ચોકીબુરજનો નવો અભ્યાસ અંક
તમે જે મૅગેઝિન વાંચી રહ્યા છો એ ગુજરાતી ચોકીબુરજનો પહેલો અભ્યાસ અંક છે. અમે તમને આ નવા અંક વિશે કંઈક માહિતી આપવા માંગીએ છીએ.
અભ્યાસ અંક યહોવાના સાક્ષીઓ અને પ્રગતિ કરતા બાઇબલ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવે છે. એ દર મહિને બહાર પાડવામાં આવશે અને એમાં ચાર કે પાંચ અભ્યાસ લેખ હશે. અભ્યાસ લેખોની ચર્ચા ક્યારે કરવામાં આવશે, એની તારીખ મૅગેઝિનના પહેલા પાન પર હશે. દરેક અંકના પહેલા પાન ઉપર પ્રચારનું ચિત્ર હશે. એ આપણને ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપવાના કામની યાદ અપાવશે, જે યહોવાએ આપણને સોંપ્યું છે. (પ્રે. કૃ. ૨૮:૨૩) ક્યાં શું થઈ રહ્યું છે એની ટૂંકી માહિતી બીજા પાન ઉપર આપવામાં આવશે. વર્ષ દરમિયાન, એ આપણને યાદ દેવડાવશે કે યહોવાના લોકો “આખા જગતમાં” ખુશખબર ફેલાવી રહ્યા છે.—માથ. ૨૪:૧૪.
મૅગેઝિનના બીજા પાન ઉપર અભ્યાસ લેખનો હેતુ ટૂંકમાં જણાવવામાં આવશે. અભ્યાસ લેખ સિવાયના બીજા લેખોની માહિતી પણ એ જ પાન ઉપર હશે. ચોકીબુરજનો અભ્યાસ ચલાવનાર ભાઈને, એ ટૂંકી માહિતી સારી તૈયારી કરવામાં મદદ કરશે, જેથી તે મંડળમાં ઉત્તેજન આપનારી ચર્ચા કરી શકે.
આ મૅગેઝિનમાં તમે બીજા લેખો પણ જોશો. એમાંના ઘણાંની ચર્ચા સભામાં કરવામાં નહિ આવે, તોપણ તમને ઉત્તેજન આપવામાં આવે છે કે એ ધ્યાનથી વાંચજો. એ લેખો પણ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતું ઈશ્વરનું જ્ઞાન આપે છે.—માથ. ૨૪:૪૫-૪૭.
અભ્યાસ અંક અને જનતા માટેનો અંક બે જુદાં જુદાં મૅગેઝિનો નથી. પણ એ બંને ચોકીબુરજ છે, જે યહોવાના રાજ્યને જાહેર કરે છે. “શું તમને યાદ છે?” એવા મથાળા નીચે, બંને મૅગેઝિનમાંથી અમુક માહિતી, વર્ષમાં બે વાર અભ્યાસ અંકમાં જોવા મળશે.
ચોકીબુરજ ૧૮૭૯થી લઈને આજ સુધી, યુદ્ધો દરમિયાન, આર્થિક કટોકટી અને સતાવણીઓમાં પણ, ઈશ્વરના રાજ્યનું સત્ય વફાદારીથી જાહેર કરતું આવ્યું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે યહોવાના આશીર્વાદથી આ નવો અંક પણ એમ જ કરવાનું ચાલું રાખે. તેમ જ, અમારી પ્રાર્થના છે કે તમે વાચકો, ચોકીબુરજના આ નવા અંકનો સારો ઉપયોગ કરો ત્યારે યહોવા તમને આશીર્વાદ આપે!