આજના સમયમાં પ્રાચીન સલાહ
દિલથી માફ કરો
બાઇબલ સિદ્ધાંત: ‘જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ તેને માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.’—કોલોસી ૩:૧૩, NW.
એનો શું અર્થ થાય? બાઇબલમાં પાપને ઉધાર સાથે અને માફી આપવાને ઉધાર જતું કરવા સાથે સરખાવવામાં આવ્યું છે. (લુક ૧૧:૪) એક પુસ્તક જણાવે છે કે, “માફી” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય કે, “ઉધાર વસૂલ કરવાને બદલે એને જતું કરવું.” તેથી, ખોટું કરનાર વ્યક્તિને આપણે માફ કરીએ ત્યારે, તેની પાસેથી કશું પણ પાછું મેળવવાની આશા નથી રાખતા. માફ કરવાનો અર્થ એ નથી કે આપણે ખોટું કામ ચલાવી લઈએ છીએ અથવા આપણું દુઃખ ઓછું થઈ ગયું છે. પરંતુ, ‘ફરિયાદ કરવાનું યોગ્ય કારણ’ હોય તોપણ, આપણે મનમાં ખાર ભરી રાખતા નથી.
શું આજે એ સલાહ ઉપયોગી છે? માણસ માત્ર ભૂલને પાત્ર. એનો અર્થ થાય કે, આપણે બધા ભૂલો કરીએ છીએ. (રોમનો ૩:૨૩) તેથી, બીજાઓને માફી આપવામાં જ સમજદારી છે. કારણ કે, ભાવિમાં આપણને પણ બીજાઓની માફીની જરૂર પડશે. વધુમાં, બીજાઓને માફી આપવાથી આપણને પણ ફાયદો થશે. કઈ રીતે?
જો આપણે દિલમાં ખાર ભરી રાખીએ અને માફી ન આપીએ, તો એનાથી આપણને જ નુકસાન થશે. ખાર ભરી રાખવાથી આપણી જ ખુશી છીનવાઈ જશે, સંબંધો વણસી જશે અને આપણે દુઃખમાં ડૂબી જઈશું. આપણી તંદુરસ્તીને પણ ઘણું નુકસાન થશે. એક રિપોર્ટમાં ડૉ. યોઆઈચી ચાઈડા અને મનોવિજ્ઞાનના પ્રોફેસર એન્ડ્રુ સ્ટેપટોએ જણાવ્યું: ‘હાલના સંશોધનો જણાવે છે કે, ક્રોધ અને ગુસ્સાથી હૃદયરોગ થઈ શકે છે.’—જર્નલ ઑફ ધી અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજી.
હવે, માફી આપવાથી થતા ફાયદા પર વિચાર કરીએ. બીજાઓને દિલથી માફ કરવાથી આપણે એકતા અને શાંતિ જાળવીએ છીએ. એનાથી સંબંધોમાં મીઠાશ રહે છે. સૌથી મહત્ત્વનું તો, આપણે એવા ઈશ્વરને અનુસરીએ છીએ જે પસ્તાવો કરનારને દિલથી માફ કરે છે. તે આપણી પાસેથી પણ એવું જ ચાહે છે.—માર્ક ૧૧:૨૫; એફેસી ૪:૩૨; ૫:૧. (w15-E 10/01)