વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es25 પાન ૧૦૮-૧૨૦
  • સપ્ટેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
  • મથાળાં
  • સોમવાર, સપ્ટેમ્બર ૧
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨
  • બુધવાર, સપ્ટેમ્બર ૩
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૪
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૫
  • શનિવાર, સપ્ટેમ્બર ૬
  • રવિવાર, સપ્ટેમ્બર ૭
  • સોમવાર, સપ્ટેમ્બર ૮
  • મંગળવાર, સપ્ટેમ્બર ૯
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૦
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૧
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૨
  • શનિવાર, સપ્ટેમ્બર ૧૩
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૪
  • સોમવાર, સપ્ટેમ્બર ૧૫
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૬
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૭
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૮
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૯
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૦
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૧
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૨
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨૩
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૪
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨૫
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૬
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૭
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૮
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૯
  • મંગળવાર, સપ્ટેમ્બર ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
es25 પાન ૧૦૮-૧૨૦

સપ્ટેમ્બર

સોમવાર, સપ્ટેમ્બર ૧

“તેમની કરુણા સવારના પ્રકાશ જેવી હશે.”—લૂક ૧:૭૮.

યહોવાએ ઈસુને બધા માણસોની તકલીફો દૂર કરવાની શક્તિ આપી છે. ઈસુએ ચમત્કારો કરીને બતાવી આપ્યું કે તે પોતાની શક્તિથી આપણી એકેએક તકલીફ દૂર કરી શકે છે, જે આપણે ક્યારેય પોતાની જાતે દૂર નથી કરી શકતા. દાખલા તરીકે, તેમની પાસે માણસોની બધી મુશ્કેલીઓનું મુખ્ય કારણ દૂર કરવાની શક્તિ છે. એ કારણ છે, આદમથી વારસામાં મળેલું પાપ અને એના લીધે આવતી તકલીફો, જેમાં બીમારીઓ અને મરણનો સમાવેશ થાય છે. (માથ. ૯:૧-૬; રોમ. ૫:૧૨, ૧૮, ૧૯) તેમના ચમત્કારો બતાવે છે કે તે લોકોને દરેક પ્રકારની બીમારીમાંથી સાજા કરી શકે છે અને ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે. (માથ. ૪:૨૩; યોહા. ૧૧:૪૩, ૪૪) તેમની પાસે તોફાનો શાંત કરવાની અને લોકોને દુષ્ટ દૂતોના પંજામાંથી આઝાદ કરવાની શક્તિ છે. (માર્ક ૪:૩૭-૩૯; લૂક ૮:૨) યહોવાએ પોતાના દીકરાને આવી શક્તિ આપી છે, એ જાણીને કેટલી રાહત મળે છે! આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે ઈશ્વરે પોતાના રાજ્ય દ્વારા જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે, એ જરૂર પૂરું થશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે માણસ તરીકે તેમણે જે ચમત્કારો કર્યા હતા, એનાથી જોવા મળે છે કે ઈશ્વરના રાજ્યના રાજા તરીકે તે આખી પૃથ્વી પર કેવાં મોટાં મોટાં કામ કરશે. w૨૩.૦૪ ૩ ¶૫-૭

મંગળવાર, સપ્ટેમ્બર ૨

‘ઈશ્વરની શક્તિ બધી વાતોને, અરે, તેમના વિશેની ઊંડી વાતોને પણ જાહેર કરે છે.’—૧ કોરીં. ૨:૧૦.

જો તમે મોટા મંડળમાં હોવ અને તમને ઘણી વાર જવાબ પૂછવામાં ન આવે. એવા સમયે કદાચ તમારા મનમાં આવા વિચારો આવે, ‘હાથ ઊંચો કરવાનો શું ફાયદો?’ પણ તમે જવાબ આપવાનું છોડશો નહિ. દરેક સભામાં એક કરતાં વધારે જવાબની તૈયારી કરી શકો. એનાથી શું ફાયદો થશે? જો તમને સભાની શરૂઆતમાં જવાબ પૂછવામાં ન આવે, તો સભા દરમિયાન તમને જવાબ આપવાની બીજી અનેક તક મળી રહેશે. ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરતી વખતે વિચાર કરો કે દરેક ફકરો કઈ રીતે લેખના મુખ્ય વિષય સાથે જોડાયેલો છે. એમ કરશો તો આખા અભ્યાસમાં તમને સારા જવાબો આપવાનો મોકો મળશે. વધુમાં તમે કદાચ એવા ફકરાઓમાં જવાબની તૈયારી કરી શકો, જેમાં શાસ્ત્રની ઊંડી વાતો જણાવી હોય છે અને જે સમજાવવી અઘરી હોય છે. કેમ? કેમ કે એવા સમયે કદાચ ઓછાં ભાઈ-બહેનો જવાબ માટે હાથ ઊંચો કરે. પણ ઘણી સભામાં જવાબ આપવાનો મોકો નથી મળતો, તો તમે શું કરી શકો? તમે સભા પહેલાં ભાગ લેનાર ભાઈને જણાવી શકો કે તમે કયા સવાલનો જવાબ આપવા માંગો છો. w૨૩.૦૪ ૨૧-૨૨ ¶૯-૧૦

બુધવાર, સપ્ટેમ્બર ૩

“યહોવાના દૂતે જે કહ્યું હતું એમ [યૂસફે] કર્યું. તે પોતાની પત્નીને ઘરે લઈ આવ્યો.”—માથ. ૧:૨૪.

યૂસફે યહોવાનું માર્ગદર્શન તરત પાળ્યું. એમ કરવાથી તે સારા પતિ બની શક્યા. યહોવાએ યૂસફને કુટુંબની બાબતમાં માર્ગદર્શન આપ્યું હોય, એવા ત્રણ કિસ્સા બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. એ સમયે યૂસફે મોટા મોટા ફેરફાર કરવા પડ્યા, તોપણ તેમણે એમ કર્યું. (માથ. ૧:૨૦; ૨:૧૩-૧૫, ૧૯-૨૧) યહોવાનું માર્ગદર્શન પાળવાથી યૂસફ મરિયમનું રક્ષણ કરી શક્યા, તેમને સાથ આપી શક્યા અને તેમની જરૂરિયાતો પૂરી કરી શક્યા. ચોક્કસ, યૂસફનાં કામોથી મરિયમની નજરમાં યૂસફનું માન વધ્યું હશે અને તે તેમને વધારે પ્રેમ કરવા લાગ્યાં હશે. પતિઓ, તમે યૂસફના દાખલામાંથી શું શીખી શકો? કુટુંબની કઈ રીતે સંભાળ રાખવી એ વિશે બાઇબલમાંથી માર્ગદર્શન શોધો. કદાચ એ માર્ગદર્શન પાળવા તમારે મોટા મોટા ફેરફારો કરવા પડે. પણ એમ કરીને બતાવી આપશો કે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો. તેમ જ, તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે. વાનુઆટુ દેશમાં રહેતાં એક બહેનના લગ્‍નને ૨૦થી પણ વધારે વર્ષો થયાં છે. તે કહે છે: “મારા પતિ બાઇબલમાંથી માર્ગદર્શન શોધે છે અને એ પાળે છે ત્યારે, મારી નજરમાં તેમનું માન વધે છે. મને પાકો ભરોસો થાય છે કે તે જે નિર્ણય લેશે, એ સારો હશે. પછી મને કોઈ ચિંતા થતી નથી.” w૨૩.૦૫ ૨૧ ¶૫

ગુરુવાર, સપ્ટેમ્બર ૪

“એક રાજમાર્ગ હશે. હા, એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે.”—યશા. ૩૫:૮.

બાબેલોનમાંથી જે યહૂદીઓ પોતાના વતન પાછા જઈ રહ્યા હતા, તેઓએ યહોવાની “પવિત્ર પ્રજા” બનવાનું હતું. (પુન. ૭:૬) જોકે, તેઓએ ફેરફાર કરતા રહેવાનું હતું. તેઓએ યહોવાની કૃપા મેળવવા મહેનત કરવાની હતી. મોટા ભાગના યહૂદીઓ બાબેલોનમાં જન્મ્યા હતા. એવું લાગે છે કે તેઓ બાબેલોનીઓનાં વિચારો અને ધોરણોથી ટેવાઈ ગયા હતા. યહૂદીઓએ ઇઝરાયેલ પાછા આવવાની શરૂઆત કરી એનાં ઘણાં વર્ષો પછી, રાજ્યપાલ નહેમ્યાને એ જાણીને બહુ દુઃખ થયું કે ઇઝરાયેલમાં જન્મેલાં બાળકો યહૂદીઓની હિબ્રૂ ભાષા શીખ્યા પણ ન હતા. (પુન. ૬:૬, ૭; નહે. ૧૩:૨૩, ૨૪) શાસ્ત્રનો ખાસ્સો એવો ભાગ હિબ્રૂ ભાષામાં લખાયો હતો. જો એ બાળકો હિબ્રૂ ભાષા સમજતાં જ ન હોય, તો તેઓ યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું કઈ રીતે શીખી શકે? (એઝ. ૧૦:૩, ૪૪) એ દાખલાઓથી સાફ ખબર પડે છે કે બાબેલોનથી પાછા આવનાર યહૂદીઓએ મોટા મોટા ફેરફારો કરવાના હતા. તેઓ માટે ઇઝરાયેલમાં રહીને એ ફેરફારો કરવા સહેલું બની જાત, જ્યાં ધીરે ધીરે યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ થઈ રહી હતી.—નહે. ૮:૮, ૯. w૨૩.૦૫ ૧૫ ¶૬-૭

શુક્રવાર, સપ્ટેમ્બર ૫

“સર્વ પડતા લોકોને યહોવા ટેકો આપે છે અને બોજથી વળી ગયેલા સર્વને તે ઊભા કરે છે.”—ગીત. ૧૪૫:૧૪.

ભલે આપણો ઇરાદો એકદમ પાકો હોય અથવા આપણે પોતાના પર કડક નજર રાખીએ, પણ મુશ્કેલીઓ ગમે ત્યારે આવી શકે છે. દાખલા તરીકે, અમુક ‘અણધાર્યા સંજોગોનો’ સામનો કરવો પડે, જે આપણો વધારે પડતો સમય માંગી લે. પછી કદાચ ધ્યેય પૂરો કરવા આપણી પાસે થોડો જ સમય બચે. (સભા. ૯:૧૧) કદાચ એવી તકલીફોનો સામનો કરવો પડે, જે આપણને નિરાશ કરી દે. એના લીધે કદાચ કંઈ કરવાની તાકાત જ ન બચે. (નીતિ. ૨૪:૧૦) વધુમાં, આપણે પાપી છીએ એટલે કદાચ ભૂલ કરી બેસીએ અને પોતાના ધ્યેયથી વધારે દૂર થઈ જઈએ. (રોમ. ૭:૨૩) બની શકે કે આપણે બહુ થાકી જઈએ. (માથ. ૨૬:૪૩) જો આપણી સામે આવી મુશ્કેલીઓ આવે તો શું કરી શકીએ? મુશ્કેલીઓ આવે તો એનો અર્થ એ નથી કે આપણે નિષ્ફળ ગયા છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે અનેક વાર પડી શકીએ છીએ, એટલે કે આપણી સામે મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, એમાં એમ પણ જણાવ્યું છે કે આપણે પાછા ઊભા થઈ શકીએ છીએ. સાચે જ, મુશ્કેલીઓમાં ધ્યેય તરફ આગળ વધીએ છીએ ત્યારે, બતાવીએ છીએ કે આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. આપણી મહેનત જોઈને યહોવા કેટલા ખુશ થતા હશે! w૨૩.૦૫ ૩૦ ¶૧૪-૧૫

શનિવાર, સપ્ટેમ્બર ૬

“ટોળા માટે દાખલો બેસાડો.”—૧ પિત. ૫:૩.

એક યુવાન ભાઈ પાયોનિયરીંગ કરે છે ત્યારે, તેને શીખવા મળે છે કે જુદા જુદા લોકો સાથે કઈ રીતે કામ કરવું. પાયોનિયરીંગ કરવાથી તેને સમજી-વિચારીને પૈસા વાપરવા અને આવક કરતાં ખર્ચો વધી ન જાય, એનું ધ્યાન રાખવા મદદ મળે છે. (ફિલિ. ૪:૧૧-૧૩) પૂરા સમયની સેવામાં ડગ માંડવાની એક સારી રીત છે, સહાયક પાયોનિયરીંગ કરવું. એનાથી વ્યક્તિને સમય જતાં નિયમિત પાયોનિયરીંગ કરવા મદદ મળે છે. જ્યારે એક ભાઈ પાયોનિયરીંગ શરૂ કરે છે, ત્યારે તેના માટે પૂરા સમયની સેવાના બીજા અનેક દરવાજા ખૂલી જઈ શકે છે. જેમ કે, બાંધકામ વિભાગમાં કામ કરવું અથવા બેથેલમાં સેવા આપવી. બધા ભાઈઓએ વડીલો તરીકે ભાઈ-બહેનોની સેવા કરવાનો ધ્યેય રાખવો જોઈએ. એ માટે તેઓએ બાઇબલમાં આપેલી લાયકાતો કેળવવી જોઈએ અને જરૂરી ગુણો બતાવવા જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે, જે ભાઈઓ એ માટે મહેનત કરે છે તેઓ “સારા કામની ઇચ્છા રાખે છે.” (૧ તિમો. ૩:૧) પહેલા, તમારે સહાયક સેવક બનવું પડશે. સહાયક સેવકો ઘણી અલગ અલગ રીતોએ વડીલોને મદદ કરે છે. વડીલો અને સહાયક સેવકો નમ્ર બનીને ભાઈ-બહેનોની સેવા કરે છે અને પૂરા ઉત્સાહથી પ્રચારકામમાં ભાગ લે છે. w૨૩.૧૨ ૨૮ ¶૧૪-૧૬

રવિવાર, સપ્ટેમ્બર ૭

“હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.”—૨ કાળ. ૩૪:૩.

