અનુભવો
◼ ઑસ્ટ્રેલિયા: જોન નામનો એક ભણેલો-ગણેલો માણસ નાનપણમાં ચર્ચમાં જતો, પણ પછી “ચુસ્ત નાસ્તિક” બન્યો. એક પાયોનિયરે તેને પુસ્તિકા આપી. પાયોનિયર ભાઈ જોનને રસ પડે એવું સાહિત્ય અને નવાં-નવાં મૅગેઝિનો આપતા રહ્યા. તેમ જ, સૃષ્ટિની રચના અને બાઇબલની ભવિષ્યવાણીઓ પર હોય એવા લેખો બતાવતા રહ્યા. એ વાંચ્યા પછી, જોને પોતાનું વર્ણન એવી વ્યક્તિ તરીકે કર્યું જે ‘ઈશ્વર વિશે અચોક્કસ’ હોય. પાયોનિયર ભાઈએ બાઇબલ શીખવે છે પુસ્તક બતાવ્યું. એમાંથી તેને પાન ૨૦ ઉપરનો ૮મો ફકરો અને પાન ૨૩-૨૪ ઉપરના ૧૩-૧૬ ફકરા બતાવ્યા. એમાં આપેલી કલમોની જોન પર એવી અસર પડી કે તેણે કહ્યું, “મને લાગે છે કે મારે બાઇબલને બીજી તક આપવાની જરૂર છે.”
◼ મૅક્સિકો: એક માણસે પ્રકાશકને કહ્યું કે પોતે માનતો નથી કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. પ્રકાશકે એનો પુરાવો બતાવવાની ઑફર કરી. બાઇબલમાંથી અમુક વાર ચર્ચા કર્યા પછી, તે જે શીખતો હતો એની તેના દિલ પર અસર થવા લાગી. ઈશ્વરનાં ધોરણો વિશે શીખવાથી તેના પર ખાસ અસર થઈ. તેણે પ્રકાશકને જણાવ્યું: “શરૂઆતમાં આપણે સાથે બાઇબલ વાંચતા, એની સલાહ મને બીજાં પુસ્તકોમાંથી આવતી સલાહ જેવી લાગી અને મને બહુ અસર ન થતી. પરંતુ, હવે જ્યારે આપણે એમાંથી વાંચીએ છીએ, ખાસ કરીને ઈશ્વરનાં ધોરણો વિશે વાંચીએ, ત્યારે મારા અંત:કરણ પર એની ઊંડી અસર પડે છે.”
◼ અમેરિકા: શહેરોમાં થતા ખાસ પ્રકારના પ્રચાર કામમાં એક પરિણીત યુગલ તાઇવાનની એક સ્ત્રીને મળ્યું. તે ઈશ્વરમાં માનતી હતી, પણ તેને લાગતું કે બાઇબલ તો પશ્ચિમના દેશોના લોકો માટે છે. તે આમ તો બધી રીતે સુખી હતી, પણ તેને જીવન ખાલી ખાલી લાગતું હતું. તેથી, જ્યાં ભાઈઓ સાહિત્ય લઈને ઊભા હતા ત્યાં તે આવી. તે આશા રાખતી હતી કે બાઇબલ તેને જીવનનો હેતુ જાણવા મદદ કરશે. તે યુગલે તેની સાથે બાઇબલ શીખવે છે પુસ્તક અને એક પુસ્તિકામાંથી અભ્યાસ શરૂ કર્યો. એમાંથી અમુક ભાગની ચર્ચા કર્યા પછી, સ્ત્રીએ નવાઈ પામીને જણાવ્યું કે તેને બીજાં બધાં ધાર્મિક પુસ્તકો કરતાં બાઇબલ અજોડ લાગે છે. બાઇબલની પૂરી થયેલી ભવિષ્યવાણીઓ વિશે ચર્ચા કર્યા પછી, તેણે કહ્યું: “આટલી સાચી હકીકતો જણાવતું બાઇબલ સિવાય બીજું કોઈ પુસ્તક હોય એવું મને લાગતું નથી!”
◼ જાપાન: ઘરમાલિકે પ્રકાશકને જણાવ્યું કે તે ઈશ્વરમાં માનતો નથી. તોપણ, પ્રકાશક તેની ટૂંકી મુલાકાત લેતા રહ્યા અને સજાગ બનો!માંથી “આનો રચનાર કોણ?” લેખો બતાવતા રહ્યા. ધીરે ધીરે તે માણસના વિચારો બદલાયા અને કહેવા લાગ્યો કે કદાચ ઈશ્વર હોય પણ ખરા. હવે તે માને છે કે ઈશ્વર છે અને પ્રકાશક તેની સાથે ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી અભ્યાસ કરે છે.
◼ કેનેડા: એક સ્ત્રી ઘરમાંથી નીકળીને કાર તરફ જતી હતી ત્યારે, આપણી બહેને તેને નવાં મૅગેઝિનો આપ્યાં. આપણાં બહેન પછીથી તેને મળવા ગયાં ત્યારે, તે સ્ત્રીએ ભાર દઈને કહ્યું કે તેને જરાય રસ નથી અને તે ઈશ્વરમાં માનતી પણ નથી. આપણાં બહેન હિંમત હાર્યા નહિ, પણ તેને માટે એક પુસ્તિકા લાવ્યાં. જ્યારે સ્ત્રી ઘરે મળી ત્યારે બહેને તેને જણાવ્યું કે પોતે જાણે છે કે તે ઈશ્વરમાં માનતી નથી. તોપણ, બહેન તેના વિશે વિચારતા હતા કેમ કે તેમને ખબર છે કે એ સ્ત્રી એકલા હાથે બાળક મોટું કરે છે. બહેને તે સ્ત્રીને પુસ્તિકામાંથી એક ભાગ બતાવ્યો, જે જણાવે છે કે મનુષ્યની સલાહ કઈ રીતે નિષ્ફળ ગઈ છે. એ સ્ત્રીએ રાજીખુશીથી પુસ્તિકા લઈ લીધી.