વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ નવેમ્બર પાન ૧-૮
  • નવેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
  • મથાળાં
  • નવેમ્બર ૫-૧૧
  • નવેમ્બર ૧૨-૧૮
  • નવેમ્બર ૧૯-૨૫
  • નવેમ્બર ૨૬–ડિસેમ્બર ૨
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ નવેમ્બર પાન ૧-૮

નવેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

નવેમ્બર ૫-૧૧

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૨૦-૨૧

“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”

(યોહાન ૨૧:૧-૩) એ પછી, ઈસુ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરીથી દેખાયા. એ આ પ્રમાણે બન્યું: ૨ ત્યાં સિમોન પીતર, થોમા (જે જોડિયો કહેવાતો), ગાલીલના કાના ગામનો નથાનિયેલ, ઝબદીના દીકરાઓ અને ઈસુના બીજા બે શિષ્યો હતા. ૩ સિમોન પીતરે તેઓને કહ્યું: “હું માછલીઓ પકડવા જાઉં છું.” તેઓએ તેને કહ્યું: “અમે પણ તારી સાથે આવીએ છીએ.” તેઓ બધા હોડીમાં નીકળ્યા, પણ આખી રાત તેઓના હાથમાં એક પણ માછલી આવી નહિ.

(યોહાન ૨૧:૪-૧૪) સવાર થઈ ત્યારે, ઈસુ સરોવર કિનારે ઊભા હતા; પણ, શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે એ ઈસુ છે. ૫ પછી, ઈસુએ તેઓને પૂછ્યું: “બાળકો, શું તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ જવાબ આપ્યો: “ના!” ૬ તેમણે તેઓને કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો અને તમને થોડી માછલીઓ મળશે.” એટલે, તેઓએ જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી શક્યા નહિ. ૭ પછી, જે શિષ્ય ઈસુને વહાલો હતો, તેણે પીતરને કહ્યું: “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પીતરે સાંભળ્યું કે એ પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે ઝભ્ભો પહેરી લીધો અને સરોવરમાં કૂદી પડ્યો. ૮ પરંતુ, બીજા શિષ્યો માછલીઓથી ભરેલી જાળ ખેંચતાં ખેંચતાં નાની હોડીમાં આવ્યા, કેમ કે તેઓ કિનારાથી બહુ દૂર ન હતા, ફક્ત ૯૦ મીટર જેટલા જ અંતરે હતા. ૯ તેઓ કિનારે આવ્યા ત્યારે જોયું કે બળતા કોલસા પર માછલીઓ મૂકેલી હતી અને રોટલી પણ હતી. ૧૦ ઈસુએ તેઓને કહ્યું: “હમણાં તમે જે માછલીઓ પકડી, એમાંથી થોડી અહીં લાવો.” ૧૧ એટલે, સિમોન પીતર હોડીમાં ચઢીને જાળ કિનારે ખેંચી લાવ્યો; એમાં ૧૫૩ મોટી મોટી માછલીઓ હતી. એટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી નહિ. ૧૨ ઈસુએ તેઓને કહ્યું: “આવો, નાસ્તો કરી લો.” તે પ્રભુ છે, એ જાણતા હોવાથી શિષ્યોમાંથી કોઈએ એવું પૂછવાની હિંમત ન કરી કે, “તમે કોણ છો?” ૧૩ ઈસુએ રોટલી લઈને તેઓને આપી અને એવી જ રીતે માછલીઓ પણ આપી. ૧૪ મરણમાંથી સજીવન થયા પછી, ઈસુ હવે આ ત્રીજી વાર શિષ્યોને દેખાયા હતા.

(યોહાન ૨૧:૧૫-૧૯) તેઓએ નાસ્તો કર્યો, એ પછી ઈસુએ સિમોન પીતરને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તેણે તેમને જવાબ આપ્યો: “હા પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ તેને કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ.” ૧૬ ફરીથી ઈસુએ તેને બીજી વાર કહ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે જવાબ આપ્યો: “હા પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ તેને કહ્યું: “મારાં ઘેટાંની સંભાળ રાખ.” ૧૭ ઈસુએ તેને ત્રીજી વાર કહ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તને મારા પર પ્રેમ છે?” પીતર બહુ દુઃખી થયો કે ઈસુએ તેને ત્રીજી વાર પૂછ્યું હતું, “તને મારા પર પ્રેમ છે?” તેથી, તેણે જવાબ આપ્યો: “પ્રભુ, તમે બધું જાણો છો; તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ તેને કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ. ૧૮ તું યુવાન હતો ત્યારે, તારી જાતે કપડાં પહેરતો અને મન ફાવે ત્યાં જતો. પરંતુ, હું તને સાચે જ કહું છું કે તું ઘરડો થશે ત્યારે, તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ માણસ તને કપડાં પહેરાવશે અને તને જ્યાં જવું નહિ હોય ત્યાં તને લઈ જશે.” ૧૯ પીતર કેવા પ્રકારના મોતને ભેટીને ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે, એ દર્શાવવા ઈસુએ તેને આમ કહ્યું હતું. એમ કહ્યા પછી, તેમણે પીતરને જણાવ્યું: “મારી પાછળ ચાલતો રહે.”

nwtsty યોહ ૨૧:૧૫, ૧૭ અભ્યાસ માહિતી

ઈસુએ સિમોન પીતરને પૂછ્યું: પીતરે ઈસુનો ત્રણ વખત નકાર કર્યો એના થોડા સમય પછી જ ઈસુ અને પીતર વચ્ચે આ વાતચીત થઈ. પીતરના દિલમાં ઈસુ વિશે કેવી લાગણી છે એ જાણવા ઈસુએ તેમને ત્રણ સવાલ પૂછ્યા. પણ એનાથી “પીતર બહુ દુઃખી થયો.” (યોહ ૨૧:૧૭) યોહ ૨૧:૧૫-૧૭માં યોહાને જે અહેવાલ નોંધ્યો છે એમાં બે ગ્રીક ક્રિયાપદ જોવા મળે છે: પ્રેમ માટે અગાપે અને લાગણી હોવી માટે ફિલિઆ. ઈસુએ પીતરને બે વખત પૂછ્યું: “શું તું મારા પર પ્રેમ રાખે છે?” બંને વખત પીતરે ભારપૂર્વક જણાવ્યું કે, તેને ઈસુ માટે “પ્રેમ” અથવા લાગણી છે. ઈસુએ ત્રીજી વાર પીતરને પૂછ્યું: “તને મારા પર પ્રેમ છે?” પીતરે ફરી ઈસુને જણાવ્યું કે તે ઈસુને પ્રેમ કરે છે. દરેક વખતે પીતરે સ્વીકાર્યું કે તે ઈસુને પ્રેમ કરે છે. એ દરેક વખતે ઈસુએ ભાર મૂક્યો કે એ પ્રેમ અને લાગણીથી પ્રેરાઈને પીતરે ઈસુના શિષ્યોને ખવડાવવું જોઈએ, એટલે કે, તેઓની ભક્તિની ભૂખ સંતોષવી જોઈએ. પીતરે ઘેટાંપાળક તરીકે ઈસુના શિષ્યોની સંભાળ રાખવાની હતી. એ શિષ્યોને અહીં ઘેટાં કે “નાનાં ઘેટાં” તરીકે રજૂ કરવામાં આવ્યા છે. (યોહ ૨૧:૧૬, ૧૭; ૧પી ૫:૧-૩) ઈસુએ પીતરને ત્રણ વાર પોતાનો પ્રેમ જાહેર કરવા દીધો અને પછી તેમને ઘેટાને સંભાળવાની જવાબદારી સોંપી. પીતરના મનમાં શંકા હતી કે તેમણે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો હોવાથી ઈસુએ તેમને માફ કર્યો હશે કે કેમ. પણ, તેમને જવાબદારી સોંપીને ઈસુએ પીતરના મનમાંથી શંકા દૂર કરી અને બતાવી આપ્યું કે પોતે પીતરને માફ કર્યા છે.

શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?: “આના કરતાં વધારે” એ શબ્દોને અનેક રીતે સમજી શકાય. અમુક વિદ્વાનો આવો અર્થ કરે છે, “તું આ શિષ્યોને પ્રેમ કરે છે એના કરતાં શું મને વધારે પ્રેમ કરે છે?” અથવા “આ શિષ્યો મને પ્રેમ કરે છે એના કરતાં શું તું મને વધારે પ્રેમ કરે છે?” જોકે, એનો આવો અર્થ થઈ શકે, “શું તું મને આ બધી વસ્તુઓ કરતાં વધારે પ્રેમ કરે છે?” એટલે કે, તેઓએ પકડેલી માછલીઓ કરતાં અથવા માછલીના વેપાર સાથે જોડાયેલી વસ્તુઓ કરતાં. આમ, આખી કલમનો અર્થ આવો થઈ શકે, ‘શું તું મને ધનદોલત કરતાં અથવા વ્યવસાય કરતાં વધારે પ્રેમ કરે છે? એમ હોય તો, મારાં ઘેટાંને ખવડાવ.’ પીતરના ભૂતકાળને જોતાં એ સવાલ એકદમ યોગ્ય હતો. પીતર ઈસુના સૌપ્રથમ શિષ્યોમાંના એક હતા. (યોહ ૧:૩૫-૪૨) છતાં, તે તરત જ પૂરેપૂરો સમય ઈસુને પગલે ન ચાલ્યા. તે માછીમારીના ધંધા તરફ પાછા ફર્યા હતા. થોડા મહિના પછી, ઈસુએ પીતરને એ મોટા ધંધામાંથી પાછા ફરીને ‘માણસોને ભેગા કરવા’ બોલાવ્યા. (માથ ૪:૧૮-૨૦; લુક ૫:૧-૧૧) ઈસુના મરણના થોડા જ સમય પછી પીતરે ફરી જણાવ્યું કે તે માછીમારી કરવા જાય છે અને બીજા પ્રેરિતો પણ તેમની સાથે જોડાયા. (યોહ ૨૧:૨, ૩) તેથી, એવું લાગે છે કે ઈસુ અહીં પીતર આગળ એક મોટો નિર્ણય લેવાની પસંદગી મૂકી રહ્યા હતા: શું તે માછીમારીના ધંધાની કારકિર્દીને પોતાના જીવનમાં પ્રથમ મૂકશે? અથવા શું તે ઈસુના ઘેટાંની, એટલે કે, તેમને પગલે ચાલનાર લોકોની ભક્તિની ભૂખ સંતોષવાને પ્રથમ સ્થાન આપશે? માછીમારીનો ધંધો તેઓ આગળ મૂકેલા માછલીના જથ્થાને રજૂ કરે છે.—યોહ ૨૧:૪-૮.

ત્રીજી વાર: પીતરે ત્રણ વાર પોતાના પ્રભુનો નકાર કર્યો હતો; ઈસુએ તેને ત્રણ વાર તક આપી કે તે પોતાની લાગણી જાહેર કરે. પીતરે એવું જ કર્યું. ઈસુએ કહ્યું કે બીજી બધી બાબતો કરતાં પવિત્ર સેવાને પ્રથમ સ્થાને મૂકીને તે એવો જ પ્રેમ અને લાગણી બતાવતા રહે. બીજા જવાબદાર ભાઈઓની સાથે પીતરે ખ્રિસ્તના વફાદાર શિષ્યોના ટોળાને ખવડાવાનું, મજબૂત કરવાનું અને એની સંભાળ લેવાની હતી. ભલે તેઓ અભિષિક્તો હતો, છતાં તેઓને પણ ભક્તિને લગતા ખોરાકની જરૂર હતી.—લુક ૨૨:૩૨.

કીમતી રત્નો શોધીએ

(યોહાન ૨૦:૧૭) ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હજુ પિતા પાસે ગયો નથી. પણ, મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.’”

nwtsty યોહ ૨૦:૧૭ અભ્યાસ માહિતી

મને પકડી ન રાખ: અહીં વપરાયેલા ગ્રીક ક્રિયાપદ હેપ્ટોમાઈનો અર્થ આવો થઈ શકે, “અડકવું” અથવા “પકડી રાખવું; લટકી રહેવું.” અમુક ભાષાંતરોમાં ઈસુના શબ્દોનો આવો અનુવાદ છે: “મને અડકીશ નહિ.” જોકે, ઈસુ અહીં મરિયમ માગદાલેણ તેમને અડી એના પર વાંધો ઉઠાવી રહ્યા ન હતા. કેમ કે, તે સજીવન થયા પછી બીજી સ્ત્રીઓએ “તેમના પગ પકડી લીધા” હતા ત્યારે, તેમણે વાંધો ઉઠાવ્યો ન હતો. (માથ ૨૮:૯) એવું લાગે છે કે મરિયમ માગદાલેણને ડર હતો કે ઈસુ સ્વર્ગમાં ચઢી જશે. પોતાના પ્રભુ સાથે રહેવાની તીવ્ર ઇચ્છાને લીધે તેણે ઈસુને પકડી રાખ્યા હતા. તે ઈસુને જવા દેવા માંગતી ન હતી. પોતે હજી જઈ નથી રહ્યા એની ખાતરી કરાવવા ઈસુએ તેને કહ્યું કે તે તેમને પકડી ન રાખે. તેમણે તેને કહ્યું કે તે શિષ્યો પાસે જાય અને તેમના સજીવન થવાની ખબર આપે.

(યોહાન ૨૦:૨૮) જવાબમાં થોમાએ તેમને કહ્યું: “મારા પ્રભુ, મારા ઈશ્વર!”

nwtsty યોહ ૨૦:૨૮ અભ્યાસ માહિતી

મારા પ્રભુ, મારા ઈશ્વર!: અમુક વિદ્વાનોનું માનવું છે કે આશ્ચર્ય જાહેર કરતા એ શબ્દો ઈસુને કહેવામાં આવ્યા છે. હકીકતમાં એ શબ્દો તો ઈશ્વરને એટલે કે તેમના પિતાને સંબોધીને કહેવામાં આવ્યા હતા. અમુક દાવો કરે છે કે, મૂળ ગ્રીક ભાષામાં જરૂરી છે કે એ શબ્દો ઈસુને સંબોધવામાં આવ્યા હોય એ રીતે ગણવામાં આવે. જો એમ હોય તોપણ “મારા પ્રભુ, મારા ઈશ્વર!” એ શબ્દોનો ખરો અર્થ બીજાં શાસ્ત્રવચનોના સંદર્ભમાં વધારે સારી રીતે સમજી શકાય છે. અહેવાલ બતાવે છે કે ઈસુએ પહેલાં પોતાના શિષ્યોને આ સંદેશો મોકલ્યો હતો, “હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.” એ માનવાને કોઈ કારણ નથી કે થોમાએ વિચાર્યું હશે કે ઈસુ જ સર્વશક્તિમાન ઈશ્વર છે. (યોહ ૨૦:૧૭ અભ્યાસ માહિતી જુઓ.) થોમાએ ઈસુને પોતાના “પિતા”ને પ્રાર્થના કરતા અને તેમને ‘એકલા ખરા ઈશ્વર’ એમ કહેતા સાંભળ્યા હતા. (યોહ ૧૭:૧-૩) તેથી, થોમાએ આ કારણોને લીધે ઈસુને “મારા ઈશ્વર” કહ્યા હશે: તેમણે ઈસુને “ઈશ્વર” ગણ્યા, પણ સર્વશક્તિમાન ઈશ્વર નહિ. (યોહ ૧:૧ અભ્યાસ માહિતી જુઓ.) અથવા તેમણે ઈસુને એ જ રીતે સંબોધ્યા હશે, જે રીતે ઈશ્વરના સેવકોએ યહોવાના દૂતોને સંબોધ્યા હતા, જેમ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં નોંધવામાં આવ્યું છે. થોમા એ બનાવોને સારી રીતે જાણતા હશે, જેમાં કોઈ વ્યક્તિએ કે બનાવ નોંધનાર બાઇબલ લેખકે ઈશ્વરનો સંદેશો જણાવનાર દૂત સાથે એ રીતે વાત કરી, જાણે યહોવા સાથે વાત કરી હોય. (ઉત ૧૬:૭-૧૧, ૧૩; ૧૮:૧-૫, ૨૨-૩૩; ૩૨:૨૪-૩૦; ન્યા ૬:૧૧-૧૫; ૧૩:૨૦-૨૨ સરખાવો.) તેથી, થોમાએ ઈસુને એ અર્થમાં “મારા ઈશ્વર” કહીને બોલાવ્યા હશે. તેમણે ઈસુને સાચા ઈશ્વરના પ્રતિનિધિ અને સંદેશવાહક તરીકે ગણ્યા હશે.

બાઇબલ વાંચન

(યોહાન ૨૦:૧-૧૮)

નવેમ્બર ૧૨-૧૮

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧-૩

“ખ્રિસ્તી મંડળ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી”

(પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૮) હવે, પચાસમા દિવસના તહેવારે તેઓ બધા એક જગ્યાએ ભેગા મળ્યા હતા. ૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ ભારે પવન ફૂંકાતો હોય એવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું. ૩ અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને એ વહેંચાઈને તેઓમાંના દરેક ઉપર એક-એક સ્થિર થઈ. ૪ તેઓ સર્વ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને એ શક્તિની મદદથી તેઓ અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગ્યા. ૫ એ સમયે દુનિયાના દરેક દેશમાંથી આવેલા ધાર્મિક યહુદીઓ યરૂશાલેમમાં હતા. ૬ એટલે, જ્યારે અવાજ સંભળાયો ત્યારે ટોળું ભેગું થઈ ગયું અને તેઓ દંગ થઈ ગયા, કેમ કે દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા. ૭ તેઓએ ઘણી નવાઈ પામતા કહ્યું: “જુઓ, શું આ ભાષાઓ બોલનારા બધા ગાલીલના નથી? ૮ તો પછી, એ કઈ રીતે બની શકે કે આપણે દરેક પોતપોતાની માતૃભાષા સાંભળીએ છીએ?

