વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૨૯ પાન ૨૨૫
  • શું હું મિલનવાયદા માટે તૈયાર છું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું હું મિલનવાયદા માટે તૈયાર છું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • મિલનવાયદો કરવાનું દબાણ
  • મિલનવાયદાની કાળી બાજુ
  • વિચ્છિન્‍ન લાગણીઓ
  • શું હું તૈયાર છું?
  • ડેટિંગ વિશે શું યહોવાના સાક્ષીઓએ નિયમો બનાવ્યા છે?
    વારંવાર પૂછાતા સવાલો
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૨૯ પાન ૨૨૫

પ્રકરણ ૨૯

શું હું મિલનવાયદા માટે તૈયાર છું?

ઘણાં દેશોમાં મિલનવાયદા (dating)ને રોમાંચક મનોરંજનની બાબત, મઝાની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આમ મિલનવાયદાના ઘણાં રૂપ હોય છે. કેટલાકને માટે, મિલનવાયદો વિધિપૂર્વકનો, આયોજિત બનાવ હોય છે—ફૂલો, લિજ્જતદાર ભોજન, અને આવજોનું ચુંબન વગેરે સર્વ યાદીનો ભાગ હોય છે. બીજાઓ માટે, મિલનવાયદાનો અર્થ ફકત વિરુદ્ધ જાતિની તમને ગમતી વ્યકિત સાથે થોડોક સમય પસાર કરવો થાય છે. સતત સાથે જોવા મળતા, પરંતુ ‘ફકત મિત્રો’ હોવાનો દાવો કરતા, કેટલાક યુગલો પણ હોય છે. વારુ, તમે એને મિલનવાયદો, ફરવા જવું, કે ફકત એકબીજાને મળવું કહો, એનો સામાન્ય રીતે એક જ અર્થ થાય છે: છોકરો અને છોકરી સામાજિક રીતે, ઘણી વાર દેખરેખ વિના, ઘણો બધો સમય સાથે પસાર કરે છે.

બાઈબલ સમયોમાં મિલનવાયદાનો રિવાજ ન હતો. તથાપિ, બુદ્ધિપૂર્વક, સાવધાનીથી, અને પ્રમાણિકપણે હાથ ધરવામાં આવે તો, મિલનવાયદો બે જણ માટે એકબીજાને ઓળખવાની વાજબી રીત છે. અને, હા, એ આનંદદાયક પણ બની શકે. પરંતુ શું એનો એવો અર્થ થાય કે તમારે મિલનવાયદો કરવો જોઈએ?

મિલનવાયદો કરવાનું દબાણ

તમે મિલનવાયદો કરવાનું દબાણ અનુભવી શકો. કદાચ મોટા ભાગના તમારા સમોવડિયા મિલનવાયદો કરતા હશે, અને સ્વાભાવિક રીતે જ તમે વિચિત્ર કે ભિન્‍ન દેખાવા માગતા નથી. શુભેચ્છક મિત્રો અને સગાઓ તરફથી પણ મિલનવાયદો કરવાનું દબાણ આવી શકે. જ્યારે ૧૫ વર્ષની મેરી એનને મિલનવાયદા પર આવવા આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે તેની માસીએ સલાહ આપી: “તું એ છોકરાને પરણવા માગે છે કે નહિ તેને એની સાથે કંઈ લેવાદેવા નથી. મિલનવાયદો વ્યકિત તરીકેના તારા સ્વાભાવિક વિકાસનો ભાગ છે. . . . છેવટે તો, તું હંમેશા છોકરાઓને ના પાડ્યા કરશે તો તું અપ્રિય બની બેસશે અને કોઈ તારી સાથે ફરવા જવા માગશે નહિ.” મેરી એન યાદ કરે છે: “માસીના શબ્દો ગળે ઊતરી ગયાં. શું હું સારી તક ગુમાવીને પોતાને છેતરતી હતી? છોકરા પાસે કાર અને પુષ્કળ પૈસા હતા; અને મને ખબર હતી કે તે મને મઝા કરાવશે. મારે તેની સાથે મિલનવાયદો કરવો જોઈએ કે નહિ?”

કેટલાક યુવાનો માટે હૂંફ અને મમતા માટેની તેઓની ઇચ્છાને લીધે દબાણ આવે છે. “મને પ્રેમ અને કદરની જરૂર હતી,” એન નામની ૧૮ વર્ષની યુવતીએ સમજાવ્યું. “હું મારા માબાપ સાથે સાંનિધ્યમાં ન હતી તેથી, સાંનિધ્ય મેળવવા અને ખરેખર સમજે એવા કોઈક સમક્ષ મારી લાગણીઓ ઠાલવી શકું એ માટે હું મારા પુરુષમિત્ર તરફ વળી.”

તથાપિ, તરુણ પર મિલનવાયદો કરવાનું દબાણ આવ્યાને લીધે જ તેણે એમ કરવાનું શરૂ કરવું ન જોઈએ! એક બાબત એ છે કે, મિલનવાયદો ગંભીર બાબત છે—લગ્‍ન સાથીની પસંદગીની પ્રક્રિયાનો એક ભાગ છે. લગ્‍ન? કબૂલ કે, મિલનવાયદો કરતા મોટા ભાગના યુવાનોના મનમાં એ છેલ્લી બાબત હશે. પરંતુ ખરેખર વિરુદ્ધ જાતિના બે જણાં ઘણો બધો સમય સાથે પસાર કરવાનું શરૂ કરે એ માટે એકબીજાને પરણવાની શકયતા તપાસવા સિવાય બીજું કયું કારણ ન્યાયી ઠરી શકે? લાંબા ગાળે, બીજા કોઈ કારણ માટેનો મિલનવાયદો શકયપણે “મઝા”ને બદલે બીજા જ કશામાં પરિણમશે. શા માટે એમ?

મિલનવાયદાની કાળી બાજુ

એક બાબત એ છે કે, યુવાનો જીવનના એવા નાજુક સમયગાળામાં હોય છે જેને બાઈબલ “યુવાનીનો મોર” કહે છે. (૧ કોરીંથી ૭:૩૬, NW) એ સમય દરમ્યાન, તમે જાતીયતાની ઇચ્છાના શકિતશાળી આવેગો અનુભવી શકો. એમાં કંઈ ખોટું નથી; એ મોટા થવાનો ભાગ છે.

પરંતુ તરુણ મિલનવાયદાના મોટા કોયડાનું મૂળ ત્યાં રહેલું છે: તરુણો આ જાતીયતાની લાગણીઓ પર કાબૂ કઈ રીતે મેળવવો એ ફકત શીખી રહ્યાં હોય છે. સાચું, તમે જાતીયતા વિષેના દેવના નિયમો સારી રીતે જાણતા હોય શકો અને નિખાલસપણે વિશુદ્ધ રહેવા માગતા હોય શકો. (પ્રકરણ ૨૩ જુઓ.) તેમ છતાં, જીવનની જીવવિજ્ઞાનની હકીકત દ્રશ્યમાં આવે છે: વિરુદ્ધ જાતિની વ્યકિત સાથે જેટલી વધુ સંગત રાખો, જાતીય ઇચ્છા તેટલી વધુ વધી શકે—તમને એ ગમતું હોય કે ન હોય. (પાન ૨૩૨-૩ જુઓ.) આપણને બધાને એ રીતે બનાવવામાં આવ્યા છે! તમે વધુ મોટા થાઓ અને પોતાની લાગણીઓ પર વધારે કાબૂ મેળવો ત્યાં સુધી, તમારે માટે મિલનવાયદો હાથ ધરવો વધુ પડતું થઈ શકે. કમભાગ્યે, ઘણાં યુવાનો એ અઘરી રીતે શીખે છે.

“અમે મિલનવાયદો કરવાનું શરૂ કર્યું ત્યારે, . . . અમે હાથ પણ પકડ્યા નહિ કે ચુંબન કર્યું નહિ. હું ફકત તેની સંગતનો આનંદ માણવા અને વાત કરવા માગતો હતો,” એક યુવકે કહ્યું. “તેમ છતાં, તે બહુ મમતાવાળી હતી અને મારી બહુ નજીક બેસતી હતી. સમય જતાં અમે હાથ પણ પકડ્યાં અને ચુંબન પણ કર્યું. એણે મારામાં હજુ પણ વધુ મજબૂત જાતીય આવેગ પેદા કર્યો. એણે મારા વિચારોને એ હદ સુધી અસર કરી કે હું તેની સાથે રહેવા માગતો હતો, ફકત વાત કરવા નહિ, પરંતુ તેને પકડવા, તેનો સ્પર્શ કરવા અને ચુંબન કરવા. હું પૂરતું મેળવી રહ્યો ન હતો! હું વાસનાથી શાબ્દિક રીતે પાગલ થઈ જઈ રહ્યો હતો. કેટલીક વાર મને હલકાપણું અને શરમ લાગતી.”

તેથી, એમાં કંઈ નવાઈ નથી કે ઘણી વાર મિલનવાયદો ગેરકાયદે જાતીય સંબંધોમાં પરિણમે છે. સેંકડો તરુણોના સર્વેક્ષણને જણાયું કે ૮૭ ટકા છોકરીઓ અને ૯૫ ટકા છોકરાઓને લાગ્યું કે મિલનવાયદામાં જાતીયતા “પ્રમાણસર મહત્ત્વની અથવા ઘણી મહત્ત્વની” છે. જો કે, ૬૫ ટકા છોકરીઓએ અને ૪૩ ટકા છોકરાઓએ કબૂલ્યું કે એવો સમય હતો જ્યારે તેઓની ઇચ્છા ન હોવા છતાં મિલનવાયદા પર તેઓએ જાતીય સંપર્ક રાખવો પડ્યો!

વીસ વર્ષની લોરેટા યાદ કરે છે: “અમે એકબીજાને જેટલા વધુ મળ્યા, તેટલા વધુ સંડોવાયા. ચુંબન જલદી જ નીરસ બન્યું અને અમે અંગત ભાગો સ્પર્શવાનું શરૂ કર્યું. મને બહુ મલિનતા લાગવાને લીધે હું અતિશય બેચેન બની. સમય જતાં મારી સાથે મિલનવાયદો કરનાર છોકરાએ ઇચ્છયું કે હું ‘છેક સુધી જાઉં’ . . . હું ગૂંચવાડામાં અને મૂંઝવણમાં હતી. પરંતુ હું એટલું જ વિચારી શકી કે, ‘હું તેને ગુમાવવા માગતી નથી.’ હું દુઃખી હતી!”

સાચું, બધા જ યુગલો જાતીય સંબંધો બાંધી બેસતા નથી; કેટલાક એના પહેલાં જ મમતાનું પોતાનું પ્રદર્શન અટકાવે છે. પરંતુ વ્યકિતની લાગણી ખળભળી ઊઠે અને એવી લાગણીઓ બહાર કાઢવા માટે માનપાત્ર માર્ગ ન હોય ત્યારે શું પરિણમે છે? અવશ્ય ચીડ. અને એ ચીડ જાતીય લાગણીઓ પૂરતી મર્યાદિત રહેતી નથી.

વિચ્છિન્‍ન લાગણીઓ

એક યુવકની દ્વિધાનો વિચાર કરો: ‘મને શરૂઆતમાં કેથી બહુ ગમી. વારુ, હું કબૂલું છું કે તેને યોગ્ય ન લાગતી કેટલીક બાબતો કરવા મેં વાત કરીને તેને ફોસલાવી. મેં રસ ગુમાવ્યો હોવાથી, એ હવે મને મલિન લાગે છે. હું કેથીની લાગણીઓને દુઃખ પહોંચાડ્યા વિના તેને કઈ રીતે પડતી મૂકી શકું?’ કેવી મૂંઝવણભરી સ્થિતિ! અને તમે કેથી હો તો તમને કેવું લાગશે?

તરુણ હૃદયભંગ સામાન્ય ઉપાધિ છે. સાચું, હાથમાં હાથ નાખી ચાલતું યુગલ આકર્ષક ચિત્ર રજૂ કરી શકે. પરંતુ એ જ યુગલ હમણાંથી એક વર્ષ પછી પણ સાથે હોવાની કેટલી શકયતા છે, એકબીજાને પરણવાની તો વાત જ બાજુએ રહી? ખરેખર ઘણી ઓછી. આમ તરુણ રોમાંચ લગભગ હંમેશા નિષ્ફળ જાય છે, ભાગ્યે જ લગ્‍નમાં પરિણમે છે, ઘણી વાર હૃદયભંગમાં અટકે છે.

છેવટે તો, તરુણ વર્ષો દરમ્યાન તમારું વ્યકિતત્વ હજુ પણ ફેરફાર હેઠળ હોય છે. તમે શોધી કાઢી રહ્યા છો કે તમે કોણ છો, તમને ખરેખર શું ગમે છે, તમે જીવનમાં શું કરવા માગો છો. બની શકે કે આજે તમને જે વ્યકિતમાં રસ પડે છે તે કાલે નીરસ લાગે. પરંતુ રોમાંચક લાગણીઓને પાંગરવા દેવામાં આવે ત્યારે, કોઈક વ્યકિતને જરૂર દુઃખ પહોંચશે. એમાં કંઈ નવાઈ નથી કે, કેટલાક સંશોધક અભ્યાસે “સ્ત્રીમિત્ર સાથેનો ઝગડો” અથવા “પ્રેમમાં નિરાશા”ને ઘણાં યુવાનોની આત્મહત્યા માટે જવાબદાર સ્થિતિ સાથે જોડ્યા છે.

શું હું તૈયાર છું?

દેવ યુવાનોને કહે છે: “હે જુવાન માણસ [અથવા સ્ત્રી], તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારૂં હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ.” યુવાનો “ [પોતાના] હૃદયના માર્ગોમાં” ચાલવાનું વલણ ધરાવતાં હોય છે. તોપણ ઘણી વાર એવી મઝાવાળા જણાતા એ “માર્ગો,” અંતે ખેદ અને આફત લાવે છે. આમ બાઈબલ પછીની કલમમાં અરજ કરે છે: “માટે તારા અંતઃકરણમાંથી ખેદ દૂર કર, ને તારૂં શરીર ભૂંડાઈથી [“આફતથી,” NW] દૂર રાખ; કેમકે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.” (સભાશિક્ષક ૧૧:૯, ૧૦) “ખેદ” ઊંડા દુઃખમાં અથવા અતિશય તણાવમાં હોવાને લાગુ પડે છે. “આફત” વ્યકિતગત આપત્તિ દર્શાવે છે. બંને જીવન દુઃખી બનાવી શકે.

તો પછી, શું એનો અર્થ એવો થાય કે મિલનવાયદો પોતે જ ખેદ અને આફત લાવે છે? એવું જરૂરી નથી. પરંતુ તમે ખોટા કારણથી (‘મઝા માટે’) અથવા તમે તૈયાર હો એ પહેલાં મિલનવાયદો કરો તો એમ થઈ શકે! તેથી તમારી પોતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નીચેના પ્રશ્નો મદદરૂપ સાબિત થઈ શકે.

મિલનવાયદો મારી લાગણીમય વૃદ્ધિને મદદ કરશે કે અટકાવશે? મિલનવાયદો તમને છોકરા-છોકરીના સંબંધ પૂરતા મર્યાદિત બનાવી શકે. એને બદલે, શું તમારી સંગતમાં વિસ્તૃત બનવું તમને લાભ નહિ કરે? (સરખાવો ૨ કોરીંથી ૬:૧૨, ૧૩.) સુઝન નામની એક યુવતી કહે છે: “હું મંડળમાં મોટી વયની ખ્રિસ્તી સ્ત્રીઓ સાથે નિકટની મૈત્રી વિકસાવતા શીખી. તેઓને સંગાથની જરૂર હતી, અને મને તેઓની સ્થિર કરતી અસરની જરૂર હતી. તેથી હું કોફી પીવા તેઓના ઘરે જતી. અમે વાતો અને વિનોદ કરતાં. મેં તેઓ સાથે ખરી, જીવનભરની મૈત્રી બાંધી.”

ઘણાં પ્રકારના મિત્રો—વૃદ્ધ અને યુવાન, કુંવારા અને પરિણીત, પુરુષો અને સ્ત્રીઓ—હોવાથી તમે મિલનવાયદા પરના દબાણ કરતા ઘણાં ઓછા દબાણસહિત, વિરુદ્ધ જાતિની વ્યકિતઓનો સમાવેશ કરતા, લોકો મધ્યે સ્વસ્થ રહેતા શીખો છો. તદુપરાંત, પરિણીત યુગલોની સંગત દ્વારા, તમે લગ્‍નની વધુ વાસ્તવિક દ્રષ્ટિ મેળવો છો. પછીથી તમે સારું સાથી પસંદ કરવા અને લગ્‍નમાં તમારો ભાગ પરિપૂર્ણ કરવા વધુ સારી રીતે તૈયાર હશો. (નીતિવચન ૩૧:૧૦) આમ ગેઈલ નામની યુવતીએ તારવ્યું: “હું લગ્‍ન કરીને સ્થાયી થવા માટે તૈયાર નથી. હું હજુ પોતાને ઓળખી રહી છું, અને મારે હજુ ઘણાં આત્મિક ધ્યેયો સિદ્ધ કરવાના છે. તેથી મારે ખરેખર વિરુદ્ધ જાતિની કોઈ પણ વ્યકિત સાથે વધુ નિકટ રહેવાની જરૂર નથી.”

શું હું લાગણીઓ દુભાવવા માગુ છું? લગ્‍નના કોઈ પણ ભાવિ વિના રોમાંચક બંધનો બાંધવામાં આવે તો તમારી અને સામી વ્યકિતની લાગણીઓ કચડાઈ શકે. ખરેખર, શું વિરુદ્ધ જાતિની વ્યકિત સાથેનો અનુભવ મેળવવા માટે કોઈક સાથે ઢગલાબંધ રોમાંચ કરવો ન્યાયી છે?—જુઓ માત્થી ૭:૧૨.

મારા માબાપ શું કહે છે? ઘણી વાર માબાપ તમે જાણતા ન હો એવા જોખમો જોઈ શકે છે. છેવટે તો, તેઓ એક વાર યુવાન હતા. વિરુદ્ધ જાતિની બે વ્યકિત ઘણો બધો સમય સાથે પસાર કરવાનું શરૂ કરે ત્યારે કયા ખરેખરા કોયડા વિકસી શકે એ તેઓ જાણે છે! તેથી તમારા માબાપ તમારો મિલનવાયદો નામંજૂર કરે તો બળવો ન પોકરો. (એફેસી ૬:૧-૩) શકયપણે જ, તેઓને ફકત એમ લાગે છે કે તમે વધુ મોટા થાઓ ત્યાં સુધી તમારે રાહ જોવી જોઈએ.

શું હું બાઈબલની નૈતિકતા અનુસરી શકીશ? વ્યકિત “યુવાનીનો મોર” પસાર કરી ચૂકી હોય તો, જાતીય આવેગોને વધુ સારી રીતે હાથ ધરી શકે—અને ત્યારે પણ એ સહેલું હોતું નથી. શું જીવનમાં આ હદે તમે ખરેખર વિરુદ્ધ જાતિની કોઈક વ્યકિત સાથે નિકટનો સંબંધ બાંધવા અને એને વિશુદ્ધ રાખવા તૈયાર છો?

રસપ્રદપણે, ઘણાં યુવાનો પોતાને એ જ પ્રશ્નો પૂછી રહ્યાં છે અને મેરી એન (અગાઉ ટાંકવામાં આવેલી) જેવા જ નિષ્કર્ષ પર આવે છે. તેણે કહ્યું: “મેં નિર્ણય કર્યો કે હું મિલનવાયદા વિષે બીજાઓના વલણથી અસર પામવાની નથી. હું પૂરતી મોટી થાઉં અને લગ્‍ન કરવા તૈયાર થાઉં અને પતિમાં ઇચ્છનીય ગુણોવાળા કોઈકને મળું ત્યાં સુધી હું મિલનવાયદો કરવાની નથી.”

આમ મેરી એન મિલનવાયદો કરતા પહેલા તમારે પોતાને પૂછવો જોઈએ એવો કટોકટીમય પ્રશ્ન ઊભો કરે છે.

ઘણી વાર યુવાનો મિલનવાયદો કરવાનું કે જોડી બનાવવાનું દબાણ અનુભવે છે

ઘણી વાર મિલનવાયદો વ્યકિતને મમતાનું અનિચ્છનીય પ્રદર્શન કરવા દબાણ હેઠળ મૂકે છે

વ્યકિત મિલનવાયદાના દબાણથી મુકત સંજોગોમાં વિરુદ્ધ જાતિની સંગતનો આનંદ માણી શકે

ઘણી વાર કહેવાતા નિર્મળ-પ્રેમ સંબંધોનો હૃદયભંગમાં અંત આવે છે

“ચુંબન જલદી જ નીરસ બન્યું અને અમે અંગત ભાગો સ્પર્શવાનું શરૂ કર્યું. મને બહુ મલિનતા લાગવાને લીધે હું અતિશય બેચેન બની. સમય જતાં મારી સાથે મિલનવાયદો કરનાર છોકરાએ ઇચ્છયું કે હું ‘છેક સુધી જાઉં’”

‘હું કેથીની લાગણીઓને દુઃખ પહોંચાડ્યા વિના તેને કઈ રીતે પડતી મૂકી શકું?’

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨૯

◻ તમે “મિલનવાયદો” શબ્દનો શું અર્થ કરો છો?

◻ શા માટે કેટલાક યુવાનો મિલનવાયદો કરવાનું દબાણ અનુભવે છે?

◻ શા માટે “યુવાનીના મોર”માં હોય એવી વ્યકિત માટે મિલનવાયદો બિનડહાપણભર્યો છે?

◻ કઈ રીતે એક યુવાન મિલનવાયદાની બાબતે “આફત દૂર કરી” શકે?

◻ છોકરો અને છોકરી ‘ફકત મિત્રો’ હોય ત્યારે કેટલાક કયા કોયડા વિકસી શકે?

◻ તમે મિલનવાયદો કરવા તૈયાર છો કે નહિ એ કઈ રીતે જાણી શકો?

શું છોકરો અને છોકરી ‘ફકત મિત્રો હોય શકે’?

કહેવાતા નિર્મળ-પ્રેમ (platonic) સંબંધો (પુરુષ અને સ્ત્રી વચ્ચેના મમતાવાળા સંબંધો જેમાં જાતીયતાનું તત્ત્વ પ્રવેશતું નથી) યુવાનો મધ્યે ઘણાં જાણીતા હોય છે. સત્તર વર્ષનો ગ્રેગરી દાવો કરે છે: “મારે માટે છોકરીઓ સાથે વાત કરવી વધુ સહેલું છે કેમ કે સામાન્ય રીતે તેઓ વધુ સહાનુભૂતિવાળી અને લાગણીશીલ હોય છે.” બીજા યુવાનિયા દલીલ કરે છે કે આવી મૈત્રી તેઓને વધુ વૈવિધ્યપૂર્ણ વ્યકિતત્વ વિકસાવવા મદદ કરે છે.

બાઈબલ અરજ કરે છે કે યુવકો “જેમ બહેનો સાથે તેમ જુવાન સ્ત્રીઓ સાથે પૂર્ણ પવિત્રતાથી” વ્યવહાર રાખે. (૧ તીમોથી ૫:૨) આ સિદ્ધાંત લાગુ પાડવાથી, વિરુદ્ધ જાતિના સભ્યો સાથે શુદ્ધ, આરોગ્યપ્રદ મૈત્રીનો આનંદ માણવો ખરેખર શકય છે. દાખલા તરીકે, પ્રેષિત પાઊલ એવી કુંવારી વ્યકિત હતી જેણે કેટલીક ખ્રિસ્તી સ્ત્રીઓ સાથે મૈત્રીનો આનંદ માણ્યો. (જુઓ રૂમી ૧૬:૧, ૩, ૬, ૧૨.) તેણે બે સ્ત્રીઓ વિષે લખ્યું જેઓએ “તેની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો.” (ફિલિપી ૪:૩) ઈસુ ખ્રિસ્તે પણ સ્ત્રીઓ સાથે સંતુલિત આરોગ્યપ્રદ સંગતનો આનંદ માણ્યો. તેમણે અનેક પ્રસંગોએ મારથા અને મરિયમની પરોણાગત તથા વાતચીતનો આનંદ માણ્યો.—લુક ૧૦:૩૮, ૩૯; યોહાન ૧૧:૫.

તથાપિ, ઘણી વાર “નિર્મળ-પ્રેમ” સંબંધ સારી રીતે છુપાયેલો રોમાંચ અથવા વચનબદ્ધતા વિના વિરુદ્ધ જાતિની કોઈક વ્યકિતનું ધ્યાન મેળવવાની રીત માત્ર જ હોય છે. અને લાગણીઓ સહેલાઈથી બદલાતી હોવાથી, સાવધ રહેવાની જરૂર છે. ડો. મેરિયન હિલિયર્ડે ચેતવણી આપી: “કલાકના દશ માઈલની ઝડપે મુસાફરી કરતી હળવી સંગત, ચેતવ્યા વિના કલાકના સો માઈલની ઝડપે જતી આંધળી વાસનામાં ફેરવાઈ શકે.”

સોળ વર્ષનો માઈક ૧૪ વર્ષની છોકરી સાથે “મિત્ર” બન્યો ત્યારે એ શીખ્યો: “મને જલદી જ જણાયું [કે] બે જણ એકબીજાને અનન્યપણે મળતાં રહે ત્યારે તેઓ ફકત મિત્રો રહી શકતાં નથી. અમારો સંબંધ વધતો ને વધતો જ ગયો. થોડા જ વખતમાં અમને એકબીજા માટે વિશેષ લાગણી થઈ, અને હજુ પણ થાય છે.” હજુ તેઓ લગ્‍ન કરવા ઉંમરલાયક થયા નથી તેથી, એ લાગણીઓ ચીડ પેદા કરે છે.

વધુ પડતી નિકટની સંગતના હજુ પણ દુઃખદ પરિણામો આવી શકે. એક યુવકે એક મિત્ર છોકરીને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો જેણે છોકરામાં ભરોસો મૂકી તેને પોતાના કેટલાક કોયડા કહ્યાં. થોડા જ સમયમાં, તેઓ એકબીજાને પંપાળવા લાગ્યા. પરિણામ? બંને વચ્ચે ઘવાયેલા અંતઃકરણો અને મનદુઃખ. અન્ય કિસ્સાઓમાં, એ જાતીય સંબંધોમાં પરિણમ્યા છે. સાયકોલોજી ટૂડેએ કરેલા સર્વેક્ષણે પ્રગટ કર્યું: “પ્રત્યુત્તર આપનારા લગભગ અડધોઅડધ (૪૯ ટકા)ની મૈત્રી જાતીય સંબંધોમાં ફેરવાઈ હતી.” હકીકતમાં, “લગભગ ત્રીજા ભાગના (૩૧ ટકા)એ આગલા મહિને મિત્ર સાથે જાતીય સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું.”

‘પરંતુ હું મારી [કે મારા] મિત્રથી આકર્ષાયો [કે આકર્ષાયી] નથી અને કદી પણ તેની સાથે રોમાંચક રીતે સંડોવાઈશ નહિ.’ કદાચ. પરંતુ ભવિષ્યમાં તમને કેવું લાગશે? વળી, “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે.” (નીતિવચન ૨૮:૨૬) આપણું હૃદય કપટી, છેતરામણું, આપણા સાચા પ્રેરણાબળો પ્રત્યે આંધળા કરતું બની શકે. અને તમારા મિત્રને તમારે વિષે કેવું લાગે છે એ શું તમે ખરેખર જાણો છો?

એલન લોય મકિગનિસ પોતાના પુસ્તક ધ ફ્રેન્ડશિપ ફેકટરમાં સલાહ આપે છે: “પોતા પર બેહદ ભરોસો ન મૂકો.” કદાચ તમારી સંગત યોગ્ય દેખરેખવાળી વૃંદ પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત રાખી, અગમચેતી રાખો. મમતાનું અયોગ્ય પ્રદર્શન અથવા રોમાંચક સંજોગોમાં એકલા હોવાનું નિવારો. તમે મુશ્કેલીમાં હો ત્યારે, વિરુદ્ધ જાતિના યુવાનને બદલે, માબાપ અને મોટી વયની વ્યકિતઓમાં ભરોસો મૂકી વાત કરો.

અને સાવધાની રાખ્યા છતાં, એકપક્ષીય રોમાંચક લાગણીઓ વિકસે તો શું? “સત્ય બોલો,” અને તમારું સ્થાન બીજી વ્યકિતને જણાવો. (એફેસી ૪:૨૫) એનાથી બાબતો હલ ન થાય તો, પોતે દૂર રહેવું સૌથી સારું થઈ શકે. “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચન ૨૨:૩) અથવા ધ ફ્રેન્ડશિપ ફેકટર પુસ્તક કહે છે તેમ: “જરૂર હોય તો જામીન આપીને છૂટી જાઓ. વખતોવખત, આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં, વિરુદ્ધ જાતિની વ્યકિત સાથેની મૈત્રી કાબૂ બહાર જાય છે અને આપણે જાણીએ છીએ કે એ કયાં દોરી જશે.” ત્યારે, એ “પીછેહઠ કરવાનો” સમય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો