“મને નાસ્તિક તરીકે ઉછેરવામાં આવ્યો”
પ્રાગમાં આવેલી ચાર્લ્સ યુનિવર્સિટીમાં ફ્રાન્ટિસૅક વિસ્કસ્યો પ્રોફેસર તરીકે કામ કરે છે. તે જ્ઞાનતંતુઓ વિષેના (ન્યૂરો ફિઝિયોલોજી) સંશોધન માટે આખી દુનિયામાં મશહૂર છે. એક સમયે તે નાસ્તિક હતા, પણ હવે તે પૂરા દિલથી ઈશ્વરમાં માને છે. સજાગ બનો!ને આપેલા ઇન્ટર્વ્યૂંમાં પ્રોફેસર વિસ્કસ્યોએ જણાવ્યું કે શાને લીધે તેમણે પોતાના વિચારો બદલ્યા.
તમે વિજ્ઞાનમાં કૅરિયર શરૂ કરી એ પહેલાં ધર્મ વિષે શું વિચારતા હતા?
મને નાસ્તિક તરીકે ઉછેરવામાં આવ્યો હતો. મારા પપ્પા હંમેશા પાદરીઓની મજાક ઉડાવતા. ૧૯૬૩માં હું જીવવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયો. હું સ્કૂલમાં ભણતો ત્યારે એવું માનતો કે જીવનની વિવિધતા વિષે ઉત્ક્રાંતિની માન્યતા સારી રીતે સમજાવે છે.
વિજ્ઞાનમાં તમારી કૅરિયર વિષે થોડું જણાવો.
મેં ડિગ્રી મેળવ્યા પછી રસાયણિક અને વિદ્યુતીય રીતે સિનેપ્સીસમાંથી (બે જ્ઞાનતંતુ વચ્ચેનો સાંધો) સંદેશાઓ કેવી રીતે પસાર થાય છે એનો અભ્યાસ કર્યો. તેમ જ, મેં ન્યૂરોન, મેમ્બ્રેન પમ્પસ, ટ્રાન્સપ્લાટેશન (સ્નાયુ અને ચેતાકોષ) અને દવાથી થતી આડ અસર કઈ રીતે દૂર કરવી એનો અભ્યાસ કર્યો. એ સંશોધનના ઘણા અહેવાલો બહાર પાડવામાં આવ્યા. એમાનાં અમુક નામ કમાઈ ગયા. સમય જતા, હું લર્ન સોસાયટી ઑફ ધી ચૅક રીપ્બલીકનો સભ્ય બન્યો. એ વૈજ્ઞાનિકોની સંસ્થા છે. ૧૯૮૯ના નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલા ‘વેલ્વેટ રિવોલ્યુશન (સામ્યવાદી સરકાર સામે અહિંસક ક્રાંતિ)’ પછી હું ચાર્લ્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો. એ પછી મને બીજા પશ્ચિમી દેશોમાં મુસાફરી કરીને બીજા વૈજ્ઞાનિકોને મળવાની તક મળી, જેમાંના અમુક નોબલ પ્રાઈઝ વિજેતા હતા.
તમે કદી ઈશ્વર વિષે વિચાર્યું હતું?
અમુક રીતે હા. હું કોઈ વાર વિચારતો કે ભણેલા-ગણેલા ઘણા લોકો, અરે મારા પ્રોફેસરો પણ કેમ ઈશ્વરમાં માનતા હતા. જોકે સામ્યવાદી સરકારને લીધે તેઓ ખુલ્લેઆમ એ સ્વીકારતા નહિ. મારા મને ભગવાન તો માણસોએ ઊભી કરેલી શોધ હતી. ધર્મના નામે થતા રમખાણને હું નફરત કરતો હતો.
શાને લીધે તમે ઉત્ક્રાંતિમાં માનવાનું બંધ કર્યું?
હું સિનેપ્સીસ વિષે અભ્યાસ કરવા લાગ્યો ત્યારે ઉત્ક્રાંતિ વિષે મનમાં શંકાઓ થવા લાગી. ચેતાકોષો જે રીતે જોડાય છે એને એકદમ સાદા કહેવામાં આવે છે. પણ ખરું કહું તો એની જટિલતા જોઈને હું મુગ્ધ થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે ‘સિનેપ્સીસ અને જનીનમાં રહેલી માહિતી કઈ રીતે આપોઆપ આવી શકે?’ એ વાત મારા ગળે ઊતરતી જ ન હતી.
પછી ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં હું રશિયાના પ્રખ્યાત પ્રોફેસર અને વૈજ્ઞાનિકનું લૅક્ચર સાંભળવા ગયો. તેમણે જણાવ્યું કે જીવ સૃષ્ટિ કોઈ પણ પરિવર્તન અને કુદરતી પસંદગીના સિદ્ધાંત પ્રમાણે આવી જ ન શકે. શ્રોતાઓમાંથી કોઈકે સવાલ કર્યો કે એ કેવી રીતે આવી શકે? પ્રોફેસરે જેકેટના ખિસ્સામાંથી નાના કદનું રશિયન બાઇબલ કાઢીને બતાવ્યું. પછી કહ્યું કે “આમાં ખાસ કરીને ઉત્પત્તિનો અહેવાલ વાંચો.”
લૅક્ચર પછી બહાર નીકળીને મેં પ્રોફેસરને પૂછ્યું કે તમે સાચે જ બાઇબલ વાંચવાનું કહેતા હતા. ટૂંકમાં તેમણે જણાવ્યું: “દર વીસ મિનિટે સાદા જીવાણુના ભાગ થાય છે, જેમાં હજારો જાતના જુદા જુદા પ્રોટીન હોય છે. એ દરેકમાં ૨૦ જાતના એમિનો ઍસિડ હોય છે જેને એકસાથે ગોઠવીએ તો ઘણી લાંબી હરોળ થાય. જીવાણુને એ રીતે વિકાસ પામતા ત્રણ-ચાર અબજ વર્ષોથી પણ વધારે સમય લાગે. જ્યારે કે વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ ત્રણ-ચાર અબજ વર્ષથી જ ધરતી પર જીવન છે.” પ્રોફેસરના મને બાઇબલમાં ઉત્પત્તિનો અહેવાલ જીવનની શરૂઆત વિષે ખરી સમજણ આપે છે.
પ્રોફેસરે જે કહ્યું એની તમારા પર કેવી અસર થઈ?
તેમણે જે કહ્યું એ અને મારી શંકાઓ દૂર કરવા મેં અમુક ધાર્મિક મિત્રો સાથે ચર્ચા કરી. પણ તેઓએ જે રીતે મને સમજાવ્યું એ મારા ગળે ઉતર્યું નહિ. પછી મેં એક ફાર્માકૉલૉજિસ્ટ સાથે વાત કરી, જે યહોવાહના સાક્ષી છે. ત્રણ વર્ષ સુધી તેમણે મને અને મારી પત્ની, એમાને બાઇબલમાંથી સમજાવ્યું. અમને બે બાબતની ખૂબ નવાઈ લાગી. એક, ચર્ચના ખ્રિસ્તીઓ બાઇબલ પ્રમાણે શીખવતા નથી. બીજું, બાઇબલ વિજ્ઞાનનું પુસ્તક નથી, તોપણ એ વિજ્ઞાનની સુમેળમાં છે.
પોતાના વિચારો બદલવાથી વૈજ્ઞાનિક સંશોધન કરવામાં શું કોઈ ફરક પડ્યો છે?
જરાય નહિ. દરેક સારો વૈજ્ઞાનિક ભલે તે ગમે એ માનતો હોય, તેનું સંશોધન હકીકતના આધારે હોવું જોઈએ. પહેલાં મારામાં વધુ પડતો આત્મવિશ્વાસ હતો, હરીફાઈનું વલણ હતું. વૈજ્ઞાનિક આવડતના લીધે હું વધારે પડતો અભિમાની હતો. પણ હવે એવું નથી. મારામાં જે કંઈ આવડતો છે એ માટે હું ઈશ્વરનો ઉપકાર માનું છું. જોકે, હું પહેલાં સૃષ્ટિની અજોડ રચનાને નજરઅંદાજ કરતો હતો અને માનતો કે એ બધું આપમેળે આવી ગયું છે. પણ હવે હું જ નહિ, બીજા અમુક વૈજ્ઞાનિકો પણ પોતાને પૂછીએ છીએ કે ‘ઈશ્વરે આ બધું કઈ રીતે રચ્યું?’ (g10-E 11)
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
હું જ નહિ, બીજા અમુક વૈજ્ઞાનિકો પણ પોતાને પૂછે છે કે ‘ઈશ્વરે આ બધું કઈ રીતે રચ્યું?’