વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૧૧ પાન ૨૦-૨૨
  • ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા
  • સજાગ બનો!—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • તકનો લાભ લીધો
  • ભરોસાપાત્ર સેવા
  • રોજનું કામ
  • નમ્ર અને વખણાયેલી સેવા
  • આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી—ભારતીય રેલવે
    સજાગ બનો!—૨૦૦૨
  • મુંબઈની આફતથી માંડ માંડ બચ્યા
    સજાગ બનો!—૨૦૦૭
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૧
સજાગ બનો!—૨૦૧૧
g ૪/૧૧ પાન ૨૦-૨૨

ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા

તમે દરરોજ નોકરીએ પહોંચવા સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળો છો. તોપણ ગરમા-ગરમ મનપસંદ ઘરનું ભોજન બપોરે જમવાના સમયે તમારા ટેબલ પર હાજર હોય છે. ભારતના મુંબઈ શહેરમાં કામ કરતા હજારો લોકોને રોજ એવો લાભ મળે છે. આ લાભનો યશ ડબ્બાવાળાને જાય છે, જેઓ રોજ ઘરાકના ઘરેથી ખાવાનું પહોંચાડે છે.

તકનો લાભ લીધો

૧૯મી સદીના અંતે મુંબઈ શહેર જે બોમ્બેથી ઓળખાતું હતું. એ શહેર બ્રિટિશ અને ભારતીય વેપારીઓથી ધમધમતું હતું. તેઓ લાંબી મુસાફરી કરીને ઑફિસે પહોંચતા. એ દિવસોમાં વાહન-વ્યવહાર ધીમો હતો અને ભાગ્યે જ રેસ્ટોરન્ટ જોવા મળતી. બધાને ઘરનું જમવાનું ખૂબ ગમતું. એટલે કામવાળા રાખવામાં આવતા જેઓ માલિકને જમવાનું પહોંચાડતા. એક વ્યક્તિ જોઈ શક્યો કે આ તો જતા દિવસે મોકાનો ધંધો છે. એટલે તેણે ગામડાંમાંથી બેકાર યુવાનોને લાવીને ઘરેથી ઑફિસોમાં ટિફિન પહોંચાડવાની સુવિધા ઘડી. એ નાની શરૂઆત આજે કુદકે-ભૂસકે વધી રહી છે.

આજની તારીખે પણ લોકોને ઘરનું ખાવાનું ગમે છે. ખરું કે આજે પહેલાં કરતાં ઘણી રેસ્ટોરન્ટ છે. તોપણ ઘરનું ખાવાનું એ ઘરનું ખાવાનું, સસ્તું અને મનપસંદ. એ ઉપરાંત ઘણા લોકો તબિયતના લીધે ખાવામાં અમુક પરેજી પાડે છે. તો ઘણા પોતાના ધર્મને લીધે અમુક વસ્તુઓ ખાતા નથી. દાખલા તરીકે, ઘણા લોકો ડુંગળી ખાતા નથી, તો બીજા લસણ ખાતા નથી. જ્યારે કે આ બધું રેસ્ટોરન્ટમાં છૂટથી વપરાય છે. તેથી ઘરનું ભોજન આવે તો આવી કોઈ ઝંઝટ ન રહે.

ભરોસાપાત્ર સેવા

આ સાદી સેવામાં વર્ષો પછી પણ કોઈ મોટા ફેરફાર થયા નથી. ફક્ત એટલું જ કે એ દિવસે દિવસે ફેલાઈ રહી છે. આજે ૫,૦૦૦થી વધુ પુરુષો અને અમુક સ્ત્રીઓ પોતાના વિસ્તારોમાંથી રોજ બે લાખથી વધારે ટિફિનો ભેગા કરે છે. તેઓ બે કરોડની વસ્તીવાળા ૬૦ કિલોમીટરના ભરચક શહેરી વિસ્તારમાં સેવા પૂરી પાડે છે. એમ કરવા તેઓમાંના ઘણા ૩૦થી ૪૦ ટિફિન હાથલારીમાં, તો બીજાઓ સાઇકલ પર અથવા ટ્રેનથી પહોંચાડે છે. પછી ભલે તેઓ ગમે એ રીત વાપરે, ટિફિન ખરા સમયે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી જાય છે. તેઓના કહેવા પ્રમાણે ૬૦ લાખના ફેરામાં ફક્ત એકાદ વાર ભૂલ થાય છે. તેઓ એવો રેકોર્ડ કઈ રીતે જાળવી શક્યા છે?

૧૯૫૬માં ડબ્બાવાળાઓનું ચૅરિટી ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું. આ ટ્રસ્ટમાં સમિતિઓ અને અધિકારીઓ છે. તેમ જ, કામદારો અને તેઓના ઉપરીઓ છે. તેઓ બધા જ પોત પોતાની જવાબદારી ઉપાડે છે. તેમ છતાં, તેઓ સર્વ ભાગીદારો છે અને એના શેર ધરાવે છે. એ કારણે ડબ્બાવાળા આજે સફળ સેવા આપે છે. તેઓએ આ રીતે સેવા શરૂ કરી એના ૧૦૦થી વધારે વર્ષ થયા છે. તોપણ તેઓએ કદી હડતાલ પાડી નથી.

દરેક ડબ્બાવાળા ઓળખપત્ર રાખે છે. તેઓ પોતાના પહેરવેશથી ઓળખાય છે. જેમ કે સફેદ શર્ટ, લેંઘો અને સફેદ ટોપી. તેઓ જો ટોપી ન પહેરે, કામે મોડા આવે, ખોટી રજા પાડે કે કામ પર દારૂ પીતા પકડાય તો તેઓને દંડ થાય છે.

રોજનું કામ

સવારના સાડા આઠ સુધીમાં ઘરાકની પત્ની કે બીજું કોઈ જુદા જુદા ડબ્બાઓમાં જમવાનું ભરીને એકબીજા પર ગોઠવીને ક્લીપ મારી દે. આમ, ટિફિન તૈયાર થઈ ગયું. ડબ્બાવાળો પોતાના વિસ્તારમાંથી ટિફિનો ભેગા કરી સાઇકલ કે હાથગાડી પર મૂકીને ઝડપથી રેલ્વે સ્ટેશને તેના ગ્રૂપને મળે છે. ત્યાં તેઓ ટપાલીની જેમ જે જે વિસ્તારમાં ટિફિનો પહોંચાડવાના હોય એ પ્રમાણે ગોઠવે છે.

દરેક ડબ્બા પર કોડીંગ હોય છે. એ કોડમાં અક્ષર, નંબર અને રંગો હોય છે. એનાથી ઓળખાઈ આવે કે ટિફિન ક્યાંથી આવે છે, એની નજીકનું સ્ટેશન કયું છે. એ ટિફિન કયા સ્ટેશને, કઈ બિલ્ડીંગે અને કયા માળે પહોંચાડવાનું છે. જે તે વિસ્તારમાંથી ટિફિન ભેગા કરવામાં આવે છે. પછી ૪૮ જેટલા ટિફિન સમાય એવા મોટા કરંડિયામાં ભરવામાં આવે છે. એને ટ્રેનમાં ડ્રાઇવરની બાજુની કેબિનમાં મૂકવામાં આવે છે. એ મોટા સ્ટેશને પહોંચે એટલે એની મંજિલ પ્રમાણે ફરી ગોઠવવામાં આવે છે. પછી એ ખરા સ્ટેશને પહોંચે એટલે ફરીથી ડબ્બાવાળા જુદા જુદા વિસ્તાર પ્રમાણે એને ગોઠવે છે. પછી સાઇકલ કે હાથલારી પર ઘરાકો સુધી ટિફિન પહોંચતા કરવામાં આવે છે.

આ રીત અસરકારક જ નહિ, પણ સસ્તી છે. તેઓને કોઈ જાતનો ટ્રાફિક નડતો નથી. ભરચક ટ્રાફિકમાં પણ ગલીઓમાંથી, ગાડીઓ વચ્ચેથી સડસડાટ ચાલ્યા જાય છે. આ રીતે તેઓ ખરી વ્યક્તિને બપોરના ૧૨:૩૦ પહેલાં ટિફિન પહોંચતું કરે છે. એ તનતોડ મહેનત પછી ડબ્બાવાળો પોતે જમે છે. અને ૧:૧૫–૨:૦૦ વાગ્યા સુધીમાં ઘરાકના ખાલી ટિફિન પાછા ભેગા કરી લે છે. જે રીતે ટિફિન લાવવામાં આવ્યું હતું એ જ રીતે ઘરાકના ઘરે પાછું પહોંચતું કરવામાં આવે છે. ઘરાકના ઘરવાળા ટિફિન ધોઈને બીજા દિવસ માટે તૈયાર રાખે છે. એ ટિફિન ઘરેથી નીકળે અને પાછું ઘરે પહોંચે છે, એ બધું એકદમ ઝડપથી થાય છે, જાણે રિલે રેસ.

નમ્ર અને વખણાયેલી સેવા

ડબ્બાવાળા પોતાની સેવાને લીધે નામ કમાયા છે. તેઓની ટિફિન પહોંચાડવાની ગોઠવણનો બીજી સંસ્થાઓએ અભ્યાસ કર્યો છે, જેથી તેઓ પોતાના ધંધામાં ડબ્બાવાળાની રીત અપનાવે. તેઓ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. તેઓના સરસ રેકોર્ડ માટે ફૉર્બ્સ ગ્લોબલ મૅગેઝિને સિક્સ સિગ્મા સર્ટીફિકેટ આપ્યું છે. ધ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓ વિષે જણાવવામાં આવ્યું છે. અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલે તેઓ પર સંશોધન કર્યું છે. ઊંચો હોદ્દો ધરાવતા લોકોએ પણ ડબ્બાવાળાની મુલાકાત લીધી છે. જેમ કે, બ્રિટનના પ્રિન્સ તેઓના કામથી એટલા પ્રભાવિત થયા કે અમુકને પોતાના લગ્‍નમાં ઇંગ્લૅંડ આવવાનું આમંત્રણ આપ્યું.

આજે ડબ્બાવાળા ઑડર લેવા અને હિસાબ રાખવા મોબાઇલ-કૉમ્પ્યુટર વાપરે છે. આજે પણ ટિફિન પહોંચાડવાની સેવામાં કોઈ ફરક નથી પડ્યો. મુંબઈમાં બપોરે જમાવાના સમયે ઘણા ઑફિસમાં કામ કરનારાઓને ખાતરી છે કે હમણાં જ તેમના ટેબલ પર ગરમા-ગરમ ઘરનું ખાવાનું આવશે. એ એક પણ મિનિટ મોડું નહિ આવે. (g10-E 11)

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

મંજિલે પહોંચાડવા ટિફિનોને ટ્રેઈનમાં ચઢાવવામાં આવે છે

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

ડબ્બાઓ એકબીજા પર આવી જવાથી ટિફિન લઈ જવું અને લાવવું સહેલું બને છે

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

ડબ્બાવાળાની સમયસરની સેવામાંથી ઘણા વેપારીઓ શીખ્યા છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો