યહોવાની નજરની, શું તમે કદર કરો છો?
‘યહોવાની દૃષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર નજર રાખે છે.’—નીતિ. ૧૫:૩.
૧, ૨. કૅમેરાથી નજર રાખતા અધિકારીઓ અને યહોવાની આપણા પર જે નજર છે, એમાં શું તફાવત છે?
ઘણા દેશોમાં અધિકારીઓ રોડ પર કૅમેરા ગોઠવે છે. એનાથી તેઓ ટ્રાફિક કેટલો છે એના અને થતા અકસ્માતના ફોટા લઈ શકે છે. જો કોઈ ડ્રાઇવર નિયમ તોડે કે અકસ્માત કરીને નાસી છૂટે, તો અધિકારીઓ એ ફોટાના આધારે તેને શોધીને ધરપકડ કરી શકે. ઘણી જગ્યાએ એવા કૅમેરાના ઉપયોગને લીધે ગુનેગારોનું છટકવું મુશ્કેલ બનતું જાય છે.
૨ બાઇબલ જણાવે છે કે “યહોવાની દૃષ્ટિ સર્વ સ્થળે છે.” (નીતિ. ૧૫:૩) તો શું એનો અર્થ એવો થાય કે, યહોવા આપણા પર એ અધિકારીઓની જેમ નજર રાખી રહ્યા છે? શું તે એ જોવા બેઠા છે કે, આપણે ક્યારે તેમનો કોઈ નિયમ તોડીએ અને તે તરત આપણને શિક્ષા કરે? ના, બીલકુલ નહિ! (યિર્મે. ૧૬:૧૭; હિબ્રૂ ૪:૧૩) યહોવા આપણા પર નજર રાખે છે, કારણ કે તે આપણને પ્રેમ કરે છે અને આપણું ભલુ ઇચ્છે છે.—૧ પીત. ૩:૧૨.
૩. યહોવા કઈ પાંચ રીતોએ આપણા પર નજર રાખે છે?
૩ યહોવાની એ પ્રેમાળ નજર માટે કદર વધારવા શાનાથી મદદ મળશે? ચાલો, એ માટે જોઈએ કે તે આપણા પર કઈ રીતે નજર રાખે છે. તે આ રીતે નજર રાખે છે: (૧) આપણે કંઈક ખોટું કરીએ એ પહેલાં ચેતવે છે. (૨) ખોટાં પગલાં ભરીએ ત્યારે આપણને સુધારે છે. (૩) બાઇબલના સિદ્ધાંતો દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. (૪) કસોટીઓમાં આપણને મદદ કરે છે. (૫) સારું કરીએ ત્યારે આપણને ઇનામ આપે છે.
ઈશ્વર આપણને ચેતવે છે
૪. કાઈન પાપ કરે એ પહેલાં યહોવાએ શા માટે તેને ચેતવ્યો?
૪ ચાલો, જોઈએ કે આપણે કંઈક ખોટું કરીએ એ પહેલાં યહોવા કઈ રીતે ચેતવે છે. (૧ કાળ. ૨૮:૯) યહોવાની આપણા પર જે પ્રેમાળ નજર છે, એની કદર કરવા ચાલો કાઈનના દાખલા પર વિચાર કરીએ. યહોવાએ તેને માન્ય કર્યો નહિ ત્યારે ‘કાઈનને બહુ ગુસ્સો આવ્યો.’ (ઉત્પત્તિ ૪:૩-૭ વાંચો.) યહોવાએ કાઈનને આગ્રહ કર્યો કે તે “સારું કરે.” યહોવાએ ચેતવણી પણ આપી કે ‘જો તે સારું નહિ કરે, તો પાપ તેને દ્વારે સંતાઈ રહે છે.’ એ પછી, યહોવાએ તેને પૂછ્યું કે શું તે પાપ પર “ધણીપણું કરશે?” યહોવા ઇચ્છતા હતા કે કાઈન તેમની ચેતવણી ધ્યાનમાં લે અને તેમની નજરે “માન્ય” થાય. જો કાઈને એ ચેતવણી ધ્યાનમાં લીધી હોત તો ઈશ્વર સાથે તેનો સંબંધ જળવાઈ રહ્યો હોત.
૫. યહોવા કઈ રીતોએ આપણને ચેતવણી આપે છે?
૫ આપણા વિશે શું? યહોવાની નજર આપણું દિલ જોઈ શકે છે. આપણાં ઇરાદા અને ઇચ્છાઓ તેમનાથી છુપાયેલાં નથી. પ્રેમાળ પિતા ઇચ્છે છે કે આપણે ન્યાયના માર્ગે ચાલીએ. જોકે, એમ કરવા તે આપણા પર દબાણ લાવતા નથી. આપણે ખોટી દિશામાં જતા હોઈએ ત્યારે તે આપણને બાઇબલ દ્વારા ચેતવે છે. કઈ રીતે? રોજબરોજના બાઇબલ વાંચનમાં આપણને એવો જ અહેવાલ વાંચવામાં આવે, જે આપણાં ખોટાં ઇરાદા અને ઇચ્છાને દૂર કરવાં મદદ કરે. ઉપરાંત, આપણે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોઈએ એ જ વિશે આપણાં સાહિત્યમાં માર્ગદર્શન મળે. તેમ જ, સભાઓમાં આપણને યોગ્ય સમયે જરૂરી સલાહ પણ મળે. એ બતાવે છે કે, યહોવાને એ સંજોગોની જાણ હતી અને તેમણે ખરા સમયે મદદ આપી.
૬, ૭. (ક) શું સાબિત કરે છે કે યહોવા પોતાના દરેક ભક્તની પ્રેમથી કાળજી લે છે? (ખ) યહોવા તમારા પર જે ધ્યાન આપે છે, એમાંથી ફાયદો મેળવવા તમારે શું કરવું જોઈએ?
૬ એવી બધી ચેતવણીઓ પુરાવા આપે છે કે યહોવા આપણામાંની દરેક વ્યક્તિને પ્રેમ કરે છે. ખરું કે, બાઇબલ ઘણી સદીઓ પહેલાં લખવામાં આવ્યું છે; યહોવાનું સંગઠન પણ લાખો લોકો માટે સાહિત્ય તૈયાર કરે છે; સભાઓમાં પણ આખા મંડળને ધ્યાનમાં રાખીને સલાહ આપવામાં આવે છે. છતાં, એ બધા કિસ્સામાં યહોવા તમારું ધ્યાન ચેતવણીઓ પર દોરે છે, જેથી તમે સુધારો કરી શકો. એ બધું સાબિત કરે છે કે યહોવા તમને પ્રેમ કરે છે.
બાઇબલથી કેળવાયેલું મન આપણને જોખમો ટાળવાં મદદ કરે છે (ફકરા ૬, ૭ જુઓ)
૭ ઈશ્વરની ચેતવણીમાંથી ફાયદો મેળવવા માટે, પહેલા તો સ્વીકારવું જોઈએ કે તેમને આપણી ચિંતા છે. એ પછી, બાઇબલનું માર્ગદર્શન લાગુ પાડવા, યહોવાને નાખુશ કરતા દરેક વિચારોને તરત દૂર કરવા જોઈએ. (યશાયા ૫૫:૬, ૭ વાંચો.) આપણને મળતી દરેક ચેતવણીને ધ્યાન આપીશું તો દુઃખી કરતી બાબતોથી બચી શકીશું. પરંતુ, સવાલ થાય કે ચેતવણીઓને ધ્યાનમાં નહિ લઈએ તો, શું યહોવા આપણી કાળજી રાખશે?
કાળજી લેનાર પિતા આપણને સુધારે છે
૮, ૯. આપણને કોઈ ભાઈ જ્યારે બાઇબલમાંથી સલાહ આપે ત્યારે કઈ રીતે સાબિત થાય છે કે યહોવા આપણી કાળજી રાખે છે? દાખલો આપો.
૮ યહોવા આપણને સુધારે ત્યારે સાબિત થાય છે કે તે આપણી કાળજી રાખે છે. (હિબ્રૂ ૧૨:૫, ૬ વાંચો.) ખરું કે, સલાહ અથવા શિસ્ત કોઈને ગમે નહિ. (હિબ્રૂ ૧૨:૧૧) પરંતુ, કોઈ ભાઈ બાઇબલમાંથી સલાહ આપે ત્યારે, આ બાબતોનો વિચાર કરો: તે આપણી લાગણીઓ દુભાવવા માંગતા નથી. પણ, યહોવા સાથેનો આપણો સંબંધ ખતરામાં જોઈ શકે છે. તે પોતાનાં સમય અને શક્તિ આપણા માટે ખર્ચે છે. તે આપણને યહોવા પાસે પાછા ફરવા બાઇબલમાંથી સલાહ આપે છે. આપણે એવી સલાહની ઘણી કદર કરીએ છીએ કેમ કે એ યહોવા તરફથી છે.
૯ દાખલા તરીકે, એક ભાઈને સત્યમાં આવ્યા પહેલાં પોર્નોગ્રાફી જોવાની આદત હતી. સત્ય શીખ્યા પછી તેમણે એ આદત છોડી દીધી. સમય જતાં, તેમણે એક નવો મોબાઇલ ખરીદ્યો. એ પછી તેમની જૂની ઇચ્છા ફરી જાગી અને તેમણે ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોવાનું પાછું શરૂ કર્યું. (યાકૂ. ૧:૧૪, ૧૫) જોઈ શકાય કે પોર્નોગ્રાફી જોવાની તેમની ઇચ્છા પૂરી રીતે હોલવાઈ ન હતી. એક દિવસે તેમણે કોઈ કામથી પોતાનો ફોન એક વડીલને આપ્યો. વડીલને એ ફોનમાં અયોગ્ય વેબસાઇટ નજરે પડી. તેમણે તરત જ એ ભાઈને સલાહ આપી, જેને ભાઈએ ધ્યાનમાં લીધી અને સમય જતાં એ ખોટી આદતથી પૂરી રીતે મુક્ત થયા. એ બતાવે છે કે યહોવા આપણી અંદર છુપાયેલા પાપને જોઈ શકે છે. તેમ જ, તેમની સાથેનો આપણો સંબંધ ખતરામાં મુકાય એ પહેલાં આપણને સુધારે છે. સાચે જ, આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તે આપણી કાળજી રાખે છે!
બાઇબલ સિદ્ધાંતો આપણા ભલા માટે છે
૧૦, ૧૧. (ક) કઈ રીતે આપણે યહોવાની સલાહ મેળવી શકીએ? (ખ) એક કુટુંબે કઈ રીતે અનુભવ્યું કે યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં જ ભલાઈ છે?
૧૦ બાઇબલના એક લેખકે યહોવાને કહ્યું, ‘તમે તમારા બોધથી મને માર્ગ બતાવો છો.’ (ગીત. ૭૩:૨૪) આપણને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે ‘યહોવાની સલાહ સ્વીકારીએ.’ બાબતોને તેમની નજરે જોવા બાઇબલની મદદ લઈએ. એમાં મળતા સિદ્ધાંતોને લાગુ પાડવાથી આપણો યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય છે. તેમ જ, આપણે પોતાની અને કુટુંબની સારી સંભાળ રાખી શકીએ છીએ.—નીતિ. ૩:૬.
૧૧ એ સમજવા ચાલો એક ખેડૂત ભાઈનો દાખલો જોઈએ. ફિલિપાઇન્સમાં તે પોતાની પત્ની અને મોટા કુટુંબ સાથે એક ભાડાનું ખેતર ખેડતા અને ત્યાં જ રહેતા હતા. કુટુંબને ઉછેરવાની સાથે સાથે તે અને તેમના પત્ની નિયમિત પાયોનિયરીંગ પણ કરતા. અચાનક એક દિવસે ખેતરના માલિકે તેઓને એ જગ્યા ખાલી કરવાની નોટિસ મોકલાવી. શા કારણે? તેઓ ભરોસાપાત્ર નથી એવો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાઈને ઘણી ચિંતા હતી કે હવે આખું કુટુંબ ક્યાં જઈને રહેશે. છતાં તેમણે કહ્યું, ‘યહોવા આપણને પૂરું પાડશે. ભલે ગમે તે થાય, યહોવા હંમેશાં આપણી જરૂરિયાતોની સંભાળ રાખશે.’ ભાઈનો ભરોસો ખરો સાબિત થયો. અમુક દિવસો પછી, કુટુંબને જાણીને રાહત મળી કે હવે તેઓને ત્યાંથી જવું નહિ પડે. એવું તો શું બન્યું? માલિક જોઈ શક્યો કે એ સાક્ષી કુટુંબ પર આરોપ લગાવ્યા છતાં, તેઓ બાઇબલ સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. તેઓએ શાંતિ અને માનભર્યું વલણ જાળવી રાખ્યું. એ જોઈ માલિકને બહુ નવાઈ લાગી અને તેણે તેઓને ત્યાં રહેવા દીધા. એટલું જ નહિ, તેણે તેઓને ખેડવા માટે બીજી પણ જમીન આપી. (૧ પીતર ૨:૧૨ વાંચો.) સાચે જ, મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા આપણને બાઇબલ દ્વારા મદદ આપે છે.
કસોટીમાં મદદ કરનાર મિત્ર
૧૨, ૧૩. ઈશ્વર આપણી કાળજી રાખે છે એમ માનવું વ્યક્તિને ક્યારે અઘરું લાગી શકે?
૧૨ અમુક વખતે એવું લાગે કે કસોટીભર્યાં સંજોગો આપણો પીછો જ નથી છોડતા. બની શકે કે આપણને કોઈ લાંબી બીમારી થાય, કુટુંબના સભ્યો તરફથી સતત વિરોધ આવે અથવા સતત સતાવણી સહેવી પડે. એ બધાં ઉપરાંત, સૌથી અઘરું તો કદાચ એ છે કે, મંડળમાં કોઈકના સ્વભાવને લીધે ઊભા થતા મતભેદો સહન કરવા પડે.
૧૩ ધારો કે કોઈ ભાઈ તમને એવું કંઈ કહી જાય જેનાથી તમને ઘણું દુઃખ પહોંચે. તમને થશે કે “ઈશ્વરના સંગઠનમાં એવું બને જ કઈ રીતે?” તેમ છતાં, તમને દુઃખ પહોંચાડનાર ભાઈને મંડળમાં વધારે જવાબદારીઓ મળે છે. બીજાઓ એ ભાઈ માટે ખૂબ સારું વિચારે છે. એટલે તમને લાગે કે, “આવું કેમ થઈ રહ્યું છે? શું યહોવા એ જોઈ રહ્યા નથી? શું તે કોઈ પગલાં લેશે?”—ગીત. ૧૩:૧, ૨; હબા. ૧:૨, ૩.
૧૪. આપણને સલાહ આપવાની પરવાનગી યહોવાએ શા માટે ભાઈઓને આપી છે?
૧૪ એ સંજોગોમાં કોઈ પગલાં ન લેવાનાં યહોવા પાસે વાજબી કારણો હશે. દાખલા તરીકે, તમને લાગે કે બધો દોષ બીજી વ્યક્તિનો છે. પરંતુ, ઈશ્વર બાબતોને જુદી રીતે જુએ છે. તેમની નજરે કદાચ તમારો વાંક વધારે હોય શકે. ખોટું લગાડવાને બદલે કદાચ તમારે એ ટીકાને જરૂરી સલાહ ગણવી જોઈતી હતી. નિયામક જૂથના સભ્ય કાર્લ ક્લેઈન જોડે જે બન્યું હતું એનો વિચાર કરો. એક વાર, તેમને ભાઈ રધરફર્ડ પાસેથી કડક શબ્દોમાં ઠપકો મળ્યો હતો. એના થોડા સમય પછી ભાઈ રધરફર્ડે સ્મિત આપતા ખબર-અંતર પૂછી ત્યારે, ભાઈ ક્લેઈને સરખો જવાબ ન આપ્યો. તે મળેલા ઠપકાને લીધે હજી પણ નારાજ હતા. એ બાબતનો ખ્યાલ આવવાથી ભાઈ રધરફર્ડે ભાઈ ક્લેઈનને શેતાનના ફાંદામાં ફસાઈ ન જવાની ચેતવણી આપી. સમય જતાં, ભાઈ ક્લેઈને લખ્યું: ‘ભાઈઓને સલાહ આપવાનો અધિકાર છે, તેથી તેઓ માટે મનમાં ખાર ન રાખવો જોઈએ. નહિતર, આપણે સામે ચાલીને શેતાનના ફાંદામાં ફસાઈશું.’a
૧૫. કસોટીના સમયમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૫ આપણને જ્યારે લાગે કે કસોટી ઓછી થતી જ નથી ત્યારે ધીરજ ગુમાવી શકીએ. એવા સમયે આપણને શું મદદ કરશે? માની લો કે તમે ક્યાંક જવા કાર લઈને નીકળ્યા છો અને રસ્તામાં ટ્રાફિકને લીધે ફસાઈ ગયા છો. તમને ખબર નથી કે રસ્તો ક્યારે ખુલશે. તમે જો અધીરા થઈને બીજો રસ્તો શોધવાનો પ્રયત્ન કરશો તો કદાચ ભૂલા પડી જશો અને પહોંચતા વધુ મોડું થઈ જશે. પરંતુ, જો તમે ધીરજથી કામ લેશો અને રસ્તો છોડશો નહિ, તો કદાચ સમય પર પહોંચી જાઓ. એવી જ રીતે, કસોટીના સમયે જો આપણે બાઇબલના સિદ્ધાંતોને વળગી રહીએ તો યહોવા આપણને સહન કરવા મદદ કરે છે.
૧૬. કયા બીજા કારણને લીધે યહોવા અમુક વાર આપણને કસોટીમાં મદદ કરતા નથી?
૧૬ એવું પણ બને કે, કસોટી વખતે યહોવા પાસેથી કોઈ મદદ ન મળે. અમુક વાર, દખલ ન કરીને તે આપણને તાલીમ આપવા માંગે છે. (૧ પીતર ૫:૬-૧૦ વાંચો.) આપણે એવું કદી ન વિચારીએ કે યહોવા કસોટી લાવે છે. (યાકૂ. ૧:૧૩) મોટા ભાગની કસોટીઓ “તમારો વૈરી શેતાન” લાવે છે. તોપણ યહોવા અલગ અલગ સંજોગોનો ઉપયોગ કરીને તમને શ્રદ્ધામાં મજબૂત કરવા મદદ કરે છે. તે તમારાં દુઃખોને ધ્યાનમાં લે છે “કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” તમને એ ફક્ત “થોડી વાર સહન” કરવી પડે એની તે ખાતરી રાખે છે. કસોટીઓનો સામનો કરતી વખતે યહોવાની પ્રેમાળ નજરની, શું તમે કદર કરો છો? શું તમને એવી ખાતરી છે કે તે તમને એમાંથી છૂટવાનો માર્ગ આપશે?—૨ કોરીં. ૪:૭-૯.
યહોવા તરફથી ઇનામ
૧૭. યહોવા શા માટે દરેકના હૃદયની તપાસ કરે છે?
૧૭ યહોવા દરેકનાં હૃદયની તપાસ એ જોવા કરે છે કે ખરેખર કોના દિલમાં તેમના માટે પ્રેમ છે. હનાની પ્રબોધકે રાજા આસાને કહ્યું, “યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળ. ૧૬:૯) યહોવા તમને પણ બતાવે છે કે “પોતે બળવાન છે.” કઈ રીતે? તમારું રક્ષણ કરીને અને તમને આશીર્વાદ આપીને.
૧૮. એવું લાગે કે આપણાં સારાં કામને કોઈ જોતું નથી ત્યારે આપણે શું યાદ રાખવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૮ ઈશ્વર ઇચ્છે છે કે આપણે ‘ભલું શોધીએ,’ ‘ભલું ચાહીએ,’ અને ‘ભલું કરીએ.’ એમ કરીશું તો આપણા પર ‘યહોવાની કૃપા રહેશે.’ (આમો. ૫:૧૪, ૧૫; ૧ પીત. ૩:૧૧, ૧૨) ન્યાયી લોકોની યહોવા નોંધ રાખે છે અને આશીર્વાદ આપે છે. (ગીત. ૩૪:૧૫) દાખલા તરીકે, હિબ્રૂ દાઈઓ શિફ્રાહ અને પૂઆહનો વિચાર કરો. ઈસ્રાએલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા ત્યારે એ સ્ત્રીઓએ ફારૂનનું નહિ, પણ ઈશ્વરનું માન્યું. ફારૂનનો હુકમ હતો કે દરેક હિબ્રૂ નર બાળકનો જન્મ થતાં જ એને મારી નાખવું. જોકે, ઈશ્વરનો ડર રાખનારી એ બે સ્ત્રીઓએ બાળકોને માર્યાં નહિ. તેઓનાં સારાં કામ યહોવાની નજર બહાર ગયાં નહિ. યહોવાએ પછીથી તેઓને બાળકો આપીને આશીર્વાદ આપ્યો. (નિર્ગ. ૧:૧૫-૧૭, ૨૦, ૨૧) કોઈક વાર આપણને એવું લાગે કે આપણાં સારાં કામને કોઈ જોતું નથી. પરંતુ, એમ નથી. યહોવા આપણા દરેક સારા કામને ચોક્કસ ધ્યાનમાં લેશે અને એનું ઇનામ આપશે.—માથ. ૬:૪, ૬; ૧ તીમો. ૫:૨૫; હિબ્રૂ ૬:૧૦.
૧૯. એક બહેનને કઈ રીતે ખ્યાલ આવ્યો કે તેમનાં સારાં કામ યહોવાના ધ્યાન બહાર ગયાં નથી?
૧૯ ઑસ્ટ્રિયામાં રહેતાં એક હંગેરીયન બહેનનું કામ યહોવાની નજર બહાર ગયું નહિ. બહેનને હંગેરીયન ભાષા બોલનારી રસ ધરાવતી વ્યક્તિનું સરનામું આપવામાં આવ્યું. બહેન તરત જ એ સરનામે ગયાં, પણ કોઈ મળ્યું નહિ. પછી પણ, તે એ ઘરે ઘણી વાર ગયાં પણ કોઈ મળતું નહિ. અમુક વાર તેમને લાગતું કે ઘરમાં કોઈક તો છે, પણ ખબર નહિ દરવાજો શા માટે ખોલતાં નથી. એટલે બહેન આપણું અમુક સાહિત્ય, પત્ર અને પોતાનો ફોન નંબર પણ ત્યાં મૂકતાં. એવું લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યું. પછી એક દિવસે, એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તેણે કહ્યું, ‘આવો ને! તમારાં સાહિત્ય અને પત્રો હું વાંચતી. અને હું તમારી જ રાહ જોતી હતી.’ તો પછી, શા માટે તે સ્ત્રીએ અગાઉ ક્યારેય દરવાજો ખોલ્યો નહિ? સારવાર માટે કીમોથેરાપી લેતી હોવાથી તેને કોઈને મળવું ગમતું નહિ. એ પછી, તેનો બાઇબલ અભ્યાસ શરૂ થયો. સાચે જ, આપણાં બહેનની મહેનત યહોવાના ધ્યાન બહાર ગઈ નહિ!
૨૦. યહોવાની તમારા પર નજર છે, એના વિશે તમને કેવું લાગે છે?
૨૦ યહોવા આપણાં કામ પર નજર રાખે છે અને દરેકના હૃદયને તપાસે છે. તેમની નજર આપણા પર હોવા છતાં આપણને એમ લાગતું નથી કે, તે આપણામાં ભૂલો શોધે છે. એના બદલે, આપણે જાણીએ છીએ કે તે આપણી કાળજી લે છે અને મદદ કરવા માંગે છે. તેમ જ, સારાં કામનું તે આપણને ઇનામ આપવા માંગે છે.
a ભાઈ ક્લેઈનનો જીવન અનુભવ ઑક્ટોબર ૧, ૧૯૮૪ના ધ વૉચટાવરમાં વાંચી શકો છો.