(પ્રેરિતોનાં કાર્યો ૨:૧૪) પરંતુ, અગિયાર પ્રેરિતો સાથે પીતર ઊભો થયો અને મોટા અવાજે તેઓને કહેવા લાગ્યો: “યહુદિયાના માણસો અને યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, આ વાતો તમે જાણી લો અને મારા શબ્દો ધ્યાનથી સાંભળો.

(પ્રેરિતોનાં કાર્યો ૨:૩૭, ૩૮) હવે, તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓના હૃદય વીંધાઈ ગયા અને તેઓએ પીતર અને બીજા પ્રેરિતોને કહ્યું: “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?” ૩૮ પીતરે તેઓને કહ્યું: “પસ્તાવો કરો અને તમારાં પાપોની માફી માટે ઈસુ ખ્રિસ્તના નામે તમે દરેક બાપ્તિસ્મા લો અને તમને પવિત્ર શક્તિની ભેટ મળશે.

(પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧) તેથી, જેઓએ તેની વાતો ખુશીથી સાંભળી, તેઓ બાપ્તિસ્મા પામ્યા અને એ દિવસે આશરે ૩,૦૦૦ લોકો ઉમેરાયા.

(પ્રેરિતોનાં કાર્યો ૨:૪૨-૪૭) તેઓએ પ્રેરિતો પાસેથી શીખવાનું, એકબીજા સાથે ભેગા મળવાનું, સાથે ખાવાનું અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. ૪૩ હકીકતમાં, બધા લોકો પર ડર છવાઈ ગયો અને પ્રેરિતોથી અનેક અદ્‍ભુત કામો અને નિશાનીઓ થવા લાગ્યાં. ૪૪ જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા હતા અને પોતાની દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચી લેતા હતા. ૪૫ તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા અને મળેલી રકમ દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા. ૪૬ તેઓ દરરોજ મંદિરમાં એક મનથી નિયમિત હાજર રહેતા. તેઓ એકબીજાના ઘરે ભોજન લેતા અને પૂરા આનંદથી તથા સાચા દિલથી પોતાનો ખોરાક વહેંચીને ખાતા. ૪૭ તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા તથા બધા લોકો તેઓથી ખુશ હતા. એની સાથે સાથે યહોવા તેઓમાં રોજ એવા લોકોને ઉમેરતા ગયા જેઓને તે બચાવતા હતા.

w૮૭ ૯/૧ ૨૮ ¶૪-૫, ૭

હૃદયને ખુશ કરનારા પ્રદાનો

૩૩ સી. ઈ.ના વર્ષમાં ખ્રિસ્તી મંડળના જન્મના પ્રથમ દિવસે, ૩,૦૦૦ નવા બાપ્તિસ્મા પામેલા ધર્માંતરો ‘ભોજન લેવામાં અને પ્રાર્થનામાં એક બીજા સાથે સહભાગી’ થયાં. કયા સારા કારણસર? ‘પ્રેષિતોના શિક્ષણમાં પોતે સતત લાગુ રહેવા’ પોતાના નવજાત પંખી જેવા વિશ્વાસને આધાર આપવાનું શક્ય બનાવવાના કારણે.—પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧, ૪૨.

યહુદીઓ અને ધર્માંતર પામેલાઓ ફક્ત પેન્ટેકોસ્ટ તહેવારના સમય પૂરતું જ યરૂશાલેમમાં રહેવાનું આયોજન કરી આવેલા હતાં. પરંતુ ખ્રિસ્તી બનનારાઓને વધુ લાંબું રહેવાની તથા તેઓના નવા વિશ્વાસને વધુ મજબૂત બનાવવા શીખવાની ઈચ્છા થઈ. એનાથી એકાએક ખોરાક અને રહેઠાણના કોયડા ઊભા થયા. કેટલાક મુલાકાતીઓ પાસે તો પૂરતા પૈસા પણ ન હતાં, જ્યારે બીજાઓ પાસે વધારે હતાં. તેથી હંગામી ભંડોળ ઊભું કરવામાં આવ્યું તથા જરૂરિયાતમાં આવી પડેલાઓને ભૌતિક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.—પ્રેરિતોનાં કાર્યો ૨:૪૩-૪૭.

સ્થાવર સાચી મિલ્કત વેચવી અને સર્વ વસ્તુઓના સર્વસામાન્ય સરખા સહભાગી થવું, ચૂસ્તપણે સ્વૈચ્છિક હતું. કોઈને વેચવાની કે દાન કરવાની ફરજ પડતી ન હતી; ગરીબાઈને આગળ કરવામાં આવી રહી હતી એવું પણ ન હતું. વ્યક્તિ વિચાર એમ નથી કે વધુ ધનવાન સભ્યો પોતાની સર્વ સંપત્તિ વેચીને ગરીબ બની ગયા. એને બદલે, તે સમયે સંજોગોમાં આવી પડેલા સાથી વિશ્વાસીઓ માટેની દયાથી, તેઓએ મિલ્કત વેચી દીધી અને રાજ્ય હિતો આગળ વધારવા જે જરૂરી હતું તે પૂરૂં પાડવા જે આવ્યું તેનું પ્રદાન કર્યું—સરખાવો ૨ કોરીંથી ૮:૧૨-૧૫.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૩:૧૫) જ્યારે કે જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાનને તમે મારી નાખ્યા. પરંતુ, ઈશ્વરે મરણમાંથી તેમને સજીવન કર્યા, એના અમે સાક્ષીઓ છીએ.

it-૨-E ૬૧ ¶૧

ઈસુ ખ્રિસ્ત

“જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન.” પિતાની અપાર કૃપાની સાબિતી આપવા ખ્રિસ્ત ઈસુએ પોતાનું સંપૂર્ણ જીવન બલિદાન કરી દીધું. એના લીધે આ બાબતો શક્ય બની: ખ્રિસ્તના પસંદ કરેલા શિષ્યો તેમની સાથે સ્વર્ગમાંથી રાજ કરી શકે અને પૃથ્વી પરના લોકો એ રાજ્યની ગોઠવણનો લાભ મેળવી શકે. (માથ ૬:૧૦; યોહ ૩:૧૬; એફે ૧:૭; હિબ્રૂ ૨:૫) આમ, તે આખી માણસજાત માટે ‘જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન’ બન્યા. (પ્રેકા ૩:૧૫) અહીં જે ગ્રીક શબ્દ વપરાયો છે એના જેવો જ શબ્દ મુસા માટે વપરાયો છે, જે ઇઝરાયેલના “અધિકારી” હતા.—પ્રેકા ૭:૨૭, ૩૫.

(પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯) “એટલે, પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપો ભૂંસી નાખવામાં આવે. આમ, ખુદ યહોવા પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે

cl-E ૨૬૫ ¶૧૪

“ક્ષમા કરવા તત્પર” એવા ઈશ્વર

૧૪ યહોવાની માફી વિશે પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯માં વધારે બતાવવામાં આવ્યું છે. એ જણાવે છે: “પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપો ભૂંસી નાખવામાં આવે.” એ કલમના છેલ્લા શબ્દો ગ્રીક ક્રિયાપદ છે, જેનો અર્થ “ધોઈ નાખવું, . . . રદ કરવું કે નાશ કરવો” થઈ શકે. અમુક વિદ્વાનોના પ્રમાણે એ શબ્દો કોઈ લખાણને ભૂંસી નાખવામાં આવે એવું ચિત્ર મનમાં ઊભું કરે છે. એમ કઈ રીતે કહી શકાય? પહેલાંના જમાનામાં જે સહી વપરાતી હતી, એ કોલસો, ગુંદર અને પાણી ભેળવીને બનાવવામાં આવતી હતી. એવી સહીથી લખ્યા પછી કોઈ વ્યક્તિ ચાહે તો એ લખાણને ભીના કપડાથી તરત જ ભૂંસી શકતી હતી. એ શબ્દચિત્ર યહોવાની દયાને સારી રીતે સમજવા મદદ કરે છે. જ્યારે તે આપણાં પાપ માફ કરે છે, ત્યારે તે જાણે કપડાથી એને પૂરી રીતે ભૂંસી નાખે છે.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૨૧)

નવેમ્બર ૧૯-૨૫

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૪-૫

“તેઓ પૂરી હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા”

(પ્રેરિતોનાં કાર્યો ૪:૫-૧૩) બીજા દિવસે યહુદીઓના અધિકારીઓ, વડીલો અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા મળ્યા. ૬ મુખ્ય યાજક અન્‍નાસ, કાયાફાસ, યોહાન, એલેકઝાંડર અને મુખ્ય યાજકનાં સર્વ સગાઓ પણ તેઓ સાથે હતા. ૭ તેઓએ પીતર અને યોહાનને પોતાની વચ્ચે ઊભા રાખ્યા અને પૂછવા લાગ્યા: “કયા અધિકારથી અથવા કોના નામમાં તમે આ કર્યું છે?” ૮ ત્યારે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને પીતરે તેઓને કહ્યું: “લોકોના અધિકારીઓ અને વડીલો, ૯ આ લંગડા માણસ માટે અમે જે સારું કામ કર્યું, શું એના વિશે તમારે જાણવું છે? તે કઈ રીતે સાજો થયો, એ જાણવું છે? ૧૦ તમે સર્વ એ જાણો અને ઇઝરાયેલના સર્વ લોકો પણ એ જાણે કે નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામમાં આ માણસ સાજો થઈને તમારી સામે ઊભો છે. એ જ ઈસુ ખ્રિસ્ત, જેમને તમે વધસ્તંભ પર ચડાવીને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા. ૧૧ ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે.’ ૧૨ વધુમાં, તેમના વગર બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે પૃથ્વી પર માણસોમાં એવું કોઈ નામ આપવામાં આવ્યું નથી, જેના દ્વારા આપણે બચી શકીએ.” ૧૩ હવે, તેઓએ પીતર અને યોહાનને હિંમતથી બોલતા જોયા અને જાણ્યું કે તેઓ ઓછું ભણેલા અને સામાન્ય માણસો છે. એટલે, તેઓ અચંબો પામ્યા. અને તેઓને ખ્યાલ આવ્યો કે એ માણસો ઈસુ સાથે હતા.

w૦૮-E ૯/૧ ૧૫, બૉક્સ

બોલેલા શબ્દોથી પવિત્ર લખાણો સુધી—લખાણ અને શરૂઆતના ખ્રિસ્તીઓ

શું પ્રેરિતો અભણ હતા?

યરૂશાલેમના અધિકારીઓ અને વડીલોએ “પીતર અને યોહાનને હિંમતથી બોલતા જોયા અને જાણ્યું કે તેઓ ઓછું ભણેલા અને સામાન્ય માણસો છે. એટલે, તેઓ અચંબો પામ્યા.” (પ્રેકા ૪:૧૩) શું પ્રેરિતો ખરેખર ઓછું ભણેલા કે અભણ હતા? એ ધારણા વિશે ધ ન્યૂ ઇન્ટરપ્રીટર્સ બાઇબલ જણાવે છે: “એ શબ્દોનો એવો અર્થ ન કરવો કે પીતર [અને યોહાન] કદીયે શાળાએ ગયા ન હતા અથવા તેઓને લખતા-વાંચતા આવડતું ન હતું. એ શબ્દો ફક્ત એટલું બતાવે છે કે, સમાજમાં ન્યાયાધીશો અને પ્રેરિતોના સ્થાનમાં મોટો ફરક હતો.”

w૦૮ ૫/૧ ૩૦ ¶૬

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

૪:૧૩—શું પીતર અને યોહાન અભણ અને અજ્ઞાની હતા? ના. પણ તેઓ ધર્મગુરુઓની સ્કૂલમાં ભણ્યા ન હોવાથી, અમુકે તેઓને ‘અભણ અને અજ્ઞાન’ ગણ્યા.

(પ્રેરિતોનાં કાર્યો ૪:૧૮-૨૦) એ પછી, તેઓએ પીતર અને યોહાનને બોલાવ્યા અને હુકમ કર્યો કે, ઈસુના નામમાં કંઈ પણ કહેવું નહિ અથવા કંઈ પણ શીખવવું નહિ. ૧૯ પરંતુ, પીતરે અને યોહાને તેઓને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ? ૨૦ પણ, અમે જે જોયું અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”

(પ્રેરિતોનાં કાર્યો ૪:૨૩-૩૧) પીતર અને યોહાનને છોડી મૂકવામાં આવ્યા પછી, તેઓ પોતાના લોકો પાસે ગયા અને મુખ્ય યાજકો તથા વડીલોએ કહેલી વાતો તેઓને જણાવી. ૨૪ આ સાંભળીને તેઓએ સાથે મળીને મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો: “હે વિશ્વના માલિક, તમે જ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાં જે કંઈ છે એ બનાવ્યું છે; ૨૫ અને તમે પવિત્ર શક્તિથી તમારા સેવક, અમારા પૂર્વજ દાઊદ દ્વારા કહ્યું હતું: ‘રાષ્ટ્રો કેમ ગુસ્સે ભરાય છે અને લોકો કેમ વ્યર્થ વાતો પર વિચાર કરે છે? ૨૬ યહોવા અને તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ ઊભા થયા છે અને અધિકારીઓ એક થયા છે.’ ૨૭ એ સાચું સાબિત થયું, કેમ કે તમારા અભિષિક્ત અને પવિત્ર સેવક ઈસુ વિરુદ્ધ હેરોદ અને પોંતિયુસ પીલાત બીજી પ્રજાના લોકો સાથે અને ઇઝરાયેલીઓ સાથે આ શહેરમાં ભેગા મળ્યા હતા; ૨૮ જેથી તમારી શક્તિ અને તમારા ઇરાદાથી જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું, એ પ્રમાણે તેઓ કરે. ૨૯ હવે હે યહોવા, તેઓની ધમકીઓ પર ધ્યાન આપો અને પોતાના સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ આપો. ૩૦ તમારી શક્તિથી લોકોને સાજા કરતા રહો અને તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં નિશાનીઓ અને અદ્‍ભુત કામો કરાવતાં રહો.” ૩૧ તેઓ વિનંતી કરી રહ્યા ત્યારે, જ્યાં તેઓ ભેગા મળ્યા હતા એ જગ્યા હાલી અને ત્યાં હાજર રહેલા બધા જ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.

it-૧-E ૧૨૮ ¶૩

પ્રેરિતો

ખ્રિસ્તી મંડળમાં કાર્ય. પચાસમાના દિવસે પ્રેરિતો પર ઈશ્વરની પવિત્ર શક્તિ રેડાઈ અને એના લીધે પ્રેરિતોને ખૂબ હિંમત મળી. પ્રેરિતોનાં કાર્યોના પહેલા પાંચ અધ્યાયો પ્રેરિતોની નીડરતાની સાક્ષી પૂરે છે. તેમ જ, જેલ, મારપીટ, શાસકો તરફથી મારી નાખવાની ધમકીઓ છતાં ખુશખબર ફેલાવવામાં અને ઈસુ સજીવન થયા છે એ જાહેર કરવામાં તેઓએ જે હિંમત બતાવી એની સાબિતી આપે છે. પચાસમાના દિવસ પછીના સમયમાં પ્રેરિતોએ પવિત્ર શક્તિની મદદથી જે આગેવાની લીધી એનાથી ખ્રિસ્તી મંડળમાં ઘણો વધારો થયો. (પ્રેકા ૨:૪૧; ૪:૪) તેઓએ શરૂઆતમાં ફક્ત યરૂશાલેમમાં પ્રચાર કર્યો અને સમય જતાં એ કામ સમરૂન અને આખી દુનિયામાં ફેલાવ્યું.—પ્રેકા ૫:૪૨; ૬:૭; ૮:૫-૧૭, ૨૫; ૧:૮.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૪:૧૧) ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે.’

it-૧-E ૫૧૪ ¶૪

ખૂણાનો પથ્થર

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ જણાવે છે કે, ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો એ જ “ખૂણાનો મુખ્ય પથ્થર” (હિબ્રૂ, રોશ પીન્‍નાહ) બનશે. ઈસુએ એ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો અને પોતાને “ખૂણાનો મુખ્ય પથ્થર” (ગ્રીક, કેફાલી ગોનિઆસ) કહીને એને પોતાના પર લાગુ પાડી. (માથ ૨૧:૪૨; માર્ક ૧૨:૧૦, ૧૧; લુક ૨૦:૧૭) જે રીતે ઇમારતનો સૌથી ઉપરનો પથ્થર સહેલાઈથી લોકોનું ધ્યાન ખેંચે છે, એ રીતે ઈસુ ખ્રિસ્ત અભિષિક્તોથી બનેલા ખ્રિસ્તી મંડળનો સૌથી ઉપરનો પથ્થર છે. એને સાચી ભક્તિની ગોઠવણ સાથે સરખાવાય છે. પીતરે પણ ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ના શબ્દો ખ્રિસ્તમાં લાગુ પાડ્યા. એ બતાવે છે કે, ઈસુ ‘એ પથ્થર છે’ જેને માણસોએ નકામો ગણ્યો, પણ ઈશ્વરે એને “ખૂણાનો મુખ્ય પથ્થર” બનવા પસંદ કર્યો.—પ્રેકા ૪:૮-૧૨; ૧પી ૨:૪-૭ પણ જુઓ.

(પ્રેરિતોનાં કાર્યો ૫:૧) અનાન્યા નામે એક માણસ હતો. તેણે અને તેની પત્ની સફિરાએ પણ પોતાની અમુક સંપત્તિ વેચી નાખી.

w૧૩ ૪/૧ ૯ ¶૪

પીતર અને અનાન્યા જૂઠું બોલ્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

નવા ભાઈબહેનોને મદદ કરવા અનાન્યા અને સાફીરાએ પોતાની અમુક મિલકત વેચી. પ્રેરિતોની આગળ અનાન્યાએ પૈસા લાવીને કહ્યું, ‘મારી મિલકતની આ પૂરી રકમ છે.’ પણ એ ખરું ન હતું. તેણે પોતાની માટે અમુક પૈસા રાખી મૂક્યા. યહોવાએ એના વિશે પીતરને જણાવ્યું. એટલે પીતરે અનાન્યાને કહ્યું: “તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.” એ જ સમયે, અનાન્યા ઢળી પડીને મરણ પામ્યો. ત્રણેક કલાક પછી તેની પત્ની આવી. તે જાણતી ન હતી કે પોતાના પતિનું શું થયું છે. તે પણ જૂઠું બોલી. તેથી, તે પણ ઢળી પડીને મરણ પામી.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૪૨)

નવેમ્બર ૨૬–ડિસેમ્બર ૨

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૬-૮

“નવા ખ્રિસ્તી મંડળ પર આવેલી મુશ્કેલી”

(પ્રેરિતોનાં કાર્યો ૬:૧) એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે, ગ્રીક બોલનારા યહુદી શિષ્યોએ, હિબ્રૂ બોલનારા યહુદી શિષ્યો વિરુદ્ધ ફરિયાદ કરી; કેમ કે દરરોજ થતી ખોરાકની વહેંચણીમાં તેઓની વિધવાઓને ભાગ મળતો ન હતો.

bt-E ૪૧ ¶૧૭

‘અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’

૧૭ યરૂશાલેમના નવા મંડળે એક એવી મુસીબતનો સામનો કરવાનો હતો, જે અંદરથી જ ઊભી થવાની હતી. એ મુસીબત કઈ હતી? એ મંડળના મોટા ભાગના સભ્યો પરદેશીઓ હતા, જેઓએ યરૂશાલેમમાં બાપ્તિસ્મા લીધું હતું. તેઓ ઘરે પાછા ફરતા પહેલાં ઘણું શીખવા માંગતા હતા. તેઓની ખાવા-પીવાની અને બીજી જરૂરિયાતો પૂરી કરવા યરૂશાલેમમાં રહેતા શિષ્યોએ રાજીખુશીથી દાન આપ્યું હતું. (પ્રે.કા. ૨:૪૪-૪૬; ૪:૩૪-૩૭) એ સમયે એક મુશ્કેલી ઊભી થઈ. “દરરોજ થતી ખોરાકની વહેંચણીમાં” ગ્રીક બોલતી વિધવાઓને “ભાગ મળતો ન હતો.” (પ્રે.કા. ૬:૧) જ્યારે કે, હિબ્રૂ બોલતી વિધવાઓને એ ભાગ મળતો હતો. એ મુસીબત ભેદભાવના કારણે ઊભી થઈ હતી. એ કોઈ નજીવી મુસીબત ન હતી. એનાથી ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થઈ શકતી હતી.

(પ્રેરિતોનાં કાર્યો ૬:૨-૭) તેથી, બાર પ્રેરિતોએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું: “ઈશ્વરની વાતો શીખવવાનું છોડીને ખોરાકની વહેંચણી કરવી, અમારા માટે યોગ્ય નથી. ૩ એટલે ભાઈઓ, તમારામાંથી સારી શાખ હોય એવા સાત માણસો પસંદ કરો, જેઓ પવિત્ર શક્તિ અને ડહાપણથી ભરપૂર હોય, જેથી અમે તેઓને આ જરૂરી કામ કરવા નીમીએ; ૪ પણ, અમે તો પ્રાર્થના કરવામાં અને ઈશ્વરના સંદેશાને પ્રગટ કરવામાં લાગુ રહીશું.” ૫ તેઓએ જે કહ્યું એ બધાને ગમ્યું. શિષ્યોએ સ્તેફનને પસંદ કર્યો, જે શ્રદ્ધા અને પવિત્ર શક્તિથી ભરપૂર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ અને અંત્યોખના યહુદી થયેલા નિકોલાઉસને પણ પસંદ કર્યા. ૬ શિષ્યો તેઓને પ્રેરિતો પાસે લાવ્યા. પ્રેરિતોએ પ્રાર્થના કર્યા પછી, તેઓ પર પોતાના હાથ મૂકીને મંજૂરી આપી. ૭ પરિણામે, ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ; ઘણી મોટી સંખ્યામાં યાજકો પણ શ્રદ્ધા મૂકવા લાગ્યા.

bt-E ૪૨¶૧૮

‘અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’

૧૮ હવે પ્રેરિતોથી બનેલું નિયામક જૂથ એ મુસીબતનો ઉકેલ કઈ રીતે લાવશે? દિવસે દિવસે વધી રહેલા મંડળની દેખરેખ રાખવાની ભારે જવાબદારી તેઓ પર હતી. એટલે તેઓ આ તારણ પર આવ્યા કે “ઈશ્વરની વાતો શીખવવાનું છોડીને ખોરાકની વહેંચણી” કરવામાં સમજદારી નથી. (પ્રે.કા. ૬:૨) એનો ઉકેલ લાવવા તેઓએ શિષ્યોને એવા સાત માણસો પસંદ કરવા કહ્યું, “જેઓ પવિત્ર શક્તિ અને ડહાપણથી ભરપૂર હોય.” તેમ જ, જેઓને પ્રેરિતો “આ જરૂરી કામ કરવા” નીમી શકે. (પ્રે.કા. ૬:૩) એ કામ માટે યોગ્ય ભાઈઓની જરૂર હતી, કેમ કે એમાં ખોરાક વહેંચણી કરવાનો જ નહિ, પરંતુ પૈસાની લેવડદેવડનો, વસ્તુઓ ખરીદવાનો અને હિસાબ રાખવાનો સમાવેશ થતો હતો. જે માણસોને પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ ગ્રીક નામ ધરાવતા હતા. માણસોને પસંદ કરવામાં આવ્યા; એના લીધે કદાચ એ ગ્રીક વિધવાઓએ ઘણી રાહત અનુભવી હશે, જેઓને દુઃખ પહોંચ્યું હતું. એ સાત માણસોની ભલામણ કરવામાં આવી ત્યારે પ્રેરિતોએ પ્રાર્થનાપૂર્વક એનો વિચાર કર્યો અને તેઓને એ “જરૂરી કામ” માટે નીમ્યા.

(પ્રેરિતોનાં કાર્યો ૭:૫૮–૮:૧) તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો મારવા લાગ્યા. સાક્ષીઓએ પોતાના ઝભ્ભા શાઊલ નામના યુવાનના પગ આગળ મૂક્યા હતા. ૫૯ તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે, તેણે અરજ કરી: “પ્રભુ ઈસુ, હું મારું જીવન તમને સોંપું છું.” ૬૦ પછી, ઘૂંટણે પડીને તે મોટા અવાજે પોકારી ઊઠ્યો: “યહોવા, આ પાપનો દોષ તેઓના માથે મૂકશો નહિ.” આમ કહીને તે મરણની ઊંઘમાં સૂઈ ગયો.

૮ સ્તેફનને મારી નાખવામાં શાઊલની સંમતિ હતી. એ દિવસે યરૂશાલેમના મંડળ પર ભારે સતાવણી આવી પડી; પ્રેરિતો સિવાય બધા શિષ્યો યહુદિયા અને સમરૂનના પ્રદેશોમાં બધી બાજુ વિખેરાઈ ગયા.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૬:૧૫) યહુદી ન્યાયસભામાં બેઠેલા બધા લોકો સ્તેફનને તાકી રહ્યા હતા અને તેનો ચહેરો દૂતના ચહેરા જેવો દેખાતો હતો.

bt-E ૪૫ ¶૨

સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર”

૨ આ સમયે સ્તેફનના ચહેરા પર અલગ જ પ્રકારની શાંતિ નજરે પડે છે. ન્યાયાધીશો તેમને જુએ છે અને તેમનો “ચહેરો દૂતના ચહેરા જેવો” દેખાય છે. (પ્રે.કા. ૬:૧૫) સ્વર્ગદૂતો યહોવા ઈશ્વરનો સંદેશો લોકો સુધી પહોંચાડે છે, એટલે તેઓ નીડર છે તેમજ ધીરજ અને શાંતિ બતાવે છે. સ્તેફન સાથે પણ એવું જ હતું. ગુસ્સાથી તપી ગયેલા ન્યાયાધીશો પણ એ જોઈ શકતા હતા. સ્તેફન આટલી શાંતિ કઈ રીતે જાળવી શક્યા?

(પ્રેરિતોનાં કાર્યો ૮:૨૬-૩૦) પણ, યહોવાના દૂતે ફિલિપને કહ્યું: “ઊઠ અને દક્ષિણે આવેલા યરૂશાલેમથી ગાઝા તરફના રસ્તે જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.) ૨૭ એટલે, તે ઊઠીને ગયો અને જુઓ! ઇથિયોપિયાનો એક મોટો અધિકારી દેખાયો. તે ઇથિયોપિયાની રાણી કંદાકેના હાથ નીચે કામ કરતો હતો અને રાણીના બધા ભંડારોનો કારભારી હતો. તે ઈશ્વરની ભક્તિ કરવા યરૂશાલેમ ગયો હતો. ૨૮ તે પાછો ફરતો હતો અને પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચતો હતો. ૨૯ તેથી, પવિત્ર શક્તિએ ફિલિપને કહ્યું: “જા અને રથની સાથે થઈ જા.” ૩૦ ફિલિપ રથની સાથે દોડ્યો અને યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચતા તેને સાંભળ્યો. ફિલિપે પૂછ્યું: “તમે જે વાંચો છો એ શું ખરેખર સમજો છો?”

bt-E ૫૮ ¶૧૬

“ઈસુ વિશેની ખુશખબર” જણાવી

૧૬ ફિલિપે જે કામ કર્યું હતું, એ કામમાં ભાગ લેવાનો આજે ખ્રિસ્તીઓ પાસે સરસ લહાવો છે. તેઓ ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવા હંમેશાં તૈયાર હોય છે. ઘણી વખત મુસાફરી દરમિયાન તેઓ તક ઝડપીને સંદેશો જણાવે છે. ઘણા કિસ્સાઓમાં, તેઓને નમ્ર દિલના લોકો મળ્યા છે, પણ એવું કંઈ અનાયાસે બનતું નથી. બાઇબલ સાફ જણાવે છે કે દૂતો પ્રચારકામમાં માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી રાજ્યનો સંદેશો “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” જાહેર થઈ શકે. (પ્રકટી. ૧૪:૬) ઈસુએ એક ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે દૂતો પ્રચારકામમાં માર્ગદર્શન પૂરું પાડશે. ઘઉં અને કડવા બીના ઉદાહરણમાં તેમણે કહ્યું કે કાપણીના સમયમાં, એટલે કે, આ દુનિયાના અંતના સમયમાં “કાપણી કરનારા દૂતો છે.” તેમણે ઉમેર્યું કે એ દૂતો “રાજ્યમાંથી ઠોકર ખવડાવનારી સર્વ વસ્તુઓને તથા ખોટાં કામ કરનારા સર્વ લોકોને એકઠા કરશે.” (માથ. ૧૩:૩૭-૪૧) સાથે સાથે એ દૂતો સ્વર્ગના વારસોને પણ ભેગા કરશે. ત્યાર પછી, તેઓ ‘બીજાં ઘેટાંથી’ બનેલા ‘મોટા ટોળાને’ ભેગું કરશે, જેઓને યહોવા પોતાના સંગઠન તરફ ખેંચી લાવવા માંગે છે.—પ્રકટી. ૭:૯; યોહા. ૬:૪૪, ૬૫; ૧૦:૧૬.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૬:૧-૧૫)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો