વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૧૬-૧૮
  • સમુદ્રના સ્ફટિકમય મહેલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમુદ્રના સ્ફટિકમય મહેલો
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઉદ્‍ભવ અને જીવન ચક્ર
  • હિમપર્વતનું સ્થળાંતર
  • હિમપર્વતો આપણા જીવનને કઈ રીતે સ્પર્શે છે
  • યહોવાહના સર્જનની એક અદ્‍ભુતતા
  • યહોવાહના હાથની કરામત તેમને મહિમા આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૧૬-૧૮

સમુદ્રના સ્ફટિકમય મહેલો

સજાગ બનો!ના કેનેડાના ખબરપત્રી તરફથી

“હિમપર્વત બરાબર સામે છે!” વ્યથિત ચોકીદાર બૂમ પાડે છે. વહાણના તૂતક પરના ખલાસીઓ તરત જ પ્રત્યાઘાત પાડે છે. અકસ્માત નિવારવા એન્જિનો ઊલટી દિશામાં ફેરવવામાં આવે છે. પરંતુ ઘણું જ મોડું થઈ ચૂક્યું છે. વહાણની જમણી બાજુનો ભાગ ઘાતકપણે તૂટી જાય છે.

ઉત્તર એટલાંટિક મહાસાગર જગતના એ વખતના સૌથી મોટા સમુદ્રીય વૈભવી વહાણને, ત્રણથી ઓછા કલાકોમાં ગળી જાય છે. ટાઈટાનિક એપ્રિલ ૧૫, ૧૯૧૨ના રોજ, યુરોપથી ઉત્તર અમેરિકાના એના પ્રથમ પ્રવાસના માત્ર પાંચ દિવસમાં જ, સપાટીથી ચાર કિલોમીટર ઊંડે સમુદ્રના તળિયાએ જઈ પહોંચે છે. લગભગ ૧,૫૦૦ જેટલા મુસાફરો તથા ખલાસીઓ સમુદ્રમાં મરણ પામે છે.

અને એ વિશાળકાય હિમપર્વતમાંથી શું બાકી રહ્યું હતું? એ લગભગ હાનિહીન જ રહ્યો હતો. એનો માત્ર એક ખૂણો જ ટાઈટાનિક સાથે અથડાયો હતો. સંશોધકોએ એ હિમપર્વતને બીજે દિવસે દક્ષિણના હૂંફાળા પાણીમાં તરતો જોયો, જાણે કંઈ બન્યું જ ન હોય. હિમપર્વતની તબદીલી, અર્થાત્‌ વિશાળ સમુદ્રમાં ધીમે ધીમે ઓગળવું, એ જલદી જ ભૂલી જવાયું. જોકે, ટાઈટાનિકના ડૂબવાને એક દુ:ખદ સમુદ્રી દુર્ઘટના તરીકે હજુ પણ યાદ કરવામાં આવે છે.

હિમપર્વતો! એ ઘણાં જ આકર્ષક તથા ભવ્ય હોવા છતાં, ઘણાં જ સખત હોય છે. શું તમે એને કદી પણ પાસેથી જોયા છે અને માણસ તથા સૃષ્ટિ પરની એની અસર પારખી છે? શું તમને એ જાણવાનું ગમશે કે એ શા માટે તથા કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? અને સમુદ્રમાંના લોકોને હિમપર્વતોના શક્ય ખતરાથી રક્ષણ આપવા શું કરવામાં આવ્યું છે? (“આંતરરાષ્ટ્રીય હિમ સુરક્ષાદળ” બોક્ષ જુઓ.)

ઉદ્‍ભવ અને જીવન ચક્ર

હિમપર્વતો તાજા પાણીમાંથી બનાવેલા બરફના વિશાળ ચોસલા જેવા હોય છે. એ ઉત્તર અને એન્ટાર્કટિકમાંની હિમનદીઓ તથા બારમાસીય બરફમાંથી આવે છે. શું તમે જાણતા હતા કે એન્ટાર્કટિકના બારમાસીય બરફ, પૃથ્વીના લગભગ ૯૦ ટકા હિમપર્વતો પેદા કરે છે? એ સૌથી મોટા હિમપર્વતો પણ પેદા કરે છે. એ પાણીની સપાટીથી લગભગ ૧૦૦ મીટર જેટલા ઊંચા હોય છે અને ૩૦૦ કિલોમીટરથી વધુ લંબાઈ તથા ૯૦ કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવી શકે છે. વિશાળકાય હિમપર્વતો ૨૦ લાખથી માંડીને ૪ કરોડ ટન જેટલું વજન ધરાવી શકે છે. અને હિમકણોની માફક, બે પર્વતો દેખાવમાં એકસરખા હોતા નથી. કેટલાક ટેબલ જેવા કે સપાટ ટોચવાળા હોય છે. બીજા ફાચરના આકારના, પાતળી ટોચવાળા, કે ઘુમ્મટ આકારના હોય છે.

સામાન્ય રીતે હિમપર્વતનો ફક્ત એક સપ્તમાંશથી માંડીને એક દશાંશ જેટલો ભાગ જ પાણીની બહાર દેખાતો હોય છે. એ ખાસ કરીને સપાટ ટોચવાળા હિમપર્વતો માટે સાચું છે. એ તમે પાણીના એક પ્યાલામાં બરફના ચોસલાને તરતો જુઓ છો એના જેવું જ હોય છે. જોકે, બાહ્ય બરફના પ્રમાણમાં ડૂબેલા બરફનો ગુણોત્તર વિવિધ હોય છે, જે પર્વતના આકાર પર આધારિત હોય છે.

એન્ટાર્કટિકના હિમપર્વતો સપાટ ટોચવાળા તથા સપાટ બાજુવાળા હોય છે, જ્યારે કે આર્કટિકના હિમપર્વતો ઘણી વાર અચોક્કસ તથા બુરજ ઘાટના હોય છે. એ પાછળ જણાવેલા પર્વતો મોટા ભાગે ગ્રીનલેન્ડને ઢાંકતા બારમાસીય વિશાળ બરફમાંથી આવતા હોય છે, જે સમુદ્ર ઓળંગતા વહાણોના માર્ગમાં ઘસડાઈ આવતા હોવાથી, માણસ માટે સૌથી મોટી ધમકી ઊભી કરે છે.

હિમપર્વતો કઈ રીતે પેદા થાય છે? પૃથ્વીના ઉત્તર તથા દક્ષિણ ધ્રુવોમાં, હિમ અને બરફનો વરસાદ ઘણી વાર એના ઓગળવા તથા બાષ્પીભવન થવા કરતાં વધુ એકત્ર થાય છે. તેથી જમીનની સપાટી પર જામેલા હિમના સ્તરો બરફમય બને છે. વર્ષોવર્ષ, વધુ હિમ અને વર્ષા પડે છે તેમ, સતતપણે થર બાઝતા જાય છે. એનાથી ગ્રીનલેન્ડ જેવા વિશાળ પ્રદેશો પર મહાકાય બારમાસીય બરફ પેદા થાય છે. છેવટે, એ બરફ એટલી ઘટ્ટતા અને સખ્તાઈ સુધી પહોંચે છે કે ભારે હિમનદી બનીને ઊંચા ઢોળાવ પરથી ખીણમાં અને આખરે સમુદ્રમાં ખુબ જ ધીમેથી વહે છે. બર્નાર્ડ સ્ટોનહાઉસે પોતાના પુસ્તક નોર્થ પોલ, સાઉથ પોલમાં એ સ્થળાંતરનું વર્ણન કરતાં જણાવ્યું: “સખત બરફ સ્થિતિસ્થાપક હોય છે, પરંતુ તરત જ બેડોળ બની શકે છે; દબાણ હેઠળ એના ષટ્‌કોણાકાર સ્ફટિક હરોળમાં આવે છે, પછી વહેવા અને ડૂબવા માટે એકબીજા પર સરકવા લાગે છે, જેને આપણે હિમનદી તરીકે ઓળખીએ છીએ.”

જરા વિચારો કે બરફની એક નદી ઠંડા મદ્યાર્કની જેમ, અસમતલ વિસ્તારમાંથી ખુબ જ હળવેથી વહે છે. ઊંડી ઊભી તિરાડો ધરાવતી એ બરફની વિશાળ શિલા એક વાર કિનારે પહોંચશે ત્યારે, એક કુતૂહલજનક દૃશ્ય પેદા કરશે. ભરતી અને ઓટ, હિલોળાં લેતાં મોજાં, અને પાણીની અંદરની ખવાઈ જવાની ક્રિયાની સંયુક્ત અસરોને કારણે, તાજા પાણીના બરફનો એક ટુકડો, જે ૪૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવી શકે છે, એ ભયંકર અવાજસહિત હિમનદીથી અલગ થશે. એક હિમપર્વત જન્મ લે છે! એક અવલોકનકર્તાએ એને “તરતા સ્ફટિકમય કિલ્લા” તરીકે વર્ણવ્યો.

આર્કટિકમાં દર વર્ષે, ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ જેટલા હિમપર્વતો પેદા થાય છે. તોપણ, ન્યૂફાઉન્ડલેન્ડના કિનારેના દક્ષિણી પાણી સુધી સરખામણીમાં માત્ર થોડા જ પહોંચે છે. જે પહોંચે છે તેઓનું શું થાય છે?

હિમપર્વતનું સ્થળાંતર

હિમપર્વતોના જન્મ પછી, સમુદ્રની લહેરો એમાંના કેટલાકને પશ્ચિમ તથા દક્ષિણ અને છેવટે લાબ્રાડોરના સમુદ્ર, જેનું ઉપનામ હિમપર્વતની શેરી પાડવામાં આવ્યું છે, એમાં લઈ જવા અગાઉ, તેઓને એક વિસ્તૃત મુસાફરી પર લઈ જાય છે. હિમપર્વતો જે પોતાના જન્મસ્થળથી માંડીને લાબ્રાડોર અને ન્યૂફાઉન્ડલેન્ડ તરફના ખુલ્લા એટલાંટિક સુધીની બે વર્ષની મુસાફરીમાંથી બચી જાય છે, તે ટૂંકી આવરદાનો અનુભવ કરે છે. હૂંફાળા પાણીમાં ઓગળવાથી, કોતરાઈ જવાથી, અને બીજા હિમપર્વતોને જન્મ આપવાથી તેઓ તીવ્ર પતનનો અનુભવ કરે છે.

લાક્ષણિકપણે, દિવસ દરમ્યાન બરફ ઓગળે છે અને ફાટમાં પાણી જમા થાય છે. રાતે પાણી થીજીને એ ફાટ ફૂલાવે છે અને ટૂકડાઓને છૂટા પાડે છે. એનાથી પહાડના આકારમાં અચાનક બદલાણ પેદા થાય છે, અર્થાત્‌ એના ગુરુત્વાકર્ષણ કેન્દ્રમાં ફેરફાર થાય છે. સમય જતાં એ બરફની શિલા પાણીમાં ગોળ ફરે છે, જેનાથી બરફની એક તદ્દન નવી કૃતિ પ્રગટ થાય છે.

એ ચક્ર સતત ચાલ્યા કરે છે અને બરફના કિલ્લાઓ તુટીને વધુ નાના થાય છે તેમ, તેઓ ખુદ પોતામાંથી હિમપર્વતો પેદા કરે છે જે “પર્વતનો ટુકડો” (“bergy bits”) કહેવાય છે, જે લગભગ એક સરેરાશ ઘરના કદનો હોય છે, અને “ગર્જનાર” (“growlers”) એક નાના ઓરડાના કદનો હોય છે—પાછલાનું નામ એ મોજામાં તરતી વખતે એવો અવાજ કરે છે એ પરથી આપવામાં આવ્યું છે. કેટલાક નાના ગર્જનાર હિમપર્વત કિનારા પર તથા ખાડીઓના છીછરા પાણીમાં પણ જઈ શકે છે.

કોઈ પણ સંજોગો હોય, હિમપર્વત વધુ દૂરના દક્ષિણના પાણીવાળા વાતાવરણને લીધે જલદી જ તાજાપાણીના બરફના નાના ટુકડામાં વિભાજિત થાય છે અને પછી વિશાળ મહાસમુદ્રનો એક ભાગ બને છે. જોકે, એમ થાય ત્યાં સુધી, હિમપર્વત સાથે સાવધાનીથી વ્યવહાર રાખવાનો હોય છે.

હિમપર્વતો આપણા જીવનને કઈ રીતે સ્પર્શે છે

માછીમારો પોતાના જીવનનિર્વાહ માટે સમુદ્ર પર નિર્ધાર રાખતા હોવાથી તેઓ હિમપર્વતને ઉપાધિકારક તથા જોખમ તરીકે જોતા હોય છે. એક માછીમારે કહ્યું: “હિમપર્વત મુલાકાતીઓને આકર્ષક લાગી શકે, પરંતુ માછીમારો માટે એ એક શક્ય ધમકી છે.” માછીમારો પોતે પકડેલી માછલીનો જથ્થો તપાસવા પાછા ફરે છે ત્યારે, ફક્ત ભરતી અને પ્રવાહોથી તણાઈ આવેલા હિમપર્વતોને જુએ છે, જેઓએ તેઓની કીમતી જાળો તથા માછલીના જથ્થાનો નાશ કર્યો હોય છે.

હિમપર્વતો માનયોગ્ય છે. “તમારે દૂર રહેવું જોઈએ,” એક નાવિક કહે છે. “હિમપર્વતોની જરા પણ આગાહી કરી શકાતી નથી! ઊંચા હિમપર્વતમાંથી ઘણો ખરો ભાગ તૂટી પડી શકે છે અથવા પાણી પર ટકરાય છે ત્યારે, ઘણો ખરો ભાગ તૂટીને તમારા પર ઉડી શકે છે. ઉપરાંત, પર્વત ગોળ ફરી તથા ગબડી શકે છે, જે વધુ પડતા પાસે જનારાઓ માટે વિનાશક બની શકે છે!”

હિમપર્વતથી સમુદ્રનું પેટાળ ઘસાવું એ બીજી એક ચિંતાની બાબત છે. “પર્વતનું પાણીની અંદરનું કદ લગભગ પાણીની ઊંડાઈ જેટલું હોય તો, પર્વતનું તળિયું લાંબી તથા ઊંડી નહેરો ખોદે એ જાણીતું છે. એવી પ્રક્રિયાને લીધે તેલના સંશોધનના વિસ્તારોમાં સમુદ્રના પેટાળમાંના તેલના કુવા પરનાં યંત્રો જેવાં બાંધકામો પર વિનાશક અસરો પડે છે,” એમ એક અવલોકનકર્તા કહે છે.

અત્યાર સુધીમાં તો તમે વિચારતા હશો કે આપણે હિમપર્વતો વગર વધુ સારી સ્થિતિમાં હોઈશું. જોકે, હિમપર્વતની વાત કંઈ સમુળગી નકારાત્મક જ નથી. એક ન્યૂફાઉન્ડલેન્ડવાસીએ જણાવ્યું: “રેફ્રિજરેટર સામાન્ય થયા એ પહેલાં, વર્ષો અગાઉ, કિનારા પરનાં નાનાં ગામોમાંના લોકો હિમપર્વતનાં નાનાં ટુકડાં ભેગાં કરતાં અને પાણી ઠંડુ રાખવા એને પોતાના કુવામાં નાખતા. બીજી એક પદ્ધતિ લાકડાના વહેર ભરેલા ડબ્બામાં બરફના ટુકડા સંઘરવાની હતી, જેનો ઉપયોગ ઘરે આઇસક્રીમ બનાવવામાં થતો.”

મુલાકાતીઓ એ તરતા વિશાળ હિમકૃત પર્વતોથી ખાસ આકર્ષાયા છે. તેઓ ન્યૂફાઉન્ડલેન્ડના અસમતલ કાંઠા પર એવી સ્થિતિ શોધે છે જ્યાંથી એટલાંટિકનું વિશાળ દૃશ્ય જોઈ શકે તથા પોતાની આંખોથી સમુદ્રના એ રાક્ષસોને નીરખી શકે. કેમેરાવાળાઓ એ ક્ષણના ફોટા પાડતા હોય છે.

હિમપર્વતો પીવાના તાજા પાણીનો અઢળક પુરવઠો પણ પૂરો પાડી શકે છે. આજના પાણીના અભૂતપૂર્વ પ્રદૂષણના સમયમાં, હિમપર્વતનું પાણી ગાળીને બાટલીમાં ભરવું એ સમય જતાં સંભાવ્ય વેપારી સાહસ બની શકે. વધુ પ્રમાણમાં પીવાનું પાણી મેળવવા માટે, વિશાળ “બરફનો ટુકડો” શોધવો અને પ્રક્રિયા માટે એને બંદરે ખેંચી લાવવો, એ સરળ બાબત હોય એમ લાગી શકે. વાસ્તવમાં, એ અત્યાર સુધી પ્રચંડ પુરવાર થયો હોય એવો એક ગંજાવર પડકાર છે.

યહોવાહના સર્જનની એક અદ્‍ભુતતા

આકાશ અને પૃથ્વીના ઉત્પન્‍નકર્તા પૂછે છે: “હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું?” (અયૂબ ૩૮:૨૯) એલીહૂ જાણતો હતો, કેમ કે તેણે અગાઉ કહ્યું હતું: “ઈશ્વરના શ્વાસથી હિમ પડે છે.”—અયૂબ ૩૭:૧૦.

આમ, આપણે સમુદ્રની એ ઊંચી, ચમકતી ભવ્યતા જોઈએ છીએ ત્યારે, આપણા વિચારો આપણા ઉત્પન્‍નકર્તા તરફ ફરે છે, જેમણે એને ત્યાં મૂકી છે. ગીતકર્તાની માફક, આપણે કહીએ છીએ: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” તે ઉમેરે છે: “તારાં કામ આશ્ચર્યકારક છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪; ૧૩૯:૧૪.

સાચે જ, યહોવાહ અદ્‍ભુત કૃત્ય કરનાર ઉત્પન્‍નકર્તા છે. આપણે તેમને વધારે સારી રીતે ઓળખવા કેટલા બધા આતુર છીએ! આપણે તેમના શબ્દ પર ધ્યાન આપીને એમ કરી શકીએ.—રૂમી ૧૧:૩૩. (g95 12/8)

[પાન ૧૮ પર બૉક્સ]

આંતરરાષ્ટ્રીય હિમ સુરક્ષાદળ

ટાઈટાનિક વહાણની દુર્ઘટના પછી, ૧૯૧૪માં આંતરરાષ્ટ્રીય હિમ સુરક્ષાદળ (IIP)ની સ્થાપના હિમપર્વતોનું સ્થળ નક્કી કરવા, સમુદ્ર અને પવનની લહેરો પર આધારિત એની હિલચાલની આગાહી કરવા, અને પછી જનતાને બરફની ચેતવણી આપવા કરવામાં આવી હતી. સમુદ્રના એ સ્ફટિક રાક્ષસોથી રક્ષણ આપવાના હેતુથી, બરફની લાક્ષણિકતાઓનું તથા એના વલણનું જ્ઞાન એકત્ર કરવાનો દરેક પ્રયત્ન આદરવામાં આવ્યો છે. દૃશ્ય તથા રડાર સર્વેક્ષણ આપતા વિમાનો, હિમપર્વતના સ્થળોના અહેવાલ આપતાં વ્યાપારી વહાણો, ઉપગ્રહોથી ફોટા પાડવા, અને સમુદ્રીવિજ્ઞાનથી થતું પૃથક્કરણ તથા આગાહી સમેતની ટેકનોલોજી વાપરવામાં આવી છે.

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

પાતળી ટોચ

ઘુમ્મટાકાર ટોચ

સપાટ ટોચ

Flat-topped

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો