોજમજા કરવાથી, પુષ્કળ ધનદોલત ભેગી કરવાથી, મોટું નામ બનાવવાથી કે પછી ઊંચો હોદ્દો મેળવવાથી સાચી ખુશી મળે છે. પણ હકીકતમાં એ બધાથી સાચી ખુશી મળતી નથી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે સાચી ખુશી કઈ રીતે મળી શકે. આ લેખમાં જોઈશું કે કયા ત્રણ પગલાં ભરવાથી સાચી ખુશી મળી શકે.

b ઑગસ્ટ ૧૫, ૨૦૧૪ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “શું તમને ‘વખતસર ખાવાનું’ મળી રહ્યું છે?”

c વધુ જાણવા jw.org વેબસાઇટ પર અંગ્રેજીમાં “ઇમપ્રિઝન્ડ ફોર ધેર ફેઇથ” જુઓ.

d ચિત્રની સમજ: જ્યારે ભાઈ-બહેનોને પકડીને અદાલતમાં લઈ જવામાં આવે છે ત્યારે ઘણી વાર બીજાં ભાઈ-બહેનો આજુબાજુ ઊભાં રહીને તેઓની હિંમત વધારે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો