યુવાનો પૂછે છે
શું હું ભણવાનું છોડી દઉં?
તમારે કયા ધોરણ પછી સ્કૂલ છોડવી છે?
․․․․․
તમારા મમ્મી-પપ્પા કયા ધોરણ પછી સ્કૂલ છોડાવવા માગે છે?
․․․․․
ઉપરના બંને સવાલોનો જવાબ શું એક જ છે? જો એના જવાબ એક જ હોય તોય કોઈ વાર તમને લાગશે કે સ્કૂલ છોડી દેવી છે. શું તમે પણ આ યુવાનો જેવું અનુભવો છો?
• “કેટલીક વાર હું એટલી થાકી જઉં છું કે પથારીમાંથી ઊઠવાનું જ મન ન થાય. મને થાય કે ‘હું સ્કૂલમાં જે શીખું છું એ કંઈ કામ આવવાનું નથી તો, સ્કૂલે જવાની શી જરૂર?’”—રેચલ.
• “ઘણી વાર સ્કૂલથી એટલો થાકી જાઉં કે ભણવાનું છોડીને નોકરી કરવાનું મન થાય. મને લાગતું કે સ્કૂલે કંઈ શીખતો નથી, એના બદલે નોકરી કરીને પૈસા કમાવવા જોઈએ.”—જૉન.
• “રોજ રાત્રે ચારથી વધારે કલાક હૉમવર્ક કરું છું. હું એસાઇન્મેન્ટ, પ્રૉજેક્ટ્સ અને ટેસ્ટના ભારથી દબાઈ ગઈ છું. એક પતે પછી બીજું આવીને ઊભું રહે. આ મારા માટે ઘણું બધું કહેવાય, મારે બસ એમાંથી છૂટવું જ છે.”—સિન્ડી.
• “અમારી સ્કૂલમાં બૉમ્બ મૂકાયાની ધમકી અને ગેંગો વચ્ચે મારામારી થઈ છે. ત્રણ આત્મહત્યાના પ્રયાસ, એક આત્મહત્યા થઈ છે. ઘણી વાર આ બધું એટલું વધી જાય કે સ્કૂલ છોડવાનું મન થાય!”—રૉઝ.
શું તમને પણ આવી મુશ્કેલીઓ આવી છે? એવું હોય તો કયા કારણે તમે સ્કૂલ છોડવા માગો છો?
․․․․․
કદાચ તમે ખરેખર સ્કૂલ છોડવાનું વિચારતા હશો. જો એવું હોય તો શું તમને લાગે છે કે તમે પૂરતું ભણી લીધું છે? કે પછી તમે સ્કૂલથી કંટાળી ગયા છો એટલે એને છોડવા માગો છો?
શું અધવચ્ચે સ્કૂલ છોડી દેવી જોઈએ?
કેટલાક દેશોમાં ૫-૮ તો બીજા દેશોમાં ૧૦-૧૨ વર્ષ સ્કૂલનું શિક્ષણ હોય છે. એટલે ઉંમર કે ધોરણ વિષે કોઈ નિયમ નથી જે દુનિયામાં બધાને લાગુ પડે.
અમુક દેશો કે રાજ્યોમાં વિદ્યાર્થી બધા કે અમુક વિષયો સ્કૂલમાં જવાને બદલે ઘરેથી ભણી શકે છે. માબાપની સંમતિ અને સહકારથી તેઓ ઘરે બેઠા ભણે છે. એટલે એવું ન કહેવાય કે તેઓએ સ્કૂલ છોડી દીધી છે.
જો તમે ભણતર પૂરું કર્યા પહેલાં સ્કૂલ છોડવાનું વિચારતા હોવ તો નીચેના સવાલોનો વિચાર કરો:
કાયદો એના વિષે શું કહે છે? ઉપર જોઈ ગયા તેમ ઓછામાં ઓછું કેટલું ભણવું એ અંગે દરેક દેશના કાયદા અલગ અલગ હોય છે. તમારા દેશના નિયમ પ્રમાણે ઓછામાં ઓછું કેટલું ભણવું જોઈએ? શું તમે એટલું ભણી લીધું છે? જો એ પહેલા ભણવાનું છોડી દેશો, તો તમે બાઇબલની આ સલાહને નકારો છો: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને” એટલે કે દેશના કાયદાને આધીન રહેવું જોઈએ.—રૂમી ૧૩:૧.
શું મેં ભણવાનો ધ્યેય સિદ્ધ કર્યો છે? એ ધ્યેયો કયા છે જે તમે શિક્ષણમાંથી મેળવવા માગો છો? એ વિષે શું તમે અચોક્કસ છો? તમારે એ ચોક્કસ જાણવું જોઈએ! નહિતર તમે ટ્રેનમાંના એવા મુસાફર થશો જે જાણતો નથી તેની મંજિલ કઈ છે. તેથી પાન ૨૮ પર “ભણવાનો મારો ધ્યેય” બૉક્સમાં આપેલા સવાલોની મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરો. એનાથી તમને ધ્યેયો પૂરા કરવા મદદ મળશે. એ ઉપરાંત તમારા મમ્મી-પપ્પા અને તમને બંનેને નક્કી કરવા મદદ મળશે કે તમારે કેટલા ધોરણ સુધી ભણવું.—નીતિવચનો ૨૧:૫.
કેટલું ભણવું એ વિષે તમારા શિક્ષકો અને બીજાઓ ચોક્કસ સલાહ આપશે. પણ આખરી નિર્ણય લેવાનો હક્ક તો ફક્ત તમારા મમ્મી-પપ્પાનો જ છે. (નીતિવચનો ૧:૮; કોલોસી ૩:૨૦) તમે અને તમારાં મમ્મી-પપ્પાએ ઘડેલા ધ્યેય પ્રમાણે ભણવાનું પૂરું ન કરો તો તમે અધવચ્ચે સ્કૂલ છોડી દીધી કહેવાય.
અધવચ્ચે સ્કૂલ છોડવાના શું કારણો છે? પોતાને છેતરશો નહિ. (યિર્મેયાહ ૧૭:૯) સ્વાર્થ ખાતર બહાના કાઢવા એ માણસનો સ્વભાવ છે.—યાકૂબ ૧:૨૨.
અધવચ્ચે ભણતર છોડવાના યોગ્ય કારણો હોય તો નીચે લખો.
․․․․․
સ્કૂલ છોડવાના સ્વાર્થી કારણો નીચે લખો.
․․․․․
તમે કયા યોગ્ય કારણો લખ્યા? તમે કદાચ લખ્યું હશે કે કુટુંબને પૈસે ટકે મદદ કરવી છે અથવા બીજાઓને ઈશ્વર વિષે શીખવવું છે. પરીક્ષા ટાળવા અથવા હૉમવર્ક કરવું ન પડે એમ કદાચ સ્વાર્થી કારણોમાં લખ્યું હશે. હવે તમારે એ નક્કી કરવાનું છે કે સ્કૂલ છોડવાનો નિર્ણય સ્વાર્થી છે કે યોગ્ય?
તમે લખેલા કારણો તપાસો અને પ્રમાણિક રીતે એને ૧-૫ નંબર આપો. (ઓછા મહત્ત્વના કારણને નંબર ૧, સૌથી વધુ મહત્ત્વના કારણને નંબર ૫ આપો.) જો તમે મુશ્કેલીઓથી છૂટવા અધવચ્ચે સ્કૂલ છોડશો, તો પાછળથી પસ્તાવું પડશે.
સ્કૂલ છોડવામાં શું ખોટું છે?
સ્કૂલ છોડવી તો જાણે મંજિલે પહોંચ્યા પહેલા ટ્રેનમાંથી કૂદી પડવા જેવું છે. કદાચ ટ્રેન બરાબર ન હોય કે મુસાફરો સારા ન હોય. પણ ટ્રેનમાંથી કૂદી પડવાથી તમે મંજિલે નહિ પહોંચી શકો અને ઉલટાના ગંભીર રીતે ઘાયલ થશો. એ જ રીતે, જો તમે અધવચ્ચે સ્કૂલ છોડશો તો તમારા ધ્યેયો પૂરા નહિ થાય. તેમ જ, હાલ પૂરતા કે લાંબા સમય માટે મુશ્કેલીમાં આવી પડશો. જેમ કેઃ
હાલ પૂરતી મુશ્કેલીઓ કદાચ નોકરી શોધવી અઘરી પડે. અને મળે તો ય ઓછા પગારમાં મજૂરી કરવી પડે. અરે, સ્કૂલ કરતાં વધારે કંટાળો આવે એવી જગ્યાએ જીવન જરૂરિયાતો મેળવવા વધારે કલાકો કામ કરવું પડે. પણ સ્કૂલ પૂરી કરી હોય તો આ બધું ન બને.
લાંબા સમયની મુશ્કેલીઓ સંશોધન મુજબ ભણવાનું પૂરું કર્યા પહેલાં સ્કૂલમાંથી ઊઠી જાય છે, તેઓ મોટા ભાગે તંદુરસ્ત નથી હોતા. નાની ઉંમરે મા-બાપ બને છે. ગુનાને કારણે જેલમાં જાય છે. મદદ માટે સરકારનો સહારો લેવો પડે છે.
એનો એવો અર્થ નથી કે સ્કૂલ પૂરી કરવાથી મુશ્કેલીઓ જ નહિ આવે. એક વાત ચોક્કસ કે સ્કૂલમાંથી વહેલાં ઊઠી જશો તો, તમે પોતાના જ પગ પર કુહાડી મારો છો. શું એ વાજબી કહેવાય?
ભણવાથી થતા ફાયદા
જો તમે ટેસ્ટમાં ફેલ થાવ કે સ્કૂલમાં સારો દિવસ ન જાય, તો કદાચ સ્કૂલે જવાનું ન ગમે. એવા સમયે તમને મુશ્કેલીઓ એટલી મોટી લાગે કે ભવિષ્યનો વિચાર પણ ન આવે. તમને લાગે કે સ્કૂલ છોડી દેવી એ સૌથી સહેલો રસ્તો છે. પણ એમ કરતા પહેલાં લેખની શરૂઆતમાં જણાવેલા યુવાનો વિષે વિચારો. તેઓ જણાવે છે કે અધવચ્ચે સ્કૂલ ન છોડવાથી તેમને કેવા ફાયદા થયા.
• “હું ટેન્શન સહન કરતાં અને મન મક્કમ રાખતાં શીખી. તમારે કંઈ કરવામાં મજા માણવી હોય તો, રાજીખુશીથી કરવું જોઈએ. આ રીતે સ્કૂલમાં હું આર્ટ વિષે શીખી જેથી સહેલાઈથી નોકરી મળી શકે.”—રેચલ.
• “હું જાણું છું કે ભણવામાં સખત મહેનત કરીશ તો, નક્કી કરેલો ધ્યેય સિદ્ધ કરી શકીશ. હું પ્રેસ મિકૅનિક બની શકું માટે હાઈસ્કૂલમાં એવો કોર્સ લીધો.”—જૉન.
• “સ્કૂલમાં હું શીખી કે ક્લાસના કે બહારના કોયડા કઈ રીતે હલ કરવા. એનાથી હું સામાજિક અને શારીરિક કોયડા પણ હલ કરતા શીખી. તેમ જ, મને જવાબદાર બનવા મદદ મળી.”—સિન્ડી.
• “નોકરી-ધંધામાં આવતી મુશ્કેલીઓ સહેવા વિષે હું સ્કૂલે શીખી. તેમ જ, સ્કૂલમાં એવા સંજોગો ઊભા થયા જેનાથી મારે વિચારવું પડ્યું કે મારી માન્યતા શેના આધારે છે. એમ કરવાથી મારી શ્રદ્ધા પણ મજબૂત થઈ.”—રૉઝ.
બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું: “કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને મનના મગરૂર માણસ કરતાં મનના ધીરજવાન સારો છે.” (સભાશિક્ષક ૭:૮) ઉતાવળે સ્કૂલ છોડવાને બદલે મુશ્કેલીઓને ધીરજથી થાળે પાડો. એમ કરશો તો, તમારું ભવિષ્ય ઊજળું થશે. (g10-E 11)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
આનો વિચાર કરો
● નાના-નાના ધ્યેય બાંધવાથી સ્કૂલનો લાભ લેવા કઈ રીતે મદદ મળશે?
● સ્કૂલ છોડ્યા પછી કેવી નોકરી કરશો એ વિષે પહેલેથી અમુક જાણકારી હોવી કેમ મહત્ત્વની છે?
[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]
ખીજા યુવાનો શું કહે છે?
“સ્કૂલમાં પુસ્તકો માટે મારો પ્રેમ વિકસ્યો. વાંચનની ખાસિયત એ છે કે એનાથી તમે બીજાના વિચારો અને ભાવનાઓ સમજી શકો.”
“હું સમયનો સારો ઉપયોગ કરી શકતો ન હતો. સ્કૂલ ન હોત તો એનાથી વધારે મુશ્કેલ બન્યું હોત! સ્કૂલે જવાથી હું રૂટિનમાં રહેતાં, શેડ્યૂલ પ્રમાણે કામ કરતાં અને અગત્યનું કામ સમયસર કરતાં શીખ્યો.”
[ચિત્રો]
ઍસમી
ક્રિસ્ટોફર
[પાન ૨૮ પર ચિત્રનું મથાળું]
ભણવાનો મારો ધ્યેય
ભણવાનો મૂળ મકસદ છે કે તમે યોગ્ય નોકરી-ધંધો કરી શકો. એનાથી જતાં દિવસે તમે પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરી શકો. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦, ૧૨) શું તમે વિચાર્યું છે કે તમારે કેવું કામ કરવું છે? સ્કૂલ તમને એ માટે કઈ રીતે મદદ કરી શકે? તમારું ભણતર તમને ખરી દિશામાં લઈ જાય છે કે નહિ એ પારખવા આ સવાલોના જવાબ આપો:
તમારી પાસે શાની આવડત છે? (દાખલા તરીકે, શું તમે હળીમળીને કામ કરી શકો છો? શું તમને જાતે કોઈ વસ્તુ બનાવવી અને રિપેર કરવી ગમે છે? શું તમે કોયડાને સમજીને એનો નિકાલ લાવી શકો છો?)
․․․․․
કેવી નોકરી કરવાથી હું મારી આવડતો વિકસાવી શકું?
․․․․․
મારા વિસ્તારમાં કેવું કામ મળવાની તક છે?
․․․․․
હું અત્યારે કેવો કોર્સ કરું જેથી યોગ્ય નોકરી મળે?
․․․․․
હું કયા કોર્સ કરીશ જેથી ભણતર વિષેના મારા ધ્યેયો ઝડપથી સિદ્ધ કરી શકું?
․․․․․
ભૂલશો નહિ કે તમારા ભણતરનો મકસદ છે જતા દિવસે એ તમને કામ આવે. તેથી એ હદે ન જશો કે લાંબા સમય સુધી ભણ્યા જ કરો. એવું કરશો તો એ એના જેવું થશે કે જાણે જવાબદારી ઉપાડવી ન પડે માટે વ્યક્તિ ‘ટ્રેનમાંથી’ ઉતરે જ નહિ.
[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]
માબાપ માટે સૂચના
કદાચ અમુક યુવાનો કહેશે કે “મારા ટીચર સાવ કંટાળાજનક છે!” “બહુ જ હોમવર્ક હોય છે!” “પાસ થવા જેટલા માર્ક પણ માંડ માંડ લાવું છું, એવી મહેનત શું કામની?” એવા અણગમાને લીધે જીવન જરૂરિયાતો મેળવવાની આવડત શીખતા પહેલાં, અમુક યુવાનો સ્કૂલમાંથી ઊઠી જવાનું વિચારતા હોય છે. જો તમારા દીકરા કે દીકરીને સ્કૂલમાંથી ઊઠી જવું હોય તો તમે શું કરી શકો?
ભણતર વિષે તમે શું વિચારતા? તમે નાના હતા ત્યારે સ્કૂલને જેલ જેવી ગણતા? એ તો સમયનો બગાડ છે એમ વિચારતા? તેમ જ, શું એમ થતું કે એમાંથી ક્યારે છૂટું અને મનપસંદ ધ્યેયો પ્રમાણે કરી શકું? જો એવું હોય તો એની તમારા બાળકો પર અસર પડી શકે. ખરું કહીએ તો બધી બાબતો વિષે શીખવાથી તેઓને ‘વ્યવહારું જ્ઞાન, વિવેક બુધ્ધિ’ કેળવવા મદદ મળશે. એવા ગુણો તેઓને સફળ થવા મદદ કરશે.—નીતિવચનો ૩:૨૧.
ભણવા માટે યોગ્ય જરૂરિયાતો પૂરી પાડો. અમુક જણ સારા માર્ક મેળવી શકે છે, પણ તેઓ જાણતા નથી કે કંઈ રીતે અભ્યાસ કરવો. અથવા તો અભ્યાસ કરવા માટે પૂરતી વ્યવસ્થા ન હોય. મોકળાશથી અભ્યાસ કરવા પૂરતો પ્રકાશ અને યોગ્ય સાધનો હોય એવા રૂમની જરૂર છે. તમે બાળકોને કોઈ આવડતો કેળવવા અને ધાર્મિક બાબતોમાં પણ મદદ કરી શકો. એ માટે યોગ્ય માર્ગદર્શન અને તાલીમની જરૂર છે. એમ કરવાથી તેઓ નવા વિચારો પર સારી રીતે મનન કરી શકશે.—૧ તીમોથી ૪:૧૫.
તેઓને સાથ આપો. શિક્ષકોને દુશ્મન ન ગણો. તેઓને મળો તેમની સાથે ઓળખાણ કરો. તમારા બાળકના કયા ધ્યેય છે અને કેવી અડચણો પડે છે એ જણાવો. તમારું બાળક સારા માર્કસ લાવતું ન હોય તો, એનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે, તમારા બાળકને શું એવું લાગે છે કે સારા માર્ક લાવવાથી બીજા બાળકો હેરાન કરશે? શું તેને ટીચર સાથે બનતું નથી? જે ભણે છે એના વિષે કેવું લાગે છે? શું તેને શારીરિક નબળાઈ છે જેમ કે, શીખવામાં ધીમો હોય અથવા આંખની નબળાઈ હોય? બાળક જે શીખે છે એનાથી કંટાળો નહિ પણ હોંશ જાગવો જોઈએ.
તમે બાળકને બીજી આવડતો કેળવવા અને ધાર્મિક બાબતોમાં મદદ કરશો તેમ તે સફળ થશે.—નીતિવચનો ૨૨:૬.
[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]
સ્કૂલમાંથી અધવચ્ચે ઊઠી જઈશું તો, એ મંજિલ આવ્યા પહેલાં જ ટ્રેનમાંથી કૂદી પડવા જેવું છે