આઇરીશ શિકારી કૂતરાને મળો
આયર્લેન્ડના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
“કૂતરાની દુનિયાનું શાંત પ્રાણી.”
આઇરીશ શિકારી કૂતરાનું એક વાર એ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું હતું. શું તમે એને જોયો છે? એ ખરું છે કે, હવે આયર્લેન્ડમાં વરુ નથી. પરંતુ એક સમયે ત્યાં વરુઓ હતા. ત્યાં જંગલી સૂવર અને કદાવર હરણો પણ હતા. એમ કહેવામાં આવે છે કે, આયર્લેન્ડમાંનું છેલ્લું વરુ બસો વર્ષ પહેલાં મારી નાખવામાં આવ્યું હતું. એ પહેલાં, શિકારી કૂતરાં વરુઓ અને બીજાં મોટાં પ્રાણીઓનો શિકાર કરવા માટે ખૂબ જાણીતા હતાં. તાજેતરમાં, એક શિકારી કૂતરાનો અહેવાલ આપવામાં આવ્યો હતો કે, જેને યુનાઈટેડ સ્ટેટ્સના પથરાળ પહાડોમાં મોકલવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, ૧૮૯૨માં, તેણે “એકલાએ જ શિયાળા દરમિયાન ચાળીસ વરુઓઓને મારી નાખ્યા.” જોકે, ગભરાશો નહિ. આ શિકારી કૂતરો લોકોનો શિકાર કરતો નથી!
કેટલાક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે, લગભગ ૫૦૦ બી.સી.ઈ.માં આયર્લેન્ડમાં શિકારી કૂતરાઓની વસ્તી હતી. પછીથી, કેલ્ટ લોકો એનો ઉપયોગ ફક્ત શિકાર કરવા માટે જ નહિ, પરંતુ, લોકવાર્તા અને ઇતિહાસ પ્રમાણે આ કૂતરાઓને આઇરીશ રાજાઓ અને યોદ્ધાઓ સામે લડવા પણ મોકલવામાં આવતા હતા.
કૂતરાઓમાં, આ શિકારી કૂતરાંની ખાસ વિશેષતાઓ આખા જગતમાં પ્રસરેલી છે. અખાડામાં તેઓનું પ્રદશન કરવા છેક રોમ લઈ જવાયા હતા. ક્વીનટસ ઔરેલિયસ સીમ્માકસ નામના રૂમી અધિકારીનો અહેવાલ આપણને જણાવે છે કે, તેમણે ૩૯૩ની સાલમાં પોતાના ભાઈનો આભાર માનતો પત્ર લખ્યો હતો, જેનું કારણ એ હતું કે, તેમના ભાઈએ સાત આઇરીશ શિકારી કૂતરા રોમ મોકલ્યા હતા. એવું લાગે છે કે, એ કૂતરાઓએ રોમના લોકોને એકદમ ઉત્તજિત કરી મૂક્યા હતા. સીમ્માકસે લખ્યું કે, “તેઓએ આખા રોમને છક કરી દીધા, અને તેઓએ એ કૂતરાઓને લોખંડના પાંજરામાં રાખવા જણાવ્યું.”
એ કૂતરાંનું કદ જોઈને જ લોકો ગભરાઈ ગયા હશે, જેથી તેઓએ કૂતરાઓને લોખંડના પાંજરામાં લાવવા જણાવ્યું. એ કૂતરા ખભા સુધી લગભગ ૮૬ સેન્ટિમીટર ઊંચા હોય છે, પણ અમુક તો એનાથી પણ મોટા હોય છે. સૌથી મોટા શિકારી કૂતરાની ઊંચાઈનો ૧૦૦થી વધુ સેન્ટિમીટરનો રેકોર્ડ હતો. શિકારી કૂતરીઓ, કૂતરાથી સામાન્યપણે એક કે બે ઈંચ નાની હોય છે. ઊંચા હોવાનો ફાયદો એ કે સહેલાઈથી ખોરાક મેળવી શકાય. સ્કોટિશ નવલકથા લખનાર, સર વોલ્ટર સ્કોટે પોતાના એક મિત્રને જમવાના સમયે સાવધ રહેવાની ચેતવણી આપી. એનું કારણ એ કે, સાવધ ન રહે તો, તેમનો શિકારી કૂતરો જે “નાકની દાંડીથી પૂંછડી સુધી માપતા, ૨ મીટર લાંબો હતો,” એ “ટેબલ કે ખુરશી પર ટેકો લીધા વિના આરામથી તેની પ્લેટ ખાલી કરી નાખશે.”
આ શિકારી કૂતરાં જન્મ વખતે સાવ નાનકડાં હોય છે—ફક્ત ૭૦૦ ગ્રામ જેટલું જ વજન હોય છે—પરંતુ, તેઓ ઝડપથી વધે છે. એ કૂતરાંની એક ચાહક અને માલિકે કહ્યું કે, ગલુડિયાં હોય ત્યારે, આપણે તેઓના ‘પ્રેમમાં પડી જઈએ, એવા નાનકડાં મઝાનાં’ હોય છે. પરંતુ તેઓ મોટા થાય એમ ‘રાતે ન વધે એટલા દિવસે વધીને, સોટા જેવા લાંબા પગવાળા બને છે.’
તેઓ બહુ ભસતા નથી. તેઓ જોરાવર, અને શાંત હોય છે. પરંતુ, તેઓ ભસે છે ત્યારે, હંમેશાં યાદ રહી જાય એવો અવાજ કાઢે છે. લોકો એક વ્યક્તિ વિષે જણાવે છે, જેણે શિકારી કૂતરાનો અવાજ સાંભળીને કહ્યું કે, “એવો અવાજ તેણે કદી પણ સાંભળ્યો નથી, એ લાંબા સૂરમાં અકળાવનારો અવાજ હતો.”
આઇરીશ શિકારી કૂતરાનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે, “હિંસક-દેખાવ, વૈધક આંખો, બરછટ વાળવાળી આંખની ભમ્મરો, અને શરીરે પણ બરછટ રાખોડી રંગના વાળ.” તમે એને જુઓ કે તરત જ દૂર ભાગો. પરંતુ, એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ “એટલા માયાળુ હોય છે કે, બાળક પણ તેઓ સાથે રમી શકે.” એ વિષેની જાણકારી ધરાવતા એક માલિકે કહ્યું કે, તેઓ ખરેખર “બહુ જ રમતિયાળ અને લાગણીવાળા” હોય છે. તેમ જ, તેઓ એક જ રંગના નથી હોતા. કેટલાક સફેદ, ઘઉંવર્ણા, લાલ, કાળા જેવા રંગના વાળવાળા હોય છે.
પ્રખ્યાત આઇરીશ લેખક, ઓલીવર ગોલ્ડસ્મીથ છૂટથી તેઓના વખાણ કરે છે. તે કહે છે, “મોટા આઇરીશ શિકારી કૂતરા, ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી હોય છે . . . , જેઓ જગતભરમાં જોવા મળતા કૂતરાઓમાં સૌથી મોટા હોય છે.” દેખીતી રીતે જ, તેઓનો દેખાવ, તેઓની ભમ્મરો, પાંપણો, અને એની મૂછે તેમને મોહી લીધા હતા. જેનાથી, તેઓને “ખરો આઇરિશ દેખાવ” મળતો હતો, એમ કહેવામાં આવે છે.
શા માટે તેઓનો લગભગ અંત આવી ગયો હતો? એક કારણ તેઓની લોકપ્રિયતા છે. તેઓના ચાહકો એને એવી મૂલ્યવાન ભેટ ગણે છે કે, જે રાજાઓ જેવા મોટા મોટા લોકોને આપી શકાય. તેથી, તેઓને “શોધી કાઢીને દુનિયામાં સર્વત્ર મોકલવામાં આવતા.” પરિણામે, તેઓ જ્યાં ત્યાં વેરવિખેર થઈ ગયા. એ સિવાય, તેઓની વરુના શિકારી કૂતરા તરીકે જરૂર રહી નહિ, પછી તેઓની કોઈએ સંભાળ લીધી નહિ.
તેઓના ચાહકે ૧૮૩૯માં તેઓની ગંભીર હાલતની નોંધ લીધી: “ખરેખર, દુઃખની વાત છે કે, કૂતરાંની આવી જાતિ દિવસે દિવસે ઓછી થતી જાય છે, અને ખાસ પ્રયત્નો કરવામાં નહિ આવે તો, થોડાં વર્ષમાં તો એ અદૃશ્ય થઈ જશે.” તેઓની સંખ્યા એટલી ઘટી ગઈ હતી કે, સામાન્યપણે લોકો કહેતા કે, તેઓની પાસે હતો, એ તો “તેઓની જાતિમાંનો છેલ્લો કૂતરો” હતો. પરંતુ, તેઓ બચી ગયા.
તેઓને જ્યોર્જ એ. ગ્રહામ જેવા લોકોના “ખાસ પ્રયત્નોથી” બચાવી લેવાયા. તેમણે ૧૮૬૨માં તેઓની કફોડી હાલત જોઈ. તેમણે શક્ય એટલા શિકારી કૂતરાં ભેગા કર્યાં. તેઓનો કાળજીપૂર્વક ઉછેર કરીને, તેમણે તેઓની સંખ્યા વધારી, અને આજે તેઓની જે હાલત છે, ત્યાં સુધી લાવ્યા. એક ઇતિહાસકારે ૧૮૯૩માં કહ્યું કે, તેમના વિના “આ કૂતરાંની મહાન જાતિ અત્યાર સુધીમાં તો નામશેષ થઈ ગઈ હોત.”
તેઓની ચાહક, અને આઈરીશ શિકારી કૂતરાઓનો ઉછેર કરનાર, ફિલીસ ગાર્ડનરે લખ્યું: “આ દુનિયામાં કંઈ જ કહી ન શકાય, પરંતુ, મહાન દુર્ઘટના થતા રહી ગઈ, અને એમ લાગે છે કે, આ કૂતરાંની જાતિ નામશેષ થતી રહી ગઈ. હજુ પણ, એની લોકપ્રિયતા વધતીને વધતી જ જાય છે.”
[Picture on page 17]
લગભગ ચાર અઠવાડિયાંના, શિકારી ગલુડિયાં
[Pictures on page 17]
ઉત્તર આયર્લેન્ડના ન્યૂટાઊનાર્ડમાંનો ખુશમિજાજી શિકારી કૂતરો