વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 ઑગસ્ટ પાન ૧૪-૧૯
  • બાઇબલનાં શિક્ષણ પ્રમાણે ચાલતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલનાં શિક્ષણ પ્રમાણે ચાલતા રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલનું શિક્ષણ આપણને કેમ વહાલું છે?
  • કઈ રીતે બતાવી શકીએ કે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ?
  • ‘હું સત્યના માર્ગે ચાલીશ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • સત્યના પરમેશ્વરને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 ઑગસ્ટ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૩૪

બાઇબલનાં શિક્ષણ પ્રમાણે ચાલતા રહીએ

“મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય!”—૩ યોહા. ૪.

ગીત ૨૮ એક નવું ગીત

ઝલકa

૧. સાક્ષી કઈ રીતે બન્યા એ વિશે વાતચીત કરવાથી શું ફાયદા થાય છે?

“તમે કઈ રીતે યહોવાના સાક્ષી બન્યા?” આપણે કોઈ ભાઈ કે બહેનને પહેલી વાર મળીએ ત્યારે આ સવાલ અચૂક પૂછીએ છીએ. ક્યારેક તમને પણ કોઈએ એ સવાલ પૂછ્યો હશે. આપણને એ જાણવું ગમે છે કે ભાઈ-બહેનો કઈ રીતે યહોવાને ઓળખવા લાગ્યાં અને તેમને પ્રેમ કરવા લાગ્યાં. આપણને એ જણાવવું પણ ગમે છે કે બાઇબલનું શિક્ષણ કેમ આપણા માટે બહુ વહાલું છે. (રોમ. ૧:૧૧) તેઓ સાથે વાતચીત કરવાથી અહેસાસ થાય છે કે યહોવાના સાક્ષી હોવું કેટલી મોટી વાત કહેવાય અને બાઇબલનું શિક્ષણ કેટલું કીમતી છે! આપણો એ નિર્ણય પણ પાકો થાય છે કે ‘સત્યના માર્ગે ચાલતા રહીશું’ અને યહોવા ચાહે છે એ રીતે જીવન જીવતા રહીશું.—૩ યોહા. ૪.

૨. આ લેખમાં શું જોઈશું?

૨ આ લેખમાં જોઈશું કે આપણને બાઇબલનું શિક્ષણ કેમ વહાલું છે. એ પણ શીખીશું કે જો આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણતા હોઈએ, તો શું કરવું જોઈએ. આ લેખથી યહોવા માટે આપણી કદર વધશે. કેમ કે તે આપણને તેમની પાસે દોરી લાવ્યા અને બાઇબલનું શિક્ષણ આપ્યું. (યોહા. ૬:૪૪) એટલું જ નહિ, બીજાઓને પણ એ શિક્ષણ વિશે જણાવવાનું મન થશે.

બાઇબલનું શિક્ષણ આપણને કેમ વહાલું છે?

૩. બાઇબલનાં શિક્ષણને વહાલું ગણવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે?

૩ આપણે ઘણાં કારણોને લીધે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ. પણ સૌથી મહત્ત્વનું કારણ એ છે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમણે જ આપણને બાઇબલનું શિક્ષણ આપ્યું છે. બાઇબલમાંથી આપણને જાણવા મળ્યું કે યહોવાએ આખું વિશ્વ બનાવ્યું છે. તે ખૂબ શક્તિશાળી છે. તોપણ તે એક પિતાની જેમ આપણી કાળજી રાખે છે. (૧ પિત. ૫:૭) યહોવા ‘દયા અને કરુણા બતાવનાર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર છે.’ (નિર્ગ. ૩૪:૬) તેમને ઇન્સાફ પસંદ છે. (યશા. ૬૧:૮) આપણાં દુઃખો જોઈને તે દુઃખી થાય છે. એ સમયની તે આતુરતાથી રાહ જુએ છે, જ્યારે તે આપણાં બધાં દુઃખો દૂર કરશે. (યર્મિ. ૨૯:૧૧) આપણે પણ એ સમયની કાગડોળે રાહ જોઈએ છીએ. ખરેખર, યહોવા આપણને બહુ પ્રેમ કરે છે. એટલે જ આપણે તેમને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ.

ચિત્રો: એક લંગરનું ચિત્ર. ૧. સુંદર અને મન મોહી લે એવું ચિત્ર, જેમાં વચ્ચોવચ એક નદી વહે છે, આજુબાજુ પહાડ છે અને બધે સરસ હરિયાળી છે. ૨. બહેન એક સ્ત્રીને ખુશખબર જણાવે છે.

બાઇબલનું શિક્ષણ શાના જેવું છે? લંગર

જેમ એક લંગર તોફાનમાં હોડીને સ્થિર રાખે છે, તેમ ભાવિની આશા પર વિચાર કરવાથી આપણે મુશ્કેલીઓમાં અડગ રહી શકીએ છીએ. એ આશા વિશે બીજાઓને જણાવવાનું પણ મન થાય છે (ફકરા ૪-૭ જુઓ)

૪-૫. પાઉલે કેમ ભાવિની આશાને લંગર સાથે સરખાવી?

૪ આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ એનું બીજું એક કારણ કયું છે? એ શિક્ષણથી આપણને ઘણા ફાયદા થાય છે. જેમ કે બાઇબલમાં ભાવિની સુંદર આશા આપી છે. એના વિશે પ્રેરિત પાઉલે લખ્યું: “એ આશા આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે.” (હિબ્રૂ. ૬:૧૯) દરિયામાં મોટું તોફાન આવે ત્યારે હોડીમાંથી લંગર નીચે નાખવામાં આવે છે. એનાથી હોડી સ્થિર રહે છે. એવી જ રીતે આપણાં જીવનમાં તોફાન જેવી મોટી મોટી મુશ્કેલીઓ આવે ત્યારે, એ આશા પર વિચાર કરવાથી આપણે અડગ રહી શકીએ છીએ.

૫ પાઉલે એ શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યા હતા, જેઓને સ્વર્ગમાં જીવવાની આશા હતી. પણ જે ભક્તો પૃથ્વી પર હંમેશ માટે જીવવાના છે, તેઓ માટે પણ ભાવિની આશા લંગર જેવી છે. (યોહા. ૩:૧૬) આપણને એ આશાથી જીવનમાં સાચી ખુશી મળી છે.

૬-૭. ઈવોનબહેનને બાઇબલનાં શિક્ષણથી કેવો ફાયદો થયો?

૬ ચાલો ઈવોનબહેનનો દાખલો જોઈએ. તેમનાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી ન હતાં. નાનપણમાં ઈવોનબહેનને મરણનો ડર લાગતો. તેમણે ક્યાંક વાંચ્યું હતું: ‘એક દિવસે બધું ખતમ થઈ જશે.’ એ શબ્દો તેમના મનમાં ઘર કરી ગયા. તે કહે છે: ‘એ શબ્દોને લીધે મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. આખી રાત હું ભવિષ્ય વિશે વિચારતી રહેતી. મને થતું: “જીવનનો કંઈક હેતુ તો હશે જ. હું શા માટે અહીં છું?” મારે મરવું ન હતું!’

૭ ઈવોનબહેન ૧૮-૧૯ વર્ષનાં હતાં ત્યારે પહેલી વાર યહોવાના સાક્ષીઓને મળ્યાં. તેમને બાઇબલમાંથી જાણવા મળ્યું કે તે પણ બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવી શકશે. એ વાત પર ધીરે ધીરે તેમનો ભરોસો વધવા લાગ્યો. બાઇબલનાં શિક્ષણથી તેમને કેવો ફાયદો થયો? તે કહે છે, ‘હવે હું ભવિષ્યની કે મરણની ચિંતા કરીને આખી રાત પડખાં ફેરવતી નથી. મને મીઠી ઊંઘ આવે છે.’ બાઇબલનાં શિક્ષણથી તેમનું આખું જીવન બદલાઈ ગયું. તેમના માટે એ શિક્ષણ બહુ કીમતી છે. ભાવિની આશા તે ફક્ત પોતાની પાસે નથી રાખતાં. તે બીજાઓને જણાવે છે કે બહુ જલદી આપણને બધાને સરસ મજાનું જીવન મળશે. એ જણાવીને તેમને ઘણી ખુશી મળે છે.—૧ તિમો. ૪:૧૬.

ચિત્રો: એક હીરાનું ચિત્ર. ૧. સુંદર અને મન મોહી લે એવું ચિત્ર, જેમાં વચ્ચોવચ એક નદી વહે છે, આજુબાજુ પહાડ છે અને બધે સરસ હરિયાળી છે. ૨. એક માણસ ટ્રોફી અને ઍવૉર્ડથી ભરેલું બૉક્સ ઉઠાવીને બીજે ક્યાંક મૂકે છે.

બાઇબલનું શિક્ષણ શાના જેવું છે? ખજાનો

આજે આપણને યહોવાની ભક્તિ કરવાની તક મળી છે. પણ તેમના રાજ્યમાં તો હંમેશ માટે તેમની ભક્તિ કરવાનો લહાવો મળશે. એ કંઈ ખજાનાથી ઓછું નથી! એ માટે આપણે બધું જ દાવ પર લગાવવા તૈયાર છીએ (ફકરા ૮-૧૧ જુઓ)

૮-૯. (ક) ઈસુએ જણાવેલા માણસ માટે ખજાનો કેટલો કીમતી હતો? (ખ) તમારા માટે બાઇબલનું શિક્ષણ કેટલું કીમતી છે?

૮ બાઇબલમાં ઈશ્વરના રાજ્યની ખુશખબર પણ છે. ઈસુએ જણાવ્યું કે રાજ્યનો એ સંદેશો જમીનમાં સંતાડેલા ખજાના જેવો છે. તેમણે કહ્યું: “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો. તેણે એ પાછો સંતાડી દીધો. તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ ખેતર ખરીદી લીધું.” (માથ. ૧૩:૪૪) એ માણસ કંઈ ખજાનો શોધતો ન હતો. પણ એ ખજાનો મળ્યો ત્યારે તેણે શું કર્યું? તે જાણતો હતો કે એ બહુ કીમતી છે. એટલે એને મેળવવા તે પોતાનું બધું જ દાવ પર લગાવવા તૈયાર હતો. તેણે પોતાનું બધું વેચી દીધું અને એ જમીન ખરીદી લીધી.

૯ બાઇબલનું શિક્ષણ તમારા માટે પણ કીમતી હશે. આજે આપણને યહોવાની ભક્તિ કરવાથી ખૂબ ખુશી મળે છે. આપણને તેમના રાજ્યમાં હંમેશ માટે જીવવાની આશા મળી છે. એ આશીર્વાદો સામે દુનિયાની બધી જ બાબતો ફિક્કી છે. આપણે યહોવા સાથે નજીકનો સંબંધ કેળવી શક્યા છીએ, એ કેટલી મોટી વાત કહેવાય! એ સંબંધ જાળવી રાખવા આપણે બધું જ દાવ પર લગાવવા તૈયાર છીએ. યહોવાને “પૂરેપૂરા ખુશ” કરીને આપણને અનેરી ખુશી મળે છે. (કોલો. ૧:૧૦) શું એવી ખુશી બીજા કશાથી મળે?

૧૦-૧૧. માઇકલભાઈ કેમ જીવનમાં મોટો ફેરફાર કરી શક્યા?

૧૦ યહોવાને ખુશ કરવા તેમના ઘણા ભક્તોએ ઘણું બધું જતું કર્યું છે. કદાચ અમુકનું સારું એવું કૅરિયર હતું, તો અમુક ઢગલેબંધ પૈસા કમાતા હતા. પણ યહોવા વિશે શીખવા લાગ્યા ત્યારે એ બધું છોડી દીધું. અમુકે આખેઆખું જીવન બદલી નાખ્યું. માઇકલભાઈએ પણ એવું જ કર્યું. તે અગાઉ યહોવાના સાક્ષી ન હતા. તે યુવાન હતા ત્યારે કરાટે શીખતા. તે કહે છે: “હું બોડી બનાવવા રાત-દિવસ કસરત કરતો. ક્યારેક તો લાગતું મારી સામે કોઈ ના ટકી શકે.” પણ પછી તે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યા. તેમને જાણવા મળ્યું કે યહોવા હિંસાને નફરત કરે છે. (ગીત. ૧૧:૫) તે કહે છે: “હું એક પતિ-પત્ની સાથે અભ્યાસ કરતો. તેઓએ મને ક્યારેય કરાટે છોડી દેવાનું ન કીધું. પણ તેઓએ બાઇબલમાંથી શીખવવાનું ચાલુ રાખ્યું.”

૧૧ માઇકલભાઈ યહોવા વિશે શીખતા ગયા તેમ, યહોવા માટે તેમનો પ્રેમ વધતો ગયો. તેમને જાણવા મળ્યું કે યહોવા પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે, તેઓની કેટલી ચિંતા કરે છે! એ વાત માઇકલભાઈના દિલને સ્પર્શી ગઈ. સમય જતાં, તેમને સમજાયું કે કરાટે છોડવું પડશે. એવું કરવાથી તો તેમનું આખું જીવન બદલાઈ જાત. તે કહે છે: “એ નિર્ણય મારા માટે સૌથી અઘરો હતો. પણ હું જાણતો’તો કે યહોવા એનાથી ખુશ થશે. તેમને ખુશ કરવા અને તેમની ભક્તિ કરવા હું કંઈ પણ છોડવા તૈયાર હતો.” માઇકલભાઈ સમજી ગયા કે બાઇબલનું શિક્ષણ બહુ કીમતી છે. એટલે તે જીવનમાં આટલો મોટો ફેરફાર કરી શક્યા.—યાકૂ. ૧:૨૫.

ચિત્રો: એક દીવાનું ચિત્ર. ૧. સુંદર અને મન મોહી લે એવું ચિત્ર, જેમાં વચ્ચોવચ એક નદી વહે છે, આજુબાજુ પહાડ છે અને બધે સરસ હરિયાળી છે. ૨. એક યુવાન સ્ત્રી બાઇબલ વાંચ્યા પછી મનન કરે છે.

બાઇબલનું શિક્ષણ શાના જેવું છે? દીવો

બાઇબલનું શિક્ષણ દીવા જેવું છે. એ શેતાનની અંધારી દુનિયામાં ખરો માર્ગ દેખાડે છે (ફકરા ૧૨-૧૩ જુઓ)

૧૨-૧૩. બાઇબલનાં શિક્ષણથી કઈ રીતે મિલીબહેનના જીવનમાંથી અંધકાર દૂર થયો?

૧૨ બાઇબલમાં યહોવાનાં શિક્ષણને દીવા સાથે સરખાવ્યું છે. એનો પ્રકાશ અંધારામાં ખરો માર્ગ દેખાડે છે. (ગીત. ૧૧૯:૧૦૫; એફે. ૫:૮) મિલીબહેન અઝરબૈજાનનાં છે. બાઇબલનું શિક્ષણ તેમના માટે પણ દીવા જેવું હતું. એ શિક્ષણથી તેમના જીવનમાંથી અંધકાર દૂર થયો. તેમના પપ્પા મુસ્લિમ હતા અને મમ્મી યહૂદી. મિલીબહેન કહે છે: ‘ઈશ્વર છે એવું હું હંમેશાં માનતી. તોપણ અમુક સવાલો મને મૂંઝવતા હતા. હું વિચારતી કે “ઈશ્વરે શા માટે માણસોને બનાવ્યા? શું આખી જિંદગી તકલીફો સહેવા અને મર્યા પછી પણ નરકમાં રિબાવવા?” લોકો કહે છે કે ઈશ્વરની મરજી વગર પાંદડુંય હલતું નથી. મને થતું કે “શું આપણે ઈશ્વરના હાથની કઠપૂતળી છીએ? આપણને તકલીફો સહેતા જોઈને શું તે ખુશ થાય છે?”’

૧૩ મિલીબહેન પોતાના સવાલોના જવાબ શોધતાં રહ્યાં. પછી તે બાઇબલમાંથી શીખવા લાગ્યાં. તે યહોવાના સાક્ષી બન્યાં. તે કહે છે: ‘બાઇબલમાંથી મને મારા સવાલોના જવાબ મળ્યા. મારી બધી મૂંઝવણ દૂર થઈ ગઈ. મને મનની શાંતિ મળી. હું ખુશ રહેવા લાગી.’ મિલીબહેનની જેમ આપણે પણ ખુશ છીએ, કેમ કે યહોવા આપણને “અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં લાવ્યા છે.”—૧ પિત. ૨:૯.

૧૪. બાઇબલનું શિક્ષણ વધારે વહાલું બને એ માટે શું કરી શકો? (“બાઇબલનું શિક્ષણ બીજા શાના જેવું છે?” બૉક્સ પણ જુઓ.)

૧૪ બાઇબલનું શિક્ષણ આપણા માટે બહુ કીમતી છે. એનાથી આપણને ઘણા ફાયદા થાય છે. આપણે જોયું કે એ શિક્ષણ લંગર, ખજાના અને દીવા જેવું છે. જોકે બાઇબલમાં એ શિક્ષણને બીજી ઘણી વસ્તુઓ સાથે સરખાવ્યું છે. તમે બાઇબલનો જાતે અભ્યાસ કરો ત્યારે એ વિશે સંશોધન કરી શકો. તમે એનો પણ વિચાર કરી શકો કે બાઇબલનાં શિક્ષણને તમે કેમ વહાલું ગણો છો. આમ એ શિક્ષણ તમારા માટે વધારે ને વધારે વહાલું થતું જશે. પછી તમે કેવાં પગલાં ભરી શકશો?

એક ખુલ્લું બાઇબલ.

બાઇબલનું શિક્ષણ બીજા શાના જેવું છે?

આ લેખમાં આપણે જોયું કે બાઇબલનું શિક્ષણ લંગર, ખજાના અને દીવા જેવું છે. જોકે બાઇબલમાં એને બીજી ઘણી વસ્તુઓ સાથે સરખાવ્યું છે:

  • અરીસો.

    બાઇબલનું શિક્ષણ અરીસા જેવું છે. બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો તો જાણે પોતાને અરીસામાં જોવા બરાબર છે. એનાથી જાણવા મળે છે કે આપણે અંદરથી કેવા છીએ અને ક્યાં સુધારો કરવાની જરૂર છે.—યાકૂ. ૧:૨૨-૨૫

  • પાણીનાં ટીપાં.

    આજે ઘણા લોકો ઈશ્વર વિશે જાણતા નથી. આખી દુનિયા સૂકા રણ જેવી છે. પણ બાઇબલનું શિક્ષણ આપણને પાણીની જેમ તાજગી આપે છે.—ગીત. ૨૩:૨, ૩

કઈ રીતે બતાવી શકીએ કે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ?

૧૫. બાઇબલનું શિક્ષણ તમારા માટે વહાલું હશે તો શું કરશો?

૧૫ જો બાઇબલનું શિક્ષણ વહાલું હશે તો આપણે બાઇબલનો અને આપણાં સાહિત્યનો નિયમિત અભ્યાસ કરીશું. આપણે ગમે તેટલા સમયથી યહોવાના સાક્ષી હોઈએ, તોપણ ઊંડો અભ્યાસ કરવાથી ફાયદો થશે. દર વખતે કંઈક નવું નવું શીખવા મળશે. ચોકીબુરજના પહેલા અંકમાં જણાવ્યું હતું: ‘જેમ વેરાન પ્રદેશમાં ઝાડી-ઝાંખરાં ફેલાયેલાં હોય છે, તેમ આ દુનિયામાં જૂઠાણું ચારે બાજુ ફેલાયેલું છે. પણ સત્ય એ ઝાડી-ઝાંખરાંમાં છુપાયેલા નાના ફૂલ જેવું છે. એવા ફૂલને શોધવા તમે ખંતથી તપાસ કરજો. એ ફૂલ મળે તો એને નીચા નમીને તોડી લેજો. એક ફૂલથી સંતોષ માનીને બેસી ન રહેતા. એવાં બીજાં ફૂલ શોધતા રહેજો.’ તમે મન લગાડીને બાઇબલનો ઊંડો અભ્યાસ કરશો તો એ મહેનત રંગ લાવશે.

૧૬. તમે કઈ રીતે ઊંડો અભ્યાસ કરો છો? (નીતિવચનો ૨:૪-૬)

૧૬ અમુક લોકોને વાંચવું અને અભ્યાસ કરવો બહુ ગમે છે, જ્યારે કે અમુકને એ નથી ગમતું. પણ યહોવા ચાહે છે કે આપણે બાઇબલની વાતો ‘શોધતા રહીએ,’ એની ‘ખોજ કરતા રહીએ.’ એમ કરીશું તો બાઇબલનાં શિક્ષણને, એમાં રહેલા સનાતન સત્યને સારી રીતે સમજી શકીશું. (નીતિવચનો ૨:૪-૬ વાંચો.) આપણને ઘણો ફાયદો થશે. ચાલો જોઈએ કોરીભાઈ કઈ રીતે અભ્યાસ કરે છે. તે બાઇબલ વાંચે ત્યારે એક સમયે એક જ કલમ પર ઊંડો અભ્યાસ કરે છે. તે કહે છે: ‘હું એક કલમની બધી જ ફૂટનોટ અને એને લગતી બીજી કલમો વાંચું છું. એ કલમ પર વધારે રિસર્ચ કરું છું. આ રીતે અભ્યાસ કરવાથી મને નવું નવું શીખવા મળે છે. મને બહુ મજા આવે છે.’ આપણે આ રીતે અથવા બીજી કોઈ રીતે અભ્યાસ કરી શકીએ. પણ આપણે અભ્યાસ કરવા સમય કાઢીએ અને મહેનત કરીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ.—ગીત. ૧:૧-૩.

૧૭. બાઇબલનાં શિક્ષણ પ્રમાણે જીવવું એટલે શું? (યાકૂબ ૧:૨૫)

૧૭ બાઇબલનો અભ્યાસ કરવો જરૂરી છે. પણ એટલું જ પૂરતું નથી. આપણે એ પ્રમાણે જીવવું જોઈએ, એટલે કે જે શીખીએ એને લાગુ પાડીએ. એવું કરીશું તો જ સાચી ખુશી મળશે. (યાકૂબ ૧:૨૫ વાંચો.) પણ કઈ રીતે જાણી શકીએ કે આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ કે નહિ? એક ભાઈએ જણાવ્યું કે આપણે પોતાની તપાસ કરીએ. વિચારીએ કે કઈ બાબતોમાં આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે કરીએ છીએ અને ક્યાં સુધારો કરવાની જરૂર છે. પ્રેરિત પાઉલે પણ જણાવ્યું: “આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.

૧૮. આપણે કેમ ‘સત્યના માર્ગે ચાલતા રહેવા’ પૂરી કોશિશ કરવી જોઈએ?

૧૮ આપણે બાઇબલનાં શિક્ષણ પ્રમાણે, એટલે કે ‘સત્યના માર્ગે ચાલતા રહેવા’ પૂરી કોશિશ કરીએ છીએ. જરા વિચારો, એનાથી કેટલા ફાયદા થાય છે! આપણે સારું જીવન જીવી શકીએ છીએ. યહોવાનું દિલ ખુશ કરી શકીએ છીએ. ભાઈ-બહેનો પણ ખુશ થાય છે. (નીતિ. ૨૭:૧૧; ૩ યોહા. ૪) તો ચાલો આપણે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ અને એ પ્રમાણે જીવન જીવીએ.

તમે કેવો જવાબ આપશો?

  • બાઇબલનું શિક્ષણ આપણને કેમ વહાલું છે?

  • બાઇબલનું શિક્ષણ વધારે વહાલું બને એ માટે શું કરી શકીએ?

  • બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

a બાઇબલનાં શિક્ષણ અને માન્યતાઓને આપણે ઘણી વાર ‘સત્ય’ કહીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ એ શિક્ષણ પ્રમાણે જીવવા લાગે ત્યારે આપણે કહીએ છીએ કે તેણે ‘સત્ય’ સ્વીકાર્યું છે. આપણે કદાચ ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ કે પછી હમણાં જ શરૂ કરી હોય. પણ બધાએ વિચારવું જોઈએ કે આપણે કેમ બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ. એમ કરીશું તો યહોવાને ખુશ કરવા બનતું બધું કરીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો