મુખ્ય વિષય
પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે
“ઈશ્વરને ગમ્યું એ ખરું, બેટા. . . . રડીશ . . . નહિ.”
બાર્બરા નામની સ્ત્રી અકસ્માતમાં મરણ પામેલા તેના પિતાની દફનવિધિમાં હતી ત્યારે, ઉપરના શબ્દો તેના કાનમાં કહેવામાં આવ્યા.
બાર્બરાનેa તેના પિતા ઘણા વહાલા હતા. એ શબ્દો કુટુંબના કોઈ મિત્રએ સારા ઇરાદાથી કહ્યા હતા. પણ બાર્બરાને એ શબ્દો મલમ જેવા નહિ, પણ તલવારની ધાર જેવા લાગ્યા. તે વારંવાર પોતાને કહ્યા કરતી હતી, “તેમનું મરણ થયું, એમાં ઈશ્વરને શું ગમ્યું હશે?” એ પ્રસંગને વર્ષો વીતી ગયાં પછી, બાર્બરાએ જ્યારે પોતાના પુસ્તકમાં એ વિશે લખ્યું, ત્યારે પણ એ દર્દ એવું ને એવું જ હતું.
જ્યારે ગુજરી જનાર સૌથી વહાલું હોય, ત્યારે એ દર્દ ઘણું આકરું હોય છે. બાર્બરાની જેમ, ઘણાને શોકમાંથી બહાર આવતાં વર્ષો લાગે છે. શાસ્ત્રમાં મરણને “છેલ્લો શત્રુ” કહેવામાં આવ્યો છે. (૧ કોરીંથી ૧૫:૨૬) મરણ તો આપણે ધાર્યું પણ ન હોય ત્યારે, ધસમસતા પૂરની જેમ આવીને આપણા જીવનમાં ઊથલપાથલ મચાવી જાય છે. આપણા સ્નેહીજનને આપણી પાસેથી છીનવી જાય છે. આપણામાંથી કોઈ એના હુમલાથી બચી શકે એમ નથી. એટલે, સ્વાભાવિક છે કે મરણના દુઃખને સહેવું આપણા માટે અઘરું થઈ પડે છે.
કદાચ તમને થાય કે, ‘શોકમાંથી બહાર આવતા કેટલો સમય લાગે? વ્યક્તિ કઈ રીતે એ દુઃખ સહન કરી શકે? શોકમાં ડૂબેલા લોકોને હું કઈ રીતે દિલાસો આપી શકું? ગુજરી ગયેલી વહાલી વ્યક્તિ માટે શું કોઈ આશા છે?’ (wp16-E No. 3)
a નામ બદલ્યું છે.