વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૨/૧ પાન ૯-૧૧
  • એદન બાગ વિષે કેમ જાણવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એદન બાગ વિષે કેમ જાણવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • શું એદન બાગ ખરેખર હતો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • શરૂઆતમાં જીવન કેવું હતું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • ઈશ્વરે ધરતી કેમ બનાવી?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૨/૧ પાન ૯-૧૧

એદન બાગ વિષે કેમ જાણવું જોઈએ?

ઘણા વિદ્વાનો એદન બાગના અહેવાલ વિષે અનેક શંકાઓ ઉઠાવે છે. એમાંની એક છે કે એદન બાગ વિષે બાઇબલના બાકીના ભાગમાં કંઈ લખવામાં નથી આવ્યું. દાખલા તરીકે, ધર્મશાસ્ત્રના પ્રોફેસર પૉલ મોરિસ લખે છે: “ઉત્પત્તિના અહેવાલ સિવાય બીજે ક્યાંય બાઇબલમાં એદન બાગની વાર્તાનો ઉલ્લેખ થયો નથી.” તેની વાતમાં બીજા ઘણા વિદ્વાનો કદાચ ‘હામાં હા મીલાવશે.’ પરંતુ એમાં સત્યનો છાંટોય નથી.

ખરેખર તો બાઇબલમાં એદન બાગ, આદમ, હવા અને સાપનો ઘણી વાર ઉલ્લેખ થયો છે.a પણ કેટલાક વિદ્વાનો પોતાની ખોટી સમજણને કારણે સમજી શકાય એવા સત્યને ઝાંખું બનાવી દે છે. એટલે ધર્મગુરુઓ અને બાઇબલ પર શંકા ઉઠાવનારાઓ ઉત્પત્તિના અહેવાલમાં આપેલા એદન બાગ વિષે જ નહિ, પણ હકીકતમાં બાઇબલ પર શંકા ઉઠાવે છે. એ કેવી રીતે?

આખું બાઇબલ સમજવા માટે એદનમાં જે બન્યું એ જાણવું ખૂબ મહત્ત્વનું છે. બાઇબલ એ રીતે લખવામાં આવ્યું છે કે મનુષ્યોને થતા મહત્ત્વના સવાલોના જવાબ આપી શકે. એના જવાબ માટે એદન બાગમાં જે બન્યું ત્યાં જ બાઇબલ વારંવાર લઈ જાય છે. ચાલો અમુક સવાલો જોઈએ.

• આપણે કેમ ઘરડાં થઈને મરણ પામીએ છીએ? યહોવાહનું કહ્યું માનવાથી આદમ અને હવા અમર જીવત, ન માનવાથી મરણ પામત. તેઓએ યહોવાહનો વિરોધ કર્યો એ જ દિવસથી ધીરે ધીરે મોતના મોંમા જવા લાગ્યા. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૧૯) આમ તેઓ યહોવાહની નજરે પાપી બન્યા અને આવનાર બાળકોને વારસામાં પાપ અને મરણ આપ્યું. એના વિષે બાઇબલ આમ કહે છે: “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

• ઈશ્વર કેમ દુષ્ટતાને ચાલવા દે છે? એદન બાગમાં શેતાને ઈશ્વર પર આરોપ મૂક્યો કે તે પોતાના ભક્તોથી સારી બાબતો છુપાવે છે. (ઉત્પત્તિ ૩:૩-૫) આમ તે કહેતો હતો કે યહોવાહ ન્યાયી રીતે રાજ કરતા નથી. આદમ અને હવાએ પણ શેતાનની વાતમાં આવીને યહોવાહના રાજનો નકાર કર્યો. એનાથી તેઓએ બતાવ્યું કે માણસને ઈશ્વરની જરૂર નથી. તેઓ જાતે સારું કે ખરાબ નક્કી કરી શકે. યહોવાહ હંમેશા અદ્દલ ઇન્સાફ કરે છે. તે જાણતા હતા કે આ આરોપને જવાબ આપવાની એક જ રીત છે. એ જ કે મનુષ્યોને સમય આપવો જેથી તેઓ જાતે રાજ કરે. એટલે આજની દુષ્ટતા પાછળ શેતાનનો હાથ છે. મનુષ્યો પર તેની અસરને લીધે આ ખરું સત્ય જોવા મળે છે: ઈશ્વરની મદદ વગર મનુષ્યો સારી રીતે રાજ કરી શકતા નથી.—યિર્મેયાહ ૧૦:૨૩.

• ઈશ્વરે ધરતી કેમ બનાવી? યહોવાહે એદન બાગને સૌથી સુંદર રીતે સજાવ્યો હતો. તેમણે આદમ અને હવાને આજ્ઞા કરી કે બાળકોથી આખી પૃથ્વી ભરી દો અને “વશ કરો.” તેમ જ, એદન બાગની જેમ આખી ધરતીને સજાવો. (ઉત્પત્તિ ૧:૨૮) પૃથ્વી માટેનો ઈશ્વરનો હેતુ હતો કે આદમ અને હવાનું વિશાળ કુટુંબ સંપીને સુંદર ધરતી પર અમર રહે. મોટા ભાગનું બાઇબલ જણાવે છે કે યહોવાહ કઈ રીતે પોતાનો હેતુ પૂરો કરશે.

• ઈસુ ખ્રિસ્ત શા માટે પૃથ્વી પર આવ્યા? આદમ અને હવાએ એદન બાગમાં યહોવાહનો વિરોધ કર્યો એ પછી તેઓને અને સર્વ મનુષ્યોને મરણની સજા મળી. એટલે ઈશ્વરે પોતાના દીકરા, ઈસુને પૃથ્વી પર મોકલીને આશાનું કિરણ પ્રગટાવ્યું. કઈ રીતે? ઈસુએ સર્વ મનુષ્યો માટે પોતાનો જીવ આપ્યો. (માત્થી ૨૦:૨૮) તેથી બાઇબલ ઈસુને “છેલ્લો આદમ” કહે છે. આદમ યહોવાહને વફાદાર ન રહ્યો, જ્યારે કે ઈસુ રહ્યાં. એ કારણથી ઈસુમાં આદમના પાપનો છાંટો પણ ન હતો. એટલે ઈશ્વરના માર્ગે ચાલતા સર્વ મનુષ્યોને પાપ અને મરણમાંથી છોડાવવા ઈસુએ પોતાનું બલિદાન આપ્યું. એ માટે કે આદમ અને હવાએ પાપ કર્યા પહેલાં જેવા સંપૂર્ણ હતા એવા મનુષ્યો પણ બની શકે. (૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫; યોહાન ૩:૧૬) આમ ઈસુએ પૂરી ખાતરી આપી કે પૃથ્વી માટેનો યહોવાહનો હેતુ જરૂર પૂરો થશે. પછી આખી ધરતી એદન જેવી સુંદર બની જશે.b

ઈશ્વરનો હેતુ સપનું નથી કે ફક્ત કોઈ ધાર્મિક માન્યતા નથી. જેવી રીતે પૃથ્વી પર એદન બાગ ખરેખર હતો, પ્રાણીઓ હતા, માણસો હતા એવી જ રીતે ઈશ્વરનો હેતુ પણ હકીકત છે. એ બતાવે છે કે ઈશ્વરનું વચન ભાવિમાં બહુ જલદી પૂરું થશે. શું તમે ત્યાં હશો? એનો આધાર તમારા પર રહેલો છે. ઈશ્વર ઇચ્છે છે કે વધારે ને વધારે લોકો એ આશીર્વાદ મેળવે. પછી ભલે ને તેઓએ કોઈ ભૂલો કરી હોય.—૧ તીમોથી ૨:૩, ૪.

ઈસુની બાજુના વધસ્તંભ પર ગુનેગારને લટકાવવામાં આવ્યો હતો. તે જાણતો હતો કે પોતે ગુનાની સજા ભોગવી રહ્યો છે. તોપણ આ ઘડીએ તેણે દિલાસા અને આશા માટે ઈસુ સાથે વાત કરી. એનાથી તેનામાં પરિવર્તન આવ્યું. ઈસુએ આશા આપી કે મારા રાજ્યમાં “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ” એટલે કે સુંદર ધરતી પર. (લુક ૨૩:૪૩) જો ઈસુ ખ્રિસ્ત ઇચ્છતા હોય કે એ ગુનેગારને સજીવન કરવામાં આવે અને અમર જીવનનો આશીર્વાદ મળે તો, શું તે તમારા માટે પણ એવું નહિ ઇચ્છે? તે અને તેમના પિતા યહોવાહ પણ એવું જ ઇચ્છે છે! તમે એ આશીર્વાદ મેળવવા ચાહતા હોવ તો, એદન બાગ બનાવનાર ઈશ્વર યહોવાહ વિષે શીખવા બનતું બધું જ કરવું જોઈએ. (w11-E 01/01)

[ફુટનોટ્‌સ]

a દાખલા તરીકે આ કલમો જુઓ. ઉત્પત્તિ ૩:૨૦; ૧ કાળવૃત્તાંત ૧:૧; અયૂબ ૩૧:૩૩; યશાયાહ ૫૧:૩; હઝકીએલ ૨૮:૧૩; ૩૧:૮, ૯; ૩૬:૩૫; લુક ૩:૩૮; રૂમી ૫:૧૨-૧૪; ૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫; ૨ કોરીંથી ૧૧:૩; ૧ તીમોથી ૨:૧૩, ૧૪; યહુદા ૧૪; પ્રકટીકરણ ૧૨:૯

b ઈસુના બલિદાન વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ પાંચ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]

બાઇબલને એક દોરે બાંધતી ભવિષ્યવાણી

“તારી [સાપની] ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”—ઉત્પત્તિ ૩:૧૫.

બાઇબલ જણાવે છે કે સૌથી પહેલી એ ભવિષ્યવાણી ઈશ્વરે એદન બાગમાં કરી હતી. એમાં સ્ત્રી અને તેનું સંતાન, સાપ અને તેના સંતાનનો સમાવેશ થાય છે. તેઓ વચ્ચે કઈ રીતે “વેર” ઊભું થાય છે?

સાપ

શેતાન.—પ્રકટીકરણ ૧૨:૯.

સ્ત્રી

સ્વર્ગદૂતોથી બનેલી યહોવાહની સંસ્થા. (ગલાતી ૪:૨૬, ૨૭) યશાયાહે કહ્યું હતું કે એ સ્ત્રી ભાવિમાં પ્રજાને જન્મ આપશે.—યશાયાહ ૫૪:૧; ૬૬:૮.

સાપનું સંતાન

જેઓ શેતાનનાં માર્ગે ચાલે છે.—યોહાન ૮:૪૪.

સ્ત્રીનું સંતાન

યહોવાહના સ્વર્ગદૂતોથી બનેલી સંસ્થાને સ્ત્રી કહેવાય છે. ઈસુ સંતાનના મુખ્ય ભાગ છે. એ ‘સંતાનʼમાં જેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે તેઓનો પણ સમાવેશ થાય છે. તેઓ ‘ઈશ્વરના ઈસ્રાએલ’ કહેવાય છે.—ગલાતી ૩:૧૬, ૨૯; ૬:૧૬; ઉત્પત્તિ ૨૨:૧૮.

એડી છૂંદાઈ

મસીહ પર જીવલેણ હુમલો થયો. શેતાને તેમને મારી નંખાવ્યા. પણ ઈસુને સજીવન કરવામાં આવ્યા.

માથું છૂંદવું

શેતાનને મરણતોલ સજા. એદન બાગથી શેતાને શરૂ કરેલી દુષ્ટતાને ઈસુ એવી રીતે મિટાવી દેશે જાણે કે થઈ જ ન હતી. પછી ઈસુ શેતાનનો નાશ કરશે.—૧ યોહાન ૩:૮; પ્રકટીકરણ ૨૦:૧૦.

ઈશ્વરનાં રાજ્ય વિષે ટૂંકમાં જાણવા માટે બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકા વાંચો. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

[પાન ૧૧ પર ચિત્ર]

આદમ અને હવાએ જે વાવ્યું એવું જ લણ્યું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો