વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૩૧ પાન ૨૪૨
  • હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ?
  • દેખાવ છેતરામણો હોય છે
  • “સૌથી કપટી” બાબત
  • પ્રેમથી વિરુદ્ધ મોહ
  • ખરા પ્રેમનું ઉદાહરણ
  • એમાં સમય લાગે છે!
  • હું મોહ કઈ રીતે ભૂલી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • તે મારા પ્રેમમાં ન હોય તો?
    સજાગ બનો!—૧૯૯૮
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મારા પ્રેમમાં પડેલી છોકરી સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૫
વધુ જુઓ
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૩૧ પાન ૨૪૨

પ્રકરણ ૩૧

હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું?

પ્રેમ—આશાવાદી રોમાંચકારીઓ માટે એ રહસ્યમય અનુભવ છે જે તમને ઝડપી લે છે, જીવનમાં એક જ વાર આનંદવિભોર કરી દેતી લાગણી. તેઓ માને છે કે પ્રેમ પૂરેપૂરી હૃદયની બાબત છે, એવું કંઈક જે સમજી ન શકાય,  ફકત અનુભવી શકાય. પ્રેમ સર્વ પર વિજય મેળવે છે અને હંમેશા ટકે છે . . .

રોમાંચક વિધાનો એવાં હોય છે. અને નિઃશંક, પ્રેમમાં પડવું અજોડપણે સુંદર અનુભવ બની શકે. પરંતુ ખરો પ્રેમ શું છે?

પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ?

ડેવિડ જેનેટને પ્રથમ વાર પાર્ટીમાં મળ્યો. તેના ઘાટીલા આકાર અને તે હસતી ત્યારે તેના વાળ તેની આંખ પર ઝૂલતા એનાથી તે તરત જ આકર્ષાયો. જેનેટ તેની ઊંડી ભૂખરી આંખો અને તેની રમૂજી વાતચીતથી મંત્રમુગ્ધ બની. એ પરસ્પર પ્રથમ દ્રષ્ટિએ પ્રેમના કિસ્સા જેવું જણાયું!

ત્યાર પછીના ત્રણ સપ્તાહ દરમ્યાન, ડેવિડ અને જેનેટને જુદાં પાડી શકાય તેમ ન હતું. પછી એક રાત્રે જેનેટ પર અગાઉના પુરુષમિત્રનો દુઃખદ ફોન આવ્યો. તેણે ડેવિડને દિલાસા માટે બોલાવ્યો. પરંતુ એણે ધમકી અને ગૂંચવણ અનુભવી, ડેવિડે ઠંડો પ્રત્યુત્તર આપ્યો. તેઓને લાગ્યું કે જે પ્રેમ હંમેશા ટકશે એ તે રાત્રે મરી પરવાર્યો.

ચલચિત્રો, પુસ્તકો, અને ટેલિવિઝનના કાર્યક્રમો તમને એવું મનાવશે કે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ હંમેશા ટકે છે. કબૂલ કે, સામાન્ય રીતે પ્રથમ સ્થાને શારીરિક આકર્ષણ બે વ્યકિતને એકબીજાની નોંધ લેતા કરે છે. એક યુવકે કહ્યું તેમ: “વ્યકિતનું વ્યકિતત્વ ‘જોવું’ અઘરું છે.” પરંતુ એક સંબંધ થોડા કલાકો કે દિવસો જ જૂનો હોય ત્યારે વ્યકિત શાને “પ્રેમ” કરે છે? શું એ એ વ્યકિત પ્રદર્શિત કરે છે એ પ્રતિમા નથી? ખરેખર, તમે એ વ્યકિતના વિચારો, આશાઓ, ભયો, યોજનાઓ, ટેવો, આવડતો, કે ક્ષમતાઓ વિષે ખાસ કંઈ જાણતા હોતા નથી. તમે ફકત બાહ્ય આવરણને જ મળ્યા છો, “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વ”ને નહિ. (૧ પીતર ૩:૪) એવો પ્રેમ કેટલો ટકાઉ હોય શકે?

દેખાવ છેતરામણો હોય છે

તદુપરાંત, બાહ્ય દેખાવ છેતરામણો બની શકે. બાઈબલ કહે છે: “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે.” ભેટ પરનો ચળકતો કાગળ અંદર શું છે એ વિષે તમને કંઈ કહેતો નથી. હકીકતમાં, સૌથી વધુ ભવ્ય કાગળમાં બિનોપયોગી ભેટ આવરવામાં આવી હોય શકે.—નીતિવચન ૩૧:૩૦.

નીતિવચન કહે છે: “જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.” (નીતિવચન ૧૧:૨૨) બાઈબલ સમયોમાં નથણી લોકપ્રિય ઘરેણું હતું. એ મનોહર હતી, ઘણી વાર નક્કર સોનામાંથી બનાવવામાં આવતી. સ્વાભાવિક રીતે જ, સ્ત્રીના શરીર પરની આવી નથણી, ધ્યાનમાં આવતું પ્રથમ ઘરેણું હતું.

યોગ્યપણે જ, નીતિવચન બાહ્ય રીતે સુંદર “વિવિકહીન” સ્ત્રીને “ભૂંડના નાકમાં સોનાની નથણી” સાથે સરખાવે છે. વિવેકહીન સ્ત્રીની સુંદરતા જરા પણ શોભતી નથી; એ તેના પર બિનોપયોગી ઘરેણું છે. ભપકાદાર નથણી ભૂંડને સુંદર બનાવતી નથી તેમ, લાંબા ગાળે, સુંદરતા પણ તે સ્ત્રીને આકર્ષક બનાવતી નથી! તો પછી, વ્યકિતના દેખાવ સાથે ‘પ્રેમʼમાં પડવું—અને વ્યકિત આંતરિક રીતે કેવી છે એની અવગણના કરવી—કેવી મોટી ભૂલ છે.

“સૌથી કપટી” બાબત

જો કે, કેટલાકને લાગે છે કે માનવ હૃદય રોમાંચ પારખવાની અચૂક ક્ષમતા ધરાવે છે. ‘તમારા હૃદયનું કહેવું સાંભળો,’ તેઓ દલીલ કરે છે. ‘ખરો પ્રેમ હશે ત્યારે તમને જણાશે!’ કમનસીબે, હકીકતો આ વિચારથી વિરુદ્ધ છે. એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ૧,૦૭૯ યુવાનોએ (ઉંમર ૧૮થી ૨૪) એ સમય સુધીમાં સરેરાશ સાત રોમાંચક પ્રેમ-સંબંધ અનુભવ્યા હોવાનું જણાવ્યું. મોટા ભાગનાએ કબૂલ્યું કે ભૂતકાળના તેઓના રોમાંચ ફકત મોહ જ હતા—એક પસાર થઈ જતી, જતી રહેતી લાગણી. તોપણ, એ યુવાનોએ “તેઓના હાલના અનુભવને પ્રેમ તરીકે વર્ણવ્યો!” તેમ છતાં, મોટા ભાગનાઓ એક દિવસ તેઓના હાલના પ્રેમ-સંબંધોને પણ ભૂતકાળના પ્રેમ-સંબંધો જેવા જ ગણશે—ફકત મોહ તરીકે.

દુર્ઘટના તો એ છે કે દર વર્ષે હજારો યુગલો ‘પ્રેમમાં’ હોવાના ભ્રમ હેઠળ લગ્‍ન કરે છે, પછી થોડા જ વખતમાં તેઓને જણાય છે કે ગંભીર ભૂલ થઈ છે. મોહ “કતલ માટે લઈ જવાતા હલવાનોની જેમ અસાવધ પુરુષો અને સ્ત્રીઓને દુઃખદ લગ્‍નોમાં ફસાવે છે,” રે શોર્ટ તેના પુસ્તક સેકસ, લવ, ઓર ઇન્ફેચ્યુએશનમાં કહે છે.

“જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે.” (નીતિવચન ૨૮:૨૬) અનેક વખત, આપણા હૃદયનો તાગ ગેરમાર્ગે દોરવાયેલો અથવા ખોટી દિશામાં હોય છે. હકીકતમાં, બાઈબલ કહે છે: “હૃદય સૌથી કપટી છે.” (યિર્મેયાહ ૧૭:૯) તોપણ, અગાઉ ઉલ્લેખવામાં આવેલું નીતિવચન કહેવાનું ચાલુ રાખે છે: “પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.” તમે મોહ અને બાઈબલમાં વર્ણવવામાં આવેલા પ્રેમ—એવો પ્રેમ જે કદી નિષ્ફળ જતો નથી—એ વચ્ચે તફાવત કરતા શીખો તો, બીજા યુવાનોએ સહેલાં જોખમો અને ચીડમાંથી છૂટી શકો.

પ્રેમથી વિરુદ્ધ મોહ

“મોહ આંધળો છે અને એને એમ રહેવાનું ગમે છે. એને વાસ્તવિકતા જોવી ગમતી નથી,” ૨૪ વર્ષનો કેલ્વિન કબૂલે છે. કેન્યા નામની ૧૬ વર્ષની છોકરીએ ઉમેર્યું, “તમે એક વ્યકિતના મોહમાં હો ત્યારે, તમે વિચારો છો કે તેઓ જે કરે છે એ બધું સંર્પૂણ છે.”

મોહ બનાવટી પ્રેમ છે. એ અવાસ્તવિક અને આત્મકેન્દ્રિત હોય છે. મોહિત વ્યકિતઓ એમ કહેવાનું વલણ ધરાવે છે: ‘હું તેની સાથે હોઉં છું ત્યારે બહુ મહત્ત્વની હોઉં એમ લાગે છે. હું ઊંઘી શકતી નથી. એ કેટલું બધું અદ્‍ભુત છે એ હું માની શકતી નથી’ અથવા, ‘તે મને ખરેખર સારું લગાડે છે.’ નોંધ લો કે કેટલી વાર “હું” અથવા “મને” વપરાયા છે? સ્વાર્થ પર આધારિત સંબંધ નિષ્ફળ જશે જ! તેમ છતાં, બાઈબલના સાચા પ્રેમના વર્ણનની નોંધ લો: “પ્રીતિ [સહનશીલ] તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફુલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપકારને લેખવતી નથી.”—૧ કોરીંથી ૧૩:૪, ૫.

પ્રીતિ “પોતાનું જ હિત જોતી નથી” તેથી, બાઈબલ સિદ્ધાંત પર આધારિત પ્રેમ આત્મકેન્દ્રિત હોતો નથી તેમ જ સ્વાર્થી પણ હોતો નથી. સાચું, યુગલને મજબૂત રોમાંચક લાગણીઓ અને પરસ્પર આકર્ષણ હોય શકે. પરંતુ વિચારદલીલ અને બીજી વ્યકિત માટેનું ઊંડું માન એ લાગણીઓને સમતુલિત કરે છે. તમે ખરેખર પ્રેમમાં હો ત્યારે, તમે પોતાના જેટલી જ બીજી વ્યકિતની ભલાઈ અને સુખની કાળજી લો છો. તમે કચડી નાખતી લાગણીને સારી તાગશકિતનો નાશ કરવા દેતા નથી.

ખરા પ્રેમનું ઉદાહરણ

યાકૂબ અને રાહેલનો બાઈબલનો અહેવાલ એનું આબેહૂબ દ્રષ્ટાંત પૂરું પાડે છે. એ યુગલ કુવા પાસે મળ્યું જ્યાં રાહેલ તેના પિતાના ઘેટાંને પાણી પીવડાવવા આવી હતી. યાકૂબ તરત જ તેનાથી આકર્ષાયો કેમ કે તે “સુંદર અને રૂપાળી હતી” એટલું જ નહિ પરંતુ તે યહોવાહની ઉપાસક પણ હતી.—ઉત્પત્તિ ૨૯:૧-૧૨, ૧૭.

રાહેલના કુટુંબના ઘરમાં પૂરો એક મહિનો રહ્યા પછી યાકૂબે જણાવ્યું કે તે રાહેલ સાથે પ્રેમમાં હતો, અને તેની સાથે લગ્‍ન કરવા માગતો હતો. શું એ ફકત રોમાંચક મોહ હતો? જરા પણ નહિ! એ મહિના દરમ્યાન તેણે રાહેલને તેની સ્વાભાવિક સ્થિતિમાં જોઈ—તે પોતાના માબાપ અને બીજાઓ સાથે કેવો વ્યવહાર રાખતી હતી, તે ઘેટાંપાળક તરીકેનું પોતાનું કામ કઈ રીતે કરતી હતી, તે યહોવાહની ઉપાસના કેટલી ગંભીર ગણતી હતી. નિઃશંક તેણે તેને “સૌથી સારી” અને “સૌથી નબળી” સ્થિતિમાં જોઈ. તેથી તેને માટેનો યાકૂબનો પ્રેમ બેલગામ લાગણી ન હતી પરંતુ વિચારદલીલ અને ઊંડા માન પર આધારિત નિઃસ્વાર્થ પ્રેમ હતો.

કિસ્સો એમ હોવાથી, યાકૂબ રાહેલને પોતાની પત્ની બનાવવા તેના પિતા માટે સાત વર્ષ કામ કરવા ઇચ્છુક હતો એમ જાહેર કરી શકયો. નિશ્ચો મોહ એટલું લાંબુ ટકયો ન હોત! ફકત ખરો પ્રેમ, બીજામાંના નિઃસ્વાર્થ રસને લીધે જ એ વર્ષો તેને “થોડા દહાડા સરખાં” લાગ્યાં. એ ખરા પ્રેમને લીધે, તેઓ એ સમયગાળા દરમ્યાન પોતાની વિશુદ્ધિ જાળવી શકયાં.—ઉત્પત્તિ ૨૯:૨૦, ૨૧.

એમાં સમય લાગે છે!

આમ સાચો પ્રેમ સમયથી દુઃખ પામતો નથી. ખરેખર, ઘણી વાર કોઈને માટેની તમારી પોતાની લાગણીઓ ચકાસવાની સૌથી સારી રીત છે સમય પસાર થવા દેવો. તદુપરાંત, સાંડ્રા નામની યુવતીએ જણાવ્યું તેમ: “કોઈક વ્યકિત, ‘હું આવી છું. હવે તમે મારે વિષે બધું જ જાણો છો,’ ફકત એમ કહી પોતાનું વ્યકિતત્વ તમારી સામે ધરી દેવાની નથી.” ના, તમને જેનામાં રસ હોય તેવી વ્યકિતને ઓળખવામાં સમય લાગે છે.

સમય તમને તમારા રોમાંચક રસને બાઈબલના પ્રકાશમાં તપાસવું પણ શકય બનાવે છે. યાદ રાખો, પ્રીતિ “અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી.” શું તમારું સાથી તમારી યોજનાઓ સફળ બનાવવા આતુર છે—કે પછી તેની પોતાની જ? શું તે તમારા દ્રષ્ટિબિંદુ, તમારી લાગણીઓ માટે માન બતાવે છે? શું તેણે સ્વાર્થી વાસના સંતોષવા ખરેખર ‘અયોગ્ય’ બાબતો કરવા તમારા પર દબાણ કર્યું છે? એ વ્યકિત બીજાઓની સમક્ષ તમને નીચા પાડવાનું કે સુદ્રઢ કરવાનું વલણ ધરાવે છે? આવા પ્રશ્નો પૂછવા તમને તમારી લાગણીઓનું વધુ હેતુલક્ષી રીતે મૂલ્યાંકન કરવા મદદ કરી શકે.

રોમાંચમાં ધસી જવું આફત નોંતરે છે. “હું બસ પ્રેમમાં પડી ગઈ, ઝડપથી અને ઊંડે,” ૨૦ વર્ષની જિલ સમજાવે છે. વંટોળિયા જેવા બે મહિનાના રોમાંચ પછી તેણે લગ્‍ન કર્યું. પરંતુ અગાઉ છૂપી રહેલી ખામીઓએ દેખા દીધી. જિલે પોતાની કેટલીક અસલામતી અને આત્મકેન્દ્રિતપણું પ્રદર્શિત કરવા માંડયું. તેના પતિ રિકે પોતાની રોમાંચક મોહકતા ગુમાવી સ્વાર્થી બન્યો. લગ્‍નને બે વર્ષ પછી, એક દિવસ જિલે બૂમ પાડી કે તેનો પતિ પતિ તરીકે “હલકો,” “આળસુ,” અને “નિષ્ફળ” હતો. રિકે તેના ચહેરા પર મૂક્કો મારી પ્રત્યુત્તર આપ્યો. જિલ આંસુસહિત તેઓના ઘરમાંથી—અને તેઓના લગ્‍નમાંથી—બહાર નીકળી ગઈ.

બાઈબલ સલાહ અનુસરવાથી તેઓને પોતાનું લગ્‍ન જાળવવામાં નિઃશંક મદદ મળી શકી હોત. (એફેસી ૫:૨૨-૩૩) પરંતુ તેઓ લગ્‍ન પહેલાં એકબીજાથી વધુ સારી રીતે પરિચિત થયાં હોત તો બાબતો કેટલી ભિન્‍ન થઈ હોત! તેઓનો પ્રેમ “પ્રતિમા” માટે નહિ પરંતુ ખરેખરા વ્યકિતત્વ માટે હોત—ખામીઓ અને ક્ષમતાઓવાળા. તેઓની અપેક્ષાઓ વધુ વાસ્તવિક હોત.

ખરો પ્રેમ રાતોરાત થઈ જતો નથી. તેમ જ તમારું સારું લગ્‍નસાથી બને એવી વ્યકિત તમને અતિશય આકર્ષક જણાતી હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે, બાર્બરા એવા યુવકને મળી જેને વિષે તે કબૂલે છે કે તે તેનાથી વિશેષ આકર્ષાયી ન હતી—શરૂઆતમાં. “પરંતુ હું તેને વધુ ઓળખતી થઈ તેમ,” બાર્બરા યાદ કરે છે, “બાબતો બદલાઈ. મેં સ્ટીવનની બીજા લોકો માટેની ચિંતા અને કઈ રીતે તે હંમેશા બીજાઓને પોતાના કરતાં આગળ મૂકતો હતો એ જોયું. મને ખબર હતી કે એ ગુણોવાળી વ્યકિત સારો પતિ બનશે. હું તેના તરફ ખેંચાઈ અને તેને પ્રેમ કરવા માંડી.” નક્કર લગ્‍ન પરિણમ્યું.

તેથી તમે સાચો પ્રેમ કઈ રીતે પારખી શકો? તમારું હૃદય બોલી શકે, પરંતુ બાઈબલથી તાલીમ પામેલા તમારા મન પર ભરોસો રાખો. વ્યકિતની બાહ્ય “પ્રતિમા” કરતા વધુ જાણવાનો પ્રયત્ન કરો. સંબંધને ખીલવાનો સમય આપો. યાદ રાખો, કે મોહનો પારો થોડા જ સમયમાં ઊંચે ચઢી જાય છે પરંતુ પછી ઊતરી જાય છે. ખરો પ્રેમ સમય જતાં વધીને મજબૂત બને છે અને “સંપૂર્ણતાનું બંધન” બને છે.—કોલોસી ૩:૧૪.

શું તમે વ્યકિત સાથે પ્રેમમાં છો કે ફકત “પ્રતિમા” સાથે?

શારીરિક રીતે આકર્ષક, પરંતુ વિવેકહીન, પુરુષ કે સ્ત્રી ‘ભૂંડના નાકમાં સોનાની નથણી’ જેવા છે

જે વ્યકિત બીજાઓની આગળ તમને સતત નીચા પાડે છે એ તમારે માટે ખરા પ્રેમની ખામી ધરાવતી હોય શકે

“મોહ આંધળો છે અને એને એમ રહેવાનું ગમે છે. એને વાસ્તવિકતા જોવી ગમતી નથી.”—૨૪ વર્ષનો એક માણસ

“હવે હું ‘હેલો, કેમ છો?’ જ કહું છું. હું કોઈ પણ વ્યકિતને મારી નજીક આવવા દેતી નથી”

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૧

◻ કોઈકના દેખાવ સાથે પ્રેમમાં પડી જવામાં કયું જોખમ છે?

◻ શું સાચો પ્રેમ પારખવા માટે તમારા હૃદય પર ભરોસો રાખી શકાય?

◻ પ્રેમ અને મોહ વચ્ચેની કેટલીક ભિન્‍નતા કઈ છે?

◻ શા માટે મિલનવાયદો કરતા ઘણાં યુગલો છૂટા પડે છે? શું એ હંમેશા ખોટું હોય છે?

◻ રોમાંચનો અંત આવે તો તમે તરછોડવામાં આવ્યાની લાગણીને કઈ રીતે હાથ ધરી શકો?

◻ શા માટે એકબીજાને ઓળખવામાં સમય લેવો મહત્ત્વનું છે?

એ પ્રેમ છે કે મોહ?

પ્રેમ

૧. બીજાનાં હિતોની નિઃસ્વાર્થ કાળજી

૨. ઘણી વાર રોમાંચ ધીમેથી શરૂ થાય છે, કદાચ મહિનાઓ કે વર્ષો લે છે

૩. તમે બીજી વ્યકિતના પૂરેપૂરા વ્યકિતત્વ અને આત્મિક ગુણોથી આકર્ષાયા છો

૪. એની અસરથી તમે વધારે સારી વ્યકિત બનો છો

૫. તમે બીજી વ્યકિતની ખામીઓ જોઈને તેને વાસ્તવિક દ્રષ્ટિથી જુઓ છો, તોપણ તેને પ્રેમ કરવાનું ચાલુ રાખો છો

૬. તમે અસંમત થાઓ છો, પરંતુ તમને જણાય છે કે તમે વાત કરીને થાળે પાડી શકો છો

૭. તમે બીજી વ્યકિતને આપવા અને તેની સાથે સહભાગી થવા માગો છો

મોહ

૧. સ્વાર્થી, મર્યાદા લાદનારો છે. વ્યકિત વિચારે છે, ‘એ મારે માટે શું કરે છે?’

૨. રોમાંચ ઝડપથી શરૂ થાય છે, કદાચ કલાકો કે દિવસો લે છે

૩. તમે બીજી વ્યકિતના શારીરિક દેખાવથી ઘણાં પ્રભાવિત થયા છો કે એમાં રસ ધરાવો છો. (‘તેની આંખો એવી તો સ્વપ્નમય છે.’ ‘તેનો દેખાવ બહુ રૂપાળો છે’)

૪. વિનાશક, અવ્યવસ્થિત કરતી અસર

૫. અવાસ્તવિક છે. બીજી વ્યકિત સંપૂર્ણ લાગે છે. તમે વ્યકિતત્વની ગંભીર ખામીઓ વિષેની રહી ગયેલી શંકાઓ અવગણો છો

૬. વારંવાર બોલાચાલી થાય છે. કશું ખરેખર થાળે પડતું નથી. ઘણું ચુંબન કરીને “થાળે પાડવામાં” આવે છે

૭. લેવા કે મેળવવા પર ભાર મૂકવામાં આવે છે, વિશેષ કરીને જાતીય આવેગો સંતોષવામાં

હું ભગ્‍નહૃદય કઈ રીતે આંબી શકું?

તમે જાણો જ છો કે તમે આ વ્યકિત સાથે લગ્‍ન કરશો. તમે એકબીજાના સહવાસનો આનંદ માણો છો, તમે સરખા રસ ધરાવો છો, અને પરસ્પર આકર્ષણ હોય એમ તમને લાગે છે. પછી, અચાનક જ, ક્રોધમાં ફાટી નીકળીને—અથવા આંસુઓમાં પીગળી જઈને—સંબંધ મરી પરવારે છે.

ડો. માઈકલ લીબોવિત્ઝ પોતાના પુસ્તક ધ કેમિસ્ટ્રી ઓફ લવમાં પ્રેમની શરૂઆતને શકિતશાળી ડ્રગના નશાની શરૂઆત સાથે સરખાવે છે. પરંતુ ડ્રગની જેમ, આવો પ્રેમ મરી પરવારે તો ‘પીછેહઠ લક્ષણો’ ભભૂકી ઊઠવાની શરૂઆત કરી શકે. અને પ્રેમ માત્ર મોહ હતો કે ‘ખરેખરી બાબત’ એનાથી કંઈ ફેર પડતો નથી. સંબંધનો અંત આવે તો, બંને ચક્કર આવે એવી ઊંચાઈ—અને પીડાકારક નીચાણ—પેદા કરી શકે.

છૂટા પડવાથી અનુભવાતી તરછોડવામાં આવ્યાની લાગણી, મનદુઃખ, અને કદાચ ક્રોધ, ભાવિની તમારી દ્રષ્ટિને કડવી બનાવી શકે. પ્રોત્સાહન આપ્યા પછી તરછોડવામાં આવ્યાને લીધે એક યુવતી પોતાને ‘ઘાયલ’ કહે છે. “હવે હું [વિરુદ્ધ જાતિની વ્યકિતને] ‘હેલો, કેમ છો?’ જ કહું છું,” તે કહે છે. “હું કોઈ પણ વ્યકિતને મારી નજીક આવવા દેતી નથી.” તમે સંબંધમાં જેટલી ઊંડી વચનબદ્ધતા અનુભવો, એ તૂટી પડે ત્યારે એટલું વધુ મનદુઃખ લાવી શકે.

હા, ખરેખર, તમે ઇચ્છો તેની સાથે સહચર્ય કરી શકો એ એની સાથે મોટી કિંમતનું લેબલ ધરાવે છે: તરછોડવામાં આવે એની ખરી શકયતા. સાચો પ્રેમ વધશે જ એની કોઈ ખાતરી નથી. તેથી કોઈક વ્યકિત તમારી સાથે પ્રમાણિક ઇરાદાથી સહચર્ય કરવાનું શરૂ કરે પરંતુ પછીથી નિર્ણય કરે કે લગ્‍ન બિનડહાપણભર્યું થશે તો, તમને અન્યાય કરવામાં આવ્યો હોય એવું જરૂરી નથી.

કોયડો એ છે કે, છૂટા પડવાનું પૂરી કુનેહ અને માયાળુપણે હાથ ધરવામાં આવે છતાં, તમને મનદુઃખ અને તરછોડવામાં આવ્યાનું લાગી શકે. તેમ છતાં, તમારું સ્વમાન ગુમાવવાને કારણ નથી. એ હકીકત કે આ વ્યકિતની નજરમાં તમે “યોગ્ય” વ્યકિત નથી એનો અર્થ એવો નથી કે બીજા કોઈકની નજરમાં તમે યોગ્ય નહિ હો!

મૃત રોમાંચ વિષે શાંતિથી વિચારવાનો પ્રયત્ન કરો. છૂટા પડવાએ તમે સંકળાયેલા હતા એ વ્યકિત વિષે ચોંકાવનારી બાબતો પર પ્રકાશ ફેંકયો હોય શકે—લાગણીમય અપરિપકવતા, અનિશ્ચિતતા, બિનલવચીકપણું, અસહિષ્ણુતા, તમારી લાગણીઓ માટે વિચારણાની ખામી. એ ભાગ્યે જ લગ્‍ન સાથીમાં ઇચ્છનીય ગુણો છે.

છૂટા પડવું તદ્દન એકપક્ષીય હોય અને તમને ખાતરી હોય કે લગ્‍ન સફળ થયું હોત તો શું? નિશ્ચો, તમને કેવું લાગે છે એ બીજી વ્યકિતને જણાવવાનો તમને હક્ક છે. કદાચ કોઈક ગેરસમજ થઈ હોય. લાગણીમય બકવાદ અને જીભાજોડી કંઈ સિદ્ધ કરતું નથી. અને તે છૂટા થવા માગતો કે માગતી હોય તો, જેને દેખીતી રીતે જ તમારે માટે કંઈ લાગણી નથી એવી વ્યકિતની મમતા માટે આંસુસહિત કાલાવાલા કરી, પોતાને નીચા પાડવાની કંઈ જરૂર નથી. સુલેમાને કહ્યું કે “શોધવાનો વખત અને ખોવાઈ ગયેલા તરીકે જતું કરવાનો વખત” હોય છે.—સભાશિક્ષક ૩:૬, NW.

પ્રથમ તબક્કે જ જેને લગ્‍નમાં નિખાલસ રસ ન હતો એવી વ્યકિતએ તમારો ફકત ઉપયોગ જ કર્યો છે એવી શંકા માટે મજબૂત કારણ હોય તો શું? તમારે શિક્ષાત્મક બદલાનો આશરો લેવાની જરૂર નથી. ખાતરી રાખો કે તેનું કપટ દેવના ખ્યાલ બહાર નથી. તેમનો શબ્દ કહે છે: “ઘાતકી માણસ પોતાના દેહને દુઃખમાં નાખે છે.”—નીતિવચન ૧૧:૧૭; સરખાવો નીતિવચન ૬:૧૨-૧૫.

વખતોવખત હજુ પણ તમે એકલતા કે રોમાંચક યાદગીરીથી દુઃખ અનુભવી શકો. એમ થાય તો, સારી રીતે રડી લેવું યોગ્ય છે. કદાચ કોઈક શારીરિક પ્રવૃત્તિ કે ખ્રિસ્તી સેવાકાર્યમાં વ્યસ્ત થવું પણ મદદ કરે છે. (નીતિવચન ૧૮:૧) આનંદદાયક અને સુદ્રઢ કરનારી બાબતો પર મન લગાડી રાખો. (ફિલિપી ૪:૮) નિકટના મિત્રને ભરોસો મૂકી વાત કરો. (નીતિવચન ૧૮:૨૪) તમે સ્વતંત્ર રહી શકો એટલા મોટા છો એમ લાગતું હોય છતાં, તમારા માબાપ પણ મોટો દિલાસો બની શકે. (નીતિવચન ૨૩:૨૨) અને સર્વ ઉપરાંત, યહોવાહને ભરોસો મૂકી વાત કરો.

હવે તમે તમારા વ્યકિતત્વના અમુક પાસાઓ સુધારવાની જરૂર જોઈ શકો. લગ્‍ન સાથીમાં તમે શું ઇચ્છો છો એ વિષેની તમારી દ્રષ્ટિ પહેલા કરતા વધુ સ્પષ્ટ થઈ શકે. પ્રેમ પામીને ગુમાવવાને લીધે, હવે ઇચ્છનીય વ્યકિત મળે—જેની શકયતા તમે ધારો છો એ કરતા ઘણી વધુ હોય શકે—તો તમે સહચર્ય વધુ વિચારપૂર્વક હાથ ધરવાનો નિર્ણય કરી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો