યહોવાહનો શબ્દ જીવંત છે
નહેમ્યાહના મુખ્ય વિચારો
બાઇબલના એઝરા નામનાં પુસ્તકમાં છેલ્લું વાક્ય લખાઈને ૧૨ વર્ષ વીતી ગયા છે. હવે “યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો” વખત આવી ગયો છે. આ એ જ મહત્ત્વની ઘટના છે જ્યારે ભવિષ્યવાણીમાં બતાવેલાં ૭૦ અઠવાડિયાં શરૂ થાય છે. એ છેવટે ખ્રિસ્તના પ્રગટ થવાના સમય સુધી લઈ જાય છે. (દાનીયેલ ૯:૨૪-૨૭) નહેમ્યાહનું પુસ્તક જણાવે છે કે યરૂશાલેમનાં કોટને ફરીથી બાંધતી વખતે, પરમેશ્વરનાં લોકો સાથે શું બન્યું હતું. એમાં ઈ.સ. પૂર્વે ૪૫૬-૪૪૩ સુધીની બધી જ માહિતી લખાયેલી છે. બાર કરતાં વધારે વર્ષોનો આ સમય ખૂબ જ મહત્ત્વનો હતો.
આ પુસ્તકનો લેખક, ગવર્નર નહેમ્યાહ છે. એમાં લખેલી માહિતી બતાવે છે કે જો આપણે કોઈ પણ કામ મન લગાડીને કરીએ અને યહોવાહ પરમેશ્વર પર પૂરો ભરોસો રાખતા હોઈએ તો સાચી ભક્તિ થઈને જ રહે છે. એમાં જણાવ્યું છે કે યહોવાહ પોતાની મરજી પૂરી કરવા કઈ રીતે પરિસ્થિતિને બદલી નાખે છે. આ પુસ્તકમાં બળવાન અને હિંમતવાન આગેવાનોના અહેવાલો પણ છે. નહેમ્યાહના પુસ્તકના સંદેશામાંથી આજે બધા જ સાચા સેવકો ઘણો મૂલ્યવાન બોધ મેળવી શકે છે, “કેમ કે દેવનો શબ્દ જીવંત અને સમર્થ” છે.—હેબ્રી ૪:૧૨.
“કોટ પૂરો થયો”
નહેમ્યાહ સૂસાના કિલ્લામાં છે. ત્યાં તે રાજા આર્તાહશાસ્તા લોંગીમેનસની સેવામાં એક એવા હોદ્દા પર છે, જે ફક્ત ભરોસાપાત્ર વ્યક્તિને જ અપાય. જ્યારે નહેમ્યાહને ખબર પડી કે તેના સાથી ભાઈઓ “મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે; યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે” ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. અને માર્ગદર્શન માટે પરમેશ્વરને વારંવાર વિનંતી કરે છે. (નહેમ્યાહ ૧:૩, ૪) થોડા સમય પછી, નહેમ્યાહને ઉદાસ જોઈને રાજા આર્તાહશાસ્તા એનું કારણ પૂછે છે. એ જાણ્યા પછી તેને યરૂશાલેમ જવાની રજા આપે છે.
યરૂશાલેમ પહોંચ્યા પછી, નહેમ્યાહ રાતના અંધારામાં શહેરનાં કોટની તપાસ કરે છે, અને યહુદીઓને ફરીથી કોટ બાંધવાની પોતાની યોજના જણાવે છે. બાંધકામ શરૂ થાય છે. પણ સાથે સાથે અમુક બાંધકામનો વિરોધ પણ કરે છે. પરંતુ નહેમ્યાહ હિંમતપૂર્વક આગેવાની લે છે. જેના પરિણામે ‘કોટ પૂરો થાય’ છે.—નહેમ્યાહ ૬:૧૫.
સવાલ-જવાબ:
૧:૧; ૨:૧—શું આ બન્ને કલમોમાં ‘વીસમું વર્ષ’ એક જ તારીખથી ગણવામાં આવ્યું છે? હા, અહીં રાજાના શાસનના ૨૦મા વર્ષની વાત થઈ રહી છે. પણ આ બન્ને કલમોમાં એ વર્ષ સુધી પહોંચવાની ગણતરી અલગ અલગ રીતે કરવામાં આવી છે. ઇતિહાસ બતાવે છે કે ઈ.સ. પૂર્વે ૪૭૫માં આર્તાહશાસ્તા રાજગાદી પર બેઠા હતા. બાબેલોનનાં શાસ્ત્રીઓ, ઈરાની રાજાઓના શાસનનાં વર્ષની ગણતરી નીસાન (માર્ચ/એપ્રિલ)થી નીસાન કરતા હતા. એમની ગણતરી મુજબ, આર્તાહશાસ્તાના શાસનનું પહેલું વર્ષ ઈ.સ. પૂર્વે ૪૭૪નાં નીસાનથી શરૂ થયું હતું. નહેમ્યાહ ૨:૧માં જણાવ્યા પ્રમાણે વીસમા વર્ષની શરૂઆત ઈ.સ. પૂર્વે ૪૫૫ના નીસાનમાં થઈ હતી. એનો અર્થ એ થાય કે નહેમ્યાહ ૧:૧માં બતાવેલ કિસ્લેવ (નવેમ્બર/ડિસેમ્બર) નામનો મહિનો, ઈ.સ. પૂર્વે ૪૫૫નો નહીં, પરંતુ ઈ.સ. પૂર્વે ૪૫૬નો હશે. નહેમ્યાહ ૧:૧માં તેમણે કહ્યું છે કે આ મહિનો પણ આર્તાહશાસ્તાના રાજ્યના વીસમા વર્ષમાં આવે છે. કદાચ આ ગણતરી તેમણે આર્તાહશાસ્તા રાજગાદી પર બેઠા ત્યારથી કરી હશે. અથવા એવું પણ બની શકે કે નહેમ્યાહે એ ગણતરીનો ઉપયોગ કર્યો હશે કે જેને આજે યહુદી ‘સિવિલ યર’ કહે છે. આ વર્ષની શરૂઆત તિશરી મહિનાથી એટલે કે સપ્ટેમ્બર/ઑક્ટોબરથી થાય છે. ગણતરી કોઈ પણ રીતે કરી હોય, પણ એક વાત નક્કી છે કે જે વર્ષે યરૂશાલેમને ફરીથી બાંધવાની આજ્ઞા થઈ, એ વર્ષ ઈ.સ. પૂર્વે ૪૫૫નું હતું.
૪:૧૭, ૧૮—કોટને ફરી બાંધતી વખતે માણસ એક જ હાથથી કામ કેવી રીતે કરી શકતો હતો? ભાર ઊંચકનારા (મજૂરો) માટે એ કોઈ મુશ્કેલ કામ ન હતું. તેઓ એક હાથથી પોતાનાં માથા પર કે ખભા પર મૂકેલા ભારને સહેલાઈથી ઊંચકી શકતા, જ્યારે કે ‘બીજા હાથમાં’ હથિયાર પકડી શકતા. બાંધકામ કરવામાં જેઓને બન્ને હાથનો ઉપયોગ કરવો જરૂરી હોય તેઓ “પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા.” આ રીતે તેઓ હંમેશાં તૈયાર રહેતા, જેથી દુશ્મન અચાનક ચડાઈ કરે, તો તેઓ તેમનો સામનો કરી શકે.
૫:૭—નહેમ્યાહે કયા અર્થમાં ‘અમીરોને તથા અમલદારોને ધમકાવ્યા’? આ લોકો પોતાના સાથી યહુદીઓ પાસેથી વ્યાજ માંગતા હતા, જે યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપેલા નિયમની વિરુદ્ધ હતું. (લેવીય ૨૫:૩૬; પુનર્નિયમ ૨૩:૧૯) તે ઉપરાંત, તેઓ બહુ જ વધારે વ્યાજ માંગતા હતા. (નહેમ્યાહ ૫:૧૧) ખરેખર આ તો ક્રૂરતા કહેવાય, કારણ કે આ લોકોને પહેલેથી જ કર ચૂકવવાનો ભારે બોજો હતો અને તેમને ખાવાના ફાંફાં પડી રહ્યા હતા. માટે નહેમ્યાહે અમીરો પર દોષ મૂકીને પરમેશ્વરના નિયમ અનુસાર તેઓને ધમકાવ્યા અને તેમનાં પાપોને ખુલ્લાં પાડ્યાં.
૬:૫—જો પત્રમાં કોઈ ગુપ્ત વાતો લખેલી હોય તો તેને એક થેલીમાં મૂકીને સીલ કરવામાં આવે છે. તો પછી સાન્બાલ્લાટે નહેમ્યાહને “ખુલ્લો પત્ર” કેમ મોકલ્યો? સાન્બાલ્લાટે પત્રમાં નહેમ્યાહ પર જૂઠો આરોપ મૂક્યો હતો અને કદાચ તે ઇચ્છતો હતો કે આ આરોપ વિષે બધાને ખબર પડે. કદાચ એણે વિચાર્યું કે પત્ર વાંચીને નહેમ્યાહ એટલો ગુસ્સે થઈ જશે કે તે કોટ બાંધવાનું કામ છોડીને પોતાનો બચાવ કરવા આવી જશે. કે પછી, સાન્બાલ્લાટે વિચાર્યું હશે કે જો પત્ર યહુદીઓના હાથમાં આવી જશે, તો તેઓ ગભરાઈ જશે અને કોટ બાંધવાનું કામ બંધ કરી દેશે. પણ નહેમ્યાહ ગભરાયા નહીં અને એકદમ શાંત રહીને પરમેશ્વર તરફથી મળેલા કામને પૂરું કરવામાં લાગુ રહ્યાં.
આપણે શું શીખી શકીએ?
૧:૪; ૨:૪; ૪:૪, ૫. જ્યારે આપણા પર કોઈ મુશ્કેલી આવે છે અથવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય છે, ત્યારે આપણે ‘પ્રાર્થનામાં લાગુ રહેવાની’ જરૂર છે. અને દેવનાં વચનોથી અથવા દેવશાહી સંગઠનથી મળેલા માર્ગદર્શનને અનુસરવું જોઈએ.—રૂમી ૧૨:૧૨.
૧:૧૧–૨:૮; ૪:૪, ૫, ૧૫, ૧૬; ૬:૧૬. યહોવાહ પોતાનાં સેવકોની દિલથી કરેલી પ્રાર્થનાનો જવાબ આપે છે.—ગીતશાસ્ત્ર ૮૬:૬, ૭.
૧:૪; ૪:૧૯, ૨૦; ૬:૩, ૧૫. નહેમ્યાહમાં કોમળ લાગણીઓ હતી, તોપણ તેમણે ન્યાયીપણા માટે દૃઢતાથી કામ લઈને એક સુંદર ઉદાહરણ બેસાડ્યું.
૧:૧૧–૨:૩. નહેમ્યાહ માટે પાત્રવાહકની પદવી હોવી એ જ સૌથી મોટો આનંદ ન હતો. એના બદલે, તેને સાચી ભક્તિને આગળ વધારવામાં આનંદ થતો હતો. આપણે પણ યહોવાહની ભક્તિને આગળ વધારવામાં ધ્યાન રાખવું જોઈએ. એમ કરીશું તો, આપણને એમાંથી સૌથી વધારે ખુશી મળશે.
૨:૪-૮. યહોવાહે જ આર્તાહશાસ્તાને પ્રેરણા આપી હતી કે તે નહેમ્યાહને યરૂશાલેમ જઈને કોટ બાંધવાની રજા આપે. નીતિવચનો ૨૧:૧ કહે છે: “પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.”
૩:૫, ૨૭. સાચી ઉપાસના માટે ભલે આપણે મહેનત કરવી પડે, આપણે તકોઈઓનાં ‘અમીરોની’ જેમ કદી ન વિચારીએ કે એ કામ મારા માટે નથી, બીજા સામાન્ય લોકો માટે છે. એના બદલે, આપણે તકોઈઓનાં સામાન્ય લોકોને અનુસરવું જોઈએ જેઓ પૂરા દિલથી પોતાનું કામ કરતાં હતાં.
૩:૧૦, ૨૩, ૨૮-૩૦. આજે જે જગ્યાઓએ રાજ્યના પ્રચારકોની વધારે જરૂર છે, ત્યાં થોડાંક ભાઈ-બહેન ગયા છે. પણ આપણામાંના મોટા ભાગના પોતાનાં જ શહેરમાં રહીને સાચી ભક્તિને ટેકો આપે છે. જેમ કે, આપણે કિંગ્ડમ હૉલના બાંધકામમાં કે પછી કુદરતી આફતો ત્રાટકે છે ત્યાં રાહતની વસ્તુઓ પૂરી પાડવા મદદ કરી શકીએ છીએ. પણ સાચી ભક્તિને આગળ વધારવાની સૌથી મહત્ત્વની રીત છે, રાજ્યનો પ્રચાર કરવો.
૪:૧૪. વિરોધનો સામનો કરતી વખતે, જો આપણે ‘મોટા ને ભયાવહ યહોવાહને’ મનમાં યાદ રાખીશું તો, આપણે ડરને કાબૂમાં રાખી શકીશું.
૫:૧૪-૧૯. ગવર્નર નહેમ્યાહે નમ્રપણે, સમજી વિચારીને કામ કર્યું, પોતાનો કોઈ સ્વાર્થ ન જોયો. આમ, તેમણે વડીલો માટે સરસ ઉદાહરણ બેસાડ્યું છે. પરમેશ્વરના નિયમો મુજબ ચાલવામાં તે જોશીલા હતા. તેમણે ક્યારેય પોતાના સ્વાર્થ માટે બીજાઓ પર આપખુદ સત્તા ચલાવવાની કોશિશ કરી નહીં. એના બદલે, તેમણે જુલમ સહેનારાં અને ગરીબોની ચિંતા કરી. ઉદારતા બતાવવામાં તેમણે બધા ઈશ્વરભક્તો માટે એક સરસ ઉદાહરણ બેસાડ્યું.
“હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો”
(નહેમ્યા ૭:૧–૧૩:૩૧, કોમન લેંગ્વેજ)
યરૂશાલેમનો કોટ બનીને તૈયાર થઈ જાય છે ત્યારે, નહેમ્યાહ પ્રવેશદ્વાર લગાવડાવે છે અને શહેરની સલામતીની વ્યવસ્થા કરે છે. ત્યાર પછી, તે લોકોની વંશાવળીની યાદી બનાવવાનું શરૂ કરે છે. બધાં ઈસ્રાએલીઓ “એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા” મળે છે ત્યારે, યાજક એઝરા લોકોને નિયમો વાંચીને સંભળાવે છે, જે યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપ્યા હતા. નહેમ્યાહ અને લેવીઓ લોકોને શાસ્ત્રવચનની સમજણ આપે છે. (નહેમ્યાહ ૮:૧) માંડવાપર્વ વિષે જાણ્યાં પછી, તેઓ ખુશી-ખુશી એની ઉજવણી કરે છે.
થોડાં દિવસો પછી, ઈસ્રાએલીઓ ફરીથી ભેગા મળે છે. આ વખતે ‘ઈસ્રાએલના સંતાન’ એક પ્રજા તરીકે કરેલા બધાં પાપોને ખુલ્લાં પાડીને કબૂલ કરે છે. એ પછી લેવીઓ, ઈસ્રાએલીઓને યાદ અપાવે છે કે પરમેશ્વરે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો. ત્યાર પછી બધાં લોકો ‘દેવના નિયમશાસ્ત્ર પ્રમાણે’ ચાલવાનું નક્કી કરે છે. (નહેમ્યાહ ૯:૧, ૨; ૧૦:૨૯) યરૂશાલેમ શહેરમાં રહેવાસીઓ ઓછા હોવાને કારણે ચિઠ્ઠીઓ નાખવામાં આવતી, જેથી શહેરની બહાર રહેતા પ્રત્યેક ૧૦ પુરૂષોમાંથી ૧ને અંદર લાવી શકાય. એ પછી, શહેરનાં કોટનું ઉદ્ઘાટન ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. “તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.” (નહેમ્યાહ ૧૨:૪૩) યરૂશાલેમમાં ૧૨ વર્ષ રહ્યાં પછી, નહેમ્યાહ પાછા આર્તાહશાસ્તા રાજાની સેવા કરવા જતા રહે છે. જોતજોતામાં, યહુદી લોકો ફરીથી ભક્તિમાં ભેળસેળ કરે છે. નહેમ્યાહ પાછા યરૂશાલેમ આવે છે ત્યારે, આ ખરાબ હાલતને સુધારવા તે પગલાં લે છે, જેથી ભક્તિ શુદ્ધ બની શકે. તે પરમેશ્વર પાસે પોતાના માટે, નમ્રતાથી પ્રાર્થના કરે છે: “હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.”—નહેમ્યા ૧૩:૩૧, કોમન લેંગ્વેજ.
સવાલ-જવાબ:
૭:૬-૬૭—ઝરૂબ્બાબેલની સાથે યરૂશાલેમ પાછા આવેલા લોકોની નહેમ્યાહે યાદી બનાવી હતી. એઝરાએ પણ દરેક વ્યક્તિઓની યાદી બનાવી હતી. એ બંનેમાં તફાવત કેમ છે? (એઝરા ૨:૧-૬૫) બની શકે કે એઝરા અને નહેમ્યાહે અલગ-અલગ લખાણોનો ઉપયોગ કર્યો હોય. ઉદાહરણ તરીકે, એકમાં કદાચ એ લોકોનાં નામ લખેલા હોય જે યરૂશાલેમ આવવા માંગતા હતાં. જ્યારે કે બીજામાં એવા લોકોના નામ હોય કે જે પાછા આવી ગયા હોય, અને આ બન્ને વખતે લોકોની ગણતરી અલગ રહી હશે. આ બન્ને લખાણો એટલા માટે પણ જુદા હોય શકે કે યહુદીઓ પોતાની વંશાવળીનો પુરાવો પહેલા નહીં આપી શક્યા હોય, અને કદાચ પછીથી આપ્યો હોય. પણ આ બાબત બન્ને લખાણોમાં સરખી જોવા મળે છે: દાસ-દાસીઓ અને ગવૈયાઓને છોડીને, જે લોકો પહેલા પાછા આવ્યા હતા, એમની ગણતરી ૪૨,૩૬૦ હતી.
૧૦:૩૪—લોકોને લાકડાં લાવવાનું કેમ કહેવામાં આવ્યું? યહોવાહે મુસાને આપેલાં નિયમશાસ્ત્રમાં લાકડાં અર્પવાની કોઈ આજ્ઞા આપી ન હતી. પણ પછીથી એવા સંજોગો આવ્યા જેનાથી એ અર્પવાની જરૂર પડી. વેદી પર અર્પણ કરાયેલાં પ્રાણીઓને સળગાવવા માટે ઘણાં બધાં લાકડાંની જરૂર પડે. પણ લાકડાં ભેગાં કરનારા બિન-ઈસ્રાએલી લોકો (નથીનીમ) પૂરતાં ન હતાં જે મંદિરમાં દાસ તરીકે સેવા કરતા હતા. એટલે મંદિરમાં ભેટ ચઢાવવા માટે લાકડાંની અછત ન પડે, એ વાત ધ્યાનમાં રાખીને લાકડાં લાવવા ચિઠ્ઠીઓ નાખવામાં આવી હતી.
૧૩:૬—નહેમ્યાહ કેટલો સમય યરૂશાલેમની બહાર હતાં? બાઇબલ ફક્ત એટલું જ જણાવે છે કે નહેમ્યાહ “કેટલાએક દિવસો પછી રાજા પાસેથી રજા” માગે છે જેથી યરૂશાલેમ પાછા જઈ શકે. એટલા માટે એ ચોક્કસ કહેવું અશક્ય છે કે તે કેટલા સમય માટે યરૂશાલેમમાં ન હતા. જ્યારે નહેમ્યાહ યરૂશાલેમમાં પાછા ગયા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું કે લોકો યાજકવર્ગને સાથ આપતા ન હતા, તેમ જ સાબ્બાથનો નિયમ પાળતા ન હતા. ઘણા લોકોએ તો ઈસ્રાએલી ન હતી એવી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓનાં સંતાનો યહુદીઓની ભાષા પણ બોલી શકતા ન હતા. યરૂશાલેમની ખરાબ હાલત જોઈને લાગે છે કે નહેમ્યાહ ઘણાં લાંબા સમય માટે બહાર રહ્યાં હશે.
૧૩:૨૫, ૨૮—જે યહુદીઓ ભક્તિમાં ભેળસેળ કરતા હતા, નહેમ્યાહ તેઓની ‘વિરુદ્ધ થઈ’ ગયા, એટલે કે તેઓને ઠપકો આપ્યો. પણ તેઓને સુધારવા માટે નહેમ્યાહે કયાં પગલાં લીધાં? નહેમ્યાહે તેઓનો “તિરસ્કાર કર્યો.” એટલે કે પરમેશ્વરના નિયમો પ્રમાણે ન્યાયચુકાદો સંભળાવ્યો. તેમણે “તેઓમાંના કેટલાએકને માર્યા.” એટલે કે તેઓ વિરુદ્ધ કાનૂની પગલાં ભરવાનો હુકમ આપ્યો. નહેમ્યાહને લોકોનાં ખરાબ કાર્યો જોઈને એટલું મનદુઃખ થયું હશે કે તેમણે ક્રોધે ભરાઈને “તેઓના વાળ ફાંસી કાઢ્યા.” એટલું જ નહીં, મહાયાજક એલ્યાશીબના પૌત્રને પણ તેમણે પોતાની પાસેથી હાંકી કાઢ્યો કારણ કે તેણે સાન્બાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
આપણે શું શીખી શકીએ?
૮:૮. પરમેશ્વરનાં વચનોને શીખવનાર તરીકે, આપણે બાઇબલમાંથી ‘વાંચેલું સમજાવીએ’ છીએ. એટલા માટે કલમોને વાંચીને સંભળાવતી વખતે શબ્દોનો ખરો ઉચ્ચાર કરીએ. એના મહત્ત્વનાં ભાગો પર ભાર મૂકીને એનો ખરો અર્થ સ્પષ્ટ રીતે બતાવીએ, જેથી એને જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય એ બીજાઓ જાણી શકે.
૮:૧૦. આપણે ધ્યાન રાખીએ કે પોતાની ભક્તિની ભૂખ મિટાવીશું અને સાથે સાથે પરમેશ્વરનાં સંગઠનથી મળેલા માર્ગદર્શનને સ્વીકારીશું તો જ “યહોવાહનો આનંદ” મળશે. એ માટે ખૂબ જ જરૂરી છે કે આપણે મન લગાવીને બાઇબલનો અભ્યાસ કરીએ, નિયમિત રીતે મિટિંગોમાં જઈએ, અને ઉત્સાહથી રાજ્યનો પ્રચાર કરીને શિષ્યો બનાવવાના કામમાં ભાગ લઈએ.
૧૧:૨. વારસાગત મળેલી જમીન છોડીને યરૂશાલેમ આવીને વસવામાં ઘણા ખર્ચની સાથે સાથે નુકસાન પણ હતું. એટલે જે લોકોએ આ પગલું ઉઠાવ્યું હતું, તે સર્વએ ઘણો ભોગ આપ્યો હતો. આપણે પણ સંમેલનો કે બીજા કોઈ પ્રસંગોમાં બીજાઓની સેવા કરીને આપણા તરફથી ભોગ આપી શકીએ.
૧૨:૩૧, ૩૮, ૪૦-૪૨. ગીત ગાવું એ પણ યહોવાહને મહિમા આપવાની અને આભાર માનવાની એક રીત છે. એટલા માટે મિટિંગોમાં પૂરા દિલથી ગીત ગાવું જોઈએ.
૧૩:૪-૩૧. આપણે ધન-દોલતનો લોભ, બેઇમાની કે પછી યહોવાહની વિરુદ્ધ લઈ જાય એવા કોઈ પણ ફાંદામાં ન પડીએ એ માટે સાવધ રહેવાની જરૂર છે.
૧૩:૨૨. નહેમ્યાહ સારી રીતે જાણતા હતા કે તેમણે યહોવાહને જવાબ આપવાનો છે. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણે પણ યહોવાહને જવાબ આપવાનો છે.
યહોવાહનો આશીર્વાદ મેળવવો ખૂબ જ જરૂરી!
ગીતકર્તાએ ગાયું: “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૧) આ હકીકત કેટલી સરસ રીતે નહેમ્યાહનાં પુસ્તકમાં સમજાવવામાં આવી છે.
આમાંથી આપણને બોધ મળે છે. જો આપણે પોતાના કામમાં સફળ થવા ઇચ્છતા હોઈએ તો યહોવાહના આશીર્વાદ મેળવવા ખૂબ જરૂરી છે. પણ જો આપણે સાચી ઉપાસનાને જીવનમાં પહેલા ન રાખીએ, તો શું આપણે યહોવાહ પાસેથી આશીર્વાદો મેળવીશું? ના. તો પછી ચાલો, નહેમ્યાહની જેમ આપણે પણ યહોવાહની ભક્તિમાં અને એને આગળ વધારવામાં પૂરું ધ્યાન આપીએ. (w06 2/1)
[પાન ૧૪ પર ચિત્ર]
“પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે”
[પાન ૧૫ પર ચિત્ર]
નહેમ્યાહ યરૂશાલેમમાં આવીને દયા બતાવે છે ને પગલાં લે છે, જેથી સાચી ભક્તિ ફરીથી શરૂ થાય
[પાન ૧૬ પર ચિત્ર]
આપણે બાઇબલમાંથી ‘વાંચેલું સમજાવી’ શકીએ?