રહસ્યમય પ્લેટિપસ
સજાગ બનો!ના ઑસ્ટ્રેલિયાના ખબરપત્રી તરફથી
વૈ જ્ઞાનિકોએ સૌપ્રથમ પ્લેટિપસ જોયું ત્યારે, તેનું કયા પ્રકારમાં વર્ગીકરણ કરવું એ તેઓ જાણતા ન હતા. એ એક કિલોગ્રામનું વજન ધરાવતી વિસંગતતાનો એક જીવંત વિરોધાભાસ હતો, જેણે વૈજ્ઞાનિકોની કેટલીક માન્યતાઓને ઊલટાવી નાખી. અમે તમને એ અજોડ નાના ઑસ્ટ્રેલિયન—મોહક, શરમાળ, અને પ્રેમાળ પ્રાણી—ને મળવા આમંત્રણ આપીએ છીએ. જોકે, સૌપ્રથમ, ચાલો આપણે ૧૭૯૯ના વર્ષમાં પાછા જઈએ અને બ્રિટિશ વૈજ્ઞાનિકોની નજર પ્લેટિપસના ચામડા પર પડી ત્યારે એણે મચાવી એ ધમાલ જોઈએ.
“તે ખરેખર [આંખે જોયું] એ માની ન શક્યા,” એન્સાયક્લોપેડિયા બ્રિટિશ મ્યુઝિયમના નેચરલ હિસ્ટ્રી વિભાગના સહાયક સંરક્ષક ડૉ. શો વિષે કહે છે. તેમને શંકા હતી કે “કોઈકે [ચાર પગવાળા પશુ]ના શરીર પર બતકની ચાંચ ચોંટાડી છે. તેમણે ચાંચ દૂર કરવાનો પ્રયાસ કર્યો, અને તેમની કાતરનાં નિશાનો આજે પણ અસલી ચામડા પર જોઈ શકાય છે.”
વૈજ્ઞાનિકોને ચામડું સાચું લાગ્યું ત્યારે, તેઓ મૂંઝાયા. પ્લેટિપસ—જેના નામનો અર્થ “સપાટ-પગવાળું”—એની પ્રજનન વ્યવસ્થા પક્ષીની વ્યવસ્થાને મળતી આવે છે, પરંતુ એને સ્તન, અથવા દૂધ-ગ્રંથીઓ, પણ છે. એ દેખીતી વિસંગતતાએ પ્રશ્ન ઊભો કર્યો: શું આ અસંભાવ્ય પ્રાણી ઈંડા મૂકે છે કે નહિ?
વર્ષોના વિવાદ પછી, જાણવા મળ્યું કે પ્લેટિપસ વાસ્તવમાં ઈંડા મૂકતું હતું. પરંતુ દરેક શોધ જાણે કે મૂંઝવણમાં ફક્ત ઉમેરો જ કરતી હોય એમ લાગ્યું. તમે એક પ્રાણીનું વર્ગીકરણ કઈ રીતે કરો જે (૧) ઈંડા મૂકતું હોય પરંતુ સ્તનની ગ્રંથિ હોય; (૨) રુવાંટીવાળું ચામડું હોય પરંતુ બતકની ચાંચ પણ હોય; અને (૩) ઠંડા લોહીવાળા પેટે ચાલનારા પ્રાણીની વિશિષ્ટતા ધરાવતું હાડપિંજર હોય તોપણ ગરમ લોહી ધરાવતું હોય?
સમય જતાં, વૈજ્ઞાનિકો સંમત થયા કે પ્લેટિપસ મોનોટ્રેમાટા (Monotremata)ની જાતનું એક સસ્તન પ્રાણી છે. મોનોટ્રીમ (monotreme), જે પેટે ચાલનાર એક પ્રાણી છે, તેને ઈંડા, વીર્ય, મળ, અને મૂત્રના વહન માટે એક દ્વાર, કે છિદ્ર હોય છે. બીજું જીવંત મોનોટ્રીમ ફક્ત એકિડના (echidna) છે. પ્લેટિપસને આપવામાં આવેલું વૈજ્ઞાનિક નામ ઓર્નિથોરીન્કસ એનાટિનસ છે, જેનો અર્થ “પક્ષીની ચાંચ ધરાવતું બતક જેવું પ્રાણી” થાય છે.
ચાલો આપણે પ્લેટિપસની મુલાકાત લઈએ
આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈ શકીએ, પરંતુ છુપાઈ રહેતા પ્લેટિપસને જંગલમાં જોવા જેવી મઝા બીજે ક્યાંય ન મળે—એવું કંઈક જે થોડાક ઑસ્ટ્રેલિયનોએ પણ ભાગ્યે જ કદી માણી હશે. ઑસ્ટ્રેલિયાની પૂર્વેના તાજા પાણીની નદીઓમાં, ઝરણાંમાં, કે સરોવરોમાં પ્લેટિપસ જોવા મળશે છતાં, આપણી શોધ પૂર્વીય ઑસ્ટ્રેલિયામાં, સિડનીની પશ્ચિમે બ્લુ માઊન્ટેઈનમાં શરૂ થાય છે.
અમે એક ચળકતી, યૂકેલિપ્ટસ વૃક્ષની હારોવાળી નદી પરના લાકડાના જૂના પુલ પર સૂર્યોદય થતાં પહેલાં આવ્યા. ધીરજપૂર્વક અને ચૂપચાપ, અમે ખસી રહેલી આકારની હાજરી પાણીમાં જોવા લાગ્યા. તરત જ અમને એનો બદલો મળ્યો. કંઈક ૫૦ મીટર ઉપરવાસમાં, એક આકાર દેખાય છે, અને અમારી તરફ આવવા લાગ્યો. અમારે સંપૂર્ણ સ્થિર ઊભા રહેવું પડ્યું.
તેની ચાંચથી પ્રસરતા જલતરંગે પુષ્ટિ કરી કે એ પ્લેટિપસ છે. પ્લેટિપસ નદીના તળિયે ખોરાકની શોધમાં નીકળી પોતાના ગાલમાં ભેગો કરેલો ખોરાક ચાવે છે તેમ ભેદ ખોલતા જલતરંગો પેદા થાય છે. ઋતુ પ્રમાણે તેનો આહાર બદલાતો હોવા છતાં, એમાં મુખ્યત્વે જીવડાં, ઈયળો, અને તાજા પાણીનાં શ્રીમ્પ (shrimps)નો સમાવેશ થાય છે.
શું પ્લેટિપસનું નાનું કદ તમને આશ્ચર્ય પમાડે છે? મોટા ભાગના લોકોને આશ્ચર્ય પમાડે છે. તેઓ ધારતા હોય છે કે પ્લેટિપસ લગભગ બીવર (beaver) કે ઓટર (otter)ના કદનું હોય છે. પરંતુ તમે જોઈ શકો છો કે, એ સામાન્ય કદની બિલાડી કરતાં પણ નાનું છે. નરની લંબાઈ ૪૫થી ૬૦ સેન્ટિમીટર અને એનું વજન એકથી અઢી કિલોગ્રામ જેટલું હોય છે. માદા થોડીક નાની હોય છે.
તેના આગળના પગના પંજાથી વારાફરતી હલેસા મારીને, તે શાંતિથી ડૂબકી મારે છે અને ધીમે ધીમે પુલની નીચે તરે છે તેમ, એકથી બે મિનિટ સુધી પાણીમાં રહે છે. તેના થોડાક પહોળા પંજાવાળા પાછલા પગ હલેસા માટે વપરાતા નથી પરંતુ સુકાન તરીકેનું કામ કરે છે અને તે તરે છે ત્યારે તેની પૂંછડી સાથે સુમેળમાં કામ કરે છે. તે બોડ બનાવે છે ત્યારે પોતાના શરીરને મક્કમપણે સ્થિર કરે છે.
પ્લેટિપસને ખલેલ પહોંચાડવામાં આવે તો, તે સંભળાય એ રીતે પછડાઈને ડૂબકી મારે છે, અને એનો અર્થ ‘આવ-જો’ થાય, તે ફરી જોવા નહિ મળે! તેથી તે જ્યારે પાણીની અંદર હોય ફક્ત ત્યારે જ અમે બોલીએ છીએ. “એ નાનું પ્રાણી કઈ રીતે પોતાને ગરમ રાખે છે,” તમે ગુસપુસ કરશો, “ખાસ કરીને શિયાળાના ઠંડા પાણીમાં?” પ્લેટિપસ સારી રીતે કામ ચલાવે છે, એ માટે બે સહાયનો આભાર: ચયાપચયની ક્રિયા ઝડપથી શક્તિ પેદા કરે છે, એમ અંદરથી હૂંફ મળે છે અને જાડી રુવાંટી ગરમી અંદર રાખે છે.
પેલી વિસ્મયકારી ચાંચ
પ્લેટિપસની મુલાયમ, રબર જેવી ચાંચ ઘણી જ જટિલ હોય છે. એના પર સ્પર્શ અને વિદ્યુત પ્રક્રિયા માટેના સંગ્રાહકો (receptors) છવાએલા હોય છે. પ્લેટિપસ નદીના પેટાળમાં હોય છે ત્યારે પોતાની ચાંચ તપાસ કરી રહી હોય તેમ, એને એક બાજુથી બીજી બાજુએ ધીમેથી ઝૂલાવે છે, પોતાના શિકારના સ્નાયુઓના હલનચલનથી પેદા થયેલું નાનામાં નાનું વિદ્યુત ક્ષેત્ર પણ શોધે છે. પ્લેટિપસ પાણીની અંદર હોય છે ત્યારે, તેની ચાંચ દુનિયા સાથેનો મુખ્ય સંપર્ક હોય છે, કેમ કે તેની આંખો, કાન, અને નાક સજ્જડપણે બંધ હોય છે.
એ નખથી સાવધ રહો!
આપણો એ નાનો મિત્ર નર હોય તો, તે તેના પાછલા પગની ઘૂંટી પરના બે નખથી શસ્ત્રસજ્જ હોય છે જે જાંઘના વિસ્તારમાં આવેલી ઝેરની બે ગ્રંથિઓ સાથે નળીથી જોડાએલા હોય છે. તે પૂરી શક્તિથી પોતાના બંને નખ હુમલો કરનારના શરીરમાં એવી રીતે ઘોંચે છે જાણે કે એક ઘોડેસવાર પોતાની આર ઘોડાને ઘોંચતો હોય. શરૂઆતના હુમલા પછી તરત જ, ભોગ બનનારને તીવ્ર પીડા થાય છે અને એ જગ્યાએ સોજો ચડે છે.
જો કે, પ્લેટિપસ કેદમાં હોય છે ત્યારે, એક કુરકુરિયા જેવું પાળેલું હોય શકે છે. વિક્ટોરિયામાં હીલ્સવિલ સેંક્ચ્યુરીએ દાયકાઓથી એ પ્રાણીને રાખ્યું છે અને અહેવાલ આપે છે કે એક શરૂઆતનું પ્લેટિપસ “મુલાકાતીઓને કલાકો સુધી મઝા કરાવશે, અને ગોળ ગોળ ફરીને પોતાના પેટને ઘસશે. . . . હજારો મુલાકાતીઓ એ અસામાન્ય નાના પ્રાણીને જોવા ટોળે વળે છે.”
સવારનો સૂરજ અમારી પૂર્વ તરફ પર્વતોની હારમાળા પરથી ડોકિયું કરે છે તેમ આપણું પ્લેટિપસ દિવસની છેલ્લી ડૂબકી મારે છે. આખી રાત દરમિયાન તેણે પોતાના વજનના પાંચમા ભાગથી પણ વધારે ખોરાક ખાધો છે. તે પાણીની બહાર આવે છે તેમ, તેના આગળના પગની ચામડીને પાછી ખેંચીને મજબૂત નખને ખુલ્લા કરે છે. તે હવે પોતાની ઘણી બોડમાંની એક તરફ જાય છે, જે વૃક્ષના મૂળિયાં મધ્યે ખવાણ અને ભાંગી ન જાય એ રીતે સુરક્ષિત ડહાપણભરી રીતે ખોદી હોય છે. રહેઠાણ માટેની બોડ સામાન્યપણે ૮ મીટર લાંબી હોય છે, પરંતુ બીજી બોડ ૧ મીટરથી માંડીને ૩૦ મીટર જેટલી લાંબી હોય છે અને બીજા ઘણાં ફાંટા હોય શકે. બોડ અંતિમ માત્રાએ પહોંચતા ઉષ્ણતામાન સામે રક્ષણ પણ આપે છે, અને માદાઓને પોતાનાં બચ્ચાં ઉછેરવા માટે આરામદાયક પણ બનાવે છે.
ઈંડા મૂકવાનો સમય
વસંત ઋતુમાં માદા પોતાની ઊંડી બોડમાંના વનસ્પતિવાળા એક વિભાગમાં જાય છે અને અંગૂઠાના નખના કદના એકથી ત્રણ (સામાન્યપણે બે) ઈંડાં મૂકે છે. તે પોતાના શરીર અને જાડી પૂંછડીથી લપેટી પોતાનાં ઈંડા સેવે છે. લગભગ દસ દિવસમાં, બચ્ચાં સખત કોચલાં તોડી બહાર આવે છે અને માતાની બે સ્તન ગ્રંથિઓમાંના દૂધમાંથી પોષણ મેળવે છે. પ્રસંગવશાત્ માદા પ્લેટિપસ પોતાનાં બચ્ચાં એકલી જ ઉછેરે છે; એ સસ્તન પ્રાણીઓ જોડીમાં લાંબો સમય રહેવાનો કોઈ પુરાવો આપતાં નથી.
ફેબ્રુઆરી સુધીમાં, લગભગ સાડા ત્રણ મહિનાની વૃદ્ધિ થયા પછી, બચ્ચાં પાણીમાં જવા માટે તૈયાર હોય છે. પાણીમાં ફક્ત મર્યાદિત પ્રાણીઓનું જ ભરણપોષણ થઈ શકતું હોવાથી, નાનાં બચ્ચાં આખરે ઓછી વસ્તીવાળું પાણી શોધે છે, એમ કરવામાં તેઓ જોખમકારક જમીનના વિસ્તારો પણ ઓળંગે છે.
પ્લેટિપસ કેદમાં ૨૦થી વધારે વર્ષ જીવે છે, પરંતુ જંગલમાં મોટા ભાગનાં એટલું લાંબું જીવતાં હોતાં નથી. દુકાળ અને પૂર તેઓને મારી નાખે છે, વળી એ જ રીતે ગોઅના (મોટી ગરોળી), શિયાળ, મોટાં શિકારી પક્ષીઓ, અને દૂર ઉત્તર ક્વિન્સલેન્ડમાંનાં મગર જેવાઓ તેઓનો શિકાર કરે છે. તેમ છતાં, પ્લેટિપસ માટે સૌથી મોટી ધમકી તો માણસ છે, એ જાણી જોઈને મારી નાખીને નહિ (પ્લેટિપસનું હવે કડક રક્ષણ કરવામાં આવે છે), પરંતુ નિષ્ઠુરપણે તેઓની વસાહતમાં આક્રમણ કરીને.
તમે કદી ઑસ્ટ્રેલિયાની મુલાકાત લો તો, તમારી જાતે જ બતકની ચાંચવાળા અજોડ મિશ્રણને તેના કુદરતી આવાસમાં જોઈ શકો છો, જેને તમે દુનિયામાં બીજે કોઈ ઠેકાણે જંગલમાં જોઈ શકશો નહિ. પ્લેટિપસ દ્વારા, તમે ઉત્પન્નકર્તાની અમર્યાદિત કલ્પનાઓના હજુ બીજા પાસાનો અનુભવ કરશો.
[Caption on page ૧૭]
પ્લેટિપસ પોતાના પંજાવાળા પગથી હલેસા મારે છે
[Caption on page ૧૭]
ઘરની સરેરાશ બિલાડી કરતાં નાના કદનું પ્લેટિપસ એકથી અઢી કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે
[Caption on page ૧૭]
તેની તીવ્ર સંવેદનશીલ ચાંચ પાણીની અંદર શિકાર શોધે છે. (આ પ્લેટિપસ હીલ્સવિલ સેંક્ચ્યુરીમાં છે)