વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૩ પાન ૫-૬
  • શોકમાંથી બહાર આવવા શું કરશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શોકમાંથી બહાર આવવા શું કરશો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • સરખી માહિતી
  • ‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • “રડનારાઓની સાથે રડો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૩ પાન ૫-૬

મુખ્ય વિષય | પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે

શોકમાંથી બહાર આવવા શું કરશો?

આ વિષય પર લોકો પુષ્કળ સલાહ આપે છે. પણ, એમાંની દરેક સલાહ મદદરૂપ હોતી નથી. દાખલા તરીકે, અમુક લોકો સલાહ આપશે કે કદી પણ રડવું ન જોઈએ, લાગણીઓ વ્યક્ત કરવી ન જોઈએ. બીજા અમુક દબાણ કરશે કે બધી લાગણીઓ ઠાલવી દેવી જોઈએ. પરંતુ, શાસ્ત્ર વાજબી સલાહ આપે છે. હાલના સંશોધકો પણ એ સલાહને ટેકો આપે છે.

અમુક સમાજમાં એમ માનવામાં આવે છે કે પુરુષોએ રડવું જોઈએ નહિ. પણ શું કોઈએ રડવામાં શરમ અનુભવવી જોઈએ, ભલે પછી એ બધાની આગળ કેમ ન હોય? માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો સ્વીકારે છે કે શોકમાં હોઈએ ત્યારે રડવું સામાન્ય છે. કોઈને ગુમાવવાનું દુઃખ ભલે ઘણું હોય, પણ ક્યારેક ક્યારેક રડી લેવાથી સમય જતાં, એ દર્દ હળવું થઈ શકે છે. મનમાં ને મનમાં એ ભરી રાખવાથી કોઈ ફાયદો નહિ થાય. શોકમાં રડવું ખોટું છે અથવા પુરુષોએ રડવું ન જોઈએ, એ વાત સાથે શાસ્ત્ર જરાય સહમત નથી. ઈસુનો વિચાર કરો. ઈસુ પાસે લોકોને જીવતા કરવાની શક્તિ હતી. પણ, જ્યારે તેમના ખાસ મિત્ર લાજરસ મરણ પામ્યા, ત્યારે ઈસુ જાહેરમાં રડ્યા.—યોહાન ૧૧:૩૩-૩૫.

શોકમાં હોઈએ ત્યારે અમુક વાર ગુસ્સે થઈ જવાય. ખાસ કરીને જ્યારે મોતનું દર્દ અચાનક આવી પડે, ત્યારે એવું બની શકે. શોકમાં ડૂબેલી વ્યક્તિ ઘણાં કારણોને લીધે ગુસ્સે થાય છે. જેમ કે, ઓળખીતી વ્યક્તિ વિચાર્યા વગર કંઈક કહી જાય. દક્ષિણ આફ્રિકામાં રહેતા માઈક જણાવે છે: “મારા પપ્પા ગુજરી ગયા ત્યારે, હું ફક્ત ૧૪ વર્ષનો હતો. દફનવિધિ વખતે એંગ્લિકન ચર્ચના પાદરીએ કહ્યું કે ઈશ્વરને સારા લોકોની જરૂર છે, એટલે તે તેઓને જલદી લઈ લે છે.a એ સાંભળીને મને ગુસ્સો આવ્યો કે પપ્પાની વધારે જરૂર તો અમને છે. અત્યારે ૬૩ વર્ષો પછી પણ મને એ વાત ખૂંચે છે.”

પોતાનો દોષ છે એવી લાગણી વિશે શું? ખાસ કરીને વહાલી વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય ત્યારે, આપણને લાગી શકે કે ‘જો મેં આમ કર્યું હોત તો આવું થયું ન હોત.’ કદાચ એ વ્યક્તિ તમને છેલ્લી વાર મળી ત્યારે, તમારા વચ્ચે દલીલ થઈ હશે. આવા બનાવને કારણે તમે પોતાને વધારે દોષ આપતા હશો.

જો તમને દોષ અને ગુસ્સાની લાગણી થતી હોય તો એને મનમાં ભરી ન રાખો. એના બદલે, મિત્ર સાથે દિલ ખોલીને વાત કરો. તે તમારું સાંભળશે અને દુઃખની લાગણીઓ થવી સામાન્ય છે, એવી તમને ખાતરી કરાવશે. શાસ્ત્ર કહે છે: “મિત્ર સદા મિત્ર જ રહે છે; તે આફત સમયનો બંધુ છે.”—નીતિવચનો ૧૭:૧૭, સંપૂર્ણ.

દુઃખી વ્યક્તિ માટે સૌથી ગાઢ મિત્ર, આપણા સર્જનહાર યહોવા ઈશ્વર છે. પ્રાર્થનામાં તેમની આગળ તમારું દિલ ઠાલવી દો, કેમ કે “તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) વધુમાં, જેઓ એમ કરે છે તેઓને ઈશ્વર એક વચન આપે છે. પોતાની “શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એના દ્વારા તે દુઃખી જનોના વિચારો અને ભાવનાઓને શાંત પાડશે. (ફિલિપી ૪:૬, ૭) ઈશ્વર શાસ્ત્ર દ્વારા દિલાસો આપે છે, એટલે એમાંથી મદદ મેળવો. દિલાસો આપતી કલમોની યાદી બનાવો. (બૉક્સ જુઓ.) એમાંની અમુક કલમો મોઢે પણ કરી શકો. એના પર મનન કરવાથી મદદ મળશે. ખાસ કરીને રાતના સમયે મદદ મળશે, જ્યારે તમે એકલા હોવ અને ઊંઘ આવતી ન હોય.—યશાયા ૫૭:૧૫.

૪૦ વર્ષના જેક ભાઈનો અનુભવ જોઈએ. હાલમાં જ, તેમના વહાલા પત્ની કૅન્સરને કારણે ગુજરી ગયાં. તે કહે છે કે કોઈ વાર તેમને સાવ સૂનું સૂનું લાગે છે. પણ, તેમને પ્રાર્થનાથી મદદ મળી છે. તે જણાવે છે: “જ્યારે હું યહોવા ઈશ્વરને પ્રાર્થના કરું છું, ત્યારે મને જરાય એકલું લાગતું નથી. ઘણી વાર તો રાત્રે અચાનક મારી આંખો ખુલી જાય છે અને મારી ઊંઘ ઊડી જાય છે. ત્યારે હું શાસ્ત્રમાંથી દિલાસો આપતી કલમો વાંચી એના પર મનન કરું છું. પછી, પ્રાર્થનામાં મારું હૃદય ઠાલવું છું. એનાથી મને શાંતિ મળે છે, મારું દિલ શાંત થાય છે અને પછી મને સરસ ઊંઘ આવે છે.”

વેનેસા નામની યુવતીનાં મમ્મી બીમારીમાં ગુજરી ગયાં. તેને પણ પ્રાર્થનાથી મદદ મળી. તે જણાવે છે: “સૌથી કપરા સમયમાં, હું બસ ઈશ્વરનું નામ લેતી અને પોક મૂકીને રડી પડતી. યહોવાએ મારી પ્રાર્થનાઓ સાંભળી અને મને હંમેશાં જરૂરી શક્તિ પૂરી પાડી.”

આ વિષયના અમુક નિષ્ણાતો જણાવે છે કે શોકમાં ડૂબેલા લોકો બીજાઓને મદદ કરે અથવા સમાજસેવા કરે તો, એનાથી તેઓનું દુઃખ હળવું થાય છે. એમ કરવાથી તેઓને ખુશી મળશે અને શોકની લાગણી ઓછી થશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) શાસ્ત્રની સલાહ પાળનારા એવા લોકો જોઈ શક્યા છે કે બીજાઓને મદદ કરવાથી, તેઓને પોતાને દિલાસો મળે છે.—૨ કોરીંથી ૧:૩, ૪. (wp16-E No. 3)

a શાસ્ત્ર આમ શીખવતું નથી. પણ, એ તો મરણના ત્રણ કારણો જણાવે છે.—સભાશિક્ષક ૯:૧૧; યોહાન ૮:૪૪; રોમનો ૫:૧૨.

દિલાસો આપતાં ઈશ્વરનાં વચનો

  • ઈશ્વર તમારું દર્દ જોઈને દુઃખી થાય છે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૭.

  • ઈશ્વર પોતાના ભક્તોની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે.—ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭.

  • ઈશ્વર ચાહે છે કે લોકો જીવે, મરે નહિ.—માથ્થી ૨૨:૩૨.

  • ગુજરી ગયેલાઓને જીવતા કરવાનું ઈશ્વર વચન આપે છે.—યશાયા ૨૬:૧૯; યોહાન ૫:૨૮, ૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો