તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા મૅક્સિકોમાં
પ્રચારમાં વધુ કરી શકે, માટે આપણા યુવાનો જીવનશૈલી સાદી બનાવે છે, એ જોઈને કેટલી ખુશી મળે છે! (માથ. ૬:૨૨) તેઓ જીવનમાં કેવા ફેરફાર કરે છે? તેઓ કેવા પડકારોનો સામનો કરે છે? એ સમજવા ચાલો, મૅક્સિકોમાં સેવા આપી રહેલાં અમુક ભાઈ-બહેનો વિશે વધારે જાણીએ.
“અમારે ફેરફાર કરવા પડશે”
ડસટીન અને જાસે
અમેરિકાના ડસટીન અને જાસેએ જાન્યુઆરી ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં. તેઓનું સપનું હતું કે તેઓની હાઉસ બૉટ હોય અને તેઓ હંમેશાં એમાં રહે. થોડા જ સમયમાં તેઓ એ સપનું પૂરું કરી શક્યા. અમેરિકાના ઑરિગન વિસ્તારમાં, ઍસટોરિયાના સુંદર શહેરમાં તેઓ પોતાની હાઉસ બૉટમાં રહેવાં લાગ્યાં. પૅસિફિક મહાસાગરની નજીક આવેલી એ જગ્યા બરફથી ઢંકાયેલા પહાડો અને લીલાછમ વૃક્ષોની ટેકરીઓથી ઘેરાયેલી છે. ડસટીન જણાવે છે કે ‘જ્યાં જુઓ ત્યાં નજારો અદ્ભુત હતો!’ એ યુગલને લાગતું કે તેઓ સાદું જીવન જીવે છે અને યહોવા પર ભરોસો રાખે છે. તેઓએ વિચાર્યું, ‘અમે ૭.૯ મીટરની નાની બૉટમાં રહીએ છીએ, પાર્ટ-ટાઇમ નોકરી કરીએ છીએ, બીજી ભાષા બોલતા મંડળમાં સેવા આપીએ છીએ અને સમય મળે ત્યારે સહાયક પાયોનિયરીંગ કરીએ છીએ.’ જોકે, થોડાં જ સમયમાં તેઓને સમજાયું કે એમ વિચારીને તેઓ પોતાને છેતરી રહ્યા હતાં. ડસટીન જણાવે છે, ‘મંડળને સાથ આપવાને બદલે અમારો વધુ સમય બૉટના સમારકામમાં જતો. અમે જાણતા હતા કે યહોવાને જીવનમાં પહેલા રાખવા હોય તો, અમારે ફેરફાર કરવા પડશે.’
જાસે કહે છે, ‘લગ્ન પહેલા, હું મૅક્સિકોમાં રહેતી અને અંગ્રેજી મંડળમાં જતી. ત્યાં મને મજા આવતી અને પાછી જવા હું આતુર હતી.’ બીજી જગ્યાએ જઈને પ્રચાર કરવાની ઇચ્છાને મજબૂત કરવા ડસટીન અને જાસેએ શું કર્યું? તેઓએ કુટુંબ તરીકેની ભક્તિમાં, એવાં ભાઈ-બહેનોનાં જીવન અનુભવો પર ચર્ચા કરી, જેઓએ કાપણી માટે તૈયાર હોય એવી જગ્યાએ જઈને પ્રચાર કર્યો હતો. (યોહા. ૪:૩૫) ડસટીન કહે છે, ‘અમને પણ એવા આનંદનો અનુભવ કરવો હતો.’ એટલે, તેઓએ જ્યારે મૅક્સિકોમાં રહેતા મિત્રો પાસેથી સાંભળ્યું કે એક નવા ગ્રૂપને મદદની જરૂર છે, ત્યારે ત્યાં જવાનો નિર્ણય લીધો. તેઓએ નોકરી છોડી, બૉટ વેચી દીધી અને મૅક્સિકો રહેવા ગયા.
‘અમારો સૌથી સારો નિર્ણય’
ટકોમન શહેરમાં ડસટીન અને જાસે રહેવાં ગયાં. આ શહેર પણ પૅસિફિક મહાસાગરની નજીક છે. જોકે, એ ઍસટોરિયાથી આશરે ૪,૩૪૫ કિ.મી. દૂર દક્ષિણમાં છે. ડસટીન કહે છે, ‘ઠંડી હવાને બદલે અહીં ઘણી ગરમી છે અને પહાડોના સુંદર દૃશ્યોનાં બદલે, બસ લીંબુનાં ઝાડ નજરે પડે છે.’ શરૂઆતમાં તેઓને નોકરી ન મળી. પૈસાની અછતને લીધે તેઓ દિવસમાં ફક્ત બે વાર જમતાં, એમાંય ફક્ત ભાત અને એક પ્રકારનું કઠોળ ખાતાં. એવું અઠવાડિયાઓ સુધી ચાલ્યું. જાસે કહે છે, ‘અમે એ ખાઈ ખાઈને ખૂબ કંટાળી ગયાં હતાં. એવામાં, અમારા બાઇબલ વિદ્યાર્થીઓ અમને કેરી, કેળા, પપૈયા અને થેલી ભરીને લીંબુ આપવાં લાગ્યાં.’ સમય જતા, તેઓને એક નોકરી મળી. તેઓ ઇન્ટરનેટ પરથી તાઇવાનની સ્કૂલમાં ભાષા શીખવવાં લાગ્યાં. એના પગારથી તેઓ રોજબરોજની જરૂરિયાત પૂરી કરી શક્યાં.
નવી જીવનશૈલી વિશે ડસટીન અને જાસેને કેવું લાગે છે? તેઓ કહે છે, ‘અહીંયા આવીને રહેવું એ અમારો સૌથી સારો નિર્ણય હતો. યહોવા સાથેનો અને એકબીજા સાથેનો અમારો સંબંધ ગાઢ થયો છે. અમે દરરોજ ઘણી બાબતો સાથે કરીએ છીએ. જેમ કે, પ્રચારમાં જઈએ છીએ. બાઇબલ વિદ્યાર્થીઓને મદદ કરવા વિશે ચર્ચા અને સભાઓની તૈયારી સાથે કરીએ છીએ. તેમ જ, પહેલાં જે બાબતોની ચિંતા હતી, એ હવે નથી. ગીતશાસ્ત્ર ૩૪:૮ વચન આપે છે કે, “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે.” હવે, એને અમે વધુ સારી રીતે સમજી શકીએ છીએ!’
ખુશીથી સેવા આપતા હજારો ભક્તો
મૅક્સિકોમાં જ્યાં વધારે જરૂર છે, ત્યાં પરિણીત અને કુંવારા ભાઈ-બહેનો સેવા આપવાં ગયાં છે. આ ૨,૯૦૦થી વધારે ભાઈ-બહેનોમાં મોટા ભાગના વીસથી પાંત્રીસ વર્ષનાં છે. તેઓએ કેમ આવું અઘરું કામ સ્વીકાર્યું? તેઓમાંના અમુકને એ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે, તેઓએ ત્રણ મુખ્ય કારણો જણાવ્યાં. એ કયાં હતાં?
લૅટેશ્યા અને હૅરમિલૉ
યહોવા અને લોકોને પ્રેમ બતાવવા. લૅટેશ્યાએ ૧૮ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. તે કહે છે, ‘યહોવાને સમર્પણ કર્યું ત્યારે, હું સમજી શકી કે તેમની સેવા પૂરાં તન-મનથી કરવી જોઈએ. યહોવા માટે પૂરો પ્રેમ બતાવવા, હું મોટા ભાગનો સમય અને શક્તિ તેમની સેવામાં આપવાં માગતી હતી.’ (માર્ક ૧૨:૩૦) લૅટેશ્યાના પતિનું નામ હૅરમિલૉ છે. તે ૨૦ વર્ષના હતા ત્યારે, વધારે જરૂર હોય એવા વિસ્તારમાં પ્રચાર કરવા ગયા. તે કહે છે, ‘હું સમજી શક્યો કે લોકોને ઈશ્વર વિશે શીખવા મદદ કરવી, એ જ તેઓને પ્રેમ બતાવવાની સૌથી સારી રીત છે.’ (માર્ક ૧૨:૩૧) એટલે, મોટા શહેર મૉંટેર્રેઈમાં આવેલી બૅન્કની સારી નોકરી અને આરામદાયક જીવન છોડીને તે નાના શહેરમાં રહેવા ગયા.
ઍસ્લૅ
સાચી અને કાયમી ખુશીનો અનુભવ કરવા. બાપ્તિસ્માના થોડા સમય પછી, લૅટેશ્યા એક અનુભવી પાયોનિયર બહેન સાથે દૂરના ગામમાં પ્રચાર કરવાં, એક મહિના માટે ગયાં. લૅટેશ્યા યાદ કરતાં જણાવે છે, ‘મને ઘણી નવાઈ લાગી. લોકોએ જે રીતે ખુશખબર સ્વીકારી એ જોઈને મને ઘણો આનંદ થયો. મહિનાના અંતે મેં વિચાર્યું, “મારે જીવનમાં આજ કરવું છે!”’ ઍસ્લૅ, જે વીસેક વર્ષનાં કુંવારાં બહેન છે, તેમને પણ એવું લાગે છે. જરૂર વધુ હોય ત્યાં સેવા આપવાથી જે આનંદ મળે છે, એનાથી તે પ્રેરાયાં છે. તે હાઇસ્કૂલમાં હતાં, એ સમયે એવાં ઘણાં ઉત્સાહી ભાઈ-બહેનોને મળ્યાં જે આવી સેવા આપતાં હતાં. તે કહે છે, ‘આવાં ભાઈ-બહેનોનાં આનંદી ચહેરાં જોઈ, મને પણ તેઓનાં જેવું જીવન જીવવાની ઇચ્છા થઈ.’ ઘણી બહેનોને ઍસ્લૅ જેવું લાગે છે. ૬૮૦થી વધારે કુંવારી બહેનો મૅક્સિકોમાં જરૂર વધુ હોય ત્યાં સેવા આપે છે. યુવાનો અને વૃદ્ધો માટે તેઓએ કેટલો સુંદર દાખલો બેસાડ્યો છે!
જીવનમાં હેતુ અને સંતોષ મેળવવા. હાઇસ્કૂલ પતાવ્યા પછી, ઍસ્લૅને યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળવાની હતી. એ લઈ લેવા સાથી વિદ્યાર્થીઓએ તેમને દબાણ કર્યું. તેમ જ, આગળ ડિગ્રી કરી કારકિર્દી બનાવવા, ગાડી ખરીદવા, જુદી જુદી જગ્યાએ ફરવા જવા વગેરે જેવી બાબતો કરી સામાન્ય જીવન જીવવાની સલાહ આપી. પણ, ઍસ્લૅએ એમ કર્યું નહિ. તે કહે છે, ‘મંડળના મારા ઘણા મિત્રો એવી બાબતો પાછળ પડ્યા હતા. હું જોઈ શકતી હતી કે હવે, તેઓ માટે ભક્તિના ધ્યેયોનું મહત્ત્વ ઘટી ગયું છે. તેઓ દુનિયાની બાબતોમાં વધારે ને વધારે ડૂબવા લાગ્યા. એને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા અને નિરાશ થયા. જ્યારે કે, હું મારી યુવાનીનો પૂરો ઉપયોગ યહોવાની ભક્તિમાં કરવા માગતી હતી.’
રાકૅલ અને ફિલિપ
ઍસ્લૅએ અમુક કોર્સ કર્યાં, જેથી તે પાયોનિયરીંગની સાથે સાથે પોતાનું ગુજરાન ચલાવવા કામ મેળવી શકે. પછી તે, એવી જગ્યાએ રહેવાં ગયાં જ્યાં પ્રચારકોની તાત્કાલિક જરૂર હતી. અરે, ત્યાંના ઑટૉમે અને ત્લાપૅનેકૉના લોકોની અઘરી ભાષા પણ તે શીખવાં લાગ્યાં. એ દૂરના વિસ્તારમાં ત્રણ વર્ષ પ્રચાર કર્યાં પછી, તે જણાવે છે, ‘વધુ જરૂર હોય એવી જગ્યામાં પ્રચાર કરવાથી જીવનમાં હેતુ અને સંતોષ મળ્યાં છે. ખાસ તો, યહોવા સાથે મારો સંબંધ ગાઢ બન્યો છે.’ ત્રીસેક વર્ષનાં પતિ-પત્ની ફિલિપ અને રાકૅલ અમેરિકાનાં છે. તેઓ આમ વિચારે છે: ‘આ દુનિયા ઝડપથી બદલાતી હોવાને લીધે ઘણાને લાગે છે કે તેઓનું જીવન સલામત નથી. જોકે, હજી પણ ઘણા લોકોને બાઇબલનો સંદેશ સાંભળવો ગમે છે. એવા વિસ્તારમાં જઈ પ્રચાર કરવાથી ખરો હેતુ અને સંતોષ મળે છે!’
પડકારનો સામનો કઈ રીતે કરવો
વેરૉનિકા
વધુ જરૂર હોય એવા વિસ્તારમાં પ્રચારકોને ઘણા પડકારનો સામનો કરવો પડે છે. એમાંનો એક છે, પોતાનું ગુજરાન ચલાવવું. એ માટે, જ્યાં સેવા આપતા હોઈએ ત્યાંના સંજોગો અનુસાર ફેરફાર કરવા પડે. અનુભવી પાયોનિયર બહેન વેરૉનિકા સમજાવે છે, ‘એક જગ્યાએ હું નાસ્તો બનાવીને વેચતી, તો બીજી જગ્યાએ કપડાં વેચતી અને વાળ કાપતી. અત્યારે, હું ઘરકામ કરું છું. તેમ જ, ક્લાસ લઉં છું જેમાં, પહેલી વાર માબાપ બન્યાં હોય તેઓને બાળક સાથે વાતચીત કરતાં શીખવું છું.’
દૂરના વિસ્તારમાં રહેવા માટે, ત્યાંની રહેણીકરણી પ્રમાણે જીવવું અને ભાષા શીખવી એક પડકાર હોય શકે. ફિલિપ અને રાકૅલ, નાહુઆટલ ભાષાના લોકોમાં પ્રચાર કરવા ગયા ત્યારે એવું જ બન્યું. ફિલિપ જણાવે છે, ‘ત્યાંની રહેણીકરણી સાવ અલગ હતી.’ તો પછી, ત્યાં રહેવા તેઓને શાનાથી મદદ મળી? રાકૅલ કહે છે, ‘અમે ત્યાંના લોકોની સારી બાબતો પર ધ્યાન આપ્યું. જેમ કે, કુટુંબમાં સંપ, એકબીજા માટે તેઓની પ્રમાણિકતા અને ઉદારતા. ત્યાં, અલગ સંજોગોમાં અને જુદી રહેણીકરણીનાં ભાઈ-બહેનો સાથે કામ કરીને અમે ઘણું શીખ્યાં.’
પોતાને તૈયાર કઈ રીતે કરવા
જરૂર વધુ હોય એવા દૂરના વિસ્તારમાં પ્રચાર કરવા ચાહતા હો તો, હમણાંથી તૈયાર થવા શું કરી શકો? એવી જગ્યાએ સેવા આપનારાં ભાઈ-બહેનો કહે છે, ‘ત્યાં જતા પહેલાં, જીવન સાદું બનાવતા અને જે છે એમાં ખુશ રહેતા શીખો.’ (ફિલિ. ૪:૧૧, ૧૨) બીજું શું કરી શકો? લૅટેશ્યા જણાવે છે, ‘હું એવી નોકરી ટાળું છું, જેમાં એક જ જગ્યાએ લાંબો સમય રહેવાનો કોન્ટ્રેક્ટ કરવો પડે. કેમ કે, કોઈ પણ સમયે જરૂર હોય એવી જગ્યાએ હું જવા માંગું છું.’ હૅરમિલૉ કહે છે, ‘હું રાંધતા, કપડાં ધોતા અને ઈસ્ત્રી કરતા શીખ્યો.’ વેરૉનિકા જણાવે છે, ‘મારાં કુટુંબ સાથે રહેતી ત્યારે, ઘરમાં સાફ સફાઈ કરવાં મદદ કરતી. સસ્તું પણ પૌષ્ટિક જમવાનું બનાવતાં શીખી. તેમ જ, બચત કરતા શીખી.’
લેવી અને અમૅલ્યા
અમેરિકાનાં લેવી અને અમૅલ્યાનાં લગ્નને આઠ વર્ષ થયાં છે. મૅક્સિકોમાં સેવા આપવા માટે તૈયાર થવા પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી, એ તેઓ જણાવે છે. લેવી કહે છે, ‘અમે વિચાર કર્યો કે ત્યાં જઈને એક વર્ષ સેવા આપવા કેટલા પૈસાની જરૂર પડશે. એટલા જ પૈસા કમાવવા માટે અમે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી.’ જેટલી રકમનો તેઓએ પ્રાર્થનામાં ઉલ્લેખ કર્યો હતો, એ તેઓ અમુક મહિનામાં જ બચત કરી શક્યા. એટલે મોડું કર્યા વિના તેઓ મૅક્સિકો ગયા. લેવી જણાવે છે, ‘અમારી એ ખાસ માગણીનો યહોવાએ જવાબ આપ્યો, તેથી હવે કહ્યા પ્રમાણે કરવાનો અમારો વારો હતો.’ અમૅલ્યા ઉમેરે છે, ‘અમે વિચાર્યું હતું કે ત્યાં એક જ વર્ષ રહીશું. પણ, અમને અહીંયા સાત વર્ષ થઈ ગયાં છે અને હજુય પાછા જવાનું વિચારતા નથી. અહીંયા અમને યહોવાની મદદનો અનુભવ થાય છે. તેમની ભલાઈની અમને દરરોજ સાબિતી મળે છે.’
ઍડમ અને જેનીફર
ઍડમ અને જેનીફર પણ અમેરિકાથી છે. એ યુગલ મૅક્સિકોના અંગ્રેજી બોલાતા વિસ્તારમાં સેવા આપે છે. તેઓ માટે પણ પ્રાર્થનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેઓ કહે છે, ‘સંજોગો બહુ સારા થશે એવી રાહ ન જુઓ. બીજે જઈને સેવા આપવાની તમારી ઇચ્છાનો પ્રાર્થનામાં ઉલ્લેખ કરો. પછી, એ પ્રમાણે પગલાં ભરો. જીવન સાદું બનાવો અને જે દેશમાં જઈને તમે સેવા આપવા ચાહો છો, ત્યાંની શાખાને પત્ર લખો. કેટલો ખર્ચ થશે એનો વિચાર કરો અને પછી ત્યાં રહેવા જાઓ.’a જો તમે આમ કરશો તો જીવનને રોમાંચક બનાવી શકશો અને ભક્તિમાં વધારો કરી શકશો.
a વધુ માહિતી માટે ઑગસ્ટ ૨૦૧૧ની આપણી રાજ્ય સેવા, પાન ૪નો આ લેખ જુઓ: ‘શું તમે “મકદોનિયા” જશો?’