વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૦/૧૫ પાન ૭-૧૨
  • ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • એદન બાગમાં આપેલું વચન
  • સંતાનની ઓળખ આપતો કરાર
  • રાજ્ય હંમેશાં રહેશે એવી ખાતરી આપતો કરાર
  • યાજક માટેનો કરાર
  • કરારો, રાજ્યનો મુખ્ય આધાર છે
  • તમે “યાજકોનું રાજ્ય” બનશો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • એક કરારથી બધાને અસર થાય છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૦/૧૫ પાન ૭-૧૨
ઈશ્વરના રાજ્યમાં મનુષ્યો બાગ જેવી પૃથ્વી પર જીવનનો આનંદ માણી રહ્યા છે

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

“વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ એની ખાતરી છે.”—હિબ્રૂ ૧૧:૧.

શું તમે સમજાવી શકો?

“યહોવા પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરશે” માહિતીને આધારે. . .

  • એદન બાગમાં આપેલા વચનનો હેતુ સમજાવો.

  • ઈબ્રાહીમ સાથેના કરાર અને દાઊદ સાથેના કરારનો હેતુ સમજાવો.

  • મેલ્ખીસેદેક જેવા યાજક માટેના કરારનો હેતુ સમજાવો.

૧, ૨. (ક) શાનો અભ્યાસ કરવાથી ઈશ્વરના રાજ્યમાં આપણો ભરોસો અડગ બનશે? (ખ) એફેસી ૨:૧૨ પ્રમાણે કરારો કઈ રીતે આપણો ભરોસો દૃઢ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવાના સાક્ષીઓ તરીકે આપણે ઉત્સાહથી લોકોને જણાવીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જ આપણી બધી તકલીફોનો ઉકેલ છે. જોકે, એ વાતમાં પહેલા આપણને પૂરી ખાતરી હોવી જોઈએ. શું તમને પૂરો ભરોસો છે કે ઈશ્વરનું રાજ્ય કોઈ કલ્પના નથી અને એના દ્વારા જ ઈશ્વરનો હેતુ પૂરો થશે? આપણે શાના આધારે રાજ્યમાં અડગ ભરોસો રાખીએ છીએ?—હિબ્રૂ ૧૧:૧.

૨ મસીહી રાજ દ્વારા યહોવા મનુષ્યો માટેનો પોતાનો હેતુ પૂરો કરશે. યહોવા એ રાજ્યને સ્થાપી શકે છે, કેમ કે રાજ કરવાનો હક ફક્ત તેમનો છે. તેથી, એ રાજ્ય કાયમ રહેશે. રાજ્યના અમુક મહત્ત્વનાં પાસાં વિશે યહોવાએ પહેલાંથી ગોઠવણ કરી રાખી છે. જેમ કે, એ રાજ્યના રાજા કોણ હશે? એ રાજા સાથે બીજા કોણ રાજ કરશે? તેઓ કોના પર રાજ કરશે? રાજ્યનાં એ પાસાં વિશે યહોવાએ અને ઈસુએ જુદા જુદા કરારો દ્વારા જણાવ્યું છે. એ કરારો પર અભ્યાસ કરવાથી આપણે જાણી શકીશું કે યહોવાનો હેતુ કઈ રીતે પૂરો થશે. ઉપરાંત, એ પણ સમજી શકીશું કે ઈશ્વરનું રાજ્ય સદા ટકશે એવી આશા શા માટે રાખી શકીએ.—એફેસી ૨:૧૨ વાંચો.

૩. આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ મસીહી રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. બાઇબલમાં એ રાજ્યને લગતા મુખ્ય ૬ કરાર છે. એ છે: (૧) ઈબ્રાહીમ સાથેનો કરાર, (૨) નિયમ કરાર, (૩) દાઊદ સાથેનો કરાર, (૪) મેલ્ખીસેદેક જેવા યાજક માટેનો કરાર, (૫) નવો કરાર અને (૬) રાજ્યનો કરાર. એ બધા કરારો રાજ્ય સાથે કઈ રીતે જોડાયેલા છે, ચાલો જોઈએ. આપણે એ પણ જોઈશું કે પૃથ્વી અને માણસો માટે ઈશ્વરનો હેતુ પૂરો કરવામાં એ કરારો કેવો ભાગ ભજવે છે.—આ માહિતી જુઓ: “યહોવા પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરશે.”

એદન બાગમાં આપેલું વચન

૪. ઉત્પત્તિના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, યહોવાના કયા ત્રણ નિર્ણયો મનુષ્યોને લગતા હતા?

૪ યહોવાએ પૃથ્વીને એ રીતે બનાવી કે મનુષ્યો એમાં જીવી શકે. એ પછી યહોવાએ આ ત્રણ નિર્ણયો જાહેર કર્યા: (૧) મનુષ્યોને પોતાના સ્વરૂપમાં બનાવીશ. (૨) મનુષ્યોએ ધીરે ધીરે આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવવી અને પોતાનાં ન્યાયી બાળકોથી ભરપૂર કરવી. (૩) મનુષ્યોએ ભલુંભૂંડું જાણવાના વૃક્ષ પરથી ખાવું નહિ. (ઉત. ૧:૨૬, ૨૮; ૨:૧૬, ૧૭) એ ત્રણે નિર્ણયો પરથી ઈશ્વરનો મનુષ્યો અને પૃથ્વી માટેનો હેતુ સાફ દેખાઈ આવે છે. તો પછી સવાલ થાય કે, ઈશ્વરને શા માટે કરારો કરવાની જરૂર પડી?

૫, ૬. (ક) શેતાને કઈ રીતે યહોવાના હેતુને અટકાવવાનો પ્રયત્ન કર્યો? (ખ) એદનમાં થયેલા વિરોધને યહોવાએ કઈ રીતે હાથ ધર્યો?

૫ શેતાન જાણીજોઈને, યહોવા અને તેમના હેતુ વિરુદ્ધ ગયો. તેણે મનુષ્યની ઈશ્વર પ્રત્યેની વફાદારીને નિશાન બનાવી. એમ કરવા તેણે હવાને ભલુંભૂંડું જાણવાના વૃક્ષ પરથી ફળ ખાવા લલચાવી. (ઉત. ૩:૧-૫; પ્રકટી. ૧૨:૯) આમ, ઈશ્વર અને રાજ કરવાના તેમના હક સામે શેતાને પડકાર ફેંક્યો. સમય જતાં, તેણે મનુષ્યો પર એવો આરોપ મૂક્યો કે તેઓ સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે.—અયૂ. ૧:૯-૧૧; ૨:૪, ૫.

૬ યહોવાએ એ પડકારને કઈ રીતે હાથ ધર્યો? તે ચાહત તો બળવાખોરોનો તરત નાશ કરી શક્યા હોત. પરંતુ, એમ કરવાથી તો આદમ-હવાનાં સંતાનો દ્વારા પૃથ્વીને ભરપૂર કરવાનો યહોવાનો હેતુ પૂરો ન થાત. યહોવાએ તેઓનો તરત નાશ કરવાને બદલે એક મોટી ભવિષ્યવાણી કરી, જેને એદનમાં આપેલું વચન કહેવાય છે. એ વચન દ્વારા યહોવાએ ખાતરી આપી કે મનુષ્યો અને પૃથ્વી માટેના તેમનાં હેતુનું એકે એક પાસું સાચું પડશે.—ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.

૭. એદનમાં આપેલા વચન દ્વારા સર્પ અને એનાં સંતાન વિશે શું જાહેર કરવામાં આવ્યું?

૭ એદનમાં આપેલા એ વચન દ્વારા યહોવાએ એક ચુકાદો આપ્યો. તેમણે જાહેર કર્યું કે સર્પ અને એનાં સંતાન, એટલે કે શેતાન અને તેનો પક્ષ લઈને ઈશ્વરના રાજ કરવાના હકની વિરુદ્ધ જનાર દરેકનો નાશ થશે. એ બળવાખોરોનો નાશ કરવાનો અધિકાર ઈશ્વરે સ્ત્રીના સંતાનને આપ્યો. આમ, એદનમાં આપેલું વચન જાહેર કરે છે કે શેતાનને અને તેના બંડ દ્વારા થયેલા નુકસાનની અસરોને નાબૂદ કરાશે. વધુમાં એ વચનમાં જણાવવામાં આવ્યું કે બધી બાબતો કઈ રીતે બનશે.

૮. સ્ત્રી અને તેના સંતાનની ઓળખ વિશે આપણને શું શીખવા મળ્યું?

૮ હવે સવાલ થાય કે, સ્ત્રીનું સંતાન કોણ હોવું જોઈએ? એ સંતાન એક સ્વર્ગદૂત હોવો જોઈએ. શા માટે? કારણ કે તેના દ્વારા “શેતાનનો નાશ” થવાનો હતો, જે પોતે સ્વર્ગમાંનો એક દૂત હતો. (હિબ્રૂ ૨:૧૪) એવી જ રીતે, સંતાનને જન્મ આપનાર “સ્ત્રી,” માનવીય સ્ત્રી નહિ, પણ સ્વર્ગને લગતી કોઈ જોગવાઈ હોવી જોઈએ. સમય વીત્યો તેમ, સર્પનાં એટલે કે શેતાનનાં સંતાન વધતાં ગયાં. પરંતુ, એદનમાં આપેલા વચનનાં લગભગ ૪,૦૦૦ વર્ષો સુધી, સ્ત્રી અને તેના સંતાનની ઓળખ રહસ્ય બની રહી. એ બધાં વર્ષો દરમિયાન, યહોવાએ સ્ત્રીના સંતાનની ઓળખ આપતા કેટલાક કરાર કર્યા. એ કરારો એમ પણ જણાવે છે કે, વિરોધને કારણે થયેલાં નુકસાનને યહોવા કઈ રીતે સુધારશે.

સંતાનની ઓળખ આપતો કરાર

૯. યહોવાએ ઈબ્રાહીમ સાથે કયો કરાર કર્યો? એ કરાર ક્યારે અમલમાં આવ્યો?

૯ એદનના વચનના આશરે ૨,૦૦૦ વર્ષો પછી, યહોવાએ ઈબ્રાહીમને ઉર શહેર છોડીને કનાન દેશમાં જવાની આજ્ઞા કરી. (પ્રે.કૃ. ૭:૨, ૩) ઈશ્વરે તેમને વચન આપ્યું: ‘તું તારો દેશ, તારાં સગાં અને તારા પિતાનું ઘર મૂકીને, જે દેશ હું તને બતાવું એમાં જા. હું તારાથી એક મોટું રાષ્ટ્ર ઉત્પન્‍ન કરીશ, તને આશીર્વાદ આપીશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ. તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.’ (ઉત. ૧૨:૧-૩) એ વચનને ઈબ્રાહીમ સાથેનો કરાર કહેવાય છે. યહોવાએ એ કરાર પહેલી વાર ક્યારે કર્યો? એના ચોક્કસ સમયની આપણને ખબર નથી. જોકે, આપણે એક વાત જાણીએ છીએ કે એ કરાર ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં અમલમાં આવ્યો. એ સમયે, ઈબ્રાહીમ ૭૫ વર્ષના હતા અને તેમણે હારાનમાંથી નીકળીને ફ્રાત (યુફ્રેટિસ) નદી પાર કરી હતી.

૧૦. (ક) ઈશ્વરના વચનમાં પૂરો ભરોસો છે, એવું ઈબ્રાહીમે કઈ રીતે સાબિત કર્યું? (ખ) યહોવાએ સ્ત્રીના સંતાન વિશે એક પછી એક કઈ વિગતો જણાવી?

૧૦ યહોવાએ ઈબ્રાહીમને પોતાનું એ વચન ઘણી વાર કહી જણાવ્યું અને દરેક વાર એમાં વધુ વિગતો ઉમેરતા ગયા. (ઉત. ૧૩:૧૫-૧૭; ૧૭:૧-૮, ૧૬) ઈબ્રાહીમને યહોવાના એ વચનમાં એટલો બધો ભરોસો હતો કે તે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપવા પણ તૈયાર હતા. એ બાબત યહોવાને ઘણી સ્પર્શી ગઈ. તેથી, તેમણે કરાર દ્વારા ખાતરી આપી કે ઈબ્રાહીમને આપેલું વચન પૂરું થશે જ. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮; હિબ્રૂ ૧૧:૧૭, ૧૮ વાંચો.) ઈબ્રાહીમ સાથેનો કરાર અમલમાં આવ્યો ત્યારે યહોવાએ સ્ત્રીના સંતાન વિશે એક પછી એક મહત્ત્વની વિગતો જણાવી. તેમણે જણાવ્યું કે, ઈબ્રાહીમના કુળમાંથી સંતાન આવશે, સંતાનમાં ઘણા લોકોનો સમાવેશ થશે, તેઓ રાજાઓ તરીકે સેવા આપશે, ઈશ્વરના દુશ્મનોનો નાશ કરવામાં તેઓનો ઉપયોગ કરાશે અને તેઓ ઘણા મનુષ્યો માટે આશીર્વાદરૂપ બનશે.

ઈબ્રાહીમ ઈસ્હાકનું અર્પણ કરવા જઈ રહ્યા છે

ઈશ્વરનાં વચનોમાં ઈબ્રાહીમે અડગ ભરોસો બતાવ્યો (ફકરો ૧૦ જુઓ)

૧૧, ૧૨. કલમો કઈ રીતે સાબિત કરે છે કે ઈબ્રાહીમ સાથેનો કરાર મોટા પાયે પૂરો થશે? એનો આપણા માટે શો અર્થ થાય?

૧૧ ઈબ્રાહીમ સાથેના કરારમાં આપેલાં વચનો ક્યારે પૂરાં થયાં? ઈબ્રાહીમના વંશજોએ વચનનો દેશ મેળવી લીધો ત્યારે એ પ્રથમ વાર પૂરાં થયાં. જોકે, બાઇબલ જણાવે છે કે એ કરાર દ્વારા હજુ પણ મોટા આશીર્વાદો મળવાના હતા. (ગલા. ૪:૨૨-૨૫) પ્રેરિત પાઊલે જણાવ્યું કે ઈબ્રાહીમનાં સંતાનનો મુખ્ય ભાગ ઈસુ ખ્રિસ્ત છે. તેમ જ, બીજો ભાગ ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને રજૂ કરે છે. (ગલા. ૩:૧૬, ૨૯; પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૧, ૪) એદનના વચનમાં જે “સ્ત્રી”નો ઉલ્લેખ થયો છે, તે ઈશ્વરના સંગઠનના સ્વર્ગમાંના ભાગને રજૂ કરે છે. એ સ્ત્રીને “ઉપરનું યરૂશાલેમ” કહેવામાં આવે છે, જે વફાદાર સ્વર્ગદૂતોનું બનેલું છે. (ગલા. ૪:૨૬, ૩૧) ઈબ્રાહીમ સાથેના કરારમાં જણાવ્યું હતું તેમ સ્ત્રીનું સંતાન, માણસજાત માટે હંમેશ માટેના આશીર્વાદો લાવશે.

૧૨ ઈબ્રાહીમ સાથેનો કરાર ખાતરી આપે છે કે ઈશ્વરનું રાજ્ય ચોક્કસ આવશે. ઉપરાંત, એ કરારને લીધે રાજા અને તેમના સાથીઓ માટે રાજ્યનો વારસો મેળવવો શક્ય બન્યો છે. (હિબ્રૂ ૬:૧૩-૧૮) તો સવાલ થાય કે એ કરાર ક્યાં સુધી રહેશે? ઉત્પત્તિ ૧૭:૭ની કલમમાં એને “સનાતન કરાર” તરીકે જણાવ્યો છે. ખરું કે, રાજ્ય દ્વારા ઈશ્વરના દુશ્મનો નાશ પામે અને પૃથ્વી પરની આખી માણસજાતને આશીર્વાદો મળે ત્યાં સુધી એ કરાર રહેશે. (૧ કોરીં. ૧૫:૨૩-૨૬) પરંતુ, એ કરારના આશીર્વાદો હંમેશ માટે ટકશે. આમ, ઈબ્રાહીમ સાથેનો કરાર સાબિત કરે છે કે, યહોવા પોતાનો હેતુ અચૂક પૂરો કરશે. તે ન્યાયી માણસોથી ‘પૃથ્વીને ભરપૂર કરશે.’—ઉત. ૧:૨૮.

રાજ્ય હંમેશાં રહેશે એવી ખાતરી આપતો કરાર

૧૩, ૧૪. દાઊદ સાથેનો કરાર કઈ ખાતરી આપે છે?

૧૩ એદનમાં આપેલું વચન અને ઈબ્રાહીમ સાથેનો કરાર શીખવે છે કે, યહોવા હંમેશાં ન્યાયી ધોરણો પ્રમાણે રાજ કરે છે. તેથી, તેમણે મસીહી રાજ પણ એ ધોરણોના આધારે સ્થાપ્યું છે. (ગીત. ૮૯:૧૪) શું મસીહી રાજ ક્યારેય ભ્રષ્ટ થઈ શકે? શું એ સરકારને બદલવાની જરૂર પડી શકે? એવું ક્યારેય નહિ બને. એની ખાતરી બીજા એક કરારથી મળે છે.

૧૪ યહોવાએ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને એક વચન આપ્યું, જેને દાઊદ સાથેનો કરાર કહેવાય છે. (૨ શમૂએલ ૭:૧૨, ૧૬ વાંચો.) યહોવાએ વચન આપ્યું હતું કે દાઊદના વંશમાંથી મસીહ આવશે. (લુક ૧:૩૦-૩૩) એ રીતે, યહોવાએ મસીહ જે કુળમાંથી આવશે એની વધુ સચોટ માહિતી આપી. યહોવાએ કહ્યું કે દાઊદનો એ વંશજ, મસીહી રાજ્યનો રાજા બનવાને “હકદાર” હશે. (હઝકી. ૨૧:૨૫-૨૭) દાઊદનું રાજ જાણે કાયમ ચાલશે, કેમ કે તેમના વંશજ ઈસુ ખ્રિસ્ત ‘સદા રહેશે’ અને ‘સૂર્યની જેમ તેમનું રાજ્યાસન ટકશે.’ (ગીત. ૮૯:૩૪-૩૭) એટલે આપણે ખાતરી રાખી શકીએ કે મસીહી રાજ ક્યારેય ભ્રષ્ટ થશે નહિ. તેમ જ, તેમના રાજથી મળતા આશીર્વાદો પણ સદા માટે રહેશે!

યાજક માટેનો કરાર

૧૫-૧૭. વચનના સંતાનને રાજા બનવાની સાથે સાથે બીજી કઈ સોંપણી મળી છે? શા માટે?

૧૫ ઈબ્રાહીમ સાથેનો અને દાઊદ સાથેનો કરાર ખાતરી આપે છે કે સ્ત્રીનું સંતાન રાજા તરીકે રાજ કરશે. પરંતુ, ફક્ત એનાથી આખી માણસજાતને પૂરી રીતે ફાયદો થઈ શકે તેમ ન હતું. મનુષ્યોને પૂરી રીતે આશીર્વાદ મળે માટે જરૂરી હતું કે તેઓ પાપમાંથી મુક્ત થાય અને યહોવાના આખા વિશ્વના કુટુંબનો ભાગ બને. એ માટે “સંતાન”નું રાજા હોવાની સાથે સાથે એક યાજક હોવું પણ જરૂરી હતું. કારણ કે પાપની માફી માટેનું અર્પણ ફક્ત યાજક જ ચઢાવી શકતા હતા. તેથી, સ્ત્રીનું સંતાન એક યાજક પણ હોય એવી ગોઠવણ કરવા યહોવાએ મેલ્ખીસેદેક જેવા યાજક માટેનો કરાર કર્યો.

૧૬ ઈશ્વરે દાઊદ રાજા દ્વારા જાહેર કર્યું કે પોતે ઈસુ સાથે એક કરાર કરશે. એ કરારમાં બે બનાવોનો સમાવેશ થતો હતો. પહેલો કે, ઈસુ બધા દુશ્મનો પર જીત મેળવે ત્યાં સુધી ‘યહોવાને જમણે હાથે બેસે.’ બીજો કે, ઈસુ “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક” બને. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨, ૪ વાંચો.) પરંતુ, શા માટે ઈસુએ “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે” યાજક બનવાની જરૂર હતી? એનો જવાબ મેળવવા ચાલો મેલ્ખીસેદેક વિશે થોડુંક જાણીએ. ઈબ્રાહીમના વંશજોએ વચનનો દેશ મેળવ્યો એ અગાઉ મેલ્ખીસેદેક શાલેમ શહેરના રાજા હતા. તેમ જ, ‘પરાત્પર ઈશ્વરના યાજક હતા.’ (હિબ્રૂ ૭:૧-૩) યહોવાએ પોતે તેમને યાજક અને રાજા નીમ્યા હતા. ઈસુ અગાઉ, ફક્ત મેલ્ખીસેદેક જ એવી વ્યક્તિ હતા, જે એ બંને ભૂમિકા નિભાવતા હતા. ઉપરાંત, એવો કોઈ અહેવાલ જોવા મળતો નથી, જે બતાવે કે મેલ્ખીસેદેક પહેલા કે પછી કોઈ માણસે તેમની પદવી લીધી હોય. તેથી જ એવું કહેવાયું કે “તે સદા યાજક રહે છે.”

૧૭ એ કરાર દ્વારા યહોવાએ ઈસુને યાજક તરીકે નીમ્યા છે. ઈસુ પણ ‘મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક’ રહેશે. (હિબ્રૂ ૫:૪-૬) એ કરારથી યહોવા ખાતરી આપે છે કે, મનુષ્યો અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરવા તે મસીહી રાજ્યનો ઉપયોગ કરશે.

કરારો, રાજ્યનો મુખ્ય આધાર છે

૧૮, ૧૯. (ક) આપણે જોઈ ગયેલા કરારો, રાજ્ય સાથે કઈ રીતે જોડાયેલા છે? (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ અત્યાર સુધી આપણે જોઈ ગયા કે દરેક કરાર કઈ રીતે મસીહી રાજ્ય સાથે જોડાયેલો છે. આપણે એ પણ જાણ્યું કે એ કરારોના મજબૂત પાયા પર રાજ્ય સ્થપાયું છે. એદનમાં આપેલા વચન દ્વારા યહોવા ભરોસો આપે છે કે માણસો અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરવા સ્ત્રીના સંતાનનો ઉપયોગ કરશે. ઈબ્રાહીમ સાથેનો કરાર સમજાવે છે કે એ સંતાન કોણ હશે અને તે કેવો ભાગ ભજવશે.

૧૯ દાઊદ સાથેનો કરાર, મસીહ જે કુળમાંથી આવશે એની વધુ વિગતો આપે છે. એ કરાર ઈસુને પૃથ્વી ઉપર હંમેશ માટે રાજ કરવાનો અધિકાર પણ આપે છે. મેલ્ખીસેદેક જેવા યાજક માટેનો કરાર ખાતરી આપે છે કે વચનનું સંતાન એક યાજક તરીકે પણ સેવા આપશે. મનુષ્યોને સંપૂર્ણ થવામાં ઈસુ મદદ કરશે. એ કામમાં ઈસુને સાથ આપવા રાજાઓ અને યાજકો તરીકે અમુક લોકો પસંદ કરાયા છે. તેઓ ક્યાંથી આવશે? એ વિશે આવતા લેખમાં ચર્ચા કરીશું.

યહોવા પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરશે

ઈસુ સ્વર્ગના રાજ્યને યહોવાને પાછું આપે છે

એદનમાં આપેલું વચન જાહેર કરે છે કે, ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા મનુષ્યો અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરશે. એને લગતા ૬ કરારો આ પ્રમાણે છે:

ઈબ્રાહીમ સાથેનો કરાર

કોની વચ્ચે થયો: યહોવા અને ઈબ્રાહીમ

શા માટે કર્યો: ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલ “સ્ત્રી”નું “સંતાન” રાજ્યમાં રાજ કરશે એની ખાતરી આપવા

નિયમ કરાર

કોની વચ્ચે થયો: યહોવા અને ઈસ્રાએલ રાષ્ટ્ર

શા માટે કર્યો: “સંતાન”નું રક્ષણ કરવા અને લોકોને મસીહને ઓળખવામાં મદદ આપવા

દાઊદ સાથેનો કરાર

કોની વચ્ચે થયો: યહોવા અને દાઊદ

શા માટે કર્યો: મસીહી રાજા, દાઊદનો વંશજ હશે અને તેમનું રાજ્ય સદા રહેશે, એ દર્શાવવા

મેલ્ખીસેદેક જેવા યાજક માટેનો કરાર

કોની વચ્ચે થયો: યહોવા અને ઈસુ

શા માટે કર્યો: ઈસુ, જે સ્ત્રીના “સંતાન”નો મુખ્ય ભાગ છે, તે રાજા અને સદા માટેના યાજક પણ બનશે, એની ખાતરી આપવા

નવો કરાર

કોની વચ્ચે થયો: યહોવા અને અભિષિક્તો

શા માટે કર્યો: ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને ઈશ્વરના દત્તક પુત્રો બનવાનો અને “સંતાન”નો બીજો ભાગ બનવાનો હક આપવા

રાજ્યનો કરાર

કોની વચ્ચે થયો: ઈસુ અને અભિષિક્તો

શા માટે કર્યો: અભિષિક્તોને ઈસુ સાથે રાજ કરવાનો અને સ્વર્ગમાં યાજકો તરીકે સેવા આપવાનો અધિકાર આપવા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો