ચિંતામાંથી રાહત મેળવો
શું ચિંતા વગરનું જીવન શક્ય છે?
બાઇબલમાં રહેલી ઉપયોગી સલાહની મદદથી આપણે ઘણી હદે ટેન્શન ઓછું કરી શકીએ છીએ. પણ આપણે મનુષ્યો છીએ એટલે સંજોગો આપણા હાથમાં હોતા નથી. આપણે બધી જ ચિંતાઓ દૂર કરી શકતા નથી. એવું માત્ર આપણા સરજનહાર યહોવા કરી શકે છે. તેમણે આપણી મદદ કરવા કોઈકને જવાબદારી સોંપી છે. એ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ બહુ જ જલદી બધું સારું કરી નાંખશે. તે આખી દુનિયામાં એવા ફેરફાર લાવશે જેની ઝલક તેમણે ત્યારે આપી હતી જ્યારે તે પૃથ્વી પર હતા. જેમ કે:
અગાઉ પણ કર્યું તેમ, તે બધાને સાજા કરશે.
‘લોકો દુઃખ-દર્દથી પીડાતા સર્વને ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં અનેક રોગોથી અને પીડાથી હેરાન થયેલા લોકો હતા. તેમણે બધાને સાજા કર્યાં.’—માથ્થી ૪:૨૪.
તે બધાને ઘર અને ખોરાક પૂરાં પાડશે.
“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.”—યશાયા ૬૫:૨૧, ૨૨.
તે આખા વિશ્વમાં શાંતિ અને સલામતી લાવશે.
‘તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. તેના શત્રુઓ ધૂળ ચાટશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૭-૯.
તે અન્યાયનો અંત લાવશે.
‘તે નિર્બળ અને ગરીબો ઉપર દયા કરશે, તે પીડિતોના જીવનો બચાવ કરશે. જુલમ અને હિંસામાંથી તે તેઓના જીવને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.’ —ગીતશાસ્ત્ર ૭૨:૧૩, ૧૪.
તે દુઃખો અને મરણનો અંત લાવશે.
“મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.