એપ્રિલ ૨થી સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ
૧. આ વર્ષે સ્મરણપ્રસંગની પત્રિકા ક્યારે આપીશું? આ ઝુંબેશ કેમ મહત્ત્વની છે?
૧ એપ્રિલ ૨થી ૧૭ આપણે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા લોકોને આપીશું. એ ઈસુના બલિદાનની યાદ અપાવતું હોવાથી વર્ષનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. ગયા વર્ષોમાં ઘણા લોકો આમંત્રણ સ્વીકારીને સ્મરણપ્રસંગમાં આવ્યા હતા. દાખલા તરીકે, એક દેશની બ્રાંચ ઑફિસમાં સ્મરણપ્રસંગના દિવસે એક સ્ત્રીએ ફોન કર્યો: ‘હું હમણાં જ ઘરે આવી અને મેં આમંત્રણ પત્રિકા દરવાજા પાસે જોઈ. હું એમાં જવા માગું છું પણ સમય ખબર નથી.’ આપણા ભાઈએ જણાવ્યું કે પત્રિકામાં સમય ક્યાં લખેલો છે. એ સ્ત્રીએ ફોન મૂકતા પહેલાં કહ્યું કે “હું સાંજના ચોક્કસ આ પ્રસંગમાં જઈશ.”
૨. આમંત્રણ પત્રિકા આપતા શું કહીશું?
૨ કેવી રીતે આપીશું: આપણે પ્રચાર વિસ્તાર થોડા સમયમાં આવરવાનો હોવાથી ટૂંકમાં જણાવીશું. આપણે કહી શકીએ: “કેમ છો? અમે તમારા કુટુંબને એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા આવ્યા છીએ. એ પ્રસંગ ઈસુના બલિદાનની યાદમાં, એપ્રિલ ૧૭ રવિવારના આખી દુનિયામાં ઉજવવામાં આવશે. [ઘરમાલિકને આમંત્રણ પત્રિકા આપો] ત્યાં પ્રવચન દ્વારા મફત બતાવવામાં આવશે કે ઈસુના બલિદાનથી આપણને કઈ રીતે લાભ થશે. અહીં સમય અને સરનામું આપેલું છે.” તમારા પ્રચાર વિસ્તારમાં વિરોધ થતો હોય તો, આમંત્રણ પત્રિકા આપતા પહેલાં પારખો કે ઘરમાલિકને ખરેખર રસ છે કે નહિ.
૩. ઘણા લોકો સ્મરણપ્રસંગમાં આવે માટે શું કરી શકીએ?
૩ તમારા મંડળનો પ્રચાર વિસ્તાર મોટો હોય તો શું કરવું? વડીલો નક્કી કરશે કે વ્યક્તિ ઘરે ન હોય તો પત્રિકા મૂકી શકાય કે કેમ. પત્રિકા એવી રીતે મૂકવી કે કોઈનું ધ્યાન ન ખેંચાય. ફરીમુલાકાત, સગા-સંબંધી, સાથે કામ કરનારા કે ભણનારા અને બીજું કોઈ પણ હોય તેઓને આમંત્રણ આપવાનું ભૂલશો નહિ. શનિ-રવિમાં પત્રિકા આપતી વખતે યોગ્ય લાગે તો, મૅગેઝિન પણ આપી શકાય. આ ઝુંબેશનો આનંદ માણવા શું તમે એપ્રિલમાં સહાયક પાયોનિયરીંગ કરી શકો?
૪. રસ ધરાવનારા સ્મરણપ્રસંગમાં આવે એવું આપણે કેમ ઇચ્છીએ છીએ?
૪ રસ ધરાવનારાઓને એનાથી ખૂબ જ લાભ થશે! તેઓને શીખવા મળશે કે ઈસુના બલિદાનની ગોઠવણ કરીને યહોવાહે કેટલો પ્રેમ બતાવ્યો છે. (યોહા. ૩:૧૬) તેઓને એ પણ શીખવા મળશે કે ઈશ્વરના રાજ્યથી માણસજાતને કેવા આશીર્વાદ મળશે. (યશા. ૬૫:૨૧-૨૩) તેઓને એટેન્ડન્ટને મળીને બાઇબલ અભ્યાસની ગોઠવણ કરવાનું ઉત્તેજન આપવામાં આવશે. અમારી પ્રાર્થના છે કે નમ્ર દિલના ઘણા લોકો આમંત્રણ સ્વીકારે અને સ્મરણપ્રસંગમાં આવે.