મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો
રસપ્રદ બનાવવા શું કરવું?
તમને બાઇબલ વાંચવું કેવું લાગે છે? કંટાળો ઉપજાવનાર કે પછી તાજગી આપનાર? એનો આધાર વાંચવાની તમારી રીત પર છે. વાંચવામાં તમારો રસ કેળવવા અને એની મજા માણવા શું કરવું, એ વિશે ચાલો થોડી ચર્ચા કરીએ.
ભરોસાપાત્ર અને બોલચાલની ભાષા વપરાઈ હોય એવો અનુવાદ પસંદ કરો. તમે એવું કંઈક વાંચતા હો, જેમાં અઘરા અથવા તમે જાણતા ન હો એવા જૂના શબ્દો હોય તો, તમને વાંચવાની મજા નહિ આવે. તેથી, એવો અનુવાદ પસંદ કરો, જેના શબ્દો સમજવા સહેલા અને દિલમાં ઊતરી જાય એવા હોય. જોકે, એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, એ અનુવાદ સચોટ હોય.a
ટૅક્નોલૉજીનો ઉપયોગ કરો. આજે બાઇબલ ફક્ત પુસ્તકના રૂપમાં જ નહિ, ડિજિટલ ફોર્મેટમાં પણ પ્રાપ્ય છે. અમુક બાઇબલને તમે ઓનલાઇન અથવા કોમ્પ્યુટર, ટેબ્લેટ કે મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરીને વાંચી શકો. અમુક આવૃત્તિઓમાં એવી જોગવાઈ હોય છે, જેની મદદથી તમે કોઈ વિષયને લગતી કલમો શોધી શકો અથવા બીજા અનુવાદો સાથે એને સરખાવી શકો. જો તમે વાંચવાને બદલે સાંભળવા ચાહતા હો, તો બાઇબલનું રેકોર્ડિંગ પણ પ્રાપ્ય છે. અમુક લોકોને મુસાફરી, ઘરના કામકાજ અથવા બીજી પ્રવૃત્તિઓ કરતી વખતે એ સાંભળવું ગમે છે. કેમ નહિ કે તમે પણ એવી કોઈ રીત અજમાવી જુઓ?
બાઇબલ અભ્યાસનાં સાધનો વાપરો. બાઇબલ અભ્યાસનાં સાધનોથી તમે વાંચનનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકો છો. નકશાની મદદથી તમે બાઇબલમાં આપેલી જગ્યાઓ વિશે જાણી શકો છો અને કોઈ અહેવાલની વિગતવાર માહિતી મેળવી શકો છો. આ અંકમાં આપ્યા છે એવા લેખો અથવા jw.org વેબસાઇટ પર આપેલા “બાઇબલ ટીચિંગ્સ” વિભાગની મદદથી બાઇબલના અમુક ભાગને ઊંડાણથી સમજવા મદદ મળશે.
નવી નવી રીત અજમાવો. બાઇબલને પહેલા પાનથી છેલ્લા પાન સુધી વાંચવું પડકારજનક લાગતું હોય તો, પહેલા એવો ભાગ પસંદ કરો જેમાં તમને રસ હોય. જો તમે બાઇબલ સમયના પ્રખ્યાત વ્યક્તિઓ વિશે જાણવા ચાહતા હો, તો પાત્રો પ્રમાણે બાઇબલનો ભાગ પસંદ કરો. એવું એક ઉદાહરણ “બાઇબલમાં ઊંડે ઊતરવા એના પાત્રોને નજીકથી ઓળખો” બૉક્સમાં આપ્યું છે. તમે ચાહો તો વિષય પ્રમાણે કે બનાવોના ક્રમ પ્રમાણે બાઇબલ વાંચી શકો. કેમ નહિ કે, વાંચનને રસપ્રદ બનાવવા આવી એકાદ રીતનો ઉપયોગ કરી જુઓ?
a ઘણા લોકોને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ અનુવાદ એકદમ સચોટ, ભરોસાપાત્ર અને વાંચવામાં સહેલો લાગ્યો છે. યહોવાના સાક્ષીઓએ એ બાઇબલને ૧૩૦ કરતાં વધુ ભાષાઓમાં બહાર પાડ્યું છે. તમે jw.org વેબસાઇટ પરથી એ ડાઉનલોડ કરી શકો અથવા JW લાઇબ્રેરી ઍપ ડાઉનલોડ કરી શકો. અથવા જો તમે ચાહો, તો યહોવાના સાક્ષીઓ તમારા ઘરે એની એક પ્રત પહોંચતી કરી શકે.