અયૂબ
૪૧ “શું તું મગરને*+ ગલથી પકડી શકે?
શું તું એની જીભને દોરડાથી બાંધી શકે?
૨ શું તું એનાં નાકમાં દોરડું* પરોવી શકે?
શું તું એનાં જડબાંને આંકડીથી* વીંધી શકે?
૩ શું એ તારી આગળ દયાની ભીખ માંગશે?
શું એ તારી સાથે પ્રેમથી બોલશે?
૪ જીવનભર તારો દાસ બની રહેવા,
શું એ તારી સાથે કરાર કરશે?
૫ શું તું પક્ષી સાથે રમતો હોય એમ એની સાથે રમશે?
શું તું તારી નાની દીકરીઓના મનોરંજન માટે એને બાંધી રાખશે?
૬ શું માછીમારો એનો સોદો કરશે?
શું તેઓ એને કાપીને વેપારીઓમાં વહેંચશે?
૭ શું તું એના ચામડામાં કાંટાળો ભાલો ખૂંપશે?+
શું તું એના માથામાં આરપાર ભાલો ઘોંચશે?
૮ જરા એને હાથ તો લગાડી જો,
એવી લડાઈ થશે કે જીવનભર તને યાદ રહેશે;
તું ફરી એવી ભૂલ કરવાનું વિચારીશ પણ નહિ!
૯ એને વશ કરવાની આશા નકામી છે.
એને જોતાં જ તારા હાંજા ગગડી જશે.*
૧૧ કોણે મને કશું આપ્યું છે કે મારે તેને પાછું વાળી આપવું પડે?+
આકાશ નીચે જે કંઈ છે એ બધું જ મારું છે.+
૧૨ હું એ પ્રાણીના પગ વિશે, એની તાકાત વિશે
અને જે અદ્ભુત રીતે એને રચવામાં આવ્યો છે, એ વિશે ચૂપ રહીશ નહિ.
૧૩ કોણ એની ખાલ ઉતારી શકે?
એનાં ખુલ્લાં જડબાંમાં કોણ ઊતરી શકે?
૧૪ કોણ એના મોઢાના દરવાજા જબરજસ્તીથી ખોલી શકે?
એના દાંત તો ભયાનક છે.
૧૫ એની પીઠ પર હરોળમાં ઢાલ જેવાં ભીંગડાં છે,*
અને એ ભીંગડાં એકબીજા સાથે સજ્જડ ચોંટેલાં છે.
૧૬ એ એટલાં મજબૂત જોડાયેલાં છે કે,
હવા પણ એમાંથી આરપાર નીકળી ન શકે.
૧૭ એ એકબીજા સાથે બરાબર ગોઠવાયેલાં છે,
તેઓ એકબીજાને જકડી રાખે છે, તેઓને છૂટાં પાડી શકાતાં નથી.
૧૮ એ છીંકે* ત્યારે પ્રકાશ ચમકે છે,
એની આંખો સવારનાં કિરણો જેવી છે.
૧૯ એના મોઢામાંથી વીજળીના ચમકારા
અને અગ્નિના તણખા ઝરે છે.
૨૦ ભઠ્ઠીમાં ઘાસ બળતું હોય,
તેમ એનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળે છે.
૨૧ એના શ્વાસથી કોલસા સળગી ઊઠે છે,
અને એના મોંમાંથી ભડકા નીકળે છે.
૨૨ એની ગરદનમાં ઘણું બળ છે,
ડર એની આગળથી નાસી છૂટે છે.
૨૩ એના પેટની ચામડી લોઢા જેવી સખત છે,
એને હલાવવી અશક્ય છે.
૨૪ એનું હૃદય પથ્થર જેવું કઠણ છે,
હા, ઘંટીના નીચલા પથ્થર જેવું મજબૂત છે.
૨૫ એ ઊઠે છે ત્યારે બળવાનો પણ ગભરાઈ જાય છે;
એ પાણી ઉછાળે છે ત્યારે, તેઓ બેબાકળા બની જાય છે.
૨૬ કોઈ તલવાર કે ભાલો,
તીર કે હથિયાર એનું કંઈ બગાડી શકતું નથી.+
૨૭ એની નજરમાં લોઢું તણખલા જેવું,
અને તાંબું સડેલા લાકડા જેવું છે.
૨૮ તીર એને ભગાડી શકતું નથી;
ગોફણમાંથી નીકળેલા પથ્થર એની સામે સૂકા ઘાસ જેવા છે.
૨૯ એ લાકડાના ડંડાને સૂકું ઘાસ ગણે છે,
અને બરછીના રણકાર સામે હસે છે.
૩૧ હાંડલામાં પાણી ઊકળતું હોય એમ એ ઊંડા પાણીને ઉકાળે છે;
હાંડલામાં ઊકળતા તેલની જેમ એ સમુદ્રને ડહોળે છે.
૩૨ એ પાણીમાં પોતાની પાછળ ચમકતો લીસોટો છોડી જાય છે,
જાણે સમુદ્રને સફેદ વાળ ઊગી નીકળ્યા ન હોય!
૩૩ આખી પૃથ્વી પર એના જેવું બીજું કોઈ પ્રાણી નથી,
એને કોઈનો ડર નથી.
૩૪ બધાં ગર્વિષ્ઠ પ્રાણીઓની સામે એ ઘૂરીઘૂરીને જુએ છે,
અને સર્વ મહાકાય જાનવરોનો એ રાજા છે.”