મુખ્ય વિષય | ધૂમ્રપાન વિશે ઈશ્વરના વિચારો
ધુમાડાથી ગૂંગળાતું વિશ્વ
ધૂમ્રપાન એ ખતરનાક ખૂની છે.
ગઈ સદીમાં એણે દસ કરોડ લોકોને મારી નાખ્યા.
દર વર્ષે આશરે સાઠ લાખ લોકોનું જીવન છીનવી લે છે.
સરેરાશ દર ૬ સેકન્ડે એક વ્યક્તિને મારે છે.
એમાં ઘટાડો થવાનો કોઈ અણસાર દેખાતો નથી.
અધિકારીઓનું માનવું છે કે લોકો આ જ રીતે ધૂમ્રપાન કરતા રહેશે તો, ૨૦૩૦ સુધીમાં ધૂમ્રપાનથી થતા મરણનો આંકડો દર વર્ષે એંસી લાખથી વધી જશે. તેઓનું માનવું છે કે ધૂમ્રપાનને લીધે એકવીસમી સદીના અંત સુધીમાં, એક અબજ લોકો માર્યા જશે.
ફક્ત ધૂમ્રપાન કરનારાઓ જ તમાકુનો ભોગ બનતા નથી. પણ તેઓના કુટુંબને લાગણીમય રીતે દુઃખ પહોંચે છે અને પૈસે ટકે મુશ્કેલી પડે છે. એ ઉપરાંત, દર વર્ષે છ લાખ જેટલા લોકો જેઓ ધૂમ્રપાન કરતા નથી, તોપણ એના ધુમાડાને લીધે મરણ પામે છે. એના લીધે બધાને સારવારના ખર્ચાનો બોજો સહેવો પડે છે.
ધૂમ્રપાનથી થતી બીમારીઓ રોગચાળા જેવી નથી જેના માટે ડૉક્ટરે દવા શોધવી પડે. એનો ઉકેલ જાણીતો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ, ડૉક્ટર માર્ગરેટ ચાન જણાવે છે: “તમાકુથી થતી બીમારીઓ ખુદ માણસોએ ઊભી કરી છે. સરકારો અને સમાજ ચાહે તો એને મિટાવી શકે છે.”
પહેલી વાર સૌથી વધારે દેશો તમાકુથી થતી બીમારીઓ મિટાવવા સહમત થયા છે. ઑગસ્ટ ૨૦૧૨માં લગભગ ૧૭૫ દેશો સહમત થયા હતા કે, તમાકુના ઉપયોગને બંધ કરવા પગલાં ભરવા જોઈએ.a તેમ છતાં, તમાકુની જાહેરાત આપતી કંપની અને એમાં રહેલા નશાકારક તત્ત્વને લીધે એનાથી થતા રોગો દિવસે દિવસે વધતા જાય છે. દર વર્ષે તમાકુ બનાવતી કંપનીઓ નવા ઘરાકોને, ખાસ કરીને વિકસિત દેશોમાં સ્ત્રીઓ અને યુવાનોને આકર્ષવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. એ ચોક્કસ છે કે નશાકારક તત્ત્વને લીધે, મોટા ભાગે એના એક અબજ વ્યસનીઓમાંના વધારે લોકો એનો ભોગ બની શકે છે. ધૂમ્રપાનના બંધાણીઓ એ છોડશે નહિ તો, બીજા ચાળીસ વર્ષમાં મરણનો આંકડો ઝડપથી વધી જશે.
ઘણા લોકો આ લતમાંથી આઝાદ થવા ચાહે છે. પણ જાહેરાતો અને વ્યસનની લત તેમને એમ કરવા દેતી નથી. નાઑકોનો દાખલો લઈએ. તરુણ વયથી જ તે ધૂમ્રપાન કરવાં લાગ્યાં. જાહેરાતોમાં જે રીતે બતાવવામાં આવતું એની નકલ કરવાથી તેમને લાગતું કે પોતે મોર્ડન છે. તેમનાં માતા-પિતા ફેફસાંના કૅન્સરને લીધે મરણ પામ્યાં હતાં. એ જાણતાં હોવાં છતાં, તેમણે ધૂમ્રપાન ચાલું રાખ્યું. પોતાની બે દીકરીઓનો ઉછેર કરતી વખતે પણ તેમણે એ છોડ્યું નહિ. તે કબૂલે છે: “મને પણ ફેફસાંનું કૅન્સર થશે એવી બીક લાગતી અને મારી દીકરીઓની તંદુરસ્તી વિશે મને હંમેશાં ચિંતા રહેતી. પણ હું એ લત છોડી શકતી ન હતી. મને લાગતું કે હું ક્યારેય ધૂમ્રપાન છોડી નહિ શકું.”
પણ, નાઑકૉ ધૂમ્રપાન છોડી શક્યાં. લાખો લોકોને તમાકુથી દૂર રહેવા જે શિક્ષણે મદદ કરી, એનાથી જ નાઑકોને ધૂમ્રપાનની આદત છોડવા ઉત્તેજન મળ્યું. એ કયું શિક્ષણ છે? ચાલો એ વિશે હવે પછીના લેખમાં વાંચીએ. (w14-E 06/01)
a એમાં આ બાબતોનો સમાવેશ થાય છે: ધૂમ્રપાનના ખતરા વિશે લોકોને જરૂરી શિક્ષણ આપવું, તમાકુ ઉત્પન્ન કરતી કંપનીઓ પર અંકુશ લાવવો અને તમાકુ પર ટૅક્સ વધારવો. તેમ જ, લોકો ધૂમ્રપાનની પકડથી આઝાદ થાય એવા અનેક પ્રોગ્રામ યોજવા.