અસરકારક બાઇબલ અભ્યાસ ચલાવીએ
૧. બાઇબલ અભ્યાસ ચલાવનાર પાસે કઈ જવાબદારી છે?
૧ યહોવાના “ખેંચ્યા વિના” કોઈ તેમની ભક્તિ કરી શકતું નથી. (યોહા. ૬:૪૪) તેમ છતાં, બાઇબલ વિદ્યાર્થી યહોવા સાથે સારો સંબંધ બાંધી શકે માટે અભ્યાસ ચલાવનાર ભાઈ કે બહેને મહેનત કરવાની જરૂર છે. (યાકૂ. ૪:૮) એ માટે સારી તૈયારી કરવી જરૂરી છે. ફકરો વાંચીને છાપેલો સવાલ પૂછવો જ પૂરતું નથી. પણ, વિદ્યાર્થી બાઇબલ શિક્ષણ સારી રીતે સમજે અને સત્યમાં પ્રગતિ કરે એ મહત્ત્વનું છે.
૨. અસરકારક બાઇબલ અભ્યાસ ચલાવવાથી શું ફાયદો થશે?
૨ અસરકારક બાઇબલ અભ્યાસ ચલાવવા પ્રકાશકે વિદ્યાર્થીને આ ત્રણ બાબતોમાં મદદ કરવી જોઈએ: (૧) બાઇબલ શિક્ષણ સમજવું, (૨) એને સ્વીકારવું અને (૩) એને જીવનમાં લાગુ પાડવું. (યોહા. ૩:૧૬; ૧૭:૩; યાકૂ. ૨:૨૬) એ પ્રમાણે કરવા વ્યક્તિને કદાચ મહિનાઓ લાગી શકે. પણ, એ પ્રમાણે કરશે તો, તેને યહોવા સાથે સંબંધ બાંધવા અને યહોવાને સમર્પણ કરવા મદદ મળશે.
૩. સવાલો પૂછવા શા માટે જરૂરી છે?
૩ બાઇબલ વિદ્યાર્થી શું વિચારે છે? બાઇબલ વિદ્યાર્થી જે શીખે છે એને સારી રીતે સમજે અને સ્વીકારે છે કે નહિ એ જાણવા શું કરવું જોઈએ? વધારે પડતું બોલવાનું ટાળો અને તેને પોતાના વિચારો જણાવવા ઉત્તેજન આપો. (યાકૂ. ૧:૧૯) ચર્ચા કરી રહેલા વિષયને શું તે સારી રીતે સમજે છે? પોતાના શબ્દોમાં સમજાવી શકે છે? એ વિશે તેને કેવું લાગે છે? શું તેને લાગે છે કે બાઇબલનું શિક્ષણ વાજબી છે? (૧ થેસ્સા. ૨:૧૩) તેમ જ, જે શીખે છે એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ? (કોલો. ૩:૧૦) આ સવાલોના જવાબ મેળવવા માટે તેને સમજી વિચારીને સવાલો પૂછો અને ધ્યાનથી તેનું સાંભળો.—માથ. ૧૬:૧૩-૧૬.
૪. કોઈ વિષય સમજવા કે શીખેલી વાત લાગુ પાડવા બાઇબલ વિદ્યાર્થીને અઘરું લાગતું હોય તો, શું કરી શકીએ?
૪ ઘણી વખત આદતો અને વિચારવાની રીત વ્યક્તિના મનમાં એટલી ઘર કરી ગઈ હોય કે એને કાઢતા ઘણો સમય લાગી શકે. (૨ કોરીં. ૧૦:૫) જો વિદ્યાર્થી શીખેલી વાત ન સ્વીકારે અથવા એ પ્રમાણે ફેરફારો ન કરે, તો શું? બાઇબલ અને ઈશ્વરની પવિત્ર શક્તિ વિદ્યાર્થીના દિલને અસર કરે ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂર છે. (૧ કોરીં. ૩:૬, ૭; હિબ્રૂ ૪:૧૨) કોઈ વિષય સમજવા કે શીખેલી વાત લાગુ પાડવા વિદ્યાર્થીને અઘરું લાગતું હોય તો, તેને દબાણ કરવાને બદલે બીજા વિષય પર ચર્ચા કરીએ. ધીરજ અને પ્રેમથી બાઇબલમાંથી શીખવીશું તો, સમય જતાં જરૂરી ફેરફારો કરવા તે પ્રેરાશે.