બાઇબલ શું કહે છે?
પરમેશ્વર કેમ શેતાનનો નાશ કરતા નથી?
જો તમે કોઈનું દુઃખ દૂર કરી શકતા હોવ, તો શું તમે નહિ કરો? કુદરતી આફત આવે ત્યારે લોકો અજાણ્યાને મદદ કરવા દોડી જાય છે. તેથી અમુક કહે છે કે ‘પરમેશ્વર કેમ શેતાનનો નાશ નથી કરતા, જેના લીધે માણસો પર આટલી મુશ્કેલીઓ આવે છે?’
એ સવાલનો જવાબ મેળવવા એક અદાલતની કલ્પના કરો. એમાં મહત્ત્વનો કેસ ચાલી રહ્યો છે. હત્યારો કેસને ધીમો પાડવા જજ પર આરોપ લગાવે છે કે તે અપ્રમાણિક છે. તે કહે છે કે જજ પોતાની મનમાની કરી રહ્યાં છે. એ આરોપને લીધે જજ કેસનો ચુકાદો આપતા પહેલાં બંને પક્ષના ઘણા સાક્ષીઓને સાંભળે છે.
જજ જાણે છે કે એમાં ઘણો સમય લાગશે, અડચણો આવશે. તોપણ, સમયસર ચુકાદો આપવાનો છે. તે જાણે છે કે ભવિષ્યમાં પણ આના જેવો કોઈ સવાલ ઊભો થાય તો, આ ચુકાદાને આધારે ફેંસલો લેવામાં આવશે. એટલા માટે બંને પક્ષને પૂરતો સમય આપવો પડશે.
શેતાને મૂકેલા આરોપને આ ઉદાહરણ કઈ રીતે લાગુ પડે? બાઇબલ શેતાનને “અજગર” અને “સર્પ” તરીકે પણ ઓળખાવે છે. તેણે ‘આખી પૃથ્વી પરના પરાત્પર ઈશ્વર’ યહોવાહ પર આરોપ મૂક્યો. (પ્રકટીકરણ ૧૨:૯; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તો ખરેખર શેતાન કોણ છે? તેણે યહોવાહ પરમેશ્વર પર કયા આરોપ મૂક્યા છે? યહોવાહ ક્યારે તેનો નાશ કરશે?
ન્યાયનો દાખલો બેસાડવામાં આવ્યો
શેતાન તો શરૂઆતમાં ઈશ્વરના સ્વર્ગદૂતોમાંનો એક હતો. (અયૂબ ૧:૬, ૭) પરંતુ માણસો પરમેશ્વરની નહિ પણ તેની ભક્તિ કરે એવી તેણે ખોટી ઇચ્છા રાખી. આમ તે શેતાન બન્યો. તેણે પરમેશ્વરના રાજ કરવાના હક્ક પર આરોપ મૂક્યો. એટલું જ નહિ માણસોએ પરમેશ્વરને આધીન ન રહેવું જોઈએ એવું પણ કહ્યું. એ પણ આરોપ મૂક્યો કે માણસો ફક્ત આશીર્વાદની લાલચમાં પરમેશ્વરની ઉપાસના કરે છે. તેઓ દુઃખ-તકલીફોમાં ઈશ્વરને “શાપ” આપશે અને છોડી દેશે.—અયૂબ ૧:૮-૧૧; ૨:૪, ૫.
શેતાનના આવા આરોપને લીધે યોગ્ય જવાબ આપવાની જરૂર ઊભી થઈ. જો એનો નાશ કરવામાં આવે તો એનાથી વાત પૂરી નથી થતી. હકીકતમાં જો શેતાનનો એદન બાગમાં જ નાશ કરવામાં આવ્યો હોત, તો ઘણાને તેની વાત સાચી લાગત. પરમેશ્વર પાસે સર્વ સત્તા હોવાથી તેમણે એ કેસ આગળ ધપાવ્યો, જેથી શેતાને મૂકેલા આરોપનો ખરો ઇન્સાફ સર્વ દૂતો જોઈ શકે.
યહોવાહ ઈશ્વરે પોતાના સિદ્ધાંતો અને અદલ ઇન્સાફની સુમેળમાં બંને પક્ષના સાક્ષીઓને જાણે પુરાવો આપવા જણાવ્યું. યહોવાહે જે પૂરતો સમય આપ્યો એનાથી આદમના વંશજોને જીવવાનો મોકો મળ્યો. તેમ જ, એ પુરાવો આપવાનો મોકો મળ્યો કે ઈશ્વર ન્યાયી છે અને દુઃખ-તકલીફોમાં પણ તેઓ ઈશ્વરને વળગી રહેશે.
હજી કેટલો સમય?
યહોવાહ સારી રીતે જાણે છે કે ન્યાયી ચુકાદો આવે ત્યાં સુધી માણસોએ દુઃખ-તકલીફો સહેવી પડશે. તે જલદીથી ન્યાયચુકાદો આપવા ચાહે છે. બાઇબલ તેમના વિષે કહે છે કે તે ‘કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો ઈશ્વર છે.’ (૨ કોરીંથી ૧:૩) શેતાન જરૂર કરતાં વધારે જીવે એવું ‘દિલાસાના ઈશ્વર’ જરાય નથી ચાહતા. તેમ જ, તેની કોઈ અસર માણસો પર રહે એવું પણ ઈશ્વર નથી ચાહતા. અરે, તે એવું પણ નથી ઇચ્છતા કે ફેસલો આવે એ પહેલાં પોતે શેતાનનો નાશ કરે.
એ કેસનો નિવેડો આવશે ત્યારે યહોવાહને જ રાજ કરવાનો હક્ક છે એ સાબિત થશે. પછી ભવિષ્યમાં એવો સવાલ ઊભો થાય ત્યારે એ ચુકાદાને આધારે ફેંસલો આપવામાં આવશે.
યોગ્ય સમયે યહોવાહ પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા શેતાન અને તેના કામોનો નાશ કરશે. બાઇબલ જણાવે છે કે એ સમયે “ખ્રિસ્ત સર્વ આધિપત્ય, અધિકાર અને સત્તા પર વિજય મેળવશે અને ઈશ્વરપિતાને રાજ સોંપી દેશે. કારણ, ઈશ્વર તેમના શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.”—૧ કોરીંથી ૧૫:૨૪-૨૬, કોમન લેંગ્વેજ.
બાઇબલ જણાવે છે કે આખી પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવવામાં આવશે. ઈશ્વરના મૂળ હેતુ મુજબ લોકો એમાં હળીમળીને જીવશે. ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ તેમ જ, ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.
બાઇબલ કહે છે કે યહોવાહના ભક્તો માટે આવું સુંદર ભાવિ રહેલું છે: ‘જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, તે તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪. (g10-E 12)
શું તમે કદી વિચાર્યું છે?
● ઈશ્વર અને માણસો પર શેતાને કયો આરોપ મૂક્યો છે?—અયૂબ ૧:૮-૧૧.
● ઈશ્વરના કયા ગુણો બતાવે છે કે બહુ જલદી તે શેતાનનો નાશ કરશે?—૨ કોરીંથી ૧:૩.
● બાઇબલ કઈ આશા આપે છે?—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]
એકવાર ચુકાદો આપ્યા પછી ભવિષ્યમાં આવો કોઈ સવાલ ઊભો થાય તો, એના આધારે ફેંસલો આપવામાં આવશે. એટલા માટે બંને પક્ષે પોતાનો દાવો સાબિત કરવા પૂરતા સમયની જરૂર છે