નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કોણ કરે છે?
“તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.
યહોવાહ પરમેશ્વરે, સદીઓ પહેલાં ભાખ્યું હતું કે અંતના સમયમાં કંઈક મહત્ત્વનો બનાવ બનશે. તેમણે પોતાના ભક્ત યશાયાહ દ્વારા કહ્યું કે “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવાહ ઠરાવેલે સમયે તે જલદી કરીશ.”—યશાયાહ ૬૦:૨૨.
૨ શું આજે એવા કોઈ પુરાવાઓ છે કે આ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ રહી છે? હા, અઢળક પુરાવાઓ છે! વર્ષ ૧૮૭૦ના દાયકા દરમિયાન, યુ.એસ.એ.માં આવેલા, એલેઘની, પેન્સિલ્વેનીયામાં યહોવાહના લોકોના મંડળની રચના થઈ. આવી નાની શરૂઆતથી, આખા જગતમાં હજારો મંડળ સ્થપાયા. લાખો પ્રચારકો એક બળવાન પ્રજા તરીકે હમણાં આખી પૃથ્વી પર ૨૩૫ દેશોમાં ૯૧,૦૦૦ કરતાં વધારે મંડળો સાથે કાર્ય કરી રહ્યા છે. ખરેખર, એ ખાતરી આપે છે કે નજીક આવી રહેલી “મોટી વિપત્તિ” ફાટી નીકળે એ પહેલાં, યહોવાહ પોતાના સાચા ભક્તોને એકઠાં કરી રહ્યાં છે.—માત્થી ૨૪:૨૧; પ્રકટીકરણ ૭:૯-૧૪.
૩ યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યા પછી અને ઈસુએ આપેલી આજ્ઞા પાળીને, આ લાખો લોકો “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા પામે છે. (માત્થી ૨૮:૧૯) ‘બાપના નામે’ બાપ્તિસ્મા પામવાનો અર્થ એમ થાય છે કે આ સમર્પિત થયેલા લોકો યહોવાહને પોતાના સર્જનહાર પરમેશ્વર તરીકે સ્વીકારીને તેમની સર્વોપરિતાને આધીન થાય છે. ‘દીકરાના નામે’ બાપ્તિસ્મા પામવાનો અર્થ થાય છે કે તેઓ ઈસુ ખ્રિસ્તને, ખંડણી આપનાર, આગેવાન અને રાજા તરીકે સ્વીકારે છે. તેઓ એ પણ સ્વીકારે છે કે પરમેશ્વરનો પવિત્ર આત્મા તેમના જીવનને દોરે છે. આ બતાવે છે કે તેઓએ ‘પવિત્ર આત્માના નામે’ બાપ્તિસ્મા લીધું છે.
૪ બાપ્તિસ્મા સમયે આ નવા શિષ્યો યહોવાહ પરમેશ્વરના સેવકો તરીકે નિયુક્ત થાય છે. તેઓને કોણ નિયુક્ત કરે છે? તેઓને ૨ કોરીંથી ૩:૫ના શબ્દો લાગુ પડે છે કે, “અમે યોગ્ય નથી; અમારી [સેવક તરીકેની] યોગ્યતા દેવ તરફથી છે.” યહોવાહ દ્વારા નિયુક્ત થવું એના કરતાં સૌથી મોટો આશીર્વાદ શું હોય શકે! બાપ્તિસ્મા પછી, તેઓ પરમેશ્વરના ‘રાજ્યની સુવાર્તા’ જાહેર કરવા માટે તેમના જ્ઞાનમાં સતત વધતા રહે છે. વળી, તેઓ પરમેશ્વરના પવિત્ર આત્માનું માર્ગદર્શન સ્વીકારીને તેમની આજ્ઞાઓ પોતાના જીવનમાં લાગુ પાડે છે.—માત્થી ૨૪:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧.
લોકોથી નહિ, યહોવાહથી નીમાયેલા
૫ વધી રહેલા સેવકોને પરમેશ્વરનું જ્ઞાન પૂરું પાડવા માટે વિશ્વાસમાં પરિપક્વ નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની જરૂર છે. (ફિલિપી ૧:૧) આ પરિપક્વ સેવકોને કઈ રીતે નિયુક્ત કરવામાં આવે છે? કહેવાતા ખ્રિસ્તીઓની જેમ તેઓને નિયુક્ત કરવામાં આવતા નથી. દાખલા તરીકે, ખ્રિસ્તી સેવકોને મંડળના ભાઈબહેનોના વોટ મેળવીને પસંદ કરવામાં આવતા નથી. એના બદલે, આ નિયુક્તિ પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ, એટલે કે દેવશાહી રીતે કરવામાં આવે છે. એનો શું અર્થ થાય?
૬ સાદા શબ્દોમાં કહીએ તો, સાચી દેવશાહી એટલે પરમેશ્વર દ્વારા કરવામાં આવતું શાસન છે. યહોવાહના સાક્ષીઓ સ્વેચ્છાએ પરમેશ્વરના શાસનને આધીન રહીને, તેમની ઇચ્છા પ્રમાણે કરવા માટે સહકાર આપે છે. (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦; માત્થી ૬:૯, ૧૦) ખ્રિસ્તી નિરીક્ષકો અને સેવકાઈ ચાકરની નિયુક્તિ પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ જવાબદાર વ્યક્તિઓ માટે ભલામણ કરવી અને તેઓને નિયુક્ત કરવા સુધીની કાર્યવાહી, બાઇબલમાં આપવામાં આવેલાં પરમેશ્વરના ધોરણો પ્રમાણે કરવામાં આવે છે. યહોવાહ “સર્વોપરી અધિકારી” હોવાથી તેમનું સંગઠન કઈ રીતે કાર્ય કરશે એ પોતે નક્કી કરે છે.—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧; ગીતશાસ્ત્ર ૯૭:૯.
૭ ખ્રિસ્તીરાષ્ટ્રથી વિરુદ્ધ, યહોવાહના સાક્ષીઓ જે શાસન હેઠળ કાર્ય કરી રહ્યાં છે એમાં પરમેશ્વરના ધોરણો પ્રમાણે પસંદગી કરવામાં આવે છે. હા, તેઓ યહોવાહના ધોરણોને વળગી રહે છે. તેઓના નિરીક્ષકોને કોઈ મંડળકીય સત્તા, પાદરી કે ધર્મગુરુની સત્તાના આધારે નિયુક્ત કરવામાં આવતા નથી. વળી આ નિયુક્તિમાં કોઈ દુન્યવી બાબતો વચ્ચે આવે તો, એને યહોવાહના લોકો ચલાવી લેતા નથી. તેઓ પ્રેષિત પાઊલે પ્રથમ સદીમાં બતાવેલા ધોરણને વળગી રહે છે. તેમણે કહ્યું કે “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) આમ, સાક્ષીઓ દરેક બાબતમાં દેવને આધીન રહે છે. (હેબ્રી ૧૨:૯; યાકૂબ ૪:૭) દેવશાહી ગોઠવણને વળગી રહેવાથી પરમેશ્વરનો આશીર્વાદ મળે છે.
૮ એક મહાન પરમેશ્વરના સેવક તરીકે, આપણે દેવશાહી અને લોકશાહી વચ્ચેના તફાવતથી પરિચિત હોવા જોઈએ. લોકશાહીમાં લોકો મત આપીને વ્યક્તિને પસંદ કરતા હોય છે, જ્યારે દેવશાહીમાં એમ કરવામાં આવતું નથી. દેવશાહીમાં માણસો કે સરકાર તરફથી પણ નિયુક્તિ કરવામાં આવતી નથી. તેથી પાઊલે યહોવાહ અને ઈસુ દ્વારા પોતાની “વિદેશીઓનો પ્રેરિત” તરીકે નિયુક્તિ કર્યાનો ઉલ્લેખ કરતા, ગલાતીઓના મંડળને કહ્યું કે તે “માણસથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તથી તથા દેવ બાપ જેણે તેને મૂએલાંમાંથી ઉઠાડ્યો તેથી નીમાએલો” છે.—રૂમી ૧૧:૧૩; ગલાતી ૧:૧.
પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત
૯ પાઊલે એફેસીઓના નિરીક્ષકોને યાદ દેવડાવ્યું કે તેઓને પરમેશ્વરના પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આમ, નિરીક્ષકોને પરમેશ્વરના ટોળા પર અધ્યક્ષો તરીકે નીમવામાં આવ્યા હોવાથી, તેઓએ પોતાની ફરજ પ્રમાણે કરવા પવિત્ર આત્મા પર આધારિત રહેવું જોઈએ. જો કોઈ નિરીક્ષક પરમેશ્વરના ધોરણો પ્રમાણે ન જીવે તો, પવિત્ર આત્મા તેને તેના સ્થાન પરથી દૂર કરશે.
૧૦ કઈ રીતે પવિત્ર આત્મા મહત્ત્વનો ભાગ ભજવે છે? સૌ પ્રથમ તો, આત્મિક નિરીક્ષકો માટેની જરૂરી લાયકાતો પવિત્ર આત્મા દ્વારા બાઇબલમાં લખવામાં આવી છે. પાઊલે, તીમોથી અને તીતસને લખેલા પત્રમાં નિરીક્ષકો અને સેવકાઈ ચાકરો માટેની કંઈક ૧૬ લાયકાતો જણાવી. દાખલા તરીકે, નિરીક્ષક નિર્દોષ, સુવ્યવસ્થિત, પરોણાગત કરનાર, શીખવી શકે એવો, કુટુંબના શિર તરીકે સારા ઉદાહરણરૂપ હોવો જોઈએ. તે વધુ પડતું પીનાર કે લોભી નહિ પણ સહનશીલ હોવો જોઈએ. સેવકાઈ ચાકરોની નિયુક્તિમાં પણ આવી જ ઉચ્ચ લાયકાતો હોવી જરૂરી હતી.—૧ તીમોથી ૩:૧-૧૦, ૧૨, ૧૩; તીતસ ૧:૫-૯.
૧૧ આવા ઉચ્ચ ધોરણોનો નિચોડ એ છે કે યહોવાહની ભક્તિમાં આગેવાની લેનારાઓએ પોતાની ખ્રિસ્તી વર્તણૂકમાં સારું ઉદાહરણ બેસાડવું જોઈએ. મંડળમાં જવાબદારી ઉપાડનાર ભાઈએ પોતાના કાર્યોથી બતાવવું જોઈએ કે તે પવિત્ર આત્માની દોરવણી હેઠળ જીવે છે. (૨ તીમોથી ૧:૧૪) પવિત્ર આત્મા તેઓમાં “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા” જેવા ગુણો પેદા કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) એ ખ્રિસ્તી ભાઈબહેનો અને બીજાઓ સાથેના વ્યવહારમાં જોવા મળશે. દરેક નિરીક્ષકોમાં અલગ અલગ ગુણો વધતા-ઓછા પ્રમાણમાં હોય શકે. તેમ છતાં, નિરીક્ષક કે સેવકાઈ ચાકર તરીકે નિયુક્ત થવાની ઇચ્છા રાખનારાઓએ પોતાના સમગ્ર જીવનમાં બતાવવું જોઈએ કે તેઓ પરમેશ્વરના ધોરણો પ્રમાણે ચાલનારાઓ છે.
૧૨ પ્રેષિત પાઊલ બીજાઓને પોતાનું અનુકરણ કરવા ઉત્તેજન આપી શક્યા, કેમ કે તે પોતે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલનારા હતા જેમણે ‘તેમના પગલે ચાલવા માટે આપણને નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧; ૧ કોરીંથી ૧૧:૧) નિરીક્ષકો કે સેવકાઈ ચાકરોમાં બાઇબલમાં આપેલી લાયકાતો જોવા મળે ત્યારે કહી શકાય કે તેઓ પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.
૧૩ બીજી એક બાબત બતાવે છે કે કઈ રીતે પવિત્ર આત્મા નિરીક્ષકની ભલામણ અને નિયુક્તિમાં કાર્ય કરે છે. ઈસુએ કહ્યું કે “આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે.” (લુક ૧૧:૧૩) તેથી, મંડળની જવાબદારી સંભાળે એવા ભાઈની ભલામણ કરતા પહેલાં, સ્થાનિક મંડળના વડીલો પરમેશ્વર પાસે પવિત્ર આત્માની દોરવણી માંગે એ કેટલું જરૂરી છે. આ ભલામણ પરમેશ્વરના પ્રેરિત શબ્દ, બાઇબલમાં આપવામાં આવેલી લાયકાતના આધારે હોય છે. પવિત્ર આત્મા તેઓને, ભલામણ કરવામાં આવી રહેલા ભાઈઓમાં આત્મિક લાયકાતો છે કે નહિ એ પારખવા મદદ કરશે. એ પસંદગી વ્યક્તિના બાહ્ય દેખાવ, શિક્ષણ કે ક્ષમતાના આધારે નહિ, પરંતુ તેની આત્મિકતા અને પ્રેમાળ વર્તનના આધારે કરવામાં આવે છે.
૧૪ ભલે વડીલોનું જૂથ પ્રવાસી નિરીક્ષકને કોઈ ભાઈની વડીલ કે સેવકાઈ ચાકર તરીકે ભલામણ કરે, પણ ખરેખર નિયુક્તિ તો પ્રથમ સદીની ઢબ અનુસાર જ કરવામાં આવે છે. એક વખત, આત્મિક ભાઈ મહત્ત્વની જવાબદારી ઉપાડે એવી જરૂરિયાત ઊભી થઈ હતી. એ વખતે નિયામક જૂથે આ પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું, “તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૩) યરૂશાલેમમાં આ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે, જવાબદાર ભાઈઓએ લાયકાત ધરાવનાર ભાઈઓને નિયુક્ત કર્યા હતા. આજે પણ એ જ રીતે નિયુક્તિ કરવામાં આવે છે.
૧૫ યહોવાહના સાક્ષીઓનું નિયામક જૂથ શાખા સમિતિના સભ્યોની સીધે સીધી નિમણૂક કરે છે. કોણ મોટી જવાબદારી ઉપાડી શકશે એ નક્કી કર્યા પછી, તેઓ ઈસુના આ શબ્દોને ધ્યાનમાં રાખે છે, “જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે; અને જેને ઘણું સોંપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.” (લુક ૧૨:૪૮) શાખા સમિતિના સભ્યોને નિયુક્ત કરવા ઉપરાંત, નિયામક જૂથ બેથેલ વડીલ અને પ્રવાસી નિરીક્ષકની નિમણૂક કરે છે. તેમ છતાં, તેઓ અમુક બીજી નિયુક્તિ કરવા માટેની જવાબદારી લાયકાત ધરાવનાર ભાઈઓને સોંપે છે. આ માટે શાસ્ત્રીય ઉદાહરણ પણ છે.
‘મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું વડીલો ઠરાવ’
૧૬ પાઊલે તીતસને કહ્યું કે, “જે કામો અધુરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો.” (તીતસ ૧:૫) પાઊલે તીતસને નિયુક્તિ માટે કેવા પ્રકારની લાયકાત હોવી જોઈએ એની રૂપરેખા આપી. તેથી, આજે પણ નિયામક જૂથ શાખાઓમાં લાયકાત ધરાવતા ભાઈઓને નિયુક્ત કરે છે કે જેઓ તેમના બદલે વડીલો અને સેવકાઈ ચાકરોની નિમણૂક કરે છે. આથી નિયામક જૂથે જે ભાઈઓને જવાબદારી સોંપી છે તેઓએ લાયકાત ધરાવનાર કોઈ પણ ભાઈની નિયુક્તિ કરતા પહેલાં શાસ્ત્રીય માર્ગદર્શનને સ્પષ્ટપણે સમજીને અનુસરવું જોઈએ. આમ, નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ લાયકાત ધરાવતા ભાઈઓને યહોવાહના સાક્ષીઓના મંડળોમાં નિયુક્ત કરવામાં આવે છે.
૧૭ નિરીક્ષક અને સેવકાઈ ચાકરની નિયુક્તિ માટેની ભલામણ, વૉચ ટાવર સંસ્થાની શાખામાં કરવામાં આવે છે ત્યારે, અનુભવી ભાઈઓ નિયુક્તિ માટે પરમેશ્વરના પવિત્ર આત્મા પર આધાર રાખે છે. તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે અને કોઈ ઉતાવળે નિર્ણય લેતા નથી. આમ તેઓ કોઈના પાપના ભાગીદાર બનતા નથી.—૧ તીમોથી ૫:૨૨.
૧૮ અમુક નિયુક્તિઓ શાખાના કાયદેસર સ્ટેમ્પવાળા પત્ર દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારનો પત્ર મંડળમાં ભાઈઓની નિયુક્તિ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે.
૧૯ યહોવાહ તેમના પુત્ર અને તેમની દૃશ્ય ચેનલ, એટલે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને એના નિયામક જૂથ મારફતે નિયુક્તિ કરે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આ ભલામણ અને નિયુક્તિની ગોઠવણ પવિત્ર આત્માની મદદથી કરવામાં આવે છે, કારણ કે બાઇબલમાં પવિત્ર આત્મા દ્વારા લાયકાતો જણાવવામાં આવી છે. નિયુક્ત કરવામાં આવેલા ભાઈઓ પવિત્ર આત્માનાં ફળો પેદા કરીને એનો પુરાવો આપે છે. આથી, નિયુક્તિ પવિત્ર આત્મા દ્વારા થઈ છે એ રીતે જોવામાં આવે છે. પ્રથમ સદીમાં નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની જે રીતે નિયુક્તિ કરવામાં આવતી હતી એ જ રીતે આજે પણ કરવામાં આવે છે.
યહોવાહના માર્ગદર્શન માટે આભારી
૨૦ આજે રાજ્ય પ્રચારકામમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે, યહોવાહ નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કરે છે એ માટે આપણે કેટલા આભારી છીએ! આ શાસ્ત્રીય ગોઠવણ આપણને યહોવાહના સાક્ષી તરીકે પરમેશ્વરના ન્યાયીપણાના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા મદદ કરે છે. એ ઉપરાંત, ખ્રિસ્તી પ્રેમ અને જવાબદાર ભાઈઓના સખત પ્રયત્નોને કારણે યહોવાહના ભક્તોમાં શાંતિ અને એકતા જોવા મળે છે. ગીતશાસ્ત્રના એક લેખક દાઊદની જેમ, આપણે પણ કહી શકીએ, “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારૂં તથા શોભાયમાન છે!”—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.
૨૧ આપણે યહોવાહના કેટલા આભારી છીએ કે તે આપણને બાઇબલ અને પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપે છે! વળી યશાયાહ ૬૦:૧૭માં નોંધવામાં આવેલા શબ્દો પણ એટલા જ અર્થસભર છે. એ બતાવે છે: “હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.” દેવશાહી ગોઠવણ યહોવાહના સાક્ષીઓમાં વધારે સારી રીતે અમલમાં મૂકવામા આવે છે તેમ, આપણે પરમેશ્વરના પાર્થિવ સંગઠન દ્વારા આ આશીર્વાદો અનુભવી શકીએ છીએ.
૨૨ આપણે યહોવાહની ગોઠવણનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમ જ દેવશાહી રીતે નિયુક્ત થયેલા નિરીક્ષકો અને સેવકાઈ ચાકરો દ્વારા કરવામાં આવતી મહેનત માટે ઘણા આભારી છીએ. આપણને આત્મિક વૃદ્ધિ અને ભરપૂર આશીર્વાદ આપનાર આપણા પ્રેમાળ સર્જનહારના હૃદયપૂર્વક આભારી છીએ. (નીતિવચન ૧૦:૨૨) તેથી, ચાલો આપણે યહોવાહના સંગઠન સાથે ચાલવાનો નિર્ણય કરીએ. યહોવાહ પરમેશ્વરના મહાન અને પવિત્ર નામને મહિમા, માન અને સ્તુતિ આપવા માટે એકતામાં સેવા કરીએ.
તમે કેવો જવાબ આપશો?
• આપણે શા માટે કહી શકીએ કે નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ યહોવાહ કરે છે?
• કઈ રીતે જવાબદાર ભાઈઓ પવિત્ર આત્માથી નિયુક્ત થાય છે?
• કઈ રીતે નિયામક જૂથ નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કરે છે?
• શા માટે આપણે ભાઈઓની નિયુક્તિ બદલ યહોવાહના આભારી છીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. યશાયાહ ૬૦:૨૨માંની ભવિષ્યવાણી આજે કઈ રીતે પરિપૂર્ણ થઈ રહી છે?
૩. “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા પામવાનો શું અર્થ થાય છે?
૪. ખ્રિસ્તી સેવકોને કઈ રીતે નિયુક્ત કરવામાં આવે છે?
૫. ખ્રિસ્તી નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોને કઈ રીતે પસંદ કરવામાં આવે છે?
૬. (ક) સાચી દેવશાહી શું છે? (ખ) કઈ રીતે કહી શકાય કે નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની પસંદગી યહોવાહ કરે છે?
૭. યહોવાહના સાક્ષીઓમાં કઈ રીતે નિયુક્તિ થાય છે?
૮. લોકશાહી અને દેવશાહી વચ્ચે શું તફાવત છે?
૯. ખ્રિસ્તી નિરીક્ષકોની નિયુક્તિ વિષે પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮ શું કહે છે?
૧૦. નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિમાં પવિત્ર આત્મા કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે?
૧૧. મંડળની જવાબદારી ઉપાડવા માટે વ્યક્તિએ કયા ગુણો બતાવવા જોઈએ?
૧૨. કોને પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કહી શકાય?
૧૩. વ્યક્તિની ભલામણ કરતી વખતે પવિત્ર આત્મા કઈ રીતે મદદ કરે છે?
૧૪. આપણે પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૩માંથી શું શીખી શકીએ?
૧૫. નિયુક્ત કરવાની બાબતમાં નિયામક જૂથ કઈ રીતે મદદ કરે છે?
૧૬. શા માટે પાઊલ તીતસને ક્રીતમાં મૂકી જાય છે, અને એને ધ્યાનમાં લઈને આજે કઈ રીતે નિયુક્તિ કરવામાં આવે છે?
૧૭. શાખા કચેરી કઈ રીતે નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કરે છે?
૧૮, ૧૯. (ક) કઈ રીતે અમુક નિયુક્તિઓ જણાવવામાં આવે છે? (ખ) કઈ રીતે ભલામણ અને નિયુક્તિની ગોઠવણ કરવામાં આવે છે?
૨૦. શા માટે આપણે ગીતશાસ્ત્ર ૧૩૩:૧માંની દાઊદની લાગણી સાથે સહમત થઈએ છીએ?
૨૧. આજે યશાયાહ ૬૦:૧૭ કઈ રીતે પરિપૂર્ણ થઈ રહી છે?
૨૨ આપણે શાના માટે આભારી છીએ અને આપણે શું કરવાનો નિર્ણય કરવો જોઈએ?
[પાન ૧૫ પર ચિત્રો]
વડીલો અને સેવકાઈ ચાકરોને દેવશાહી નિયુક્તિમાં સેવા કરવાનો લહાવો છે