ભાગ ૪
પૈસા કઈ રીતે વાપરવા?
‘સલાહ લેવાથી દરેક યોજના સફળ થાય છે.’—નીતિવચનો ૨૦:૧૮
કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા પૈસા જરૂરી છે. (નીતિવચનો ૩૦:૮) ખરું કે પૈસાથી સલામતી મળે છે. (સભાશિક્ષક ૭:૧૨) પતિ-પત્ની તરીકે પૈસા વિશે વાત કરવી અઘરી હોય શકે. તોપણ, લગ્નજીવનમાં પૈસાને ઝઘડાનું કારણ બનવા ન દો. (એફેસી ૪:૩૨) એકબીજા પર ભરોસો રાખવો જોઈએ અને પૈસા કઈ રીતે વાપરવા, એની સાથે મળીને ચર્ચા કરવી જોઈએ.
૧ પહેલેથી નક્કી કરો
બાઇબલ શું કહે છે? ‘તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલા બેસીને ખર્ચ નહિ ગણે કે એ પૂરો કરવા જેટલા પૈસા મારી પાસે છે કે નહિ?’ (લુક ૧૪:૨૮) તમે કઈ રીતે પૈસા વાપરશો, એ સાથે મળીને નક્કી કરવું ખૂબ જરૂરી છે. (આમોસ ૩:૩) નક્કી કરો કે શું ખરીદવાની જરૂર છે અને તમે કેટલો ખર્ચ કરી શકશો. (નીતિવચનો ૩૧:૧૬) જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય એટલે ખરીદી કરવી જ જોઈએ. દેવું કરવાનું ટાળો. પૈસા હોય તો જ ખર્ચ કરો.—નીતિવચનો ૨૧:૫; ૨૨:૭.
તમે શું કરી શકો?
મહિનાના અંતે પૈસા બચે તો, સાથે મળીને નક્કી કરો કે એનું શું કરશો
વધારે ખર્ચ થયો હોય તો, નક્કી કરો કે ક્યાં કાપ મૂકશો. દાખલા તરીકે, બહાર જમવાને બદલે, જમવાનું ઘરે બનાવી શકો
૨ ખુલ્લા મનથી હકીકત સ્વીકારો
બાઇબલ શું કહે છે? ‘પ્રભુ યહોવાની નજરમાં જ નહિ, પરંતુ માણસની નજરમાં પણ’ બધી રીતે ઈમાનદારીથી વર્તો. (૨ કોરીંથી ૮:૨૧) તમારી આવક અને ખર્ચ વિશે લગ્નસાથીથી કંઈ છુપાવશો નહિ.
મોટો ખર્ચ કરતા પહેલાં હંમેશાં તમારા સાથી સાથે વાત કરો. (નીતિવચનો ૧૩:૧૦) પૈસા વિશે વાતચીત કરવાથી તમારા કુટુંબમાં શાંતિ જળવાશે. આવકના પૈસા મારા છે, એવું નહિ પણ કુટુંબના છે એવું વિચારો.—૧ તીમોથી ૫:૮.
તમે શું કરી શકો?
સાથે મળીને નક્કી કરો કે કેટલા પૈસા એકબીજાને પૂછ્યા વગર વાપરી શકાય
અગાઉથી પૈસા વિશે વાતચીત કરો, મુશ્કેલી આવે ત્યાં સુધી રાહ ન જુઓ