રાજા યોશિયાએ ૧૬ વર્ષની ઉંમરે યહોવાની શોધ કરવાનું શરૂ કર્યું. તે યહોવા વિશે શીખવા માંગતો હતો અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગતો હતો. પણ એ યુવાન રાજાનું જીવન સહેલું ન હતું. એ સમયે મોટા ભાગના લોકો જૂઠી ભક્તિ કરતા હતા. તેઓને એમ કરતા રોકવા યોશિયાને હિંમતની જરૂર હતી અને યોશિયા હિંમતવાળો હતો પણ ખરો. હજી તો તે ૨૦ વર્ષનો પણ થયો ન હતો અને તેણે આખા દેશમાંથી જૂઠી ભક્તિ કાઢી નાખવાનું શરૂ કરી દીધું. (૨ કાળ. ૩૪:૧, ૨) યુવાનો, તમે પણ યોશિયા જેવા બની શકો છો. કઈ રીતે? યહોવાની શોધ કરો અને તેમના જોરદાર ગુણો વિશે શીખો. એમ કરવાથી તમને પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવાનું મન થશે. એની તમારા જીવન પર કેવી અસર થશે? લૂક નામના છોકરાએ ૧૪ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. યહોવાને જીવન સમર્પિત કરતી વખતે તેણે કહ્યું, “હવેથી હું યહોવાની ભક્તિને મારા જીવનમાં પહેલી રાખીશ અને તેમને ખુશ કરવાની કોશિશ કરીશ.” (માર્ક ૧૨:૩૦) જો તમારા મનમાં પણ લૂક જેવી ઇચ્છા હોય, તો કેટલું સારું કહેવાય! w૨૩.૦૯ ૧૧ ¶૧૨-૧૩

સોમવાર, સપ્ટેમ્બર ૮

‘તમારામાં જેઓ સખત મહેનત કરે છે, આપણા માલિક ઈસુના કામમાં તમારી આગેવાની લે છે, તેઓને માન આપો.’—૧ થેસ્સા. ૫:૧૨.

જ્યારે પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકા મંડળને પહેલો પત્ર લખ્યો, ત્યારે એ મંડળ બન્યાને એક વર્ષ પણ થયું ન હતું. એટલે સમજી શકાય કે એ મંડળમાં આગેવાની લેતા ભાઈઓને બહુ અનુભવ નહિ હોય. કદાચ તેઓથી અમુક ભૂલો પણ થઈ હશે. તેમ છતાં, ભાઈ-બહેનોએ એ વડીલોને માન આપવાનું હતું. મોટી વિપત્તિ નજીક આવે છે તેમ આપણે માર્ગદર્શન માટે આપણા મંડળના વડીલો પર હમણાં કરતાં પણ વધારે આધાર રાખવો પડશે. બની શકે કે, કદાચ જગત મુખ્યમથક અને શાખા કચેરીના ભાઈઓ સાથેનો આપણો સંપર્ક તૂટી જાય. એટલે એ ખૂબ જ જરૂરી છે કે આપણે હમણાંથી જ આપણા મંડળના વડીલોને પ્રેમ બતાવાનું અને માન આપવાનું શીખીએ. ભલે ગમે તે થાય, ચાલો આપણે સમજી-વિચારીને વર્તીએ. તેમ જ, વડીલોની કમજોરીઓ પર ધ્યાન ન આપીએ, પણ એ વાત પર ધ્યાન આપીએ કે યહોવા આ વફાદાર ભાઈઓને ઈસુ ખ્રિસ્ત દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે. ટોપ સૈનિકના માથાનું રક્ષણ કરે છે. એવી જ રીતે, ઉદ્ધારની આશાનો ટોપ આપણા વિચારોનું રક્ષણ કરે છે. આપણે જાણીએ છીએ કે આ દુનિયા જે કંઈ આપે છે એ સાવ નકામું છે. (ફિલિ. ૩:૮) આશા આપણને શાંત રહેવા અને યોગ્ય વિચારો રાખવા મદદ કરે છે. w૨૩.૦૬ ૧૧-૧૨ ¶૧૧-૧૨

મંગળવાર, સપ્ટેમ્બર ૯

“મૂર્ખ સ્ત્રી બોલકણી અને બેશરમ છે. તે અજ્ઞાન છે.”—નીતિ. ૯:૧૩.

જેઓ ‘મૂર્ખ સ્ત્રીનો’ પોકાર સાંભળે છે, તેઓએ એક નિર્ણય લેવાનો છે: શું તેઓ તેનું આમંત્રણ સ્વીકારશે કે એનો નકાર કરશે? વ્યભિચારથી દૂર રહેવાથી આપણું ભલું થાય છે અને એમ કરવાનાં ઘણાં સારાં કારણો પણ છે. મૂર્ખ સ્ત્રી કહે છે: “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે.” (નીતિ. ૯:૧૭) “ચોરીને પીધેલું પાણી” એટલે શું? બાઇબલમાં પતિ-પત્ની વચ્ચેના જાતીય સંબંધને તાજા પાણી સાથે સરખાવવામાં આવ્યું છે. (નીતિ. ૫:૧૫-૧૮) જો એક પુરુષ અને સ્ત્રીએ કાયદેસર લગ્‍ન કર્યાં હોય, તો તેઓ એકબીજા સાથે જાતીય સંબંધ બાંધીને ખુશી મેળવી શકે છે. ‘ચોરીને પીધેલા પાણી’ કરતાં કેટલું અલગ! એ પાણી કદાચ લગ્‍ન બહારના જાતીય સંબંધને રજૂ કરી શકે. એવાં કામો મોટા ભાગે છુપાઈને કરવામાં આવે છે, જેમ એક ચોર છુપાઈને ચોરી કરે છે. “ચોરીને પીધેલું પાણી” કદાચ એવા લોકોને મીઠું લાગે, જેઓ માનતા હોય છે કે તેઓનું કામ કોઈને ખબર નહિ પડે. એમ કરીને તેઓ પોતાને જ મૂર્ખ બનાવે છે, કેમ કે યહોવા બધું જ જુએ છે. હકીકતમાં, એ અનુભવ ‘મીઠો’ નહિ પણ કડવો છે, કેમ કે એવી વ્યક્તિ યહોવાની કૃપા ગુમાવે છે.—૧ કોરીં. ૬:૯, ૧૦. w૨૩.૦૬ ૨૨ ¶૭-૯

બુધવાર, સપ્ટેમ્બર ૧૦

“જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.”—૧ કોરીં. ૯:૧૭.

જો તમને લાગતું હોય કે હવે તમે દિલથી પ્રાર્થના કરતા નથી અથવા પ્રચારમાં પહેલાં જેટલી મજા આવતી નથી, તો તમે શું કરી શકો? એવું વિચારી ન લેતા કે હવે તમારા માથે યહોવાનો હાથ રહ્યો નથી. પાપની અસર હોવાને લીધે લાગણીઓમાં ફેરફાર થતો રહે છે. જો તમારો ઉત્સાહ ઠંડો પડી રહ્યો હોય, તો પ્રેરિત પાઉલના દાખલાનો વિચાર કરજો. ઈસુના પગલે ચાલવા પાઉલ પૂરેપૂરી કોશિશ કરતા હતા. તોપણ તે જાણતા હતા કે અમુક સમયે તેમને જે ખરું છે એ કરવાનું મન નહિ થાય. પાઉલે પાકો નિર્ણય લીધો હતો કે ઇચ્છા ન હોય તોપણ તે પોતાનું સેવાકાર્ય પૂરું કરીને જ રહેશે. એવી જ રીતે, લાગણીઓને તમારા પર કાબૂ કરવા ન દો. મનમાં નક્કી કરી લો કે ઇચ્છા ન હોય તોપણ તમે જે ખરું છે એ જ કરશો. એમ કરતા રહેશો તો સમય જતાં તમારી લાગણીઓ બદલાશે. પછી તમે મન મારીને નહિ, પણ પૂરા દિલથી જે ખરું છે એ કરશો.—૧ કોરીં. ૯:૧૬. w૨૪.૦૩ ૧૧-૧૨ ¶૧૨-૧૩

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૧

“તેઓને તમારા પ્રેમનો પુરાવો આપો.”—૨ કોરીં. ૮:૨૪.

આપણે ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ અને તેઓ સાથે સમય વિતાવીએ. એમ કરીને બતાવી આપીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૬:૧૧-૧૩) ઘણાં મંડળોમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓનો ઉછેર અલગ અલગ માહોલમાં થયો છે અને તેઓનો સ્વભાવ પણ અલગ અલગ છે. જો તેઓના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓને વધારે પ્રેમ કરી શકીશું. યહોવાની જેમ ભાઈ-બહેનોમાં સારા ગુણો જોઈને બતાવી આપીએ છીએ કે, આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. મોટી વિપત્તિ દરમિયાન પણ આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો પડશે. મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરશે? ધ્યાન આપો કે પ્રાચીન સમયમાં જ્યારે બાબેલોન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે યહોવાએ પોતાના લોકોને કયું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેઓને કહ્યું હતું: “ઓ મારા લોકો, તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) બની શકે કે, મોટી વિપત્તિ દરમિયાન કદાચ યહોવાના લોકોએ પણ એવું જ કરવું પડે. w૨૩.૦૭ ૬-૭ ¶૧૪-૧૬

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૨

“આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.”—૧ કોરીં. ૭:૩૧.

તમારી શાખ વાજબી વ્યક્તિ તરીકેની હોય. પોતાને પૂછો: ‘લોકો મારા વિશે શું વિચારે છે? શું હું વાજબી છું? શું હું નમવા કે ફેરફારો કરવા તૈયાર છું? કે પછી લોકો મને કઠોર અને જિદ્દી સમજે છે? શું હું તેઓની વાત સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓની વાત માનું છું?’ જેટલા વધારે વાજબી હોઈશું, એટલું વધારે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીશું. સંજોગો બદલાય ત્યારે વાજબી બનવાની જરૂર છે, એટલે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની જરૂર છે. અમુક ફેરફારોને લીધે આપણા સામે એવી મુશ્કેલી આવે, જેના વિશે વિચાર્યું પણ ન હોય. કદાચ અચાનક તબિયત બગડી જાય. અથવા આર્થિક કે રાજકીય ફેરફારોને લીધે રાતોરાત આપણું જીવન અઘરું બની જાય. (સભા. ૯:૧૧) એવું પણ બને કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાઈ જાય. જો આ ચાર પગલાં ભરીશું, તો નવા સંજોગોમાં પોતાને ઢાળવા સહેલું થઈ જશે: (૧) હકીકત સ્વીકારો, (૨) પહેલાં જે કરી શકતા હતા એનો વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો, (૩) સારી વાતો પર મન લગાડો અને (૪) બીજાઓ માટે કંઈક કરો. w૨૩.૦૭ ૨૧-૨૨ ¶૭-૮

શનિવાર, સપ્ટેમ્બર ૧૩

“તું અતિ પ્રિય છે.”—દાનિ. ૯:૨૩.

બાબેલોનીઓ પ્રબોધક દાનિયેલને ગુલામ બનાવીને લઈ ગયા, ત્યારે તે યુવાન હતા. તેઓ તેમને પોતાના ઘર યરૂશાલેમથી ખૂબ દૂર બાબેલોન લઈ ગયા. ભલે દાનિયેલ યુવાન હતા, પણ બાબેલોનના અધિકારીઓનું ધ્યાન તેમના પર ગયું. તેઓએ તેમનો “બહારનો દેખાવ” જોયો, એટલે કે તેઓએ જોયું કે દાનિયેલ “ખોડખાંપણ વગરના અને દેખાવડા” હતા તેમજ ઉચ્ચ કુળના હતા. (૧ શમુ. ૧૬:૭) એટલે બાબેલોનીઓએ તેમને તાલીમ આપી, જેથી તે રાજાના મહેલમાં સેવા કરી શકે. (દાનિ. ૧:૩, ૪, ૬) યહોવા દાનિયેલને પ્રેમ કરતા હતા. કેમ કે, તેમણે યહોવાને વફાદાર રહેવાનું પસંદ કર્યું હતું. હકીકતમાં જ્યારે યહોવાએ દાનિયેલ વિશે કહ્યું કે તે નૂહ અને અયૂબ જેવા છે, ત્યારે તે વીસેક વર્ષના જ હતા. આમ યહોવાએ યુવાન દાનિયેલને નૂહ અને અયૂબની જેમ નેક ગણ્યા, જેઓએ વર્ષો સુધી યહોવાની ભક્તિ વફાદારીથી કરી હતી. (ઉત. ૫:૩૨; ૬:૯, ૧૦; અયૂ. ૪૨:૧૬, ૧૭; હઝકિ. ૧૪:૧૪) દાનિયેલ લાંબું જીવન જીવ્યા અને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પણ યહોવા હંમેશાં દાનિયેલને પ્રેમ કરતા રહ્યા.—દાનિ. ૧૦:૧૧, ૧૯. w૨૩.૦૮ ૨ ¶૧-૨

રવિવાર, સપ્ટેમ્બર ૧૪

‘સત્યની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજો.’—એફે. ૩:૧૮.

જ્યારે તમે એક ઘર ખરીદવા માંગો છો, ત્યારે તમે પોતે એ ઘરમાં જઈને એની તપાસ કરશો. બાઇબલ વાંચીએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણે એવું જ કરીએ છીએ. જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું, તો કદાચ ઉપરછલ્લી જ માહિતી મળશે, એટલે કે “ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ” જ જાણી શકીશું. (હિબ્રૂ. ૫:૧૨) જેમ ઘર વિશે જાણવા એની અંદર જવું જરૂરી છે, તેમ બાઇબલને પૂરી રીતે સમજવા એનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ કરવાની સૌથી સારી રીત છે, બાઇબલનો એક ભાગ બીજા ભાગ સાથે કઈ રીતે જોડાયેલો છે એ જુઓ. અભ્યાસ કરતી વખતે એ સમજવાની કોશિશ કરો કે તમે શું માનો છો અને કેમ માનો છો. બાઇબલને પૂરી રીતે સમજવા એમાં રહેલા ઊંડા શિક્ષણનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પ્રેરિત પાઉલે ખ્રિસ્તી ભાઈ-બહેનોને વિનંતી કરી કે તેઓ ઈશ્વરના વચનનો સારી રીતે અભ્યાસ કરે, જેથી તેઓ સત્યની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકે.’ એમ કરવાથી તેઓનાં ‘મૂળ ઊંડાં ઊતર્યાં’ હોત અને તેઓ “શ્રદ્ધાના પાયાને વળગી” રહ્યા હોત. (એફે. ૩:૧૪-૧૯, ફૂટનોટ) આપણે પણ એવું જ કરવું જોઈએ. w૨૩.૧૦ ૧૮-૧૯ ¶૧-૩

સોમવાર, સપ્ટેમ્બર ૧૫

“ભાઈઓ, દુઃખો સહેવામાં અને ધીરજ ધરવામાં પ્રબોધકોના દાખલાને અનુસરો, જેઓ યહોવાના નામે બોલ્યા હતા.”—યાકૂ. ૫:૧૦.

બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ ધીરજ બતાવી હતી. સારું રહેશે કે આપણે એ દાખલાઓનો અભ્યાસ કરીએ. જેમ કે, દાઉદ વિશે અભ્યાસ કરી શકીએ. તેમનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો ત્યારે તે ઘણા નાના હતા. પણ રાજા બનવા માટે તેમણે ઘણાં વર્ષો રાહ જોવી પડી. શિમયોન અને હાન્‍નાએ મસીહને જોવા વર્ષો સુધી રાહ જોઈ અને એ દરમિયાન તેઓ બંને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યાં. (લૂક ૨:૨૫, ૩૬-૩૮) એ અહેવાલો વાંચતી વખતે આ સવાલોનો વિચાર કરો: ‘એ ઈશ્વરભક્ત કેમ ધીરજ બતાવી શક્યા? ધીરજ બતાવવાને લીધે તેમને કેવા ફાયદા થયા? હું કેવી રીતે તેમના પગલે ચાલી શકું?’ તમે એવા લોકોના પણ અહેવાલ વાંચી શકો જેઓએ ધીરજ બતાવી ન હતી. (૧ શમુ. ૧૩:૮-૧૪) તેઓ વિશે અભ્યાસ કરતી વખતે વિચારી શકો: ‘તેઓ કેમ ધીરજ બતાવી ન શક્યા? એના લીધે તેઓએ કેવાં પરિણામો ભોગવવાં પડ્યાં?’ w૨૩.૦૮ ૨૪ ¶૧૫

મંગળવાર, સપ્ટેમ્બર ૧૬

“અમે માનીએ છીએ અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.”—યોહા. ૬:૬૯.

પ્રેરિત પિતર વફાદાર શિષ્ય હતા. તેમણે ક્યારેય ઈસુને પગલે ચાલવાનું છોડ્યું નહિ. એક પ્રસંગે તેમની વફાદારી દેખાઈ આવી. ઈસુએ એવું કંઈક કહ્યું હતું, જે તેમના શિષ્યો સમજી ન શક્યા. (યોહા. ૬:૬૮) એ વિશે ઈસુ કોઈ સમજણ આપે એની રાહ જોયા વગર જ ઘણા લોકોએ ઈસુના પગલે ચાલવાનું છોડી દીધું. પણ પિતરે એવું ન કર્યું. તે પારખી ગયા કે “હંમેશ માટેના જીવનની વાતો” ફક્ત ઈસુ પાસે છે. ઈસુ જાણતા હતા કે પિતર અને બીજા પ્રેરિતો તેમને છોડી દેશે. તોપણ ઈસુએ પિતરને કહ્યું કે તેમને ભરોસો છે કે પિતર પાછા ફરશે અને વફાદાર રહેશે. (લૂક ૨૨:૩૧, ૩૨) ઈસુ સમજતા હતા કે “મન તો તૈયાર છે, પણ શરીર કમજોર છે.” (માર્ક ૧૪:૩૮) એટલે પિતરે ઈસુને ઓળખવાની ના પાડી એ પછી પણ ઈસુએ પોતાના પ્રેરિતને છોડી ન દીધા. જીવતા થયા પછી ઈસુ પિતર આગળ પ્રગટ થયા. એ વખતે કદાચ પિતર એકલા હતા. (માર્ક ૧૬:૭; લૂક ૨૪:૩૪; ૧ કોરીં. ૧૫:૫) જરા વિચારો, નિરાશામાં ડૂબી ગયેલા પિતરને કેટલું ઉત્તેજન મળ્યું હશે! w૨૩.૦૯ ૨૨ ¶૯-૧૦

બુધવાર, સપ્ટેમ્બર ૧૭

“સુખી છે એ લોકો, જેઓનાં ખોટાં કામ માફ થયાં છે અને જેઓનાં પાપ ભૂંસી નાખવામાં આવ્યાં છે.”—રોમ. ૪:૭.

યહોવા એ લોકોનાં પાપ માફ કરે છે અથવા ઢાંકી દે છે, જેઓ તેમનામાં શ્રદ્ધા મૂકે છે. તે તેઓને પૂરી રીતે માફ કરે છે અને તેઓનાં પાપનો હિસાબ રાખતા નથી. (ગીત. ૩૨:૧, ૨) તેઓની શ્રદ્ધાને લીધે તે તેઓને નિર્દોષ અને નેક ગણે છે. ઇબ્રાહિમ, દાઉદ અને બીજા વફાદાર ઈશ્વરભક્તોમાં પાપની અસર હતી અને અમુક વાર તેઓથી ભૂલો થઈ ગઈ. તોપણ તેઓની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેઓને નેક ગણ્યા. ખાસ કરીને, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ન હતા એવા લોકોની સરખામણીમાં એ ભક્તોને વધારે નિર્દોષ ગણ્યા. (એફે. ૨:૧૨) રોમનોના પત્રમાં પ્રેરિત પાઉલે જણાવ્યું કે ઈશ્વરના મિત્ર બનવા શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. એ વાત ઇબ્રાહિમ અને દાઉદના કિસ્સામાં સાચી હતી અને આપણા કિસ્સામાં પણ એટલી જ સાચી છે. w૨૩.૧૨ ૩ ¶૬-૭

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૮

“હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ, એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ છે. ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.”—હિબ્રૂ. ૧૩:૧૫.

આજે બધા જ ઈશ્વરભક્તો પાસે યહોવાને પોતાનાં અર્પણો ચઢાવવાનો લહાવો છે. એવું તેઓ રાજ્યનાં કામ માટે પોતાનો સમય, શક્તિ અને ધનસંપત્તિ આપીને કરે છે. તો પછી ચાલો, યહોવાને સૌથી સારાં બલિદાનો ચઢાવીએ અને બતાવી આપીએ કે ભક્તિ કરવાનો તેમણે જે લહાવો આપ્યો છે, એની આપણે કેટલી કદર કરીએ છીએ. પ્રેરિત પાઉલે ભક્તિ વિશેની અમુક બાબતો જણાવી, જે આપણે હંમેશાં કરવી જોઈએ. (હિબ્રૂ. ૧૦:૨૨-૨૫) જેમ કે, યહોવાને પ્રાર્થના કરીએ, બીજાઓને ખુશખબર જણાવીએ, મંડળની સભાઓમાં ભેગા મળીએ અને ‘યહોવાનો દિવસ નજીક આવતો જોઈએ તેમ’ એકબીજાને વધારે ઉત્તેજન આપીએ. પ્રકટીકરણના પુસ્તકના અંત ભાગમાં યહોવાના દૂતે કહ્યું: “ઈશ્વરની ભક્તિ કર!” (પ્રકટી. ૧૯:૧૦; ૨૨:૯) એવું તેણે બે વાર કહ્યું, જે બતાવે છે કે એ કેટલું મહત્ત્વનું છે! તો પછી ચાલો યહોવાના ભવ્ય મંદિર વિશે આપણે જે ઊંડું સત્ય શીખ્યા એને કદી ન ભૂલીએ. એ પણ ન ભૂલીએ કે આપણા મહાન ઈશ્વરે તેમની ભક્તિ કરવાનો આપણને કેટલો મોટો લહાવો આપ્યો છે. w૨૩.૧૦ ૨૮-૨૯ ¶૧૭-૧૮

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૯

“એકબીજાને પ્રેમ કરતા રહીએ.”—૧ યોહા. ૪:૭.

આપણે ‘એકબીજાને પ્રેમ કરતા રહેવા’ માંગીએ છીએ. પણ આપણે ઈસુની આ ચેતવણી યાદ રાખવી જોઈએ: “ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.” (માથ. ૨૪:૧૨) ઈસુના કહેવાનો અર્થ એ ન હતો કે તેમના મોટા ભાગના શિષ્યોનો પ્રેમ ઠંડો પડી જશે. પણ આપણે સાવચેત રહેવું જોઈએ કે દુનિયાના વિચારો આપણામાં આવી ન જાય. કેમ કે આજે દુનિયામાં પ્રેમ જેવું કંઈ રહ્યું જ નથી. તો ચાલો આ મહત્ત્વના સવાલ પર ધ્યાન આપીએ: શું એવી કોઈક રીત છે, જેનાથી જાણી શકાય કે ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરીએ છીએ? એ જાણવાની એક રીત છે: અમુક સંજોગોમાં આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પર ધ્યાન આપવું. (૨ કોરીં. ૮:૮) પ્રેરિત પિતરે એવા જ એક સંજોગ વિશે જણાવ્યું: “ખાસ કરીને, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો, કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” (૧ પિત. ૪:૮) એ સાચું છે કે ક્યારેક કોઈ ભાઈ કે બહેનથી ભૂલ થઈ જાય અથવા તેમના લીધે આપણને ખોટું લાગે. પણ એ સમયે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી જાણી શકાય કે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. w૨૩.૧૧ ૧૦ ¶૧૨-૧૩

શનિવાર, સપ્ટેમ્બર ૨૦

“તમે એકબીજા પર પ્રેમ રાખો.”—યોહા. ૧૩:૩૪.

જો આપણે મંડળમાં અમુક ભાઈ-બહેનોને પ્રેમ કરીશું અને અમુકને નહિ કરીએ, તો પ્રેમ વિશેની ઈસુની આજ્ઞા પાળી નહિ શકીએ. એ સાચું કે કદાચ અમુક ભાઈ-બહેનો આપણને વહાલાં હોય. ઈસુના કિસ્સામાં પણ એ વાત સાચી હતી. (યોહા. ૧૩:૨૩; ૨૦:૨) પણ પ્રેરિત પિતરે યાદ અપાવ્યું કે આપણે એકબીજાને ‘ભાઈઓ જેવો પ્રેમ’ બતાવવો જોઈએ, જાણે કે તેઓ કુટુંબના સભ્યો હોય. (૧ પિત. ૨:૧૭) પિતરે લખ્યું: “પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.” (૧ પિત. ૧:૨૨) અહીં “પૂરા દિલથી” પ્રેમ કરવાનો અર્થ થાય કે કોઈને પ્રેમ બતાવવો અઘરું લાગતું હોય, તોપણ પ્રેમ કરવો. દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન તમને દુઃખ પહોંચાડે તો શું? કદાચ પહેલો વિચાર જેવા સાથે તેવા થવાનો આવે. પણ પિતર ઈસુ પાસેથી શીખ્યા હતા કે જો બદલો લેવાની ભાવના રાખીશું, તો ઈશ્વર ખુશ નહિ થાય. (યોહા. ૧૮:૧૦, ૧૧) પિતરે લખ્યું: “બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો. એના બદલે, સામે આશીર્વાદ આપો.” (૧ પિત. ૩:૯) જો એકબીજાને પૂરા દિલથી પ્રેમ કરીશું, તો ભાઈ-બહેનો સાથે સારી રીતે વર્તી શકીશું. w૨૩.૦૯ ૨૮-૨૯ ¶૯-૧૧

રવિવાર, સપ્ટેમ્બર ૨૧

‘એ જ રીતે, સ્ત્રીઓ દરેક વાતે મર્યાદા રાખનાર અને બધાં કાર્યોમાં વિશ્વાસુ હોવી જોઈએ.’—૧ તિમો. ૩:૧૧.

અમુક લોકો કહેતા હોય છે, ‘બાળકો કેમનાં મોટાં થાય છે, એ ખબર પણ પડતી નથી.’ એ વાત સાચી છે. પણ પરિપક્વ કે અનુભવી ખ્રિસ્તી બનવા મહેનત કરવી પડે છે. એમ આપોઆપ બની જવાતું નથી. (૧ કોરીં. ૧૩:૧૧; હિબ્રૂ. ૬:૧) એ માટે જરૂરી છે કે યહોવા સાથેનો આપણો સંબંધ એકદમ ગાઢ હોય. આપણને પવિત્ર શક્તિની પણ જરૂર છે, જેથી ઈશ્વર ખુશ થાય એવા ગુણો કેળવી શકીએ, અમુક આવડતો કેળવી શકીએ અને ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા હમણાંથી જ તૈયારી કરી શકીએ. (નીતિ. ૧:૫) યહોવાએ માણસોને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં છે. (ઉત. ૧:૨૭) પુરુષો અને સ્ત્રીઓના શરીરનો બાંધો અલગ હોય છે. પણ તેઓ બીજી અમુક રીતોએ પણ અલગ હોય છે. દાખલા તરીકે, યહોવાએ પુરુષો અને સ્ત્રીઓને જુદી જુદી જવાબદારીઓ આપી છે. એટલે તેઓએ એવાં ગુણો અને આવડતો કેળવવાની જરૂર છે, જેથી તેઓને પોતપોતાની જવાબદારી ઉપાડવા મદદ મળે.—ઉત. ૨:૧૮. w૨૩.૧૨ ૧૮ ¶૧-૨

સોમવાર, સપ્ટેમ્બર ૨૨

‘બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરાના નામે બાપ્તિસ્મા આપો.’—માથ. ૨૮:૧૯.

શું ઈસુ એ ચાહતા હતા કે બીજાઓ તેમના પિતાનું નામ જાણે અને એ નામથી તેમને બોલાવે? હા ચોક્કસ. અમુક ધાર્મિક આગેવાનો કદાચ માનતા હતા કે ઈશ્વરનું નામ એટલું પવિત્ર છે કે એ મોં પર આવવું ન જોઈએ. પણ એવી માન્યતા શાસ્ત્રને આધારે નથી. ઈસુએ એવી માન્યતાઓને પોતાના વિચારો પર હાવી થવા ન દીધી. તે પિતાના નામનો મહિમા કરતા રહ્યા. આ દાખલાનો વિચાર કરો: ગેરસાનીઓના પ્રદેશમાં ઈસુએ એક એવા માણસને સાજો કર્યો, જે દુષ્ટ દૂતોના કાબૂમાં હતો. એ પ્રદેશના લોકો ખૂબ ડરી ગયા અને ઈસુને ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરવા લાગ્યા. (માર્ક ૫:૧૬, ૧૭) પણ ઈસુ ચાહતા હતા કે ત્યાંના લોકો યહોવાનું નામ જાણે એટલે તેમણે સાજા થયેલા માણસને એક આજ્ઞા કરી. તેણે લોકોને જણાવવાનું હતું કે યહોવાએ તેના માટે શું કર્યું છે, નહિ કે ઈસુએ. (માર્ક ૫:૧૯) આજે પણ ઈસુની ઇચ્છા એ જ છે. તે ચાહે છે કે આપણે આખી દુનિયાના લોકોને તેમના પિતાનું નામ જણાવીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૨૦) એમ કરીને આપણા રાજા ઈસુને ખુશ કરીએ છીએ. w૨૪.૦૨ ૧૦ ¶૧૦

મંગળવાર, સપ્ટેમ્બર ૨૩

“તેં મારા નામને લીધે સહન કર્યું છે.”—પ્રકટી. ૨:૩.

દુનિયાના અંતના સમયમાં જીવન બહુ અઘરું થઈ ગયું છે. તોપણ આપણે ખુશ છીએ. કેમ કે આપણે યહોવાના કુટુંબનો ભાગ છીએ. યહોવાએ આપણને ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને સંપીને રહે છે. (ગીત. ૧૩૩:૧) કુટુંબમાં ખુશીઓ લાવવા પણ યહોવા મદદ કરે છે. (એફે. ૫:૩૩–૬:૧) એટલું જ નહિ, ચિંતાઓનો સામનો કરવા અને ખુશ રહેવા યહોવા આપણને સમજણ અને બુદ્ધિ આપે છે. પણ યહોવાની ભક્તિમાં લાગુ રહેવા સખત મહેનત કરવાની છે. શા માટે? કારણ કે અમુક વાર બીજાઓ એવું કંઈક કહે અથવા કરે, જેનાથી આપણને ઠેસ પહોંચે. કદાચ પોતાની ભૂલોને લીધે નિરાશ થઈ જઈએ, ખાસ કરીને એ ભૂલો વારંવાર થઈ જાય ત્યારે. આપણે જોઈશું કે (૧) જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણને દુઃખ પહોંચાડે (૨) જ્યારે જીવનસાથી આપણું દિલ તોડે અને (૩) જ્યારે પોતાની ભૂલને લીધે નિરાશ થઈ જઈએ, ત્યારે કઈ રીતે યહોવાની સેવામાં લાગુ રહી શકીએ અને તેમને વફાદાર રહી શકીએ. w૨૪.૦૩ ૧૪ ¶૧-૨

બુધવાર, સપ્ટેમ્બર ૨૪

“આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.

સમયે સમયે તમને એવાં ભાઈ-બહેનોના અનુભવો સાંભળવા મળશે, જેઓ યહોવાની સેવામાં વધારે કરવા આગળ આવ્યાં છે. કદાચ તેઓ રાજ્ય પ્રચારકોની શાળામાં ગયાં છે અથવા જ્યાં વધારે જરૂર હોય ત્યાં સેવા આપવા ગયાં છે. જો તમારા સંજોગો સારા હોય, તો શું તમે એવો કોઈ ધ્યેય રાખી શકો? યહોવાના સેવકો તેમની સેવામાં વધારે કરવાની દરેક તક ઝડપી લેવા આતુર હોય છે. (પ્રે.કા. ૧૬:૯) જો તમે હમણાં એ ધ્યેયો પૂરા કરી શકતા ન હો તો શું? એવું ન વિચારશો કે એ ભાઈ-બહેનોની સરખામણીમાં તમે કંઈ કરતા નથી. જીવનની દોડમાં ઊભા રહી જવાને બદલે દોડતા રહો, એ વધારે મહત્ત્વનું છે. (માથ. ૧૦:૨૨) તમારા સંજોગો પ્રમાણે તમે જે કંઈ કરી શકો છો, એને ઓછું ન આંકો. પૂરી પ્રમાણિકતાથી તમે યહોવાની સેવામાં જે કંઈ કરો છો એને તે કીમતી ગણે છે. બાપ્તિસ્મા પછી પણ ઈસુની પાછળ ચાલતા રહેવાની એ એક રીત છે.—ગીત. ૨૬:૧, ફૂટનોટ. w૨૪.૦૩ ૧૦ ¶૧૧

ગુરુવાર, સપ્ટેમ્બર ૨૫

“ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા.”—કોલો. ૨:૧૩.

સ્વર્ગમાંના આપણા પિતાએ વચન આપ્યું છે કે જો આપણે પસ્તાવો કરીશું, તો તે આપણને માફ કરશે. (ગીત. ૮૬:૫) એટલે જો પાપ માટે સાચા દિલથી પસ્તાવો કર્યો હોય, તો ખાતરી રાખી શકીએ કે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે અને આપણને માફ કર્યા છે. યાદ રાખીએ કે યહોવા વાજબી છે. તે આપણી પાસેથી ગજા બહારની અપેક્ષા નથી રાખતા. તેમની તન-મનથી સેવા કરવા આપણે જે કંઈ કરીએ છીએ, એને તે કીમતી ગણે છે. વધુમાં આપણે બાઇબલમાં આપેલા ઈશ્વરભક્તોના દાખલા પર વિચાર કરીએ, જેઓએ પૂરા દિલથી યહોવાની સેવા કરી હતી. પ્રેરિત પાઉલનો વિચાર કરો. વર્ષો સુધી તેમણે યહોવાની સેવામાં સખત મહેનત કરી, હજારો કિલોમીટરની મુસાફરી કરી અને ઘણાં મંડળો શરૂ કર્યાં. પણ સમય જતાં તેમના સંજોગો બદલાઈ ગયા અને તે પહેલાં જેટલો પ્રચાર કરી શકતા ન હતા. તો શું એનો અર્થ એ કે યહોવા તેમનાથી ખુશ ન હતા? ના! પાઉલ પોતાનાથી થાય એટલું કરતા રહ્યા અને યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧) એવી જ રીતે, સંજોગો પ્રમાણે આપણે અમુક વાર વધારે કરી શકીએ છીએ, તો અમુક વાર ઓછું. પણ યહોવાની સેવા કયા ઇરાદાથી કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. w૨૪.૦૩ ૨૭ ¶૭, ૯

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૬

‘વહેલી સવારે, ઈસુ એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા.’—માર્ક ૧:૩૫.

ઈસુએ પ્રાર્થના વિશે પોતાના શિષ્યો માટે સૌથી સારો દાખલો બેસાડ્યો. પોતાના આખા સેવાકાર્ય દરમિયાન તેમણે યહોવાને વારંવાર પ્રાર્થના કરી. ઘણી વાર તે લોકોથી ઘેરાયેલા રહેતા અને કામમાં ખૂબ વ્યસ્ત રહેતા. એટલે પ્રાર્થના કરવા તે પહેલેથી જ સમય કાઢતા. (માર્ક ૬:૩૧, ૪૫, ૪૬) તે વહેલી સવારે ઊઠીને એકાંતમાં યહોવા સાથે વાત કરતા. એક વખત જ્યારે એક મોટો નિર્ણય લેવાનો હતો, ત્યારે તેમણે આખી રાત પ્રાર્થના કરી. (લૂક ૬:૧૨, ૧૩) મરણની આગલી રાતે ઈસુએ ઘણી વાર પ્રાર્થના કરી, કેમ કે તે પોતાને મળેલી સૌથી અઘરી સોંપણી પૂરી કરવા માંગતા હતા. (માથ. ૨૬:૩૯, ૪૨, ૪૪) ઈસુના દાખલામાંથી શીખીએ છીએ કે વ્યસ્ત હોઈએ તોપણ આપણે પ્રાર્થના કરવા સમય કાઢવો જોઈએ. ઈસુની જેમ આપણે પણ કદાચ પ્રાર્થના કરવા સમય નક્કી કરી શકીએ. કદાચ આપણે વહેલી સવારે અથવા રાતે પ્રાર્થના કરી શકીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે યહોવાએ પ્રાર્થનાની જે ભેટ આપી છે, એની ખૂબ કદર કરીએ છીએ. w૨૩.૦૫ ૩ ¶૪-૫

શનિવાર, સપ્ટેમ્બર ૨૭

“ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિથી આપણાં હૃદયોમાં ઈશ્વરનો પ્રેમ રેડવામાં આવ્યો છે.”—રોમ. ૫:૫.

આજની કલમમાં “રેડવામાં આવ્યો છે,” શબ્દો પર ધ્યાન આપો. બાઇબલનો એક શબ્દકોશ એ વિશે આમ કહે છે: “પાણીની ધારાની જેમ આપણા ઉપર આવ્યો છે.” કેટલું જોરદાર શબ્દચિત્ર! એ બતાવે છે કે યહોવાના દિલમાં અભિષિક્તો માટે કેટલો બધો પ્રેમ છે. અભિષિક્તો પણ જાણે છે કે ઈશ્વર તેઓને “પ્રેમ કરે છે.” (યહૂ. ૧) તેઓની એ લાગણી વિશે પ્રેરિત યોહાને લખ્યું: “જુઓ, પિતાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે આપણને તેમનાં બાળકો ગણાવાનો લહાવો આપ્યો છે!” (૧ યોહા. ૩:૧) શું યહોવા ફક્ત અભિષિક્તોને જ પ્રેમ કરે છે? ના, યહોવાએ સાબિત કર્યું છે કે તે આપણને બધાને પ્રેમ કરે છે. યહોવાના પ્રેમની સૌથી મોટી સાબિતી કઈ છે? ઈસુનું બલિદાન. શું આખા બ્રહ્માંડમાં એવો પ્રેમ બીજું કોઈ બતાવી શકે?—યોહા. ૩:૧૬; રોમ. ૫:૮. w૨૪.૦૧ ૨૮ ¶૯-૧૦

રવિવાર, સપ્ટેમ્બર ૨૮

“હું મદદનો પોકાર કરીશ એ દિવસે મારા વેરીઓ પીછેહઠ કરશે. મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર મારી સાથે છે.”—ગીત. ૫૬:૯.

આજની કલમમાં એક રીત જોવા મળે છે, જેનાથી દાઉદને પોતાનો ડર દૂર કરવા મદદ મળી. જીવન જોખમમાં હતું, પણ તેમણે વિચાર કર્યો કે યહોવા ભાવિમાં તેમના માટે શું કરવાના છે. દાઉદ જાણતા હતા કે યહોવા યોગ્ય સમયે તેમને બચાવશે. કેમ કે યહોવાએ જ કહ્યું હતું કે શાઉલ પછી દાઉદ ઇઝરાયેલના રાજા બનશે. (૧ શમુ. ૧૬:૧, ૧૩) દાઉદને પૂરી ખાતરી હતી કે યહોવા પોતાનું વચન પૂરું કરીને જ રહે છે. યહોવાએ તમારા માટે શું કરવાનું વચન આપ્યું છે? આપણે એવી આશા નથી રાખતા કે યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકી દેશે. પણ યાદ રાખો કે આ દુનિયામાં તમારા પર જે પણ મુશ્કેલીઓ આવે છે, એને યહોવા નવી દુનિયામાં દૂર કરી દેશે. (યશા. ૨૫:૭-૯) આપણા સર્જનહાર એટલા શક્તિશાળી છે કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે, બીમારીઓ દૂર કરી શકે છે, દિલ પર લાગેલા ઘા સાજા કરી શકે છે અને આપણા બધા વિરોધીઓનો સફાયો કરી શકે છે.—૧ યોહા. ૪:૪. w૨૪.૦૧ ૬ ¶૧૨-૧૩

સોમવાર, સપ્ટેમ્બર ૨૯

“સુખી છે એ માણસ, જેનો અપરાધ માફ થયો છે, જેનું પાપ ભૂંસી નાખવામાં આવ્યું છે.”—ગીત. ૩૨:૧.

તમારાં સમર્પણ અને બાપ્તિસ્માનો વિચાર કરો. તમે કેમ એ પગલાં ભર્યાં હતાં? કેમ કે તમે યહોવાનો પક્ષ લેવા માંગતા હતા. જરા વિચારો કે, એ સમયે તમને શાનાથી ખાતરી થઈ હતી કે તમે જે શીખો છો એ જ સાચું છે. તમે યહોવા વિશેનું ખરું જ્ઞાન લીધું. તમે તેમનો આદર કરવા લાગ્યા અને પોતાના પિતાની જેમ તેમને પ્રેમ કરવા લાગ્યા. તેમના પરની તમારી શ્રદ્ધા વધતી ગઈ અને તમને ખોટાં કામો માટે પસ્તાવો કરવાનું મન થયું. તમે યહોવા ધિક્કારે છે એવાં કામો કરવાનું છોડી દીધું અને તેમને ગમે છે એવાં કામો કરવા લાગ્યા. પછી જ્યારે તમને અહેસાસ થયો કે યહોવાએ તમને માફ કરી દીધા છે, ત્યારે તમને રાહત મળી. (ગીત. ૩૨:૨) તમે સભાઓમાં જવા લાગ્યા અને બાઇબલમાંથી શીખેલી જોરદાર વાતો બીજાઓને જણાવવા લાગ્યા. પછી તમે પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું. હવે તમે જીવન તરફ લઈ જતા રસ્તા પર ચાલો છો અને પાકો નિર્ણય લીધો છે કે હંમેશાં એ રસ્તા પર ચાલતા રહેશો. (માથ. ૭:૧૩, ૧૪) તમે દૃઢ રહેશો, અડગ રહેશો અને હંમેશાં યહોવાને પ્રેમ કરતા રહેશો અને તેમની આજ્ઞાઓ પાળતા રહેશો. w૨૩.૦૭ ૧૭ ¶૧૪; ૧૯ ¶૧૯

મંગળવાર, સપ્ટેમ્બર ૩૦

“ઈશ્વર વિશ્વાસુ છે. તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. તમારા પર કસોટી આવે ત્યારે, તે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.”—૧ કોરીં. ૧૦:૧૩.

સમર્પણના વચન પર વિચાર કરવાથી તમને લાલચનો સામનો કરવા હિંમત મળશે. દાખલા તરીકે, શું તમે કોઈના જીવનસાથી સાથે ફ્લર્ટ કરશો? ના. તમે યહોવાને પહેલેથી વચન આપ્યું છે કે તમે એવું નહિ કરો. તમે ખોટી ઇચ્છાઓને તરત ઉખેડીને ફેંકી દેશો. આમ તમે એનાં મૂળ ઊંડાં ઊતરવા નહિ દો અને પછીથી એને કાઢી નાખવાની માથાકૂટમાંથી બચી જશો. તમે ‘દુષ્ટોના માર્ગમાં નહિ જાઓ.’ (નીતિ. ૪:૧૪, ૧૫) ઈસુના દાખલાનો વિચાર કરો. તેમણે પાકો નિર્ણય કર્યો હતો કે તે તેમના પિતાને ખુશ કરશે. તમે પણ તમારું જીવન યહોવાને સમર્પિત કર્યું છે. એટલે ઈસુની જેમ એવી દરેક બાબતને તરત જ ના પાડી દો, જેનાથી તમારા પિતા યહોવા નારાજ થાય છે. (માથ. ૪:૧૦; યોહા. ૮:૨૯) મુશ્કેલીઓ અને કસોટીઓ આવે ત્યારે એ બતાવવાનો મોકો મળે છે કે તમે દરેક સંજોગમાં ઈસુની ‘પાછળ ચાલતા રહેવા’ માંગો છો. એમ કરો ત્યારે ખાતરી રાખજો કે યહોવા તમને મદદ કરશે. w૨૪.૦૩ ૯-૧૦ ¶૮-૧૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો