વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૯ એપ્રિલ પાન ૧-૮
  • એપ્રિલ—આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ—આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૯
  • મથાળાં
  • એપ્રિલ ૧-૭
  • એપ્રિલ ૮-૧૪
  • એપ્રિલ ૨૨-૨૮
  • એપ્રિલ ૨૯–મે ૫
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૯
mwbr૧૯ એપ્રિલ પાન ૧-૮

એપ્રિલ—આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

એપ્રિલ ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૭-૯

“કુંવારા હોવું—એક ભેટ”

(૧ કોરીંથીઓ ૭:૩૨) હું સાચે જ ચાહું છું કે તમે ચિંતાથી મુક્ત થાઓ. કુંવારો માણસ પ્રભુની વાતોની ચિંતા કરે છે કે કઈ રીતે પ્રભુને ખુશ કરવા.

w૧૧ ૧/૧ ૨૦ ¶૩

કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે

૩ પરણેલી વ્યક્તિ કરતાં, કુંવારી વ્યક્તિ પાસે મોટા ભાગે વધારે સમય અને આઝાદી હોય છે. (૧ કોરીં. ૭:૩૨-૩૫) એના લીધે કુંવારી વ્યક્તિ લોકોને શીખવવામાં, બીજાઓને મદદ કરવામાં અને યહોવાહ સાથેનો નાતો પાકો કરવામાં વધારે સમય આપી શકે છે. એટલે અમુક ભાઈ-બહેનો કુંવારા રહેવાથી થતા લાભોની કદર કરે છે. તેઓ થોડો સમય પણ કુંવારા રહીને એ સલાહ “પાળે” છે. અમુક લોકોએ પહેલેથી કુંવારા રહેવાની પસંદગી કરી ન હોય. પણ તેઓના સંજોગો બદલાતા, એના પર પ્રાર્થના કરીને વિચાર કર્યો હોય કે યહોવાહની મદદથી પોતે કુંવારા રહી શકશે. આમ તેઓ પોતાના બદલાયેલા સંજોગો સ્વીકારીને, કુંવારા રહે છે.—૧ કોરીં. ૭:૯, ૪૦.

(૧ કોરીંથીઓ ૭:૩૩,૩૪) પરંતુ, પરણેલો માણસ ઘરસંસારની ચિંતા કરે છે કે કઈ રીતે પોતાની પત્નીને ખુશ કરવી. ૩૪ આમ, તેનું મન બે બાજુ વહેંચાયેલું છે. વધુમાં, અપરિણીત સ્ત્રી અને કુંવારી સ્ત્રી પ્રભુની વાતોની ચિંતા કરે છે, જેથી તે પોતાના શરીર અને મનથી પવિત્ર થાય. જોકે, પરણેલી સ્ત્રી ઘરસંસારની ચિંતા કરે છે કે કઈ રીતે પોતાના પતિને ખુશ કરવો.

w૦૮ ૭/૧ ૨૩ ¶૧

કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો

૭:૩૩, ૩૪—પતિ કે પત્નીને કઈ રીતે “દુનિયાદારીની ચિંતા” હોય છે? યહોવાહને ભજતા પરિણીત યુગલોને રોટી, કપડાં ને મકાનની ચિંતા હોય છે. પણ એનો એ અર્થ નથી કે તેઓ દુનિયાની મોહ-માયામાં ડૂબી જાય છે, કેમ કે એનાથી આપણે દૂર રહેવું જોઈએ.—૧ યોહા. ૨:૧૫-૧૭.

(૧ કોરીંથીઓ ૭:૩૭, ૩૮) પરંતુ, જો કોઈએ પોતાના દિલમાં નક્કી કરી લીધું હોય અને તેને લગ્‍ન કરવાની જરૂર લાગતી ન હોય, પણ પોતાની ઇચ્છા પર કાબૂ રાખતો હોય અને પોતે કુંવારા રહેવાનો મનમાં નિર્ણય કરી લીધો હોય, તો તે સારું કરે છે. ૩૮ તેથી, જે કોઈ પરણે છે તે સારું કરે છે, પણ જે કોઈ પરણતો નથી, તે વધારે સારું કરે છે.

w૯૬ ૧૦/૧૫ ૧૨-૧૩ ¶૧૪

કુંવારાપણું—અવિચલિત પ્રવૃત્તિનું દ્વાર

૧૪ કુંવારો ખ્રિસ્તી પોતાની અપરિણીત સ્થિતિનો ઉપયોગ સ્વાર્થી ધ્યેયો આગળ વધારવામાં કરે તો તે પરિણીત ખ્રિસ્તીઓ કરતા “વધારે સારૂં” કરી રહ્યો નથી. તે “રાજ્યને લીધે” નહિ, પરંતુ વ્યક્તિગત કારણોસર, કુંવારો રહ્યો છે. (માત્થી ૧૯:૧૨) અપરિણીત પુરુષ કે સ્ત્રી “પ્રભુની વાતોની ચિંતા,” અર્થાત્‌ “પ્રભુને કેવી રીતે પ્રસન્‍ન કરવો” એની ચિંતા રાખતા હોવા જોઈએ, અને “એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા” કરતા હોવા જોઈએ. એનો અર્થ થાય કે યહોવાહ અને ખ્રિસ્ત ઈસુની સેવાને અવિભાજિતપણે ધ્યાન આપવું. ફક્ત એમ કરીને જ અપરિણીત ખ્રિસ્તી પુરુષો અને સ્ત્રીઓ પરિણીત ખ્રિસ્તીઓ કરતા “વધારે સારૂં” કરે છે.

કીમતી રત્નો શોધીએ

(૧ કોરીંથીઓ ૭:૧૧) પણ, જો તે જુદી થાય તો તેણે ફરીથી લગ્‍ન કરવા નહિ અથવા તેણે પોતાના પતિ સાથે સુલેહ કરી લેવી; અને પતિએ પોતાની પત્નીને છોડી દેવી નહિ.

lv ૨૫૧-૨૫૩

છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે

સાથીએ વ્યભિચાર કર્યો ન હોય તોપણ, અમુક મુશ્કેલ સંજોગોમાં મંડળમાં કેટલાકે છૂટાછેડા લેવાનો કે અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે. પણ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે આ કિસ્સામાં છૂટા થયેલા પતિ કે પત્નીએ ‘ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના લગ્‍નસાથી સાથે મેળાપ કરીને રહેવું.’ (૧ કરિંથી ૭:૧૧) તેઓને કોઈ બીજા સાથે લગ્‍ન કરવાની છૂટ નથી. (માથ્થી ૫:૩૨) હવે કેટલાક એવા મુશ્કેલ સંજોગોનો વિચાર કરીએ, જેના લીધે અમુકે લગ્‍નસાથીથી અલગ થઈ જવાનું યોગ્ય ગણ્યું છે.

• જાણીજોઈને કુટુંબની સંભાળ ન રાખવી. પતિ કુટુંબની સંભાળ રાખી શકતો હોવા છતાં, એમ કરતો નથી. એના લીધે કુટુંબ કદાચ તંગીમાં આવી પડે. જીવન-જરૂરી વસ્તુઓના પણ ફાંફાં પડવા લાગે. બાઇબલ જણાવે છે: ‘જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.’ (૧ તિમોથી ૫:૮) જો આવો માણસ સુધરવા ચાહતો ન હોય, તો પત્નીએ કદાચ નિર્ણય લેવો પડે કે પોતાના અને બાળકોના ભલા માટે કાનૂની રીતે પતિથી અલગ થવું કે કેમ. કોઈ ભાઈ પર એવો આરોપ હોય કે તે કુટુંબની સંભાળ રાખતો નથી તો, મંડળના વડીલોએ એની પૂરી તપાસ કરવી જોઈએ કે એ આરોપ સાચો છે કે કેમ. પોતાના કુટુંબની જાણીજોઈને સંભાળ ન રાખનારને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવી શકે છે.

• મારપીટ કરવી. પતિ કે પત્ની પોતાના લગ્‍નસાથીને એટલી હદે મારપીટ કરે છે કે શરીરને ઇજા પહોંચે, અરે જીવન પણ જોખમમાં આવી પડે. જો યહોવાને ભજતી કોઈ વ્યક્તિ પર આવો આરોપ મૂકાયો હોય, તો તે ખરેખર મારપીટ કરે છે કે કેમ એ વિષે મંડળના વડીલોએ બરાબર તપાસ કરવી જોઈએ. જો કોઈ ભાઈ કે બહેન વારંવાર ગુસ્સે ભરાય કે નાની નાની વાતમાં હાથ ઉપાડે, તો તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે.—ગલાતી ૫:૧૯-૨૧.

• યહોવાની ભક્તિ કરતા અટકાવવું. પતિ કે પત્ની તેમના સાથી માટે યહોવાની ભક્તિ કરવાનું મુશ્કેલ બનાવી દે છે. અથવા કોઈ પણ રીતે યહોવાનો નિયમ તોડવા તેમના પર બળજબરી કરે છે. આવા કિસ્સામાં, મુશ્કેલીમાં આવી પડેલા લગ્‍નસાથીએ કાનૂની રીતે પોતાના પતિ કે પત્નીથી અલગ થઈ જવાનો નિર્ણય પણ લેવો પડે. ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનવા,’ કદાચ તેમની પાસે આ એક જ રસ્તો બચ્યો હોય.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

(૧ કોરીંથીઓ ૭:૩૬) પણ, જો કોઈ પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતો ન હોય અને જો તેણે યુવાનીનો જોશ પસાર કરી દીધો હોય, તો તેણે આમ કરવું: તે ચાહે એમ કરે, તે પાપ કરતો નથી. તેને લગ્‍ન કરવા દો.

w૦૦ ૭/૧૫ ૩૧ ¶૨

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

તેથી જ, યુવાનોએ જાતીય લાગણીની સભાનતાનો પ્રથમ અનુભવ થતાની સાથે જ લગ્‍ન કરવા માટે ઉતાવળા થવું જોઈએ નહિ. લગ્‍ન માટે વચનબદ્ધતાની જરૂર છે અને જવાબદારીથી રહેવા માટે પરિપક્વતા સુધી પહોંચવું જ જોઈએ. (ઉત્પત્તિ ૨:૨૪) વ્યક્તિ “પુખ્ત ઉમરની” થઈ જાય ત્યાં સુધી રાહ જોવી સારું છે—એ સમયે જાતીય લાગણીઓ પુષ્કળ હોય છે જે વ્યક્તિના નિર્ણયને ફેરવી શકે. (૧ કોરીંથી ૭:૩૬) અને લગ્‍ન કરવાની ઇચ્છા રાખનાર એક પુખ્ત વ્યક્તિ સંભવિત લગ્‍ન સાથી પ્રાપ્ય ન હોવાથી અનૈતિક સંબંધો બાંધવામાં સહભાગી થાય એ કેટલું બિનડહાપણભર્યું અને પાપમય કહેવાય!

બાઇબલ વાંચન

(૧ કોરીંથીઓ ૮:૧-૧૩)

એપ્રિલ ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧૦-૧૩

“યહોવા ભરોસાપાત્ર છે”

(૧ કોરીંથીઓ ૧૦:૧૩) તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા મનુષ્યો પર પણ આવે છે. પરંતુ, ઈશ્વર ભરોસાપાત્ર છે અને તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. પણ, તમારા પર કસોટી આવે ત્યારે, એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે અને તમે સહન કરી શકો એ માટે મદદ કરશે.

w૧૭.૦૨ ૨૯-૩૦

વાચકો તરફથી પ્રશ્નો

પ્રેરિત પાઊલે લખ્યું હતું કે, તમે “સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે [યહોવા] તમારા પર આવવા દેશે નહિ.” (૧ કોરીં. ૧૦:૧૩) શું એનો એવો અર્થ થાય કે યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને ત્યાર બાદ નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે?

▪ જો એ સાચું હોત, તો જરા વિચારો આપણા જીવન પર એની કેવી અસર પડી હોત. માની લો કે એક ભાઈનો દીકરો આપઘાત કરે છે. પિતા નિરાશામાં ડૂબી ગયા છે. પણ તે વિચારે છે: “યહોવાએ અમારું ભાવિ જોયું અને નક્કી કર્યું કે અમે આ કસોટી ખમી શકીશું. એટલે, તેમણે આ કસોટી આવવા દીધી છે.” જોકે, આ દુષ્ટ દુનિયામાં આપણે બધાએ કરુણ બનાવોનો સામનો કરવો પડે છે. તો શું આપણે એમ માની લેવું જોઈએ કે, આપણા જીવનના દરેક બનાવો પર યહોવા કાબૂ રાખે છે?

પહેલો કોરીંથીઓ ૧૦:૧૩ના વધુ અભ્યાસ પરથી આ તારણ કાઢી શકાય: બાઇબલ એ વિચારને ટેકો આપતું નથી કે, યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને પછી નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે. આપણે એમ શાને આધારે કહી શકીએ? ચાલો, ચાર કારણો પર વિચાર કરીએ.

પહેલું, યહોવાએ મનુષ્યોને પસંદગી કરવાની છૂટ આપી છે. યહોવા ચાહે છે કે, આપણે પોતાના નિર્ણયો જાતે લઈએ. (પુન. ૩૦:૧૯, ૨૦; યહો. ૨૪:૧૫) યહોવાને ખુશ કરતા નિર્ણયો લઈએ છીએ ત્યારે, ભરોસો રાખી શકીએ કે તે આપણને માર્ગદર્શન પૂરું પાડશે. (નીતિ. ૧૬:૯) પરંતુ, ખરાબ નિર્ણય લઈશું તો, એનાં પરિણામ પણ ભોગવવાં પડશે. (ગલા. ૬:૭) આપણા પર આવતી કસોટીઓ જો યહોવા પસંદ કરતા હોય, તો શું કહી શકાય કે આપણી પાસે પસંદગી કરવાની છૂટ છે?

બીજું, યહોવા દરેક અણધારી ઘટનાથી આપણને બચાવતા નથી. (સભા. ૯:૧૧) કોઈ વ્યક્તિ ખોટા સમયે ખોટી જગ્યાએ હોવાથી કદાચ કરુણ અકસ્માતનો ભોગ બને. ઈસુએ એક અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુરજ પડી જવાથી ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમણે સ્પષ્ટ કર્યું કે, એની પાછળ યહોવાનો હાથ ન હતો. (લુક ૧૩:૧-૫) એવું માનવું વાજબી નહિ કહેવાય કે, દરેક અકસ્માત પહેલાં યહોવા નક્કી કરે છે કે, કોણ બચશે અને કોણ મરશે.

ત્રીજું, આપણે દરેકે યહોવા પ્રત્યેની વફાદારી સાબિત કરવાની છે. શેતાને યહોવાના ભક્તોની વફાદારી પર સવાલ ઉઠાવ્યો છે. તેણે દાવો કર્યો છે કે, સતાવણીમાં આપણે યહોવાને વફાદાર નહિ રહીએ. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪; પ્રકટી. ૧૨:૧૦) આનો વિચાર કરો: જો યહોવા અગાઉથી જોઈ લે કે કઈ સતાવણી આપણે ખમી નહિ શકીએ અને એનાથી બચાવી લે, તો શું શેતાનનો દાવો સાચો સાબિત નહિ થાય?

ચોથું, દરેકના જીવનમાં શું બનશે એ યહોવા અગાઉથી જોતા નથી. એમાં કોઈ શંકા નથી કે, યહોવા ચાહે તો આપણું ભવિષ્ય જોઈ શકે છે. (યશા. ૪૬:૧૦) પરંતુ, બાઇબલ જણાવે છે કે, તે એમ કરતા નથી. (ઉત. ૧૮:૨૦, ૨૧; ૨૨:૧૨) યહોવા પ્રેમાળ અને ન્યાયી છે. પસંદગી કરવાની આપણી છૂટમાં તે દખલગીરી કરતા નથી.—પુન. ૩૨:૪; ૨ કોરીં. ૩:૧૭.

પાઊલે કહ્યું હતું: “તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે [યહોવા] તમારા પર આવવા દેશે નહિ.” એ શબ્દો જણાવે છે કે, કસોટી પહેલાં નહિ, પણ કસોટી વખતે યહોવા શું કરે છે. જો યહોવા પર ભરોસો રાખીશું, તો તે આપણને ગમે એવી કસોટીમાંથી પાર ઊતરવા મદદ કરશે. (ગીત. ૫૫:૨૨) પાઊલ એમ શાને આધારે કહી શક્યા? ચાલો બે કારણો તપાસીએ.

પહેલું કારણ, આપણે જેવી કસોટીઓનો સામનો કરીએ છીએ, “એવી બધા મનુષ્યો પર પણ આવે છે.” જ્યાં સુધી શેતાનની દુનિયા ચાલશે, ત્યાં સુધી આપણા બધા પર મુશ્કેલ સંજોગો આવશે, અમુક વાર કરુણ બનાવો પણ બનશે. પણ જો યહોવા પર આધાર રાખીશું, તો કસોટીમાં ટકી શકીશું અને વફાદાર રહી શકીશું. (૧ પીત. ૫:૮, ૯) પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૦માં પાઊલે ઇઝરાયેલીઓએ સહન કરેલી અમુક કસોટીઓ વિશે વાત કરી છે. (૧ કોરીં. ૧૦:૧૩, ૬-૧૧) જેઓએ યહોવા પર આધાર રાખ્યો, તેઓ કસોટીમાં પણ યહોવાને વળગી રહ્યા. પણ અમુક ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓએ યહોવા પર આધાર ન રાખ્યો, એટલે વફાદારી જાળવી ન શક્યા.

બીજું કારણ, “ઈશ્વર ભરોસાપાત્ર છે.” એનો શો અર્થ થાય? યહોવાના સેવકોના ઇતિહાસ પર નજર કરો. યહોવાએ હંમેશાં તેઓની કાળજી લીધી છે. તેમની “આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે” તે વફાદાર રહે છે અને મદદ કરે છે. (પુન. ૭:૯) તેમણે આપેલાં વચનો તે હંમેશાં પૂરાં કરે છે. (યહો. ૨૩:૧૪) આપણે ખાતરી રાખી શકીએ કે, (૧) યહોવા એટલી આકરી કસોટી આપણા પર નહિ આવવા દે કે, આપણે વફાદાર ન રહી શકીએ; અને (૨) કસોટી આવે ત્યારે, “એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે.”

યહોવા કઈ રીતે કસોટીમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે? યહોવા આપણી કસોટીઓ હટાવી શકે છે. પણ યાદ કરો, પાઊલે કહ્યું હતું કે, કસોટીઓમાંથી “બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે અને તમે સહન કરી શકો એ માટે મદદ કરશે.” યહોવા આપણને હિંમત આપીને જાણે માર્ગ બતાવે છે, જેથી આપણે તેમને વફાદાર રહી શકીએ. યહોવા કઈ રીતે એમ કરે છે? ચાલો અમુક રીતો જોઈએ.

▪ યહોવા “બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” (૨ કોરીં. ૧:૩, ૪) બાઇબલ, પવિત્ર શક્તિ તથા વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા તે આપણા દિલને શાંતિ અને રાહત આપે છે.—માથ. ૨૪:૪૫; યોહા. ૧૪:૧૬, ફૂટનોટ; રોમ. ૧૫:૪.

▪ યહોવા પવિત્ર શક્તિ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. (યોહા. ૧૪:૨૬) પવિત્ર શક્તિ આપણને બાઇબલના અહેવાલો અને સિદ્ધાંતો યાદ અપાવે છે, જેથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ.

▪ યહોવા દૂતો દ્વારા આપણને મદદ કરે છે.—હિબ્રૂ. ૧:૧૪.

▪ યહોવા ભાઈ-બહેનો દ્વારા પણ આપણને સહાય કરે છે. શબ્દો અને કાર્યો દ્વારા તેઓ આપણને ઉત્તેજન આપે છે.—કોલો. ૪:૧૧, ફૂટનોટ.

પહેલો કોરીંથીઓ ૧૦:૧૩માં જણાવેલા પાઊલના શબ્દો પરથી આપણે શું શીખી શકીએ? યહોવા નક્કી નથી કરતા કે, આપણા પર કઈ કસોટીઓ આવે. પરંતુ, ખાતરી રાખી શકીએ કે, જો આપણે તેમના પર ભરોસો રાખીશું, તો કસોટી સહન કરી શકીશું. યહોવા આપણને કસોટીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે, જેથી તેમને વફાદાર રહી શકીએ.

(૧ કોરીંથીઓ ૧૦:૧૩) તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા મનુષ્યો પર પણ આવે છે. પરંતુ, ઈશ્વર ભરોસાપાત્ર છે અને તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. પણ, તમારા પર કસોટી આવે ત્યારે, એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે અને તમે સહન કરી શકો એ માટે મદદ કરશે.

કીમતી રત્નો શોધીએ

(૧ કોરીંથીઓ ૧૦:૮) વળી, આપણે વ્યભિચાર ન કરીએ, જેમ તેઓમાંના અમુકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં તેઓમાંથી ૨૩,૦૦૦ માર્યા ગયા.

w૦૪ ૪/૧ ૨૯

વાચકો તરફથી પ્રશ્નો

આ કલમ જણાવે છે કે ઈઝરાયેલીઓએ વ્યભિચાર કર્યો ત્યારે એક દિવસમાં ૨૩,૦૦૦ માર્યા ગયા. જ્યારે કે ગણના ૨૫:૯ પ્રમાણે ૨૪,૦૦૦ માર્યા ગયા. આવો ફરક કેમ?

એ બે કલમમાં દેખાતા ફરક પાછળ અનેક કારણો હોય શકે. કદાચ ૨૩,૦૦૦થી ૨૪,૦૦૦ માર્યા ગયા હોય શકે. પરંતુ ચોક્કસ આંકડો ન હોવાથી નજીકનો આંકડો લખવામાં આવ્યો હોય શકે.

બીજું એક કારણ એ પણ હોય શકે કે પ્રેષિત પાઊલ કોરીંથી મંડળમાં ખ્રિસ્તીઓને ચેતવણી આપવા શિટ્ટીમમાં શું બન્યું હતું એ યાદ કરાવતા હતા. કોરીંથ શહેર પણ અનૈતિક કાર્યોના લીધે જાણીતું હતું. તેથી તેમણે લખ્યું: “જેમ તેઓમાંના કેટલાએકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ.” પાઊલ એમ જણાવતા હતા કે વ્યભિચારના કારણે યહોવાહના હાથે ત્રેવીસ હજાર લોકો માર્યા ગયા.

તેમ છતાં ગણના ૨૫ કહે છે: “ઈસ્રાએલ બઆલ-પેઓરના પંથમાં ભળ્યા; અને ઈસ્રાએલ પર યહોવાહનો કોપ સળગી ઊઠ્યો.” પછી યહોવાહે મુસાને આજ્ઞા કરી કે “લોકોના સર્વ મુખ્યોને” મારી નાખવા. એટલે મુસાએ ન્યાયાધીશોને એમ કરવાનું કહ્યું. એ સમયે એક ઈસ્રાએલી માણસ મિદ્યાની સ્ત્રીને પોતાના તંબુમાં લઈ ગયો. ફિનહાસે એ જોયું ત્યારે ઝડપથી તેણે પેલા માણસ અને સ્ત્રીને વીંધી નાખ્યા. ત્યારે ઈસ્રાએલી પરની “મરકી બંધ થઈ.” એ અહેવાલ અંતમાં જણાવે છે: “જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.”—ગણના ૨૫:૧-૯.

એ આંકડા પરથી જોવા મળે છે કે યહોવાહના અને ન્યાયાધીશોના હાથે જેટલા માર્યા ગયા એમાં ‘લોકોના સર્વ મુખ્યોનો’ પણ સમાવેશ થાય છે. એવું લાગે છે એક હજાર જેટલા મુખ્ય હશે. આમ બંને થઈને ચોવીસ હજાર થાય છે. એ આગેવાનોએ પોતે વ્યભિચાર કર્યો કે પછી તેઓ મોઆબના દેવતાઓને યજ્ઞો કરવા લાગ્યા અથવા એમ કરનારા પ્રત્યે આંખ આડા કાન કર્યા હોય શકે. તોપણ તેઓ દોષિત હતા. એનું કારણ કે તેઓ “બઆલ-પેઓરના પંથમાં ભળ્યા” હતા.

