આફત આવી પડે
શું તમારા માથે આવી કોઈ આફત આવી પડી છે? તો જરૂર બીજાઓનું દુઃખ સમજી શકશો. એ અનુભવ બહુ કડવો હોય છે. વ્યક્તિ આઘાતમાં ડૂબી જાય છે. જે થયું એ તેને માનવામાં જ ન આવે. મૂંઝવણ અને ચિંતામાં રાતોની ઊંઘ ઊડી જાય. ઘણા તો એ હદે હિંમત હારી જાય કે જીવવાની હોંશ જ ગુમાવી બેસે છે.
કદાચ તમે કોઈ આફતમાં બધું ગુમાવી બેઠા હશો. એવું લાગે કે હવે તો હદ આવી ગઈ, જીવીને શું કરું? પણ હિંમત ન હારશો. ઈશ્વરે વચન આપ્યું છે કે તે તમને ટકાવી રાખશે. એ દુઃખ સહેવા પવિત્ર શાસ્ત્ર મદદ કરે છે. અરે, ઈશ્વરે સુંદર ભવિષ્યનું વચન પણ આપ્યું છે, જ્યારે આવાં કોઈ દુઃખો સહેવાં નહિ પડે.
ઈશ્વર આપે છે સુંદર જીવનની આશા
સભાશિક્ષક ૭:૮ કહે છે: “કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે.” આફતમાંથી પસાર થયા પછી, જીવન નવેસરથી શરૂ કરવું સહેલું નથી. શરૂ શરૂમાં કંઈ જ નહિ સૂઝે. પણ ધીરજથી કામ લો. પાછા પડશો નહિ. એમાં મહેનત લાગશે, પણ તમે આગળ વધશો તેમ જીવન હળવું બનતું જશે.
બાઇબલ એવા સમય વિશે જણાવે છે જ્યારે ‘રડવાનો કે વિલાપનો અવાજ’ સંભળાશે નહિ. (યશાયા ૬૫:૧૯) ઈશ્વરના રાજમાં જ્યારે ધરતીની રોનક ખીલી ઊઠશે ત્યારે એમ થશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯) પછી કોઈ આફત આવશે જ નહિ. અરે, આફતથી તન-મન પર લાગેલા ઘા પણ રુઝાઈ જશે. એ બધી કડવી યાદો ભૂંસાઈ જશે. ઈશ્વર વચન આપે છે: ‘અગાઉના બનાવોની યાદ પણ નહિ આવે, અરે, એનો વિચાર પણ મનમાં નહિ આવે.’—યશાયા ૬૫:૧૭.
જરા વિચાર કરો: ઈશ્વરે આપણને સુંદર ભવિષ્યની “આશા” આપી છે. તેમના રાજમાં આપણે સુખ-શાંતિથી રહી શકીએ એવી ગોઠવણ કરી છે. (યિર્મેયા ૨૯:૧૧) એ જાણીને જીવનથી હારી ન જવા હિંમત મળે છે. શરૂઆતના લેખમાં આપણે સેલીબેનની વાત કરી હતી. તે કહે છે: ‘આપણે પોતાને વારંવાર યાદ અપાવવાની જરૂર છે કે ઈશ્વરનું રાજ આવશે ત્યારે સુખ-શાંતિ લાવવા એ કેવાં પગલાં ભરશે. એનાથી દુઃખ ભૂલી જવા ને કપરા સંજોગો સહેવા મદદ મળે છે.’
ઈશ્વરનું રાજ આપણા માટે શું કરશે એ વિશે તમે પણ વધારે જાણો. પછી ગમે એવી આફતમાં પણ હિંમત ન હારવા તમને મદદ મળશે. ઈશ્વરનું વચન છે કે ભાવિમાં કોઈ આફત નહિ આવે અને જીવવાની મજા જ કંઈક અલગ હશે. પણ તમને થશે: એ તો ભાવિમાં થશે, આજે એ દુઃખમાંથી બહાર નીકળવા શું કરું? એમાંથી બહાર આવવા પણ બાઇબલમાં ઈશ્વરે સરસ માર્ગદર્શન આપ્યું છે. ચાલો અમુક દાખલા પર વિચાર કરીએ.