સવાલ-જવાબ
◼ જો આપણે ચાહતા હોઈએ કે ગુજરી ગયા પછી પોતાની થોડી કે બધી સંપત્તિ યહોવાના સંગઠનને મળે, તો એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
માણસ જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેની સંપત્તિ તેના કંઈ કામની રહેતી નથી. (સભા. ૯:૫, ૬) એટલે જ ઘણા લોકો પહેલેથી વસિયતનામું બનાવી દેતા હોય છે. તેઓ એમાં જણાવે છે કે પોતાની મિલકત કેવી રીતે વહેંચવામાં આવશે. (૨ રાજા. ૨૦:૧) સામાન્ય રીતે, એ વસિયતનામું એ પણ જણાવતું હોય છે કે કઈ વ્યક્તિ મિલકતનો ટ્રસ્ટી કે વહીવટ કરનાર હશે. ઘણા દેશોમાં, જો એવો કોઈ દસ્તાવેજ ન બનાવ્યો હોય, તો સરકારી અધિકારીઓ જાતે નક્કી કરશે કે મૃત્યુ પામેલી વ્યક્તિની સંપત્તિ કેવી રીતે વહેંચાશે. આપણી મિલકત માટે પોતાની કોઈ ખાસ ઇચ્છા હોઈ શકે. જેમ કે, આપણે ચાહતા હોઈએ કે પોતાની સંપત્તિનો થોડોક અથવા પૂરેપૂરો હિસ્સો યહોવાની સંસ્થાને મળે. તો એ માટે શું કરવું જોઈએ? આપણે પહેલેથી દસ્તાવેજ બનાવીએ અને કાળજીપૂર્વક ટ્રસ્ટી પસંદ કરીએ.
મિલકતના ટ્રસ્ટી કે વહીવટ કરનાર બનવું, એ ભારે જવાબદારી છે. સંપત્તિ કેટલી મોટી છે એ ધ્યાનમાં રાખીને, એને ભેગી કરવામાં અને વહેંચવામાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે, જે ખૂબ સમય માંગી લઈ શકે. વધુમાં, સરકારી નિયમો પણ હોય છે, જેનું પાલન કરવું જરૂરી બને છે. એવું નથી કે મંડળના બધા જ ભાઈ-બહેનો સારા ટ્રસ્ટી બની શકે. એટલે, આપણે જે કોઈ વ્યક્તિને ટ્રસ્ટી કે વહીવટ કરનાર તરીકે પસંદ કરીએ, એ જવાબદારી નિભાવી શકે એવા, ભરોસાપાત્ર અને આપણી ઇચ્છાઓ પ્રમાણે કરનારા હોવા જોઈએ.—વધુ માહિતી માટે ડિસેમ્બર ૮, ૧૯૯૮ના અવેક! મૅગેઝિનમાં આ લેખ જુઓ: “ધ વિઝડમ ઍન્ડ બૅનિફિટ્સ ઑફ ઍસ્ટેટ પ્લાનિંગ.”
તમને ટ્રસ્ટી કે વહીવટ કરનાર બનવા માટે પૂછવામાં આવે ત્યારે . . . જો કોઈ વ્યક્તિ ચાહે કે તેમના ગુજરી પછી, તેમની મિલકતનો વહીવટ તમે કરો, તો તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ જવાબદારી નિભાવવા માટે તમારે કેટલા સમય-શક્તિ આપવા પડશે, એનો વિચાર કરવો જોઈએ. તેમ જ, પ્રાર્થનાપૂર્વક નક્કી કરવું જોઈએ કે તમે એ જવાબદારી ઉપાડી શકશો કે કેમ. (લુક ૧૪:૨૮-૩૨) વ્યક્તિના મરણ પછી તમારે એ બધા હક્કદારોને જાણ કરવી પડશે, જેઓના નામ નોંધેલા છે. એમ કરવાનો તમને અધિકાર મળી જાય પછી, તમારી જવાબદારી છે કે તમે સરકારી નિયમો અને વસિયતમાં જણાવેલી ઇચ્છા પ્રમાણે જ સંપત્તિની વહેંચણી કરો. ભલે ગમે તેટલી સંપત્તિ કેમ ન હોય, ટ્રસ્ટી કે વહીવટ કરનારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે પોતાની મરજી પ્રમાણે ન કરે. જે કંઈ દાન યહોવાના સાક્ષીઓ દ્વારા વપરાતી કાયદેસરની સંસ્થાને કરવામાં આવ્યું હોય, એ યહોવાના સંગઠનને અર્પણ કરેલું દાન છે.—લુક ૧૬:૧૦; ૨૧:૧-૪.