માઇગ્રેન તમે શું કરી શકો?
જોઈસી ઑફિસમાં કામ કરે છે. તેનો સ્વભાવ બોલકણો છે. તે અમુક કાગળિયા વાંચી રહી છે. અચાનક કાગળ પરના અક્ષરો ગાયબ થઈ ગયા. પછી તેની આંખ આગળ પ્રકાશના કુંડાળા દેખાયા, એમાં જુદી જુદી રેખાઓ અને વિચિત્ર આકાર દેખાવા લાગ્યા. અમુક પળો પછી તે માંડ માંડ જોઈ શકતી હતી. તેને ખ્યાલ આવ્યો કે શું થઈ રહ્યું છે. એટલે તેણે તરત જ નાની કેપ્સુલ ગળી જે આવા સંજોગોમાં જલ્દીથી રાહત આપે છે.
જોઈસીને માઇગ્રેનની (આધાશીશી) બીમારી છે. એ સામાન્ય માથાના દુખાવાથી ઘણી અલગ છે. અચાનક માથું દુઃખે એવો આ દુખાવો નથી. માઇગ્રેનમાં માથાનો દુખાવો જુદા પ્રકારનો હોય છે. એ દુખાવાથી માથું એવું ફાટે કે રોજિંદું કામ પણ ન થાય.
આધાશીશીના લક્ષણો કયા છે? એમાં દુખાવો શરૂ થાય, માથાની એક બાજુ સણકા મારવા મંડે. ઉબકા આવે અને તીવ્ર પ્રકાશમાં જોઈ ન શકે. એનો દુખાવો કદાચ કલાકો કે દિવસો સુધી ચાલે.
ખરું કે તણાવને કારણે મોટાભાગના વ્યક્તિઓને કોઈ વાર સામાન્ય માથું દુઃખે છે. જ્યારે દર દસમાંથી એક વ્યક્તિ માઇગ્રેનથી પીડાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં એ વધારે જોવા મળે છે. અમુકને બીજાના કરતાં લાંબો સમય દુખાવો રહે છે. પણ એનાથી રિબાતા મોટા ભાગના દર્દીઓ વર્ષમાં અમુક દિવસો નોકરી પર જઈ શકતા નથી. એના લીધે વ્યક્તિની આવક ઘટી જાય છે, જેનાથી કુટુંબ અને સામાજિક જીવન પર અસર પડે છે. એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા માઇગ્રેનને, વ્યક્તિને અપંગ કરતી ૨૦ મોટી બીમારીમાંની એક ગણે છે.
આધાશીશીનો દુખાવો શરૂ થાય એ પહેલાં અમુક વ્યક્તિને આમ થાય છે. જેમ કે, હાથ ઠંડા થઈ જાય, થાક-ભૂખ લાગે અથવા મૂડ બદલાવા લાગે. માથું દુઃખે એની અમુક પળો પહેલાં કદાચ અંધારા આવે, કાનમાં સીટી જેવો અવાજ સંભળાય, સોય કે ટાંકણી ભોંકાતી હોય એવો દુખાવો થાય, બધું ડબલ ડબલ દેખાય, બરાબર બોલી ન શકાય, હાથ-પગ ઢીલા થઈ જાય.
આધાશીશી શાને લીધે થાય છે એ કોઈ પણ પૂરેપૂરું જાણતું નથી. પરંતુ એવું લાગે છે કે ચેતાતંત્રમાં અમુક નબળાઈ હોવાથી મગજને લોહી પહોંચાડતી નસોમાં તકલીફ ઊભી થાય છે. એમાંથી લોહી પસાર થાય તેમ દુખાવાના સણકા મારે છે. ઇમર્જન્સી મેડિસિન નામનું મૅગેઝિન આમ કહે છે: “જેઓના ચેતાતંત્રમાં વારસાગત નબળાઈઓ છે તેઓને અનેક કારણોને લીધે માઇગ્રેન થવાની શક્યતા છે. જેમ કે, પૂરતી ઊંઘ ન લેવી, કશાકની સખત વાસ કે સુગંધ, મુસાફરી, ટાઇમસર ન ખાવાથી, ટેન્શન અને હોર્મોનમાં થતા ફેરફારને લીધે.” આધાશીશીના દર્દીને પાચનતંત્રમાં ગરબડ, વધુ પડતી ચિંતા અને ડિપ્રેશન પણ થઈ શકે.
રાહત મેળવવા શું કરવું?
વારસામાં મળેલું ચેતાતંત્ર બદલી શકાતું નથી. વારંવાર આધાશીશીનો હુમલો ન થાય માટે તમે કદાચ યોગ્ય પગલાં લઈ શકો. અમુક વ્યક્તિઓ રોજબરોજ ડાયરી લખે છે, એનાથી જાણવા મળે કે શું ખાવાથી અને કેવા સંજોગમાં માઇગ્રેનનો હુમલો થયો.
દરેક વ્યક્તિને જુદી જુદી રીતે અસર થાય છે. લોરેનને જાણવા મળ્યું છે કે માસિક પહેલા હોર્મોનમાં થતા ફેરફારોને લીધે તેને માઇગ્રેન થાય છે. તે કહે છે કે “એ ફેરફારોના સમયે જો હું સખત કામ કરું, ઘણી પ્રવૃત્તિમાં ભાગ લઉં, સખત ગરમી કે ઠંડી હોય, વધારે ઘોંઘાટમાં અથવા મસાલેદાર ખાવાથી પણ આધાશીશીનો દુખાવો શરૂ થાય છે. આ સમયે હું બહુ પ્રવૃત્તિ નથી કરતી અને શાંત રહેવા પ્રયત્ન કરું છું.” આપણે શરૂઆતમાં જોઈસીની વાત કરી તેને ૬૦ કરતાં વધારે વર્ષથી આધાશીશીનો દુખાવો છે. તે કહે છે, “મને મોસંબી, અનાનસ કે રેડ વાઇનથી તરત જ માઇગ્રેનનો દુખાવો શરૂ થાય છે. એ વસ્તુઓ ખાવા-પીવાની હું ટાળું છું.”
કેવી કેવી વસ્તુઓ ખાવાથી કે પીવાથી આધાશીશી થાય છે એ પારખવું હંમેશા સહેલું નથી. બીજા કારણોથી પણ એનો હુમલો થઈ શકે છે. દાખલા તરીકે, એક સમયે તમે ચોકલેટ ખાવ છો અને કદાચ એની કોઈ આડઅસર નથી થતી. જ્યારે કે બીજી કોઈ વાર ચોકલેટ ખાધા પછી તમને આધાશીશીનો દુખાવો થાય છે. આમ, એની પાછળ બીજા કારણો હોઈ શકે.
શાના લીધે માઇગ્રેન થાય છે એ પારખી ન શકો કે ટાળી ન શકો, તોપણ અનેક રીતે એના હુમલા ઘટાડી શકો છો. ડૉક્ટરોનું માનવું છે કે દરરોજ સૂવા-ઊઠવાનો એક જ સમય રાખો. જો તમને શનિ-રવિ વધારે ઊંઘવું હોય તોપણ તેઓની સલાહ છે કે રોજના સમયે ઊઠો, થોડું કામ કરો અને પછી પાછા સૂઈ જાઓ. વધારે કેફિનવાળુ પીણું લેવાથી માઇગ્રેનનો હુમલો થવાની શક્યતા છે. તેથી દિવસમાં ફક્ત બે કપ કોફી કે બે ટીન કોલાથી વધારે ન પીવું જોઈએ. તેમ જ, ભૂખ્યા રહેવાને બદલે સમયસર ખાઈ લેવું જોઈએ. ટેન્શનના લીધે પણ એનો હુમલો થવાની શક્યતા છે. ખરું કે, ટેન્શનથી દૂર રહેવું સહેલું નથી. તોપણ નિરાંતે બેસવાનો ટાઈમ કાઢવો જોઈએ. કદાચ બાઇબલ વાંચી શકો, મનને શાંત કરતું સંગીત સાંભળી શકો.
માઇગ્રેનનો ઇલાજ શું છે?
આજે આધાશીશીના ઘણા ઇલાજ છે.a દાખલા તરીકે, પૂરતી ઊંઘ એક સારો ઇલાજ છે. દવાની દુકાનમાંથી દુખાવો હળવો કરવાની દવા લઈ શકો, જેથી સરસ ઊંઘ આવી શકે.
માઇગ્રેન માટે ૧૯૯૩માં ટ્રીપ્ટાન નામની નવી દવાની શોધ થઈ. એના વિષે એક મૅગેઝિને કહ્યું, ‘સારવારમાં એ મહત્ત્વની પ્રગતિ કહેવાય. માથાની એક બાજુ સણકા મારવા કે માઇગ્રેન માટે ટ્રીપ્ટાન દવાની શોધ, બૅક્ટેરિયા ઇન્ફેક્શન સામે પેનિસિલિનની શોધની જેમ મહત્ત્વની છે.’—ધી મેડિકલ જર્નલ ઑફ ઑસ્ટ્રેલિયા.
પેનિસિલિન ઇન્ફેકશન સામે વ્યક્તિનું જીવન બચાવે છે. જ્યારે આધાશીશી જીવલેણ નથી. તેમ છતાં, જેઓ વર્ષોથી અવારનવાર આધાશીશીને કારણે રિબાતા હતા, તેઓને હવે ટ્રીપ્ટાન દવાથી ખૂબ જ રાહત મળી છે. તોપણ એના દર્દીઓએ આગળ જણાવ્યા પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ. એના અમુક દર્દીઓ કહે છે કે ટ્રીપ્ટાન ખરેખર એક ચમત્કારિક ગોળી છે.
જોકે દવાઓથી ફાયદો અને ગેરફાયદો પણ થાય છે. ટ્રીપ્ટાન વિષે શું? સારી રેસ્ટોરન્ટમાં જમવાનો જે ખર્ચ થાય એટલા પૈસામાં ટ્રીપ્ટાનની એક જ ગોળી મળે છે. એટલે માઇગ્રેઈનના અસહ્ય દુખાવમાં જ એ ગોળી આપવામાં આવે છે. તેમ જ, ટ્રીપ્ટાનથી બધાને સારું થતું નથી. ઘણા તંદુરસ્તીને કારણે પણ એ ગોળી લઈ શકતા નથી. ખરું કે માઇગ્રેનને જડમૂળથી કાઢી શકે એવી કોઈ દવા નથી. ઇમર્જન્સી મેડિસિન મૅગેઝિન કહે છે, “આજે નવી અને અસરકારક દવા પ્રાપ્ય હોવાથી હવે કોઈએ માઇગ્રેનથી પીડાવાની જરૂર નથી.” (g11-E 01)
[ફુટનોટ્સ]
a સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. દરેકે સમજી-વિચારીને પોતે નિર્ણય લેવો જોઈએ.
[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]
ડાયરી લખવાથી મદદ મળે છે કે શું ખાવાથી અને કેવા સંજોગમાં માઇગ્રેનનો હુમલો થાય છે
[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]
મોટાભાગે ટેન્શનને લીધે માઇગ્રેન થાય છે, રાહત મેળવવા મનને શાંત કરતું સંગીત સાંભળી શકો
[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]
માઇગ્રેન વારસાગત છે, લાચાર બનાવતા આ રોગની ડૉક્ટરો હવે સારવાર કરી શકે છે