“પંથમાં ભળ્યા” એનો શું અર્થ થાય? બાઇબલના એક એન્સાયક્લોપેડિયા એનો અર્થ આમ કહે છે: “એક વ્યક્તિ બીજાની સાથે ભળે છે.” ઈસ્રાએલીઓ તો યહોવાહને સમર્પણ થએલી પ્રજા હતી. એમ હોવા છતાં તેઓ “બઆલ-પેઓરના પંથમાં ભળ્યા” ત્યારે તેઓએ યહોવાહ સાથેનો કરાર તોડી નાખ્યો. એના લગભગ ૭૦૦ વર્ષ પછી, યહોવાહે પ્રબોધક હોશીઆ દ્વારા ઈસ્રાએલીઓ વિષે કહ્યું: “તેઓ બઆલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.” (હોશીઆ ૯:૧૦) પાપમાં જોડાયા એ સર્વ પર યહોવાહનો ન્યાયદંડ આવવાનો જ હતો. તેથી મુસાએ ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું: “બઆલ-પેઓરને લીધે યહોવાહે જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે માણસો બઆલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વેનો યહોવાહ તારા દેવે તારી મધ્યેથી વિનાશ કર્યો છે.”—પુનર્નિયમ ૪:૩.

(૧ કોરીંથીઓ ૧૧:૫, ૬) પણ, જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા વગર પ્રાર્થના કે ભવિષ્યવાણી કરે તો, તે પોતાના શિરનું અપમાન કરે છે, કેમ કે એ તો માથું મૂંડાવેલી સ્ત્રીના જેવી છે. ૬ જો કોઈ સ્ત્રી પોતાનું માથું ન ઢાંકે, તો તેણે પોતાના વાળ કપાવી નાખવા જોઈએ; પણ જો સ્ત્રીને પોતાના વાળ કપાવવાનું અથવા માથું મૂંડાવવાનું શરમજનક લાગતું હોય, તો તેણે પોતાનું માથું ઢાંકવું જોઈએ.

(૧ કોરીંથીઓ ૧૧:૧૦) એટલા માટે, સ્ત્રીએ આધીનતાની નિશાની તરીકે માથું ઢાંકવું જોઈએ અને દૂતોને લીધે પણ એમ કરવું જોઈએ.

w૧૫ ૨/૧૫ ૩૦

વાચકો તરફથી પ્રશ્નો

પ્રકાશક ભાઈની હાજરીમાં કોઈ બહેન બાઇબલ અભ્યાસ ચલાવે તો, શું એ બહેને માથે ઓઢવું જોઈએ?

▪ માથે ઓઢવા વિશે જુલાઈ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં માહિતી આવી હતી. એમાં જણાવ્યું હતું કે એક પ્રકાશક ભાઈની હાજરીમાં જો કોઈ બહેન બાઇબલ અભ્યાસ ચલાવે, તો તેમણે માથે ઓઢવું જરૂરી છે. પછી ભલે એ ભાઈ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક હોય, તોપણ બહેને માથે ઓઢવું જોઈએ. એ વિષયને વધુ ધ્યાનથી તપાસતા લાગે છે કે એ સમજણમાં ફેરફાર કરવો યોગ્ય છે.

બાપ્તિસ્મા પામેલા ભાઈની હાજરીમાં જો બહેન બાઇબલ અભ્યાસ ચલાવે તો તેમણે માથે ઓઢવું જોઈએ. બાઇબલ અભ્યાસ દરમિયાન શીખવવાનું કામ કરીને બહેન એવી સોંપણી હાથ ધરે છે, જે સામાન્ય રીતે ભાઈઓની છે. એવા સંજોગોમાં બહેન માથે ઓઢીને યહોવાએ આપેલા શિરપણાના નિયમને માન આપે છે. (૧ કોરીં. ૧૧:૫, ૬, ૧૦) સાથે આવેલા ભાઈ બાઇબલ અભ્યાસ ચલાવી શકતા હોય અને બહેન ઇચ્છે તો તેમને અભ્યાસ ચલાવવાનું કહી શકે.

હવે માની લો કે, એક બહેન થોડા સમયથી બાઇબલ અભ્યાસ ચલાવે છે. આ વખતે તેમની સાથે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક ભાઈ છે, જે તેમના પતિ નથી. એવા કિસ્સામાં શું એ બહેને માથે ઓઢવાની જરૂર ખરી? એ કિસ્સામાં તેમને માથે ઓઢવાની બાઇબલ આધારિત કોઈ ફરજ પડતી નથી. જોકે એવા સંજોગોમાં પણ મન ન ડંખે માટે બહેન માથે ઓઢી શકે.

બાઇબલ વાંચન

(૧ કોરીંથીઓ ૧૦:૧-૧૭)

એપ્રિલ ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧૪-૧૬

‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’

(૧ કોરીંથીઓ ૧૫:૨૪, ૨૫) છેવટે અંતમાં, ખ્રિસ્ત બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે ત્યારે, પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપી દેશે. ૨૫ કેમ કે ઈશ્વર બધા દુશ્મનોને તેમના પગ નીચે ન લાવે ત્યાં સુધી, તેમણે રાજા તરીકે રાજ કરવાનું છે.

w૯૮ ૭/૧ ૨૧ ¶૧૦

‘મરણ નાશ પામશે’

૧૦ “અંત” એ ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્ય શાસનને સૂચવે છે, જ્યારે ઈસુ નમ્રપણે અને વફાદારીપૂર્વક પોતાના દેવ તથા પિતાને રાજ્ય સોંપી દે છે. (પ્રકટીકરણ ૨૦:૪) ‘સઘળાં વાનાંના ખ્રિસ્તમાં સમાવેશ કરવાનો’ દેવનો હેતુ પરિપૂર્ણ થયો હશે. (એફેસી ૧:૯, ૧૦) જોકે, પ્રથમ ખ્રિસ્તે દેવની સર્વોપરી ઇચ્છાનો વિરોધ કરનાર “સઘળી રાજ્યસત્તા તથા સઘળા અધિકાર તથા પરાક્રમ”નો નાશ કર્યો હશે. એનો અર્થ આર્માગેદન ખાતે થયેલા વિનાશથી વધુ થાય છે. (પ્રકટીકરણ ૧૬:૧૬; ૧૯:૧૧-૨૧) પાઊલ કહે છે: “તે [“દેવ,” NW] પોતાના સર્વ શત્રુઓને [ખ્રિસ્તના] પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.” (૧ કોરીંથી ૧૫:૨૫, ૨૬) હા, આદમથી આવેલાં પાપ અને મરણનાં સર્વ ચિહ્‍નો નાબૂદ કરાશે. તેથી, એ આવશ્યક છે કે દેવ મૂએલાંને ફરી જીવંત કરીને “કબર” ખાલી કરી દે.—યોહાન ૫:૨૮.

(૧ કોરીંથીઓ ૧૫:૨૬) અને છેલ્લા દુશ્મન, મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.

kr-E ૨૩૭ ¶૨૧

ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે

૨૧ પણ, બીમારીને લીધે આવતા મરણ વિશે શું? આદમના પાપની અસરને લીધે મરણના કારમા ઘાથી કોઈ બચી શક્યું નથી. એ આપણો ‘છેલ્લો દુશ્મન’ છે, જેની સામે આપણે દરેકે વહેલા-મોડા હારવું પડે છે. (૧ કોરીં. ૧૫:૨૬) શું આ મરણ આપણા ઈશ્વર યહોવા સામે ટકી શકે છે? યશાયાએ ભાખેલા આ શબ્દોનો જરા વિચાર કરો: ‘તેમણે કાયમને માટે મરણ મિટાવી દીધું છે. પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાંખશે.’ (યશા. ૨૫:૮) જરા એ સમયની કલ્પના કરો. આપણી આ દુનિયા મરણના પંજામાંથી આઝાદ થઈ જશે. ન કોઈ દફનવિધિ, ન કોઈ કબર કે સ્મશાન, ન માતમ ન રૂદન! યહોવા પોતાનું વચન પૂરું કરશે. ગુજરી ગયેલાઓને તે જીવતા કરશે. ત્યારે બધાની આંખોમાં ખુશીના આંસુ હશે! (યશાયા ૨૬:૧૯ વાંચો.) આમ, સગાં-વહાલાંના મરણથી જેઓના દિલ વિંધાઈ ગયા છે, એ પૂરી રીતે રૂઝાશે.

(૧ કોરીંથીઓ ૧૫:૨૭, ૨૮) ઈશ્વરે “બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું.” પણ, જ્યારે કહેવામાં આવ્યું કે ‘બધું આધીન કરવામાં આવ્યું છે,’ ત્યારે દેખીતું છે કે તેમને બધું આધીન કરનાર ઈશ્વરનો એમાં સમાવેશ થતો નથી. ૨૮ પરંતુ, બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે, જેથી ઈશ્વર બધાના રાજાધિરાજ ગણાય.

w૧૨ ૯/૧ ૧૨ ¶૧૭

હજાર વર્ષ માટે શાંતિ, હંમેશ માટે શાંતિ!

૧૭ હજાર વર્ષના અંતે જીવન કેવું હશે, એનું વર્ણન “ઈશ્વર સર્વમાં સર્વ થાય,” એ શબ્દો કરતાં બીજી કોઈ સારી રીતે ન થઈ શકે. જોકે, એનો અર્થ શું થાય? એદન બાગના સમયનો વિચાર કરો. ત્યારે આદમ અને હવા સંપૂર્ણ હતા અને તેઓ યહોવાના શાંતિભર્યા અને સંપભર્યા વિશ્વ કુટુંબનો ભાગ હતા. વિશ્વના માલિક યહોવા પોતે સર્જેલા દરેક ઉપર રાજ કરતા હતા, ભલે પછી તે સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર. તેઓ યહોવા સાથે જાતે વાત કરી શકતા, ભક્તિ કરી શકતા અને આશીર્વાદ મેળવતા. ત્યારે “ઈશ્વર સર્વમાં સર્વ” હતા.

કીમતી રત્નો શોધીએ

(૧ કોરીંથીઓ ૧૪:૩૪, ૩૫) તેમ સ્ત્રીઓએ મંડળોમાં ચૂપ રહેવું, કેમ કે તેઓને બોલવાની છૂટ નથી. એના બદલે, જેમ નિયમશાસ્ત્ર પણ કહે છે, તેમ તેઓએ આધીન રહેવું. ૩૫ જો તેઓને કંઈ જાણવું હોય, તો ઘરે પતિને પૂછવું, કેમ કે સ્ત્રીનું મંડળમાં બોલવું શરમજનક કહેવાય.

w૧૨ ૧૦/૧ ૯, બૉક્સ

શું પ્રેરિત પાઊલે સ્ત્રીઓને બોલવાની મના કરી હતી?

પ્રેરિત પાઊલે લખ્યું: “સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું.” (૧ કોરીંથી ૧૪:૩૪) તે શું કહેવા માંગતા હતા? શું તે એમ કહેવા માંગતા હતા કે સ્ત્રીઓમાં બુદ્ધિ નથી? ના, એવું જરાય નથી. હકીકતમાં, સાચું શિક્ષણ આપતી સ્ત્રીઓનો તેમણે અનેક વાર ઉલ્લેખ કર્યો હતો. (૨ તીમોથી ૧:૫; તીતસ ૨:૩-૫) કોરીંથ મંડળને લખેલા પત્રમાં પાઊલે ફક્ત સ્ત્રીઓને જ નહિ પણ, જેઓ પાસે અન્ય ભાષા બોલવાનું અને ભવિષ્ય ભાખવાનું દાન હતું, તેઓને પણ સલાહ આપી કે કોઈ ઈશ્વરભક્ત બોલતા હોય ત્યારે, ‘છાના રહીને’ શાંતિથી સાંભળવું. (૧ કોરીંથી ૧૪:૨૬-૩૦, ૩૩) કદાચ અમુક ખ્રિસ્તી સ્ત્રીઓ પોતાની નવી માન્યતા વિશે એટલી બધી ઉત્સાહી હતી કે વક્તા બોલતા હોય ત્યારે તેને અટકાવીને સવાલો પૂછતી. એમ કરવાનો ગ્રીક સામ્રાજ્યમાં રિવાજ હતો. સ્ત્રીઓ આ રીતે ભંગ ના પાડે માટે, પાઊલે તેઓને ઉત્તેજન આપ્યું કે ‘ઘરે પોતાના પતિઓને પૂછે.’—૧ કોરીંથી ૧૪:૩૫.

(૧ કોરીંથીઓ ૧૫:૫૩) આ નાશવંત શરીરે અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મરનાર શરીરે અમરપણું ધારણ કરવું પડશે.

w૦૯ ૨/૧ ૩૦ ¶૬

તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’

૬ યહોવાહે સ્વર્ગમાં જનારાને આપેલા વચન વિષે પાઊલે આમ લખ્યું: “રણશિંગડું વાગશે, અને મૂએલાં અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે. કેમકે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.” (૧ કોરીં. ૧૫:૫૨, ૫૩) જેઓ મરણ સુધી યહોવાહને વળગી રહે છે, તેઓનું સ્વર્ગમાં સજીવન થાય છે. પછી તેઓને “અમરપણું” મળે છે, એટલે તેઓનો કદીયે અંત નહિ આવે. પ્રકટીકરણ ૪:૪ જણાવે છે કે તેઓને રાજ કરવાનો અધિકાર મળે છે. તેઓ રાજ્યાસન પર બેસે છે અને તેઓના માથા પર સોનાના મુગટ છે.

w૯૮ ૭/૧ પાન ૨૦

‘મરણ નાશ પામશે’

૭ પછી પાઊલ કહે છે: “મૂએલાંનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે.” (૧ કોરીંથી ૧૫:૪૨) માનવ શરીર, ભલેને સંપૂર્ણ હોય છતાં, વિનાશી છે. એ મારી નાખી શકાય છે. દાખલા તરીકે, પાઊલ કહ્યું કે પુનરુત્થાન પામેલા ઈસુ “ફરીથી કદી કોહવાણ પામશે નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૪) તે કદી પણ, ભલે સંપૂર્ણ હોય છતાં, માનવ શરીરમાં વિનાશી જીવનમાં પાછા ફરશે નહિ. દેવ જે શરીરો પુનરુત્થાન પામેલા અભિષિક્ત જનોને આપે છે, એ તો અવિનાશી—મરણ કે કોહવાણ વિનાનાં છે. પાઊલ કહેવાનું ચાલુ રાખે છે: “અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે; પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે.” (૧ કોરીંથી ૧૫:૪૩, ૪૪) વધુમાં, પાઊલ કહે છે: “આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે.” અવિનાશીપણું એટલે અનંત, વિનાશ નહિ થાય એવું જીવન. (૧ કોરીંથી ૧૫:૫૩; હેબ્રી ૭:૧૫) આ રીતે, પુનરુત્થાન પામેલી વ્યક્તિઓ ઈસુ, “સ્વર્ગીયની પ્રતિમા” ધારણ કરે છે, કે જેમણે તેઓનું પુનરુત્થાન શક્ય બનાવ્યું.—૧ કોરીંથી ૧૫:૪૫-૪૯.

બાઇબલ વાંચન

(૧ કોરીંથીઓ ૧૪:૨૦-૪૦)

એપ્રિલ ૨૯–મે ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૧-૩

“યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’”

(૨ કોરીંથીઓ ૧:૩) આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાની સ્તુતિ થાઓ, જે દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.

w૧૭.૦૭ ૧૩ ¶૪

“રડનારાઓની સાથે રડો”

૪ આપણા પ્રેમાળ પિતાએ પોતાનાં પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ સહ્યું છે, જેમ કે ઈબ્રાહીમ, ઈસ્હાક, મુસા અને રાજા દાઊદ. (ગણ. ૧૨:૬-૮; માથ. ૨૨:૩૧, ૩૨; પ્રે.કા. ૧૩:૨૨) બાઇબલ બતાવે છે કે યહોવા એ દિવસની આતુરતાથી રાહ જુએ છે, જ્યારે તે પોતાના વફાદાર ભક્તોને સજીવન કરશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) એ સમયે, વફાદાર ભક્તો ખુશ હશે અને સારી તંદુરસ્તીનો આનંદ માણશે. યહોવાએ પોતાના પ્રથમ દીકરા ઈસુનું મોત પણ સહ્યું છે, જેના પર તે ખૂબ ‘પ્રસન્‍ન હતા.’ (નીતિ. ૮:૨૨, ૩૦, કોમન લેંગ્વેજ) પોતાના દીકરાને રીબાઈ રીબાઈને મરતા જોવો, યહોવા માટે કેટલું અઘરું હશે! યહોવાનું દર્દ આપણી કલ્પના બહાર છે.—યોહા. ૫:૨૦; ૧૦:૧૭.

(૨ કોરીંથીઓ ૧:૪) તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે, જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીમાં હોય.

w૧૭.૦૭ ૧૫ ¶૧૪

“રડનારાઓની સાથે રડો”

૧૪ દુઃખમાં ડૂબેલી વ્યક્તિને શું કહીને સાંત્વના આપવી, એ કદાચ આપણને ન સૂઝે. છતાં, બાઇબલ જણાવે છે કે, “જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.” (નીતિ. ૧૨:૧૮, કોમન લેંગ્વેજ) દુઃખી લોકોને દિલાસો આપવા અમુકને ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે? પુસ્તિકામાંથી મદદ મળી છે. જોકે, દિલાસો આપવાની એક સૌથી અસરકારક રીત છે, “રડનારાઓની સાથે રડો.” (રોમ. ૧૨:૧૫) બહેન ગેબીના પતિ ગુજરી ગયા. તે જણાવે છે: ‘ઘણી વાર લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે, બસ આંખે આંસુ આવી જાય છે. પણ મિત્રો મારી સાથે રડે છે ત્યારે, મને દિલાસો મળે છે. મને મહેસૂસ થાય છે કે, આ દુઃખ સહેવામાં હું એકલી નથી.’

કીમતી રત્નો શોધીએ

(૨ કોરીંથીઓ ૧:૨૨) તેમણે આપણા પર પોતાની મહોર પણ કરી છે અને આવનાર આશીર્વાદોની સાબિતી મળે, એ માટે આપણા હૃદયમાં પવિત્ર શક્તિ આપી છે.

w૧૬.૦૪ ૩૨

વાચકો તરફથી પ્રશ્નો

અભિષિક્તોને ઈશ્વર તરફથી જે “સાબિતી” અને “મહોર” મળે છે, એ શું છે?—૨ કોરીં. ૧:૨૧, ૨૨.

▪ બ્યાનું: એક સંશોધન પ્રમાણે બીજો કોરીંથી ૧:૨૨માં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “બ્યાનું” તરીકે કરવામાં આવ્યું છે, એ એક ‘કાયદાકીય અને વ્યવસાયિક શબ્દ છે.’ મૂળ ગ્રીકમાં એનો અર્થ, ‘પહેલો હપ્તો, જમા રકમ, ડાઉન પેમેન્ટ કે જામીન તરીકે થાય છે, જે કોઈ વસ્તુની ખરીદી કરતા પહેલાં ચૂકવવામાં આવે છે. એના દ્વારા એ વસ્તુ પર કાનૂની હક સ્થપાય છે. અથવા એના દ્વારા કોઈ કરારને અમલમાં મૂકવામાં આવે છે.’ જ્યારે એક વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે, ત્યારે જાણે તેને બ્યાનું આપવામાં આવે છે. જોકે, તેને મળનાર ઇનામ એટલે કે પૂરેપૂરી ચૂકવણી વિશે બીજો કોરીંથી ૫:૧-૫માં જણાવ્યું છે. એ કલમો પ્રમાણે તેને સ્વર્ગમાં અવિનાશી શરીર અને અમર જીવનનું ઇનામ આપવામાં આવશે.—૧ કોરીં. ૧૫:૪૮-૫૪.

હાલમાં વપરાતી ગ્રીક ભાષામાં સગાઈની વીંટી માટે જે શબ્દ વાપરવામાં આવે છે, એનો અર્થ “બ્યાનું” શબ્દ સાથે મળતો આવે છે. અભિષિક્તો માટે એ કેટલું યોગ્ય છે. કારણ કે, તેઓ ખ્રિસ્તની સાંકેતિક કન્યા બનવાના છે.—૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૨૧:૨, ૯.

▪ મુદ્રા: પહેલાંના સમયમાં કોઈની માલિકી, કરાર કે ખરાઈ સાબિત કરવા હસ્તાક્ષર તરીકે મુદ્રા કે મહોર કરવામાં આવતી. અભિષિક્તોના કિસ્સામાં, તેઓ ઈશ્વરની માલિકીના છે એ બતાવવા સાંકેતિક રીતે તેઓને પવિત્ર શક્તિથી “મુદ્રાંકિત” કરવામાં આવે છે. (એફે. ૧:૧૩, ૧૪) એ મુદ્રા આખરી મુદ્રા ક્યારે બને છે? અભિષિક્ત વ્યક્તિ વફાદારીથી પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કરે એના થોડા સમય પહેલાં અથવા મહાન વિપત્તિ શરૂ થાય એના થોડા સમય પહેલાં.—એફે. ૪:૩૦; પ્રકટી. ૭:૨-૪.

(૨ કોરીંથીઓ ૨:૧૪-૧૬) પરંતુ, ઈશ્વરનો આભાર કે, તે હંમેશાં આપણને ખ્રિસ્ત સાથે વિજયકૂચમાં દોરી જાય છે; ઈશ્વર આપણા દ્વારા દરેક જગ્યાએ પોતાના જ્ઞાનની સુગંધ ફેલાવે છે. ૧૫ કેમ કે ઉદ્ધાર પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં આપણે ઈશ્વર માટે ખ્રિસ્તની મીઠી સુગંધ છીએ; ૧૬ નાશ પામનારા માટે મોત તરફ લઈ જતી મોતની દુર્ગંધ અને ઉદ્ધાર પામનારા માટે જીવન તરફ લઈ જતી જીવનની સુગંધ. અને આવું કામ કરવા કોણ બધી રીતે લાયક છે?

w૧૦-E ૮/૧ ૨૩

શું તમે જાણો છો?

“વિજયકૂચમાં દોરી જાય છે” એમ કહીને પ્રેરિત પાઊલ શાનો ઉલ્લેખ કરતા હતા?

▪ પાઊલે લખ્યું: ‘ઈશ્વર આપણને ખ્રિસ્ત સાથે વિજયકૂચમાં દોરી જાય છે; ઈશ્વર આપણા દ્વારા દરેક જગ્યાએ પોતાના જ્ઞાનની સુગંધ ફેલાવે છે. કેમ કે ઉદ્ધાર પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં આપણે ઈશ્વર માટે ખ્રિસ્તની મીઠી સુગંધ છીએ; નાશ પામનારા માટે મોત તરફ લઈ જતી મોતની દુર્ગંધ અને ઉદ્ધાર પામનારા માટે જીવન તરફ લઈ જતી જીવનની સુગંધ.’—૨ કોરીંથીઓ ૨:૧૪-૧૬.

પ્રેરિત પાઊલ રોમન રિવાજને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા હતા. એમાં દુશ્મન પર જીત મેળવનાર સૈન્યના આગેવાનને માન-સન્માન આપવા સરઘસ કાઢવામાં આવતું. એવા પ્રસંગે યુદ્ધમાંથી લૂંટી લેવાયેલા માલ-સામાન અને બંદી બનાવેલા કેદીઓનું પ્રદર્શન રાખવામાં આવતું. બલિ ચઢાવવા માટે બળદો પણ લઈ જવામાં આવતા. ત્યારે વિજયી આગેવાન અને સૈનિકોને લોકો તરફથી વાહવાહ મળતી. સરઘસના અંતે બળદોનું બલિદાન ચઢાવવામાં આવતું. ઘણા બંદીવાનોને કદાચ મોતને ઘાટ ઉતારવામાં આવતા.

બાઇબલ પરનો એક શબ્દકોશ જણાવે છે: ‘સરઘસ આગળ ધૂપ બાળતા જવાની રોમન પ્રથા’ પરથી જ પાઊલના મનમાં આ શબ્દચિત્ર ઊભું થયું હશે: “ખ્રિસ્તની મીઠી સુગંધ.” એ શબ્દો અમુક માટે જીવન તો અમુક માટે મરણને દર્શાવતા હતા. એ શબ્દકોશ આગળ જણાવે છે: ‘આ સુગંધ વિજેતાઓ માટે જીતની મહેંક હતી, જે કેદી સૈનિકોને મોતની સજાની યાદ અપાવતી હતી, જેની તેઓ કદાચ રાહ જોઈ રહ્યા હતા.’—ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાયક્લોપેડિયા.

બાઇબલ વાંચન

(૨ કોરીંથીઓ ૩:૧-૧૮)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો