વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ઑગસ્ટ પાન ૧૩-૧૬
  • સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાઇબિરિયા—નવો પ્રચાર વિસ્તાર
  • મારિયાની શ્રદ્ધાની કસોટી
  • પત્નીથી દૂર, બાળકોથી દૂર
  • નવી જગ્યા, નવા પડકારો
  • બાળકોમાં યહોવા માટે પ્રેમ સિંચ્યો
  • યહોવાની કૃપા માટે લાખ લાખ આભાર
  • સાઇબીરિયામાં દેશનિકાલ!
    સજાગ બનો!—૧૯૯૯
  • યહોવાહે
    સજાગ બનો!—૧૯૯૮
  • તમારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • “આજે પ્રચારકામ મને બહુ ગમે છે!”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ઑગસ્ટ પાન ૧૩-૧૬

જીવન સફર

સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે

પવેલ સીવુલ્સ્‌કીના જણાવ્યા પ્રમાણે

ખુફિયા પોલીસ અધિકારીએ મને ધમકાવીને કહ્યું: ‘તું એક ક્રૂર બાપ છે. તારી ગર્ભવતી પત્ની અને નાની છોકરીને તેં ત્યજી દીધાં! તેઓને કોણ ખવડાવશે, કોણ સંભાળશે? તારો ધર્મ છોડ અને ઘરે જા!’ મેં જવાબ આપ્યો: ‘મેં તેઓને છોડ્યા નથી. તમે મને પકડી લાવ્યા છો! અને મારો ગુનો શો છે?’ અધિકારી બોલ્યો: ‘યહોવાના સાક્ષી હોવા કરતાં મોટો ગુનો બીજો શો હોય શકે?’

૧૯૫૯માં રશિયાના ઈર્કુત્સ્‌ક શહેરની એક જેલમાં એ વાતચીત થઈ હતી. મારી પત્ની મારિયા અને હું ‘ખરા માર્ગે ચાલવાને લીધે કંઈ પણ સહેવા’ તૈયાર હતાં. ચાલો તમને જણાવું કે, અમે શા માટે એવું કરવા તૈયાર હતા અને વફાદાર રહેવાથી અમને કેવા આશીર્વાદો મળ્યા.—૧ પીત. ૩:૧૩, ૧૪.

મારો જન્મ ૧૯૩૩માં યુક્રેઇનના ઝોલોનીકી ગામમાં થયો હતો. ૧૯૩૭માં મારાં માસા-માસી ફ્રાંસથી અમને મળવાં આવ્યાં. તેઓ યહોવાના સાક્ષી હતાં. તેઓએ અમને બે પુસ્તકો આપ્યાં, ગવર્નમેન્ટ અને ડેલીવરેન્સ, જે વૉચ ટાવર સોસાયટીએ બહાર પાડ્યાં હતાં. એ પુસ્તકો વાંચીને પપ્પાના મનમાં ઈશ્વર માટે શ્રદ્ધા જાગી. ૧૯૩૯માં તે ગંભીર માંદગીમાં સપડાયા. મરતા પહેલાં તેમણે મારી માને કહ્યું: ‘સત્ય આ જ છે. તું બાળકોને એ શીખવજે.’

સાઇબિરિયા—નવો પ્રચાર વિસ્તાર

એપ્રિલ ૧૯૫૧માં, અધિકારીઓએ યહોવાના સાક્ષીઓને પૂર્વ સોવિયેત યુનિયનમાંથી તગેડીને સાઇબિરિયા મોકલવા લાગ્યા. મને, મમ્મીને અને નાના ભાઈ ગ્રીગોરીને યુક્રેઇનમાંથી કાઢી મૂક્યાં. ટ્રેનમાં ૬૦૦૦ કિ.મી. કરતાં વધુ લાંબી મુસાફરી કરીને અમે સાઇબિરિયાના ટુલુન શહેરમાં આવ્યાં. બે અઠવાડિયાં પછી, મોટા ભાઈ બોગદાનને અંગર્ક્ષ શહેરની છાવણીમાં મોકલવામાં આવ્યો, જે ટુલુનથી નજીક જ હતી. તેને ૨૫ વર્ષ કાળી મજૂરીની સજા મળી હતી.

હું, મમ્મી અને ગ્રીગોરી ટુલુનની આસપાસના રહેણાક વિસ્તારોમાં પ્રચાર કરતાં. પણ અમારે અલગ અલગ રીતો અપનાવી પડતી. દાખલા તરીકે, અમે લોકોને પૂછતા: ‘શું અહીં કોઈને ગાય વેચવાની છે?’ એવી કોઈ વ્યક્તિ મળતી ત્યારે, વાતવાતમાં અમે જણાવતા કે ગાયને કેટલી અદ્‍ભુત રીતે રચવામાં આવી છે. જોતજોતામાં અમે સર્જનહાર વિશે વાત કરવા લાગતા. એ અરસામાં, એક છાપામાં સાક્ષીઓ વિશે આમ લખાયું હતું: ‘સાક્ષીઓ ગાય શોધવાના બહાને વાત કરે છે, પણ હકીકતમાં તેઓ ઘેટાં શોધી રહ્યા છે.’ અને અમને ઘેટાં જેવા લોકો મળ્યા પણ ખરા! એ વિસ્તારમાં ક્યારેય પ્રચાર થયો ન હતો. ત્યાંના નમ્ર અને મળતાવડા લોકોને બાઇબલમાંથી શીખવવાની ખૂબ મજા આવતી. આજે, ટુલુનમાં ૧૦૦ કરતાં વધુ પ્રકાશકોનું એક મંડળ છે.

મારિયાની શ્રદ્ધાની કસોટી

મારી પત્ની મારિયાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સત્ય મળ્યું હતું. તે ૧૮ વર્ષની હતી ત્યારે, છૂપી પોલીસનો એક અધિકારી તેને હેરાન કરવા લાગ્યો. મારિયા જોડે જાતીય સંબંધ બાંધવા તે બળજબરી કરતો. પણ મારિયાએ હિંમતથી તેની માંગણી નકારી કાઢી. એક દિવસે, તે ઘર આવી તો એ માણસ તેના પલંગ પર આડો પડેલો હતો. મારિયા ત્યાંથી નાસી છૂટી. ગુસ્સામાં લાલ પીળા થઈને એ અધિકારીએ ધમકી આપી કે તે મારિયાને જેલ ભેગી કરશે, કેમ કે તે યહોવાની સાક્ષી છે. અને બન્યું પણ એવું, ૧૯૫૨માં મારિયાને ૧૦ વર્ષની સજા થઈ. તેને ઈશ્વરભક્ત યુસફ જેવું લાગતું, જેમને વફાદારી જાળવવાને લીધે કેદ થઈ હતી. (ઉત. ૩૯:૧૨, ૨૦) કોર્ટથી જેલ લઈ જનાર ડ્રાઇવરે મારિયાને કહ્યું: ‘ડરીશ નહિ. ઘણા લોકો જેલમાં જાય છે, પણ સન્માન સાથે પાછા બહાર આવે છે.’ એ શબ્દોથી તેને હિંમત મળી.

પવેલ અને મારિય સીવુલ્સ્‌કી

૧૯૫૨થી ૧૯૫૬ સુધી મારિયાને રશિયાના ગોરકી શહેરમાં (હવે નિઝનીય નોવગોરોડ) મજૂર છાવણીમાં મોકલવામાં આવી. ત્યાં તેણે વૃક્ષોને જડમૂળથી ઉખેડવાના હતાં, કડકડતી ઠંડીમાં પણ. ત્યાં તેની તબિયત બગડવા લાગી. છેવટે, ૧૯૫૬માં તેને આઝાદ કરવામાં આવી અને તે ટુલુન રવાના થઈ.

પત્નીથી દૂર, બાળકોથી દૂર

ટુલુનમાં એક ભાઈએ મને જણાવ્યું કે એક બહેન આવી રહી છે. હું મારી સાઇકલ પર બસ સ્ટોપ પર ગયો, જેથી સામાન ઊંચકવામાં મદદ કરી શકું. મને તો પહેલી નજરમાં જ મારિયા ગમી ગઈ. જોકે, તેનું દિલ જીતવા મારે બહુ મહેનત કરવી પડી. પણ અંતે મેં તેનું દિલ જીતી લીધું. ૧૯૫૭માં અમે લગ્‍ન કર્યું. એક વરસ પછી અમારી દીકરી ઇરીનાનો જન્મ થયો. પણ એની સાથે રહેવાનો આનંદ લાંબો ન ટક્યો. બાઇબલ આધારિત સાહિત્ય છાપવાને લીધે ૧૯૫૯માં મારી ધરપકડ થઈ. મને ૬ મહિના સુધી કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો. એ દરમિયાન, મનની શાંતિ માટે હું સતત પ્રાર્થના કરતો, રાજ્યગીતો ગાતો અને કલ્પના કરતો કે આઝાદ થઈશ તો કેવી રીતે પ્રચાર કરીશ.

૧૯૬૨માં પવેલ સીવુલ્સ્‌કી એક મજૂરી છાવણીમાં

૧૯૬૨માં, મજૂર છાવણીમાં હતો ત્યારે

જેલમાં પૂછપરછ વખતે એક અધિકારીએ ગુસ્સામાં રાડ પાડી કે, ‘ઉંદરડાને કચડી નાખીએ તેમ અમે તમને કચડી નાખીશું!’ મેં જવાબ આપ્યો: ‘ઈસુએ કહ્યું છે કે રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે અને એમ થતા કોઈ રોકી શકશે નહિ.’ પછી, એ અધિકારીએ રણનીતિ બદલી અને શરૂઆતમાં જણાવ્યું હતું તેમ મારી શ્રદ્ધા તોડવાની કોશિશ કરી. તેમની ધમકીઓ અને લાલચો ચાલી નહિ ત્યારે, તેઓએ મને સારન્સ્‌ક શહેર નજીક આવેલી છાવણીમાં સાત વર્ષની આકરી મજૂરીની સજા કરી. ત્યાં જતી વખતે રસ્તામાં મને સમાચાર મળ્યા કે અમારી બીજી દીકરી ઓલ્ગાનો જન્મ થયો છે. ભલે હું કુટુંબથી દૂર હતો છતાં, મને એ વાતથી રાહત મળતી કે મારિયા અને હું યહોવાને વળગી રહ્યા છીએ.

૧૯૬૫માં મારિયા સીવુલ્સ્‌કી તેમની દીકરીઓ ઓલ્ગા અને ઇરીના સાથે

૧૯૬૫માં, મારિયા અને અમારી દીકરીઓ, ઓલ્ગા અને ઇરીના

વર્ષમાં એક વાર મારિયા મારી મુલાકાતે આવતી. ટુલુનથી સારન્સ્‌ક આવતા-જતા ટ્રેનમાં ૧૨ દિવસ થતા, છતાં તે આવતી. દર વર્ષે તે મારી માટે બૂટની એક નવી જોડ લઈ આવતી. બૂટની એડીમાં ધ વૉચટાવરની નવી આવેલી પ્રત તે છુપાવીને લાવતી. તેની એક મુલાકાત ખાસ હતી, કારણ કે તે અમારી બંને દીકરીઓને સાથે લાવી હતી. તેઓને નજર સામે જોઈને મારું દિલ ભરાઈ આવ્યું!

નવી જગ્યા, નવા પડકારો

૧૯૬૬માં મને મજૂર છાવણીમાંથી આઝાદ કરવામાં આવ્યો. અમે કાળા સમુદ્ર નજીક અર્માવીર શહેરમાં રહેવાં ગયાં. ત્યાં અમને બે દીકરા થયા, યોરોસ્લાવ અને પવેલ.

થોડા જ સમયમાં છૂપી પોલીસે અમારા ઘરે છાપા મારવાનું શરૂ કર્યું. બાઇબલ સાહિત્ય શોધવા તેઓએ આખા ઘરને અસ્તવ્યસ્ત કરી નાખતા. અરે, ગાય માટે મૂકેલા ચારામાં પણ તેઓ ફંફોસતા. એક વાર, અધિકારીઓ ગરમીને લીધે પરસેવે રેબઝેબ હતા, તેઓના કપડાં ધૂળ ધૂળ થઈ ગયાં હતાં. મારિયાને તેઓ પર દયા આવી, તે જાણતી હતી કે તેઓ તો બસ પોતાની ફરજ બજાવે છે. તે એ અધિકારીઓ માટે જ્યુસ લાવી. તેમ જ, કપડાં સાફ કરવાનું બ્રશ, પાણી અને રૂમાલ લાવી. પછીથી, પોલીસ અધિકારીઓનો ઉપરી આવ્યો ત્યારે, તેઓએ મારિયાના પ્રેમાળ વર્તન વિશે તેને જણાવ્યું. તેઓએ સ્મિત સાથે ઘરેથી વિદાય લીધી. અમે જોયું કે “સારાથી ભૂંડાઈ પર જીત” મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે, સારું પરિણામ આવે છે.—રોમ. ૧૨:૨૧.

અધિકારીઓ અમારા ઘરે વારંવાર છાપા મારતા, પણ અમે અર્માવીરમાં પ્રચાર કરતાં રહ્યાં. તેમ જ, ત્યાંથી નજીક કુર્ગાનીન્સ્‌કમાં પ્રકાશકોના એક નાના સમૂહને અમે દૃઢ કર્યો. એ જાણીને ખુશી થાય છે કે, આજે અર્માવીરમાં છ અને કુર્ગાનીન્સ્‌કમાં ચાર મંડળો છે.

વર્ષો દરમિયાન, એવો સમય પણ આવ્યો જ્યારે અમારી શ્રદ્ધા નબળી બની હતી. અમને ખુશી છે કે યહોવાએ વફાદાર ભાઈઓ દ્વારા અમને મદદ આપી અને અમારી શ્રદ્ધા મજબૂત બનાવી. (ગીત. ૧૩૦:૩) છૂપી પોલીસના અધિકારીઓએ મંડળમાં પગપેસારો કરી દીધો અને અમને ખ્યાલ પણ ન આવ્યો. તેઓ ઘણા ઉત્સાહી દેખાતા અને પ્રચારમાં જોશથી કામ કરતા. અરે, અમુકને તો સંગઠનમાં ભારે જવાબદારીઓ પણ સોંપવામાં આવી. એ અમારી શ્રદ્ધાની કસોટીનો સમય હતો. જોકે, સમય જતાં તેઓનું અસલ રૂપ અમારી સામે આવી ગયું.

૧૯૭૮માં ૪૫ વર્ષની વયે મારિયા ફરી ગર્ભવતી થઈ. તે લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડાતી હતી. જીવનું જોખમ છે એમ કહીને ડૉક્ટરોએ તેને ગર્ભપાત કરાવી લેવાનું જણાવ્યું. મારિયાએ સાફ ના પાડી. અરે, અમુક ડૉક્ટરો તો હૉસ્પિટલમાં ઇન્જેક્શન લઈને તેની પાછળ દોડ્યા, જેથી તેનું ગર્ભપાત કરી શકે. પેટમાં રહેલા બાળકને બચાવવા મારિયા હૉસ્પિટલથી નાસી ગઈ.

થોડા સમય પછી, છૂપી પોલીસે અમને શહેર છોડવાનો આદેશ આપ્યો. અમે એસ્તોનિયાના તાલ્લીન શહેર નજીક આવેલા એક ગામમાં રહેવા ગયા. એ શહેર, સોવિયેત યુનિયનનો ભાગ હતું. તાલ્લીનમાં મારિયાએ એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો, જે ડૉક્ટરોના રિપોર્ટથી સાવ અલગ હતું. અમે એ દીકરાનું નામ વાઇટાલી પાડ્યું.

પછીથી, અમે એસ્તોનિયા છોડીને દક્ષિણ રશિયાના નેઝલોબનાયામાં સ્થાયી થયા. ત્યાં નજીકમાં એક વિસ્તાર હતો, જ્યાં દેશના ખૂણે ખૂણેથી લોકો ફરવા અને આરામ કરવા આવતા. અમે સાવચેતી રાખીને ત્યાં પ્રચાર કરતા. અમુક બીમાર લોકો ત્યાં આરામ કરવા આવતા ને હંમેશ માટેના જીવનની આશા લઈને પાછા જતા!

બાળકોમાં યહોવા માટે પ્રેમ સિંચ્યો

અમે બાળકોમાં યહોવા માટે પ્રેમ અને તેમની ભક્તિ માટે ઇચ્છા જગાવવાની પૂરી કોશિશ કરી. અમે ઘણી વાર ભાઈ-બહેનોને ઘરે બોલાવતા, જેથી બાળકો તેઓની સંગતમાં ઉછરે. મારો નાનો ભાઈ ગ્રીગોરી પણ ઘણી વાર મળવા આવતો. તે ૧૯૭૦થી ૧૯૯૫ સુધી પ્રવાસી નિરીક્ષક હતો. આખું કુટુંબ તેની મુલાકાતથી ખુશ થઈ જતું, કારણ કે તે સ્વભાવે આનંદી અને રમૂજી હતો. મહેમાનો આવે ત્યારે અમે ઘણી વાર બાઇબલ આધારિત રમતો રમતા અને ધીરે ધીરે બાઇબલ અહેવાલો માટે બાળકોના દિલમાં પ્રેમ કેળવાયો.

પવેલ અને મારિયા સીવુલ્સ્‌કીના દીકરા અને પુત્રવધૂ

મારા દીકરાઓ અને તેઓની પત્ની.

ડાબેથી જમણે: યોરસ્લાવ, પવેલ, વાઇટાલી

આગળની હરોળ: અલ્યોના, રાયા, સ્વેતલાના

૧૯૮૭માં અમારો દીકરો યોરોસ્લાવ, લૅટ્‍વિયાના રીગા શહેરમાં રહેવા ગયો. ત્યાં તે મોકળાશથી પ્રચાર કરી શકતો. પરંતુ, તેણે સેનામાં જોડાવાની ના પાડી ત્યારે, તેને દોઢ વર્ષ જેલની સજા થઈ. એ દરમિયાન તેને નવ અલગ અલગ જેલોમાં ખસેડવામાં આવ્યો. જેલ કારાવાસનો મારો અનુભવ મેં તેને જણાવ્યો હતો, જેના લીધે તેને જેલમાં સહન કરવા મદદ મળી. પછીથી, તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું. ૧૯૯૦માં પવેલે જાપાનની ઉત્તરે આવેલા સખાલીન ટાપુ પર પાયોનિયરીંગ કરવાની ઇચ્છા દર્શાવી. એ સમયે તે ૧૯ વર્ષનો હતો. શરૂઆતમાં અમે ચાહતા ન હતા કે તે જાય. એ ટાપુ પર ફક્ત ૨૦ પ્રકાશકો હતા. એ ટાપુ અમારા શહેરથી ૯૦૦૦ કિલોમીટરથી પણ વધુ દૂર હતો. પણ, પછીથી અમે એને જવા દીધો. એ નિર્ણય એકદમ યોગ્ય હતો. ત્યાંના લોકોએ સત્યમાં રસ બતાવ્યો. થોડા જ વર્ષોમાં ત્યાં ૮ મંડળો બની ગયાં. પવેલે ૧૯૯૫ સુધી ત્યાં સેવા આપી. એ દરમિયાન સૌથી નાનો દીકરો વાઇટાલી અમારી સાથે રહ્યો. તેને નાનપણથી જ બાઇબલ વાંચવું ખૂબ ગમતું. ૧૪ વર્ષનો થયો ત્યારે તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું અને મેં બે વર્ષ તેની સાથે પાયોનિયરીંગ કર્યું. એ યાદગાર સમય હતો. તે ૧૯ વર્ષનો થયો ત્યારે ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા ગયો.

૧૯૫૨માં એક પોલીસ અધિકારીએ મારિયાને કહ્યું હતું: ‘તારો ધર્મ છોડ નહિતર દસ વર્ષની સજા ભોગવ. તું બહાર આવીશ ત્યાં સુધી ઘરડી અને એકલી થઈ જઈશ.’ પણ હકીકત કંઈક ઓર જ બની. અમને પિતા યહોવાનો, અમારાં બાળકોનો અને જેઓને સત્ય આપ્યું તેઓનો અઢળક પ્રેમ મળ્યો. અમારાં બાળકો સેવા આપે છે ત્યાં જવાની અમને અનેરી તક મળી છે. અમે જોયું કે, અમારાં બાળકોએ જેઓને સત્ય શીખવા મદદ કરી, તેઓની આંખો કદરની લાગણીથી છલકાતી હતી.

યહોવાની કૃપા માટે લાખ લાખ આભાર

૧૯૯૧માં યહોવાના સાક્ષીઓને કાયદેસરની મંજૂરી આપવામાં આવી. એના લીધે, પ્રચારકામમાં જોશ વધ્યો. અમારા મંડળે એક બસ ખરીદી, જેથી અઠવાડિયાના અંતે નજીકનાં ગામો અને શહેરોમાં પ્રચાર માટે જઈ શકીએ.

૨૦૧૧માં પવેલ અને મારિયા સીવુલ્સ્‌કી

૨૦૧૧માં મારી પત્ની સાથે

મને ઘણી ખુશી છે કે મારાં બાળકો યહોવાની સેવામાં સારું કરી રહ્યાં છે. યરોસ્લાવ અને તેની પત્ની અલ્યોના, પવેલ અને તેની પત્ની રાયા બેથેલમાં સેવા આપે છે. વાઇટાલી અને તેની પત્ની સ્વેતલાના સરકીટ નિરીક્ષક છે. મારી સૌથી મોટી દીકરી ઇરીના અને તેનું કુટુંબ જર્મનીમાં રહે છે. તેનો પતિ વદિમર અને તેઓના ત્રણ દીકરા વડીલ તરીકે સેવા આપે છે. અમારી દીકરી ઓલ્ગા એસ્તોનિયામાં રહે છે અને નિયમિત રીતે મને ફોન કરે છે. મને દુઃખ છે કે મારી વહાલી પત્ની મારિયા ૨૦૧૪માં ગુજરી ગઈ. હું નવી દુનિયામાં તેને મળવા આતુર છું! અત્યારે હું બેલ્ગોરોડ શહેરમાં રહું છું અને અહીંના ભાઈ-બહેનોનો મને ઘણો સહારો છે.

વર્ષો દરમિયાન મને શીખવા મળ્યું કે યહોવાની સેવામાં વફાદાર રહેવા ઘણા ભોગ આપવા પડે છે. બદલામાં યહોવા આપણને મનની એવી શાંતિ આપે છે, જે આપણી સમજશક્તિની બહાર છે. વફાદાર રહેવા બદલ મને અને મારિયાને જે આશીર્વાદો મળ્યા છે, એની મેં ક્યારેય કલ્પના કરી ન હતી. ૧૯૯૧માં સોવિયેત યુનિયનના ભાગલા પડ્યા ત્યારે, ત્યાં ફક્ત ૪૦ હજાર પ્રકાશકો હતા. સોવિયેત યુનિયનનો ભાગ હતા, એ દેશોમાં આજે કુલ ૪ લાખથી વધુ પ્રકાશકો છે! હું ૮૩ વર્ષનો છું અને વડીલ તરીકે સેવા આપું છું. યહોવાએ અમને હંમેશાં મદદ કરી એટલે હું અને મારિયા બધું ખમી શક્યાં. હા, યહોવાએ મને ભરપૂર આશીર્વાદો આપ્યા છે.—ગીત. ૧૩:૫, ૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો