વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૨/૧૫ પાન ૨૪-૨૮
  • પરમેશ્વરના વચન શીખવવા પૂરેપૂરા તૈયાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પરમેશ્વરના વચન શીખવવા પૂરેપૂરા તૈયાર
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ આપણને યોગ્ય બનાવે છે
  • યહોવાહનો આત્મા યોગ્ય બનાવે છે
  • યહોવાહનું સંગઠન યોગ્ય બનાવે છે
  • હું કેવી રીતે પ્રચાર કરી શકીશ!
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • આજે પરમેશ્વરના સેવકો કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પરમેશ્વરના વચન શીખવનારાઓને તેઓનું કાર્ય પૂરું કરવાની અરજ કરવામાં આવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૨/૧૫ પાન ૨૪-૨૮

પરમેશ્વરના વચન શીખવવા પૂરેપૂરા તૈયાર

‘દેવે અમને . . . સેવકો થવા યોગ્ય કર્યા છે.’​—⁠૨ કોરીંથી ૩:​૫, ૬.

કલ્પના કરો કે જે કામ તમને આવડતું ન હોય એ જ તમને સોંપવામાં આવે. એ કામ પૂરું કરવા તમારી આગળ બધો જ માલ અને સાધનો પણ છે. પરંતુ, કેવી રીતે કરવું એ તમે જાણતા નથી. એટલું જ નહિ, પરંતુ એ ઉતાવળે કરવાની જરૂર છે, કારણ કે લોકો તમારા પર આધારિત છે. ખરેખર, એ ખૂબ જ મુશ્કેલ સંજોગ બની શકે!

૨ એ ફક્ત કલ્પના જ નથી. દાખલા તરીકે, ખ્રિસ્તીરાષ્ટ્રના ચર્ચોએ ઘર-ઘરનું પ્રચાર કાર્ય કરવાનો ઘણી વાર પ્રયત્ન કર્યો છે. પરંતુ, એ મોટા ભાગે નિષ્ફળ ગયા હોવાથી, થોડાં જ અઠવાડિયાં કે મહિનામાં એ પડતું મૂકવું પડ્યું. શા માટે એમ બન્યું? એનું કારણ કે ખ્રિસ્તીરાષ્ટ્રએ પોતાના સભ્યોને એ કામ માટે તૈયાર કર્યા નથી. અરે, પાદરીઓ પોતે વર્ષો સુધી યુનિવર્સિટી અને ધાર્મિક શાળાઓમાં શિક્ષણ મેળવ્યા પછી પણ પ્રચાર કાર્ય માટે પૂરેપૂરા તૈયાર નથી. શા માટે આપણે એમ કહીએ છીએ?

૩ બાઇબલ જણાવે છે કે શાનાથી સાચા ખ્રિસ્તીઓ શુભ સંદેશો જણાવવા યોગ્ય છે. પ્રેષિત પાઊલે યહોવાહની પ્રેરણા હેઠળ આમ લખ્યું: “કોઇ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી; અમારી યોગ્યતા દેવ તરફથી છે; વળી તેણે અમને . . . સેવકો થવા યોગ્ય કર્યા છે.” (૨ કોરીંથી ૩:૫, ૬) નોંધ લો કે અહીં ‘યોગ્ય’ શબ્દનો ત્રણ વાર ઉપયોગ કરવામાં આવ્યો છે. એનો શું અર્થ થાય? બાઇબલના શબ્દો પર વાઈન્સની (અંગ્રેજી) ડિક્ષનરી કહે છે: “એ [મૂળ ગ્રીક શબ્દ] ચીજવસ્તુને લાગુ પડે ત્યારે, ‘પૂરતુ’ અર્થ થાય છે . . . ; જ્યારે વ્યક્તિને લાગુ પડે, ત્યારે ‘કુશળ,’ ‘યોગ્ય’ અર્થ થાય છે.” એથી જે કોઈ ‘યોગ્ય’ તથા કુશળ છે, તે જ એ માટે લાયક છે. ખરેખર, સાચા ખ્રિસ્તીઓ શુભ સંદેશાનો પ્રચાર કરવા માટે યોગ્ય છે. તેઓ પ્રચાર કાર્ય કરવા યોગ્ય અને કુશળ છે.

૪ જો કે તેઓની લાયકાત ક્યાંથી આવે છે? શું પોતાની આવડતથી કે બુદ્ધિથી? કે પછી કોઈ પ્રખ્યાત શાળામાં ખાસ શિક્ષણ લેવાથી? હકીકતમાં, પ્રેષિત પાઊલ પાસે એ બધું જ હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩; ફિલિપી ૩:૪, ૫) તેમ છતાં, તેમણે નમ્રતાથી સ્વીકાર્યું કે સેવક તરીકે તેમની યોગ્યતા પોતાની આવડત કે શિક્ષણથી નહિ, પણ યહોવાહ પરમેશ્વર તરફથી છે. શું ફક્ત અમુક લોકો જ એવી લાયકાત મેળવી શકે? પાઊલે કોરીંથી મંડળને “અમારી યોગ્યતા” વિષે લખ્યું. એ સૂચવે છે કે યહોવાહે તેમના સર્વ વિશ્વાસુ સેવકોને કામ સોંપ્યું છે. તેથી, તે ખાતરી કરે છે કે તેઓ એ કામ માટે પૂરેપૂરા તૈયાર હોય. આજે કઈ રીતે યહોવાહ સાચા ખ્રિસ્તીઓને યોગ્ય બનાવે છે? તે ત્રણ રીતોનો ઉપયોગ કરે છે, જેની હવે આપણે ચર્ચા કરીશું: (૧) બાઇબલ, (૨) તેમનો પવિત્ર આત્મા અને (૩) પૃથ્વી પરનું તેમનું સંગઠન.

બાઇબલ આપણને યોગ્ય બનાવે છે

૫ સૌ પ્રથમ, કઈ રીતે યહોવાહનું વચન, બાઇબલ આપણને સેવકો તરીકે યોગ્ય બનાવે છે? પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આમ, લોકોને યહોવાહનું શિક્ષણ આપવા બાઇબલ આપણને “સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર” કરે છે. પરંતુ, ખ્રિસ્તીરાષ્ટ્રનાં ચર્ચના સભ્યો વિષે શું? તેઓ પાસે પણ બાઇબલ છે. એવું કઈ રીતે બની શકે કે એ જ પુસ્તક અમુક લોકોને સેવક બનવા મદદ કરે છે, પણ બીજાઓને નહિ? એનો જવાબ બાઇબલ માટે આપણું વલણ કેવું છે એના પર આધાર રાખે છે.

૬ એ દુઃખની વાત છે કે ચર્ચમાં જનારા ઘણા માનતા નથી કે બાઇબલ “ખરેખર દેવનું વચન છે.” (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) એના વિષે ખ્રિસ્તીરાષ્ટ્રની છાપ ખરાબ છે. પાદરીઓએ ધર્મના શિક્ષણની ડિગ્રીઓ મેળવ્યા પછી પણ, શું તેઓ યહોવાહ વિષે શીખવવા માટે પૂરેપૂરા તૈયાર છે? ના, જરાય નહિ! જો કે અમુક વિદ્યાર્થીઓ બાઇબલમાં વિશ્વાસ સાથે અભ્યાસ શરૂ કરે છે, પણ ડિગ્રી મેળવતા સુધીમાં અવિશ્વાસી બની જાય છે! એ પછી બાઇબલનો પ્રચાર કરવાને બદલે, તેઓ સમાજ સુધારો અથવા માનવ ફિલસૂફી શીખવવા લાગે છે. (૨ તીમોથી ૪:૩) સાચા ખ્રિસ્તીઓ તેઓના નહિ, પરંતુ ફક્ત ઈસુ ખ્રિસ્તના પગલે જ ચાલે છે.

૭ ઈસુએ પોતાના મન પર ધર્મગુરુઓની અસર થવા દીધી નહિ. ભલે તે પ્રેષિતોને કે પછી ઘણા લોકોને શીખવતા હોય, હંમેશા ઈસુએ પવિત્ર શાસ્ત્રનો ભરપૂર ઉપયોગ કર્યો. (માત્થી ૧૩:​૧૦-૧૭; ૧૫:૧-૧૧) તેથી, ઈસુ એ સમયના ધર્મગુરુઓથી એકદમ જુદા હતા. તેઓ જરાય ચાહતા ન હતા કે લોકો પરમેશ્વરનું સત્ય શીખીને સમજણ મેળવે. એ સમયના ધર્મગુરુઓ એવું માનતા કે બાઇબલના અમુક ભાગમાં ઊંડો અર્થ રહેલો છે. તેથી એ વિષે જેની-તેની સાથે નહિ, પણ પોતાના ખાસ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા. ફક્ત એટલું જ નહિ, પણ માથા પર ઓઢીને ધીમા અવાજે કરતા. એ ધર્મગુરુઓ પરમેશ્વરનું નામ, યહોવાહ વાપરતા જેટલા ડરતા, એટલા જ બાઇબલના અમુક ભાગોની ચર્ચા કરવામાં ડરતા હતા!

૮ ઈસુ તેઓના જેવા ન હતા. તે માનતા હતા કે ફક્ત થોડા લોકો જ નહિ, પરંતુ સર્વ લોકોએ “હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે,” એ જાણવાની જરૂર છે. ઈસુ શાસ્ત્રનું જ્ઞાન ધર્મગુરુઓને આપવા ઇચ્છતા ન હતા. તેમણે શિષ્યોને કહ્યું: “હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.” (માત્થી ૪:૪; ૧૦:૨૭) ઈસુ બને એટલા વધારે લોકોને પરમેશ્વરનું જ્ઞાન શિખવવા ઘણા જ ઉત્સાહી હતા.

૯ આપણે બીજાઓને બાઇબલ આધારિત શિક્ષણ આપવું જોઈએ. દાખલા તરીકે, સભામાં ટોક આપતી વખતે બાઇબલમાંથી ફક્ત કલમો વાંચવી જ પૂરતી નથી. આપણે એ કલમોની ઉદાહરણ દ્વારા સમજણ આપવાની અને લાગુ પાડવાની જરૂર પડી શકે. એમ કરીને લોકોના હૃદય પર બાઇબલના સંદેશાની ઊંડી છાપ પાડવાનો આપણો ધ્યેય છે. (નહેમ્યાહ ૮:૮, ૧૨) વળી, સુધારો કરવા કોઈને સલાહ કે શિસ્ત આપવાની જરૂર હોય ત્યારે પણ બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. ખરું કે યહોવાહના લોકો જુદી જુદી ભાષાના અને જાતિના છે છતાં, તેઓ બધા સૌથી ઉત્તમ પુસ્તક, બાઇબલમાં માને છે.

૧૦ બાઇબલ એવી યોગ્ય રીતે વાપરવામાં આવે તો, એના સંદેશાની ઊંડી અસર થાય છે. (હેબ્રી ૪:૧૨) એનાથી લોકો જીવનમાં ફેરફારો કરે છે. જેમ કે ચોરી, વ્યભિચાર, મૂર્તિપૂજા, દારૂડિયાપણું જેવી કુટેવો છોડી દે છે. બાઇબલના શિક્ષણથી ઘણાને જૂનો સ્વભાવ છોડીને નવો સ્વભાવ કેળવવા મદદ મળી છે. (એફેસી ૪:૨૦-૨૪) આપણે કોઈ પણ મનુષ્યના વિચારો કે રિવાજો કરતાં, બાઇબલને ચડિયાતું ગણીને એનો ઉપયોગ કરીશું તો, એ આપણને પરમેશ્વરના વચન શીખવવા પૂરેપૂરા તૈયાર કરશે.

યહોવાહનો આત્મા યોગ્ય બનાવે છે

૧૧ બીજું, યહોવાહનો પવિત્ર આત્મા આપણને કેવી રીતે યોગ્ય બનાવે છે, એ જોઈએ. યહોવાહનો પવિત્ર આત્મા સૌથી શક્તિશાળી છે, એ આપણે કદી ભૂલવું ન જોઈએ. યહોવાહે પોતાના વહાલા દીકરાને એ શક્તિ આપી છે, જેથી તે સર્વ સાચા ખ્રિસ્તીઓના ભલા માટે વાપરે. ઈસુએ એ જ કારણથી એમ કહ્યું હોય શકે કે પવિત્ર આત્મા “સહાયક” છે. (યોહાન ૧૬:૭, પ્રેમસંદેશ) ઈસુએ પોતાના શિષ્યોને યહોવાહ પાસેથી પવિત્ર આત્મા માગવાની વિનંતી કરી અને ખાતરી પણ આપી કે યહોવાહ તેઓને એ ઉદારતાથી આપશે.​—લુક ૧૧:૧૦-૧૩; યાકૂબ ૧:૧૭.

૧૨ આપણે દરરોજ પવિત્ર આત્મા માટે, ખાસ કરીને સેવાકાર્યમાં મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ. પવિત્ર આત્માની આપણા પર કેવી અસર થશે? એની આપણા મન અને હૃદય પર ઊંડી અસર થશે, જેથી આપણે જીવનમાં ફેરફારો કરીએ, વિશ્વાસમાં દૃઢ થઈએ અને નવો સ્વભાવ કેળવીએ. (કોલોસી ૩:૯, ૧૦) તેમ જ એ આપણને ખ્રિસ્ત જેવા બનવા મદદ કરી શકે. આપણામાંના ઘણાને ગલાતી ૫:૨૨, ૨૩ મોઢે યાદ હોય શકે. એમાં પવિત્ર આત્માના ફળની યાદી છે, જેમાં સૌ પ્રથમ પ્રેમ છે. એ ગુણ આપણા સેવાકાર્ય માટે ખૂબ જ જરૂરી છે. શા માટે?

૧૩ પ્રેમ ખરેખર પ્રેરણા આપે છે. યહોવાહ અને લોકો માટે પ્રેમ હોવાથી આપણે શુભ સંદેશાનો પ્રચાર કરીએ છીએ. (માર્ક ૧૨:૨૮-૩૧) એવો પ્રેમ ન હોય તો, આપણે ખરેખર પરમેશ્વરના વચન શીખવવા માટે યોગ્ય બની શકતા નથી. નોંધ લો કે ઈસુ અને ફરોશીઓ વચ્ચે શું ફરક હતો. માત્થી ૯:૩૬ ઈસુ વિષે આમ કહે છે: “લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” ફરોશીઓને લોકો વિષે શું લાગતું હતું? તેઓએ કહ્યું: “આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.” (યોહાન ૭:૪૯) એ ફરોશીઓને લોકો માટે પ્રેમ તો ન હતો, પરંતુ તેઓને ખૂબ ધિક્કારતા હતા. દેખીતી રીતે જ તેઓ પર યહોવાહનો પવિત્ર આત્મા ન હતો.

૧૪ ઈસુને લોકો પર ખૂબ લાગણી હોવાથી, તેઓનું દુઃખ સમજતા હતા. તે એ પણ જાણતા હતા કે તેઓ હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા પાળક વગરના ઘેટાં જેવા હતા. યોહાન ૨:૨૫ પ્રમાણે, ઈસુ જાણતા હતા કે “માણસમાં શું છે.” સૃષ્ટિ ઉત્પન્‍ન કરવામાં આવી ત્યારે ઈસુ, કુશળ કારીગર તરીકે યહોવાહની સાથે કામ કરતા હતા. તેથી, તે માનવ સ્વભાવ વિશે સારી રીતે જાણકાર હતા. (નીતિવચનો ૮:૩૦, ૩૧) એ કારણથી મનુષ્ય માટેનો તેમનો પ્રેમ હજુ વધ્યો. આપણે પણ પ્રચાર કાર્યમાં હંમેશા એવો જ પ્રેમ બતાવતા રહીએ! આપણને એમાં સુધારો કરવાની જરૂર લાગે તો, યહોવાહને પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરીએ અને એની સુમેળમાં મહેનત કરીએ. યહોવાહ જરૂર આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. તે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને પણ ઈસુ જેવા થવા મદદ કરશે, જે શુભ સંદેશો જણાવવા એકદમ લાયક હતા.

૧૫ ઈસુએ ક્યાંથી લાયકાત મેળવી હતી? તેમણે કહ્યું: “પ્રભુનો આત્મા મારા પર છે.” (લુક ૪:૧૭-૨૧) હા, યહોવાહે પોતે પવિત્ર આત્મા દ્વારા ઈસુને પસંદ કર્યા હતા. તેથી, ઈસુને કોઈ ડિગ્રીઓની જરૂર ન હતી. શું એ સમયના ધર્મગુરુઓ પવિત્ર આત્માથી નિયુક્ત થયા હતા? ના. તેમ જ, ધર્મગુરુઓ યશાયાહ ૬૧:૧-૩ પ્રમાણે શીખવવા પૂરેપૂરા તૈયાર ન હતા. ઈસુએ યશાયાહની એ જ કલમો વાંચી અને પોતાને લાગુ પાડી. તમે પોતે એ કલમો વાંચો અને જુઓ કે ઢોંગી ફરોશીઓ અને શાસ્ત્રીઓ યોગ્ય ન હતા. ગરીબ લોકો માટે તેઓ પાસે કોઈ શુભ સંદેશો ન હતો. વળી, તેઓ પોતે જ આત્મિક રીતે આંધળા તથા રિવાજોના ગુલામ હતા. તો પછી તેઓ કઈ રીતે બંદીવાનોને છુટકારાના અને આંધળાઓને દૃષ્ટિ પામવાના સમાચાર કહી શકે! હવે આપણા વિષે શું?

૧૬ ખરું કે આપણે ખ્રિસ્તીરાષ્ટ્રની શાળાઓમાં ડિગ્રી મેળવી નથી. આપણને કોઈ યુનિવર્સિટીએ શિક્ષક તરીકે નિમણૂક પણ કર્યા નથી. તો પછી, શું આપણે શિક્ષકો તરીકે અયોગ્ય છીએ? ના, જરાય નહિ! યહોવાહ પરમેશ્વરે આપણને તેમના સાક્ષીઓ તરીકે નીમ્યા છે. (યશાયાહ ૪૩:૧૦-૧૨) આપણે તેમના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરીને, એની સુમેળમાં કામ કરીશું તો, આપણે સૌથી ઊંચી લાયકાત મેળવીશું. જો કે આપણે અપૂર્ણ હોવાથી, આપણા મહાન શિક્ષક ઈસુના પગલે પૂરેપૂરી રીતે ચાલી શકતા નથી. તોપણ, યહોવાહ પોતાનો પવિત્ર આત્મા આપીને, બાઇબલ શીખવવા આપણને યોગ્ય બનાવે છે. એ માટે શું આપણે આભારી નથી?

યહોવાહનું સંગઠન યોગ્ય બનાવે છે

૧૭ હવે ચાલો ત્રીજી રીત જોઈએ, જેનાથી યહોવાહ આપણને પોતાનું વચન શીખવવા તૈયાર કરે છે. એ છે તેમનું પૃથ્વી પરનું મંડળ અથવા સંગઠન, જે આપણને સેવક બનવા તાલીમ આપે છે. કઈ રીતે? આપણે જે શિક્ષણનો આનંદ માણીએ છીએ એનો વિચાર કરો! દર અઠવાડિયે આપણે પાંચ સભાઓમાં જઈએ છીએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) યહોવાહનું સંગઠન બાઇબલને લગતા પુસ્તક બહાર પાડે છે, એની ચર્ચા કરવા આપણે નાની સંખ્યામાં ભેગા મળીને આનંદ માણીએ છીએ. આપણે સભામાં ધ્યાનથી સાંભળીને શીખીએ છીએ અને એમાં ભાગ લઈને એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. તેમ જ સભા ચલાવનાર ભાઈ આપણને પોતાને પણ શિક્ષણ અને મદદ આપે છે. એ જ રીતે પ્રવચન અને ચોકીબુરજની ચર્ચામાંથી પણ આપણે ઘણું આત્મિક જ્ઞાન મેળવીએ છીએ.

૧૮ બીજાઓને કઈ રીતે શીખવવું, એ વિષે આપણને સેવા શાળામાં શિખવવામાં આવે છે. શાળા માટે ટોક તૈયાર કરતી વખતે, આપણે શીખીએ છીએ કે અલગ અલગ વિષયો શીખવવા કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવો. (૧ પીતર ૩:૧૫) શું તમને એવા કોઈ વિષય પર ટોક મળી છે, જે તમને એકદમ સહેલો લાગતો હોય, તોપણ એમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય? એવો અનુભવ બધાને થાય છે. બીજી કોઈ પણ રીત કરતાં, બીજાઓને શિખવવાથી આપણું જ્ઞાન ઘણું વધે છે. આપણને શાળામાં કોઈ ભાગ મળ્યો ન હોય ત્યારે પણ, આપણે સારા શિક્ષક બનતા શીખી શકીએ. આપણે દરેક વિદ્યાર્થીમાં સારા ગુણો જોઈને, તેઓનું અનુકરણ કરતા શીખવું જોઈએ.

૧૯ સેવા સભા પણ આપણને સારા શિક્ષક બનવાની તાલીમ આપે છે. એમાં સેવાકાર્યને લગતા વિષયો પર ટોક, ચર્ચા અને દૃશ્યોનો આપણે દર અઠવાડિયે આનંદ માણીએ છીએ. આપણે સેવામાં કેવી રજૂઆતો કરીશું? આપણને પ્રચાર કાર્યમાં અમુક ખાસ મુશ્કેલીઓ પડે ત્યારે શું કરીશું? પ્રચાર કરવાની બીજી કઈ રીતો છે, જે આપણે અજમાવી શકીએ? લોકોને ફરીથી મળીએ અને બાઇબલની ચર્ચા કરીએ ત્યારે, આપણે કઈ રીતે સારા શિક્ષક બની શકીએ? (૧ કોરીંથી ૯:૧૯-​૨૨) સેવા સભામાં આવા ઘણા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. એમાં ચર્ચવામાં આવતા ભાગો મોટા ભાગે આપણી રાજ્ય સેવામાંથી લેવામાં આવે છે. આપણને મહત્ત્વનું કાર્ય પૂરું કરવા એ પણ તૈયાર કરે છે.

૨૦ સભાઓની તૈયારી કરીને એમાં જવાથી અને જે શીખીએ એ સેવાકાર્યમાં લાગુ પાડવાથી આપણે વધારે તાલીમ મેળવીએ છીએ. જો કે ફક્ત એટલું જ નથી. આપણા માટે સંમેલનો પણ હોય છે, જે આપણને પરમેશ્વરના વચન શિખવનાર બનવા મદદ કરે છે. ખરેખર, ત્યાં આપણે ધ્યાનથી સાંભળવા અને આપવામાં આવતી સલાહ લાગુ પાડવા કેટલા આતુર છીએ!​—લુક ૮:⁠૧૮.

૨૧ યહોવાહે જે તાલીમ આપે છે એનાથી તમે લાભ પામ્યા છો? હકીકતો એમ જ બતાવે છે. બાઇબલમાંથી પરમેશ્વરના હેતુ અને સત્ય વિષે શીખવા અને એ પ્રમાણે જીવવા દર વર્ષે હજારો લોકોને મદદ આપવામાં આવે છે. આપણી સંખ્યામાં વધારો થાય છે, પણ એનું કારણ આપણે નથી. આપણે ઈસુની જેમ હકીકત જોવી જોઈએ. તેમણે કહ્યું: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” પ્રેષિતોની જેમ, મોટે ભાગે આપણે અભણ અને સામાન્ય લોકો છીએ. (યોહાન ૬:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) આપણી સફળતા યહોવાહને કારણે છે, જે પ્રમાણિક હૃદયના લોકોને સત્ય તરફ દોરે છે. પ્રેષિત પાઊલે ખરું જ કહ્યું: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું; પણ દેવે વૃદ્ધિ આપી.”​—૧ કોરીંથી ૩:⁠૬.

૨૨ યહોવાહના વચન શીખવનાર તરીકે આપણે જે કાર્ય કરીએ છીએ એમાં તેમનો હાથ છે. એ કાર્ય માટે આપણે યોગ્ય નથી એવું ઘણી વાર લાગી શકે. પરંતુ, ભૂલશો નહિ કે યહોવાહ લોકોને પોતાની અને પોતાના પુત્રની તરફ દોરે છે. એ તો યહોવાહ છે, જે આપણને તેમના સેવક તરીકે પૂરેપૂરા તૈયાર કરે છે. એમ કરવા તે બાઇબલ, તેમનો પવિત્ર આત્મા અને તેમના સંગઠનનો ઉપયોગ કરે છે. ચાલો, આપણે યહોવાહ તરફથી મળતી તાલીમ સ્વીકારીએ, જેથી આપણે પણ તેમના વચન શીખવનાર તરીકે પૂરેપૂરા યોગ્ય હોઈએ!

તમે શું કહેશો?

• પ્રચાર કરવા માટે, બાઇબલ આપણને કઈ રીતે તૈયાર કરે છે?

• આપણને સેવકો તરીકે યોગ્ય બનાવવામાં, પવિત્ર આત્મા કયો ભાગ ભજવે છે?

• પૃથ્વી પરનું યહોવાહનું સંગઠન તમને કેવી રીતે પ્રચાર કરવા માટે મદદ કરે છે?

• આપણે પ્રચાર કાર્યમાં હોઈએ ત્યારે શા માટે ગભરાવાની જરૂર નથી?

[Questions]

૧, ૨. પ્રચાર કરવાના કયા પ્રયત્નો થયા છે અને શા માટે એ નિષ્ફળ ગયા છે?

૩. કયો શબ્દ ૨ કોરીંથી ૩:૫, ૬માં ત્રણ વાર આવે છે અને એનો શું અર્થ થાય?

૪ (ક) પાઊલનું ઉદાહરણ આપણને કઈ રીતે બતાવે છે કે ખ્રિસ્તી સેવા ફક્ત અમુક લોકો માટે નથી? (ખ) યહોવાહ કઈ ત્રણ રીતોથી આપણને સેવક તરીકે યોગ્ય બનાવે છે?

૫, ૬. સાચા ખ્રિસ્તીઓ પર બાઇબલની કેવી અસર થઈ છે?

૭, ૮. પવિત્ર શાસ્ત્ર વિષે ઈસુનું વલણ કઈ રીતે ધર્મગુરુઓથી અલગ હતું?

૯. સાચા ખ્રિસ્તીઓ બાઇબલનો કેવો ઉપયોગ કરે છે?

૧૦. બાઇબલના શિક્ષણથી આપણા પર કેવી અસર થઈ શકે?

૧૧. યહોવાહનો પવિત્ર આત્મા “સહાયક” છે, એમ શા માટે કહી શકાય?

૧૨, ૧૩. (ક) સેવાકાર્યમાં પવિત્ર આત્માની મદદ મેળવવા શા માટે પ્રાર્થના કરવી જોઈએ? (ખ) ફરોશીઓએ કઈ રીતે બતાવી આપ્યું કે તેઓ પર પવિત્ર આત્મા ન હતો?

૧૪. ઈસુએ સેવાકાર્યમાં પ્રેમ બતાવ્યો એમાંથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૧૫. કઈ રીતે યશાયાહ ૬૧:૧-૩ના શબ્દો ઈસુને લાગુ પડ્યા, પણ એણે શાસ્ત્રીઓ તથા ફરોશીઓને ખુલ્લા પાડ્યા?

૧૬. યહોવાહના લોકો સેવકો તરીકે પોતાની લાયકાત વિષે કઈ ખાતરી રાખી શકે?

૧૭-૧૯. યહોવાહના સંગઠને કઈ પાંચ સભાઓની ગોઠવણ કરી છે, જે આપણને સેવકો બનવા મદદ કરે છે?

૨૦. આપણે કઈ રીતે સભાઓ અને સંમેલનોમાંથી પૂરો લાભ લઈ શકીએ?

૨૧. આપણી તાલીમ સફળ થઈ છે એના કયા પુરાવા છે અને એનો યશ કોને મળવો જોઈએ?

૨૨. પ્રચાર કાર્યમાં પૂરો ભાગ લેવા, આપણે શા માટે ગભરાવાની જરૂર નથી?

[પાન ૨૫ પર ચિત્ર]

યહોવાહના વચન શીખવનાર તરીકે, ઈસુએ લોકો માટે પ્રેમ રાખ્યો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો