વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ ઑક્ટોબર પાન ૧
  • ઑક્ટોબર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
  • મથાળાં
  • ઑક્ટોબર ૧-૭
  • ઑક્ટોબર ૮-૧૪
  • ઑક્ટોબર ૧૫-૨૧
  • ઑક્ટોબર ૨૨-૨૮
  • ઑક્ટોબર ૨૯–​નવેમ્બર ૪
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ ઑક્ટોબર પાન ૧

ઑક્ટોબર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

ઑક્ટોબર ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૯-૧૦

“ઈસુ પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે”

(યોહાન ૧૦:૧-૩) “હું તમને સાચે જ કહું છું કે ઘેટાંના વાડામાં જે કોઈ દરવાજામાંથી અંદર આવતો નથી, પણ બીજી કોઈ બાજુથી ચઢીને આવે છે, એ ચોર અને લુટારો છે. ૨ પણ, જે દરવાજામાંથી અંદર આવે છે એ ઘેટાંપાળક છે. ૩ દરવાન તેના માટે દરવાજો ખોલે છે અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે. તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરી જાય છે.

(યોહાન ૧૦:૧૧) હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનું જીવન આપી દે છે.

(યોહાન ૧૦:૧૪) હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને એવી રીતે ઓળખે છે.

nwtsty વીડિયો/ચિત્ર

ઘેટાંનો વાડો

ઘેટાંનો વાડો એવી રીતે બાંધવામાં આવતો જેથી ચોરો અને જંગલી જાનવરોથી ઘેટાંઓનું રક્ષણ થાય. રાતના સમયે ઘેટાંપાળકો પોતાના ઘેટાંના ટોળાને આવા વાડામાં પૂરી રાખતા, જેથી તેઓ સુરક્ષિત રહી શકે. બાઇબલ સમયમાં, છાપરા વગરના વાડાઓ બાંધવામાં આવતા હતા. મોટા ભાગે એ વાડાની દીવાલ પથ્થરથી બનાવવામાં આવતી. જરૂર પ્રમાણે નાના-મોટા વાડાઓ બનાવવામાં આવતા. તેમ જ, ફક્ત એક જ દરવાજો રાખવામાં આવતો. (ગણ ૩૨:૧૬; ૧શ ૨૪:૩; સફા ૨:૬) અહીંયા યોહાન એવા વાડાના દરવાજામાંથી અંદર આવવાની વાત કરે છે, જેની આગળ દરવાન ચોકી કરતો હોય. (યોહ ૧૦:૧, ૩) અમુક એવા સહિયારા વાડાઓ પણ બાંધવામાં આવતા, જ્યાં જુદા જુદા ઘેટાંપાળકો પોતાનાં ઘેટાંને રાતે રાખી શકે અને દરવાન એની ચોકીદારી કરતો. સવારે દરવાન એ વાડાનો દરવાજો ખોલી દેતો, જેથી ઘેટાંપાળકો પોતપોતાના ટોળાને લઈ જાય. ઘેટાંપાળકો પોતાનાં ઘેટાંને હાંક મારતા અને ઘેટાં પોતાના પાળકનો અવાજ ઓળખીને તેની પાસે દોડી જતા. (યોહ ૧૦:૩-૫) એ વાતનો દાખલો આપીને ઈસુએ વર્ણવ્યું કે તે પોતાના શિષ્યોની કેટલી સંભાળ રાખે છે.—યોહ ૧૦:૭-૧૪.

w૧૧ ૫/૧ ૧૦-૧૧ ¶૫

કુટુંબ તરીકે ઈશ્વરભક્તિમાં ‘જાગતા રહો’

ચાલો જોઈએ કે ઈસુના દાખલામાંથી કુટુંબના શિર શું શીખી શકે. ઈસુએ ઘેટાંપાળક અને ઘેટાંનો દાખલો આપ્યો હતો. ઘેટાંપાળક તેના ઘેટાંને સારી રીતે ઓળખે છે. એવી જ રીતે ઘેટાંઓ તેના પાળકને ઓળખે છે અને તેના પર ભરોસો મૂકે છે. પાળકનો અવાજ સાંભળીને તેની પાછળ પાછળ જાય છે. એટલે ઈસુએ કહ્યું, ‘હું મારા ઘેટાંને ઓળખું છું, અને તેઓ મને ઓળખે છે.’ ઈસુ મંડળને ખાલી ઉપર-છલ્લી રીતે જ ઓળખતા નથી. “ઓળખું” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘સારી રીતે જાણવું.’ ઉત્તમ ઘેટાંપાળક તેમના ઘેટાંને સારી રીતે ઓળખે છે. દરેકની જરૂરિયાતો, નબળાઈઓ અને આવડતો પારખે છે. ઘેટાં વિશે એવું કંઈ જ નથી જેની પાળકને ખબર નથી. ઘેટાંઓ પણ પાળકને સારી રીતે ઓળખે છે અને તેમની આગેવાનીમાં ભરોસો મૂકે છે.

(યોહાન ૧૦:૪, ૫) પોતાનાં બધાં ઘેટાંને બહાર લાવ્યાં પછી, તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ જાય છે, કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. કોઈ અજાણ્યા પાછળ તેઓ કદી જશે નહિ, પણ તેની પાસેથી દૂર નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી.”

cf-E ૧૨૪-૧૨૫ ¶૧૭

‘ઈસુ હંમેશાં ઉદાહરણો આપીને વાત કરતા’

ધ હિસ્ટોરિકલ જિઓગ્રાફી ઓફ હૉલી લૅન્ડ નામના પુસ્તકમાં લેખક જ્યોર્જ સ્મીથે પોતાનો અનુભવ જણાવતા લખ્યું: ‘અમુક વાર અમે બપોરે આરામ કરવા યહુદિયાના કોઈ એક કૂવા પાસે બેસતાં ત્યારે ક્યારેક ક્યારેક ત્રણથી ચાર ઘેટાંપાળકો પોતપોતાના ટોળાને ત્યાં દોરી લાવતાં. પછી, બધા ટોળાના ઘેટાંઓ ભેગા થઈ જતા. અમને થતું કે હવે પાળકો પોતાના ઘેટાં ઓળખીને કઈ રીતે જુદા પાડશે. પરંતુ, ઘેટાંઓ પાણી પી લે અને આમતેમ ઉછળકૂદ કરી લે પછી, બધા ઘેટાંપાળકો એક પછી એક, ખીણની જુદી જુદી દિશામાં જઈને અમુક ખાસ અવાજમાં પોકાર કરતાં. એ અવાજ સાંભળીને જે તે ઘેટાંપાળકના ઘેટાં ભીડમાંથી જુદા થઈને ટોળું બનાવી પોતાના પાળક પાસે આવીને ઊભા રહેતા. પછી જે રીતે બધાં ટોળાંઓ વ્યવસ્થિત આવ્યા હતાં એ જ રીતે પાછા વળી જતાં.’ સાચે જ, એ કેટલું યોગ્ય કહેવાય કે ઈસુએ પોતાનો મુદ્દો સમજાવવા એવું જ ઉદાહરણ આપ્યું હતું. તે કહેવા માગતા હતા કે જો આપણે તેમને સારી રીતે ઓળખીને તેમનું કહ્યું માનીએ અને તેમની દોરવણી પ્રમાણે ચાલીએ તો આપણે એ “ઉત્તમ ઘેટાંપાળક”ની પ્રેમાળ સંભાળનો અનુભવ કરી શકીશું.

(યોહાન ૧૦:૧૬) “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી. તેઓને પણ મારે લઈ આવવાનાં છે, તેઓ મારો અવાજ સાંભળશે અને તેઓ એક ટોળું બનશે, તેઓનો એક ઘેટાંપાળક હશે.

nwtsty યોહ ૧૦:૧૬ અભ્યાસ માહિતી

લઈ આવવાનાં છે: અથવા “દોરી લાવવાના છે.” ગ્રીક શબ્દ ઍગોના સંદર્ભ પ્રમાણે આવો અર્થ થઈ શકે, “અંદર લાવવું” અથવા “દોરી લાવવું”. આશરે સાલ ૨૦૦માં લખાયેલી એક ગ્રીક હસ્તપ્રતમાં એ જ શબ્દને લગતો બીજો ગ્રીક શબ્દ સિનૅગો વપરાયો છે, જેનું મોટા ભાગે આવું ભાષાંતર થયું છે: “ભેગું કરવું.” એક ઉત્તમ ઘેટાંપાળક તરીકે ઈસુ પોતાના ઘેટાંને ભેગા કરે છે, તેઓને દોરે છે, રક્ષણ કરે છે અને પોષણ કરે છે. એમાં આ વાડાના ઘેટાં (જેને લુક ૧૨:૩૨માં “નાની ટોળી” કહે છે) તેમજ “બીજાં ઘેટાં” આવી જાય છે. આમ તેઓ બધાં એક ઘેટાંપાળકનું એક ટોળું બને છે. એ શબ્દો ભાર મૂકે છે કે ઈસુના અનુયાયીઓમાં કેવી અજોડ એકતા હશે.

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૯:૩૮) તેણે કહ્યું: “પ્રભુ, હું તેમનામાં શ્રદ્ધા મૂકું છું.” અને તે તેમની આગળ ઘૂંટણે પડ્યો.

nwtsty યોહ ૯:૩૮ અભ્યાસ માહિતી

તેમની આગળ ઘૂંટણે પડ્યો: અથવા “તેમની આગળ નમન કર્યું; તેમની સામે ઘૂંટણે પડ્યો; તેમને સલામ કરી માન આપ્યું.” અહીં વપરાયેલો ગ્રીક શબ્દ પ્રોસ્કીનીઓનો અનુવાદ સંદર્ભ પ્રમાણે કરી શકાય. જ્યારે ઈશ્વરની કે કોઈ દેવી-દેવતાની ભક્તિને દર્શાવે ત્યારે, એનો અનુવાદ “ભક્તિ કરવી” થાય છે. (માથ ૪:૧૦; લુક ૪:૮) પરંતુ અહીં, સંદર્ભને ધ્યાનમાં રાખતા સમજી શકાય કે, જન્મથી આંધળી વ્યક્તિને ઈસુ સાજી કરે છે, ત્યારે તે ઈસુને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે જુએ છે અને તેમની આગળ ઘૂંટણે પડે છે. તે ઈસુને ઈશ્વર કે કોઈ દેવતા નહિ, પણ ભવિષ્યવાણી મુજબ ‘માણસના દીકરા’ તરીકે અને ઈશ્વરે જેને અધિકાર આપ્યો હોય એવા મસીહ તરીકે જુએ છે. (યોહ ૯:૩૫) હિબ્રૂ શાસ્ત્રવચનોમાં પણ એવા અહેવાલો છે, જેમાં અમુક વ્યક્તિઓ આ અર્થમાં ઘૂંટણે પડી હતી. એ વ્યક્તિઓએ પ્રબોધકો, રાજાઓ અને ઈશ્વર તરફથી મોકલાયેલા બીજા પ્રતિનિધિઓને માન બતાવવા નમન કર્યું હતું. (૧શ ૨૫:૨૩, ૨૪; ૨શ ૧૪:૪-૭; ૧રા ૧:૧૬; ૨રા ૪:૩૬, ૩૭) કેટલાક કિસ્સાઓમાં તો, કોઈ વાતનો ઈસુએ ઈશ્વરપ્રેરણાથી ખુલાસો આપ્યો હોવાથી, લોકો આભાર માનવા તેમની આગળ ઘૂંટણે પડ્યા હતા. અથવા, તેમના પર ઈશ્વરની કૃપા હોવાથી લોકો માન બતાવવા પણ ઘૂંટણે પડ્યા હતા.—nwtsty માથ ૨:૨; ૮:૨; ૧૪:૩૩; ૧૫:૨૫ અભ્યાસ માહિતી.

(યોહાન ૧૦:૨૨) એ સમયે યરૂશાલેમમાં મંદિરના સમર્પણનો તહેવાર હતો. એ શિયાળાનો સમય હતો.

nwtsty યોહ ૧૦:૨૨ અભ્યાસ માહિતી

મંદિરના સમર્પણનો તહેવાર: આ તહેવારનું હિબ્રૂ નામ હનુક્કાહ છે, જેનો અર્થ થાય: “ઉદ્‍ઘાટન; સમર્પણ.” એ તહેવાર આઠ દિવસ સુધી ઊજવાતો. ડિસેમ્બર મહિનાના ૨૫મા દિવસે એ શરૂ થતો અને ડિસેમ્બરના અંત ભાગમાં પૂરો થતો. યરુશાલેમના મંદિરનું ઈસવીસન પૂર્વે ૧૬૫માં ફરીથી સમર્પણ થયું હતું એને યાદ કરવા આ તહેવાર ઊજવાતો. એ પહેલાં આવું બન્યું હતું: સિરિયાના રાજા અંત્યોખસ ચોથા એપીફેન્સે યહુદીઓના ઈશ્વર યહોવાનો તિરસ્કાર કરવા તેમના મંદિરમાં અપવિત્ર બાબતો કરી હતી. દાખલા તરીકે, મંદિરમાં જે મહાન વેદી પર રોજ અગ્‍નિ-અર્પણ ચઢાવવામાં આવતા, તેના પર તેણે બીજી વેદી બાંધી. ઈસવીસન પૂર્વે ૧૬૮માં કિસ્લેવ મહિનાની ૨૫મી તારીખે, અંત્યોખસે યહોવાના આખા મંદિરને અપવિત્ર કરવા વેદી પર ભૂંડનું બલિદાન ચઢાવ્યું. ભૂંડનું માંસ તેમજ હાડકાંને ઉકાળીને એ પાણી આખા મંદિરમાં છાંટ્યું. તેણે મંદિરના દરવાજા બાળી નાખ્યા, યાજકોની ઓરડીઓને તોડી પાડી. તેણે રોટલી મૂકવાની મેજ તેમજ સોનાની વેદી અને દીવી લૂંટી લીધી. ત્યાર પછી, ઓલિમ્પસના જૂઠા દેવ ઝૂસને એ મંદિર સમર્પિત કર્યું. એના બે વર્ષો પછી, જ્યુડાસ મક્કાબીઅસે શહેર અને એ મંદિર પાછું કબજે કરી લીધું. અંત્યોખસે ઝૂસ દેવને ચઢાવેલ ઘૃણાસ્પદ બલિદાનના બરાબર ત્રણ વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે ૧૬૫ના કિસ્લેવ મહિનાની ૨૫મીએ મંદિરનું શુદ્ધિકરણ કરીને એને ફરી યહોવાને સમર્પણ કરવામાં આવ્યું. વેદી પર દરરોજ યહોવાને અગ્‍નિ-અર્પણ ચઢાવવાનો રિવાજ ફરી શરૂ થયો. જ્યુડાસ મક્કાબીઅસને યહોવાએ જીત અપાવી હોય અથવા મંદિરને ફરીથી સ્થાપવા માટે તેને પ્રેર્યો હોય, એવું શાસ્ત્રમાં ક્યાંય જણાવ્યું નથી. જોકે, યહોવાએ પોતાની ભક્તિને લગતા અમુક કામો પાર પાડવા કેટલીક વાર બીજાં દેશોની વ્યક્તિઓનો ઉપયોગ કર્યો હતો. જેમ કે, ઈરાનનો રાજા કોરેશ. (યશા ૪૫:૧) તો પછી, પોતાના હેતુને પૂરો કરવા યહોવાએ પોતાના લોકોમાંથી જ્યુડાસ મક્કાબીઅસ જેવા કોઈને પસંદ કર્યો હશે એમ માનવું વાજબી છે. શાસ્ત્રવચનો જણાવે છે કે મસીહ વિશેની, તેમના સેવાકાર્ય અને બલિદાનને લગતી ભવિષ્યવાણીઓ પૂરી થાય એ માટે યહોવાનું મંદિર તેમની ભક્તિમાં વપરાતું હોય એ જરૂરી હતું. બીજું કે, આખી માણસજાત માટે મસીહ પોતાનું જીવન બલિદાન કરી દે ત્યાં સુધી, લેવીઓ દ્વારા ચઢાવવામાં આવતાં બલિદાનોની ગોઠવણ ચાલુ રાખવાની હતી. (દા ૯:૨૭; યોહ ૨:૧૭; હિબ્રૂ ૯:૧૧-૧૪) ખ્રિસ્તના અનુયાયીઓને સમર્પણનો આ તહેવાર ઊજવવાની કોઈ આજ્ઞા આપવામાં આવી ન હતી. (કોલો ૨:૧૬, ૧૭) જોકે, એવો કોઈ ઉલ્લેખ પણ નથી કે ઈસુએ અથવા તેમના શિષ્યોએ આ તહેવાર ઊજવવાની પ્રથાને ખોટી ઠરાવી હોય.

બાઇબલ વાંચન

(યોહાન ૯:૧-૧૭) ઈસુએ રસ્તે ચાલતાં ચાલતાં એક માણસને જોયો, જે જન્મથી આંધળો હતો. ૨ તેમના શિષ્યોએ તેમને પૂછ્યું: “ગુરુજી, કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?” ૩ ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી, પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે. ૪ જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ; રાત આવશે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ. ૫ હું દુનિયામાં છું ત્યાં સુધી, હું દુનિયાનો પ્રકાશ છું.” ૬ એ વાતો કહી રહ્યા પછી, તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો; અને તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો. ૭ તેમણે તેને કહ્યું: “જા, શિલોઆહ કુંડમાં ધોઈ નાખ” (શિલોઆહનું ભાષાંતર થાય, “મોકલાયેલો”). ત્યારે તે ગયો અને આંખો ધોઈ અને દેખતો થઈને પાછો આવ્યો. ૮ પછી, તેના પડોશીઓ અને જેઓએ અગાઉ તેને ભીખ માંગતા જોયો હતો, તેઓ કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?” ૯ અમુક કહેતા હતા: “આ એ જ છે.” બીજાઓ કહેતા હતા: “ના, એ તો તેના જેવો દેખાય છે.” તે માણસ કહેતો હતો: “હું એ જ છું.” ૧૦ એટલે, તેઓએ તેને પૂછ્યું: “તો પછી, તું કેવી રીતે દેખતો થયો?” ૧૧ તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો અને મારી આંખો પર લગાડ્યો અને મને કહ્યું, ‘શિલોઆહ જા અને ધોઈ નાખ.’ એટલે, હું ગયો અને આંખો ધોઈ નાખી અને હું દેખતો થયો.” ૧૨ એ સાંભળીને તેઓએ તેને પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.” ૧૩ જે માણસ અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓ પાસે લઈ ગયા. ૧૪ હવે, જે દિવસે ઈસુએ લેપ બનાવીને તે માણસને દેખતો કર્યો હતો, એ સાબ્બાથનો દિવસ હતો. ૧૫ તેથી, આ વખતે ફરોશીઓ પણ એ માણસને પૂછવા લાગ્યા કે તે કઈ રીતે દેખતો થયો. તેણે તેઓને જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો અને મેં આંખો ધોઈ અને હવે હું જોઈ શકું છું.” ૧૬ પછી, અમુક ફરોશીઓ કહેવા લાગ્યા: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.” બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?” આમ, તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી. ૧૭ ફરીથી તેઓએ એ આંધળા માણસને પૂછ્યું: “તેણે તને દેખતો કર્યો હતો, તો પછી તેના વિશે તારું શું કહેવું છે?” તે માણસે કહ્યું: “તે પ્રબોધક છે!”

ઑક્ટોબર ૮-૧૪

કીમતી રત્નો શોધીએ | યોહાન ૧૧-૧૨

“ઈસુની જેમ કરુણા બતાવીએ”

(યોહાન ૧૧:૨૩-૨૬) ઈસુએ તેને કહ્યું: “તારો ભાઈ ઊઠશે.” ૨૪ માર્થાએ તેમને કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તે ઊઠશે.” ૨૫ ઈસુએ તેને કહ્યું: “હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છું. જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે ગુજરી જાય તોપણ સજીવન થશે; ૨૬ અને મારામાં શ્રદ્ધા મૂકનારી કોઈ પણ જીવંત વ્યક્તિ કદી મરશે નહિ. શું તને આ વાત પર ભરોસો છે?”

nwtsty યોહ ૧૧:૨૪, ૨૫ અભ્યાસ માહિતી

હું જાણું છું કે તે ઊઠશે: માર્થાને લાગ્યું કે ઈસુ અહીંયા ભાવિમાં છેલ્લા દિવસની વાત કરી રહ્યા છે, જ્યારે મરણ થયેલા લોકોને સજીવન કરવામાં આવશે. (યોહ ૬:૩૯ અભ્યાસ માહિતી જુઓ.) માર્થાને એ વચનમાં ખૂબ ભરોસો હતો. સજીવન થવા વિશેનું શિક્ષણ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલ શાસ્ત્રવચનોમાં છે. તેમ છતાં, માર્થાના સમયમાં સાદુકી તરીકે ઓળખાતા ધર્મગુરુઓ એવું માનતા ન હતા કે મરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે. (દા ૧૨:૧૩; માર્ક ૧૨:૧૮) જ્યારે કે ફરોશીઓ એવું માનતા હતા કે મનુષ્યમાં આત્મા જેવું કંઈક છે જે વ્યક્તિ મરી જાય પછી શરીરમાંથી નીકળીને જીવતો રહે છે. સજીવન થવાની આશા વિશે ખુદ ઈસુએ પણ શીખવ્યું હતું. અરે, તેમણે મરી ગયેલા અમુકને જીવતા પણ કર્યા હતા. માર્થાને એની ખબર હતી. જોકે, એ કિસ્સાઓમાં વ્યક્તિના ગુજરી ગયાને લાજરસની જેમ લાંબો સમય વીતી ગયો ન હતો.

હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છું: ઈસુનું મરણ થયું અને તેમને જીવતા કરવામાં આવ્યા, એનાથી ગુજરી ગયેલા લોકો માટે જીવતા થવાનો માર્ગ ખુલી ગયો. ઈસુને જીવતા કર્યા એ પછી યહોવાએ તેમને શક્તિ આપી જેનાથી તે ગુજરી ગયેલાઓને જીવતા તો કરી જ શકે, ઉપરાંત તેઓને હંમેશ માટેનું જીવન પણ આપી શકે. (યોહ ૫:૨૬ અભ્યાસ માહિતી જુઓ) પ્રક ૧:૧૮માં ઈસુ પોતાને “જીવંત” વ્યક્તિ તરીકે ઓળખાવે છે, જેમની પાસે “મરણ અને કબરની ચાવીઓ છે.” આમ, જીવતાઓ અને ગુજરી ગયેલાઓ માટે ઈસુ આશાનું કિરણ છે. તેમણે વચન આપ્યું છે કે તે કબરો ખોલી દેશે અને ગુજરી ગયેલાઓને જીવતા કરશે. તેઓમાંથી અમુકને સ્વર્ગમાં જીવતા કરશે, જેથી તેમની સાથે ત્યાંથી પૃથ્વી પર રાજ કરી શકે. જ્યારે કે, બીજાઓને સુંદર નવી પૃથ્વી પર જીવતા કરશે.—યોહ ૫:૨૮, ૨૯; ૨પી ૩:૧૩

(યોહાન ૧૧:૩૩-૩૫) જ્યારે ઈસુએ તેને રડતી જોઈ અને તેની સાથે આવેલા યહુદીઓને રડતા જોયા, ત્યારે તેમણે મનમાં ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા. ૩૪ તેમણે પૂછ્યું: “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓએ તેમને કહ્યું: “પ્રભુ, આવો અને જુઓ.” ૩૫ ઈસુ રડી પડ્યા.

nwtsty યોહ ૧૧:૩૩-૩૫ અભ્યાસ માહિતી

રડવું: અથવા “આંસુ સારવા.” “રડવું” માટે મૂળ ગ્રીક શબ્દ દર્શાવે છે કે જોરજોરથી પોક મૂકીને રડવું. યરુશાલેમનો વિનાશ થશે એવી ભવિષ્યવાણી કરતી વખતે ઈસુ રડી પડ્યા હતા. મૂળ ગ્રીકમાં ત્યાં આ જ શબ્દ વપરાયો છે.—લુક ૧૯:૪૧.

ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા: મૂળ ગ્રીક ભાષામાં આ ક્રિયાપદો ઈસુની ઊંડી લાગણીને દર્શાવે છે. “નિસાસો નાખ્યો” માટે વપરાયેલું ગ્રીક ક્રિયાપદ (એમબ્રીમાઓમાઈ) ખૂબ લાગણીશીલ થવાને બતાવે છે. પરંતુ, અહીં એ દર્શાવે છે કે ઈસુ એટલા બધા દુઃખી થયા કે તેમણે ઊંડો નિસાસો નાખ્યો. “બહુ દુઃખી થયા” માટે વપરાયેલા ગ્રીક શબ્દ ટેરાસ્સોનો મૂળ અર્થ થાય ઉશ્કેરાઈ જવું. આ વિશે એક વિદ્વાનનું કહેવું છે, કે આ સંદર્ભમાં એ શબ્દનો અર્થ થાય, “મનમાં ખળભળાટ થવી; આકરી પીડા અથવા દુઃખ થવું.” યહુદા દગો દેવાનો છે, એ વિશે જાણ્યા પછી ઈસુને જે લાગણી થઈ એને દર્શાવવા માટે યોહ ૧૩:૨૧માં એ જ ક્રિયાપદ વાપરવામાં આવ્યું છે.—યોહ ૧૧:૩૫ પરની અભ્યાસ માહિતી જુઓ.

તેમણે મનમાં: મૂળ, “નેફમા.” દેખીતું છે કે એ ગ્રીક શબ્દ અહીં દર્શાવે છે કે વ્યક્તિને અમુક રીતે કંઈક કહેવા કે કરવા જણાવતી શક્તિ, જે તેના સાંકેતિક દિલમાંથી નીકળે છે.—શબ્દસૂચિમાં “નેફમા” જુઓ.

રડી પડ્યા: અહીં ગ્રીક શબ્દ ડાક્રીઓનું જે રૂપ વપરાયું છે, એ આ કલમોમાં “આંસુઓ” તરીકે જોવા મળે છે: લુક ૭:૩૮; પ્રેકા ૨૦:૧૯, ૩૧; હિબ્રૂ ૫:૭; પ્રક ૭:૧૭; ૨૧:૪. અહીં મોટેથી રડવા પર નહિ પણ આંસુ સારવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ફક્ત આ જ જગ્યાએ આ ગ્રીક ક્રિયાપદ વપરાયું છે. યોહ ૧૧:૩૩માં (અભ્યાસ માહિતી જુઓ) મરિયમ અને યહુદીઓએ કરેલા વિલાપને બતાવવા જે શબ્દ વપરાયો છે એના કરતાં આ શબ્દ જુદો છે. ઈસુ તો જાણતા હતા કે પોતે લાજરસને સજીવન કરવાના છે. તેમ છતાં, પોતાના વહાલા મિત્રોને દુઃખમાં ડૂબેલા જોઈ ઈસુને ખૂબ જ દુઃખ થયું. મિત્રો માટે પ્રેમ અને કરુણા હોવાથી તે જાહેરમાં લોકો સામે આંસુ સારતા અચકાયા નહિ. આદમે કરેલા પાપને કારણે બધા પર મરણ આવ્યું છે. આપણે આપણા સ્નેહીજનોને મરણમાં ગુમાવીએ છીએ ત્યારે, દુઃખમાં ડૂબી જઈએ છીએ. પણ આ અહેવાલ બતાવે છે કે ઈસુ આપણી એ લાગણી સારી રીતે સમજી શકે છે.

(યોહાન ૧૧:૪૩, ૪૪) એમ કહ્યા પછી, તે મોટેથી પોકારી ઊઠ્યા: “લાજરસ, બહાર આવ!” ૪૪ જે માણસ મરેલો હતો, તે બહાર આવ્યો; તેના હાથ-પગ પર કપડાં વીંટાળેલા હતા અને તેના ચહેરા પર કપડું વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું: “તેના બંધન છોડી નાખો અને તેને જવા દો.”

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૧૧:૪૯) પરંતુ, તેઓમાં કાયાફાસ નામે એક માણસ હતો, જે એ વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું: “તમને કંઈ જ ખબર પડતી નથી.

nwtsty યોહ ૧૧:૪૯ અભ્યાસ માહિતી

પ્રમુખ યાજક: ઇઝરાયેલ રાષ્ટ્ર ગુલામીમાં ન હતું ત્યારે પ્રમુખ યાજક જીવતો હોય ત્યાં સુધી તે યાજકપદ પર સેવા આપતો. (ગણ ૩૫:૨૫) પરંતુ, રોમન સત્તાની હેઠળ આવ્યા પછી, ઇઝરાયેલમાં પ્રમુખ યાજક નીમવાનો અથવા તેને એ પદ પરથી કાઢી નાખવાનો અધિકાર રોમન શાસકોએ લઈ લીધો. (શબ્દસૂચિમાં “પ્રમુખ યાજક” જુઓ.) રોમન શાસકો દ્વારા નીમવામાં આવેલ કાયાફાસ બહુ ચાલાક હતો. તે પોતાની પહેલાં થઈ ગયેલા યાજકો કરતાં વધુ લાંબા સમય સુધી પદવી પર રહ્યો. તેને આશરે સાલ ૧૮માં નીમવામાં આવ્યો અને સાલ ૩૬ સુધી એ પદ પર હતો. આમ, સાલ ૩૩માં યાજક તરીકે તે સેવા આપતો હતો. અહીં, દેખીતી રીતે યોહાન કહેવા માગતા હતા કે, કાયાફાસ પ્રમુખ યાજક તરીકે સેવા બજાવતો હતો એ દરમિયાન ઈસુને મારી નાખવામાં આવ્યા હતા.—કાયાફાસના શક્ય રહેઠાણ વિશે જાણવા sgd ૧૬ જુઓ.

(યોહાન ૧૨:૪૨) તેમ છતાં, અધિકારીઓમાંથી ઘણાએ ઈસુ પર શ્રદ્ધા મૂકી. પણ, ફરોશીઓને કારણે તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે.

nwtsty યોહ ૧૨:૪૨ અભ્યાસ માહિતી

અધિકારીઓ: અહીં “અધિકારીઓ” માટેનો ગ્રીક શબ્દ દેખીતી રીતે યહુદી ઉચ્ચ અદાલત સાન્હેડ્રીનના સભ્યોને દર્શાવે છે. એ અદાલતના એક સભ્ય નીકોદેમસ વિશે યોહ ૩:૧માં એ જ શબ્દ વપરાયો છે.—યોહ ૩:૧ પરની અભ્યાસ માહિતી જુઓ.

સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવવું: અથવા “ધાર્મિક કે સામાજિક બહિષ્કાર; સભાસ્થાનમાં આવવા કે કોઈ પણ રીતે સામેલ થવા પર રોક.” આ માટેનો ગ્રીક શબ્દ એપોસાયનેગોગોસ ફક્ત યોહ ૧૨:૪૨ અને ૧૬:૨માં જોવા મળે છે. યહુદીઓમાં બહિષ્કૃત વ્યક્તિની ઘૃણા કરવામાં આવતી. તેમ જ સામાજિક રીતે નાતબહાર ગણી લોકો તેની સાથે કોઈ જાતનો વાતચીત વ્યવહાર ન રાખતા. પરિણામે, એવી વ્યક્તિના કુટુંબને સખત આર્થિક તંગીનો પણ સામનો કરવો પડતો. સભાસ્થાનો આમ તો શિક્ષણ આપવા માટેનાં સ્થળ હતાં. પરંતુ, અમુક હદે ત્યાં સ્થાનિક અદાલતોની કાર્યવાહી પણ ચાલતી. એ અદાલતો પાસે આરોપીને બહિષ્કૃત કરવાની અને ચાબુક મારવાની સજા ફટકારવાની સત્તા હતી.—માથ ૧૦:૧૭ અભ્યાસ માહિતી જુઓ.

બાઇબલ વાંચન

(યોહાન ૧૨:૩૫-૫૦) તેથી, ઈસુએ તેઓને કહ્યું: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે હશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય; જે કોઈ અંધકારમાં ચાલે છે, તે જાણતો નથી કે તે ક્યાં જાય છે. ૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.” ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા. ૩૭ તેમણે તેઓની આગળ આટલા બધા ચમત્કારો કર્યા હતા, તેમ છતાં તેઓ તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા. ૩૮ એ માટે કે પ્રબોધક યશાયાના આ શબ્દો પૂરા થાય: “હે યહોવા, અમારી પાસેથી સાંભળેલી વાતો પર કોણે શ્રદ્ધા મૂકી છે? અને યહોવાના હાથની તાકાત કોની આગળ જાહેર કરવામાં આવી છે?” ૩૯ યશાયા આગળ જણાવે છે કે તેઓએ કેમ શ્રદ્ધા મૂકી નહિ: ૪૦ “તેમણે તેઓની આંખો આંધળી કરી દીધી છે અને તેઓના હૃદય કઠણ કરી દીધા છે, જેથી એવું ન થાય કે તેઓ પોતાની આંખોથી જુએ, હૃદયથી સમજે અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.” ૪૧ યશાયાએ આમ કહ્યું, કારણ કે તેમણે ખ્રિસ્તનો મહિમા જોયો હતો અને તેમણે તેમના વિશે જણાવ્યું હતું. ૪૨ તેમ છતાં, અધિકારીઓમાંથી ઘણાએ ઈસુ પર શ્રદ્ધા મૂકી. પણ, ફરોશીઓને કારણે તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે; ૪૩ કેમ કે તેઓને ઈશ્વર તરફથી મળતા માન કરતાં માણસ તરફથી મળતું માન વધારે વહાલું હતું. ૪૪ જોકે, ઈસુએ પોકારીને કહ્યું: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે; ૪૫ અને જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે. ૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું, જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે અંધકારમાં ન રહે. ૪૭ પરંતુ, જો કોઈ મારી વાતો સાંભળે છે પણ એ પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ દુનિયાનો ઉદ્ધાર કરવા આવ્યો છું. ૪૮ જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. મેં કહેલી વાતો છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે. ૪૯ કેમ કે હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું. ૫૦ હું જાણું છું કે તેમની આજ્ઞા હંમેશ માટેનું જીવન છે. એટલે, હું જે કંઈ બોલું છું, એ પિતાએ જણાવ્યું છે એ જ રીતે બોલું છું.”

ઑક્ટોબર ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૩-૧૪

“મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”

(યોહાન ૧૩:૫) એ પછી તેમણે વાસણમાં પાણી લીધું અને શિષ્યોના પગ ધોયા અને પોતાની કમરે બાંધેલા રૂમાલથી પગ લૂછવા લાગ્યા.

nwtsty યોહ ૧૩:૫ અભ્યાસ માહિતી

શિષ્યોના પગ ધોયા: પ્રાચીન ઇઝરાયેલમાં સામાન્ય રીતે, લોકો પટ્ટીવાળા જોડા (સેન્ડલ) પહેરતા. એ જોડાના તળિયા પર પગ મૂકી એને પગ અને એડી સાથે પટ્ટીઓથી બાંધવામાં આવતા. આમ, પગ મોટા ભાગે ખુલ્લા રહેવાથી ધૂળ-કાદવવાળા રસ્તાઓ અને ખેતરોને લીધે ગંદા થઈ જતા. તેથી, કોઈના ઘરમાં અંદર જતાં પહેલાં જોડાં બહાર ઉતારવાનો રિવાજ હતો. તેમ જ, સારા યજમાન ધ્યાન રાખતા કે મહેમાનના પગ ધોવામાં આવે. બાઇબલમાં ઘણા અહેવાલોમાં આ રિવાજ જોવા મળે છે. (ઉત ૧૮:૪, ૫; ૨૪:૩૨; ૧શ ૨૫:૪૧; લુક ૭:૩૭, ૩૮, ૪૪) ઈસુએ આ રિવાજ પ્રમાણે શિષ્યોના પગ ધોઈને તેઓને નમ્રતા અને એકબીજાની સેવા કરવાનો બોધપાઠ શીખવ્યો.

(યોહાન ૧૩:૧૨-૧૪) હવે, જ્યારે તેમણે શિષ્યોના પગ ધોઈ લીધા અને પોતાનો ઝભ્ભો પહેરી લીધો, ત્યારે તે ફરીથી મેજને અઢેલીને બેસી ગયા અને તેઓને કહ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? ૧૩ તમે મને ‘ગુરુજી’ અને ‘પ્રભુ’ કહીને બોલાવો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. ૧૪ એ માટે, જો મેં પ્રભુ અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.

nwtsty યોહ ૧૩:૧૨-૧૪ અભ્યાસ માહિતી

જોઈએ: અથવા “ફરજ છે.” અહીં “જોઈએ” માટે વપરાયેલ ગ્રીક ક્રિયાપદ મોટા ભાગે, પૈસાટકાને લગતી બાબતે વપરાતો હોય છે, જે “કોઈકનું દેવું હોવું; કોઈકને કંઈક ચૂકવવાની ફરજ હોવી” એમ દર્શાવે છે. (માથ ૧૮:૨૮, ૩૦, ૩૪; લુક ૧૬:૫, ૭) અહીં અને બીજા અમુક સંદર્ભોને ધ્યાનમાં રાખતા, એ શબ્દને ફરજ હોવી અથવા ૠણી હોવુંના અર્થમાં લઈ શકાય.—૧યો ૩:૧૬; ૪:૧૧; ૩યો ૮.

(યોહાન ૧૩:૧૫) મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો.

w૯૯ ૩/૧ ૩૧ ¶ ૧

સૌથી મહાન માણસ નમ્ર સેવા કરે છે

પોતાના શિષ્યોના પગ ધોઈને, ઈસુએ નમ્રતાનો શક્તિશાળી બોધપાઠ પૂરો પાડ્યો. વાસ્તવમાં, ખ્રિસ્તીઓએ એવું વિચારવું ન જોઈએ કે તેઓ ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ છે માટે હંમેશા બીજાઓએ તેઓની સેવા કરવી જોઈએ, કે માન અને મોભાના સ્થાન માટેની ઇચ્છા રાખવી જોઈએ. એને બદલે, તેઓએ ઈસુએ બેસાડેલી ઢબને અનુસરવું જોઈએ, જે “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને” આવ્યા હતા. (માથ્થી ૨૦:૨૮) હા, ઈસુના અનુયાયીઓએ એકબીજા માટે નમ્ર સેવાઓ કરવાની ઇચ્છા રાખવી જોઈએ.

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૧૪:૬) ઈસુએ તેને કહ્યું: “માર્ગ અને સત્ય અને જીવન હું છું. મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.

nwtsty યોહ ૧૪:૬ અભ્યાસ માહિતી

માર્ગ અને સત્ય અને જીવન હું છું: ઈસુ માર્ગ છે, કારણ કે ફક્ત તેમના નામે જ આપણે પ્રાર્થનામાં યહોવાને વિનંતી કરી શકીએ છીએ. બીજું કે, તે માનવજાત અને ઈશ્વર વચ્ચે સમાધાન કરાવતો “માર્ગ” બન્યા છે. (યોહ ૧૬:૨૩; રોમ ૫:૮) ઈસુ એ અર્થમાં સત્ય છે કે તે હંમેશાં સત્ય બોલ્યા છે અને સત્યની સુમેળમાં જીવ્યા છે. ઈશ્વરના હેતુને પૂરો કરવામાં ઈસુની જે મહત્ત્વની ભૂમિકા છે, એને લગતી દરેક ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ છે. (યોહ ૧:૧૪; પ્રક ૧૯:૧૦) આ બધી ભવિષ્યવાણીઓ ‘ઈસુ દ્વારા “હા” થઈ છે’ એટલે કે સાચી પડી છે. (૨કો ૧:૨૦) ઈસુ જીવન છે, કારણ કે પોતાના જીવની કિંમત ચૂકવી તેમણે મનુષ્યો માટે ‘ખરું જીવન’, એટલે કે “હંમેશ માટેનું જીવન” શક્ય બનાવ્યું છે. (૧તિ ૬:૧૨, ૧૯; એફે ૧:૭; ૧યો ૧:૭) સુંદર પૃથ્વી પર જીવવા માટે જે લાખો લોકો સજીવન કરવામાં આવશે તેઓ માટે પણ ઈસુ “જીવન” સાબિત થશે.—યોહ ૫:૨૮, ૨૯.

(યોહાન ૧૪:૧૨) હું તમને સાચે જ કહું છું, જે મારામાં શ્રદ્ધા મૂકે છે, તે મારાં જેવા કામો પણ કરશે; તે આના કરતાં મોટાં કામો પણ કરશે, કેમ કે હું મારા પિતા પાસે જાઉં છું.

nwtsty યોહ ૧૪:૧૨ અભ્યાસ માહિતી

આના કરતાં મોટાં કામો: અહીં ઈસુ એમ નથી કહેવા માગતા કે તેમના શિષ્યો તેમણે કરેલાં ચમત્કારો કરતાં મોટા ચમત્કારો કરશે. તે તો નમ્ર ભાવે સ્વીકારે છે કે તેમના કરતાં શિષ્યો ઘણા મોટા પાયે પ્રચાર અને લોકોને શીખવવાનું કામ કરશે. તેમના શિષ્યો વધુ વિસ્તારો અને લોકો સુધી પહોંચશે. તેમ જ, તેમના કરતાં વધુ લાંબા સમય સુધી તેઓ પ્રચારકાર્ય કરતા રહેશે. ઈસુના શબ્દ સ્પષ્ટ બતાવે છે કે તેમણે શરૂ કરેલું કામ શિષ્યો આગળ ધપાવે એવી તેમની ઇચ્છા હતી.

બાઇબલ વાંચન

(યોહાન ૧૩:૧-૧૭) હવે, પાસ્ખાના તહેવાર પહેલાં ઈસુને ખબર હતી કે તેમના માટે દુનિયા છોડીને પિતા પાસે જવાની ઘડી આવી ચૂકી છે; એટલે, દુનિયામાં જેઓ તેમના પોતાના હતા, જેઓ પર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર છેલ્લી ઘડી સુધી તેમણે પ્રેમ રાખ્યો. ૨ સાંજનું ભોજન ચાલી રહ્યું હતું; અને સિમોનના દીકરા, યહુદા ઇસ્કારિયોતના મનમાં ઈસુને દગો દેવાનો વિચાર શેતાને અગાઉથી મૂક્યો હતો. ૩ ઈસુ એ જાણતા હતા કે પિતાએ બધું જ પોતાના હાથમાં સોંપી દીધું છે અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જવાના છે. ૪ એટલે, સાંજનું ભોજન ચાલતું હતું, એવામાં તે ઊઠ્યા અને પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુ મૂક્યો અને રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. ૫ એ પછી તેમણે વાસણમાં પાણી લીધું અને શિષ્યોના પગ ધોયા અને પોતાની કમરે બાંધેલા રૂમાલથી પગ લૂછવા લાગ્યા. ૬ ત્યાર બાદ, તે સિમોન પીતર પાસે આવ્યા. પીતરે તેમને કહ્યું: “પ્રભુ, શું તમે મારા પગ ધુઓ છો?” ૭ ઈસુએ જવાબ આપ્યો: “હું જે કરું છું એ તું હમણાં સમજતો નથી, પણ પછીથી તને એની સમજણ પડશે.” ૮ પીતરે તેમને કહ્યું: “હું તમને કદી પણ મારા પગ ધોવા નહિ દઉં.” ઈસુએ તેને જવાબ આપ્યો: “જો હું તારા પગ ન ધોઉં, તો તારે ને મારે કોઈ લેવાદેવા નથી.” ૯ સિમોન પીતરે તેમને કહ્યું: “પ્રભુ, ફક્ત મારા પગ નહિ, મારા હાથ અને મારું માથું પણ ધુઓ.” ૧૦ ઈસુએ તેને કહ્યું: “જેણે સ્નાન કર્યું છે, તેણે પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી, પણ તે પૂરેપૂરો શુદ્ધ થયેલો છે. અને તમે તો શુદ્ધ છો, પણ બધા જ શુદ્ધ નથી.” ૧૧ કેમ કે ઈસુ જાણતા હતા કે દગો દેનાર માણસ કોણ છે. એ જ કારણે, તેમણે કહ્યું હતું: “તમે બધા જ શુદ્ધ નથી.” ૧૨ હવે, જ્યારે તેમણે શિષ્યોના પગ ધોઈ લીધા અને પોતાનો ઝભ્ભો પહેરી લીધો, ત્યારે તે ફરીથી મેજને અઢેલીને બેસી ગયા અને તેઓને કહ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? ૧૩ તમે મને ‘ગુરુજી’ અને ‘પ્રભુ’ કહીને બોલાવો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. ૧૪ એ માટે, જો મેં પ્રભુ અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. ૧૫ મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો. ૧૬ હું તમને સાચે જ કહું છું કે દાસ પોતાના માલિક કરતાં મોટો નથી; અને મોકલવામાં આવેલો પોતાના મોકલનાર કરતાં મોટો નથી. ૧૭ હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો.

ઑક્ટોબર ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૫-૧૭

“તમે દુનિયાના નથી”

(યોહાન ૧૫:૧૯) જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. હવે, તમે દુનિયાના નથી પણ મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે, એ કારણે દુનિયા તમને ધિક્કારે છે.

nwtsty યોહ ૧૫:૧૯ અભ્યાસ માહિતી

દુનિયા: આ સંદર્ભમાં ગ્રીક શબ્દ કોસમોસ ઈશ્વરના ભક્તો નથી એવા માણસોના જગતને દર્શાવે છે. અન્યાયી માનવ સમાજ જેનો ઈશ્વર સાથે કોઈ નાતો નથી. ઈસુ શિષ્યોને કહે છે કે તેઓ આ દુનિયાના નથી. એ વાત ફક્ત યોહાને જ પોતાના પુસ્તકમાં નોંધી છે. શિષ્યો સાથે ઈસુએ કરેલી છેલ્લી પ્રાર્થનામાં આવો જ વિચાર બે વાર જોવા મળે છે.—યોહ ૧૭:૧૪, ૧૬.

(યોહાન ૧૫:૨૧) પરંતુ, મારા નામને લીધે તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ જાણતા નથી.

nwtsty યોહ ૧૫:૨૧ અભ્યાસ માહિતી

મારા નામને લીધે: બાઇબલમાં, “નામ” શબ્દ અમુક વાર વ્યક્તિને, તેની સાખને અને તે જે કંઈ રજૂ કરે છે એને દર્શાવે છે. (માથ ૬:૯ અભ્યાસ માહિતી જુઓ.) ઈસુના કિસ્સામાં તેમનું નામ તેમને પિતા યહોવા તરફથી મળેલા અધિકાર અને હોદ્દાને પણ રજૂ કરે છે. (માથ ૨૮:૧૮; ફિલિ ૨:૯, ૧૦; હિબ્રૂ ૧:૩, ૪) ઈસુ અહીં સમજાવે છે કે દુનિયાના લોકો કેમ તેમના શિષ્યો વિરુદ્ધ કામો કરશે. કેમ કે, ઈસુને મોકલનારને તેઓ ઓળખતા નથી. ઈશ્વરને ઓળખવાથી તેઓને ઈસુનું નામ શું રજૂ કરે છે, એ સમજવા મદદ મળશે. (પ્રેકા ૪:૧૨) તેઓને ખબર પડશે કે ઈશ્વર તરફથી નિમાયેલ શાસક તરીકે, રાજાઓના રાજા ઈસુનું શું સ્થાન છે. જીવન મેળવવા બધા જ લોકો જેને આધીન થાય એવા રાજાનું શું મહત્ત્વ છે.—યોહ ૧૭:૩; પ્રક ૧૯:૧૧-૧૬; ગી ૨:૭-૧૨ સરખાવો.

(યોહાન ૧૬:૩૩) મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારા દ્વારા તમને શાંતિ મળે. દુનિયામાં તમારા પર તકલીફો આવશે, પણ હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે.”

it-1-E ૫૧૬

હિંમત

દુનિયામાં દુષ્ટ કામો કરતા અને ખરાબ વલણ રાખતા લોકો ઈશ્વર યહોવાના દુશ્મન બને છે. તેઓના રંગમાં ન રંગાઈ જવા આપણામાં હિંમતનો ગુણ હોવો જરૂરી છે. એવા સંજોગોમાં દુનિયાની નફરત સહીને પણ ઈશ્વરને વફાદાર રહેવું સાહસ માંગી લે છે. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું: “દુનિયામાં તમારા પર તકલીફો આવશે, પણ હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે.” (યોહ ૧૬:૩૩) ઈશ્વરના દીકરાએ આ જગતની અસર પોતાના પર ક્યારેય થવા દીધી નહિ. કોઈ પણ રીતે આ દુનિયાના જેવા ન બનીને, ઈસુએ દુનિયા પર જીત મેળવી. દુનિયા પર જીત મેળવીને ઈસુએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જીવન ઢબમાં દુનિયાના વલણની છાંટ પણ ન આવવા દેવાથી ઈસુને જે સારું પરિણામ મળ્યું, એના પર મનન કરવાથી તેમને અનુસરવા આપણને જોઈતી હિંમત મળી શકે છે.—યોહ ૧૭:૧૬.

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૧૭:૨૧-૨૩) આમ, તેઓ બધા એક થાય, હે પિતા, તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું; એ જ રીતે, તેઓ પણ આપણી સાથે એકતામાં રહે, જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે. ૨૨ તમે મને જે મહિમા આપ્યો છે એ મેં તેઓને આપ્યો છે, જેથી આપણે જેમ એક છીએ તેમ તેઓ પણ એક થાય. ૨૩ હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય. આમ, દુનિયાને ખબર પડે કે તમે મને મોકલ્યો છે અને તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે.

nwtsty યોહ ૧૭:૨૧-૨૩ અભ્યાસ માહિતી

એક: અથવા “એકતામાં.” ઈસુએ પ્રાર્થના કરી કે તેમને અનુસરનાર સાચા શિષ્યો “એક” થાય. બધાનો સરખો હેતુ હોય, જેને સંપથી પાર પાડવા તેઓ ઈસુ અને પિતા યહોવાની જેમ “એક” બને. એટલે કે, તેઓના કાર્યો અને વિચારોમાં સંપ દેખાઈ આવે. (યોહ ૧૭:૨૨) પાઊલે ૧કો ૩:૬-૯માં આવા જ પ્રકારની એકતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ખ્રિસ્તી સેવકો તરીકે ઈશ્વર અને એકબીજાની સાથે કામ કરવામાં તેઓએ આવી એકતા બતાવવી જોઈએ.—૧કો ૩:૮ અને યોહ ૧૦:૩૦; ૧૭:૧૧ અભ્યાસ માહિતી જુઓ.

પૂરેપૂરી રીતે એક થાય: અથવા “પૂરી રીતે એકતામાં આવે.” આ કલમમાં ઈસુ પૂરેપૂરી એકતાને પિતાના પ્રેમ સાથે સરખાવે છે. કોલ ૩:૧૪ની સાથે એ વિચાર મેળ ખાય છે. ત્યાં લખ્યું છે: ‘પ્રેમ, એ એકતાનું સંપૂર્ણ બંધન છે.’ જોકે, એવી એકતાનો અર્થ એમ નથી કે વ્યક્તિઓનો સ્વભાવ, આવડતો, આદતો અને અંતઃકરણ પણ એક જેવા બની જાય, એમાં જે જુદાપણું છે એ દૂર થાય. આવી એકતાનો સરળ અર્થ છે: ઈસુના શિષ્યો ઈશ્વરભક્તિમાં પોતાનાં કાર્યો, માન્યતા અને શિક્ષણની બાબતે એકમત હોય.—રોમ ૧૫:૫, ૬; ૧કો ૧:૧૦; એફે ૪:૩; ફિલિ ૧:૨૭.

(યોહાન ૧૭:૨૪) હે પિતા, હું ચાહું છું કે તમે મને જે લોકો આપ્યા છે, તેઓ જ્યાં હું હોઉં ત્યાં મારી સાથે હોય; એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે, એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.

nwtsty યોહ ૧૭:૨૪ અભ્યાસ માહિતી

દુનિયાનો પાયો નંખાયો: “પાયો નંખાયો” માટેના ગ્રીક શબ્દનું મૂળ ભાષાંતર હિબ્રૂ ૧૧:૧૧માં “ગર્ભ ધારણ કર્યો” થયું છે, જે “વંશજ” વિશે છે. અહીં આ શબ્દો “દુનિયાનો પાયો નંખાયો” દેખીતી રીતે આદમ અને હવાનાં બાળકોને દર્શાવે છે. ઈસુ અહીં એ શબ્દો વાપરીને હાબેલ વિશે કહી રહ્યા છે, જે તારણને લાયક સૌથી પ્રથમ મનુષ્ય હતા. તેમ જ, ‘દુનિયાનો પાયો નંખાયો ત્યારથી પોતાનું નામ જીવનના વીંટામાં લખવી લેનારમાં’ પણ તે સૌપ્રથમ છે. (લુક ૧૧:૫૦, ૫૧; પ્રક ૧૭:૮) પોતાના પિતાને કરેલી ઈસુની આ પ્રાર્થના પરથી એ પણ સાબિત થાય છે કે, ઈશ્વર પોતાના એકના એક દીકરા ઈસુને બહુ પહેલાંથી પ્રેમ કરે છે. આદમ-હવાનું વંશજ ગર્ભમાં પણ ન હતું, એના વર્ષો પહેલાંથી યહોવા પોતાના પુત્રને પ્રેમ કરે છે.

બાઇબલ વાંચન

(યોહાન ૧૭:૧-૧૪) એ વાતો કહ્યા પછી, ઈસુએ આકાશ તરફ નજર કરીને કહ્યું: “હે પિતા, સમય આવી ગયો છે. તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી તમારો દીકરો તમને મહિમાવાન કરે. ૨ તમે દીકરાને બધા લોકો પર અધિકાર આપ્યો છે, જેથી તમે તેને સોંપેલા બધા લોકોને તે હંમેશ માટેનું જીવન આપે. ૩ હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. ૪ તમે મને સોંપેલું કામ પૂરું કરીને, મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. ૫ એટલે હવે, હે પિતા, દુનિયાની શરૂઆત પહેલાં, મારો જે મહિમા તમારી સાથે હતો, એનાથી મને તમારી સાથે ફરી મહિમાવાન કરો. ૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે. તેઓ તમારા હતા અને તમે જ તેઓને મને સોંપ્યા અને તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે. ૭ હવે, તેઓ જાણે છે કે તમે જે બધું મને આપ્યું છે, એ તમારી પાસેથી છે; ૮ કેમ કે તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે અને તેઓએ એનો સ્વીકાર કર્યો છે; તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું અને તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે. ૯ હું તેઓ માટે વિનંતી કરું છું; હું દુનિયા માટે નહિ, પણ તમે મને જેઓ આપ્યા છે, તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે; ૧૦ મારું બધું એ તમારું છે, તમારું એ મારું છે અને તેઓ દ્વારા મને મહિમા મળ્યો છે. ૧૧ “હવે, હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પણ તેઓ દુનિયામાં રહેવાના છે. હે પવિત્ર પિતા, તમે મને આપેલા તમારા નામને લીધે તેઓનું ધ્યાન રાખજો, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય. ૧૨ હું તેઓની સાથે હતો ત્યાં સુધી, તમે મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું; મેં તેઓનું રક્ષણ કર્યું છે અને તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી, સિવાય કે વિનાશના દીકરાનો, જેથી શાસ્ત્રવચન પૂરું થાય. ૧૩ પરંતુ, હવે હું તમારી પાસે આવું છું અને હું હજુ આ દુનિયામાં છું ત્યારે આ બધું કહું છું, જેથી મારા આનંદથી તેઓ ભરપૂર થાય. ૧૪ મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે, પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો ભાગ નથી તેમ તેઓ પણ દુનિયાનો ભાગ નથી.

ઑક્ટોબર ૨૯–​નવેમ્બર ૪

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૮-૧૯

“ઈસુએ સત્યની સાક્ષી આપી”

(યોહાન ૧૮:૩૬) ઈસુએ જવાબ આપ્યો: “મારું રાજ્ય આ દુનિયાનું નથી. જો મારું રાજ્ય આ દુનિયાનું હોત, તો મારા સેવકો લડ્યા હોત, જેથી યહુદીઓ મને પકડી ન લે. પરંતુ, મારું રાજ્ય આ દુનિયાનું નથી.”

(યોહાન ૧૮:૩૭) એટલે, પીલાતે તેમને કહ્યું: “તો પછી, શું તું રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે પોતે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા જ હું જન્મ્યો છું અને એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.”

nwtsty યોહ ૧૮:૩૭ અભ્યાસ માહિતી

સાક્ષી આપવા: ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં જોવા મળે છે તેમ, “સાક્ષી આપવા” માટે ગ્રીક શબ્દ માર્ટીરીઓ અને “સાક્ષી” માટે ગ્રીક શબ્દો માર્ટીરીયા; મારટીસનો બહુ બહોળો રહેલો છે. બંને શબ્દોનો મૂળ અર્થ થાય કે, જાત અનુભવથી કે પછી પોતાને મળેલી જાણકારીથી કોઈ હકીકત વિશે સાક્ષી આપવી. ઉપરાંત, એ શબ્દોનો અર્થ “જાહેર કરવું; ખાતરી આપવી; સારો અભિપ્રાય આપવો” પણ થઈ શકે. ઈસુએ પોતાના અનુભવ અને ખાતરીથી સત્ય વિશે સાક્ષી આપી. એટલું જ નહિ, પોતાના પિતાએ કરેલી ભવિષ્યવાણીઓ અને આપેલાં વચનો સાચાં પડે એ રીતે તે જીવન જીવ્યા. (૨કો ૧:૨૦) ઈશ્વરના રાજ્ય અને એના મસીહી રાજાને લગતા ઈશ્વરના હેતુ વિશે ભવિષ્યવાણી વિગતવાર આપવામાં આવી છે. ઈસુના આખા જીવનથી અને તેમણે આપેલા બલિદાનથી તેમના વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ. પછી એ નિયમ કરારમાં આપેલ ભાવિમાં બનનાર વાતોનો પડછાયો કે પ્રથા કેમ ન હોય. (કોલો ૨:૧૬, ૧૭; હિબ્રૂ ૧૦:૧) આમ કહી શકાય કે ઈસુએ હંમેશાં પોતાનાં વાણી-વર્તનથી “સત્યની સાક્ષી” આપી છે.

સત્ય: અહીં ઈસુ કોઈ સામાન્ય સત્ય કે કોઈ બાબતોને લગતી સચ્ચાઈ વિશે વાત કરી રહ્યા ન હતા. તે તો ઈશ્વરના હેતુને ધ્યાનમાં રાખીને સત્ય વિશે વાત કરી રહ્યા છે. ઈશ્વરના હેતુનું સૌથી મુખ્ય પાસું છે કે, ‘દાઊદના દીકરા’ ઈસુ પ્રમુખ યાજક અને ઈશ્વરના રાજ્યના રાજા તરીકે સેવા આપે છે. (માથ ૧:૧) ઈસુ પૃથ્વી પર આવ્યા, જીવન જીવ્યા અને પ્રચાર કર્યો. એમ કરવાનું મહત્ત્વનું કારણ એ હતું કે તે ઈશ્વરના રાજ્ય વિશે સત્ય જાહેર કરે. દાઊદનું જન્મસ્થળ એટલે કે, બેથલેહેમના યહુદિયા શહેરમાં ઈસુ જન્મ્યા એની પહેલાં અને પછી સ્વર્ગદૂતોએ જણાવેલો સંદેશો પણ એવો જ હતો.—લુક ૧:૩૨, ૩૩; ૨:૧૦-૧૪.

(યોહાન ૧૮:૩૮ક) પીલાતે તેમને પૂછ્યું: “સત્ય શું છે?”

nwtsty યોહ ૧૮:૩૮ક અભ્યાસ માહિતી

સત્ય શું છે?: પીલાતનો પ્રશ્ન દેખીતી રીતે સામાન્ય બાબતોના સત્ય વિશે હતો. તે કંઈ એ “સત્ય” વિશે જાણવા માગતો ન હતો, જેનો ઈસુએ ઉલ્લેખ કર્યો હતો. (યોહ ૧૮:૩૭) જો પીલાત એ સત્ય વિશે જાણવા માગતો હોત, તો ઈસુએ ચોક્કસ એનો જવાબ આપ્યો હોત. પરંતુ, લાગે છે કે પીલાતે કટાક્ષમાં એ પ્રશ્ન કર્યો હતો. તે જાણે કહેવા માગતો હતો કે, “સત્ય, એ શું હોય છે? સત્ય જેવું કંઈ નથી!” અરે, પીલાત તો ઈસુનો જવાબ સાંભળવા ઊભો પણ ન રહ્યો, તે તરત બહાર યહુદીઓ પાસે જતો રહ્યો.

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૧૯:૩૦) ખાટો દ્રાક્ષદારૂ લીધા પછી, ઈસુએ કહ્યું: “બધું પૂરું થયું છે!” અને માથું નમાવીને તે મરણ પામ્યા.

w૧૦ ૮/૧ ૧૫ ¶ ૧૫

“બધું પૂરું થયું છે”: ઘણું દુઃખ સહીને પણ ઈસુ છેલ્લા શ્વાસ સુધી યહોવાહને વિશ્વાસુ રહ્યા અને સાબિત કર્યું કે શેતાન સાવ જૂઠો છે. જે કોઈ યહોવાહના રાજને વળગી રહે છે તેઓ વિશે શેતાને આવો આરોપ મૂક્યો છે: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂ. ૨:૪) મરણ સુધી યહોવાહને વફાદાર રહીને ઈસુએ સાબિત કરી આપ્યું કે આદમ અને હવા પણ સાવ સહેલી કસોટીમાં યહોવાહને વિશ્વાસુ રહી શક્યા હોત. સૌથી મહત્ત્વનું તો, ઈસુ પોતાના જીવન અને મરણથી યહોવાહના ન્યાયી રાજને વળગી રહ્યા. આ રીતે તેમણે ઈશ્વરનું ન્યાયીપણું જાહેર કર્યું. (નીતિ ૨૭:૧૧) શું ઈસુના મરણથી બીજું કંઈ સિદ્ધ થયું છે? હા, ચોક્કસ.

(યોહાન ૧૯:૩૧) એ પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, એટલે સાબ્બાથના દિવસે (કેમ કે એ મોટો સાબ્બાથ હતો) વધસ્તંભ પર શબ ન રહે, એ માટે ગુનેગારોના પગ તોડીને, તેઓના શબ ઉતારી લેવાની યહુદીઓએ પીલાતને વિનંતી કરી.

nwtsty યોહ ૧૯:૩૧ અભ્યાસ માહિતી

એ મોટો સાબ્બાથ હતો: પાસ્ખા પછીનો દિવસ, નીસાન ૧૫ ગમે તે વારે હોય, એ સાબ્બાથ ગણાતો. (લેવી ૨૩:૫-૭) એમાંય, જો એ તારીખે સાબ્બાથનો દિવસ (યહુદી કેલેન્ડર પ્રમાણે અઠવાડિયાનો સાતમો દિવસ, જે શુક્રવારની સાંજથી શનિવારની સાંજ સુધી ગણાતો) હોય, તો એને “મોટો” સાબ્બાથ ગણવામાં આવતો. ઈસુનું મરણ થયું ત્યારે એ શુક્રવાર હતો. એના બીજા દિવસે મોટો સાબ્બાથ આવવાનો હતો. સાલ ૩૧થી ૩૩ સુધીમાં ફક્ત ૩૩ની સાલ એવી હતી જ્યારે નીસાન ૧૪મીએ શુક્રવાર હતો. એના પરથી પુરવાર થાય છે કે ઈસુનું મરણ નીસાન ૧૪, સાલ ૩૩માં થયું હતું.

બાઇબલ વાંચન

(યોહાન ૧૮:૧-૧૪) એ વાતો કહ્યા પછી, ઈસુ પોતાના શિષ્યો સાથે કિદ્રોન ખીણની પેલે પાર આવેલા બાગમાં ગયા. ૨ દગો દેનાર યહુદાને પણ આ જગ્યાની ખબર હતી, કારણ કે ઈસુ પોતાના શિષ્યો સાથે ઘણી વાર ત્યાં ગયા હતા. ૩ એટલે, યહુદા ત્યાં સૈનિકોની ટુકડી અને મુખ્ય યાજકો તથા ફરોશીઓના અધિકારીઓને લઈને આવ્યો. તેઓ મશાલો, દીવાઓ અને હથિયારો લઈને આવ્યા. ૪ પછી, ઈસુ પોતાની સાથે જે થવાનું હતું એ બધું જાણતા હોવાથી, તેમણે આગળ આવીને તેઓને પૂછ્યું: “તમે કોને શોધો છો?” ૫ તેઓએ તેમને જવાબ આપ્યો: “નાઝરેથના ઈસુને.” તેમણે તેઓને કહ્યું: “હું તે છું.” હવે, તેમને દગો દેનાર યહુદા પણ એ લોકો સાથે ઊભો હતો. ૬ પણ, ઈસુએ જ્યારે તેઓને કહ્યું કે “હું તે છું,” ત્યારે તેઓ પાછા હઠ્યા અને જમીન પર ગબડી પડ્યા. ૭ તેથી, તેમણે તેઓને ફરીથી પૂછ્યું: “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું: “નાઝરેથના ઈસુને.” ૮ ઈસુએ જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું કે હું તે છું. એટલે, જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.” ૯ આ એ માટે બન્યું કે તેમણે કહેલા શબ્દો પૂરા થાય: “તમે મને જે લોકો આપ્યા હતા, તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.” ૧૦ સિમોન પીતર પાસે તલવાર હતી અને તેણે એ ખેંચી કાઢીને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કર્યો અને તેનો જમણો કાન ઉડાવી દીધો. એ ચાકરનું નામ માલ્ખસ હતું. ૧૧ જોકે, ઈસુએ પીતરને કહ્યું: “તલવાર પાછી મ્યાનમાં મૂકી દે. શું પિતાએ મને આપેલો પ્યાલો મારે પીવો ન જોઈએ?” ૧૨ પછી, સૈનિકોએ, સેનાપતિએ અને યહુદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમના હાથ બાંધી દીધા. ૧૩ તેઓ પહેલા તેમને અન્‍નાસને ત્યાં લઈ ગયા, કેમ કે તે કાયાફાસનો સસરો હતો. કાયાફાસ એ વર્ષે પ્રમુખ યાજક હતો. ૧૪ હકીકતમાં, આ એ જ કાયાફાસ હતો, જેણે યહુદીઓને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરણ પામે, એ તેઓના ફાયદામાં હતું.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો