વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ઑક્ટોબર પાન ૧૭-૨૦
  • અરિમથાઈના યુસફ હિંમત બતાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અરિમથાઈના યુસફ હિંમત બતાવે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહુદી ન્યાયસભાના સભ્ય
  • એક છૂપા શિષ્ય
  • ડર પર જીત મેળવી
  • યુસફે ઈસુને દફનાવ્યા
  • યુસફની કહાનીનો અંત
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ‘શું હું ઈશ્વર છું?’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ઑક્ટોબર પાન ૧૭-૨૦
અરિમથાઈના યુસફ પોંતિયસ પીલાત સાથે વાત કરે છે

અરિમથાઈના યુસફ હિંમત બતાવે છે

અરિમથાઈના યુસફ ઘણી હિંમતથી રોમન રાજ્યપાલ પાસે જાય છે. તેમને ખબર નથી કે તેમની પાસે એટલી હિંમત આવી ક્યાંથી. પોંતિયસ પીલાત એક જિદ્દી વ્યક્તિ તરીકે ઓળખાતો હતો. ઈસુને આદરસહિત દફનાવવા, કોઈએ તો પીલાતની મંજૂરી માંગવી પડે. જોકે, યુસફે ધાર્યું હતું એનાથી એકદમ ઊલટું થયું. પીલાત સાથેની તેમની મુલાકાત સારી ગઈ. એક અધિકારી પાસેથી પીલાતને પાક્કી ખાતરી મળી કે ઈસુ મરણ પામ્યા છે. એટલે, તેણે શબ લઈ જવાની મંજૂરી આપી. દિલ પર પથ્થર મૂકીને યુસફ એ જગ્યાએ જવા ઉતાવળ કરે છે, જ્યાં ઈસુને વધસ્તંભે ચઢાવ્યા હતા.—માર્ક ૧૫:૪૨-૪૫.

  • અરિમથાઈના યુસફ કોણ હતા?

  • તે કઈ રીતે ઈસુને ઓળખતા હતા?

  • તમારે શા માટે તેમના વિશે જાણવું જોઈએ?

યહુદી ન્યાયસભાના સભ્ય

માર્કે લખેલી ખુશખબર પ્રમાણે યુસફ ‘યહુદી ન્યાયસભાના માનનીય સભ્ય’ હતા. એ સભા યહુદીઓની સર્વોચ્ચ અદાલત અને દેખરેખ રાખતી સર્વોચ્ચ સમિતિ હતી. (માર્ક ૧૫:૧, ૪૩) આમ જોવા મળે છે કે યુસફ એક આગેવાન હતા. એટલે સમજી શકાય કે, તે સહેલાઈથી રોમન રાજ્યપાલને મળી શકતા હતા. એમાં કોઈ નવાઈ નથી કે યુસફ ધનવાન પણ હતા.—માથ. ૨૭:૫૭.

ઈસુને રાજા તરીકે સ્વીકારવાની શું તમારામાં હિંમત છે?

યહુદી ન્યાયસભાના બધા સભ્યો ઈસુને નફરત કરતા હતા. તેઓએ તેમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, યુસફ ‘ભલા અને નેક’ માણસ હતા. (લુક ૨૩:૫૦) તે યહુદી ન્યાયસભાના સભ્યોથી સાવ અલગ હતા. તે પ્રામાણિકતા અને નેકીથી જીવતા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા તે બનતું બધું કરતા. તે પણ ‘ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા.’ તેથી, તે ઈસુના શિષ્ય બન્યા હોઈ શકે. (માર્ક ૧૫:૪૩; માથ. ૨૭:૫૭) તે ઈસુના સંદેશા તરફ આકર્ષાયા, કારણ કે સત્ય અને ન્યાય તેમના માટે મહત્ત્વનાં હતાં.

એક છૂપા શિષ્ય

યોહાન ૧૯:૩૮ જણાવે છે કે ‘યુસફ ઈસુના શિષ્ય હતા, પણ યહુદીઓથી બીતા હોવાથી એ વાત તે છુપાવતા હતા.’ યુસફ શાનાથી બીતા હતા? તેમને ખબર હતી કે યહુદીઓ ઈસુને ધિક્કારે છે. જેઓ ઈસુમાં શ્રદ્ધા બતાવે, તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવાનું યહુદીઓએ નક્કી કર્યું હતું. (યોહા. ૭:૪૫-૪૯; ૯:૨૨) સભાસ્થાનમાંથી કોઈને કાઢી મૂકવામાં આવે તો, યહુદીઓ તેને ધિક્કારતા, તેનાથી દૂર રહેતા અથવા તેનો બહિષ્કાર કરતા. એટલે, ઈસુમાં શ્રદ્ધા છે એવું જાહેરમાં સ્વીકારવાથી યુસફ અચકાતા હતા. એમ કરવાથી તો તેમણે પોતાનું સ્થાન કે શાખ ગુમાવવી પડે.

એકલા યુસફ જ એવી હાલતમાં ન હતા. યોહાન ૧૨:૪૨ પ્રમાણે “અધિકારીઓમાંથી ઘણાએ ઈસુ પર શ્રદ્ધા મૂકી. પણ, ફરોશીઓને કારણે તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે.” યહુદી ન્યાયસભાના સભ્ય નિકોદેમસ પણ એવી જ હાલતમાં હતા.—યોહા. ૩:૧-૧૦; ૭:૫૦-૫૨.

યુસફ શિષ્ય હતા, છતાં તેમણે ક્યારેય જાહેરમાં એ કબૂલ્યું ન હતું. એ એક ગંભીર બાબત હતી. કેમ કે ઈસુએ જાહેર કર્યું હતું: “લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે, તેનો હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ સ્વીકાર કરીશ. પણ, લોકો આગળ જે કોઈ મારો નકાર કરે છે, તેનો હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ નકાર કરીશ.” (માથ. ૧૦:૩૨, ૩૩) ખરું કે, યુસફે ઈસુનો નકાર કર્યો ન હતો. પરંતુ, તેમનામાં ઈસુનો સ્વીકાર કરવાની હિંમત પણ ન હતી. તમારા વિશે શું?

જોકે, યુસફે કંઈક સારું કર્યું હતું. બાઇબલ જણાવે છે કે ન્યાયસભાએ ઈસુ વિરુદ્ધ કાવતરું રચ્યું ત્યારે, યુસફે એને ટેકો ન આપ્યો. (લુક ૨૩:૫૧) અમુકના જણાવ્યા પ્રમાણે, કદાચ ઈસુના મુકદ્દમા વખતે યુસફ ત્યાં હાજર ન હતા. આપણે જાણતા નથી કે તે હાજર હતા કે નહિ, પણ એક વાત તો ચોક્કસ છે, ઈસુની સાથે થઈ રહેલા અન્યાયથી તેમને દુઃખ થયું હશે. પરંતુ, એને રોકવું તેમના હાથ બહારની વાત હતી!

ડર પર જીત મેળવી

દેખીતી રીતે, ઈસુના મરણ વખતે યુસફે ડર પર જીત મેળવી લીધી અને ઈસુના શિષ્યોને સાથ આપવાનો નિર્ણય લીધો. આ નિર્ણય આપણને માર્ક ૧૫:૪૩માં જોવા મળે છે: ‘તે હિંમત કરીને પીલાત પાસે ગયા અને ઈસુનું શબ માંગ્યું.’

ઈસુના મરણ વખતે યુસફ કદાચ ત્યાં હાજર હતા. એટલે, ઈસુના મરણ વિશે પીલાત પહેલાં યુસફને ખબર પડી હતી. તેથી, યુસફ જ્યારે ઈસુનું શબ માંગવા જાય છે, ત્યારે રાજ્યપાલને “નવાઈ લાગી કે ઈસુ આટલા જલદી મરણ પામ્યા.” (માર્ક ૧૫:૪૪) વધસ્તંભ પર ઈસુને પીડાતા જોઈને યુસફનું દિલ ડંખ્યું હશે. કદાચ એટલે તેમને હિંમત મળી કે જાહેરમાં તે પોતાને ઈસુના શિષ્ય તરીકે કબૂલ કરે. આખરે, યુસફ પગલું ભરવા દોરાયા. હવે તે છૂપા શિષ્ય રહેવાના ન હતા.

યુસફે ઈસુને દફનાવ્યા

યહુદી નિયમ પ્રમાણે મરણની સજા પામેલી વ્યક્તિને સૂર્યાસ્ત પહેલાં દફનાવવામાં આવતી. (પુન. ૨૧:૨૨, ૨૩) પણ, રોમનો ગુનેગારોનાં શબને વધસ્તંભ પર સડવા દેતાં અથવા સામાન્ય કબરોમાં ફેંકી દેતાં. જોકે, યુસફે ઈસુ માટે બીજું કંઈક વિચારી રાખ્યું હતું. ઈસુને મારી નાખવામાં આવ્યા હતા, એ જગ્યાથી થોડે જ દૂર એક કબર હતી. એ કબર યુસફે ખડકમાં ખોદાવી હતી. એ કબર હજુ સુધી વપરાઈ ન હતી, જે બતાવે છે કે થોડા જ સમય પહેલાં યુસફ અરિમથાઈથીa યરૂશાલેમ આવ્યા હશે. કુટુંબના સભ્યોને દફનાવવા તેમણે એ જગ્યા ખરીદી હશે. (લુક ૨૩:૫૩; યોહા. ૧૯:૪૧) યુસફે પોતાના માટે તૈયાર કરેલી કબરમાં ઈસુને દફનાવીને ઈસુ માટે ઉદારતા બતાવી. આનાથી એ ભવિષ્યવાણી પૂરી થઈ કે મસીહને “દ્રવ્યવાનની સંઘાતે” દાટવામાં આવશે.—યશા. ૫૩:૫, ૮, ૯.

યહોવા સાથેના સંબંધ કરતાં બીજી કોઈ બાબતને શું તમે વધારે મહત્ત્વ આપો છો?

વધસ્તંભ પરથી અમુક માણસો ઈસુનું શબ ઉતારે છે

ખુશખબરના ચાર પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે, ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતાર્યા પછી, યુસફે શબને એક બારીક શણના કાપડમાં વીંટાળ્યું અને પોતાની કબરમાં મૂક્યું. (માથ. ૨૭:૫૯-૬૧; માર્ક ૧૫:૪૬, ૪૭; લુક ૨૩:૫૩, ૫૫; યોહા. ૧૯:૩૮-૪૦) યુસફને મદદ કરી હોય એવી એક જ વ્યક્તિ વિશે જણાવવામાં આવ્યું છે. એ હતા નિકોદેમસ, જે દફનવિધિ માટે સુગંધી દ્રવ્યો લાવ્યા હતા. એ બંને વ્યક્તિ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતી હતી. તેથી, સમજી શકાય કે ઈસુનું શબ ઉપાડવા અને કબરમાં મૂકવા તેમણે નોકરોનો ઉપયોગ કર્યો હશે. ભલે તેમણે નોકરોનો ઉપયોગ કર્યો હોય, પણ એ કામ નાનુંસૂનું ન હતું. કોઈ પણ વ્યક્તિ જો શબને અડકે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાતી. તે જે કંઈ અડકે, એ પણ અશુદ્ધ થઈ જતું. (ગણ. ૧૯:૧૧; હાગ્ગા. ૨:૧૩) એ સંજોગોમાં, વ્યક્તિએ પાસ્ખાના અઠવાડિયા દરમિયાન લોકોથી દૂર રહેવું પડતું અને તે કોઈ પણ વિધિ અને ઉજવણીમાં ભાગ લઈ શકતી ન હતી. (ગણ. ૯:૬) ઈસુની દફનવિધિ માટે ગોઠવણ કરવાને લીધે કદાચ ન્યાયસભાના બીજા સભ્યોએ યુસફની મજાક ઉડાવી હોત. છતાં, ઈસુને આદરસહિત દફનાવવા અને પોતાને ઈસુના શિષ્ય તરીકે ઓળખાવવા તે તૈયાર હતા, ભલે પછી એનું પરિણામ ગમે એ આવે.

યુસફની કહાનીનો અંત

ખુશખબરના પુસ્તકોમાં ઈસુની દફનવિધિના અહેવાલ સિવાય બીજે ક્યાંય અરિમથાઈના યુસફ વિશે ઉલ્લેખ નથી. આપણા બધાના મનમાં સવાલ થાય કે એ પછી તેમણે શું કર્યું હશે? આપણે એ વિશે કંઈ જાણતા નથી. જોકે, આપણે ચર્ચા કરી એના પરથી લાગે છે કે તેમણે જાહેરમાં કબૂલ કર્યું હશે કે તે ખ્રિસ્તી છે. એવી કસોટી અને કટોકટીની પળોનો સામનો કર્યાં પછી, ચોક્કસ તેમની શ્રદ્ધા અને હિંમત વધી હશે. એ સારી વાત કહેવાય.

આ અહેવાલ આપણને વિચારવા પ્રેરે છે: આપણા માટે શું યહોવા સૌથી મહત્ત્વના છે કે પછી સત્તા, કારકિર્દી, ધનદોલત, કુટુંબીજનોની લાગણી કે આપણી સ્વતંત્રતા?

a અરિમથાઈ કદાચ અગાઉ રામા તરીકે ઓળખાતું હતું, જે આજે રેન્ટીસ (રાન્ટીસ) તરીકે ઓળખાય છે. એ શહેર પ્રબોધક શમૂએલનું વતન હતું. એ યરૂશાલેમની ઉત્તર-પશ્ચિમે આશરે ૩૫ કિ.મી. (૨૨ માઇલ) દૂર આવેલું હતું.—૧ શમૂ. ૧:૧૯, ૨૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો