વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ઑક્ટોબર પાન ૧૪-૧૭
  • યહોવા સાથે ફરી સંબંધ કેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા સાથે ફરી સંબંધ કેળવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • કઈ મુશ્કેલીઓ આવી શકે?
  • ધ્યેયો રાખો
  • હિંમત ન હારો
  • મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા તમને ખૂબ ચાહે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • વડીલો—પાઉલના પગલે ચાલતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • તમે એકલા નથી યહોવા તમારી સાથે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ઑક્ટોબર પાન ૧૪-૧૭
એક ભાઈ તોફાનમાં તૂટી ગયેલા પોતાના ઘરને જોઈને ચિંતામાં છે કે એને ફરી બાંધવા ઘણી મહેનત અને સમય લાગશે.

યહોવા સાથે ફરી સંબંધ કેળવો

દર વર્ષે ઘણા લોકોને મંડળમાં પાછા લેવામાં આવે છે. કોઈ પાછું આવે ત્યારે ‘સ્વર્ગમાં આનંદ થાય છે.’ (લૂક ૧૫:૭, ૧૦) જો તમે પણ પાછા આવ્યા હો તો એ વાતનો ભરોસો રાખી શકો કે યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ઘણા ખુશ છે. પણ યહોવા સાથે ફરી સંબંધ કેળવવો અઘરું લાગી શકે. ચાલો જોઈએ કે કઈ મુશ્કેલીઓ આવી શકે અને તમે એને કઈ રીતે પાર કરી શકો.

કઈ મુશ્કેલીઓ આવી શકે?

ઘણાં ભાઈ-બહેનોની જેમ તમે પણ કદાચ નિરાશાનો સામનો કરી રહ્યા હશો. બની શકે કે મંડળમાં આવ્યા પછી પણ તમારું મન ડંખે અથવા તમે શરમ અનુભવો. એવું કદાચ વર્ષો સુધી થાય. દાઉદ રાજા સાથે પણ એવું જ થયું. પાપોની માફી મળ્યા પછી પણ તેમણે કહ્યું: “મારા અપરાધોના ભારથી હું દબાઈ ગયો છું.” (ગીત. ૪૦:૧૨; ૬૫:૩) ઈઝેબેલબહેનનો અનુભવ જોઈએ.a તે ૨૦થી વધુ વર્ષ બહિષ્કૃત હતાં. તે કહે છે: “મારી માટે માનવું અઘરું હતું કે યહોવાએ મને માફ કરી છે.” જો તમે નિરાશ રહેશો તો યહોવા સાથે તમારો સંબંધ કમજોર થઈ શકે છે. (નીતિ. ૨૪:૧૦) એવું ન થાય એનું ધ્યાન રાખજો.

કદાચ તમને એ વિચારીને ચિંતા થાય કે યહોવા સાથે ફરી સંબંધ કેળવવા ઘણી મહેનત લાગશે. મંડળમાં પાછા આવ્યા પછી એન્ટોનભાઈએ કહ્યું, “મને એવું લાગ્યું કે હું સાક્ષી હતો ત્યારે જે કંઈ શીખ્યો અને કરતો, એ બધું જાણે ભૂલી ગયો છું.” એવી લાગણીઓ થાય તો તમે પૂરા દિલથી યહોવાની સેવા નહિ કરી શકો.

એક ઉદાહરણનો વિચાર કરો. કોઈનું ઘર તોફાનમાં તૂટી જાય તો તેને ચિંતા થશે કે એ ફરી બાંધવા ઘણી મહેનત અને સમય લાગશે. એવી જ રીતે પાપ કરવાને લીધે જો યહોવા સાથેનો તમારો સંબંધ તૂટી ગયો હોય, તો કદાચ તમને પણ ચિંતા થાય. તમે વિચારશો કે એ સંબંધ ફરી કેળવવા મહેનત લાગશે. પણ ભરોસો રાખો તમે એકલા નથી, બધા તમારી પડખે છે.

યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.” (યશા. ૧:૧૮) યહોવા સાથે સંબંધ સુધારવા તમે મહેનત કરી છે. યહોવા એ માટે તમને ખૂબ પ્રેમ કરે છે. જરા વિચારો, તમે યહોવાને એક મોકો આપ્યો છે કે તે શેતાનનાં મહેણાંનો જવાબ આપે.—નીતિ. ૨૭:૧૧.

તમે યહોવાની પાસે આવવાનું પહેલું પગલું ભર્યું છે. યહોવા વચન આપે છે કે તે પણ તમારી પાસે આવશે. (યાકૂ. ૪:૮) યહોવા તમારા પિતા છે, એક દોસ્તની જેમ હંમેશાં તે તમારો સાથ આપશે. પણ મંડળમાં પાછા આવવું જ પૂરતું નથી. તમારે યહોવા માટે પ્રેમ વધારતા રહેવાની જરૂર છે. તમે એ કઈ રીતે કરી શકો?

ધ્યેયો રાખો

ઘણી વાર તોફાનમાં ઘર તૂટી જાય પણ એનો પાયો હજુ મજબૂત હોય. એ સમયે ફક્ત એની ઉપર બાંધકામ કરવું પડે. એવી જ રીતે યહોવા અને તેમનાં વચનો વિશેનું મૂળ શિક્ષણ તમને યાદ હશે. પણ હવે તમારે યહોવા સાથે ફરી સંબંધ કેળવવાનો છે. એટલે પહેલાં જે કરતા હતા એ બધું કરો, જેમ કે પ્રચાર કરો, સભામાં જાઓ અને ભાઈ-બહેનો સાથે હળો-મળો. એમ કરવા તમે નાના નાના ધ્યેયો રાખી શકો.

યહોવા સાથે વાત કરતા રહો. આપણા પિતા યહોવા સારી રીતે જાણે છે કે દોષની લાગણી દૂર કરવી સહેલું નથી. એટલે પ્રાર્થના કરવી અઘરું લાગી શકે. (રોમ. ૮:૨૬) પણ તમે “પ્રાર્થનામાં લાગુ રહો.” યહોવાને જણાવો કે તમે ફરી તેમના દોસ્ત બનવા માંગો છો. (રોમ. ૧૨:૧૨) આન્દ્રેભાઈએ એવું જ કર્યું. તેમને ઘણો ફાયદો થયો. તે જણાવે છે: “હું પોતાને ઘણો જ દોષ આપતો અને શરમ અનુભવતો. પણ પ્રાર્થના પછી તરત મારું મન શાંત થઈ જતું.” જો તમને ન સમજાય કે પ્રાર્થનામાં શું કહેવું જોઈએ તો દાઉદ રાજાની પ્રાર્થનાનો વિચાર કરી શકો. તેમણે પસ્તાવો કર્યા પછી એ પ્રાર્થનાઓ લખી હતી. એ પ્રાર્થનાઓ ગીતશાસ્ત્રના અધ્યાય ૫૧ અને ૬૫માં નોંધેલી છે.

નિયમિત બાઇબલનો અભ્યાસ કરો. એમ કરવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવા માટે તમારો પ્રેમ વધશે. (ગીત. ૧૯:૭-૧૧) ફિલિપેભાઈ કહે છે, “હું નિયમિત બાઇબલ અભ્યાસ કરતો ન હતો. એટલે યહોવાથી દૂર ચાલ્યો ગયો અને તેમને દુઃખી કર્યા. હું એ ભૂલ ફરી કરવા માંગતો ન હતો. મેં નિર્ણય લીધો કે હું નિયમિત બાઇબલ અભ્યાસ કરીશ.” તમે પણ એવું કરી શકો. અમુક વખતે એ ન સમજાય કે કયા વિષય પર અભ્યાસ કરવો જોઈએ. એ સમયે એક એવા દોસ્તનો સહારો લો જેનો યહોવા સાથે મજબૂત સંબંધ હોય.

ભાઈ-બહેનો સાથે ફરી દોસ્તી કરો. મંડળમાં પાછા આવ્યા પછી અમુકને ચિંતા થાય કે ભાઈ-બહેનો શું વિચારતા હશે. લેરીસાબહેન કહે છે: “શરમથી મારું માથું ઝૂકી ગયું હતું. મને લાગતું કે મંડળનાં ભાઈ-બહેનોને મેં નિરાશ કર્યાં છે. એવી લાગણી ઘણા સમય સુધી રહી.” ભરોસો રાખો કે યહોવા સાથે તમારો સંબંધ મજબૂત કરવા વડીલો અને ભાઈ-બહેનો તમને મદદ કરવા તૈયાર છે. (“વડીલો શું કરી શકે?” બૉક્સ જુઓ.) તમે પાછા આવ્યા છો એ માટે મંડળમાં બધાં જ ખુશ છે અને તેઓ ચાહે છે કે તમે પણ ખુશ રહો.—નીતિ. ૧૭:૧૭.

મંડળનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી કરવા શું કરી શકો? યહોવાની સેવામાં ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરો. દરેક સભામાં જાઓ અને નિયમિત પ્રચાર કરો. ફેલિક્સભાઈ કહે છે: “મંડળનાં ભાઈ-બહેનો મારા પાછા આવવાની રાહ જોતાં હતાં. એનાથી મને અહેસાસ થયો કે તેઓ મને દિલથી પ્રેમ કરે છે. તેઓએ મને ભરોસો અપાવ્યો કે હું પણ મંડળનો એક ભાગ છું. યહોવાએ મને માફ કર્યો છે અને હું તેમની સેવા કરી શકું છું.”—“તમે શું કરી શકો?” બૉક્સ જુઓ.

તમે શું કરી શકો?

પોતાની શ્રદ્ધા ફરી કેળવો

એક ભાઈ યહોવા પાસે પાછા આવ્યા છે અને એક વડીલ તેમની સાથે પ્રાર્થના કરી રહ્યા છે.

યહોવા સાથે વાત કરતા રહો

યહોવાને જણાવો કે તમે તેમના દોસ્ત બનવા માંગો છો. વડીલો તમારા માટે અને તમારી સાથે પ્રાર્થના કરશે

વડીલ “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો” પુસ્તકમાંથી એ ભાઈ સાથે અભ્યાસ કરી રહ્યા છે.

નિયમિત બાઇબલનો અભ્યાસ કરો

શ્રદ્ધા મજબૂત કરો અને યહોવા માટે પ્રેમ વધારતા રહો

એક પાર્ટીમાં એ ભાઈ મંડળનાં બીજાં ભાઈ-બહેનો સાથે વાત કરી રહ્યા છે.

ભાઈ-બહેનો સાથે ફરી દોસ્તી કરો

ભાઈ-બહેનો સાથે મળીને સેવા કરો. દરેક સભામાં જાઓ અને પ્રચાર કરો

હિંમત ન હારો

યહોવા સાથે સંબંધ તોડવા માટે શેતાન તમારા જીવનમાં ઘણાં “તોફાનો” લાવશે. (લૂક ૪:૧૩) એટલે તમારી શ્રદ્ધા મજબૂત કરો.

આપણે યહોવાના કીમતી ઘેટાં છીએ એટલે તે વચન આપે છે, “હું ખોવાયેલાંને શોધી કાઢીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ.” (હઝકિ. ૩૪:૧૬) યહોવાએ ઘણા લોકોને મદદ કરી છે, જેથી તેઓ ફરી તેમની સાથે મજબૂત સંબંધ કેળવી શકે. તે તમને પણ ચોક્કસ મદદ કરશે.

વડીલો શું કરી શકે?

વડીલ એ ભાઈને પોતાનું ઘર ફરી બાંધવા મદદ કરી રહ્યા છે જે તોફાનમાં તૂટી ગયું હતું.

જે લોકોને મંડળમાં પાછા લેવામાં આવે છે, તેઓને મદદની જરૂર હોય છે. વડીલો, તેઓનો યહોવા સાથેનો સંબંધ ફરી કેળવવા તમે ઘણું કરી શકો છો. ચાલો જોઈએ કે તમે એ કઈ રીતે કરી શકો.

તેઓને ઉત્તેજન આપો. પ્રેરિત પાઉલ જાણતા હતા કે જે વ્યક્તિ મંડળમાં પાછી આવે છે તે ‘અતિશય નિરાશામાં ડૂબી’ જઈ શકે. (૨ કોરીં. ૨:૭) કદાચ પોતે કરેલા પાપ માટે તે શરમ અનુભવતી હોય અથવા દુઃખી હોય. એટલે પાઉલે મંડળને કહ્યું કે તમે ‘તેને દિલથી માફ કરીને દિલાસો આપો.’ જે લોકો મંડળમાં પાછા આવે છે તેઓને યહોવા અને ભાઈ-બહેનોના પ્રેમની જરૂર હોય છે. તેઓને એનો અહેસાસ કરાવો. તેઓના વખાણ કરતા રહો અને તેઓને મદદ કરતા રહો. આમ તેઓ નિરાશામાં ડૂબી નહિ જાય.

તેઓ સાથે પ્રાર્થના કરો. “નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.” (યાકૂ. ૫:૧૬) લેરીસાબહેન જેમના વિશે લેખમાં જોઈ ગયા તે કહે છે: “મેં મારી બધી ચિંતાઓ વડીલોને જણાવી. તેઓએ મારા માટે પ્રાર્થના કરી. હું સમજી શકી કે વડીલો મારાથી નારાજ નથી. તેઓ તો મને મદદ કરવા ચાહે છે, જેથી હું યહોવા સાથે ફરી સંબંધ કેળવી શકું.” થીયોભાઈએ કહ્યું: “વડીલોની પ્રાર્થનાથી મને ખાતરી થઈ કે યહોવા મને પ્રેમ કરે છે. મેં ઘણી ભૂલો કરી હતી છતાં યહોવા મારામાં સારા ગુણો જુએ છે.”

તેઓ સાથે દોસ્તી કરો. મંડળમાં પાછાં આવ્યાં હોય એવાં ભાઈ-બહેનોને દોસ્તોની જરૂર છે. જસ્ટીનભાઈ વડીલ છે. તે કહે છે: “તેઓ સાથે વારંવાર પ્રચારમાં જાઓ. તેઓના ઘરે જઈને સમય વિતાવો. તેઓને દોસ્તોની ખરેખર જરૂર છે.” બીજા એક વડીલ હેન્રી કહે છે: “જ્યારે ભાઈ-બહેનો વડીલોને તેઓ સાથે દોસ્તી કરતા જોશે તો ભાઈ-બહેનો પણ દોસ્તીનો હાથ લંબાવશે.”

નિયમિત અભ્યાસ કરવા મદદ કરો. તેઓને એવાં ભાઈ-બહેનો મદદ કરી શકે છે, જેઓનો યહોવા સાથે મજબૂત સંબંધ છે. ડારકોભાઈ વડીલ છે. તે કહે છે: “બાઇબલમાંથી શીખેલી વાતો તેઓને જણાવવી મને ગમે છે. એનાથી તેઓ જોઈ શકે છે કે બાઇબલ અભ્યાસ કરવામાં મને કેટલી મજા આવે છે. અમે સાથે મળીને એવા લેખો વાંચીએ છીએ, જે ઉત્તેજન આપે.” ક્લેટનભાઈ પણ વડીલ છે. તે કહે છે: “હું તેઓને ઉત્તેજન આપું છું કે બાઇબલમાંથી એવા લોકો વિશે વાંચીને શીખે, જેઓના સંજોગો તેઓના જેવા જ હતા.”

એક સારા ઘેટાંપાળકની જેમ તેઓની સંભાળ રાખો. કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે વડીલો તેનો ન્યાય કરે છે. પણ જ્યારે તે મંડળમાં પાછી આવે છે, ત્યારે વડીલોએ એક પ્રેમાળ ઘેટાંપાળકની જેમ મદદ કરવી જોઈએ. (યર્મિ. ૨૩:૪) વડીલોએ વ્યક્તિનું ધ્યાનથી સાંભળવું જોઈએ અને દિલથી વખાણ કરવા જોઈએ. તેની સાથે અવાર-નવાર વાત કરવી જોઈએ. મંડળમાં પાછાં આવ્યાં હોય એવાં ભાઈ-બહેનોની વડીલો ઉત્તેજન આપતી મુલાકાત લે છે. એ વિશે મારકસ નામના વડીલ કહે છે: “અમે બાઇબલમાંથી મદદ મળે એવી કલમો બતાવીએ છીએ અને તેઓના વખાણ કરીએ છીએ. અમે જણાવીએ છીએ કે મંડળમાં પાછા આવવા તેઓએ જે મહેનત કરી છે, એનાથી અમે અને ખાસ કરીને યહોવા ઘણા ખુશ છે. દરેક મુલાકાતને અંતે અમે ફરી ક્યારે મળીશું એની તારીખ નક્કી કરીએ છીએ.”

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો