સમાજના પ્રાણસમાન
રસ્તા
પ્રાચીન સમયથી, લોકો પગદંડીઓ, રસ્તાઓ, અને હાઈવેનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંબંધ રાખતા હતા. આ પુરાવો આપે છે કે માણસોની ઇચ્છા પ્રવાસ અને વેપાર કરવાની છે—યુદ્ધ કરવાની અને રાજકીય સત્તા રચવાની પણ છે. હા, રસ્તાઓમાં નકારાત્મક પાસાઓ પણ સમાયેલાં છે.
જૂના જમાનામાં પગપાળા, કે પ્રાણીઓ પર થતી મુસાફરીથી માંડીને આધુનિક રસ્તાઓ સુધીનો ઇતિહાસ ભૂતકાળના પ્રવાસ કરતાં કંઈક વધુ છે. તે માનવ સ્વભાવનો પણ અભ્યાસ કરે છે.
શરૂઆતના રસ્તાઓ
ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે, “રસ્તાઓ બનાવવાવાળા સૌ પ્રથમ મેસોપોટેમિયાના લોકો હતા.” આ લોકો તાઇગ્રીસ અને ફ્રાત નદીઓ પાસે રહેતા હતા. આ પુસ્તક બતાવે છે કે, “તેઓ સરઘસ માટે જે રસ્તાઓનો ઉપયોગ કરતા હતા, એ પકાવેલી, પથ્થર જેવી ઈંટોના બનેલા હતા, જેના પર ડામર પાથરેલો હતો.” આ વર્ણન શરૂઆતના બાંધકામ વિષે બાઇબલ કહે છે એની યાદ અપાવે છે: “પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.”—ઉત્પત્તિ ૧૧:૩.
પ્રાચીન ઈસ્રાએલીઓ માટે પોતાનું ધાર્મિક કાર્ય પૂરું કરવા રસ્તાઓ અતિ મહત્ત્વના હતા. ઈસુ ખ્રિસ્તના જન્મના લગભગ ૧,૫૦૦ વર્ષ પહેલાં, ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી: “વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવાહ તારો દેવ પસંદ કરે ત્યાં [આત્મિક તહેવાર ઉજવવા] તેની હજૂરમાં રજુ થાય.” (પુનર્નિયમ ૧૬:૧૬) એ જગ્યાને યરૂશાલેમ કહેવામાં આવ્યું અને આખુ કુટુંબ આનંદ માણવા પ્રસંગોપાત્ત આવતું હતું. તેથી સારા રસ્તાઓ જરૂરી હતા!
દેખીતી રીતે, મુખ્ય રસ્તાઓ સારી રીતે બંધાયા હતા. યહુદી ઇતિહાસકાર ફ્લેવયસ જોસોફસે સુલેમાન વિષે લખ્યું, કે જેણે ખ્રિસ્તના જન્મના ૧૦૦૦ વર્ષ પહેલાં હકૂમત ચલાવી હતી: “તેમણે રસ્તાઓની અવગણના કરી નહિ, પરંતુ યરૂશાલેમ જઈ શકાય એ માટે તેમણે પથ્થરોથી રસ્તો બનાવ્યો હતો.”
ઈસ્રાએલીઓ પાસે છ આશ્રયનગરો હતાં કે જે મનુષ્યઘાતકને આશરો આપતાં હતાં. આ શહેરોના રસ્તાઓ પણ સારી સ્થિતિમાં હતા. યહુદી પરંપરા બતાવે છે, કયું આશ્રયનગર નજીકમાં છે તે માટે પૂરતી નિશાનીઓ હોવી જરૂરી હતી.—ગણના ૩૫:૬, ૧૧-૩૪.
ધંધો વિકસાવવા રસ્તાઓ મહત્ત્વના હતા, અને પ્રાચીન સમયમાં વિશેષ ચીજ તો રેશમ હતું. કહેવામાં આવ્યું છે કે ઈસ્રાએલીઓ એક પ્રજા બની એ પહેલાં ચીનીઓએ શોધી કાઢ્યું હતું, કે કીડાઓમાંથી કઈ રીતે રેશમ કાંતવું, પરંતુ તેઓએ ખ્રિસ્તના જન્મ પછીના સમય સુધી એ ખાનગી રાખ્યું હતું. ખ્રિસ્તના જન્મ પહેલાં પશ્ચિમ જગતમાં રેશમ એટલે સુધી પ્રખ્યાત થઈ ગયું હતું કે જેફરી હેન્ડલી દ્વારા રસ્તાઓનો ઇતિહાસ પુસ્તક પ્રમાણે “પુરુષો રેશમનો વપરાશ ન કરી શકે, કેમ કે એ ફકત નારી જાત પૂરતું જ હતું.”
ચીનથી રેશમની લેવડદેવડ થઈ રહી હતી, એ રસ્તો રેશમ માર્ગ તરીકે જાણીતો હતો. માર્કો પોલો, ૧૩મી સદી સી.ઈ.ના અંતે એ રસ્તા પર પ્રવાસ કરીને ચીન દેશમાં ગયા ત્યારે, એને ૧૪૦૦ વર્ષ થઈ ગયાં હતાં. બે હજાર કરતાં પણ વધારે વર્ષથી, રેશમનો રસ્તો જગતનો સૌથી લાંબો રસ્તો હતો. એ ૧૨,૮૦૦ કિલોમીટર લાંબો માર્ગ છે જે રેશમનું ઘર ચીનના સંઘાઈથી ગડેજ (આધુનિક ગાડિઝ)થી સ્પૅન સુધી છે.
લશ્કરીય મહત્ત્વ
રાજકીય સત્તા વધારવાના ઉદ્દેશથી રસ્તાના બાંધકામમાં વધારો થયો હતો. દાખલા તરીકે, કાઈસાર હેઠળ રૂમી સામ્રાજ્ય માટેના રસ્તાઓ યુરોપ, ઉત્તર આફ્રિકા, અને પૂર્વ દિશામાં અંદાજ પ્રમાણે કુલ ૮૦,૦૦૦ કિલોમીટર સુધી ફેલાએલા હતા. રૂમી લશ્કરો યુદ્ધમાં ન હોય ત્યારે, તેઓને ઘણી વાર રસ્તાઓનું સમારકામ અને બાંધકામ કરવાનું સોંપવામાં આવતું હતું.
તાજેતરમાં ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે જીત મેળવવા રસ્તાઓ કેટલા મહત્ત્વના છે. બીજા દેશો પર સત્તા જમાવવાની એડોલ્ફ હિટલરની ઝંખનાએ તેને ૧૯૩૪માં ઝડપી રસ્તા બનાવવા પ્રેર્યો. ઇતિહાસકાર હેન્ડલીના પ્રમાણે, એ જ કારણે, જર્મનીએ “દુનિયામાં સૌથી પહેલાં મોટા હાઈવે” બાંધ્યા.
રસ્તાઓનું બાંધકામ—એક વિજ્ઞાન
રૂમી સર્વેક્ષકોએ ગ્રુમા નામના સાધનનો ઉપયોગ કરી તીર જેવાં સીધા રસ્તાઓ બનાવ્યા. કડિયાઓએ ટાંકણાંથી પથ્થર કાપ્યા અને એન્જિનિયરોએ મર્યાદા મૂકી કે કેટલા વજનવાળા વાહન ત્યાંથી પસાર થઈ શકે. રસ્તાઓનો પાયો ટકાઉ અને સપાટ હતો. રસ્તાઓ લાંબા ટકવાની ચાવી હતી પાણીનો નિકાલ. પાણી સહેલાઈથી નીતરી જાય માટે રસ્તા ઉપરથી સાધારણ વળાંકવાળા હતા, તેમ જ જમીનથી ઊંચા હોવાથી તે ટકાઉ હતા. તેથી તેને “હાઈવે” કહેવામાં આવ્યો. દુકાનોએ રસ્તાઓના નકશા પણ વેચ્યા.
એક ઇતિહાસકાર કહે છે “રસ્તાઓ બનાવનારા તરીકે રૂમીઓની સિદ્ધિ જોઈને લેખકે પોતે સર્વોચ્ચ પ્રકારનો સામનો કરવો પડે છે, અને એમાં કોઈ શંકા નથી કે માણસો માટે બીજું એવું કોઈ સ્મારક નથી કે જેણે ઇટાલીના રસ્તાઓ જેટલી સેવા આપી હોય.”
એપિયન માર્ગ જે રોમથી દક્ષિણ તરફ જાય છે, રસ્તાઓનો ઇતિહાસ પુસ્તક પ્રમાણે, “આ રસ્તો પશ્ચિમના માનવે કદી જોયો ન હતો એવો મોટો રસ્તો છે.” આ પ્રખ્યાત રસ્તો સરેરાશ છ મીટર પહોળો અને જ્વાળામુખીના લાવાના બ્લોકથી બનાવવામાં આવ્યો હતો. કેદી તરીકે રોમ જતી વખતે પ્રેષિત પાઊલ તે રસ્તેથી ગયા હતા અને આજે પણ અમુક ભાગ વપરાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૫, ૧૬.
પહેલાના દક્ષિણ અમેરિકાના ઇન્ડિયનોની રસ્તા બનાવવાની આવડત પણ ઘણાને આશ્ચર્યજનક લાગી શકે. ઈન્કાસે ૧૨૦૦થી ૧૫૦૦ સી.ઈ.માં બધા મળીને ૧૬,૦૦૦ કિલોમીટર લંબાઈ થાય એટલા રસ્તા બનાવ્યા હતા, જે લગભગ ૧,૦૦,૦૦,૦૦૦ લોકોને પ્રજા તરીકે સંગઠિત કરતા હતા. આ રસ્તાઓ વેરાન જગ્યાઓને, કાલ્પનિક ખરબચડી જગ્યાઓને, વર્ષા જંગલોને અને મહા પેરુના એમડેશ પહાડને પણ ઓળંગતા હતા!
એક રસ્તાને ઝીણવટથી જોતા, ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકાએ અહેવાલ આપ્યો: “એનડેશ માર્ગ અસામાન્ય હતો. રસ્તો ૭.૫ મીટર પહોળો હતો અને એ પ્રભાવશાળી પહાડોની શ્રેણીને વાંકાચૂકા ઢોળાવથી ઓળંગતો હતો. એનો લાંબો અને સાંકડો માર્ગ કઠણ પહાડથી બંધાયેલો હતો કે જે હજારો ફૂટ સુધી રસ્તાઓને આધાર આપતો હતો. કપચીથી ઉંડી ખીણ અને જમીનમાં ખાડાઓ ભરી, અને દોરડાંના ઝૂલતા પુલો બનાવ્યા. ઘણા વિસ્તાર પથ્થરની સપાટીથી બનેલા હતા અને સામગ્રીમાં ડામરનો વિસ્તૃતપણે વપરાશ કર્યો હતો.”
ઇન્કાસ ઘોડાઓથી અજાણ હતા, પરંતુ તેઓના રસ્તાઓ “રજવાડી સંદેશવાહકો માટે તે ખરો રસ્તો હતો.” એક ઇતિહાસકારે નોંધ લીધી “રસ્તામાં લોકો માટે નવો પુરવઠો મેળવવાનું અને થોભવાનું સ્થળ હતું, દર બે કિલોમીટરે નાની રક્ષક ટુકડી અને વ્યવસાયિક દોરનારાઓ હતા. દરેક થોભવાનાં સ્થળોએ રાત દિવસ ઝડપથી પ્રસારિત થતા સંદેશાઓ ક્યુઝકોથી ક્યુટો સુધી ૨૦૦૦ કિલોમીટર દૂર પાંચ દિવસમાં પહોંચતા હતા. એનો અર્થ દરિયાથી ૪૦૦૦ મીટર ઊંચા સ્તરે, એક કલાકમાં ૧૫ કિલોમીટરની ઝડપે જઈ શકાય એવો રસ્તો—જે રૂમી સામ્રાજ્ય મેળવી શકયા ન હતા!”
કરૂણતાઓનું ઉદ્ગમસ્થાન
માણસની ધમનીઓ રોકાઈ જઈ શકે છે, અને એ દુઃખદ પરિણામ લાવી શકે છે. એવી જ રીતે રસ્તાઓ પણ જીવનની ગુણવત્તા વધારવા માટે ભાગ ભજવે છે અને રસ્તાઓ રોકાઈ જાય ત્યારે જીવનની ગુણવત્તા ઓછી થઈ જાય છે. રસ્તાઓ વર્ષા જંગલો, નિર્જન પ્રદેશ, ઝાડીમાંથી તેમ જ બાગ બગીચાઓમાંથી પસાર થવાથી પ્રાણીઓનું જીવન વ્યથાકારક થઈ જાય છે. તેથી અવારનવાર ત્યાંના જ લોકો અને જંગલના લોકોને વેઠવું પડે છે. આપણે રસ્તાઓ કઈ રીતે બનાવીએ પુસ્તક કહે છે: “ટ્રાન્સ-એમેઝોન હાઈવે પ્રગતિને ધ્યાનમાં રાખી બનાવ્યો હતો, જેણે મોટા વિસ્તારમાં વર્ષા જંગલનો વિનાશ કર્યો અને જંગલમાં રહેતા ઘણા લોકો માટે એ ભયરૂપ બન્યો કારણ કે તેઓનું જીવન છિન્નભિન્ન થયુ હતું.”
શહેરો પણ આવા પ્રત્યાઘાતનો અનુભવ કરે છે કારણ કે દર વર્ષે રસ્તાઓ વધારે વાહનોથી ભરચક થાય છે. છેવટે, પૈસા હોય ત્યારે, રસ્તાઓ બંધાય છે. પરંતુ આ રસ્તાઓ પર લાંબે ગાળે ટ્રાફિકમાં વધારો થાય છે, જે પ્રદૂષણમાં વધારો કરે છે અને લાખોમાં માંદગી ફેલાય છે. તે ઉપરાંત, જગત ફરતે વર્ષે રસ્તાની દુર્ઘટનામાં ૫,૦૦,૦૦૦ લોકો મરે છે અને બીજા ૧ કરોડ ૫૦ લાખ જેવા કેટલાકને ભયંકર ઈજા થાય છે. સરખામણીમાં, પ્રથમ વિશ્વયુદ્ધે ૯૦ લાખ લોકોનાં જીવન લીધાં. પરંતુ પછી એ યુદ્ધ બંધ થયું. બીજી બાજુ રસ્તાઓ પર મરણ રોજનો બનાવ બની ગયો છે—દરરોજ ૧૦૦૦ કરતાં વધુ મરે છે.
હા, ઘણી રીતોએ આપણા રસ્તાઓ આપણું કથન—સાક્ષી અને આપણી શક્તિઓ અને નબળાઈઓ દર્શાવે છે. તેઓ આપણને જે ભવ્ય ગ્રહ સોંપવામાં આવ્યો છે એ આપણે કઈ દૃષ્ટિએ જોઈએ છીએ એ વિષે પણ કહે છે.
પ્રેષિત પાઊલે પ્રવાસ કરેલો એપિયન માર્ગ
હજુ પણ ઉપયોગમાં લેવાય છે.
દર વર્ષે આખા જગતમાં રસ્તાની દુર્ઘટનામાં
લગભગ ૫,૦૦,૦૦૦ મરણ પામે છે.