પ્રકરણ ૨૮
હું મોહ કઈ રીતે ભૂલી શકું?
“મોટા ભાગના તરુણો માટે,” એક યુવાભિમુખ સામયિકે લખ્યું, “મોહ લાગવો શરદી જેટલું સામાન્ય છે.” લગભગ બધા જ યુવાનો એ અનુભવે છે, અને લગભગ બધા જ પોતાના સ્વાભિમાન તથા વિનોદની લાગણીને અકબંધ રાખીને, એમાંથી સફળતાપૂર્વક પસાર થઈને પુખ્ત બને છે. તેમ છતાં, તમે મોહની પકડમાં ભીંસાયા હો ત્યારે, એ હસવાની બાબત હોતી નથી. “હું ચીડાયો હતો,” એક યુવક યાદ કરે છે, “કેમ કે હું એ વિષે કંઈ પણ કરી ન શકયો. હું જાણતો હતો કે તે મારે માટે વધારે પડતી મોટી હતી, પરંતુ મને તે ગમતી હતી. હું એ સમગ્ર બાબત વિષે પાગલ બન્યો હતો.”
મોહનું પૃથક્કરણ
કોઈકને માટે તીવ્ર લાગણી હોવી કંઈ પાપ નથી—સિવાય કે એ અનૈતિક અથવા અયોગ્ય (જેમ કે કોઈક પરિણીત વ્યકિત માટે) ન હોય. (નીતિવચન ૫:૧૫-૧૮) જો કે, તમે યુવાન હો ત્યારે, “જુવાનીના વિષયો” ઘણી વાર તમારા વિચારો અને કૃત્યો પર શાસન કરે છે. (૨ તીમોથી ૨:૨૨) એક યુવક કુમારાવસ્થાથી સ્ફૂરિત નવી અને શકિતશાળી ઇચ્છાઓ પર કાબૂ મેળવવાનું શીખી રહ્યો હોય ત્યારે, રોમાંચની ઊભરાતી લાગણીઓથી ભરપૂર હોય શકે—અને એ પૂરી કરવા માટે કોઈ વ્યકિત ન હોય.
તદુપરાંત, “છોકરીઓ છોકરાઓ કરતા વધુ નાની વયે સમતોલ અને સામાજિકપણે સ્વસ્થ બને છે.” પરિણામે, “ઘણી વાર તેઓને શિક્ષકોની,” અથવા બીજા વધુ વયના, અપ્રાપ્ય પુરુષોની, “સરખામણીમાં પોતાના પુરુષ સહાધ્યાયીઓ અપરિપકવ અને ઠંડા લાગે છે.” (સેવનટીન સામયિક) આમ એક છોકરી કલ્પના કરી શકે કે તેના માનીતા શિક્ષક, પોપ ગાયક, કે કોઈક વધુ વયના સગા “આદર્શ” પુરુષ છે. ઘણી વાર છોકરાઓ પણ તેવી જ રીતે મોહિત થાય છે. જો કે, દેખીતી રીતે જ આવી દૂરની વ્યકિત માટે અનુભવેલા પ્રેમનું મૂળ વાસ્તવિકતાને બદલે તરંગમાં વધુ હોય છે.
મોહ—શા માટે એ હાનિકારક બની શકે
મોટા ભાગના મોહ આશ્ચાર્યકારકપણે અલ્પજીવી હોય છે છતાં, એ યુવાનને ઘણું નુકસાન કરી શકે. એક બાબત એ છે કે, તરુણ વયે પ્રેમ પામનાર ઘણાં પાત્રો સ્પષ્ટપણે આદરને લાયક હોતાં નથી. એક શાણા માણસે કહ્યું: “મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે.” (સભાશિક્ષક ૧૦:૬) આમ એક ગાયકનો અવાજ મૃદુ હોવાથી કે દેખાવ આકર્ષક હોવાથી તેને મૂર્તિરૂપ બનાવવામાં આવે છે. પરંતુ શું તેની નૈતિકતા પ્રશંસાપાત્ર છે? શું તે સમર્પિત ખ્રિસ્તી તરીકે “પ્રભુમાં” છે?—૧ કોરીંથી ૭:૩૯.
બાઈબલ એવી ચેતવણી પણ આપે છે: “જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે.” (યાકૂબ ૪:૪) દેવ જેની વર્તણૂક ધિક્કારતા હોય એવી વ્યકિત પર તમે તમારું હૃદય લગાડો તો શું એ દેવ સાથેની તમારી મૈત્રીને જોખમમાં નહિ નાખે? વળી, બાઈબલ આજ્ઞા આપે છે, “સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.” (૧ યોહાન ૫:૨૧) એક યુવક કે યુવતી પોતાના રૂમની દિવાલો ચોતરફ ગાયક સિતારાના ચિત્રથી શણગારે તો તમે એને શું કહેશો? શું “મૂર્તિપૂજા” શબ્દ બંધબેસતો નહિ થાય? એ કઈ રીતે દેવને કદી પણ ખુશ કરી શકે?
કેટલાક યુવાનો પોતાના તરંગોથી વિચારદલીલને નાબૂદ કરે છે. એક યુવતી કહે છે: “તેને કેવું લાગે છે એ વિષે હું જ્યારે પણ તેને પૂછું છું—તે મારે માટે કોઈ પણ લાગણી હોવાનો હંમેશા નકાર કરે છે. પરંતુ તે જે રીતે જુએ છે અને વર્તે છે એ પરથી હું કહી શકું છું કે એ સાચું નથી.” એ યુવકે નમ્રપણે પોતાની અનિચ્છા માયાળુપણે વ્યકત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે યુવતીએ જવાબમાં ના સ્વીકારી નહિ.
બીજી એક છોકરી એક લોકપ્રિય ગાયક પરના પોતાના મોહ વિષે લખે છે: ‘હું ઇચ્છું છું કે તે મારો પુરુષમિત્ર બને, અને મેં પ્રાર્થના કરી છે કે એ સાચું પડે! હું તેની કેસેટો સાથે લઈને સૂઈ જાઉં છું કેમ કે હું વધુમાં વધુ તેટલે સુધી તેની નજીક જઈ શકું છું. હું એ હદે પહોંચી છું કે જો હું તેને નહિ મેળવી શકું, તો હું પોતાને મારી નાખીશ.’ શું આવી બુદ્ધિહીન વાસના દેવને ખુશ કરતી હોય શકે, જે આપણને ‘નક્કર મનʼથી તેમની સેવા કરવાની આજ્ઞા આપે છે?—રૂમી ૧૨:૩.
બાઈબલ નીતિવચન ૧૩:૧૨માં કહે છે: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝૂરે છે.” આમ અશકય સંબંધ માટે રોમાંચક અપેક્ષા કેળવવી બિનઆરોગ્યપ્રદ, એકપક્ષીય પ્રેમ છે જેને ડોકટરો “ઉદાસીનતા, ચિંતા, અને સામાન્ય તણાવ . . . અનિંદ્રા કે સુસ્તી, છાતીમાં દુઃખાવો કે હાંફ ચઢવાના” કારણ તરીકે ટાંકે છે. (સરખાવો ૨ શમૂએલ ૧૩:૧, ૨.) એક મોહિત છોકરીએ કબૂલ્યું: “હું ખાઈ શકતી નથી. . . . હવે હું અભ્યાસ કરી શકતી નથી. હું . . . તેના વિષે દિવાસ્વપ્નો જોઉં છું. . . . હું દુઃખી છું.”
તમે તરંગને તમારા જીવન પર શાસન કરવા દો ત્યારે સર્જાતી પાયમાલીનો વિચાર કરો. ડો. લોરેન્સ બોમન જણાવે છે કે વકરેલા મોહનો પ્રથમ પુરાવો છે “શાળાના પ્રયત્નોમાં ઢીલ.” કુટુંબ અને મિત્રોથી એકલતા એ બીજું સામાન્ય પરિણામ હોય છે. માનહાનિ પણ થઈ શકે. “મને કબૂલતા શરમ લાગે છે,” લેખક ગિલ સ્વોર્ત્ઝ કહે છે, “પરંતુ જુડીના મારા મોહ દરમ્યાન હું વિદુષકની જેમ વર્ત્યો.” મોહ સમી ગયા પછી, કોઈની પાછળ-પાછળ ફરવાની, જાહેરમાં ફજેતીની, અને સામાન્ય રીતે મૂર્ખ બનવાની યાદગીરી લાંબો સમય ચાલ્યા કરે છે.
વાસ્તવિકતાનો સામનો કરવો
કદી પણ થઈ ગયા હોય એવા સૌથી શાણા માણસોમાંનો એક, સુલેમાન રાજા અવિચારીપણે એવી છોકરીના પ્રેમમાં પડ્યો જેણે તેની લાગણીઓનો વળતો જવાબ આપ્યો નહિ. તેણે તે છોકરીને “ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની” કહી કદી પણ લખવામાં આવી હોય એવી કેટલીક સૌથી સુંદર કવિતાઓ તેના પર લખી—પરંતુ તે તેને પામી શકયો નહિ!—ગીતોનું ગીત ૬:૧૦.
તથાપિ, છેવટે સુલેમાને તેને જીતવાના પોતાના પ્રયત્નો પડતા મૂકયા. તમે પણ કઈ રીતે પોતાની લાગણીઓ પર ફરીથી કાબૂ મેળવી શકો? “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે,” બાઈબલ કહે છે. (નીતિવચન ૨૮:૨૬) તમે રોમાંચક તરંગમાં ફસાયા હો ત્યારે એ સવિશેષ સાચું છે. તેમ છતાં, “જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.” એનો અર્થ છે બાબતોની વાસ્તવિકતા જોવી.
“તમે વાજબી આશાને પાયાવિનાની આશાથી કઈ રીતે જુદી પાડી શકો?” ડો. હાવર્ડ હાલ્પર્ન પૂછે છે. “હકીકતો કાળજીપૂર્વક અને ઠંડા હૃદયથી તપાસીને.” વિચાર કરો: એ વ્યકિત સાથે ખરો રોમાંચ વિકસવાની કેટલી શકયતા છે? વ્યકિત નામાંકિત હોય તો, શકય છે કે તમે તે વ્યકિતને કદી મળશો પણ નહિ! શિક્ષક જેવી કોઈક વધુ વયની વ્યકિત સંડોવાયેલી હોય ત્યારે પણ શકયતા ઓછી હોય છે.
તદુપરાંત, શું તમને ગમતી વ્યકિતએ અત્યાર સુધી તમારામાં કંઈ પણ રસ બતાવ્યો છે? જો ન હોય તો, શું ભાવિમાં બાબતો બદલાશે એમ માનવાને કોઈ પણ ખરું કારણ છે? કે પછી તમે તેના ફકત નિર્દોષ શબ્દો અને કૃત્યોને રોમાંચક રસ સમજી રહ્યા છો? સાહજિક રીતે, મોટા ભાગના દેશોમાં રિવાજ છે કે રોમાંચમાં પુરુષો પહેલ કરે. એક યુવતી સ્પષ્ટપણે રસ ન ધરાવનાર વ્યકિતની પાછળ પડીને પોતાને હાસ્યાસ્પદ બનાવી શકે.
વળી, વ્યકિત તમારી લાગણીઓનો વળતો જવાબ આપે તો તમે શું કરશો? શું તમે લગ્નની જવાબદારીઓ ઉપાડવા તૈયાર છો? જો ન હો તો, તરંગોમાં રાચવાની ના પાડી “તમારા અંતઃકરણમાંથી ખેદ દૂર કરો.” “પ્રીતિ કરવાનો વખત” હોય છે, અને એ તમે મોટા થાઓ ત્યાં સુધી વર્ષો દૂર હોય શકે.—સભાશિક્ષક ૩:૮; ૧૧:૧૦.
તમારી લાગણીઓનું પૃથક્કરણ કરવું
ડો. ચાર્લ્સ ઝેસ્ટ્રો અવલોકે છે: “વ્યકિત પોતે જેના મોહમાં હોય તેને ‘સંપૂર્ણ ચાહક’ તરીકે મૂર્તિરૂપ કરે છે ત્યારે મોહ પેદા થાય છે; એટલે કે, એવું અનુમાન કરે છે કે લગ્નસાથીમાં ઇચ્છનીય બધા જ ગુણલક્ષણો બીજી વ્યકિતમાં છે.” તેમ છતાં, આવો “સંપૂર્ણ ચાહક” અસ્તિત્વ ધરાવતો નથી. “કારણ કે સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે,” બાઈબલ કહે છે.—રૂમી ૩:૨૩.
તેથી પોતાને પૂછો: મેં મારું હૃદય જેના પર લગાડ્યું છે એ વ્યકિતને હું કેટલી સારી રીતે ઓળખું છું? શું હું એક પ્રતિમા સાથે પ્રેમમાં છું? શું હું એ વ્યકિતની ખામીઓ પ્રત્યે આંખ આડા કાન કરું છું? તમને તમારી રોમાંચક મૂઢતામાંથી બહાર કાઢવા માટે પોતાના સ્વપ્નમય ચાહક તરફ એક હેતુલક્ષી નજર પૂરતી હોય શકે! તમે એ વ્યકિત પ્રત્યે જે પ્રકારનો પ્રેમ અનુભવો છો એનું પૃથક્કરણ પણ મદદરૂપ થઈ શકે. લેખિકા કેથી મકોય કહે છે: “અપરિપકવ પ્રેમ ક્ષણમાં આવીને જતો રહે . . . ધ્યાન તમારા પર કેન્દ્રિત છે, અને તમે ફકત પ્રેમમાં હોવાના વિચાર સાથે પ્રેમમાં છો . . . અપરિપકવ પ્રેમ વળગી રહેતો, કબજો ધરાવતો, અને ઈર્ષાળુ હોય છે. . . . અપરિપકવ પ્રેમ સંપૂર્ણતા માગે છે.”—૧ કોરીંથી ૧૩:૪, ૫ સાથે તફાવત કરો.
તેને પોતાના મનમાંથી દૂર કરો
કબૂલ કે, જગતમાંની સર્વ વિચારદલીલ પણ તમને જેવું લાગે છે એ પૂરેપૂરું દૂર નહિ કરે. પરંતુ તમે કોયડાની આગમાં બળતણ નાખવાનું નિવારી શકો. ઉત્તેજક રોમાંચ નવલકથા વાંચવી, ટીવી પર પ્રેમ કહાણીઓ નિહાળવી, અથવા અમુક પ્રકારનું સંગીત સાંભળવું એકલતાની તમારી લાગણીઓ બગાડી શકે. તેથી એ સ્થિતિ વિષેના વિચારોમાં પડયા ન રહો. “બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે.”—નીતિવચન ૨૬:૨૦.
તરંગી રોમાંચ તમને ખરેખર પ્રેમ કરતા અને તમારી કાળજી લેતાં લોકો માટે અવેજી નથી. ‘પોતાને અલગ’ ન પાડો. (નીતિવચન ૧૮:૧) કદાચ તમને જણાશે કે તમારા માબાપ ઘણા મદદરૂપ થઈ શકે. લાગણીઓ છુપાવવાના તમારા સર્વ પ્રયત્નો છતાં, કદાચ તેઓએ પારખી લીધું હશે કે કોઈક બાબત તમને કોતરી ખાઈ રહી છે. શા માટે તેઓની પાસે પહોંચી તેઓ સમક્ષ પોતાનું હૃદય ઠાલવતા નથી? (સરખાવો નીતિવચન ૨૩:૨૬.) પરિપકવ ખ્રિસ્તી પણ સારો સાંભળતો કાન ધરી શકે.
“વ્યસ્ત રહો,” તરુણ લેખિકા એસ્ટર ડેવિડોવિત્ઝ ઉત્તેજન આપે છે. કોઈક શોખ કેળવો, થોડીક કસરત કરો, ભાષાનો અભ્યાસ કરો, બાઈબલ સંશોધનની યોજના શરૂ કરો. ઉપયોગી પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવાથી પીછેહઠ લક્ષણો (withdrawal symptoms) ઘણાં હળવા થઈ શકે.
મોહને આંબવો સહેલું નથી. પરંતુ સમય જતાં, પીડા ઓછી થશે. તમે પોતાને વિષે અને પોતાની લાગણીઓ વિષે ઘણું શીખ્યા હશો, અને ભવિષ્યમાં ખરો પ્રેમ તમારે માર્ગે આવે તો એ હાથ ધરવા તમે વધુ સારી રીતે તૈયાર હશો! પરંતુ તમે ‘ખરો પ્રેમ’ કઈ રીતે પારખી શકો?
વિરુદ્ધ જાતિની વધુ વયની, અપ્રાપ્ય વ્યકિતનો મોહ ઘણો સામાન્ય છે
એ વ્યકિત પર ઠંડી, હેતુલક્ષી નજર તમારી રોમાંચક ધૂનનો ઉપાય કરી શકે
‘હું ખાઈ શકતી નથી. હવે હું અભ્યાસ કરી શકતી નથી. હું તેના વિષે દિવાસ્વપ્નો જોઉં છું. હું દુઃખી છું’
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨૮
◻ શા માટે યુવાનો મધ્યે મોહ સામાન્ય છે?
◻ ઘણી વાર યૌવનના તરંગી રોમાંચનું કોણ નિશાન બને છે?
◻ શા માટે મોહ હાનિકારક બની શકે?
◻ યુવાન મોહને આંબવા માટે કેટલીક કઈ બાબતો કરી શકે?
◻ યુવાન રોમાંચક તરંગોના અગ્નિમાં બળતણ નાખવાનું કઈ રીતે નિવારી શકે?