પાઠ ૨૮
યહોવા અને ઈસુએ તમારા માટે જે કર્યું છે, એ કદી ન ભૂલો
જો તમારો કોઈ દોસ્ત તમને સુંદર ભેટ આપે, તો શું તમને ખુશી નહિ થાય? ચોક્કસ. તમે તેની દિલથી કદર કરશો, ખરું ને? યહોવા અને ઈસુએ પણ આપણને એક ખૂબ જ અનમોલ ભેટ આપી છે. એ છે ઈસુનું બલિદાન. શું એની તોલે બીજી કોઈ ભેટ આવી શકે? ના. તો પછી એ ભેટ માટે આપણે કઈ રીતે યહોવા અને ઈસુ માટે કદર બતાવી શકીએ?
૧. યહોવા અને ઈસુ માટે કદર બતાવવાની એક રીત કઈ છે?
બાઇબલમાં વચન આપ્યું છે કે ‘જે કોઈ ઈસુમાં શ્રદ્ધા મૂકે’ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે. (યોહાન ૩:૧૬) પણ શ્રદ્ધા મૂકવી એટલે શું? ‘હું ઈસુમાં માનું છું,’ એટલું જ કહેવું પૂરતું નથી, આપણાં નિર્ણયો અને કામોથી પણ દેખાઈ આવવું જોઈએ કે આપણને ઈસુમાં શ્રદ્ધા છે. (યાકૂબ ૨:૧૭) જ્યારે આપણે એમ કરીએ છીએ, ત્યારે યહોવા અને ઈસુ સાથેનો સંબંધ વધારે મજબૂત થાય છે.—યોહાન ૧૪:૨૧ વાંચો.
૨. યહોવા અને ઈસુ માટે કદર બતાવવાની બીજી રીત કઈ છે?
ચાલો ઈસુના બલિદાન માટે કદર બતાવવાની બીજી રીત જોઈએ. ઈસુએ પોતાના મરણની આગલી સાંજે શિષ્યો સાથે એક ખાસ પ્રસંગની શરૂઆત કરી હતી. એને “ઈસુનું સાંજનું ભોજન” કે પ્રભુભોજન કહેવામાં આવે છે. (૧ કોરીંથીઓ ૧૧:૨૦) એ પ્રસંગે ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરવામાં આવે છે, એટલે એને સ્મરણપ્રસંગ પણ કહેવામાં આવે છે. એ પ્રસંગે ઈસુએ આજ્ઞા આપી હતી, “મારી યાદમાં આ કરતા રહો.” (લૂક ૨૨:૧૯) શા માટે? તે ચાહતા હતા કે તેમના શિષ્યો યાદ રાખે કે ઈસુએ તેમના માટે જીવ આપ્યો છે. ઈસુ ચાહે છે કે આપણે પણ તેમના મરણના દિવસને યાદ રાખીએ. એટલે એ પ્રસંગમાં હાજર રહીને આપણે યહોવા અને ઈસુએ બતાવેલા પ્રેમ માટે તેઓની કદર કરીએ છીએ.
વધારે જાણો
યહોવા અને ઈસુએ બતાવેલા પ્રેમ માટે બીજી કઈ રીતોએ તેઓનો આભાર માની શકીએ? સ્મરણપ્રસંગે હાજર રહેવું કેમ જરૂરી છે? ચાલો જોઈએ.
૩. હું કઈ રીતે આભાર માની શકું?
કલ્પના કરો કે તમે પાણીમાં ડૂબી રહ્યા છો અને કોઈ આવીને તમને બચાવી લે છે. શું તમે તેનો ઉપકાર ભૂલી જશો, કે પછી તેનો આભાર માનવા કંઈક કરશો?
યહોવાની દયાને લીધે જ આપણને હંમેશ માટેનું જીવન મળવાનું છે. ૧ યોહાન ૪:૮-૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
ઈસુએ પોતાનું જીવન આપી દીધું, એ કેમ સૌથી અનમોલ ભેટ છે?
યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું, એ વિશે જાણીને તમને કેવું લાગે છે?
યહોવા અને ઈસુનો આભાર માનવા શું કરી શકીએ? ૨ કોરીંથીઓ ૫:૧૫ અને ૧ યોહાન ૪:૧૧; ૫:૩ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:
આ કલમ પ્રમાણે આપણે યહોવા અને ઈસુનો આભાર માનવા શું કરી શકીએ?
૪. ઈસુના પગલે ચાલો
યહોવા અને ઈસુ માટે કદર બતાવવાની બીજી એક રીત છે, ઈસુના પગલે ચાલીએ. ૧ પિતર ૨:૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તમે કઈ અલગ અલગ રીતે ઈસુના પગલે ચાલી શકો?
ઈસુ નિયમિત રીતે શાસ્ત્રવચનો વાંચતા, લોકોને પ્રચાર કરતા અને તેઓને મદદ કરતા
૫. સ્મરણપ્રસંગમાં આવો
જ્યારે ઈસુએ આ પ્રસંગની શરૂઆત કરી, ત્યારે તેમણે શું કર્યું, એ વિશે જાણવા લૂક ૨૨:૧૪, ૧૯, ૨૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
એ સાંજના ભોજન વખતે ઈસુએ શું કર્યું હતું?
રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?—કલમ ૧૯ અને ૨૦ જુઓ.
ઈસુ ચાહતા હતા કે તેમના શિષ્યો વર્ષમાં એક વાર તેમના મરણના દિવસને યાદ કરવા ભેગા મળે. પણ ક્યારે? ઈસુ મરી ગયા એ જ તારીખે. આજે યહોવાના સાક્ષીઓ પણ ઈસુની આજ્ઞા પ્રમાણે ભેગા મળે છે અને તેમના મરણના દિવસને યાદ કરે છે. ઈસુના મરણના આ ખાસ પ્રસંગ વિશે જાણવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
સ્મરણપ્રસંગમાં શું થાય છે?
રોટલી અને દ્રાક્ષદારૂ પ્રતીકો છે. રોટલી ઈસુના પાપ વગરના શરીરને રજૂ કરે છે, જે તેમણે આપણા માટે આપી દીધું. દ્રાક્ષદારૂ ઈસુના લોહીને રજૂ કરે છે
અમુક લોકો કહે છે: “ઈસુ મારા પ્રભુ અને ઉદ્ધાર કરનાર છે, મારે કંઈ કરવાની જરૂર નથી.”
યોહાન ૩:૧૬ અને યાકૂબ ૨:૧૭માંથી તમે કઈ રીતે સમજાવી શકો કે ઈસુમાં માનવા સિવાય બીજું પણ કંઈક કરવાની જરૂર છે?
આપણે શીખી ગયા
ઈસુએ આપણા માટે જે કર્યું, એ માટે તેમની કદર બતાવવા આપણે તેમનામાં શ્રદ્ધા મૂકવી જોઈએ અને સ્મરણપ્રસંગમાં જવું જોઈએ.
તમે શું કહેશો?
ઈસુમાં શ્રદ્ધા રાખવી એટલે શું?
યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું, એની કદર બતાવવા તમે શું કરી શકો?
સ્મરણપ્રસંગમાં હાજર રહેવું કેમ જરૂરી છે?
વધારે માહિતી
ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો. તો પછી આપણે શું કરવું જોઈએ?
શ્રદ્ધા હોવી એટલે શું? આપણે એ કઈ રીતે બતાવી શકીએ?
જ્યારે એક બહેનને સમજાયું કે ઈસુએ તેમના માટે પોતાનો જીવ આપી દીધો છે, ત્યારે તેમને કઈ રીતે ફાયદો થયો? એ વિશે જાણવા “મારું દિલ સાફ છે અને હું ખુશ છું” લેખ વાંચો.
સ્મરણપ્રસંગે કેમ ફક્ત અમુક જ લોકો રોટલી ખાય છે અને દ્રાક્ષદારૂ પીએ છે?
“યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?” (jw.org/gu પર આપેલો લેખ)