વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧૫ પાન ૭-૧૧
  • ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘હું યહોવા છું, જે કદી બદલાતો નથી’
  • યહોવામાં ભરોસો મજબૂત કરતી “મુદ્રાછાપ”
  • સાચી ભક્તિ કરવાથી ચોક્કસ આશીર્વાદ મળશે
  • વફાદારીથી ખુશીઓ મળે છે
  • યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • બાઇબલનો ખરો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧૫ પાન ૭-૧૧
પ્રમુખ યાજક હારૂન ધૂપ પાત્ર લઈને ઊભા છે. કોરાહ અને તેના સાથીઓ થોડીક દૂર ધૂપ ચઢાવી રહ્યા છે

‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’

“જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેને તે ઓળખે છે.”—૧ કોરીં. ૮:૩.

જવાબમાં તમે શું કહેશો?

  • આપણને શા માટે ખાતરી છે કે યહોવાનો હેતુ બદલાશે નહિ?

  • યહોવાનાં ધોરણો અને સિદ્ધાંતો કયાં બે મહત્ત્વનાં સત્યો પર આધાર રાખે છે?

  • ૨ તીમોથી ૨:૧૯માંથી આપણે જે શીખ્યા એનાથી યહોવામાં આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે?

૧. દાખલો આપીને સમજાવો કે અમુક ભક્તો કઈ રીતે પોતાને જ છેતરી રહ્યા હતા. (શરૂઆતનું ચિત્ર જુઓ.)

એક સવારે પ્રમુખ યાજક હારૂન યહોવાના મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પર ધૂપપાત્ર લઈને ઊભા રહ્યા. તેમની થોડે દૂર કોરાહ અને બીજા ૨૫૦ માણસો પણ પોત-પોતાનું ધૂપપાત્ર લઈને ઊભા રહ્યા. (ગણ. ૧૬:૧૬-૧૮) ઉપરછલ્લી નજરે જોતાં એમ લાગતું હતું કે, એ બધા જ ભક્તો યહોવાને વફાદાર છે. પરંતુ, તેઓમાંથી હારૂન સિવાય બીજા બધા જ ઘમંડી અને સ્વાર્થી હતા. તેઓ હારૂનનું યાજકપદ છીનવી લેવા માંગતા હતા. (ગણ. ૧૬:૧-૧૧) યહોવા તેઓની ભક્તિ સ્વીકારશે એવું વિચારીને તેઓ પોતાને જ છેતરી રહ્યા હતા. તેમ જ, એવા ઈશ્વરનું અપમાન કરી રહ્યા હતા, જે તેઓના હૃદયને પારખી શકતા હતા અને તેઓના ઢોંગને જોઈ શકતા હતા.—યિર્મે. ૧૭:૧૦.

૨. મુસાએ શું ભાખ્યું હતું અને તેમના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?

૨ જોકે, એના એક દિવસ અગાઉ મુસાએ તેઓ માટે ભાખ્યું હતું કે ‘કોણ પોતાના છે એ યહોવા કાલે દેખાડશે!’ (ગણ. ૧૬:૫) અને એમ જ બન્યું. સાચા અને જૂઠા ભક્તોને યહોવા પારખી લે છે, એ બતાવતાં “યહોવાની પાસેથી અગ્‍નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો [તેમ જ કોરાહ] ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.” (ગણ. ૧૬:૩૫; ૨૬:૧૦) જ્યારે કે, યહોવાએ હારૂનને બચાવીને સાબિતી આપી કે તે ખરાં ભક્ત છે અને યાજક બનવાને લાયક છે.—૧ કોરીંથી ૮:૩ વાંચો.

૩. (ક) પાઊલના સમયમાં મંડળમાં શું બન્યું? (ખ) મુસાના સમયમાં બંડખોર લોકોને યહોવાએ જે રીતે હાથ ધર્યા એમાંથી શું શીખવા મળે છે?

૩ એ બનાવના લગભગ ૧૫૦૦ વર્ષો પછી પ્રેરિત પાઊલના સમયમાં પણ એવા જ સંજોગો ઊભા થયા હતા. મંડળમાં અમુક લોકો પોતાને ખ્રિસ્તી કહેવડાવતા હોવા છતાં ખોટા શિક્ષણને ફેલાવતા હતા. ઉપરછલ્લી નજરે જોતાં, તેઓ મંડળના બીજા ખરાં ભક્તો જેવા જ લાગતા હશે. પરંતુ, તેઓનું જૂઠું શિક્ષણ બીજા વફાદાર ભક્તો માટે જોખમકારક હતું. તેઓ ઘેટાંના વેશમાં વરુઓ હતા, જેઓ મંડળમાંના “કેટલાએકનો વિશ્વાસ ઉલટાવી” નાખતા હતા. (૨ તીમો ૨:૧૬-૧૮) જોકે, યહોવા ઉપરછલ્લી નજરે જોતાં નથી, તે તો બધું પારખી શકે છે. એ વાત પાઊલ સારી રીતે સમજતા હતા. કારણ કે, તે જાણતા હતા કે સદીઓ અગાઉ યહોવાએ બંડખોર કોરાહ અને તેના સાથીદારોને કઈ રીતે હાથ ધર્યા. ચાલો, જોઈએ કે એ વિશે પાઊલે તીમોથીને લખેલા શબ્દોમાંથી શું શીખવા મળે છે.

‘હું યહોવા છું, જે કદી બદલાતો નથી’

૪. પાઊલને શાની ખાતરી હતી? એ વિશે તેમણે તીમોથીને શું જણાવ્યું?

૪ પાઊલને ખાતરી હતી કે ઢોંગી ભક્તિને યહોવા પારખી શકે છે અને તે આજ્ઞા પાળનારા ભક્તોને પણ સારી રીતે ઓળખે છે. તીમોથીને લખેલા પ્રેરિત શબ્દો પરથી પાઊલનો એ દૃઢ ભરોસો સાફ દેખાઈ આવે છે. એ સમયે મંડળમાં અમુક લોકો બીજા ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. એ વિશે ઉલ્લેખ કર્યા પછી પાઊલે આમ લખ્યું: ‘ઈશ્વરે નાખેલો દૃઢ પાયો હંમેશાં ટકી રહે છે અને એના પર આ વચન મુદ્રાછાપ તરીકે લખાયું છે: “જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે અને જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.”’—૨ તીમો. ૨:૧૮, ૧૯, NW.

૫, ૬. ‘ઈશ્વરે નાખેલો દૃઢ પાયો,’ એ શબ્દો વાપરીને પાઊલ શું કહેવા માંગતા હતા? એ શબ્દોની તીમોથી પર કેવી અસર થઈ?

૫ એ કલમમાં પાઊલે લખેલા શબ્દોનું મહત્ત્વ શું છે? ‘ઈશ્વરે નાખેલો દૃઢ પાયો,’ એ શબ્દોનો ઉલ્લેખ બાઇબલમાં ફક્ત એક જ વાર થયો છે. જ્યારે કે, “પાયો” શબ્દ બાઇબલમાં જુદી જુદી બાબતોને રજૂ કરવા વપરાયો છે. જેમ કે, “પાયો” શબ્દ પ્રાચીન ઈસ્રાએલના પાટનગર યરૂશાલેમને પણ રજૂ કરે છે. (ગીત. ૮૭:૧, ૨) એ જ રીતે, યહોવાના હેતુને પૂરો કરવા ઈસુ જે ભાગ ભજવે છે એને પણ પાયા સાથે સરખાવી શકાય છે. (૧ કોરીં. ૩:૧૧; ૧ પીત. ૨:૬) તો સવાલ થાય કે ‘ઈશ્વરે નાખેલો દૃઢ પાયો,’ એ શબ્દો વાપરીને પાઊલ શું કહેવા માંગતા હતા?

૬ પાઊલે એ અહેવાલમાં કોરાહ અને તેના સાથીઓ માટે મુસાએ કહેલા શબ્દો ટાંક્યા, જે ગણના ૧૬:૫માં જોવા મળે છે. એ પછી તેમણે ‘ઈશ્વરે નાખેલા દૃઢ પાયાʼનો ઉલ્લેખ કર્યો હતો. આમ, પાઊલ તીમોથીને યાદ અપાવી રહ્યા હતા કે મંડળમાં જે બની રહ્યું છે એ વિશે યહોવાને ખબર છે. ખોટું શિક્ષણ ફેલાવનાર લોકોથી તે મંડળને નુકસાન પહોંચવા દેશે નહિ. જેમ કોરાહના લીધે યહોવાના હેતુમાં કોઈ ફેરફાર આવ્યો નહિ, તેમ મંડળમાં રહેલા એવા લોકોને લીધે પણ યહોવાનો હેતુ બદલાશે નહિ. ખરું કે, પાઊલે એ શબ્દોની વિગતવાર સમજણ આપી નથી. છતાં, એનાથી તીમોથીને યહોવામાં મક્કમ ભરોસો રાખવા મદદ મળી.

૭. આપણને શા માટે ખાતરી છે કે યહોવા હંમેશાં ન્યાયથી અને સત્યતાથી વર્તશે?

૭ યહોવાના સિદ્ધાંતો કદી બદલાતા નથી. ગીતશાસ્ત્ર ૩૩:૧૧ જણાવે છે કે “યહોવાનો મનસૂબો [નિર્ણય] સર્વકાળ ટકે છે, તેના હૃદયની ધારણા પેઢી દર પેઢી દૃઢ રહે છે.” બાઇબલની બીજી કલમો બતાવે છે કે હંમેશ માટે યહોવા રાજા છે, તે કાયમ કૃપાથી, ન્યાયથી અને સત્યતાથી વર્તે છે. (નિર્ગ. ૧૫:૧૮; ગીત. ૧૦૬:૧; ૧૧૨:૯; ૧૧૭:૨) માલાખી ૩:૬માં જણાવ્યું છે: ‘હું યહોવા છું જે કદી બદલાતો નથી.’ ઉપરાંત, યાકૂબ ૧:૧૭ જણાવે છે ‘પડતા પડછાયાʼમાં વધ-ઘટ થાય, એ રીતે યહોવામાં બદલાણ આવતું નથી.

યહોવામાં ભરોસો મજબૂત કરતી “મુદ્રાછાપ”

૮, ૯. પાઊલના મુદ્રાછાપના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે?

૮ આપણે જોયું કે, ૨ તીમોથી ૨:૧૯માં એક “પાયા”ની વાત થઈ છે. તેમ જ જણાવ્યું છે કે, એના પર કરેલી મુદ્રાછાપમાં એક લખાણ છે. પ્રાચીન સમયમાં ઇમારતના પાયા પર એ રીતે લખાણ લખવું સામાન્ય ચલણ હતું. એનાથી ખબર પડતી કે એ કોણે બાંધી છે અથવા કોણ એનો માલિક છે. બાઇબલ લેખકોમાં સૌથી પહેલા પાઊલે જ એ ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો.a ‘ઈશ્વરે નાખેલા દૃઢ પાયા’ પરની મુદ્રાછાપના લખાણમાં બે ઘોષણાઓ જોવા મળે છે. પહેલી, ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’ અને બીજી ‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.’ એ આપણને ગણના ૧૬:૫માં લખેલી વાત યાદ અપાવે છે.—વાંચો.

૯ જેઓ યહોવાના છે તેઓને “મુદ્રાછાપ”ના ઉદાહરણમાંથી શું શીખવા મળે છે? એ જ કે, યહોવાનાં ધોરણો અને સિદ્ધાંતો બે મહત્ત્વનાં સત્યો પર આધાર રાખે છે: (૧) વફાદાર ભક્તોને યહોવા પ્રેમ કરે છે. (૨) ખોટાં વલણને યહોવા ધિક્કારે છે. તેથી, મંડળમાં ખોટું શિક્ષણ ફેલાવવાની સમસ્યા ઊભી થાય ત્યારે, એ બે મુદ્દા કઈ રીતે લાગુ પાડી શકાય?

૧૦. પાઊલના સમયના વફાદાર ભક્તોને ઢોંગી લોકો વિશે કેવું લાગ્યું હશે?

૧૦ મંડળમાં ખોટું શિક્ષણ ફેલાવતા લોકોને કારણે તીમોથી અને બીજા સાચા ભક્તો પણ ચિંતામાં પડી ગયા હતા. અમુક ઈશ્વરભક્તોને કદાચ થયું હશે કે એવા લોકોને શા માટે મંડળમાં રહેવા દેવામાં આવે છે. એ ભક્તોને કદાચ એવો સવાલ પણ થયો હશે કે શું યહોવા વફાદાર ભક્તોમાં અને ઢોંગી ભક્તોમાં કોઈ ફરક જોઈ શકે છે.—પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦.

જૂઠા ભક્તનાં કામોને લીધે તીમોથી અને બીજા વફાદાર ભક્તોએ પોતાની શ્રદ્ધા ડગવા દીધી નહિ

મંડળમાં જૂઠું શિક્ષણ ફેલાવતી વ્યક્તિઓને જોઈને તીમોથીની શ્રદ્ધા ડગી નહિ (ફકરા ૧૦-૧૨ જુઓ)

૧૧, ૧૨. શા માટે કહી શકીએ કે પાઊલના પત્રોથી તીમોથીની શ્રદ્ધા વધી હશે?

૧૧ એમાં કોઈ શંકા નથી કે પાઊલના પત્રોથી તીમોથીની શ્રદ્ધા વધી હશે. એ પત્રોમાં પાઊલે તીમોથીને યાદ અપાવ્યું કે હારૂનને સાચી ભક્તિ કરવાનો આશીર્વાદ મળ્યો. જ્યારે કે કોરાહ અને તેના સાથીઓના ઢોંગને ખુલ્લો પાડવામાં આવ્યો. એટલું જ નહિ, એ ઢોંગીઓનો યહોવાએ નકાર કર્યો અને નાશ પણ કર્યો. એ બનાવ યાદ અપાવીને પાઊલ તીમોથીનો ભરોસો દૃઢ કરી રહ્યા હતા. તે સમજાવી રહ્યા હતા કે ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતા લોકો કદાચ મંડળમાં હશે. પરંતુ, મુસાના સમયમાં કર્યું તેમ, કોણ પોતાના સાચા ભક્તો છે એની સાબિતી યહોવા જરૂર આપશે.

૧૨ યહોવા કદી બદલાતા નથી, માટે આપણે તેમના પર ભરોસો રાખી શકીએ છીએ. તે ખોટાં કામોને નફરત કરે છે અને પસ્તાવો ન કરનાર વ્યક્તિનો યોગ્ય સમયે ન્યાય કરે છે. “જેઓ યહોવાને ઓળખે છે” તેઓમાંના એક તીમોથી હતા. તેથી, તેમની પણ જવાબદારી બનતી હતી કે મંડળમાંના એવા ઢોંગી ખ્રિસ્તીઓના ખોટાં વલણને ધિક્કારે એટલે કે ત્યજી દે.b પાઊલે તેમને એ જવાબદારી યાદ અપાવી.

સાચી ભક્તિ કરવાથી ચોક્કસ આશીર્વાદ મળશે

૧૩. આપણે કયો ભરોસો રાખી શકીએ?

૧૩ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા પાઊલના એ શબ્દો આપણી શ્રદ્ધાને પણ મજબૂત કરે છે. આપણે યહોવા પ્રત્યે વફાદાર છીએ એ તે સારી રીતે જાણે છે. અરે, તે આપણને જાણવાની સાથે સાથે આપણામાં ઊંડો રસ પણ લે છે. બાઇબલ કહે છે: ‘યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.’ (૨ કાળ. ૧૬:૯) એટલે આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા માટે “શુદ્ધ હૃદયથી” જે કંઈ કરીશું એ ક્યારેય નકામું નહિ જાય.—૧ તીમો. ૧:૫; ૧ કોરીં. ૧૫:૫૮.

૧૪. યહોવા કેવી ભક્તિને ધિક્કારે છે?

૧૪ ઢોંગી ભક્તિને યહોવા ધિક્કારે છે અને જરાય ચલાવી લેતા નથી. તેમની નજર ‘આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે’ અને જાણી લે છે કે કોનું ‘દિલ તેમની તરફ સંપૂર્ણ’ નથી. યહોવાને એવી વ્યક્તિથી સખત નફરત છે, જે તેમની આજ્ઞા માનવાનો ઢોંગ કરે છે, પણ ખાનગીમાં તેમની ઇચ્છા વિરુદ્ધ જાય છે. (નીતિ. ૩:૩૨) એવી વ્યક્તિ માણસોને છેતરી શકે, પણ યહોવાને નહિ. બાઇબલ જણાવે છે: ‘જે માણસ પોતાના અપરાધોને છૂપાવે છે, તેની આબાદી થશે નહિ.’ એનું કારણ છે કે યહોવા પાસે અપાર શક્તિ છે અને તે ન્યાયી ઈશ્વર છે.—નીતિ. ૨૮:૧૩; ૧ તીમોથી ૫:૨૪; હિબ્રૂ ૪:૧૩ વાંચો.

૧૫. આપણે શાનાથી દૂર રહેવું જોઈએ અને શા માટે?

૧૫ યહોવાના મોટા ભાગના ભક્તો તેમની ભક્તિ ખરાં દિલથી કરે છે. મંડળમાં કોઈ જાણી જોઈને ઢોંગી ભક્તિ કરે એવું કદાચ જ બને. છતાં, મુસાના દિવસોમાં અને પ્રથમ સદીના મંડળમાં એવું બન્યું હતું તો, આપણા સમયમાં પણ બની શકે છે. (૨ તીમો. ૩:૧, ૫) શું એનો મતલબ એવો થાય કે આપણે સાથી ભાઈ-બહેનોને શંકાની નજરે જોઈએ અને તેઓની યહોવા પ્રત્યેની વફાદારી પર સવાલ ઉઠાવીએ? ના. જરાય નહિ! કોઈ પુરાવા વગર ભાઈ-બહેનો પર શંકા કરવી ખોટી છે. (રોમનો ૧૪:૧૦-૧૨; ૧ કોરીંથી ૧૩:૭ વાંચો.) ઉપરાંત, મંડળમાં બીજાઓની વફાદારી પર શંકા કરતા રહેવાને લીધે યહોવા સાથેનો આપણો સંબંધ ખતરામાં આવી શકે છે.

૧૬. (ક) આપણા દિલમાં જો ઢોંગનો છાંટોય દેખાય તો શું કરીશું? (ખ) ‘પોતાની પરખ કરતા રહીએ’ બૉક્સમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૬ આપણે દરેકે ‘પોતાની રહેણીકરણી તપાસવી’ જોઈએ. (ગલા. ૬:૪) આપણા પર પાપની અસર હોવાથી સ્વાર્થી ભક્તિ કરવાનું વલણ અજાણતા આવી શકે છે. (હિબ્રૂ ૩:૧૨, ૧૩) તેથી, યહોવાની ભક્તિ શા માટે કરવા માંગીએ છીએ, એની સમયે સમયે આપણે પરખ કરવી જોઈએ. આપણે આનો વિચાર કરવો જોઈએ: “હું યહોવાની ભક્તિ શા માટે કરું છું? તેમના માટે પ્રેમ અને તે જ રાજ કરે એવી ઇચ્છા હોવાને લીધે, કે પછી ફક્ત સુંદર ધરતી પર મજાનું જીવન મેળવવાની ઇચ્છાને લીધે?” (પ્રકટી. ૪:૧૧) પોતાનાં કાર્યો પારખીશું અને દિલમાં જો ઢોંગનો છાંટોય દેખાય તો એને દૂર કરીશું. એમ કરવાથી ચોક્કસ ફાયદો થશે.

વફાદારીથી ખુશીઓ મળે છે

૧૭, ૧૮. આપણે શા માટે યહોવાની ભક્તિ ખરાં દિલથી કરવી જોઈએ?

૧૭ આપણે જ્યારે ખરાં દિલથી ભક્તિ કરવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે ઘણા આશીર્વાદો મળે છે. એક ઈશ્વરભક્ત જણાવે છે ‘જેને યહોવા અન્યાયી ગણતા નથી અને જેના હૃદયમાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.’ (ગીત. ૩૨:૨) સાચે જ, જેઓ ઢોંગથી દૂર રહે છે તેઓ હાલમાં ખુશી મેળવવાની સાથે સાથે ભાવિમાં પણ સાચો આનંદ મેળવી શકે છે.

૧૮ જલદી જ દુષ્ટોને અને ઢોંગી ભક્તિ કરતા લોકોને યહોવા ખુલ્લા પાડશે. તેમ જ, તે “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની” વચ્ચેનો ભેદ ખુલ્લો પાડશે. (માલા. ૩:૧૮) એમ બને ત્યાં સુધી એ જાણીને કેટલો દિલાસો મળે છે કે ‘ન્યાયીઓ પર યહોવાની નજર છે અને તેઓની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે.’—૧ પીત. ૩:૧૨.

a પાઊલે તીમોથીને પત્રો લખ્યા એના દાયકાઓ પછી પ્રકટીકરણનું પુસ્તક લખવામાં આવ્યું હતું. પ્રકટીકરણ ૨૧:૧૪માં “પાયાના બાર પથ્થર” વિશે જણાવ્યું છે, જેના પર બાર પ્રેરિતોનાં નામ લખેલાં છે.

b આવતા લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ખોટાં કામને ત્યજી શકીએ અને યહોવાને અનુસરી શકીએ.

‘પોતાની પરખ કરતા રહીએ’

એક બહેન બાઇબલનો ઉપયોગ કરી પોતાની પરખ કરી રહ્યાં છે

પોતાની ઇચ્છાઓ અને વલણની પરખ આપણે કઈ રીતે કરી શકીએ? બાઇબલ આપણને સલાહ આપે છે: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો.” (૨ કોરીં. ૧૩:૫) ઢોંગી ભક્તિ ન કરવા લાગીએ માટે આપણા વલણને નિયમિત રીતે ધ્યાનથી તપાસવાની જરૂર છે. આ સવાલો પર વિચાર કરવાથી આપણને મદદ મળશે:

  • હું જ્યારે બીજાઓના વખાણ કરું કે પ્રેમ બતાવું ત્યારે શું એ ખરાં દિલથી હોય છે?—ગીત. ૧૨:૨, ૩; ૧ પીત. ૧:૨૨.

  • કોઈની મહેમાનગતિ કરું કે ભેટ આપું ત્યારે, શું એમાં મારો કોઈ સ્વાર્થ હોય છે?—માથ. ૬:૨-૪.

  • શું હું જાહેરમાં અને ઘરમાં પણ કુટુંબીજનો સાથે પ્રેમથી વર્તું છું? તેઓની લાગણીઓનો વિચાર કરું છું?—કોલો. ૩:૧૮-૨૧.

  • બીજાઓને બાઇબલ સિદ્ધાંતો શીખવું છું એને શું હું પોતે પણ પાળું છું?—રોમ. ૨:૨૧-૨૩.

પોતાની પરખ કરીએ ત્યારે જો આપણામાં ખોટું વલણ જણાય તો એને દૂર કરવું જોઈએ, જેથી એ આપણા સ્વભાવમાં ન આવી જાય. એમ કરીશું તો જ આપણે પ્રેરિત પાઊલની જેમ ઈશ્વર સામે ઊભા રહીને કહી શકીશું: ‘અમે કદી ખુશામતનાં વચનો બોલ્યાં નથી. તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નથી.’—૧ થેસ્સા. ૨:૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો