જીવન સફર
કોઈ પણ જગ્યાએ યહોવાની ભક્તિ કરવા આતુર
મેં કદી પણ એકલા પ્રચાર કર્યો ન હતો. જ્યારે પણ હું પ્રચારમાં જતો, ત્યારે એટલી બીક લાગતી કે મારા પગ કાંપતા. વધુમાં, લોકો પણ જરાય સંદેશો સાંભળતા નહિ. અમુક લોકો તો તરત ગુસ્સે થઈ જતા અને મને મારવાની ધમકી આપતા. મને યાદ છે, પાયોનિયરીંગના પહેલા મહિનામાં મેં ફક્ત એક પુસ્તિકા આપી હતી!—મારકુસ.
એ બનાવ ૬૦થી વધારે વર્ષ પહેલાં, ૧૯૪૯માં બન્યો હતો. જોકે, હું તમને એનાં ઘણાં વર્ષો પહેલાંની વાત જણાવવા માગું છું. મારા પિતા હેન્ડ્રિક, નાનકડા ગામ ડોન્ડરેનમાં મોચીકામ અને બાગકામ કરતા. એ ગામ નેધરલૅન્ડના ડ્રેન્થ વિસ્તારના ઉત્તરમાં આવેલું છે. મારો જન્મ વર્ષ ૧૯૨૭માં થયો. સાત બાળકોમાં હું ચોથો હતો. ગામમાં કાચા રસ્તાની કોરે અમારું ઘર હતું. મોટા ભાગના અમારા પડોશીઓ ખેડૂત હતા. મને પણ ખેતીકામ ગમતું. વર્ષ ૧૯૪૭માં થીયોનીસ બીન નામના પડોશી દ્વારા મને પહેલી વાર સત્ય મળ્યું. એ વખતે હું ૧૯ વર્ષનો હતો. મને યાદ છે કે, થીયોનીસને પહેલી વાર મળ્યો હતો ત્યારે, તે મને જરાય ગમ્યો ન હતો. જોકે, તે બીજા વિશ્વ યુદ્ધ પછી યહોવાનો સાક્ષી બન્યો હતો. ત્યાર બાદ, હું પારખી શક્યો કે તે પહેલાં કરતાં હવે વધારે મળતાવડો બન્યો છે. તેના બદલાયેલા સ્વભાવને લીધે, મને તેની વાત સાંભળવાનું મન થયું. તેણે નવી દુનિયા વિશે યહોવાનું વચન મને જણાવ્યું. મેં તરત સત્ય સ્વીકાર્યું અને અમે પાક્કા દોસ્ત બન્યા.a
વર્ષ ૧૯૪૮ના મે મહિનાથી હું પ્રચારમાં જવા લાગ્યો. એના પછીના જ મહિને, જૂનની ૨૦ તારીખે મેં બાપ્તિસ્મા લીધું. એ સંમેલન ઉટ્રેચ્ત શહેરમાં હતું. જાન્યુઆરી, ૧૯૪૯માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. પૂર્વ નેધરલૅન્ડ્ઝમાં બોરક્યુલો વિસ્તારના નાના મંડળમાં સેવા આપવા મને મોકલવામાં આવ્યો. ત્યાં જવા મારે ૧૩૦ કિ.મી. મુસાફરી કરવાની હતી. તેથી, સાયકલ લઈને જવાનું મેં વિચાર્યું. મને હતું કે ૬ કલાકમાં પહોંચી જઈશ. પણ, સામો પવન અને ખૂબ વરસાદ હોવાથી બાકીના ૯૦ કિ.મી. મુસાફરી મારે ટ્રેનથી કરવી પડી. છતાં, ત્યાં પહોંચતા મને ૧૨ કલાક લાગ્યા. જેમની સાથે હું રહેવાનો હતો તેમના ઘરે, હું મોડી સાંજે પહોંચ્યો. એ સાક્ષી કુટુંબ સાથે રહીને હું એ વિસ્તારમાં પાયોનિયરીંગ કરવાનો હતો.
યુદ્ધ પછીના વર્ષોમાં લોકો પાસે ઓછી સાધન-સામગ્રી હતી. મારી પાસે તો ફક્ત બે પૅન્ટ અને એક સૂટ હતો. સૂટ મોટો અને પૅન્ટ ટૂંકા હતાં. આગળ જણાવ્યું તેમ, બોરક્યુલોમાં પહેલો મહિનો અઘરો હતો. પરંતુ, યહોવાએ મને અનેક બાઇબલ અભ્યાસ આપીને આશીર્વાદ આપ્યા. નવ મહિના પછી, મને ઍમ્સ્ટરડૅમ મોકલવામાં આવ્યો.
ગામથી શહેર સુધી
ખેતીકામ કરતા વિસ્તારમાંથી નીકળીને હું નેધરલૅન્ડના મોટા શહેર ઍમ્સ્ટરડૅમમાં આવ્યો. પ્રચારમાં મને ત્યાં ઘણાં સારાં ફળ મળ્યાં. નવ મહિનામાં જેટલું સાહિત્ય નહોતું આપ્યું એટલું અહીં એક જ મહિનામાં આપી શક્યો. અમુક જ સમયમાં, હું આઠેક બાઇબલ અભ્યાસ ચલાવવા લાગ્યો. મંડળમાં સેવક (આજે વડીલોના સેવક તરીકે ઓળખાય છે) તરીકે મને નીમવામાં આવ્યો એ પછી, હું પહેલી વાર જાહેર પ્રવચન આપવાનો હતો. તેથી, હું ખૂબ જ અચકાતો હતો. જોકે, પ્રવચન આપવાના થોડા વખત પહેલાં મને બીજા મંડળની સોંપણી મળી. હવે પ્રવચન નહિ આપવું પડે એ વિચારીને મને ઘણી રાહત મળી. પણ મને ક્યાં ખબર હતી કે, આવનાર વર્ષોમાં હું ૫,૦૦૦થી વધારે પ્રવચનો આપીશ!
ઉપર: મારકુસ (જમણી બાજુ છેલ્લે) વર્ષ ૧૯૫૦માં ઍમ્સ્ટરડૅમમાં રસ્તા પર પ્રચાર કરતી વખતે
વર્ષ ૧૯૫૦ના મે મહિનામાં મને હારલેમ વિસ્તારમાં મોકલવામાં આવ્યો. ત્યાં મને સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપવાનું આમંત્રણ મળ્યું. એના લીધે, ત્રણ દિવસ મને ઊંઘ ન આવી. શાખા કચેરીમાં સેવા આપતા ભાઈ રોબર્ટ વિંકલરને મેં કહ્યું કે, એ સેવા માટે મારી લાયકાત નથી. તેમણે જવાબ આપ્યો, ‘તું ફક્ત માહિતી ભરીને કાગળિયાં મોકલી આપ. બીજું બધું તું શીખી જઈશ.’ થોડા સમય પછી, મને એક મહિનાની તાલીમ આપવામાં આવી અને સરકીટ કામ માટે મોકલવામાં આવ્યો. એક મંડળની મુલાકાત વખતે, હું જૈની ટાટજેનને મળ્યો. તે હસમુખા સ્વભાવની પાયોનિયર હતી. તેને યહોવા માટે ઊંડો પ્રેમ હતો અને તેનામાં જતું કરવાની ભાવના હતી. વર્ષ ૧૯૫૫માં અમે લગ્ન કર્યા. હું તમને મારી કહાની આગળ જણાવું એ પહેલા, જૈની જણાવશે કે તે કઈ રીતે પાયોનિયર બની. તેમ જ, લગ્ન પછી અમે કઈ રીતે ભેગા મળીને સેવા આપીએ છીએ.
યુગલ તરીકે સેવા
જૈની: મારાં મમ્મી વર્ષ ૧૯૪૫માં સાક્ષી બન્યાં. એ સમયે, હું ૧૧ વર્ષની હતી. મમ્મી જાણતાં હતાં કે અમે ત્રણે બાળકો બાઇબલ સત્ય શીખીએ, એ ઘણું મહત્ત્વનું છે. પણ, મારા પપ્પા સત્યનો વિરોધ કરતા, તેથી પપ્પા ઘરે ન હોય ત્યારે મમ્મી અમને શીખવતાં.
હું સૌથી પહેલા કોઈ સભામાં ગઈ હોઉં, તો એ સંમેલન હતું. એ સંમેલન વર્ષ ૧૯૫૦માં ધ હેગ નામના શહેરમાં યોજાયું હતું. એના પછીના જ અઠવાડિયે હું પહેલી વાર એસેન શહેરના રાજ્યગૃહની સભામાં ગઈ. હું સભામાં ગઈ એટલે પપ્પા બહુ ગુસ્સે થયા અને મને ઘરમાંથી કાઢી મૂકી. એ વખતે મમ્મીએ મને કહ્યું, ‘તું જાણે છે કે તારે ક્યાં જવું જોઈએ!’ હું સમજી ગઈ કે મમ્મીનો મતલબ શું હતો. તે એમ કહેવાં માગતાં હતાં કે મારે મંડળનાં ભાઈ-બહેનોની મદદ લેવી જોઈએ. તેથી, હું નજીકમાં રહેતા સાક્ષી કુટુંબ સાથે રહેવા ગઈ. પપ્પા તોય મારી માટે મુશ્કેલીઓ ઊભી કરતા. એના લીધે, હું ઘરથી ૯૫ કિ.મી. દૂર આવેલા દાવેંતર મંડળમાં જોડાઈ. એ સમયે હું પુખ્ત વયની નહોતી. એટલે, મને ઘરમાંથી કાઢી મૂકવા માટે સરકારી અધિકારીઓએ પપ્પાને જવાબદાર ઠરાવ્યા. પરિણામે, તેમણે મને ઘરમાં પાછી બોલાવી પડી. ખરું કે, તેમણે કદી સત્ય ન સ્વીકાર્યું, પણ સમય જતા તે અમને સભાઓમાં અને પ્રચારમાં જવાની છૂટ આપવા લાગ્યા.
નીચે: જૈની (જમણી બાજુ છેલ્લે) વર્ષ ૧૯૫૨માં સહાયક પાયોનિયરીંગ કરતી વખતે
હું ઘરે આવી એના અમુક સમય પછી મમ્મી ખૂબ બીમાર પડ્યાં. ઘરનાં કામકાજની જવાબદારી મારે ઉપાડવી પડી. છતાં, હું સત્યમાં પ્રગતિ કરતી ગઈ અને ૧૭ વર્ષની ઉંમરે ૧૯૫૧માં મેં બાપ્તિસ્મા લીધું. વર્ષ ૧૯૫૨માં મમ્મીની તબિયત સારી થઈ ગઈ. તેથી, મેં બીજી ત્રણ પાયોનિયર બહેનો સાથે બે મહિના સહાયક પાયોનિયરીંગ કર્યું. અમે ચારેય બહેનો હાઉસ બોટમાં રહેતી અને ડ્રેન્થ રાજ્યના બે શહેરોમાં પ્રચાર કરતી. વર્ષ ૧૯૫૩માં હું નિયમિત પાયોનિયર બની. એક વર્ષ પછી, યુવાન સરકીટ નિરીક્ષક અમારા મંડળની મુલાકાતે આવ્યા. તેમનું નામ મારકુસ. અમને થયું કે લગ્ન કરીને અમે યહોવાની વધુ સારી રીતે સેવા કરી શકીશું. (સભા. ૪:૯-૧૨) તેથી, વર્ષ ૧૯૫૫ના મે મહિનામાં અમે લગ્ન કર્યાં.
જમણી બાજુ: વર્ષ ૧૯૫૫માં લગ્નના દિવસે
મારકુસ: અમારાં લગ્ન પછી અમને વેંદામ શહેરમાં પાયોનિયર તરીકે મોકલવામાં આવ્યાં. ત્યાં અમે ૬ ચોરસ મીટરના નાનકડા રૂમમાં રહેતાં. જૈની રૂમને ચોખ્ખો રાખતી. રૂમ એટલો નાનો હતો કે, ખાટલો પાથરવા અમારે રોજ રાત્રે ટેબલ અને બે નાની ખુરશી ખસેડવાં પડતાં.
છ મહિના પછી, અમને બેલ્જિયમમાં પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપવા બોલાવવામાં આવ્યાં. વર્ષ ૧૯૫૫માં ત્યાં ફક્ત ૪,૦૦૦ પ્રકાશકો હતા. હવે ત્યાં ૨૪,૦૦૦ પ્રકાશકો છે. બેલ્જિયમના ઉત્તરમાં આવેલા ફ્લાન્ડર્સ નામના શહેરમાં એ જ ભાષા બોલાય છે જે નેધરલૅન્ડમાં વપરાય છે. છતાં, એ બોલી ઘણી અલગ હતી. એટલે, શરૂઆતમાં અમને બહુ મુશ્કેલી પડી.
જૈની: પ્રવાસી નિરીક્ષક તરીકેની સેવામાં જરૂરી છે કે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે. અમે સાઇકલ પર મંડળોની મુલાકાત લેતાં અને ભાઈ-બહેનોનાં ઘરે રોકાતાં. રહેવા માટે અમારી પાસે પોતાનું ઘર નહોતું. તેથી, સોમવાર સુધી અમે એક મંડળ સાથે રહેતા અને બીજા મંડળમાં જવા અમે મંગળવારે મુસાફરી કરતા. અમે હંમેશાં યહોવાની સેવાને એક આશીર્વાદ ગણ્યો છે.
મારકુસ: શરૂઆતમાં અમે મંડળનાં ભાઈ-બહેનોને ઓળખતાં નહોતાં. છતાં, તેઓ અમને પ્રેમ બતાવતાં અને અમારો આવકાર કરતાં. (હિબ્રૂ ૧૩:૨) વર્ષો દરમિયાન, બેલ્જિયમમાં ડચ ભાષા બોલતા દરેક મંડળની અમે ઘણી મુલાકાતો લીધી. એ સમયમાં અમને ઘણા આશીર્વાદ મળ્યા. દાખલા તરીકે, ડચ ભાષા બોલતાં મોટા ભાગનાં ભાઈ-બહેનોને અમે ઓળખી શક્યાં. તેઓ માટે અમારો પ્રેમ ગાઢ થવા લાગ્યો. ત્યાં અમે ઘણા યુવાનોને મોટા થતા અને ભક્તિમાં પ્રગતિ કરતા જોઈ શક્યા. અમે તેઓને પોતાનું જીવન યહોવાને સમર્પણ કરતા અને રાજ્યને જીવનમાં પ્રથમ રાખતા જોઈ શક્યા. તેઓમાંના ઘણા હાલમાં પૂરા સમયની સેવા આપી રહ્યા છે. એ જોઈને અમારાં દિલ ખુશીથી છલકાઈ જાય છે. (૩ યોહા. ૪) મંડળમાં ‘એકબીજાને ઉત્તેજન આપવાથી’ પૂરા સમયની સેવામાં લાગુ રહેવા અમને મદદ મળી છે.—રોમ. ૧:૧૨, IBSI.
મોટો પડકાર અને આશીર્વાદ
મારકુસ: અમે લગ્ન કર્યા ત્યારથી જ ગિલયડ શાળામાં જવાની અમારી ઇચ્છા હતી. એ માટે અમે દરરોજ એક કલાક અંગ્રેજી શીખતાં. પરંતુ, પુસ્તકમાંથી અંગ્રેજી શીખવું સહેલું ન હતું. એટલે, અમે રજાઓમાં ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું, જેથી પ્રચાર કરવાની સાથે સાથે અંગ્રેજી શીખી શકીએ. છેવટે, ૧૯૬૩માં અમને મુખ્યમથક બ્રુકલિનથી બે પત્રો આવ્યા. એક પત્ર મારા માટે અને બીજો જૈની માટે હતો. મારા પત્રમાં દસ મહિના માટે ગિલયડ શાળામાં તાલીમ લેવાનું આમંત્રણ હતું. એ શાળામાં ખાસ કરીને ભાઈઓને તાલીમ અને સંગઠનના સૂચનો આપવામાં આવતાં. ત્યાં આવેલા ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી ૮૨ ભાઈઓ હતા.
જૈની: મને જે પત્ર આવ્યો એમાં લખ્યું હતું કે, મારકુસ ગિલયડમાં હોય ત્યારે હું બેલ્જિયમમાં રહીશ કે નહિ, એ વિશે પ્રાર્થનાપૂર્વક વિચાર કરું. સાચું કહું તો, શરૂઆતમાં હું નિરાશ થઈ ગઈ હતી! મને એમ લાગતું કે મારા પ્રયત્નોને યહોવાનો આશીર્વાદ ન મળ્યો. છતાં, હું યાદ કરતી કે ખુશખબરને દુનિયા ફરતે ફેલાવતાં ભાઈ-બહેનોને મદદ આપવી, એ જ ગિલયડનો મુખ્ય ધ્યેય છે. તેથી, મેં બેલ્જિયમમાં જ રહેવાનું નક્કી કર્યું. બેલ્જિયમના ગેન્ટ નામના શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપવાનું મને કહેવામાં આવ્યું. બે ખાસ પાયોનિયર ઍના અને મારિયા કોલ્પર્ટ સાથે મળીને હું પ્રચાર કરતી.
મારકુસ: હું અંગ્રેજી શીખી શકું એ માટે શાળાના પાંચ મહિના પહેલાં જ મને બ્રુકલિન બોલાવવામાં આવ્યો. ત્યાં હું શિપિંગ અને સર્વિસ વિભાગોમાં કામ કરતો. અમે ત્યાંથી એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં સાહિત્ય મોકલતા. એ જોઈને વિશ્વભરના ભાઈચારા માટે મારો પ્રેમ હજુ ગાઢ થયો. મને ખાસ કરીને ભાઈ એ. એચ. મેક્મીલન યાદ છે, જે સી. ટી. રસેલના દિવસોમાં પ્રવાસી નિરીક્ષક હતા. હવે, તે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમને ઓછું સંભળાતું હતું. છતાં, તે દરેક સભામાં નિયમિત આવતા. એ મારા દિલને સ્પર્શી ગયું. હું શીખ્યો કે ભાઈ-બહેનોની સંગતને મહત્ત્વની ગણવી જોઈએ.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
જૈની: અઠવાડિયામાં હું અને મારકુસ ઘણી વાર એકબીજાને પત્રો લખતા. અમને એકબીજાની ખૂબ જ યાદ આવતી. જોકે, ત્યાં મારકુસ તાલીમ મેળવીને ખુશ હતા અને અહીંયા હું પ્રચારનો આનંદ માણતી. મારકુસ તાલીમ પતાવીને આવ્યા ત્યાં સુધીમાં તો હું ૧૭ બાઇબલ અભ્યાસ ચલાવી રહી હતી! એકબીજાથી ૧૫ મહિના અલગ રહેવું મોટો પડકાર હોવા છતાં, અમારા એ ભોગને યહોવાએ આશીર્વાદ આપ્યો. મારકુસ જે વિમાનમાં આવવાના હતા એ ઘણા કલાકો મોડું પડ્યું. તેથી, મળતાની સાથે જ અમારી આંખો છલકાઈ આવી. એ પછી અમે ક્યારેય છૂટા પડ્યા નહિ.
સેવામાં મળતા દરેક લહાવા માટે આભારી
મારકુસ: ડિસેમ્બર, ૧૯૬૪માં હું ગિલયડની તાલીમ પૂરી કરીને પાછો આવ્યો ત્યારે, અમને બેથેલમાં બોલાવવામાં આવ્યા. ત્યાં કેટલા સમય માટે બોલાવ્યા છે એ અમે જાણતા ન હતા. ત્રણ મહિના પછી, અમને ફ્લેન્ડર્સમાં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા. થોડા સમય પછી, આલસેન અને એલ્સ વીગરસ્મા નામના યુગલને બેલ્જિયમમાં મિશનરી તરીકે નીમવામાં આવ્યું. અને તેઓને ડિસ્ટ્રીક્ટ કામ સોંપવામાં આવ્યું. એટલે, અમે બેથેલમાં પાછા ગયા. ત્યાં અમે સર્વિસ વિભાગમાં સેવા આપતા. વર્ષ ૧૯૬૮થી ૧૯૮૦ સુધીમાં ઘણી વાર અમારી સોંપણી બદલાઈ. અમુક વાર બેથેલમાં તો અમુક વાર પ્રવાસી નિરીક્ષક તરીકે અમે કામ કર્યું. છેવટે, ૧૯૮૦થી ૨૦૦૫ સુધી મેં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા આપી.
ભલે અમારી સોંપણી ઘણી વાર બદલાતી, તોય અમે કદી ભૂલ્યા નહિ કે, યહોવાની ભક્તિ પૂરા દિલથી કરવાનો અમે નિર્ણય કર્યો છે. અમે દરેક સોંપણીની જવાબદારી આનંદથી ઉપાડતા. અમને ખાતરી હતી કે ખુશખબર વધુ સારી રીતે ફેલાય એ માટે અમારી સોંપણી બદલાતી હતી.
જૈની: બે લહાવા મને ખાસ યાદ છે. એક તો, ૧૯૭૭માં મને મારકુસ સાથે બ્રુકલિન જવાની અજોડ તક મળી. તેમ જ, ૧૯૯૭માં અમને શાખા સમિતિના સભ્યોની તાલીમ માટે પૅટરસન બોલાવવામાં આવ્યા.
યહોવા આપણી જરૂરિયાત જાણે છે
મારકુસ: વર્ષ ૧૯૮૨માં જૈનીનું મોટું ઑપરેશન થયા પછી તેની તબિયત ઝડપથી સુધરવા લાગી. ત્રણ વર્ષ બાદ, લૉવેન વિસ્તારના મંડળે અમને રાજ્યગૃહના ઉપરના માળે રહેવા મકાન આપ્યું. ત્રીસ વર્ષમાં પહેલી વાર હવે અમારી પાસે રહેવા પોતાની નાની જગ્યા હતી. દર મંગળવારે બીજાં મંડળોની મુલાકાતે જવા, મારે ૫૪ પગથિયાં ચઢ-ઉતર કરીને સામાન નીચે લાવવો પડતો. તેથી, વર્ષ ૨૦૦૨માં ગોઠવણ કરવામાં આવી કે અમને ભોંયતળિયે મકાન મળે. હું ૭૮ વર્ષનો હતો ત્યારે અમને લૉકેરન શહેરમાં ખાસ પાયોનિયર નીમવામાં આવ્યા. અમે ખુશ છીએ કે આ રીતે સેવા આપી શકીએ છીએ અને હજીયે દરરોજ પ્રચારમાં જઈ શકીએ છીએ.
“અમે મક્કમ રીતે માનીએ છીએ કે, આપણે ક્યાં અને કેવી સોંપણીમાં ભક્તિ કરીએ છીએ એના કરતાં, વધારે મહત્ત્વનું છે કે આપણે કોની ભક્તિ કરીએ છીએ”
જૈની: પૂરા સમયની સેવામાં અમારાં બંનેનાં મળીને ૧૨૦ કરતાં વધારે વર્ષ થયાં છે. યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોને ‘કદી મૂકી દેશે નહિ.’ અમે એ વચનનો પૂરેપૂરો અનુભવ કર્યો છે. જ્યાં સુધી આપણે વફાદારીથી યહોવાને ભજતા રહીશું, ત્યાં સુધી ‘કશાની ખોટ પડશે નહિ.’—હિબ્રૂ ૧૩:૫; પુન. ૨:૭.
મારકુસ: યુવાન હતા ત્યારે અમે યહોવાને જીવન સમર્પણ કર્યું હતું. અમે પોતાના માટે કદી મોટી મોટી બાબતો ભેગી કરવાનું ચાહ્યું નથી. અમે કોઈ પણ સોંપણી દિલથી સ્વીકારવા તૈયાર રહ્યા છીએ. કારણ, અમે મક્કમ રીતે માનીએ છીએ કે, આપણે ક્યાં અને કેવી સોંપણીમાં ભક્તિ કરીએ છીએ એના કરતાં, વધારે મહત્ત્વનું છે કે આપણે કોની ભક્તિ કરીએ છીએ.
a સમય જતા, મારાં માતા-પિતા, મોટી બહેન અને બે નાના ભાઈઓ પણ યહોવાના સાક્ષી બન્યાં.