વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ડિસેમ્બર પાન ૨૪-૨૮
  • યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાનું વચન—હું તમને આશીર્વાદ આપીશ
  • “આપણા જીવન માટે લંગર”
  • યહોવાએ તેઓને ઇનામ આપ્યું
  • આપણાં કામોને યહોવા ક્યારેય ભૂલતા નથી
  • હમણાંનું અને ભાવિનું ઇનામ
  • ઈશ્વરને ખંતથી શોધનારને તે ફળ આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાએ જૂઠા રાષ્ટ્રને ઇનામ આપ્યું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ડિસેમ્બર પાન ૨૪-૨૮
આવનાર બાગ જેવી સુંદર પૃથ્વી પર એક યુગલ દરિયા કિનારાના નજારાનો આનંદ માણે છે

યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે

“જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂ. ૧૧:૬.

ગીતો: ૨૬, ૫૫

શું તમે સમજાવી શકો?

  • આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવા પોતાના સેવકોને ઇનામ આપશે?

  • અગાઉના ભક્તોને ઈશ્વરે કેવું ઇનામ આપ્યું હતું?

  • યહોવા પાસેથી આજે આપણને ઇનામમાં શું મળ્યું છે?

૧, ૨. (ક) પ્રેમ અને શ્રદ્ધા કઈ રીતે જોડાયેલા છે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, “કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.” (૧ યોહા. ૪:૧૯) પ્રેમથી પ્રેરાઈને, યહોવાએ પોતાના વફાદાર સેવકોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે. યહોવા માટેનો પ્રેમ ગાઢ થશે તેમ, તેમના પરની આપણી શ્રદ્ધા મજબૂત બનશે. આપણને પાક્કી ખાતરી થશે કે જેને તે પ્રેમ કરે છે તેને અચૂક ઇનામ આપશે.—હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.

૨ ઇનામ આપવું તો યહોવાના કામ કરવાની રીતનો અને તેમના વ્યક્તિત્વનો મહત્ત્વનો ભાગ છે. તેથી, જો આપણા મનમાં શંકા હશે કે યહોવા તેમને દિલથી શોધનારને ઇનામ આપશે કે નહિ, તો આપણી શ્રદ્ધા અધૂરી છે. એવું શા માટે? કારણ કે, ખરી શ્રદ્ધા “આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી” છે. (હિબ્રૂ. ૧૧:૧) શ્રદ્ધા હોવાનો અર્થ થાય કે યહોવા પોતાના વફાદાર સેવકોને ઇનામ આપશે એવો મજબૂત ભરોસો હોવો. પરંતુ, ઇનામ માટે આશા રાખવાથી કેવો ફાયદો થાય છે? અગાઉના અને હાલના પોતાના સેવકોને યહોવાએ કેવું ઇનામ આપ્યું છે? ચાલો જોઈએ.

યહોવાનું વચન—હું તમને આશીર્વાદ આપીશ

૩. માલાખી ૩:૧૦માં યહોવાએ આપણને કયું વચન આપ્યું છે?

૩ યહોવાએ પોતાના વફાદાર સેવકોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે. તે આપણને પોતાનું સૌથી ઉત્તમ આપવાનું ઉત્તેજન આપે છે. આશીર્વાદ આપવાના તેમના વચન પર આપણે ભરોસો રાખીએ એવું તે ચાહે છે. યહોવાએ કહ્યું હતું: “મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” (માલા. ૩:૧૦) યહોવાની પરખ કરીને આપણે તેમના પ્રેમાળ પ્રસ્તાવ માટે કદર બતાવી શકીએ.

૪. માથ્થી ૬:૩૩ના ઈસુના શબ્દો પર આપણે શા માટે ભરોસો રાખી શકીએ?

૪ ઈસુએ શિષ્યોને વચન આપ્યું હતું કે જો તેઓ યહોવાના રાજ્યને પ્રથમ સ્થાન આપશે તો યહોવા તેઓની જરૂરિયાતો પૂરી પાડશે. (માથ્થી ૬:૩૩ વાંચો.) ઈસુ એમ કહી શક્યા, કારણ કે તે જાણતા હતા કે યહોવાનાં વચનો હંમેશાં સાચાં પડે છે. (યશા. ૫૫:૧૧) આપણે પણ ખાતરી રાખી શકીએ કે, જો યહોવા પર પૂરી શ્રદ્ધા રાખીશું, તો તે પોતાનું આ વચન નિભાવશે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂ. ૧૩:૫) યહોવાનું એ વચન આપણને માથ્થી ૬:૩૩ના ઈસુના શબ્દો પર ભરોસો રાખવા મદદ કરશે.

વરસાદથી બચવા ઈસુ અને તેમના શિષ્યો આશરો લે છે

ઈસુએ જણાવ્યું હતું કે શિષ્યોએ જે બલિદાનો આપ્યાં છે, એ બદલ તેઓ ઇનામ મેળવશે (ફકરો ૫ જુઓ)

૫. ઈસુએ પીતરને આપેલા જવાબથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૫ પ્રેરિત પીતરે એક વાર ઈસુને પૂછ્યું હતું: “અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ; એ માટે અમને શું મળશે?” (માથ. ૧૯:૨૭) એ સવાલ પૂછવા માટે શું ઈસુએ પીતરને ઠપકો આપ્યો? ના. એના બદલે, ઈસુએ શિષ્યોને જણાવ્યું કે તેઓએ આપેલાં બલિદાન માટે યહોવા તેઓને ઇનામ આપશે. પ્રેરિતો અને બીજા વફાદાર શિષ્યો ભાવિમાં ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. ઈસુએ એમ પણ જણાવ્યું હતું કે, હાલના જીવન માટે પણ ઇનામ રહેલું છે. તેમણે કહ્યું હતું: “જે કોઈએ મારા નામને લીધે ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તે એ બધું સો ગણું વધારે મેળવશે અને હંમેશ માટેના જીવનનો વારસો મેળવશે.” (માથ. ૧૯:૨૯) ઈસુના બધા જ શિષ્યોને મંડળમાં એવા લોકો મળશે, જેને તેઓ માતા-પિતા, ભાઈ-બહેન અને દીકરા-દીકરી કહી શકે છે. યહોવાના રાજ્ય માટે આપેલાં કોઈ પણ બલિદાન કરતાં એ ઇનામ ઘણું મોટું છે!

“આપણા જીવન માટે લંગર”

૬. યહોવાએ પોતાના સેવકોને ઇનામ આપવાનું વચન શા માટે આપ્યું છે?

૬ હાલ જે આશીર્વાદોનો અનુભવ કરીએ છીએ, એનાથી પણ ઘણા ભવ્ય આશીર્વાદો ભાવિમાં આપણને મળશે. (૧ તિમો. ૪:૮) ઇનામ આપવાનું વચન આપીને યહોવા પોતાના સેવકોને કસોટીના સમયમાં વફાદાર રહેવા મદદ કરે છે. જો આપણને પૂરી ખાતરી હશે કે, યહોવા ‘તેમને દિલથી શોધનારાઓને ઇનામ આપે છે,’ તો આપણે તેમને વફાદાર રહી શકીશું.—હિબ્રૂ. ૧૧:૬

૭. ભાવિની આશા કઈ રીતે લંગર સમાન છે?

૭ પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું હતું: “તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે; તેઓએ તમારી અગાઉ પ્રબોધકોની પણ આ રીતે સતાવણી કરી હતી.” (માથ. ૫:૧૨) યહોવાના અમુક ભક્તોને સ્વર્ગના જીવનનું ઇનામ મળશે; અને બીજાઓને બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમી જીવનનું ઇનામ મળશે. (ગીત. ૩૭:૧૧; લુક ૧૮:૩૦) ખરેખર, ખુશ થવાનું અને ખૂબ આનંદ કરવાનું એ પણ એક કારણ છે. પરંતુ, આપણા બધા માટે ભાવિની આશા “જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત.” (હિબ્રૂ. ૬:૧૭-૨૦) જેમ તોફાનમાં લંગર જહાજને સ્થિર રાખે છે, તેમ મજબૂત આશા આપણને સત્યમાં સ્થિર રહેવા મદદ કરે છે. એ આપણને મુસીબતોના તોફાનમાં અડીખમ રહેવા મદદ કરે છે.

૮. ચિંતાઓમાંથી બહાર આવવા આશા કઈ રીતે મદદ કરી શકે?

૮ આશા આપણને ચિંતાઓમાંથી બહાર આવવા મદદ કરી શકે. જેમ કોઈ બામ કે મલમ દુખાવામાં રાહત આપે છે, તેમ યહોવાનાં વચનો ચિંતિત દિલના ઘા રુઝાવવા મદદ કરે છે. જો આપણે પોતાનો ‘બોજો યહોવા પર નાખીશું તો તે આપણને નિભાવી રાખશે.’ (ગીત. ૫૫:૨૨) એ જાણીને કેટલી રાહત મળે છે! આપણે પૂરેપૂરી ખાતરી રાખી શકીએ કે, “આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે” યહોવા આપશે. (એફે. ૩:૨૦) જરા વિચારો, આપણે માંગીએ કે કલ્પના કરીએ એટલું જ નહિ, પણ આપણી કલ્પના કરતાં “અનેક ગણું વધારે” યહોવા આપણને આપશે.

૯. આપણે શા માટે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને આશીર્વાદ આપશે?

૯ ઇનામ મેળવવા આપણે યહોવામાં પૂરી શ્રદ્ધા રાખવાની અને તેમના માર્ગદર્શન મુજબ ચાલવાની જરૂર છે. મુસાએ ઇઝરાયેલી પ્રજાને કહ્યું હતું: “યહોવા તારો ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નિશ્ચે આશીર્વાદ દેશે; ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને, આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો. કેમ કે તને આપેલા વચન પ્રમાણે, યહોવા તારો ઈશ્વર તને આશીર્વાદ દેશે.” (પુન. ૧૫:૪-૬) શું તમને પૂરેપૂરી ખાતરી છે કે, જો વફાદાર રહેશો તો યહોવા તમને આશીર્વાદ આપશે? એવી ખાતરી રાખવા પાછળ અનેક કારણો છે.

યહોવાએ તેઓને ઇનામ આપ્યું

૧૦, ૧૧. યહોવાએ યુસફને કેવું ઇનામ આપ્યું?

૧૦ બાઇબલ આપણા લાભ માટે લખવામાં આવ્યું છે. યહોવાએ પોતાના વફાદાર સેવકોને ઇનામ આપ્યું હોય, એવા અનેક અહેવાલ એમાં લખવામાં આવ્યા છે. (રોમ. ૧૫:૪) યુસફનો દાખલો લો. તેમના ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા; પછીથી, ઇજિપ્તમાં તેમના માલિકની પત્નીએ તેમના પર ખોટો આરોપ મૂક્યો, જેના લીધે તેમને જેલ ભેગા થવું પડ્યું. શું તેમણે યહોવા સાથેના સંબંધ પર કોઈ આંચ આવવા દીધી? જરા પણ નહિ! ‘યહોવા યુસફની સાથે હતા, ને તેમણે તેમના પર દયા કરી; કેમ કે યહોવા તેમની સાથે હતા; અને તે જે કંઈ કામ કરતા તેમાં યહોવા તેમને જીત અપાવતા.’ (ઉત. ૩૯:૨૧-૨૩) એ કપરા સંજોગોમાં યુસફે ધીરજ ધરી અને યહોવા પર ભરોસો રાખ્યો.

૧૧ વર્ષો પછી, ફારુને યુસફને જેલમાંથી આઝાદ કર્યા અને ઇજિપ્તમાં તેમનાથી બીજા સ્થાને મૂક્યા. (ઉત. ૪૧:૧, ૩૭-૪૩) યુસફને બે દીકરા થયા. તેમણે ‘મોટા દીકરાનું નામ મનાશ્શે પાડ્યું. તેમણે કહ્યું, કેમ કે ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે. અને બીજાનું નામ તેમણે એફ્રાઈમ પાડ્યું; તેમણે કહ્યું, કેમ કે મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.’ (ઉત. ૪૧:૫૧, ૫૨) યુસફ વફાદાર રહ્યા માટે તેમને યહોવાએ મોટું ઇનામ આપ્યું. તે ઇઝરાયેલીઓ અને ઇજિપ્તના લોકોના જીવ બચાવી શક્યા. યુસફ પારખી શક્યા કે તેમને મળેલાં આશીર્વાદ અને ઇનામ યહોવા તરફથી છે.—ઉત. ૪૫:૫-૯.

૧૨. કસોટીમાં ટકી રહેવા ઈસુને ક્યાંથી મદદ મળી?

૧૨ ઈસુની શ્રદ્ધાની ઘણી વાર કસોટી થઈ. પણ, તે યહોવાને વફાદાર રહ્યા અને યહોવાએ તેમને ઇનામ આપ્યું. કસોટીમાં ટકી રહેવા ઈસુને ક્યાંથી મદદ મળી? બાઇબલ સમજાવે છે: “તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં.” (હિબ્રૂ. ૧૨:૨) યહોવાના નામને પવિત્ર મનાવવામાં ઈસુને ચોક્કસ ખુશી મળી હશે. યહોવાએ ઈસુનો સ્વીકાર કરીને અને ઘણાં અદ્‍ભુત લહાવા આપીને તેમને ઇનામ આપ્યું. બાઇબલ જણાવે છે કે, “તે ઈશ્વરના રાજ્યાસનની જમણી બાજુ બેઠા છે.” બાઇબલમાં બીજી એક જગ્યાએ આમ જણાવ્યું છે: “ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી અને પ્રેમથી દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.”—ફિલિ. ૨:૯.

આપણાં કામોને યહોવા ક્યારેય ભૂલતા નથી

૧૩, ૧૪. આપણે યહોવા માટે જે કરીએ છીએ, એ વિશે તેમને કેવું લાગે છે?

૧૩ આપણે ખાતરી રાખી શકીએ કે, યહોવાની સેવામાં આપણે જે કંઈ કરીએ છીએ એની તે કદર કરે છે. તે આપણી ચિંતાઓ અને કમજોરીઓથી વાકેફ છે. પૈસાની તંગી, કથળતી તબિયત કે નિરાશાને લીધે યહોવાની સેવામાં વધુ કરી નથી શકતા ત્યારે, તે આપણને દયા બતાવે છે. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે, તેમને વફાદાર રહેવા આપણે જે મહેનત કરીએ છીએ, એ તેમના ધ્યાન બહાર જતી નથી.—હિબ્રૂઓ ૬:૧૦, ૧૧ વાંચો.

૧૪ યાદ રાખો કે, આપણે પૂરી ખાતરી સહિત “પ્રાર્થનાના સાંભળનાર” યહોવા પાસે જઈ શકીએ છીએ. (ગીત. ૬૫:૨) તે ચોક્કસ આપણી ચિંતાનો પોકાર સાંભળશે. યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” (૨ કોરીં. ૧:૩) આપણને લાગણીમય રીતે અને ભક્તિમાં ટેકો આપવા તે કોઈ કસર નહિ છોડે. આપણાં ભાઈ-બહેનો દ્વારા તે આપણને મદદ આપી શકે છે. આપણે બીજાઓને દયા બતાવીએ છીએ ત્યારે, યહોવાનું દિલ ભરાઈ આવે છે. બાઇબલ કહે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે.” (નીતિ. ૧૯:૧૭; માથ. ૬:૩, ૪) તેથી, આપણે જ્યારે કોઈને ઉદાર દિલે મદદ કરીએ છીએ, ત્યારે જાણે યહોવાને ઉછીનું આપીએ છીએ. એ ઉછીનું ભરપાઈ કરવા યહોવાએ દયાનો બદલો દયાથી વાળવાનું વચન આપ્યું છે.

હમણાંનું અને ભાવિનું ઇનામ

૧૫. તમે ભાવિમાં કયા ઇનામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૫ અભિષિક્તોને ઈસુ પાસેથી “સત્યનો મુગટ” ઇનામ તરીકે મેળવવાની આશા છે. (૨ તિમો. ૪:૭, ૮) પણ જો તમારી આશા સ્વર્ગના જીવનની ન હોય, તો શું યહોવાની નજરે તમે ઓછા કીમતી છો? જરા પણ નહિ. ઈસુના “બીજાં ઘેટાં” બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમી જીવનનું ઇનામ મેળવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ હજારો ને લાખો વફાદાર સેવકો ‘પુષ્કળ શાંતિમાં આનંદ કરશે.’—યોહા. ૧૦:૧૬; ગીત. ૩૭:૧૧.

૧૬. પહેલો યોહાન ૩:૧૯, ૨૦માં આપણને દિલાસો આપતું કયું વચન છે?

૧૬ કોઈક વાર આપણને લાગે કે યહોવાની સેવામાં આપણે ખાસ કંઈ કરતા નથી. કદાચ આપણને થાય, “હું યહોવા માટે જે કંઈ કરું છું, શું તે એનાથી ખુશ છે?” અથવા વિચારીએ કે, “હું તો કોઈ પણ ઇનામ મેળવવાને લાયક નથી.” એવા સમયે યાદ રાખો કે “ઈશ્વર આપણા હૃદયો કરતાં મહાન છે અને તે બધું જાણે છે.” (૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો.) શ્રદ્ધા અને પ્રેમને લીધે આપણે યહોવાની સેવા કરીએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ કે તે આપણને ચોક્કસ ઇનામ આપશે. આપણને લાગતું હશે કે આપણા પ્રયાસોની કોઈ કિંમત નથી, પણ યહોવાને મન એ ખૂબ કીમતી છે.—માર્ક ૧૨:૪૧-૪૪.

૧૭. આજે આપણે કયાં ઇનામોનો આનંદ માણીએ છીએ?

૧૭ શેતાનની દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસોમાં પણ યહોવા પોતાના લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. યહોવા ખાતરી કરે છે કે, તેમના દરેક ભક્તને ભરપૂર માત્રામાં જ્ઞાન અને ખુશી મળી રહે. (યશા. ૫૪:૧૩) ઈસુએ વચન આપ્યું હતું તેમ, આજે યહોવાએ આપણને દુનિયાભરમાં પ્રેમાળ ભાઈ-બહેનોથી બનેલું કુટુંબ આપ્યું છે. (માર્ક ૧૦:૨૯, ૩૦) તેમ જ, યહોવાને દિલથી શોધનારાઓને મનની શાંતિ, સંતોષ અને ખુશી ઇનામ તરીકે મળ્યાં છે.—ફિલિ. ૪:૪-૭.

૧૮, ૧૯. યહોવા તરફથી મળતા આશીર્વાદ વિશે તેમના સેવકોને કેવું લાગે છે?

૧૮ પ્રેમાળ પિતા યહોવા તરફથી તેમના સેવકોએ અદ્‍ભુત ઇનામનો આનંદ માણ્યો છે. જર્મનીનાં બહેન બિયન્કાનો વિચાર કરો. તે કહે છે: ‘મારી ચિંતાઓમાંથી બહાર આવવા અને દરરોજ મારી પડખે ઊભા રહેવા, હું યહોવાનો કેટલો પણ આભાર માનું, એ ઓછો છે. આ દુનિયા અવ્યવસ્થા અને ધુતકારથી ભરેલી છે. પરંતુ, યહોવા સાથે કામ કરવાથી હું પોતાને યહોવાના હાથમાં સુરક્ષિત મહેસૂસ કરું છું. યહોવા માટે હું જ્યારે પણ કંઈક જતું કરું છું, ત્યારે તે મને સો ગણું વાળી આપે છે.’

૧૯ હવે, કેનેડામાં રહેતાં બહેન પૌલાનો વિચાર કરો. તે ૭૦ વર્ષના છે અને કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાય છે. તે કહે છે: ‘બીમારીને લીધે હું વધારે હલન-ચલન નથી કરી શકતી. પણ, એના લીધે સેવાકાર્યમાં મારો જોશ જરા પણ ઠંડો પડ્યો નથી. ખુશખબર ફેલાવવાની અલગ અલગ રીત હું અપનાવું છું. હું ફોન દ્વારા અને દરેક તકનો ઉપયોગ કરીને લોકોને ખુશખબર જણાવું છું. અમુક કલમો અને આપણાં સાહિત્યમાં આવતા સુંદર વિચારોને હું એક ડાયરીમાં લખી લઉં છું. ઉત્તેજન મેળવવા સમયે સમયે હું એને વાંચું છું. નિરાશાના સમયે એ ડાયરી સંકટ સમયની સાંકળ બને છે. યહોવાનાં વચનો પર મન લગાવીએ તો બધી નિરાશા ક્ષણિક લાગે છે. ગમે એવા સંજોગો હોય, મદદ આપવા યહોવા હંમેશાં આપણી સાથે છે.’ કદાચ તમારા સંજોગો બિયન્કા કે પૌલા કરતાં સાવ અલગ હશે. છતાં, યહોવાએ તમને અને બીજા સેવકોને જે રીતે આશીર્વાદ આપ્યા છે, એનો વિચાર કરી શકો. યહોવા આજે જે આશીર્વાદ આપે છે અને ભાવિમાં જે ઇનામ આપશે, એ વિશે મનન કરવું કેટલું સારું છે!

૨૦. પૂરા દિલથી યહોવાની સેવા કરવા બનતું બધું જ કરીશું તો, શાની આશા રાખી શકીએ?

૨૦ હંમેશાં યાદ રાખજો કે દિલથી કરેલી તમારી દુઆ માટે “તમને મોટું ઇનામ મળશે.” તમે ખાતરી રાખી શકો કે, જો ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરશો તો, તેમણે જે વચન આપ્યું છે એ પૂરું થતા જોઈ શકશો.’ (હિબ્રૂ. ૧૦:૩૫, ૩૬) તેથી, ચાલો આપણે શ્રદ્ધામાં મજબૂત બનીએ અને યહોવાની સેવામાં બનતું બધું જ કરીએ. આપણને પૂરી ખાતરી છે કે યહોવા ચોક્કસ ઇનામ આપશે!—કોલો. ૩:૨૩, ૨૪ વાંચો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો