સવાલ-જવાબ
◼ મિટિંગમાં બધા સારી રીતે ધ્યાન આપી શકે એ માટે આપણે શું કરવું જોઈએ? (પુન. ૩૧:૧૨)
આપણી મિટિંગો યહોવાહ તરફથી એક ગોઠવણ છે. એ ગોઠવણની દિલથી કદર બતાવવા આપણે મિટિંગમાં વહેલા આવવું જોઈએ. બની શકે તો આપણે આગળ બેસવું જોઈએ, જેથી જે ભાઈ-બહેનો મોડા પડ્યા હોય તેઓ અથવા નાના બાળકોવાળા માબાપ પાછળ બેસી શકે. મિટિંગ શરૂ થાય એ પહેલા મોબાઇલ કે પેજર જેવા ઇલેક્ટ્રોનિક સાધનો એવી રીતે એડજેસ્ટ કરવા જોઈએ જેથી, બીજાઓને ખલેલ ન પહોંચે. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે યહોવાહની ભક્તિ કરવા માટે ભેગા થયા છીએ તો ઓછો અવાજ થાય તો સારું.—સભા. ૫:૧; ફિલિ. ૨:૪.
જ્યારે કોઈ પહેલી વાર મિટિંગમાં આવે ત્યારે જે ભાઈ-બહેન તેમને ઓળખતા હોય તેઓ તેમની સાથે બેસી શકે. તેઓને બાળકો હોય તો ખાસ મદદ કરવી જોઈએ, કેમ કે આવા કુટુંબો માટે મિટિંગમાં આવવું એ એક નવો અનુભવ હોય છે. તેઓને એવી જગ્યાએ બેસવા મદદ કરવી જોઈએ જેથી જરૂર પડે ત્યારે બાળકને લઈને તરત બહાર નીકળી જઈ શકે. આમ કરવાથી બીજાઓને ખલેલ ઓછી પડશે. (નીતિ. ૨૨:૬, ૧૫) જોકે માબાપે બાળકો સાથે બીજા કોઈ અલગ રૂમમાં બેસવું ન જોઈએ જ્યાં બાળકોને રમવાની કે અવાજ કરવાની છૂટ મળે. એને બદલે જ્યારે બાળકોને ખાસ જરૂર પડે ત્યારે જ બહાર લઈ જવા જોઈએ. જો શિસ્તની જરૂર પડે તો પણ બહાર લઈ જઈને શિસ્ત આપવી જોઈએ.
એટેન્ડન્ટની જવાબદારી છે કે તેઓ બીજાઓની દેખરેખ રાખે, જેથી મિટિંગમાં બધા જ સારી રીતે સાંભળી શકે. તેઓ ભાઈ-બહેનોને સીટ શોધવામાં મદદ કરે છે. જેઓ મોડા પડે તેમને પણ જગ્યા શોધવા મદદ કરે છે. એટેન્ડન્ટે સમજી-વિચારીને બધાને બેસવા જગ્યા આપવી જોઈએ, જેથી બીજાઓને દખલ ન થાય. ચાલુ સભામાં અચાનક કોઈ તકલીફ થાય ત્યારે તેઓએ સમજી-વિચારીને એને થાળે પાડવી જોઈએ. કોઈ બાળકના તોફાનથી બીજાઓને ખલેલ પહોંચે ત્યારે એટેન્ડન્ટ બાળકને શાંત પાડવા માબાપને મદદ કરી શકે.
આપણે યહોવાહ અને તેમના હેતુઓ વિષે શીખવા મિટિંગમાં આવીએ છીએ. યહોવાહની ભક્તિ કરવા ભેગા થઈએ છીએ. એટલે આપણી જવાબદારી છે કે મિટિંગમાં કોઈને ખલેલ ના થાય એનું ધ્યાન રાખીએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.