જીવન સફર
સમજુ દોસ્તોની સંગત, લાવી જીવનમાં રંગત
વર્ષો પહેલાંની એ સવાર મને હજીયે યાદ છે. હું અમેરિકાના દક્ષિણ ડકોટા રાજ્યના બ્રુકિંગ્સ શહેરમાં હતો. એ સવાર ઠંડીગાર હતી અને કડકડતી ઠંડીની મોસમ નજીક આવી રહી હતી. હું અને બીજા અમુક લોકો તબેલામાં હતા અને ઠંડીને લીધે થરથર ધ્રૂજી રહ્યા હતા. અમે એક ટાંકી નજીક ઊભા હતા, એનું પાણી ખૂબ જ ઠંડું હતું. તમને થશે કે, અમે ત્યાં શું કરી રહ્યા હતા. ચાલો, પહેલા તમને મારા વિશે થોડું જણાવું અને પછી આ બનાવ વિશે વાત કરું.
મારું કુટુંબ
એલ્ફ્રેડ કાકા અને પપ્પા
મારો જન્મ માર્ચ ૭, ૧૯૩૬માં થયો હતો. ચાર ભાઈ-બહેનોમાં હું સૌથી નાનો છું. દક્ષિણ ડકોટાના પૂર્વ વિસ્તારમાં એક નાની વાડીમાં અમે રહેતા હતા. ગુજરાન ચલાવવા અમે ખેતીવાડી અને પશુપાલન પર નભતા હતા. એ બધું જરૂરી તો હતું, પણ સૌથી મહત્ત્વનું ન હતું. ૧૯૩૪માં મારાં મમ્મી-પપ્પાએ બાપ્તિસ્મા લીધું અને યહોવાના સાક્ષીઓ બન્યાં. તેઓ માટે યહોવાની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વની હતી. અમે દક્ષિણ ડકોટાના કોન્દે ગામના એક નાના મંડળમાં જતા. મારા પપ્પા ક્લેરેન્સે અને પછીથી એલ્ફ્રેડ કાકાએ એ મંડળમાં કંપની સેવક તરીકે સેવા આપી. (આજે વડીલોના સેવક તરીકે ઓળખાય છે.)
અમે નિયમિત રીતે સભાઓમાં જતાં અને ઘરે ઘરે જઈને બાઇબલમાંથી ભાવિની ઉજ્જવળ આશા વિશે જણાવતાં. મમ્મી-પપ્પાનાં સારા દાખલા અને તાલીમને લીધે યહોવા માટે ગાઢ પ્રેમ કેળવવા મદદ મળી. હું અને મારી બહેન ડોરોથી છ વર્ષની ઉંમરે રાજ્ય પ્રચારક બન્યાં. ૧૯૪૩માં હું દેવશાહી સેવા શાળામાં જોડાયો, જે ત્યારે નવી નવી શરૂ થઈ હતી.
૧૯૫૨માં પાયોનિયરીંગ કરતી વખતે
સંમેલનો અમારા જીવનમાં મહત્ત્વનાં હતાં. ૧૯૪૯માં દક્ષિણ ડકોટાના સ્યૂ ફોલ્સ નામના શહેરમાં એક સંમેલન યોજાયું હતું. એની યાદો હજી મારા મનમાં તાજી છે. એ સંમેલનમાં ભાઈ ગ્રાન્ટ સુટરે એક પ્રવચન આપ્યું હતું: “શું ધારવા કરતાં દુષ્ટ જગતનો અંત નજીક છે?” તેમણે ભાર મૂક્યો કે, બધા સમર્પિત સેવકોએ પોતાનાં જીવનનો ઉપયોગ ખુશખબર જણાવવા કરવો જોઈએ. ત્યાર બાદ, મેં યહોવાને સમર્પણ કર્યું અને પછીના સરકીટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું, જે બ્રુકિંગ્સમાં યોજાયું હતું. શરૂઆતમાં જણાવ્યું હતું તેમ, બાપ્તિસ્મા માટે અમે એ ઠંડા પાણીની ટાંકી નજીક ઊભા હતા.
મેં પાયોનિયર બનવાનું નક્કી કર્યું. ૧૫ વર્ષની ઉંમરે જાન્યુઆરી ૧, ૧૯૫૨માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. બાઇબલ કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.” (નીતિ. ૧૩:૨૦) મારા કુટુંબમાં અનેક જ્ઞાની એટલે કે સમજુ લોકો હતા. તેઓએ પાયોનિયર બનવાના મારા નિર્ણયને વધાવી લીધો. હું ઘણી વાર જુલિયસ કાકા સાથે પ્રચારમાં જતો. તે ૬૦ વર્ષના હતા. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, ભેગા મળીને પ્રચાર કરવો અમને ખૂબ ગમતું. તેમના જીવન અનુભવોમાંથી હું ઘણું શીખ્યો. થોડા જ સમયમાં, ડોરોથીએ પણ પાયોનિયરીંગ શરૂ કર્યું.
સરકીટ નિરીક્ષક દ્વારા મદદ મળી
મેં નાનપણથી જોયું હતું કે, મમ્મી-પપ્પા ઘણી વાર સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીને ઘરે ઉતારો આપતાં. એવું જ એક યુગલ જેસ્સે અને લિન કેન્ટવેલ હતું, જેમણે મને ઘણી મદદ કરી. તેઓનાં ઉત્તેજનને લીધે જ મેં પાયોનિયર બનવાનું નક્કી કર્યું. તેઓ નજીકના મંડળની મુલાકાતે જતાં ત્યારે, મને તેઓ સાથે પ્રચાર કરવા બોલાવતાં. તેઓ સાથે વિતાવેલો એ સમય કેટલો આનંદદાયક અને ઉત્તેજનવર્ધક હતો! તેઓની જેમ મારે પણ યહોવાની સેવામાં વ્યસ્ત રહેવું હતું.
એ પછીના અમારા સરકીટ નિરીક્ષક ભાઈ બડ મીલર હતા. હું ૧૮ વર્ષનો હતો ત્યારે, તે અને તેમના પત્ની જોએન અમારા મંડળની મુલાકાતે આવ્યાં. એ અરસામાં, લશ્કરની સમિતિ આગળ હાજર થવાનો મને આદેશ મળ્યો હતો. એ સમિતિ નક્કી કરતી કે લશ્કરમાં કોની ભરતી કરવી. ઈસુએ જણાવ્યું હતું કે, તેમના અનુયાયીઓએ તટસ્થ રહેવું જોઈએ. (યોહા. ૧૫:૧૯) પણ, સમિતિએ મને એવું કંઈક કરવા જણાવ્યું, જેના લીધે મારે તડજોડ કરવી પડે. મારી ઇચ્છા તો લોકોને ખુશખબર જણાવવાની હતી. દેશના કાનૂન પ્રમાણે ખ્રિસ્તના સેવકોને લશ્કરમાંથી બાકાત રહેવાની પરવાનગી મળતી. એટલે, મેં તેઓને આજીજી કરી કે મને ખ્રિસ્તનો સેવક ગણે.
ભાઈ મીલરને શાસ્ત્રનું સારું જ્ઞાન હતું. તે શરમાળ ન હતા અને તેમને લોકોનો કોઈ ડર ન હતો. તેમણે મને કહ્યું કે, હું સમિતિ આગળ હાજર થાઉં ત્યારે તે મારી સંઘાતે આવશે. એ જાણીને મારી ખુશીનો પાર ન રહ્યો. તેમના સાથને લીધે મારી હિંમત વધી. છેવટે, ૧૯૫૪ના ઉનાળાના અંતે સમિતિએ મારી અરજી સ્વીકારી અને લશ્કરી સેવામાંથી બાકાત રાખ્યો. હવે, યહોવાની સેવા માટે હું આઝાદ હતો.
બેથેલ સેવાની શરૂઆતમાં; બેથેલની ગાડી સાથે
એ પછી, થોડા જ સમયમાં મને ન્યૂ યૉર્કના સ્ટેટન આયલૅન્ડમાં આવેલા બેથેલમાં સેવા કરવાનું આમંત્રણ મળ્યું. એ સમયે બેથેલને વૉચટાવર ફાર્મ કહેવામાં આવતું. ત્યાં મેં આશરે ત્રણ વર્ષ સેવા આપી. એ દરમિયાન મને અનેક સમજુ ભાઈ-બહેનો સાથે સંગત માણવાનો લહાવો મળ્યો. તેઓ સાથે કામ કરવાનો અનુભવ જોરદાર રહ્યો!
બેથેલ સેવા
WBBR સ્ટેશન પાસે, ભાઈ ફ્રાન્સ સાથે
સ્ટેટન આયલૅન્ડના બેથેલમાં WBBR નામનું રેડિયો સ્ટેશન પણ હતું. ૧૯૨૪થી ૧૯૫૭ સુધી એ સ્ટેશન યહોવાના સાક્ષીઓ ચલાવતા હતા. એ બેથેલમાં ફક્ત ૧૫થી ૨૦ ભાઈ-બહેનો જ હતાં. અમારામાંથી મોટા ભાગના લોકો બિનઅનુભવી અને યુવાન હતાં. અમારી સાથે એક ઉંમરલાયક ભાઈ પણ કામ કરતા, એલ્ડોન વુડવર્થ. તે અભિષિક્ત હતા. પ્રેમાળ પિતાની જેમ તેમણે અમને ઘણું શીખવ્યું. કોઈક વાર અમારા વચ્ચે મતભેદ ઊભો થતો ત્યારે તે કહેતા: ‘પ્રભુએ કેવા લોકોથી કામ ચલાવવું પડે છે; અને તોય તે કામ પાર પાડે છે. એ કેટલું અદ્ભુત છે!’
પ્રચારકામમાં હેરી પીટરસનનો ઉત્સાહ જોરદાર હતો
ભાઈ ફ્રેડરિક ફ્રાન્સ પણ અમારી સાથે કામ કરતા અને મદદ આપતા. તે ઘણા સમજુ હતા અને તેમને બાઇબલનું સારું જ્ઞાન હતું. તે અમારા દરેકમાં રસ લેતા. ભાઈ હેરી પીટરસન અમારા માટે જમવાનું બનાવતા. અમે તેમને તેમની અટકથી બોલાવતા. કારણ કે, તેમના નામનો ઉચ્ચાર ઘણો અઘરો હતો, પાપાર્ગાયરોપાઊલોસ. તે પણ અભિષિક્ત હતા અને પ્રચારકામ તેમને ખૂબ વહાલું હતું. તે દર મહિને સોએક મૅગેઝિન લોકોને આપતા. તેમને પણ બાઇબલનું સારું જ્ઞાન હતું અને અમારા ઘણા સવાલોના જવાબ તેમણે આપ્યા.
સમજુ બહેનો પાસેથી શીખ્યો
બેથેલ ફાર્મમાં ફળફળાદિ અને શાકભાજી ઉગાડવામાં આવતાં. એમાંથી મુરબ્બો અને અથાણાં બનાવીને નાની બરણીઓમાં ભરવામાં આવતાં. દર વર્ષે બેથેલ કુટુંબ માટે આશરે ૪૫,૦૦૦ બરણીઓ ભરવામાં આવતી. હું બહેન એટા હટ્ટ જોડે કામ કરતો. તે ઘણા સમજુ હતા. અમે જે રીતે અથાણાં અને મુરબ્બો બનાવતા, એ બહેન એટાની રેસિપિ હતી. બીજી સ્થાનિક બહેનો અમને મદદ કરવા ત્યાં આવતી. કામની સારી ગોઠવણ કરવા એટા અમને મદદ કરતાં. અથાણાં અને મુરબ્બો બનાવવાના કામમાં એટાનો અનુભવ ઘણો હતો. છતાં, દેખરેખ રાખનાર ભાઈઓને તે હંમેશાં માન આપતાં. અમારા બધા માટે તેમણે સરસ દાખલો બેસાડ્યો હતો.
એન્જેલા અને બહેન એટા સાથે
એન્જેલા રોમાનો નામની યુવાન બહેન બેથેલ ફાર્મમાં મદદ આપવા આવતી. તે સત્યમાં આવી ત્યારે બહેન એટાએ તેને ઘણી મદદ કરી હતી. ૧૯૫૮માં એન્જેલા સાથે મારા લગ્ન થયા અને ૫૮ વર્ષ સુધી ભેગા મળીને યહોવાની સેવા કરવાનો અમે આનંદ માણ્યો છે. એ વર્ષો દરમિયાન એન્જેલાની યહોવા પ્રત્યેની વફાદારીને લીધે અમારું લગ્નજીવન વધુ મજબૂત બન્યું છે. તે ઘણી સમજદાર છે અને ગમે એવા મુશ્કેલ સંજોગોમાં પણ હું તેના પર ભરોસો રાખી શકું છું.
મિશનરી અને પ્રવાસી નિરીક્ષક તરીકેની સોંપણી
૧૯૫૭માં સ્ટેટન આયલૅન્ડ ખાતે આવેલું WBBR સ્ટેશન વેચી દેવામાં આવ્યું. પછી, થોડા સમય માટે મેં બ્રુકલિન બેથેલમાં સેવા આપી. એ પછીના વર્ષે એન્જેલા સાથે લગ્ન થયા ત્યારે મારે બેથેલ છોડવું પડ્યું. ત્રણ વર્ષ સુધી સ્ટેટન આયલૅન્ડમાં અમે પાયોનિયરીંગ કર્યું. થોડા વખત માટે મેં આપણા રેડિયો સ્ટેશનના નવા માલિકો સાથે કામ કર્યું, જે WPOW નામથી ઓળખાતું હતું.
લગ્ન પછી અમે જીવન સાદું રાખ્યું, જેથી જરૂર હોય ત્યાં જઈને સહેલાઈથી સેવા આપી શકીએ. એના લીધે, ૧૯૬૧માં અમે ખાસ પાયોનિયર તરીકેની સોંપણી સ્વીકારી શક્યા. એ સોંપણી નેબ્રૅસ્કાના ફોલ્સ સીટીમાં હતી. ત્યાં ગયા પછી થોડા જ સમયમાં અમને ન્યૂ યૉર્કના સાઉથ લેન્સિંગમાં રાજ્ય સેવા શાળાની તાલીમ માટે બોલાવવામાં આવ્યા. એક મહિનાની એ તાલીમની અમે ખૂબ મજા માણી. અમને હતું કે, તાલીમ પછી અમને પાછા નેબ્રૅસ્કા મોકલવામાં આવશે. પણ, સોંપણી મળી ત્યારે નવાઈનો પાર ન રહ્યો. અમને મિશનરી તરીકે કંબોડિયા મોકલવામાં આવ્યાં. એશિયાનો એ એક સુંદર દેશ છે. અમે ત્યાં એવી ઘણી વસ્તુઓ જોઈ, સાંભળી અને ચાખી, જેનો અમે પહેલાં ક્યારેય અનુભવ કર્યો ન હતો. અમે ત્યાંના લોકોને ખુશખબર જણાવવા તત્પર હતાં.
પણ કંબોડિયામાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ અને અમારે દેશ છોડવો પડ્યો. અમે ત્યાંથી વિયેતનામ ગયા. બે વર્ષ પછી હું બીમારીમાં સપડાયો અને અમારે અમેરિકા પાછું ફરવું પડ્યું. અમને ઘણું દુઃખ થયું! તબિયત સુધરતા સમય લાગ્યો. પણ, સારું થતા જ મેં ફરીથી પાયોનિયરીંગ શરૂ કર્યું.
૧૯૭૫માં ટી.વી. ઇન્ટરવ્યૂ પહેલાં, એન્જેલા સાથે
માર્ચ ૧૯૬૫માં અમે પ્રવાસી નિરીક્ષક તરીકે મંડળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ૩૩ વર્ષ સુધી અમે સરકીટ અને ડિસ્ટ્રીક્ટ કામનો ખૂબ આનંદ માણ્યો અને સંમેલનો યોજવાં મદદ કરી. સંમેલનો હંમેશાં મારા માટે રોમાંચક હતાં, એટલે એ કામમાં મને ખૂબ મજા આવતી. અમુક વર્ષો સુધી અમે ન્યૂ યૉર્ક શહેરની આસપાસનાં મંડળોની મુલાકાત લીધી અને યાંકી સ્ટેડિયમમાં અનેક સંમેલનો ભર્યાં.
બેથેલ અને તાલીમ શાળામાં સેવાનો લહાવો
વર્ષો પસાર થતાં ગયાં તેમ, મને અને એન્જેલાને અનેક નવી અને પડકારજનક સોંપણીઓ મળી. ૧૯૯૫માં મને સેવકાઈ તાલીમ શાળાના શિક્ષક તરીકેની સોંપણી મળી. ત્રણ વર્ષ પછી અમને બેથેલમાં બોલાવવામાં આવ્યાં. ૪૦ વર્ષ પછી ફરી એક વાર બેથેલમાં સેવા આપવાનો મોકો મળવાથી હું ઘણો ખુશ હતો. મેં અહીંથી જ પૂરા સમયની ખાસ સેવા શરૂ કરી હતી. અમુક સમય માટે મેં સેવા વિભાગમાં અને અનેક તાલીમ શાળાઓના શિક્ષક તરીકે કામ કર્યું. ૨૦૦૭માં નિયામક જૂથે એક નવો વિભાગ શરૂ કર્યો, સેવાકાર્યની તાલીમ આપતી શાળાઓ વિભાગ. એ વિભાગ બેથેલમાં યોજાનાર દરેક શાળાનું ધ્યાન રાખે છે. અમુક વર્ષો સુધી મેં એ વિભાગના નિરીક્ષક તરીકે કામ કર્યું.
તાજેતરના વર્ષોમાં તાલીમ શાળાઓમાં ઘણા ફેરફારો થયા છે. ૨૦૦૮માં વડીલો માટે શાળા શરૂ કરવામાં આવી. એ પછીના બે વર્ષમાં પેટરસન અને બ્રુકલિન બેથેલમાં ૧૨,૦૦૦ કરતાં વધુ વડીલોને તાલીમ આપવામાં આવી. એ શાળા આજે પણ ઘણી જગ્યાઓએ ચાલે છે. ૨૦૧૦માં સેવકાઈ તાલીમ શાળાનું નામ બદલીને ભાઈઓ માટે બાઇબલ શાળા કરવામાં આવ્યું. ઉપરાંત, એક નવી શાળા શરૂ કરવામાં આવી, યુગલો માટે બાઇબલ શાળા.
સપ્ટેમ્બર ૨૦૧૪માં એ બે શાળાઓને ભેગી કરી દેવામાં આવી. હવે એને રાજ્ય પ્રચારકો માટે શાળા કહેવામાં આવે છે. એ શાળામાં યુગલો, કુંવારા ભાઈઓ અને કુંવારી બહેનો જઈ શકે છે. ભાઈ-બહેનોને જ્યારે જાણ થઈ કે તેઓના દેશમાં પણ આ શાળા યોજવામાં આવશે, ત્યારે તેઓની ખુશીનો પાર ન રહ્યો. આ તાલીમનો લાભ ઉઠાવવા અનેક ભાઈ-બહેનોએ પોતાના જીવનમાં ફેરફારો કર્યા છે. એ જોઈને મને ઘણી ખુશી થાય છે.
ઠંડાગાર પાણીમાં બાપ્તિસ્મા લીધું એ દિવસથી લઈને આજ સુધી મેં જે કર્યું છે, એનાથી હું ઘણો ખુશ છું. યહોવાનો આભાર કે તેમણે મને સમજુ લોકો સાથે સંગત કરવાની તક આપી. તેઓને લીધે હું યહોવાને સારી રીતે ઓળખી શક્યો અને તેમની સેવાના અનેક રંગ જોઈ શક્યો. અમુક મારા કરતાં નાના હતા, તો અમુક મોટા, તો કેટલાક બીજા દેશ અને સંસ્કૃતિના હતા. પણ, તેઓનાં વાણી-વર્તન અને વલણમાં સાફ દેખાઈ આવતું કે તેઓને યહોવા માટે ખૂબ પ્રેમ છે. યહોવાનો અહેસાન કે તેમણે મને અનેક સમજુ દોસ્તો આપ્યા, જેમની પાસેથી હું ઘણું શીખી શક્યો.
દુનિયાભરથી તાલીમ માટે આવતા વિદ્યાર્થીઓને મળવું મને ખૂબ ગમે છે