ખુશખબર જણાવીએ—સંજોગો પારખીને
૧ પ્રેરિત પાઊલે ભાર મૂક્યો કે અલગ અલગ માન્યતા અને પાર્શ્વભૂમિકા ધરાવતા લોકોના સંજોગો પારખીને તેઓને ખુશખબર જણાવવી જોઈએ. આજે પણ અમુક લોકો પોતાને ધાર્મિક ગણે છે, જ્યારે કે બીજાઓ ધાર્મિક નથી અને તેઓને એમાં રસ પણ નથી. આપણે રાજ્યની ખુશખબર જણાવતા હોવાથી બની શકે તેમ, સેવાકાર્યમાં સંજોગો પારખીને ‘સર્વ’ લોકોને રસ પડે એવો સંદેશો જણાવવો જોઈએ.—૧ કોરીં. ૯:૧૯-૨૩.
૨ ઘરમાલિકને સમજીએ: પ્રચારકાર્યમાં સંજોગો પારખીને વાત કરવાનો અર્થ થાય કે ઘરમાલિકના રસ પ્રમાણે આપણી રજૂઆતમાં જરૂરી ફેરફાર કરીએ. એમ કરવા સારી તૈયારી કરવી જરૂરી છે. આપણી સંસ્થાનાં સાહિત્યથી જાણકાર હોઈશું તો, આપણે સહેલાઈથી અલગ અલગ વિષય પર વાત કરીને ખુશખબર જણાવી શકીશું. આપણે જ્યારે વૃદ્ધ, યુવાન, કુટુંબના વડીલ, ગૃહિણી, નોકરી કરતી મહિલાઓ અને બીજાઓ સાથે વાત કરીએ, ત્યારે તેઓના સંજોગો ધ્યાનમાં રાખીએ. અને એને લગતું સાહિત્ય આપીએ.
૩ ઘરમાલિકના ઘરની આજુબાજુ જોવા મળતી બાબતો ધ્યાનમાં લઈએ. એના પરથી કદાચ ખ્યાલ આવશે કે તેઓ માબાપ છે, કયો ધર્મ પાળે છે, ઘરની સારસંભાળ રાખવામાં રસ છે અને વગેરે. એ ધ્યાનમાં રાખીને વ્યક્તિને રસ પડે એવા વિષય પર વાત કરી શકીએ. તેને ખોટું ન લાગે એ રીતે સમજી વિચારીને યોગ્ય સવાલો પૂછીએ અને ધ્યાનથી સાંભળીએ. એનાથી તેની માન્યતા અને લાગણીઓ પારખી શકીશું. પછી તેને રસ પડે એવા વિષય પર આગળ વાત કરી શકીશું.
૪ રજૂઆતમાં ફેરફાર કરીએ: ઘરના આંગણામાં રમકડાં અથવા બાળકો જોવા મળે તો, તમે ઘરમાલિકને આમ કહી શકો: “બાળકોને કેવું માર્ગદર્શન આપવું જોઈએ એ વિશે માબાપ સાથે અમે વાત કરીએ છીએ. બાળકોને સ્કૂલમાં સારા સંસ્કાર મળતા ન હોવાથી ઘણાં માબાપ ચિંતા કરે છે. શું તમને પણ એવું લાગે છે?” પછી ઘરમાલિકને ધ્યાનથી સાંભળો. જો તેના જવાબ પરથી લાગે કે એ વિશે તેને રસ છે, તો આમ કહી શકો: “પવિત્ર શાસ્ત્ર બતાવે છે કે આપણને અને આપણાં બાળકોને સારાં માર્ગદર્શનની જરૂર છે. જુઓ અહીં નીતિવચનો ૧૪:૧૨ શું જણાવે છે.” એ વાંચ્યા પછી આમ કહી શકો: “હાલમાં મારા વાંચવામાં આવ્યું છે કે સારું માર્ગદર્શન મેળવવા બાઇબલની સલાહ જીવનમાં આપણને કઈ રીતે મદદ કરે છે.” પછી બાઇબલ શીખવે છે પુસ્તકનું પાન ૧૩૪ ખોલો અને યોગ્ય ફકરાની ચર્ચા કરો.
૫ આપણે સારી તૈયારી કરીશું અને પ્રચારમાં લોકોના સંજોગો પારખીને વાત કરીશું તો, પ્રેરિત પાઊલની જેમ આમ કહી શકીશું: “હરકોઈ રીતે કેટલાએકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.”—૧ કોરીં. ૯:૨૨; નીતિ. ૧૯:૮.