પ્રકરણ ૩૦
શું હું લગ્ન માટે તૈયાર છું?
લગ્ન એક રમત નથી. દેવે પતિ અને પત્ની માટે બીજા કોઈ પણ માનવી સાથે ન હોય એવું વધુ નિકટનું કાયમી બંધન બાંધવાનો ઇરાદો રાખ્યો. (ઉત્પત્તિ ૨:૨૪) આમ લગ્ન સાથી એવી વ્યકિત છે જેની સાથે તમે તમારું બાકીનું જીવન વળગી રહેશો—અથવા ભેરવાઈ જશો.
દરેક લગ્ન કંઈક “દુઃખ અને ખેદ” સહન કરે છે. (૧ કોરીંથી ૭:૨૮, ધ ન્યૂ ઇંગ્લીશ બાઈબલ) પરંતુ વર્તણૂક વિજ્ઞાનની પ્રોફેસર માર્સિયા લેઝવલ ચેતવે છે: “લગ્ન ટકશે કે નહિ એ વિષે પડકાર વિનાની જો કોઈ માહિતી આપણી પાસે હોય તો, એ છે લગ્ન કરતી વખતે જેઓ નાનાં હોય છે તેઓ પર ત્રણ ગણી આફત આવી પડે છે.”
શા માટે આટલા બધા યુવાન લગ્નો નિષ્ફળ જાય છે? એનો જવાબ તમે લગ્ન કરવા માટે તૈયાર છો કે નહિ એના પર સખત અસર પાડી શકે.
મોટી અપેક્ષાઓ
“લગ્ન શું છે એ વિષે અમારો વિચાર બહુ ધૂંધળો હતો,” એક તરુણી કબૂલે છે. “અમે વિચાર્યું કે અમે ફાવે તેમ આવજા કરી શકીએ, ગમે તે કરી શકીએ, વાસણ માંજીએ કે ન માંજીએ, પરંતુ એવું ન હતું.” ઘણાં યુવાનો લગ્નની આવી અપરિપકવ દ્રષ્ટિ સેવતા હોય છે. તેઓ એ એક રોમાંચક તરંગ હોવાની કલ્પના કરે છે. અથવા તેઓ મોટા દેખાવાનો દરજ્જો ઇચ્છતા હોવાથી શૂળી પર ચઢે છે. તોપણ બીજા કેટલાક ઘરે, શાળામાં, અથવા પોતાના સમાજમાંની ખરાબ સ્થિતિથી ફકત છૂટવા માગતા હોય છે. એક છોકરીએ પોતાનું જેની સાથે વેવિશાળ થયું હતું એ છોકરામાં ભરોસો મૂકી કહ્યું: “આપણે લગ્ન કરીશું ત્યારે હું એટલી બધી ખુશ હોઈશ. ત્યારે ફરી કદી મારે એક પણ નિર્ણય કરવો નહિ પડે!”
પરંતુ લગ્ન તરંગ નથી તેમ જ કોયડા માટે અકસીર ઈલાજ પણ નથી. જો કંઈ હોય તો, એ હલ કરવા માટે નવા કોયડા રજૂ કરે છે. “ઘણાં તરુણો ઘર-ઘર રમવા લગ્ન કરે છે,” વિકી કહે છે, જેને ૨૦ની વયે તેનું પ્રથમ બાળક થયું. “ઓહ, એ એટલી બધી મઝા હોય એમ લાગે છે! તમે બાળક વિષે જાણે એ નાનકડી ઢીંગલી હોય એવું વિચારો છો, એવું કંઈક જે વિચક્ષણ છે અને તમે એની સાથે રમી શકો, પરંતુ એવું હોતું નથી.”
ઘણાં યુવાનો જાતીય સંબંધો વિષે પણ અવાસ્તવિક અપેક્ષા ધરાવતા હોય છે. એક યુવક, જેણે ૧૮ની વયે લગ્ન કર્યું, તેણે કહ્યું: “મેં લગ્ન કર્યું પછી મને જણાયું કે જાતીયતાનો મોટો રોમાંચ તરત જ ઠંડો પડી જાય છે અને પછી અમને અમુક ખરેખરા કોયડા થવા શરૂ થયાં.” તરુણ યુગલોના એક અભ્યાસને જણાયું કે મોટા ભાગના ઝગડા નાણાકીય કોયડા પછી બીજે નંબરે જાતીય સંબંધો વિષે હતા. નિઃશંક સંતોષપ્રદ વૈવાહિક સંબંધો નિઃસ્વાર્થ અને આત્મસંયમમાંથી પરિણમતા હોવાથી એમ હોય છે—એવા ગુણો જે કેળવવામાં યુવાનો ઘણી વાર નિષ્ફળ જાય છે.—૧ કોરીંથી ૭:૩, ૪.
ડહાપણભરી રીતે, બાઈબલ ખ્રિસ્તીઓને તેઓ “યુવાનીનો મોર” વટાવી ચૂકયા હોય પછી લગ્ન કરવાનું ઉત્તેજન આપે છે. (૧ કોરીંથી ૭:૩૬, NW) વાસનાની ભરતી આવી હોય ત્યારે લગ્ન કરવું તમારા વિચારોને વિકૃત બનાવી શકે અને સંભાવ્ય સાથીની ખામીઓ પ્રત્યે આંધળા બનાવી શકે.
પોતાના ભાગ માટે તૈયાર નહિ
એક તરુણ કન્યા પોતાના પતિ વિષે કહે છે: “હવે અમે લગ્ન કર્યું છે ત્યારે તેને જાતીયતા જોઈતી હોય ત્યારે જ તે મારામાં રસ બતાવતો હોય એ રીતે વર્તે છે. તેને લાગે છે કે તેના મિત્રો સાથે હોવું મારી સાથે હોવા જેટલું જ મહત્ત્વનું છે. . . . મેં વિચાર્યું કે હું તેની એક અને માત્ર એક બનવાની હતી, પરંતુ મને છેતરવામાં આવી.” યુવકો મધ્યે સામાન્ય એવી ખોટી ધારણા પર એ ભાર મૂકે છે: તેઓ વિચારે છે કે પતિ તરીકે તેઓ હજુ પણ કુંવારા પુરુષોની જીવનઢબ પ્રમાણે જીવી શકે.
એક ૧૯ વર્ષની કન્યા યુવાન પત્નીઓ મધ્યે સામાન્ય કોયડા તરફ ચીંધે છે: “હું ઘર સાફ કરવા અને રાંધવા કરતા ટીવી જોવાનું અને ઊંઘવાનું પસંદ કરીશ. મારા પતિના માબાપ આવે છે ત્યારે મને શરમ લાગે છે કેમ કે તેઓ ઘર સુંદર રાખે છે અને મારું ઘર હંમેશા અસ્તવ્યસ્ત હોય છે. હું રસોઈ બનાવવામાં પણ આળસુ છું.” છોકરીને ઘરનું કામ આવડતું ન હોય ત્યારે એ લગ્નમાં કેટલો બધો તણાવ ઉમેરી શકે! “લગ્ન ખરેખર વચનબદ્ધતા માગી લે છે,” (અગાઉ ઉલ્લેખવામાં આવેલી) વિકી કહે છે. “એ રમત નથી. લગ્નની મઝા પૂરી થઈ. એ જલદી જ રોજિંદું જીવન બને છે અને એ સહેલું નથી.”
અને કુટુંબનું દરરોજ ભરણપોષણ કરવાના પરિશ્રમનું શું? વિકીનો પતિ માર્ક કહે છે: “મને યાદ છે કે મારી પ્રથમ નોકરી માટે મારે સવારે છ વાગે ઊઠવું પડતું. મેં વિચારવાનું ચાલુ રાખ્યું: ‘આ તો અઘરું કામ છે. હું કદી પણ રાહત મેળવીશ?’ અને પછી હું ઘરે આવતો ત્યારે મને લાગતું કે હું જે સહન કરી રહ્યો હતો તેની વિકીને સમજ પડતી ન હતી.”
પૈસાના કોયડા
એ આપણને યુવાન પરિણીત યુગલોની વૈવાહિક વિસંગતતાના બીજા કારણ પાસે લાવે છે: પૈસા. અડતાળીસ તરુણ યુગલોએ કબૂલ્યું કે લગ્નને ત્રણ મહિના પછી, તેઓનો સૌથી મોટો કોયડો “કુટુંબની આવક ખર્ચવાનો” હતો. લગભગ ત્રણ વર્ષ પછી, એમાંના ૩૭ યુગલોને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ફરીથી પૈસાના કોયડા પ્રથમ નંબરે હતા—અને તેઓનો કઢાપો વધારે ખરાબ હતો! “જીવનમાં તમને શું મઝા આવી શકે,” બિલે પૂછ્યું, “જ્યારે તમને સંતોષ આપે એવી ચીજો ખરીદવા પૂરતા પૈસા ન હોય? . . . એક પગારના દિવસથી બીજા પગારના દિવસ સુધી ચાલવા માટે પૂરતું ન હોય ત્યારે, એ ઘણાં ઝગડા અને દુઃખ શરૂ કરી શકે.”
તરુણો મધ્યે પૈસાના કોયડા સામાન્ય હોય છે, કેમ કે ઘણી વાર તેઓમાં બેકારીનો આંક સૌથી ઊંચો હોય છે અને પગારનો સૌથી નીચો. “હું મારા કુટુંબનું પૂરું કરી શકતો ન હોવાથી, અમારે મારા માબાપ સાથે રહેવું પડ્યું,” રોયે કબૂલ્યું. “એણે ખરેખરો તણાવ પેદા કર્યો, ખાસ કરીને તો અમને બાળક પણ હતું તેથી.” નીતિવચન ૨૪:૨૭ સલાહ આપે છે: “તારૂં બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારૂં ઘર બાંધ.” બાઈબલ સમયોમાં, પુરુષો પછીથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે માટે સખત મહેનત કરતાં. આવી પૂરતી તૈયારી કરવામાં નિષ્ફળ જવાને લીધે, આજે ઘણાં યુવાન પતિઓને પૂરું પાડનાર તરીકેનો ભાગ ભજવવો બોજરૂપ લાગે છે.
યુગલ ભૌતિક બાબતોની છોકરમત દ્રષ્ટિ ધરાવે તો સારા પગારનો ચેક પણ પૈસાના કોયડાનો અંત લાવતો નથી. એક અભ્યાસે પ્રગટ કર્યું કે “તરુણો તેઓની કૌટુંબિક યોજનાઓ માટે ઘણી વસ્તુઓ તરત જ ખરીદી લેવાની અપેક્ષા રાખતા હતા, જે પ્રાપ્ત કરતા તેઓના માબાપને કદાચ ઘણાં વર્ષો લાગ્યાં હતાં.” હમણાં એ ભૌતિક વસ્તુઓનો આનંદ માણવા કૃતનિશ્ચાયી હોવાથી, ઘણાં ઊંડા દેવામાં ઝંપલાવે છે. “અન્નવસ્ત્ર”થી સંતુષ્ટ રહેવાની પરિપકવતાની ખામી ધરાવવાથી, તેઓએ પોતાના લગ્નમાં તણાવ વધાર્યો.—૧ તીમોથી ૬:૮-૧૦.
“માઈલો દૂર”
મોરીન યાદ કરે છે: “હું ડોન સાથે પ્રેમમાં હતી. તે બહુ દેખાવડો, બહુ મજબૂત, એવો સારો પહેલવાન અને ઘણો લોકપ્રિય હતો . . . અમારું લગ્ન સફળ થવાનું જ હતું.” પરંતુ એ સફળ થયું નહિ. મોરીન કહે છે તેમ, ખીજ એ હદ સુધી વધી કે, “ડોન જે કંઈ કરતો એનાથી મને ચીડ ચઢતી—જમતી વખતે, તે હોઠથી અવાજ કરતો, ત્યારે પણ. છેવટે, અમે બંને વધુ સહન ન કરી શકયાં.” તેઓનું લગ્ન બે વર્ષમાં પડી ભાંગ્યું.
કોયડો? “જીવનના અમારા ધ્યેયો માઈલો દૂર હતાં,” મોરીને સમજાવ્યું. “હવે મને સમજાયું કે મારે એવી વ્યકિતની જરૂર હતી જેની સાથે હું બુદ્ધિપૂર્વકનું સરખાપણું ધરાવી શકું. પરંતુ રમતગમત ડોનનું આખું જીવન હતું. મને ૧૮ની વયે જે વસ્તુઓ બહુ મહત્ત્વની લાગી એનો અચાનક કંઈ અર્થ ન રહ્યો.” ઘણી વાર યુવાનો લગ્ન સાથીમાં તેઓને શું જોઈએ છે એ વિષે છોકરમત દ્રષ્ટિ ધરાવે છે, જેમાં સારો દેખાવ અગ્રીમ હોય છે. નીતિવચન ૩૧:૩૦ ચેતવણી આપે છે: “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે.”
સ્વતપાસ કરવી
જે વ્યકિત દેવ સમક્ષ ગંભીર માનતા માને છે, પરંતુ “માનતા માન્યા પછી તેના વિષે તપાસ” કરે છે તેને બાઈબલ અવિચારી કહે છે. (નીતિવચન ૨૦:૨૫) તો પછી, તમે લગ્નની માનતા જેવી ગંભીર બાબતમાં પ્રવેશો એ પહેલાં શાસ્ત્રવચનોના પ્રકાશમાં પોતાની તપાસ કરવી શું અર્થપૂર્ણ નથી? જીવનમાં તમારા ધ્યેયો શું છે? લગ્નની એના પર શું અસર પડશે? શું તમે ફકત જાતીય સંબંધો અનુભવવા અથવા કોયડામાંથી છૂટવા લગ્ન કરવા માગો છો?
વળી, તમે પતિ કે પત્નીનો ભાગ ભજવવા કેટલી હદ સુધી તૈયાર છો? શું તમે ઘર ચલાવવા કે આજીવિકા રળવા સક્ષમ છો? તમે તમારા માબાપ સાથે સતત સંઘર્ષમાં હો તો, શું લગ્ન સાથી સાથે તમારો મેળ ખાશે? શું તમે લગ્નની સાથે આવતી કસોટી અને વિપત્તિ સામે ટકી શકશો? પૈસા હાથ ધરવાની બાબતે શું તમે “બાળકની વાતો” મૂકી દીધી છે? (૧ કોરીંથી ૧૩:૧૧) નિઃશંક તમે કેટલા પાણીમાં છો એ વિષે તમારા માબાપ ઘણું કહી શકશે.
લગ્ન સમૃદ્ધ સુખ અથવા સૌથી કડવા દુઃખનો ઉદ્ભવ બની શકે. તમે એને માટે કેટલા તૈયાર છો એ પર ઘણો આધાર છે. તમે હજુ તરુણ હો તો, તમે મિલનવાયદો કરો એ પહેલાં શા માટે થોડી રાહ જોતા નથી? રાહ જોવાથી તમને નુકસાન નહિ થાય. જો અને જ્યારે તમે લગ્નનું એ ગંભીર—અને કાયમી—પગલું લો માટે સાચે જ તૈયાર થવા એ તમને ફકત જરૂરી સમય આપશે.
ઘણા યુવાનો આનાથી થોડી જ વધુ તૈયારી કરી લગ્નમાં પ્રવેશે છે
“લગ્ન ટકશે કે નહિ એ વિષે પડકાર વિનાની જો કોઈ માહિતી આપણી પાસે હોય તો, એ છે પરણતી વખતે જેઓ નાનાં હોય છે તેઓ પર ત્રણ ગણી આફત આવી પડે છે.”—માર્સિયા લેઝવલ, વર્તણૂક વિજ્ઞાનની પ્રોફેસર
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૦
◻ કેટલાક યુવાનો લગ્નની કઈ અપરિપકવ દ્રષ્ટિ સેવતા હોય છે?
◻ ફકત જાતીયતા માટે લગ્ન કરવું શા માટે અવાસ્તવિક છે એ વિષે તમને શું લાગે છે?
◻ કઈ રીતે કેટલાક યુવાનો પતિ કે પત્નીનો ભાગ ભજવવા માટે તૈયાર સાબિત થયાં નથી?
◻ શા માટે ઘણી વાર યુવાન યુગલોને પૈસા વિષે ગંભીર કોયડા હોય છે?
◻ કેટલાક યુવાનો લગ્ન સાથીની પસંદગી કરવામાં કઈ ભૂલ કરે છે?
◻ લગ્ન માટેની તમારી તૈયારી વિષે તમે પોતાને કયા પ્રશ્નો પૂછી શકો? આ માહિતી વિચાર્યા પછી, લગ્ન હાથ ધરવા તમે કેટલા તૈયાર છો એ વિષે તમને શું લાગે છે?